લખાણ પર જાઓ

સિદ્ધરાજ જયસિંહ/બોંતેર લાખનું દાણ માફ

વિકિસ્રોતમાંથી
← જય સોમનાથ સિદ્ધરાજ જયસિંહ
બોંતેર લાખનું દણ માફ
જયભિખ્ખુ
૧૯૬૦
વગર તલવારે ઘા  →



 


બોતેર લાખનું દાણ માફ
 

કૂકડો બોલ્યો હતો. ઉગમણા આભમાં લાલ શેડો ફૂટી હતી. પંખી જાગ્યાં હતાં. ત્યાં મારતે ઘોડે અસવાર આવ્યો. એ વધામણી લાવ્યો હતો :

'બર્બરકજિષ્ણુ ગુર્જરપતિ મહારાજ સિદ્ધરાજ જયસિંહ નજીકમાં જ છે. ટૂંક સમયમાં માતાની ચરણસેવામાં હાજર થશે.'

માતા મીનલદેવી હમણાં જ જાગ્યાં હતાં. એમણે આ સંદેશો સાંભળી હુકમ કર્યો :

'ચાલો, આપણી તીર્થસવારી પાછી ફેરવો.'

'કંઈ કારણ, માતાજી ?' સાથેના સરદારે પૂછ્યું.

'મારે યાત્રા નથી કરવી. મને કોઈ કાંઈ વધુ પૂછશો નહિ.' રાજમાતાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. એમની આંખના ખૂણા ભીના દેખાતા હતા. હૃદય વેદનાથી એટલું ભરાઈ ગયું હતું કે મોં દ્વારા વેદના બહાર ઠાલવી શકાતી નહોતી.

આ પછી કોઈ કંઈ બોલ્યું નહિ કે કોઈ કંઈ ચાલ્યું નહિ. તરત સવારી પાછી ફરી.

રાજમાતાએ રાજનો કરભાર કર્યો હતો. એક તરફથી આમ મીણની પૂતળી જેવાં પોચાં હતાં ને બીજી તરફ તેજાબ જેવાં તીખાં હતાં.

બધા લોકોને લાગ્યું કે રાજમાતાનું ભેજું ઠેકાણે છે કે નથી ? મોટા ઉપાડે જાત્રા કરવા નીકળ્યાં ને આ શું સૂઝ્યું ? નક્કી મહેલ યાદ આવ્યો હશે. નક્કી કંઈક જૂનું દાટ્યું હશે, એ યાદ આવ્યું હશે. આવા લોકો જાત્રા કરવા શું કામ નીકળતાં હશે !

પણ વાઘને કોણ કહેવા જાય કે ભાઈ ! તારું મોં ગંધાય છે ! મોટાની વાતને કોણ કાપે ?

હાથી તૈયાર થયા. ઘોડા તૈયાર થયા.

પંડ્યા-પુરોહિત પણ મોંનો તોબરો ચઢાવી તૈયાર થયા. એમની દાનદક્ષિણા ડૂબી ગઈ હતી.

લાવલશ્કર આગળ કૂચ કરતું હતું, તે હવે પાછળ કૂચ કરવા તૈયાર થઈ ગયું. અરે, પાટણ માથે અજાણ્યો ભય આવ્યો કે શું ?

યાત્રા યાત્રાને ઠેકાણે રહી અને સવારી આખી પાછી ફરી ગઈ.

રસ્તો ઝડપથી કપાવા લાગ્યો, ત્યાં તો થોડેક દૂર જતાં ધૂળની ડમરી ચઢતી દેખાઈ.

થોડી વારમાં એક ઘોડેસવાર રાજમાતાની પાસે આવીને ઊભો રહ્યો. નવજુવાન ઘોડેસવાર ! ઘોડેથી છલાંગ મારીને નીચે ઊતર્યો.

