સિદ્ધરાજ જયસિંહ/ખેંગારે નાક કાપ્યું
← મામો માર્યો | સિદ્ધરાજ જયસિંહ ખેંગારે નાક કાપ્યું જયભિખ્ખુ ૧૯૬૦ |
દારુ એ દાટ વાળ્યો → |
રડીબામ ! રડીબામ !
પાટણની પોળે પોળે બૂંગિયો વાગી રહ્યો. ચોકીદારો દોડાદોડ કરતા હોકારા-પડકારા કરવા લાગ્યા.
દરવાનો ભાલા લઈને દોડ્યા. શૂરા પટણીઓ સમશેર તાણીને ધાયા. શૈવ, જૈન કે ક્ષત્રિય બધા એ વખતે તલવાર બાંધી જાણતા ને રણના ખેલ ખેલી જાણતા.
ઓ જાય ! ઓ જાય ! ઓ ભાગ્યો જાય !
લોકો ઘોડા પર પવનવેગે જતા અસવારો તરફ આંગળી ચીંધતા હતા. ભાગનારા અસલી પાણીપંથી કાઠિયાવાડી ઘોડીઓ પર હતા.
કેટલાક જોદ્ધાઓ ઘોડાસરમાં દોડ્યા. એમણે જાણીતા અરબી ઘોડાઓ કાઢ્યા, સામાન નાખ્યો ન નાખ્યો ને મૂક્યા વહેતા !
પાટણનો રાજા સિદ્ધરાજ આ વખતે કચેરી ભરીને બેઠો છે. ઇંદ્રરાજાના દરબાર જેવી એના દરબારની શોભા છે. એકને જોઈએ અને એકને ભૂલીએ એવા નરવીરો ત્યાં બેઠા છે !
ઇંદ્રની યાદ આપતો સિદ્ધરાજ સિંહાસન પર બેઠો છે. બે તરફ છત્ર અને બે તરફ ચામર ઢળે છે. એના હાથ લાંબી ભોગળ જેવા છે. વારંવાર નાનકડી મૂછો પર હાથ જાય છે.
મોં પર રાજવંશી તેજ ઝળહળે છે. આંખમાં સિંહનો જુસ્સો છે. અવાજમાં વાદળની ગર્જના છે.
સિદ્ધરાજની બાજુમાં બે મહામંત્રીઓ બેઠા છે. એક તો પિતા કર્ણદેવના વખતના મહામંત્રી મુંજાલ છે. બીજા છે આજના મહાઅમાત્ય સાંતૂ-સંપત્કર. બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા છે. વાણીમાં અમૃત જેવા છે. યુદ્ધમાં કાર્તિકેય જેવા છે.
એક બાજુ મહામંત્રી ઉદયન છે. વીરતા અને બુદ્ધિમત્તામાં એમનો જોટો નથી.
એનાથી આગળ મંત્રીરાજ કેશવ છે. કેસરી સિંહની યાદ અપાવે એવો એનો ચહેરો - મહોરો છે. બીજી તરફ મહામંત્રી દાદાક છે. પાટણનું નવલખું મોતી છે. એમના પછી મંત્રી મહાદેવ છે. બુદ્ધિ અને બળ બંનેના એ દેવ છે. આ મંત્રીઓ કલમ, કડછી ને બરછીમાં અજોડ છે. યુદ્ધમાં મોખરે રહી મરનારા છે. ગુજરાતની વફાદારી માના ધાવણમાં પીને જન્મ્યા છે.
આ મંત્રીઓ સેનાપતિઓનું પણ કામ કરે છે.
સભામાં કવિઓ પણ છે. સરસ્વતી જેમની જીભે છે, એવા પાશુપતાચાર્ય છે. સિદ્ધરાજ જેને પ્રતિપન્નબંધુ કહે છે, એ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલ પણ છે. બંને માને છે કે અમારી સરસ્વતી પર રાજાની કૃપા વરસે છે.
સભામાં ધર્માસન પર દુર્લભરાજ અને ભીમદેવના ગુરુમઠાધીશ જ્ઞાનદેવ બિરાજેલા છે. મહા જ્ઞાનવાન છે. ઉદાર મનવાળા છે. રાજકારણી લોકો ધર્મના નામે ઝઘડા કરે, ત્યારે સમાધાન કરાવનારા છે.
આ પછી આ નગરના કોટ્યાધીશો ને લક્ષાધીશો બેઠા છે. કાને કર્ણફૂલ છે. એક એક કર્ણફ્લ લાખ લાખનું છે. હાથે ઈરાનના હીરાના બાજુબંધ છે. ગળામાં નવસેરા હર છે. એ નીલમના છે. પગમાં મોતીજડી મોજડી છે. રાજભંડારમાં છે એનાથી અધિકું ધન એમની પાસે છે. ઘરને ટોડલે લાખે લાખે એકેકો દીવો બળે છે; કરોડે ધજા ફરકે છે : એવો અહીંનો રાજનિયમ છે.
