લખાણ પર જાઓ

સિદ્ધરાજ જયસિંહ

વિકિસ્રોતમાંથી
સિદ્ધરાજ જયસિંહ
જયભિખ્ખુ
બાબરો ભૂત →

જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિસિદ્ધરાજ જયસિંહજયભિખ્ખુ
શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ,
પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭

Jaybhikhkhu Janmashatabdi Granthavali
Siddharaj Jaysinh
by Jaybhikhkhu
Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007
© સર્વ હક્ક લેખકના

ISBN : 978-81-89160-79-1

આવૃત્તિ : જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮
પૃ. ૧૪ + ૧૩૮
કિંમત : રૂ. ૮૫

પ્રકાશક
કુમારપાળ દેસાઈ (માનદ મંત્રી)
શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્ર નગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦૦૦૭

મુખ્ય વિક્રેતા

ગુર્જર એજન્સીઝ
રતનપોળ નાકા સામે,
ગાંધી માર્ગ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧
ફોન : ૨૨૧૪ ૯૬૬૦

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૫
૫૧/૨, રમેશપાર્ક સોસાયટી
વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા,
અમદાવાદ-૩૮૦ ૦૧૩
ફોન : ૨૭પપ ૧૭૦૩આવરણચિત્ર : ૨જની વ્યાસ


મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩અર્પણ

સદાય સ્નેહવર્ષા કરતાં,

આત્મીય સ્વજન

શ્રી યોગેશ શાહ

તથા

શ્રીમતી સંગીતા શાહને

(લૉસ એન્જલિસ)

સાદર


જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ

નવલકથા

૧. વિક્ર્માદિત્ય હેમુ
૩. દિલ્હીશ્વર
૫. પ્રેમભક્ત કવિ જયદેવ
૭. ચક્રવર્તી ભરતદેવ

૨. ભાગ્યનિર્માણ
૪. કામવિજેતા
૬. ભગવાન ઋષભદેવ
૮. ભરત-બાહુબલી

નવલિકાસંગ્રહ

૧. ફૂલની ખુશબો
૩. વીર ધર્મની વાતો ભાગ - ૧
૫. માદરે વતન

૨. ફૂલ નવરંગ
૪. વીર ધર્મની વાતો ભાગ - ૨

ચરિત્ર

૧. ભગવાન મહાવીર
૩. ઉદા મહેતા

૨. સિદ્ધરાજ જયસિંહ
૪. મંત્રીશ્વર વિમલ

કિશોર સાહિત્ય

૧. હિંમતે મર્દા
૩. માઈનો લાલ

૨. યજ્ઞ અને ઇંધણ
૪. જયભિખુ વાર્તાસૌરભ


બાળકિશોર સાહિત્ય

૧. બાર હાથનું ચીભડું
૩. પ્રાણી મારો પરમ મિત્ર
૫. નીતિકથાઓ

૨. તેર હાથનું બી
૪. પ્રાણીપ્રેમની કથાઓ
૬. લાખેણી વાતો

બાળસાહિત્ય

૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ)
૨. ફૂલપરી શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ)


જૈન બાળગ્રંથાવલિ

૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૧ (૧૦ પુસ્તિકાનો સેટ)
૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ)

પ્રકાશકીય

ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખુના જન્મશતાબ્દી વર્ષે ‘શ્રી જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ'ના ઉપક્રમે ગુજરાતના સુવર્ણયુગના મહાન ચક્રવર્તી 'સિદ્ધરાજ જયસિંહ'નું ઉજ્વળ ચરિત્ર - પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.

શ્રી જયભિખ્ખુએ સમગ્ર જીવન કલમના ખોળે વ્યતીત કર્યું હતું. માનવમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, નારી સન્માન અને સર્વધર્મસમભાવની ભાવના ધરાવતી ૨૯૭ જેટલી નાનીમોટી કૃતિઓની એમણે રચના કરી હતી અને ગુજરાતની જનતાના હૃદયમાં સ્નેહ અને આદરભર્યું સ્થાન મેળવ્યું હતું. એમના જીવનકાળમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્મો યોજાયા હતા, એ પછી એમના મિત્રોએ એમને સારી એવી રકમની થેલી અર્પણ કરવાનો વિચાર કર્યો, પરંતુ પૈતૃક સંપત્તિનો અસ્વીકાર કરનાર જયભિખ્ખુ સમાજની સંપત્તિનો સ્વીકાર કરે ખરા? એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજકોને એ રકમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને 'શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ'ની સ્થાપના કરી.

આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખુના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખુના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખુ એવૉર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યા છે.

પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખુ

સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ‘ભારતીય સાહિત્ય' વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખુ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આબાલવૃદ્ધ હોંશે હોંશે વાંચે એવી સંસ્કારપ્રેરક અનુપમ ગ્રંથાવલિ, વિમલ ગ્રંથાવલિ, વિદ્યાદીપ ગ્રંથાવલિ અને કમલ ગ્રંથાવલિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને ‘જયભિખ્ખુ નગર' નામ આપવામાં આવ્યું તેમજ જયભિખ્ખુના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં, અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખુ જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખુના ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખુના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખ્ખુ લિખિત 'બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું.

