ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઘમ્મર વ્હલોણા

વિકિસ્રોતમાંથી
← ગોરી ગરબે ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
ઘમ્મર વ્હલોણા
ન્હાનાલાલ કવિ
ચંપેરી જોગિયો →


૫૩, ઘમ્મર વ્હોલણાં





ઘમકે છે કંઈ ઘૂમડીએ ઘમસાણ રે,
સાગરના ઘમ્મર વ્હલોણાં;
ઉછળે છે મંહી ચન્દર ને ભાણ રે,
સાગરના ઘમ્મર વ્હલોણા.

ધરતીની કીધ ગો૨સી વિશાળ રે,
સાગરના ઘમ્મર વ્હલોણાં;
દિશદિશનાં નીર ભર્યા જગપાળ રે,
સાગરનાં ઘમ્મર વ્હલોણા.

શેાધ્યાં શોધ્યાં ચૌદે યે રતન રે,
સાગરનાં ઘમ્મર વ્હલોણાં,
એમ કીધાં કાળના મન્થન રે,
સાગરના ઘમ્મર વ્હલોણા.

આદર્યા'તા દાનવે ને દેવે રે,
સાગરનાં ઘમ્મર વ્હલોણા,
યુગયુગના આદિ હતા એવે રે,
સાગરનાં ઘમ્મર વ્હલોણા.

તે દીના આ ગાજે છે ઘમકાર રે,
સાગરનાં ઘમ્મર વ્હલોણા,
ઝીલજો એ અનન્તના ઉચ્ચાર રે,
સાગરનાં ઘમ્મર વ્હલોણા.