ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ધર્મકુમાર

વિકિસ્રોતમાંથી
← દેવોની કે દાનવની? ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
ધર્મકુમાર
ન્હાનાલાલ કવિ
ધીમેથી બોલજો →



ધર્મકુમાર

આવો, આવો, ધર્મસોહાગીના સંઘ ! હરિના હોય ઓરતા રે લોલ;
આવો, કહું ધર્મકુમારની ધન્ય સનાતન વારતા રે લોલ.

સખિ ! પેલો નીલવાદળિયા આભ અનન્ન્તને ઉચ્ચરે રે લોલ;
સખિ ! એને હૈયે ચ્હડી હિમવાન અગમ્યની વાતો કરે રે લોલ.

સખિ ! ત્ય્હાં અગમનિગમના ઓધ સમી નદીઓ વહે રે લોલ;
સખિ ! ત્ય્હાં જ્ઞાનકુટીરની માંહ્ય ઋષિ-તપસી રહે રે લોલ.

સખિ ! રચે ઘેરગંભીર મહાવંન માયાવી ભુલભુલામણી રે લોલ;
સખિ ! ત્ય્હાં ઘાટે ઘાટે તીર્થ, તપોવન તપની ધૂણી રે લોલ.

સખિ ! ત્ય્હાં શ્રુતીસ્મૃતિનો મહાશબ્દ સમીરમાં ગાજતો રે લોલ;
સખિ ! એવો અમુલખ ઉત્તરાખંડ ઢળ્યો બ્રહ્મવાડી સમો રે લોલ.

સખિ ! એ બ્રહ્મવાડીને ચોક ફૂલ્યા બ્રહ્મફૂલડાં રે લોલ;
સખિ ! એના પાવન બ્રહ્મપરાગ ધરતી ભરેને ઊડ્યા રે લોલ.


સખિ ! ત્ય્હાં પ્રગટ્યા ધર્મકુમાર પાંખડીએ પુણ્યની રે લોલ;
સખિ ! એની સ્ફુરતી ધર્મસુવાસ કે ધર્મારણ્યની રે લોલ.

સખિ ! ફરી તીરથતીરથના ઘાટ, તીર્થોદક ઝીલતા રે લોલ,
સખિ ! આવી વસિયા બ્રહ્મકુમાર સાગરની સીમમા રે લોલ.

સખિ ! જ્યહાં ધારમિતી ઘનઘોર કે જળની ગાડીઓ રે લોલ,
સખિ! જ્યહાં આથમતા રવિદેવે કે પગથી પાડીઓ રે લોલ;

સખિ ! જ્યહાં વસતા જાદવરાય જગત્‌સોહામણા રે લોલ;
સખિ ! જ્યહાં પચ્ચાસ સદીની વાતો વદનિધિઘોષણા રે લોલ.

સખિ ! હતો ઉત્તરાખંડનો એક કે મા જ્ઞાનવૈરાગ્યનો રે લોલ;
સખિ ! ત્યહાં વસિયા ધર્મકુમાર, મુગટ ધરી ધર્મને રે લોલ.

સખિ ! જેમ પૂર્વથી જઈ પશ્ચિમે પ્રભાકર ઢળે પ્રભા રે લોલ;
સખિ ! એમ સરયૂનીર ગુજરાતે વહાવી વણી ઉભા રે લોલ.

સખિ ! એનાં પ્રેમભકિતના જળે સરોવર છલી વળ્યા રે લોલ;
સખિ ! મહિ સત્સંગીના સંઘ કે ન્હાઈ થાય નિર્મળા રે લોલ.

સખિ ! ધન્ય ધન્ય એ બ્રહ્મકુમાર, કે બ્રહ્મરસિયા કીધા રે લાલ,
સખિ ! ધન્ય ધન્ય એ ધર્મકુમાર, ધરણીને ધર્મ દીધા રે લોલ.