જયભિખ્ખુની જન્મશતાબ્દી નિમિત્તે 'જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય’ અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત 'જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ' એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. જયભિખ્ખુના વિપુલ સાહિત્યસર્જનમાંથી એમની મહત્ત્વની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચરિત્રો, ધર્મકથાઓ અને બાળસાહિત્ય પ્રકાશિત કરી રહ્યા છીએ, જેથી જયભિખ્ખુનું ઉત્કૃષ્ટ સાહિત્ય ગુજરાતના સાહિત્યરસિકોને ઉપલબ્ધ થશે.

જયભિખ્ખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખ્ખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે.

૨૦૦૮
ટ્રસ્ટી મંડળ
શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
 

પ્રસ્તાવના
(પ્રથમ આવૃત્તિ પ્રસંગે)

ગુજરાતને ઘડનાર અને ગુજરાતના સુવર્ણયુગના એક મહાન સમર્થ રાજવીની આ કથા છે. જેવા મહારાષ્ટ્રે શિવાજી મહારાજ છે, એવા જ ગુજરાતે મહારાજ સિદ્ધરાજ જયસિંહદેવ છે. કોઈ વાતે કોઈથી ઊણા-અધૂરા નથી.

ઊણપ કે અધૂરાશ હોય તો ગુજરાતીઓની; ગુજરાતના લઘુતાગ્રંથિથી પીડાતા માનસની ! પરગુણને પહાડ કરીને અને સ્વગુણને પરમાણુ કરીને જોવાની દૃષ્ટિની. આપણે આજ સુધી ઘણી ઘણી ઊજળી છબીઓને કાળી કરી છે. મીનલદેવી જેવી સતીને ભ્રષ્ટ ચીતરી છે; સિદ્ધરાજ જેવા મહાન રાજવીને નમાલો બતાવ્યો છે : ઇતિહાસકારોએ માથામાં હથોડા ઠોકે તેમ ઠોકીને બતાવ્યું છે કે રાણકદેવી તરફ સિદ્ધરાજની કૂડી નજર નહોતી; ને જસમાનું પાત્ર તો કલ્પિત છે; છતાં આપણે એને એમાં રાચતો બતાવવામાં પાછળ રહ્યા નથી.

ઘણાં નાટકો, ઘણી નવલકથાઓ ને ઘણાં ચિત્રપટોએ ગુજરાતના આ સંસ્કૃતિધર રાજવીના માથે વિતાડવામાં બાકી રાખી નથી. કથાવાર્તાનો રસ જમાવવા જતાં એમણે કાળો કેર વર્તાવ્યો છે અને આપણા આગેવાનોએ એમાં કોઈ દિવસ વાંધો લીધો નથી, એમને એમાં કશું અનુચિત લાગ્યું નથી. પણ આજના મંગલ પ્રસંગે જૂની ગૌરવભરી તસવીરોને સ્વચ્છ કરીએ. એના ઉપર આપણી બેદરકારીથી ચોટેલી રજને ધોઈ નાખીએ. જૂની દંતકથાના જાળાંવાળાં ઝાપટી નાખીએ અને એ તસ્વીરને બને તેટલી ચોખ્ખી કરીને પ્રજા સમક્ષ મૂકીએ.

એ ન ભૂલીએ કે ચરિત્રો પ્રજાના ચારિત્ર્યને ઘડે છે.

લધુતાગ્રંથિની હદ થઈ. હવે એ તજી દઈએ. જે પ્રજાએ વિશ્વવંદ્ય પૂ. ગાંધીજી, પૂ. સરદારશ્રી, શ્રી દયાનંદ સરસ્વતી, ઠક્કરબાપા ને રવિશંકર મહારાજ આપ્યા હોય, એ પ્રજા સિદ્ધરાજ આપી જ શકે એમાં આશ્ચર્ય જેવું કંઈ નથી.

હું ઇતિહાસનો વિદ્વાન નથી. પણ એક નમ્ર વિદ્યાર્થી છું. મેં બને તેટલા ઇતિહાસોમાંથી સત્ય તારવવા પ્રયત્ન કર્યો છે. અર્ધસત્યો ને અસત્યોમાંથી દૂર રહેવા યથાશક્ય યત્ન કર્યો છે. ધર્મઝૂનનથી લખાયેલી વસ્તુઓને બને તેટલી ગાળી નાખી છે. છતાંય કોઈ જાણકાર આ વિશે વિશેષ જણાવશે, તો તેનો યોગ્ય સ્વીકાર કરવામાં આવશે.

કોઈ મહાન કાર્ય કર્યાનો દાવો નથી, કારણ કે ગુજરાતના સમર્થ ઇતિહાસકારોએ આ મહાન રાજવીને ક્યારનોય ન્યાય આપી દીધો છે. મેં તો માત્ર તેના આધારે એક કથા લખી છે. કથા પણ નાનાં-મોટાં બંને રસથી વાંચી શકે તે ઢબથી લખી છે.