આ પછી શૂરા સામંતો છે. સંધિ-વિગ્રહમાં ચતુર એલચીઓ છે.
થોડે દૂર રાજમાતા મીનલદેવી બેઠાં છે. હમણાં એમણે રાજકાજમાંથી છુટ્ટી લીધી છે. ભગવાનને ભજે છે ને યાત્રાઓ કરે છે. છતાં નજર બધે રાખે છે !
સિંહાસનની પાછળ ન કળાય એ રીતે બાબરો બેઠો છે. એ બોલતો નથી, વાત કરતો નથી. એ તો મહારાજ સિદ્ધરાજનો પડછાયો છે. સિદ્ધરાજથી ડરે એના કરતાં માણસો એના પડછાયાથી વધુ ડરે છે !
બાબરો સિદ્ધ છે. વાવ એક દહાડામાં બાંધે. સરોવર કે કિલ્લા બાંધવા એને મન રમત ! એનું ય પોતાનું લશ્કર - હજારોની સંખ્યામાં. કોઈ શિલ્પી, કોઈ કડિયા, કોઈ કામદાર. એ લશ્કરને કહ્યું કે એક રાતમાં રસ્તો બાંધો; તો બીજે દિવસે રસ્તો તૈયાર !
સભા હકડેઠઠ ભરાઈ છે. બંદીજનો ગીત ગાય છે. ચારણો કવિત કરે છે. કવિઓ કલ્પનાને રમાડે છે !
સિદ્ધરાજ આનંદથી બેઠો છે. એના મનમાં પોતાના રાજમાં શું શું કરવું, એના વિચારો ચાલે છે. સાવજ સાથે વગર હથિયારે બાખડે એવા પટણી યોદ્ધાઓને નીરખી એનું મન હરખાય છે. જમ સાથે જુદ્ધ કરે એવા મંત્રીઓને જોઈને ગર્વ અનુભવે છે.
વાહ મારું ગુજરાત ! ગુજરાત કંઈ થવું છે ! ભલી મારી ભોમકા !
ત્યાં પાટણના પૂર્વ દરવાજાનો ચોકિદાર ભારસિંહ આવ્યો. સાત પેઢીથી એના વંશમાં દરવાનપદ ચાલ્યું આવતું હતું. આવ્યો એવો એ ભૂમિ પર પડી ગયો. એના શરીરમાંથી લોહીના ફુવારા ઊડતા હતા.
'ભારસિંહ ! શું છે ?' મહાઅમાત્ય સાંતૂએ કહ્યું.
'મહારાજ ! પાટણનું નાક કપાયું, મારું જીવન ધૂળ મળ્યું !' ભારસિંહ બોલ્યો.
'પાટણનું નાક કાપનાર પૃથ્વી પર હજી જન્મ્યો નથી.' સિદ્ધરાજ તલવાર ખેંચીને ખડો થઈ ગયો. એના મોં પર લોહીની શેડો ફૂટી રહી.
'મહારાજ પાટણનો પૂર્વ દરવાજો તૂટ્યો. એ દરવાજો પાટણનું નાક કહેવાતો. એ દરવાજાની રક્ષા અમારું જીવનવ્રત છે. એ દરવાજો આજે તૂટ્યો. અમે બધું હારી બેઠા, જીવવું-મરવું સરખું કરી બેઠા.'
'કોણે દરવાજો તોડ્યો ?' સિદ્ધરાજે સિંહગર્જના કરી.
'જૂનાગઢના રા'ખેંગારે.'
'ઓહ ! નવઘણના નાના દિકરાએ ? અરે, એ તો મારો સમોવડિયો છે. એને હું ભરી પીશ. ભારસિંહ ! દરવાજા તોડ્યે કંઈ ન વળે. જીવતા દરવાજા જેવા આપણે બેઠા છીએ. હવે પાટણના દરવાજા આજથી ખુલ્લા મૂકી દો ! ચાલ્યા આવે, જેને આવવું હોય તે !' મહારાજ સિદ્ધરાજે પડકાર કરતાં કહ્યું.
'પાટણના નાથ ! એટલું હોત તો હું અહીં ન આવત. ત્યાં જ સામી છાતીએ લડી લેત ને લૂણ હલાલ કરતો મરીને સ્વર્ગ સંચરત; પણ એણે તો પાટણના નાથનું નાક કાપ્યું !'
