લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જાણતલ

વિકિસ્રોતમાંથી
← જગદીવડીઓ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
જાણતલ
ન્હાનાલાલ કવિ
જીવનના જય →


૩૪, જાણતલ




જાણતલ જોષી ! ત્હમે અગમનિગમ અવલોકો જો !
અવલોકી ઉચ્ચરો રે ! આગમના ભેદો ઉંડા.

જાણતલ માજી ત્હમે વાતા વાયરા વાંચો જો !
વાંચીને ભાખો રે  ! શુકુન કોક સોહામણા.

જાણતલ પગી ! ત્હમે પુણ્યપાપપગલાં પરખો જો !
કેડી બતાવો, ઉતારો આ ભવભૂલભૂલામણી.

જાણતલ જોગી ! કાંઈ આવડ્યા અક્ષર લખજો જો !
સર્વસ્વત્યાગી વેરાગીના વેશની તિથિ કહો.

જાણતલ લોક ! ભલા, ત્હમે જીત્યાં, હું હારી જો !
ત્હો યે આતમ કોઈ જય ને આનન્દની પાંખે ઉડે.