બાકી તો વાચકો નિર્ણય કરે.

આ રાજાના મનની ઉદારતા એના આખા ચારિત્રને પ્રગટ કરે છે. પોતે પરમ શૈવ. બોતેર લાખનો યાત્રાવેરો માફ કરે. રુદ્રમહાલય પર ધજા ચઢાવી ત્યારે જૈન મંદિરોની ધજા ઉતરાવેલી એમ કહેવાય છે. બીજી તરફ એ પોતે ગિરનારનાં જૈન દેરાંના ઉદ્ધારને માન્ય કરે, શત્રુંજયની યાત્રા કરે. જૈનો એના દાનનાં વખાણ કરે. પર્યુષણ પર્વ અને બીજા મોટા પર્વ દિવસોમાં અમારિ-પડહ વગડાવે; ત્યારે ત્રીજી બાજુ વૈષ્ણવો એને વિષ્ણુનો અવતાર માને. અરે, મિરાતે અહમદીનો લેખક કહે છે, કે સિદ્ધરાજે મુસલમાન ધર્મ સ્વીકારેલો !

સારાંશમાં સહુ એને પોતાનો માને -- એ મહાનુભાવતા આજે ક્યાં છે ? અશોક અને અકબરના વિશાળ હૃદયની સિદ્ધરાજ યાદ આપે છે. આર્ય પ્રણાલી છે કે રાજાએ બધા ધર્મના અનુયાયીઓનું સમાન ભાવે પાલન કરવું. એ નીતિનું આ રાજવીએ બરાબર પાલન કરેલું.

છેલ્લે એટલું પ્રાર્થીએ કે ગુજરાતના સુવર્ણયુગના આ મહાન ચક્વર્તીના ઉજ્જવળ ચારિત્રને વિકૃત ચીતરવાનો હવેથી કોઈ પ્રયત્ન ન કરે; અને કોઈ એવી ચેષ્ટા કરે તો પ્રજાનો વિરોધ એને જરૂર નમાવે. ઇતિહાસકારોની અમૂલ્ય કૃતિઓનો આમાં મેં બહોળો ઉપયોગ કર્યો છે, એ સહુનો હું આભારી છું.

૧ મે, ૧૯૬૦
– જયભિખ્ખુ
 સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ

કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. 'જયભિખ્ખુ' પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી, જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે.

‘જયભિખ્ખુ' જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ'માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને 'કામવિજેતા સ્થૂલિભદ્ર’માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્માદિત્ય હેમુ' માં ઇસ્લામ અને 'પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખુ'એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે.

‘જયભિખ્ખુ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે.

તેમણે લખેલી ‘વિક્માદિત્ય હેમુ, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ' છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન

કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે .

તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ' શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે.

તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં 'માદરે વતન', કંચન અને કામિની', 'યાદવાસ્થળી', 'પારકા ઘરની લક્ષ્મી’, ‘પ્રેમપંથ પાવકની જ્વાલા', ‘શૂલી પર સેજ હમારી' વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે.

વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં 'જયભિખ્ખુ'નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે.

તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું 'નિગ્રંથ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખુના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે.

ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખ્ખુ' એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખ્ખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે.

 'જયભિખ્ખુ'નું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા.

૨૦૦૮
- ધીરુભાઈ ઠાકર
 


લોકપ્રિય રાજાધિરાજ

ગુજરાતનો સર્વથી વધારે લોકપ્રિય અને લોકહૃદયમાં ચિરંજીવ રહેનારો મહારાજાધિરાજ જયસિંહદેવ-સિદ્ધરાજ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ એક ચિરંજીવ વ્યક્તિ છે.

એણે ગુજરાતની સંસ્કારિતાને દૃઢ કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. એ મહાપરાક્રમી, વ્યવસ્થા કુશળ, રાજનીતિજ્ઞ, ઉદાર, પ્રજાવત્સલ, લોકમાં ભળી તેનાં સુખદુ:ખ જાણનારો, બ્રાહ્મણ અને જૈન ઉપરાંત બીજા ધર્મો તરફ સમાન દૃષ્ટિ રાખનારો, વિદ્યા-સંસ્કારોને પોષનારો, વિદ્વાન અને ધાર્મિક પુરુષોને માન આપનારો, અને એવા અનેક ગુણોથી શોભતો, ભૌગોલિક દૃષ્ટિએ પણ ગુજરાતનો ખરેખર મહારાજા હતો,

હાલના ગુજરાતે સાંસ્કૃતિક ઐક્યનો મૂળરાજના સમયથી કરેલો આરંભ, આ મહારાજાધિરાજના સમયથી સંપૂર્ણ સધાયો હતો.

- સ્વ. શ્રી રત્નમણિરાવ
 
સિદ્ધરાજ જયસિંહ
 

Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.