માતાના ચરણમાં નમીને બોલ્યો :

'માતા ! કંઈ હેરાનગતિ ? કંઈ ત્રાસ ? કંઈ અટકાયત ? યાત્રા પાછી કાં ?'

માતા કહે :'મારાથી યાત્રા નહિ થાય, વત્સ !'

સિદ્ધરાજ કહે : 'કાં માતાજી ! માર્ગમાં ભય નથી, ખજાનામાં તૂટો નથી, દેવ ત્યાંના ત્યાં છે, પછી શા માટે યાત્રા નહીં થાય ?'

માતા કહે : 'જે દેવને રંક લોકો જુહારી ન શકે, એ યાત્રા મને ન ખપે. હું તો રંક અને રાય બંનેની માતા છું.' માતાનો નિશ્વાસ એક-એક મણનો નીકળતો હતો. એ આગળ બોલ્યાં :

'બેટા ! આ બધી પુણ્યની કમાઈ છે. ધર્મ છે તો રાજા છે. ધર્મી રાજા તે દેવસ્થાનનાં દ્વાર ખોલાવે કે બંધ કરે ?'

સિદ્ધરાજ કહે : 'મા ! તમારી વાત મને સમજાતી નથી. ચોખ્ખી રીતે કહો.'

માતા કહે : 'સોમનાથના યાત્રાળુઓ પાસેથી રાજ તરફથી દાણ લેવાય છે. ગરીબ લોકો, નિર્ધન સંત-સાધુઓ દાણ ભરી શક્તા નથી. એ કારણે એમને પાછા જવું પડે છે. એમના નિસાસા મને દઝાડે છે. એમનાં વીલાં મોં મારાથી જોવાતાં નથી.'

સિદ્ધરાજ કહે : 'મા ! કર ન હોય તો રાજકારભાર કેમ ચાલે ?'

માતા હે : 'બેટા કર લેવાનાં ઠેકાણાં-ઠેકણાંમાં ફેર છે. દેવસ્થાનના કર ન હોય. એ તો પુણ્યની પરબ, સદાચારનું વૃક્ષ ! જે કોઈ નબળું-દૂબળું પંખી આશરો લેવા આવે, એને ત્યાં આશરો મળવો જોઈએ !'

સિદ્ધરાજ છે : 'મા ! હમણાં-હમણાં ઘણો ખર્ચ થઈ ગયો છે. પાટણની તિજોરી ખાલી છે. સોરઠની લડાઈનું ખર્ચ માથે છે, ત્યાં સરોવર સમરાવવું શરૂ કર્યું છે. ખર્ચનો ખાડો મોટો છે.'

માતા કહે : 'વત્સ ! તું શાણો થઈને ભૂલે ? એ ખાડો પૂરવાનો આ માર્ગ નથી. આપણા મોજશોખ પાછળ કેટલું ખરચાય છે ? એમાંથી બચાવ કરીએ. એથીય ખાડો રહે, તો મહેલ છોડી ઝૂંપડીમાં વસીએ. એથીએ ખાડો રહે, તો હાથીનો હોદ્દો છોડી પગે ચાલીએ. એથીય ખાડો રહે તો પાંચ પક્વાન છોડી સાદું જમીએ. પણ બેટા, ધર્મની આડે હાથ ન કરીએ.'

સિદ્ધરાજ કહે : 'માતા ! તમે જાણો છો કે આ કરની આવક કેટલી છે ?'

માતા કહે : 'ના બેટા !'

'બોતેર લાખ !'

માતા કહે : 'આ લાખ તો રાખ બરાબર છે. અધર્મનું ધન છે. એ તને નહિ, મને નહિ, આપણી સાત પેઢીને ડુબાડનાર છે. મેં નિશ્ચય કર્યો છે કે જો કર દૂર નહિ થાય તો યાત્રા નહિ કરું; અન્નજળ નહિ લઉં; દેહ અહીં પાડી દઈશ.'

