લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/બ્રહ્મચારિણી

વિકિસ્રોતમાંથી
← પ્રેમ પરવ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
બ્રહ્મચારિણી
ન્હાનાલાલ કવિ
બ્રહ્માંડજયિની કવિતા →


૪૩, બ્રહ્મચારિણી





આંગણતળાવડીની પાળે
કે દીઠી મ્હેં તો બ્રહ્મચારિણી રે.

મેઘશ્યામ અંગ, ઉપર પરિધાન તેજનાં;
દિશાઓની પાર જોતી ચાલે:
કે દીઠી મ્હેં તો બ્રહ્મચારિણી રે.

ન્હો'તી એ કોકિલા, કે ન્હો'તી એ સારિકા;
મયૂરીની મીઠપથી બોલે;
કે દીઠી મ્હેં તો બ્રહ્મચારિણી રે.

અગોચર દેશની અગમ્ય કો કેકાવલિ,
પ્રારબ્ધની પાંખડી શી, ખોલે;
કે દીઠી મ્હેં તે બ્રહ્મચારિણી રે.

કીકીનાં કિરણ અન્તરિક્ષને ઓળંગીને
વાદળીની વાતો વાંચી લાવે:
કે દીઠી મ્હેં તો બ્રહ્મચારિણી રે.


મીટ મંહી કેડીઓ ને મારગોને પી જતી;
આકાશ આંખમાં શમાવે:
કે દીઠી મ્હેં તો બ્રહ્મચારિણી રે.

દેવપાંખ સમી એને કુંપળો છાયા કરે;
ફૂલડાં સુગન્ધ ઢોળી લાડે:
કે દીઠી મ્હેં તો બ્રહ્મચારિણી રે.

ઓશરી ને ઓરડે, વિશાળ નગરચોકમાં,
બધે બ્રહ્મપગલીઓ પાડે:
કે દીઠી મ્હેં તો બ્રહ્મચારિણી રે.

દુનિયાની દીવડી શી ઝીણું ઝીણું ઝગમગે;
ભાવીના થાળ ઉરમાં ભરી:
કે દીઠી મ્હેં તો બ્રહ્મચારિણી રે.

જગતની જ્યોત ! જગઅજવાળણ તાહરા
પૂરજો મનોરથો શ્રી હરિઃ
કે દીઠી મ્હેં તો બ્રહ્મચારિણી રે.

આંગણતળાવડીની પાળે
કે દીઠી મ્હેં તો બ્રહ્મચારિણી રે.