ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જગદીવડીઓ
Appearance
← જગતનો દેવમુગટ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ જગદીવડીઓ ન્હાનાલાલ કવિ |
જાણતલ → |
આ અન્તરિક્ષેથી અમે ઉતર્યા, જગદીવડીઓ;
કાંઈ અવની અજવાળણ કાજ,
હરિની જગદીવડીઓ.
જ્ય્હારે અન્ધારાં વિશ્વને ઘેરી વહે, જગદીવડીઓ;
ત્ય્હારે પ્રગટે તારલીઓનાં રાજ,
હરિની જગદીવડીઓ.
અમે વંટોળ વળુંધ્યા કારમા, જગદીવડીઓ;
અમે અનભેની કોરી દેવવાટ,
હરિની જગદીવડીઓ.
આ ભવને સાગર ભયે ભર્યો, જગદીવડીઓ;
ત્ય્હાં અનભે ભવેશ્વરીનો ઘાટ,
હરિની જગદીવડીઓ;
એક અનભે ભવેશ્વરીનો ઘાટ,
હરિની જગદીવડીઓ.
♣