સિદ્ધરાજ કહે : 'આટલું બધું શા માટે ?'

માતાએ સ્વપ્નની વાત કરી અને કહ્યું :

'વત્સ ! આ તો મારી જનમ-જનમની વાસના છે. આ ભવે પૂરી થાય તો ઠીક, નહિ તો આવતા ભવે. જ્યાં સુધી પૂરી નહિ થાય ત્યાં સુધી જનમ-મરણ કર્યા કરીશ; એ મારી જીવન-યાત્રા થશે.'

સિદ્ધરાજ પોતાની માતાની મહાનુભાવતાને વંદી રહ્યો. એ દોડીને માતાના ચરણમાં પડ્યો ને ચરણરજ માથે ચઢાવતો બોલ્યો :

'મા ! તારા પુત્ર હોવાનું મને એક તરફ અભિમાન થાય છે, ને બીજી તરફ અફ્સોસ પણ થાય છે. અભિમાન એ માટે કે કેવી મહાન માતા ! ને અફ્સોસ એ માટે કે કેવો લઘુ પુત્ર ! મા ! આજથી આ કર માફ. રંક-અમીર એક્સાથે યાત્રા કરે, રોકટોક વિના યાત્રા કરે ! પુણ્યના પડિયા ભરે ! ભવનાં ભાતાં બાંધે !'

'પંચકૂલ !' સિદ્ધરાજે બૂમ પાડી. એ અવાજમાં દેવાલયની ઝાલર જેવો પવિત્ર રણકો હતો.

દાણખાતાનો ઉપરી પંચકૂલ કહેવાતો. એ હાથ જોડતો સામે આવીને ઊભો. એના હાથમાં ઇજારાનો કરાર હતો. ઓછાવત્તા નહિ પણ પૂરા બોતેરે લાખ એણે રાજને ભર્યા હતા.

સિદ્ધરાજે એ કરારને હાથમાં લીધો, એના ચીરેચીરા કરી નાખ્યા અને હુકમ કર્યો :

'તમારું નુકસાન રાજ આપશે. અત્યારે જ થાણું ઉપાડી લો. અઢારે આલમ ભલે છૂટથી યાત્રા કરે. જય સોમનાથ !'

મીનલદેવી પુત્રની ઉદરતા જોઈ રહ્યાં. એ હરખાયાં ને બોલ્યાં :

'બેટા, સંસારમાં તારી કીર્તિ અવિચળ રહે તેવું કામ તેં કર્યું છે ! તારા આ એક કામથી તારી અને મારી સાત પેઢી તરશે. પરબનાં પાણી ને તીરથનાં ધામ હમેશાં છૂટાં જોઈએ. તને કોણ લઘુ કહે ? તું તો મહાનનો મહાન છે. ચિરંજીવ થા બેટા, ને ધર્મથી રાજ શોભાવ ! ભગવાન સોમનાથ તને બાંહ્ય સાહીને ઉદ્ધારશે !'

માતા અને પુત્ર આગળ વધ્યાં. થોડા દિવસે સોમનાથ પહોંચ્યાં.

વાહ સોમનાથ દેવ ! સવાલાખના પૂજાપાથી પ્રભુને પૂજ્યા.

તુલાપુરુષનું દાન દીધું.

ગજદાન દીધાં, ગૌદાન દીધાં, ભૂમિદાન દીધાં.

એ દહાડે સિદ્ધરાજ જયસિંહની ઉદારતાનો દેશમાં ડંકો દેવાઈ ગયો.

ઠેરઠેરથી યાત્રાળુઓ સોમનાથનાં દર્શને ઊતરી પડ્યાં !

ભીડ તે કેવી ભીડ !

એ ભીડમાંથી રાજ સિદ્ધરાજની ઉદારતાના જયનાદો ગુંજી રહ્યા !

રાજા હજો તો આવા હજો !

જાણે દાનેશ્વરી કર્ણનો જ અવતાર !