લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/સોહાગિયા

વિકિસ્રોતમાંથી
← સોનેરી સોણલા ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
સોહાગિયા
ન્હાનાલાલ કવિ
સૌન્દર્યના દેશ →


સોહાગિયાં


ઉરનાં બારણાં ઉઘાડો, સોહાગિયાં !
ભાગ્યનાં બારણાં ઊઘડશે, સોહાગિયાં !

કાળની કુંજ સમી ઝાડીઓ રે
ઝૂકી જમનાને ઘાટ,
ઝૂકી જમનાને ઘાટ,

પ્રેમના પંખી ડાળે માણતાં,
જગે ઢોળે કિલકિલાટ,
જગે ઢોળે કિલકિલાટ,

સુણજો, ઓ સ્નેહનાં સોહાગિયાં !
જાગો, ઓ સ્નેહનાં સોહાગિયાં !

આભના આગળા ઉઘાડો, સોહાગિયાં !
ભાગ્યનાં બારણાં ઊઘડશે, સોહાગિયાં !