સિદ્ધરાજ જયસિંહ/દારુ એ દાટ વાળ્યો
← ખેંગારે નાક કાપ્યું | સિદ્ધરાજ જયસિંહ દારુ એ દાટ વાળ્યો જયભિખ્ખુ ૧૯૬૦ |
પાણી એજ પરમેશ્વર → |
ગુજરાતની પહેલી રાજધાની ગિરિનગર.
એ આજનું જૂનાગઢ.
જૂનાગઢમાં રા'ખેંગારનું રાજ.
રા'ખેંગાર શૂરવીરતાનો અવતાર. એની સેના ભારે જબ્બર; અને એથીયે જબ્બર એનો ગઢ ગિરનાર.
ગિરનાર જે રક્ષા કરે, એ કોઈ ન કરે !
ગિરનાર પર બધાને ગર્વ. અહીંના સોરઠિયા યોદ્ધા પર સહુને ગર્વ. અહીંની માણકી અને તાજણ ઘોડીઓ પર સહુને ગર્વ.
'સિંહ તો સોરઠના ! જયસિંહ તો ગુજરાતનું ગીધડું !'
ભાટ-ચારણોએ ગીત ઉપાડ્યાં !
'ગુજરાતની રાણી સોરઠમાં !દક્ષિણની મીનલદેવી હવે ગુજરાત પણ સોરઠને કાંચળીમાં આપી દેશે.' બંદીજનો કહેવા લાગ્યા. ગુજરાતની કુંવરી સોરઠમાં આવી, એ જાણે વિજયની પહેલી નિશાની આવી.
લોકો 'ગુજરાતની રાણી'નો જયજયકાર કરવા લાગ્યા. આનંદ-ઉછરંગ ચાલવા લાગ્યો.
દારૂના બધા ખાસ શોખીન. દારૂ ભરરંગમાં ઊડવા લાગ્યો.
સમાચારો આવ્યા કે સધરો જેસંગ જાતે ચડ્યો છે. મોટી દરિયા જેવી સેના સાથે છે. વચ્ચે વઢવાણમાં એણે કિલ્લો બાંધ્યો છે, ત્યાં આરામ લેવા થોભ્યો છે.
બાબરો ભૂત મદદમાં છે !
એક રાતમાં જળનું સ્થળ ને સ્થળનું જળ કરે છે !
ખેંગાર હસીને બોલ્યો :
'એનાથી કંઈ ન વળે. એ જયસિંહ મારો ગિરનાર જોશે કે એની છાતી ફાટી જશે. એવો ડુંગર એણે બાપદાદામાં એકવાર પણ જોયો નહિ હોય !'
‘હા, હા, બાપુ ! અને એને હારવાની ક્યાં નવાઈ છે ? અગિયાર-અગિયાર વાર તો હાર્યો, અને આ બારમી વાર ! નાકકટ્ટાને પછી કપાવવાનું શું?'
ત્યાં બીજો ગુપ્તચર આવ્યો. એણે સમાચાર આપ્યા કે, 'સધરો જેસંગ વઢવાણથી આગળ વધ્યો છે.'
ખેંગાર કહે : 'એ ગીધડાથી તો ગિરનારના ગઢની કાંકરી પણ ખરવાની નથી. લહેર કરો. અરે, લાવો સુરા ! અરે, દેસળરાજ, અરે, વિસળરાજ, ભરો કટોરા !'
'હુકમ, મામાશ્રી !' દેસળે કટોરા ભર્યા.એક ઉપર એક ઊડવા માંડ્યા.
'અને મામા ! મારાં ગુજરાતી મામીને નહિ ? એણે દાખનો દારૂ જોયો નહિ હોય.'
'અરે, જા, જા, જઈને મારી ભેટ આપી આવ ! આજ મારાથી મહેલે નહિ આવી શકાય. કહેજે કે મારા મામાએ સમ આપીને સુરા મોક્લી છે.' 'વાહ, જૂનાગઢના નાથ ! જામ પીધો પ્રમાણ ! ઉપર આકાશ ને નીચે પાતાળ ! બધે તારું રાજ ! ઝખ મારે સધરો જેસંગરાજ !'