'મારું નાક સલામત છે.' સિદ્ધરાજે ગર્વમાં ને મશ્કરીમાં પોતાના નાકે હાથ મૂકતાં કહ્યું.
ભારસિંહ અકળાતો બોલ્યો : 'એમ નહિ, મહારાજ ! આપને માટે નક્કી કરેલી કન્યાને ખેંગાર ઉપાડી ગયો.'
'ઉપાડી જવા દો. કન્યાનો ક્યાં દુકાળ છે ? પણ બીજી રીતે એ આપણું અપમાન કહેવાય, પાટણનું અપમાન કહેવાય. અથવા ત્રીજી રીતે કહો તો આપણને લડાઈ માટે આમંત્રણ કહેવાય. હવે આપણાથી બેસી ન રહેવાય.'
સિદ્ધરાજે આટલું બોલી મંત્રીઓ તરફ જોતાં કહ્યું :
'અરે, મંત્રીરાજ ! હમણાં ને હમણાં લશ્કરને તૈયાર કરો. એ ભાગેડુ કેટલો ભાગે છે, તે જોઈશું. પણ હું જાણવા માગું છું કે, મારું મંત્રીમંડળ આ પ્રવાહો વિશે કંઈ જાણે છે ખરું? દરેક વસ્તુના અંદર ને બહાર - એમ બે પ્રકાર હોય છે. રાજાએ બંને રીત જાણવી રહી.
'અવશ્ય, પાટણપતિ ! સોરઠના રાજાનો અને પાટણના નાથોનો ઝઘડો જૂનો છે. આપણા વડવા મહારાજ મૂલદેવરાજના પિતા રાજ સોલંકી ત્યાં મરાયેલા, ત્યારની ગાંઠ પડી ગયેલી. પાટણપતિઓ શૈવધર્મી અને એમના દેવ સોમનાથ સોરઠમાં. સોમનાથની યાત્રામાં અવારનવાર આડખીલી ઊભી કર્યા કરે. ગ્રહરિપુ નામનો સોરઠનો એક રાજા યાત્રાળુઓને બહુ હેરાન કરતો. મૂળરાજદેવે સોરઠ પર ચઢાઈ કરી ગ્રહરિપુને ઠાર મારેલો.'
'એ જ પરાક્રમી પિતામહોનો તું પુત્ર છે, વત્સ ! સોમનાથ તારા દેવ છે. આતતાયીનો નાશ એ તારો ધર્મ છે.' મીનલદેવી વચ્ચે બોલ્યાં. એ પોતે હમેશાં મૌન સેવતાં, પણ પ્રસંગે આવાં નીતિવચનો બોલતાં.
'મા ! એમાં મને નહિ કહેવું પડે. સિહણનાં સંતાન શિયાળ ન હોય !' સિદ્ધરાજે કહ્યું. એમાં ભક્તિ હતી, દૃઢતા હતી. ‘હા મંત્રીરાજ, આગળ કહો.'
'મહારાજ ! એ પછી પેઢીનાં વેર બંધાયાં, આખરે રા' નવઘણ ગાદીએ આવ્યો. ગુજરાતમાં કંઈ ને કંઈ ધમાલ કર્યા કરે. એક વખત અમે એને નળકાંઠાની બાજુ પાંચાળમાં ભિડાવ્યો, ઘોડેથી નીચો પાડયો ને તલવાર આંચકી લીધી. રાજાને બનતાં સુધી ન મારવો, એ આપણી જૂની નીતિ છે. એટલે મોંમાં તરણું લેવરાવી એને છૂટો કર્યો.'>*[૧]
'શાબાશ ! તમે પાટણની પ્રતિષ્ઠાને છાજે તેવું કામ કર્યું. હાં પછી ?...' સિદ્ધરાજે વાત આગળ જાણવાની ઇંતેજારી જાહેર કરી. 'રા' નવઘણ પાછો ફર્યો, પણ બોલતો ગયો કે પાટણનું નાક ન કાપું તો મારું નામ નવઘણ નહિ. વેર-ઝેર તો ભારે ઊભાં થયાં. ગુજરાત અને સોરઠના લોકોના દિલમાં ગાંઠો પડી ગઈ, પણ ઝેર-વેરના વાવનારા જાણતા નથી કે ઠાકર એનાં લેખાં લે છે : રા'નવઘણને એકાએક જમનાં તેડાં આવ્યાં.' મંત્રી વાત કરતા થોભ્યા.
સિદ્ધરાજે વચ્ચે કહ્યું : 'કેટલાક મૂર્ખ રાજાઓ એમ માને છે કે પોતે અમરપટો લખાવીને આવ્યા છે.'
