ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/સોનેરી સોણલા
Appearance
← સરોવરિયા ડોલ્યા | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ સોનેરી સોણલા ન્હાનાલાલ કવિ |
સોહાગિયા → |
૬, સોનેરી સોણલાં
નારંગી આભ, મંહી ચંપેરી આભલાં;
આછેરી નીન્દ, મંહી સોનેરી સોણલાં.
દેવદીધાં સોણલાં,
મીઠાં મીઠાં સોણલાં,
મોંઘાં મ્હારાં સોણલાં:
નારંગી આભ, મંહી ચંપેરી આભલાં.
આછી-આછી નીન્દ, મંહી નયનજ્યોત ન્હાઈ છે;
જગતથી જંપીને ઘડી ઝીન્દગી જંપાઈ છે;
મેહુલિયાની પાંખ શી ત્યહાં સ્વપ્નલીલા છાઈ છે;
દેવોની આંખડી શી સ્વર્ગની એ વધાઈ છે.
માનવી રે ! ત્હારાં આયુષ્યનાં સોણલાં;
દેવદીધાં સોણલાં,
જીવનનાં સોણલાં,
આવજો એ સોણલાં:
નારંગી આભ, મંહી ચંપરી સોણલાં.
♣