ભાટોએ વખાણ શરૂ કર્યા. રાજાને પોરસ ચઢાવવા માંડ્યો. પોરસમાં ને પોરસમાં જામ પર જામ ભરાવા લાગ્યા. ખૂબ પિવાયો. બધા ચકચૂર થઈ ગયા.
દેસળ ઊભો થતો બોલ્યો : ‘હાં, લાવો, ગુજરાતી મામી માટે.’
ને એક મોટા પાત્રમાં સુરા લઈને દેસળ નીકળ્યો. ગિરનારનો એ ગિરેબાજ ગરુડ હતો. ભારે લડવૈયો હતો. રંગમાં આવે તો આખી સેનાને ભારે પડે, પણ લહેરી પૂરો. ગીત ગાતો-ગાતો ચાલ્યો. લથડિયાં ખાતો- ખાતો ગુજરાતી રાણીના મહેલે પહોંચ્યો.
ગુજરાતી રાણી સિંગાર કરીને બેઠી હતી. જૂનાગઢની ગિરિકંદરાઓ પાછળ સૂરજ આથમતો હતો.
સ્ત્રીના અજબ ભાગ્યનો એ વિચાર કરી રહી હતી. સોરઠ એને ગમે એવો દેશ હતો. શ્રીકૃષ્ણની આ ભૂમિ હતી. ત્યાં દેસલ ડોલતો-ડોલતો આવ્યો. એ બોલ્યો :
'મામી મારા મામાએ આ પ્રસાદ મોકલ્યો છે. ગળાના સમ દઈને કહેવરાવ્યું છે કે બધો પી જજો. થોડોક પણ બાકી મૂકો તો ખેંગારના સમ !'
મામીએ દારૂ લીધો ને પીવા માંડ્યો ! અરે, ઝેર હોત તોય મીઠું લાગત. એનો મોક્લનાર કોણ હતો ?
દેસલ તો દારૂના ઘેનમાં ઉંદરડાની જેમ ડોલી રહ્યો. ડોલતો ડોલતો મામી પર જઈને પડે. મામી ધક્કો મારીને આઘો કાઢે. ધીરે-ધીરે એ ભાન ગુમાવી બેઠો. મામીએ પાથરેલા છત્તર પલંગમાં પડ્યો ને પડ્યો એવો જ ઊંઘી ગયો.
રાણીએ પણ પૂરેપૂરો પીધો. પતિના સમ બરાબર રાખ્યા ! અડધો કટોરોય કેમ છંડાય !
થોડી વારમાં એ પણ બેભાન બની ગઈ, ને પલંગ પર ઢળી પડી.
રાત ઝડપથી વીતી ગઈ. સવારે રા'ખેંગાર આવ્યો. ગુજરાતનું લશ્કર આવી રહ્યું છે, એની વાત કરવા એ આવ્યો હતો. 'એમાં તારા ઓળખીતાં કેટલાં ?' એ પૂછવા આવ્યો હતો. 'બારમી વાર સધરાને હરાવી તારી મોજડી જાળવવા જેસંગને નોકર રાખશું' એમ કહેવા આવ્યો હતો.
પણ જોયું તો ભાણેજ અને મામી ! ગજબ થયો.
ખેંગારે પડકારો કર્યો : 'ઓ કૂતરા !' અને તલવાર ખેંચી. પડકાર સાંભળી દેસલ જાગી ગયો. કૂતરાની સામે ઘેરાયેલા સસલા જેવી એની સ્થિતિ થઈ. એણે ધ્રૂજતાં ધ્રૂજતાં કહ્યું :
'મામી તો મારે મા બરાબર છે. દારૂની આ મોકાણ છે.'
ખેંગાર કહે : 'જા રે લબાડ ! અબી ને અબી અહીંથી નીકળી જા. તારું કાળું મોં મને હવે બતાવીશ નહિ !'
