ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ગહન મોરલી
Appearance
← ક્હાનડા ત્હારી બંસી મંહી | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ગહન મોરલી ન્હાનાલાલ કવિ |
ગુજરાતણના બાણ → |
૩૮, ગહન મોરલી
ગહન મોરલી બજાવે મોહન જમનાને તીર,
લાગી તાલાવેલી તનમાં, ઘૂમે ગોપિકા અધીર,
ગહન મોરલી બજાવે.
અનુપ ઝલકે કંઈ નેણ,
મધુર મલકે મુખવેણ,
રસીલી રમતી'તી રેણ,
રમે જમનાના નીર,
ગહન મોરલી બજાવે.
થંભી માઝમ રાત, થંભ્યા ગગને તારલા,
થંભ્યા વાયુપ્રપાત, થંભ્યાં જળ જમના તણાં.
તરે ચન્દ્રિકાના સરવરે જ્યમ ચન્દ્રમા રૂચીર;
તરે એવા મ્હારા ઉરસરે મુજ નાથજી નરવીર;
બોલે પ્રાણના ઉંડાણમાં કંઈ બંસરી ગભીર.
ગહન મોરલી બજાવે.
ભવની મોરલી બજાવે માધવ આભલાને તીર.
♣