મંત્રીરાજે વાત આગળ ચલાવતાં કહ્યું : 'મરતી વખતે એણે કુંવરોને બોલાવીને કહ્યું કે પાટણનું નાક કાપે એ મારી ગાદી લે. મહારાજ ! પાટણ સામે લડવું એ બચ્ચાંના ખેલ નથી, એ બધા જાણતા હતા. પણ એનો નાનો દીકરો ખેંગાર ભારે જબરો, ભારે સાહસિક, ભારે જવાંમર્દ ! એણે પ્રતિજ્ઞા લીધી. મરતા બાપના મોંમાં પાણી મૂક્યું. એણે કહ્યું : 'હું પાટણનું ને સિદ્ધરાજનું બંનેનું નાક કાપીશ.
- ↑ *આ પ્રસંગ સિદ્ધારાજ સાથે બનેલો, એમ પણ કહેવાય છે, અને એનું વેર રહી ગયેલું.
'એટલે એણે આજ આ કામ કર્યું ? પણ વારુ, જો આમ હતું તો અત્યાર સુધી આપણે કેમ બેસી રહ્યા ? રોગ અને શત્રુને તો ઊગતા ડામવા જોઈએ.' સિદ્ધરાજે પ્રશ્ન કર્યો.
'કોઈ બેસી રહ્યું નથી, બેટા !' મીનળદેવી વચ્ચે બોલ્યાં : 'અગિયાર અગિયાર વાર ચઢાઈ લઈ ગયા, પણ પાછા પડ્યા. દેશ ભારે વંકો, પાણીની ભારે તંગી, એટલે આપણું સૈન્ય સોરઠના રાજાના હાથે માર ખાતું.'
'એમ કે ?' સિદ્ધરાજ એટલું બોલી ચૂપ થઈ ગયો. એનું માથું સ્થિર થઈ ગયું. થોડી વારે એણે દૃઢતાપૂર્વક કહ્યું :
'તો સોરઠની ચઢાઈની આગેવાની હું લઉં છું. આજે જ બધે ખબર આપી દો. અને...'
સિદ્ધરાજે પોતાની નજર પાછળ ફેરવતાં કહ્યું :
'મિત્ર બર્બરક ! જુદ્ધ માટે માર્ગ સરળ જોઈએ. પુરવઠાનો ને પાણીનો પ્રબંધ જોઈએ. જરૂર પડે ત્યાં કિલ્લા બાંધો. આપણું લશ્કર એટલે સુધી જઈને કિલ્લામાં આરામ લે. વળી પછી આગળ વધે. વળી આરામ લે. આ માટે પહેલો વઢવાણનો કિલ્લો તાબડતોબ બાંધો. રસ્તે વિસામા ને વાવ બાંધો. તમારાં બધાં માણસોને એ કામે વળગાડી દો !'
બાબરાએ આગળ આવી મસ્તક નમાવ્યું. એને બોલવાનું તો હોય જ શું? તરત હુકમની તામીલ કરી લીધી.
આખા પાટણમાં રાતોરાત તૈયારીઓ થઈ ગઈ. ઠેર-ઠેરથી સૈનિકો આવવા લાગ્યા. ઝડપ એ તો સિદ્ધરાજનો મૂલમંત્ર હતો.
મહારાજ સિદ્ધરાજનું આ પહેલું યુદ્ધ હતું. નાનો પણ રાઈનો દાણો હતો. એના બુદ્ધિ-બળમાં અને અજેયતામાં બધાંને વિશ્વાસ હતો.
બાબરો તો ક્યારનો વિદાય લઈ ગયો હતો, અને એની ભૂતસેનાએ ભારે કામ આદરી દીધું હતું.
ક્યાંક એક રાતમાં રસ્તા થઈ જતા.
ક્યાંક બે રાતમાં વાવ ગળાઈ જતી. વાવમાં મીઠાં પાણી છલકતા. ચાર રાતમાં વિસામા તૈયાર. લશ્કર માટે અન્નના ભંડાર ઠેરઠેર ભર્યા મળે. લોકો બાબરા ભૂતના ચમત્કારની વાતો કરતા; એની સિદ્ધિની ચર્ચા કરતા.
એક સારા દિવસે સિદ્ધરાજે ભગવાન શંકરના મંદિરમાં દર્શન કર્યા.
રાજમાતા મીનળદેવીના પાય પૂજી આશિષ માગી.
પછી બ્રાહ્મણોના જપમંત્રો સાંભળ્યા, અને પોતાની ગજસેના હાંકી.
પાછળ ઘોડેસવારો, એ પછી પગપાળા ચાલતા સૈનિકો નીકળ્યા. આખા નગરમાં યુદ્ધના ઉત્સવ જેવું થઈ ગયું.
દડમજલ ચાલતા લશ્કરે વઢવાણના કિલ્લામાં મુકામ કર્યો.