દેસળ કહે : 'પહેલો ગુનો તમારો છે. તમે દારૂ પાયો, માટે પહેલી સજા તમને. બીજો દોષ દારૂનો છે. શા માટે ચDયો ? માટે એને દેશનિકલ કરો. ત્રીજો દોષ મામીનો છે. એણે સાચવીને કાં ન પીધો ? માટે મામીને સજા કરો. ચોથો ગુનો મારો. ત્રણને સજા કરો પછી મને સજા કરો ! ત્રણનાં માથાં કાપો તો ચોથું મારું કાપો.'
પણ રા'ખેંગાર તેનું ભાષણ સાંભળવા તૈયાર નહોતો. એણે કહ્યું : 'જાય છે કે પછી અહીં ને અહીં પૂરો કરું ?'
દેસળ કહે : 'મામા ! માથે લડાઈનાં નગારાં વાગે છે. પહેલો મને મેદાને ધકેલજો, પહેલો હું મરીશ.'
ખેંગાર કહે : 'કૂતરા ! હું તારું કંઈ સાંભળવા માગતો નથી. અહીંથી ચાલતો થા !'
દેસળ કહે : 'મામા ! ઘર ફૂટે ઘર જાય. મને વિભીષણ ન બનાવો. આ સોનાની લંકા લૂંટાઈ જશે. જાદવાસ્થળીની વાત ન ભૂલો.'
પણ ખેંગારને હાડોહાડમાં ક્રોધ વ્યાપી ગયો હતો. એણે લાત મારીને દેસલને કાઢી મૂક્યો. ચોરની સાથે ઘંટીચોરને પણ સજા હોવી ઘટે : દેસલ સાથે વિસલને પણ દેશનિકાલો આપ્યો.
રાણીએ કહ્યું : 'માથે શત્રુ ગાજે છે. વહાલામાં વિખવાદ ન કરો !'
પણ માને તો ખેંગાર નહિ.
ખેંગારે કહ્યું : 'રાણક ! આવાં સો શિયાળિયાંથીય તારો રા' ડરતો નથી.'
રા'ની વહુ તે રાણક.
દેસલ-વિસલ સીધા પહોંચ્યા સિદ્ધરાજ પાસે.
સિદ્ધરાજ તો ઊંઘતો નથી. એને તો ખાવું-પીવું હરામ થઈ ગયું છે.એ રોજ-રોજ મંત્રીઓની સભા ભરે છે; રોજ વિચાર કરે છે; રોજ ગુપ્તચરોની બાતમી સાંભળે છે; રોજ નવા-નવા રસ્તા શોધે છે; પણ ગિરનારનો ગઢ અડોલ છે !
ખરાખરીનો ખેલ થઈ ગયો છે. આબરૂનો સવાલ થઈ ગયો છે. સિદ્ધરાજની આ પહેલી ચઢાઈ છે. પહેલો કોળિયો ભર્યો છે, એમાં જાણે માંખ આવીને પડી છે !
સિદ્ધરાજ પાછો ફરવા માગતો નથી. પાછા ફરવું, એ એના સ્વભાવમાં જ નથી. એ મરવા કે મારવા તૈયાર બેઠો છે.
ત્યાં ગુપ્તચરો દેસલ-વિસલને તેડીને આવ્યા.
સિદ્ધરાજે એની વાત સાંભળીને કહ્યું : 'ખાતરી આપો. શત્રુ પર વિશ્વાસ નહિ. આખરે એ તમારો મામો છે. સગાનાં હાડ હસે ને લોહી તપે.'
વિસળ કહે : 'શ્રીકૃષ્ણના વારાથી ભાણેજ મામાને હરાવતા આવ્યા છે. તમે ભાગ્યશાળી છો, રાજા ! સોરઠની રાજલક્ષ્મી તમને સામે પગલે તિલક કરવા આવી છે. મોં ધોવા ન જશો. ચાલો, સેના સાબદી કરો. ગઢમાં પેસવાનો રસ્તો બતાવું.'
સિદ્ધરાજ કહે : 'તમે બતાવો એ રસ્તે અમે જઈએ. બાકી ત્યાં સુધી તમે કેદમાં : હાથે બેડી, પગે જંજીર.' દેસલ-વિસલ કબૂલ થયા. તેઓએ છૂપો માર્ગ બતાવ્યો ને પાટણની સેના ગિરનાર પર ચઢી.
