લખાણ પર જાઓ

સિદ્ધરાજ જયસિંહ/યાહોમ કરીને પડો

વિકિસ્રોતમાંથી
← જનતાની જય સિદ્ધરાજ જયસિંહ
યાહોમ કરીને પડો
જયભિખ્ખુ
૧૯૬૦
અવન્તીનાથની ઉદારતા →


યાહોમ કરીને પડો
 

વાદળથી વાતો કરતો ધારાનગરીનો કિલ્લો !

ગુજરાતની સેના એને ઘેરો ઘાલીને પડી હતી. દિવસોના દિવસો વીતી ગયા; મહિના પર મહિના પસાર થઈ ગયા: ને હવે માળાના મણકાની જેમ વરસો પણ વીતતાં હતાં : એક, બે, ત્રણ, ચાર - અરે, ચોથું પણ પૂરું થયું ને પાંચમું બેઠું !

ગુર્જર યોદ્ધાઓ અણનમ હતા, તો માલવ યોદ્ધાઓ અજેય હતા. એક એકથી ચઢે : ઊતરે એવા કોઈ નહોતા !

ગુજરાતની સેનાએ ભયંકર હલ્લાઓ કર્યા, પણ કિલ્લાની કાંકરી પણ ખરતી નહોતી !

આ યુદ્ધમાં ગુજરાતના ભીલો, રબારીઓ અને બીજા લોકો પણ જોડાયા હતા.*[] બાબરાએ રસ્તા કર્યા હતા, કિલ્લા બાંધ્યા હતા, વાવ-કૂવા ગળાવ્યાં હતાં. અન્નનો તો ક્યાંય તૂટો જ ન હતો. આઠ-આઠ ગાઉની રોજ મજલ કાપીને


  1. *અલાઉદ્દીનના જમાનામાં પણ ગુજરાતી રબારીઓ ને ભીલો ઠેઠ ખુશરૂખાન ગુજરાતીની મદદે દિલ્હી સુધી લડવા ગયા હતા.
પાછળનો બંદોબસ્ત કરતા બધા આગળ વધ્યા.

પાટણ સાથેનો સંબંધ તૂટી ન જાય, એ માટે પંચમહાલ જીતીને એને કબજે કર્યો હતો. ત્યાંના બળવાન ભીલોને લશ્કરમાં લીધા હતા. ને ગોધરા (ગોદ્રહક) માં સૂબા તરીકે મહાઅમાત્ય કેશવને મૂક્યો હતો.

તકેદારીઓ પૂરી રાખી હતી, પણ જીતનાં નિશાન હજી ક્યાંય દેખાતા નહોતાં.

મહારાજ સિદ્ધરાજની એક-એક પળ અત્યંત દોહ્યલી વીતતી હતી.

જીત ન મળે તો સામી છાતીએ લડીને પ્રાણ આપી દેવા, પણ વિજય મેળવ્યા વગર ગુજરાત પાછા ન ફરવું એ ગુર્જરપતિનો નિર્ણય હતો. પરાજય લઈને એમને પાટણનું પાદર જોવું નહોતું. કાં જીત, કાં મોત !

આ વિચારો ચાલતા હતા, ત્યાં પાટણથી રાજકવિ શ્રીપાલ રાજમાતા મીનલદેવીના મૃત્યુનો સંદેશો લઈને આવ્યા.

આ કારી ઘા હતો.

બે ક્ષણ મહારાજ અવાક્ બનીને બેસી રહ્યો : ન રડ્યા, ન કંઈ બોલ્યા.

માણસ શોકના પ્રસંગે કંઈક બોલે તો મન હળવું થાય; રડે તો દિલ ખાલી થાય. નહિ તો શોકના ભારથી માણસ ત્યાં ને ત્યાં દબાઈ જાય

કવિ શ્રીપાલને તો શોક હળવો થાય એ પ્રકારની વાતો કરવા માટે મોકલવામાં આવ્યા હતા; પણ જ્યારે વાતો જ ન થાય પછી બીજું શું થાય ?

આકાશમાં ભરી વાદળી આવીને થંભી જાય, અને પછી ન વરસે, ન ચાલી જાય, ત્યારે કેવો અકળામણભર્યો બફારો થાય છે ! ક્યાંય ચેન ન પડે !

