ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/યુગપલટા ઘડશે

વિકિસ્રોતમાંથી
← મોરૂ ! મોરૂ ! ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
યુગપલટા ઘડશે
ન્હાનાલાલ કવિ
લજામણીનો છોડ →


૬૩, યુગપલટા ઘડશે




દેવના દુંદુબી ગડગડશે,
યુગોના યુગપલટા ઘડશે.

વૃન્દાવનની કુંપળ કુંપળ, ગોકુળ મથુરા વાટે,
બંસીબટના યમુનાઆરે, ગોમતી સાગર ઘાટે
કૃષ્ણ નિજ બંસરી છલબલશે,
જગતના યુગપલટા ઘડશે.

પ્રલયસન્ધ્યાએ સાન્ધ્યતેજમાં ઘૂમતાં તાંડવકાંડે,
નગરનગરની સ્મશાનચિતામાં, પીંડે ને બ્રહ્માંડે
શંભુ નિજ ડમરૂ ડમડમશે,
વિશ્વના યુગપલટા ઘડશે.

જળટપકાં શમ તિથિને ટપકે, પક્ષપક્ષની ધારે
ઋતુઋતુઓના સરિતાઘાટે, સંવત્સરને આરે
કાળ નિજ ગર્જન ગજવશે,
દિશાના યુગપલટા ઘડશે.

હરિની પાંપણ પલપલશે,
યુગોના યુગપલટા ઘડશે.