ખાનગી દરવાજો તોડ્યો ને શહેરમાં પ્રવેશ કર્યો !
રડીબામ ! રડીબામ ! બૂંગિયો ગાજ્યો.
સોરઠી યોદ્ધાઓ આવી પહોંચ્યા. ભારે યુદ્ધ થયું. પણ ઘર ફૂટ્યે ઘર જાય. વિજય સિદ્ધરાજનો થયો.
રા'ખેંગાર હાર્યો અને કેદ પકડાયો.
'રાજા દેવનો અંશ છે. એ શત્રુ થઈને પકડાય તો પણ એની હત્યા ન કરવી.'-પાટણના રાજાઓનો આ નિયમ હતો.
રા'ખેંગાર અને ગુજરાતી રાણીને કેદ કર્યા.
મંત્રી સજ્જન મહેતાને સોરઠના સૂબા નીમ્યા, ને પોતે પાટણ તરફ કૂચ કરી !
પાટણમાં એ દહાડે ભવ્ય વિજયોત્સવ ઊજવાયો. સોરઠ અને પાટણ એક થયાં હતાં, એક કરવાં હતાં. સિદ્ધરાજને વિજયનો લોભ નહોતો, રાજવિસ્તારનો મોહ હતો.
સોરઠના રાજા ખેંગારની સિદ્ધરાજે મીઠી મહેમાનગતિ કરી. હાથી પર બેસાડીને આખું પાટણ બતાવ્યું. પોતાના વડવાઓની વાતો કરી. માતા મીનલદેવીની મુલાકાત કરાવી. આખરે ત્રણ વાર 'ગુર્જરપતિની જે' બોલાવી છોડી દીધો.
ખેંગાર જૂનાગઢ જવા નીકળ્યો.
એ પણ વટનો ટુકડો હતો. આ હારથી એને હાડોહાડ લાગી ગયું હતું : ન ખાવું ભાવે, ન પીવું ભાવે.
વઢવાણ આવતાં એ માંદો પડ્યો, ને એકાએક ગુજરી ગયો. સિંહ અને શૂરવીર અપમાન વેઠીને જીવતા નથી.
રાણક સાથે હતી. એ વઢવાણના પાદરમાં રા'નું માથું ખોળામાં લઈને, એ વખતના રિવાજ પ્રમાણે, સતી થઈ.
વઢવાણની સૂકી ભોગાવા નદીના કાંઠે આજે પણ એ રાણીની દહેરી છે. સતી રાણકની દહેરી ! આ વર્ષ તે વિ.સં. ૧૧૭૦નું.
સિદ્ધરાજે સોરઠની જીતની યાદમાં સિંહ સંવત ચલાવ્યો.X [૧]
- ↑ Xપં. ભગવાનલાલ ઇંદ્રજી
નોંધ : ભાટ-ચારણોએ મીઠું-મસાલો નાખીને આ વાતને વાર્તાનો રસ જમાવવા ખૂબ વધારી છે. બેઈ જૂના પ્રબંધોમાં રાણકદેવી નામ જ નથી. રા'ની પત્ની એ રાણક ! વળી કોઈ હિન્દુ રાજા પરણેલી સ્ત્રીને ન પરણતો. એમાંય મીનલ જેવી સતીના પુત્ર અને પરમ શૈવભક્ત સિદ્ધરાજ માટે તો એનું સ્વપ્ન પણ કેમ સંભવે ?
મશહૂર ઇતિહાસવિદ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી કહે છે કે ભાટોની દંતકથાઓ પર એટલું બધું વજન મૂકવાની જરૂર નથી.
હાલમાં દાહોદમાંથી વિ.સં.૧૧૯૬નો ઉત્કીર્ણ લેખ મળ્યો છે.એમાં લખ્યું છે કે 'સિદ્ધરાજે સોરઠના રાજાને કારાગૃહમાં નાખ્યો, ન કે હણ્યો. (ઇન્ડિયન એન્ટીક્વેરી : ગ્ર. ૧૦, પૃ. ૧૫૯)