મહારાજ સિદ્ધરાજને એવું થયું. એમણે વધારે કંઈ ન પૂછ્યું. ફક્ત એટલું જ બોલ્યા :

'કવિરાજ ! નિશાન તો બધાં નમતાં લાગે છે, પણ હું માતા મીનલદેવીનો પુત્ર છું. જાણું છું કે મધરાતનાં ઘોર અંધારાં પૃથ્વી પર ન ઊતરે, તો પ્રભાત ન ફૂટે. માણસે ભાગ્યને રોવું ન જોઈએ. માણસનું ભાગ્ય માણસ જ ફેરવી શકે છે, ન કે ગ્રહ-નક્ષત્ર !'

કવિએ પૂછ્યું : 'આપના હૈયામાં શોક તો નથી ને ?' મહારાજે કહ્યું : 'આજ શોક કરવાની વેળા નથી. માતા મીનલદેવી મારા આ નશ્વરદેહ કરતાં મારા ચિરંજીવ કીર્તિદેહનાં પૂજારી હતાં. મારે માલવાની જીતનો જ વિચાર કરવાનો છે. અને માતા મીનલદેવીનું સાચું શ્રાદ્ધ પણ એ જ છે !'

ત્યાં વળી આજે નવા સમાચાર આવ્યા :

'માલવપતિ નરવર્મા ગુજરી ગયો. નવા માલવપતિ તરીકે યશોવર્મા આવ્યો છે.'

'ઓહ ! જેની સાથે વેર હતું, એ પણ ચાલ્યો ગયો ! મહારાજ સિદ્ધરાજના હૃદય પર બીજો ઘા થયો.

સવાલ એ થયો કે હવે શું કરવું ?

લશ્કરમાં ચણભણાટ શરૂ થયો. લાંબા વખતના ઘેરાથી બધા કંટાળી ગયા હતા. પરદેશનાં હવાપાણી ને ખાનપાન હવે માફક આવતાં નહોતાં.

એ વખતે બધી વર્ણ હથિયાર બાંધતી અને યુદ્ધે ચઢતી. સેનામાં કેટલાક ખેડૂત હતા. ખેતી મૂકીને આવ્યા હતા. વણિક યોદ્ધાઓના વેપાર ખોટી થતા હતા; કોઈને ઘર સાંભરતાં હતાં, તો કોઈને બાળબચ્ચાં ! મન છે ને !

અને ખુદ રાજા પણ રાજધાનીમાંથી આટલો વખત ગેરહાજર રહે, તો પાછળ કંઈ કંઈ કાંવતરાં જન્મે ! જોકે ગુજરાતનાં એ સદ્'ગાભાગ્ય હતાં કે એના મંત્રીઓ સ્વામીભક્ત હતા. જે દહાડે એ ભક્તિમાં ઓટ આવી, એ દહાડે ગુજરાતની ધજા નમી જાણો.

મહારાજના મગજ પર અનેક જાતના પ્રવાહો આવી-આવીને અથડાવા લાગ્યા હતા.

કેટલાક નમાલા લોકો કહેવા લાગ્યા કે આપણને શકન સારાં થયાં નથી. જુઓ ને, માતા મીનળદેવી ગુજરી ગયાં, જેને ચરણે આ વિજય ધરવાનો હતો. અને જુઓ ને, માલવપતિ નરવર્મા ગુજરી ગયો, જેની ચામડીનું મ્યાન કરવાનું હતું ! ચાલો પાછા ! વળી સારાં શુકન લઈને ફરી આવીશું.'

કોઈએ વળી અગમ-નિગમ ભાખનારની ઢબે કહ્યું : 'હમણાં શનિની પનોતી છે. વિજયની આશા કઠણ છે.' આ બધાની સામે મહારાજાએ પડકાર કર્યો : ખબરદાર, જો કોઈ માણસે મારા બહાદુર સૈનિકોને વહેમમાં નાખ્યા છે તો ! પીઠ બતાવવી પાટણપતિ માટે શક્ય નથી. અલબત્ત, કાયરો ઘરભેગા થઈ જાય. ભલે મૂઠીભર માણસો બાકી રહે. મારા એ બહાદુરો હારને જીતમાં પલટી નાખશે'

