સિદ્ધરાજ જયસિંહ /ખંભાતનો કુતુબઅલી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ચના જોર ગરમ સિદ્ધરાજ જયસિંહ
ખંભાતનો કુતુબઅલી
જયભિખ્ખુ
૧૯૬૦
અદલ ઈન્સાફ  →


Sidhraj Jaysinh Novel - Pic 34.png
ખંભાતનો કુતુબઅલી
 

ઘણે દિવસે મન આનંદમાં છે. મહારાજ સિદ્ધરાજનું રાજ્ય બરાબર ચાલે છે.

સાંતુ મહામંત્રી નિવૃત્ત થયા છે. ભગવાનની ભક્તિમાં એમણે દેહ અર્પી ધધો છે.

મુંજાલ મહેતા પણ રાજા કર્ણના વારાના મહામંત્રી. હવે રાજકાજમાં ખાસ ભાગ લેતા નથી. ભીડ પડ્યે દોડતા હાજર થાય છે.

મહાઅમાત્યપદે નાગરમંત્રી દાદાક છે. એમની મદદમાં આખી મંત્રી-પરિષદ છે. બધા ભેગા મળી રાજપ્રશ્નો ચર્ચે છે.

મહામંત્રી કેશવ પંચમહાલમાં છે. હમણાં માતાની સ્મૃતિ માટે ત્યાં ગોગનારાયણનું મંદિર બાંધી રહ્યા છે.

સોરઠમાં સજ્જન મહેતા છે. ગિરનાર તીર્થનાં દહેરાં સમરાવી રહ્યાં છે : નામ મહારાજ સિદ્ધરાજનું, ધન પ્રજાનું, મહેનત પોતાની. માળવામાં મહામંત્રી મહાદેવ વહીવટ સંભાળે છે. એને રાતદહાડો સજાગ રહેવું પડે છે. ખંભાતમાં મહામંત્રી ઉદા મહેતા બેઠા છે. રાજદરબારમાં નવા મુસદ્દી છે, પણ ભાત પાડે એવા છે.

મહારાજા શાંતિ અનુભવે છે. બધે શાંતિ છે, અમનચમન છે.

એક દિવસની વાત છે.

મહારાજ સિદ્ધરાજ શિકારે નીકળ્યા છે. શિકાર એટલે શિક્ષણ . દેશના ઉજ્જડ ભાગો, ત્યાંની કીમતી વનરાઈ, ત્યાં વસતા લોકો અને ખેતી–આ રીતે રાજાની નજરમાં રહે.

વળી હમણાં-હમણાં એક ચિત્તો નજીકના પ્રદેશમાં પેધો પડેલો. રાતવરત આવી શિકાર કરી જાય. પાડું, બકરું કે ગાય હાથમાં આવ્યું તે મારીને ઉપાડી જાય.

મહારાજાએ આજે એનો પીછો પકડ્યો હતો. પણ ચિત્તાની જાત લુચ્ચી ! એ મહારાજાને ખૂબ દૂર-દૂર ખેંચી ગયો. અનુચરોમાં ફક્ત એક જણ સાથે રહી શક્યો.

બપોર થયો. ભાણ તપ્યો. પૃથ્વી અંગારા વેરવા લાગી. મહારાજા એક ઝાડ નીચે આરામ લેવા બેઠા.

ઝાડ પર વાંદરાં રમે .

રાજા અને વાંદરાં કોઈની દરકાર ન કરે. વાંદરાં ઉપર બેઠાં-બેઠાં મીઠા ટેટા ખાય; અડધા ખાય ને અડધા નીચે નાખે - ટપાક ટપ !

નીચે રાજા બેઠા હોય કે મહારાજા, એની એમને શી ચિંતા ? એ તો ટપાક લઈને એઠા ટેટા નીચે નાખે. રાજા ઉપર જુએ એટલે વળી ડાહ્યાડમરાં થઈ જાય.

બેચાર વાર આમ થયું એટલે મહારાજા સિદ્ધરાજ ચિડાયા. એમણે ઊભા થઈને ઝાડ પર નજર ફેરવવા માંડી.

વાંદરાં તો દેખાયાં, પણ એમાં એક માટો વાનર દેખાયો : ખાસ્સો માણસના કદનો.

મહારાજાએ સાંભળ્યું હતું કે બીજા દેશોમાં બહુ મોટા વાનરો થાય છે, પણ ગુજરાતમાં તો આવા વાનરો દેખવા પણ મળતા નહોતા. રાજાએ વાનર તરફ પોતાનું તીર તાક્યું. ત્યાં તો એ વાનર નીચે પડ્યો-વગર તીરે જાણે એ વીંધાઈ ગયો હતો. નીચે પડીને બે પળ એ તરફડ્યો. પછી બેઠો થઈ બે પગે અને બે હાથે ચાલતો મહારાજા પાસે આવ્યો.

મહારાજ સિદ્ધરાજ મરદ માનવી હતા. બીજો માણસ હોય તો ભૂતપ્રેતનાં ચરિતર માની જીવ લઈને ભાગે. પણ આ તો સિદ્ધરાજ ! ભૂતનોય દાદો ! એની મહાન માતાએ એને કદી કોઈથી ડરતાં શીખવેલું નહિ! ડરવું અને મરવું બેય બરાબર !

રાજાએ ધનુષ-બાણ ખભે ભરાવી, કમર પરની તલવારની દોરી ઢીલી કરી બૂમ પાડી :

'કોણ છે તું? બોલ, નહિ તો આ તારી સગી નહિ થાય !'

'માણસ છું.' પેલો નર-વાનર બોલ્યો

'માણસ હોય કે માણસનું મડું, પણ ત્યાં ઊભો રહી જા ! જાણી લે કે હું બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ છું.'

