ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જુગ જાગે
Appearance
← જીવન્સંગમ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ જુગ જાગે ન્હાનાલાલ કવિ |
જુગપલટાના રાસ → |
૬ર, જુગ જાગે
હાં રે જુગ જાગે, રે ! જુગ જાગે;
હાં રે વ્રજરાજ કેરી વાંસલડી વાગે;
રે ! જુગ જાગે.
હાં રે એ તો ઉભો કદંબ કેરે ઝાડે;
હાં રે મધુરમધુરી શી મોરલી વગાડે;
રે ! જુગ જાગે.
હાં રે દિશાવન એ ઝીલે, ને ઝીણું ગુંજે;
હાં રે પડ્યો પડઘો ત્રિલોક કેરી કુંજે
રે ! જુગ જાગે.
હાં રે ઘેરાં ઘેરાં જમનાજીનાં પાણી;
હાં રે ઘેરી છાયા મંહી શ્યામની ઢોળાણી
રે ! જુગ જાગે.
હાં રે વહે અવનીમાં આભ શાં અન્ધારાં;
હાં રે શરદચન્દનીની વરસે ત્યહાં ધારા;
રે ! જુગ જાગે.
હાં રે વિશ્વ ભરી એ અનન્ત ગીત ગાજો;
હાં રે મ્હારાં પોપચાંને પાયણે વિરાજો;
રે ! જુગ જાગે.
હાં રે જુગ જાગે, રે ! જુગ જાગે.
♣