સિદ્ધરાજ વેશ પલટીને લશ્કરમાં ફરવા લાગ્યા; દરેકની વાતો સાંભળે. આમ એમને બે મોરચે લડત શરૂ કરવી પડી : એક મનના મોરચે અને બીજી માલવાના મોરચે. એક જવાબદાર વ્યક્તિને એમણે એક દહાડો બોલતી સાંભળી :

'અરે ! જેની ચામડીનું મ્યાન કરવાનું હતું, એ ધારાનગરીનો નરવર્મા તો મરી ગયો. હવે લડીને શું ? પછી સીંદરી બળી જાય, પણ વળ ન મૂકે, એનો અર્થ કંઈ નહિ ! માણસ આગહી હોય એ ઠીક છે, પણ હઠાગ્રહી સારો નહિ !'

મહારાજ સિદ્ધરાજને આ વાતોએ ભારે દિલગીર બનાવ્યા. એમણે બપોરે દરબાર ભર્યો, અને સહુની સામે કહ્યું.

‘હું જરાય શરમ રાખ્યા વગર કબૂલ કરું છું કે સીંદરી બળી જાય, પણ વળ ન મૂકે એનું નામ સિદ્ધરાજ. કાં વિજય, કાં મોત ! સિદ્ધરાજ માટે ત્રીજો માર્ગ નથી. જેને પાછા જવું હોય એ જાય. હું તો અહીં જીવન અર્પણ કરવા આવ્યો છું. હું હઠાગ્રહી છું, પણ મારી હઠ પાછળ કોઈને હેરાન કરવા માગતો નથી.'

લશ્કરમાંથી પોકાર આવ્યો : 'અમે નિમક્કલાલ છીએ. પાછા ફરવાની વાત કોણ કરે છે ?

મહામંત્રી કેશવે ખડા થઈને કહ્યું.

'રણક્ષેત્રમાં પીઠ બતાવીને ગુર્જર સૈનિકો ઘેર જશે, તો ગુજરાતણો એમને કપાળે મેશના ચાંલ્લા ચોડશે, અને છતે પતિએ પોતાને વિધવા માનશે ને ચિતા જલાવી બળી મરશે. પણ એક વાત કરું : આ યુદ્ધ બળનું નહિ કળનું છે. અમે કર્મસચિવો ખાંડાનો ખેલ ખેલી જાણીએ. પણ અહીં કળની જરૂર છે. મતિસચિવ મુંજાલ કંઈક માર્ગ કાઢે !'

મુંજાલ મંત્રી તરત સભામાં ઊભા થયા ને બોલ્યા :

'મને ટૂંક મુદત મળે. મહામંત્રી કેશવરાયની સૂચના મહત્ત્વની છે. મારાથી થશે તે કરી છૂટીશ. મારે વાઘના મોંમાં માથું મૂક્વાનું છે. પણ કોઈ મા ગુર્જરીનો સપૂત મોતથી ડરતો નથી.'

મહારાજ સિદ્ધરાજે કહ્યું : 'મંત્રીરાજ ! તમારી બુદ્ધિને ત્રણ દિવસની મુદત આપું છું. તમારી રાહ જોઈશું. ત્રીજા દિવસની સાંજ નમશે, તે પછી અમે કેસરિયાં કરીશું - આ પાર કે પેલે પાર !'

'જેવી આજ્ઞા !' ને મહામંત્રી મુંજાલ સભામાંથી બહાર ચાલ્યા ગયા. થોડી વારમાં તો છાવણીમાંથી પણ ગુમ ! કંઈ પત્તો જ નહિ ! ક્યાં ગયા ? ક્યાં રહ્યા ? પણ સહુને પાટણના સેવકોમાં ભારે પતીજ હતી : નક્કી કંઈક માર્ગ નીકળી આવશે, ન મધદરિયે સપડાયેલું વહાણ બહાર નીકળી જશે.

એક દિવસ વિત્યો ! કંઈ સમાચાર નહિ.

બીજો દિવસ વીત્યો ! કંઈ ખબર નહિ.

દિવસ વરસ જેટલો લાંબો જતો હતો.