પેલો નર-વાનર ત્યાં થંભી ગયો, ને પછી ઊભો થયો.

સિદ્ધરાજે જોયું કે એ ખરેખર માણસ હતો. એણે કમર પર લૂંગી વીંટી હતી ! માથે એક કપડું બાંધ્યું હતું. એને નાની-નાની દાઢી હતી.

સિદ્ધરાજે પૂછ્યું : 'ક્યાંનો છે તું?'

'ખંભાતનો છું, હજૂર !'

'તો તો મારી પ્રજા છે. જાતનો મુસલમાન લાગે છે.' સિદ્ધરાજને પોતાની પ્રજા લાગતાં જરા લાગણીથી પૂછ્યું.

'હા, જહાંપનાહ !' એ માણસે ક્લબલી ભાષામાં જવાબ આપ્યો.

‘તારું નામ શું ?'

‘કુતુબઅલી.'

'ખંભાતમાં શું કરે છે ?'

'મસ્જિદનો ખતીબ (ઉપદેશક) છું.'

'અહીં શા માટે આવ્યો હતો ?' 'હજૂર, અરજ ગુજારવા. પાટણના દરબારમાં ઘણા આંટા ખાધા, પણ મને કોઈએ પેસવા ન દીધો. હમ ગરીબોં કા કૌન હૈ?' ખતીબે કહ્યું.

'ખંભાતમાં તેં તારી ફરિયાદ ન કરી ?'

'ના હજૂર ! મને સહુએ કહ્યું કે એ બધા અંદરથી મળેલા છે, તને ન્યાય નહિ મળે. સીધો પાટણ પહોંચ. ન્યાય આપે તો મહારાજ આપે !'

'સારું ! શું તારી ફરિયાદ છે.' મહારાજાએ કહ્યું. એમની મોટી-મોટી આંખોમાં હિંગળોકની લાલાશ આવીને ભરાઈ હતી.

‘હજૂર ! જાનની અમાનત મળે તો કહું.' ખતીબે કહ્યું.

'રાજા સિદ્ધરાજના રાજમાં તારો વાળ પણ વાંકો નહિ થાય. અદલ ઇન્સાફ એ મારું વ્રત છે.'

'હજૂર ! એ જાણું છું. ગુજરાતના બાદશાહની એ આબરૂ મુલ્કમશહૂર છે. ગરીબનવાજ ! ખંભાતના દરિયાકાંઠે આવેલા એક પરામાં અમે રહીએ છીએ. મૂળ તો ગાયમાંથી ઝગડો જાગ્યો. ભારે તોફાન થયું. એંશી માણસો માર્યાં ગયાં; અમારાં ઘરબાર જલીને ખાખ થયાં ! હવે અમારા માટે તો ઉપર આસમાન અને નીચે જમીન રહી છે. મુસલમાનો આપની પાસે અદલ ઇન્સાફ માગે છે. હજૂર ! અને ખતીબે પોતાની કમર પર રહેલો કાગળ આગળ ધર્યો. એમાં લખ્યું હતું.

'મેં હું મુસલમાં ખંભાતકા, ખતીબ મેરા નામ,
આયા હું અરજ ગુજારને, સુનો ગરીબનવાજ !
સુનો ગરીબનવાજ ! ગુર્જરનાથ ગુણવાન,
ખંભાતકે મુસલમાન પર, હુઆ જુલ્મ અપાર,
મકાન-મસ્જિદ સબ ગયા રહે નહીં કુછ પાસ,
ઇન્સાફ કરો સુલતાન તુમ, યહી એક અરદાસ.'

મહારાજાએ અરજી વાંચી. એટલામાં મહારાજાના અંગરક્ષકો એમને શોધતા-શોધતા ત્યાં આવી પહોંચ્યા. તેઓએ દૂરથી રાજાને સલામત જોઈ બૂમ પાડી : ઘણી ખમ્મા ગુર્જર ચક્રવર્તી મહારાજને !'

'કોણ, શિવસિંહ ?' અંગરક્ષકની ટુકડીના આગેવાન શિવસિંહને  ઉદ્દેશીને મહારાજે કહ્યું : 'આ ખતીબ ખંભાતનો મુસલમાન છે. એના પર જુલમ ગુજર્યો છે.'

'હા હજૂર ! હમણાં ઉદા મહેતાના ખંભાતમાં જૈનોની ફાટ વધી સંભળાય છે.' શિવસિંહે કહ્યું.

‘શિવસિંહ ! કંઇ તપાસ કરી ? તપાસ કર્યા વગર કોઈને માથે આળ ન મુકાય. ધર્મની બાબત નાજુક છે.' રાજાએ જનમત જાણવા પ્રશ્ન કર્યો.

'મહારાજાધિરાજ ! વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે ?'

‘શિવસિંહ ! આ ખતીબને તારા રક્ષણમાં રાખ. હું કહું ત્યારે દરબારમાં હાજર કરજે !'

'જેવો હુકમ, મહારાજ !'

'હવે ચાલો નગર ભણી !'

ખતીબ સાથે બધા પાછા વળ્યા. મહારાજ ઊંડા વિચારમાં પડી ગયા હતા.

કેટલીક વારે પાટણના કાંગરા દેખાયા.

કુક્કુટધ્વજ આકાશમાં ઊડતો દેખાયો.

નગરમાં પ્રવેશ કરતાં મહારાજાએ કહ્યું :

‘શિવસિંહ ! હું થાક્યો છું. વિશ્રામ લેવા ત્રણ દિવસ અંત:પુરમાં રહીશ. મહામંત્રીને વાત કરજે.'

'જેવી આજ્ઞા.' શિવસિંહે કહ્યું, અને ખતીબને લઈને એ પાસેની ગલીમાં વળી ગયો.