ત્રીજે દિવસે ઊગ્યો. આ છેલ્લો દિવસ હતો ! આજ જીવનનાં સરવાળા-બાદબાકી થઈ જવાનાં હતાં. આજના આકાશમાં ભાગ્યના લેખ લખાવાના હતા.

મહારાજ જયસિંહદેવે સવારથી તૈયારીઓ કરવા માંડી હતી. કેસરિયાંની વાતમાં રજૂપતને ખૂબ આનંદ હોય છે. મહારાજાએ વહેલાં વહેલાં પૂજાપાઠ પતાવી લીધાં, અને ભસ્મનું તિલક કરી એ બહાર નીકળ્યા. છેલ્લી મુલાકાતો કરી લીધી. યોગ્ય સૂચનાઓ પણ આપી દીધી. લડાઈમાં મોત થાય તો પાછળ શું કરવું, એ પણ હેવાઈ ગયું હતું !

ઘડીએ ઘડી ભારે વીતતી હતી.

લશ્કરને સવારથી તૈયાર રાખવામાં આવ્યું હતું. ગુર્જર સેના- પતિઓ સંદેશાની વાટ જોતા હતા. આજ સ્વામીભક્તિ પર શીશકમળ ચઢાવવાની એમને હૈયે હોંશ હતી.

સૂરજ મધ્ય આકાશમાં આવ્યો. માટીના એક બુરજ પર ચઢી મહારાજ સિદ્ધરાજ ધારાના કિલ્લા પર નજર ફેરવી રહ્યા હતા, ત્યાં એકએક અજાણી દિશામાંથી એક તીર આવ્યું; આવીને મહારાજના પગ આગળ પડ્યું! મહારાજે તીર જમીનમાંથી ખેંચ્યું. જમીનમાં પણ ઠીક-ઠીક ઊંડે ઊતરી ગયું હતું. ખેંચીને જોયું, છેડે કંઈક લેખ બાંધેલો હતો. ઉતાવળે લેખ ઉઘાડીને વાંચ્યો.

એમાં સંદેશ હતો :

“ધારાનગરી : દક્ષિણ દરવાજો !

“ઊંટ મૂકીને હાથી હાંકો !

“થાય નહિ કોઈનો વાળ વાંકો !

"ઝટ-ઝટ તમે હાથી હાંકો !”

મહારાજ સિદ્ધરાજે બુરજ પરથી નીચે દોટ દીધી; ઝટ ઝટ સંદેશ આપ્યો :

'કૂચ કરો ! યાહોમ કરો ! વિજય આગળ ઊભો છે !'

ને મહારાજા સિદ્ધરાજના યશપટહ હાથીને આગળ કરવામાં આવ્યો.

ગજવિદ્યામાં નિષ્ણાત શામલ નામનો માવત એને દોરવા લાગ્યો.

રડીબામ ! રડીબામ ! નગારે ઘા થયો.

એક ઘડી પહેલાં જ્યાં શાંતિ હતી, ત્યાં દરિયો હલકવા લાગ્યો. સેના તૈયાર જ હતી. સેનાપતિઓ સંકેત મળવાની રાહમાં હતા.

કૂચકદમનાં રણશીંગાં ગાજ્યાં.

મહારાજ સિદ્ધરાજે હાથી પર કૂદકો માર્યો ને હાથી હાંક્યો. આંધીની જેમ લશ્કર ઊપડ્યું.

દિશાઓ એકએક ગાજી ઊઠી : જય સોમનાથ ! હરહર મહાદેવ !

દક્ષિણ દિશાના દરવાજા પર ઊંટ આડાં ઊભાં રાખવામાં આવ્યાં. હાથી યશપટહને દારૂ પિવરાવીને દોડાવ્યો !

ગાંડા હાથીએ દોડીને દરવાજા સાથે માથું ભટકાડયું : ધડુમ ! ધડુમ !

દરવાજાને મોટા-મોટા અણીદાર ખીલા ઠોકેલા હતા. એ ખીલા આડા

ઊભા રાખેલા ઊંટના શરીરની આરપાર નીકળી ગયા.

ટકાનો ઊંટ ભલે મરી જાય, પણ લાખનો હાથી જીવી જાય : આમાં એ યુક્તિ હતી. હાથી ફરી-ફરી દોડયો ને ફરી-ફરી ગંડસ્થલ ભટકાડ્યા.
અને આકાશમાંથી મેઘગર્જના થાય, વીજળીના કડાકા થાય, એમ દરવાજો તૂટ્યો-કડડભૂસ કરતો જમીન પર પડ્યો !

મહામંત્રી મહાદેવે ભયંકર રણગર્જના કરતાં કહ્યું : મહારાજ ! લડાઈમાં પહેલો મરે જેમ ઊંટ, એમ પહેલો લડે મંત્રી. મંત્રી ઊંટ ને રાજા હાથી. મંત્રીનું ગમે તે થાય, પણ રાજાને ઊની આંચ આવવી ન જોઈએ !

મહામંત્રી મહાદેવે પોતાની સેના સાથે ભયંકર યુદ્ધ આપતાં કિલ્લામાં પ્રવેશ કર્યો, પણ સિદ્ધરાજ પાછળ રહે એવો રાજા નહોતો ! એણે આગેવાની લીધી. ખરાખરીના ખેલ ખેલાવા લાગ્યા.

લડાઈ ભયંકર જામી.

માલવી યોદ્ધાઓ ગોઠણભેર થઈને લડવા લાગ્યા. ગુજરાતી યોદ્ધાઓ નિરાશાથી ને નામોશીથી બચવા માગતા હતા. મરવા કે મારવા સિવાય એમના ચિત્તમાં કંઈ નહોતું !

ભયંકર યુદ્ધ જામ્યું. ત્યાં મહામંત્રી મુંજાલ પાછળથી હલ્લો લઈ આવ્યા : 'જય ગુર્જરેશ્વર !'

'જય સોમનાથ !' આ તરફથી મહારાજ સિદ્ધરાજ અને મહાદેવ મંત્રી આવી ગયા. બંનેની વચ્ચે માલવસેના ઘેરાઈ ગઈ.

કટોકટીનું યુદ્ધ જામ્યું.

કોઈ કોઈથી ઓછું ઊતરે એમ નહોતું. પણ ગુજરાતી યોદ્ધાઓનાં જિગર આળાં હતાં. એમને આજે પાછો પગ દેવાપણું નહોતું.

કાં ફતેહ,કાં મોત !

લડાઈ સવારથી સાંજ સુધી ચાલી !

જે ભાટ-ચારણો લડાઈના મેદાનમાં હતા, એ હેવા લાગ્યા કે શૂરાઓને લેવા સ્વર્ગની સુંદરીઓ આવી છે. બધી સુંદરીઓ જોઈ રહી છે કે કોણ વધુ શૂરવીર છે ? કોણ વધુ પરાક્રમી છે? કોણ પાછો પગ દેતો નથી? અને એવા-એવા શૂરવીરોને શોધીને પછી તેઓ વચ્ચે ખેંચાખેંચી ચાલે છે. એક કહે, હું આને વરું બીજી કહે, હું આને ! અપ્સરાઓનાં મોં આવા ક્લહથી રાતાચોળ થઈ ગયાં છે ! એ માં જોઈ સૂરજ પણ શરમાઈ ગયો છે, ને ખીરસાગરમાં ડૂબી રહ્યો છે ! રાતરાણી આવી. એણે પણ રણમેદાનમાં સાચા તારાની શોધ કરવા માંડી, ને એના નામ પર નવલખ તારાનાં ફૂલ મૂકવા માંડ્યાં !

આખરે આકાશ ગુર્જરપતિની જયથી ગાજી ઊઠ્યું; ગુજરાતી સેનાનો વિજય થયો.

રાજા યશોવર્માએ ખાંડાના અજબ ખેલ બતાવ્યા. એની બહાદુરીએ ભલભલાના ગર્વનું પાણી કરી નાખ્યું. પણ આખરે માલવપતિ ઘેરાઈ ગયો, જખમી થયો અને પકડાયો.

એ કેદ થયો ને યુદ્ધ પૂરું થયું !

સીપ્રા નદીના કંઠા પર એ દિવસે સૂર્ય આથમ્યો ને મંદિરોમાં આરતી થઈ ત્યારે 'અવંતીનાથ સિદ્ધરાજની જય' ના નાદોથી ચારે દિશાઓ ગુંજી રહી હતી.