સિદ્ધરાજ જયસિંહ/જનતાની જય

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← વગર તલવારે ઘા સિદ્ધરાજ જયસિંહ
જનતાની જય
જયભિખ્ખુ
૧૯૬૦
યાહોમ કરીને પડો  →


Sidhraj Jaysinh Novel - Pic 44.png
જનતાની જય
 

ગુજરાતની સેના માળવા સામે યુદ્ધે ચઢી. મા ગુર્જરીનો સાદ પડ્યો હતો. ગુજરાતની ગયેલી કીર્તિને પાછી લાવવાની હતી. એવે વખતે ઘેર બેણ બેસી રહે?

ખેડૂતોએ ખેતર મૂક્યાં ને ખડગ લીધાં. મજૂરોએ હથોડા મૂક્યા ને હથિયાર લીધાં.

વેપારીઓએ ત્રાજવાં મૂક્યાં ને તલવાર લીધી. બ્રાહ્મણોએ પૂજા પાઠ મૂક્યા ને લશ્કરી ગણવેશ સજ્યા.

પાટણની સાગર સમી સેના માલવા તરફ કૂચ કરી ગઈ. મહારાજ જયસિંહદેવે વિદાય વખતે સંદેશો પાઠવ્યો :

'પાણી પરમેશ્વર છે. પ્રભુના કામમાં વિઘ્ન ન પડે તે જોશો.'

'નહિ પડવા દઈએ. તું આવીશ ત્યારે સરોવર લહેરિયાં લેતું હશે, ને પાટણનો પાણીનો ત્રાસ પરવારી ગયો હશે.'

રાજમાતા મીનલદેવી અને મહાઅમાત્ય સાંતૂએ આ કામની જવાબદારી સંભાળી લીધી.

મયવંશજ માયા હરિજને તો કેડ બાંધી હતી. ઠેરઠેરથી લોકોને કામ કરવા નોતર્યા હતા.

વહેલી સવારે સરોવરનું કામ શરૂ થતું, સાંજ સુધી ચાલતું. રોજ ખોદેલી માટીના ડુંગર રચાતા.

લોકોનો ઉત્સાહ ઘણો હતો, પણ હવે પાટણના ખજાનાનું તળિયું દેખાતું હતું.

રોજ ન જાણે કંઈ કેટલાં માણસ કામે આવે. કિડિયારાં ઊભરાયેલાં જોઈ લો. સાંજે એને લાખોના મોંએ મજૂરી ચૂક્વવી પડે !

અને પાટણના ખજાનાને ઘા પર ઘા વાગ્યા હતા. છેલ્લે છેલ્લે બોતેર લાખના કરની માફીએ તો ખરો ઘા માર્યો હતો. ખજાનો સાવ ખાલીખમ ! તળિયા ઝાટક તિજોરી ! હવે શું થાય ? કટોકટી આવીને ઊભી રહી.

રાજમાતા મીનળદેવી શંકામાં પડી ગયાં : કામ પૂરું થશે કે નહિ ! એ પહેલાં સિદ્ધરાજ આવી ગયો તો ? મહેતા પણ વિચારમાં પડી ગયા : હવે આગળ કેમ વધવું ? એક તરફ સવારીનો ખર્ચ પણ સરોવર જેટલો જ ચાલુ હતો !

માયો હરિજન ઝડપ કરતો હતો. એ તો દેશદેશથી માણસો તેડાવતો, ને કામ આગળ વધારતો. કામમાં ઊંઘ કે આરામ જોવાનો નહિ ! વળી માલવાનું યુદ્ધ જલદી પૂરું થાય ને મહારાજ સિદ્ધરાજ જલદી આવી પહોંચે તો ?

સરોવર પૂરું ખોદાઈ ગયું. કાંઠા બંધાઈ ગયા. સુંદર ઘાટ પણ રચાઈ ગયા.

હવે સરસ્વતીમાંથી નહેર વાટે પાણી લાવવાનું કામ બાકી હતું. નહેરો પણ ખોદાવા માંડી હતી.

માર્ગમાં રસ્તા આવતા, ત્યાં પુલ બંધાતા. પડખેનાં ખેતરોમાં પાણી પેસી ન જાય, એ માટે પાળા રચાતા.

પણ દરેક કામમાં પૈસો પહેલો જોઈએ; અને કામ કરનારા એવા કે એક દહાડો પણ ઉધાર ન ચાલે. એમની પાસે સવારનું હોય તો સાંજનું ન હોય, સાંજનું હોય તો સવારનું ન હોય ! કામ કરનારને ખાવા તો જોઈએ ને ! ખાધા વગર કામ કેવી રીતે થાય ?

પટ્ટણી સગાળશા ફરી વાર સાંતૂ મહેતાની મુલાકાત લઈ ગયો. એણે આજીજી કરી :

'આ સરોવરમાં મારો ફાળો લો.'

સાંતૂ મહેતાએ ના પાડી. એ પોતાના રાજાની કિર્તિમાં જરા પણ કલંક આવવા દેવા માગતા નહોતા. રાજ બાંધે; રાજનું નામ રહે.

રાજમાતા મીનલદેવી આજ વહેલી સવારે પાલખીમાં સાંતૂ મહેતાને ઘેર આવ્યાં અને દાબડો ખાલી કરતાં કહ્યું :

'મંત્રીરાજ ! લો આ સુવર્ણ ! જોજો, સરોવરનું કામ ન થંભે !'

‘રાજમાતા ! આ શું ?'

'સિદ્ધસરોવર માટે. મેં યાત્રાના કરની ભારે કમાણી ખોવરાવી. હવે મારા પુત્રનું કામ અધૂરું રહે, એ ન શોભે. જનતાની પાઈ ન લેશો. સિદ્ધરાજનું મન કોચવાશે.'

સાંતૂ મહેતા શું કહે? આભૂષણો લીધાં; સોનાં ગોળ્યાં.

પણ એ સોનાં થોડા દહાડામાં માટીની પાછળ માટી થઈ ગયાં. ફરી પૈસાની ખેંચ આવીને ઊભી.

માયો હરિજન એક દાડો સવારે મહામંત્રીના આંગણે આવ્યો. એ ચરણમાં ઝૂક્તાં બોલ્યો :

મહેતાજી ! કામ આપનાર બધા લોકોએ નિશ્ચય કર્યો છે, ને માગણી મૂકી છે કે અમને પૈસાને બદલે રાજ રોટલો ને છાશ આપે. અમારે પૈસા જોઈતા નથી. પેટવડિયા કામ કરીશું. માલવા જીતીને મહારાજ આવે ત્યારે ગમે તે સરપાવ આપજો.'

સાંતૂ મહેતા પાસે આનો કંઈ જવાબ નહોતો. એમણે છાશ રોટલાનું ખાતું ખોલ્યું.

પણ કામ તો ભારે નીકળ્યું ! જેમ જેમ હળવું કરતા ગયા, એમ એમ ભારે થતું ગયું ! નહેરો કઠણ નીકળી. પુલ ધાર્યા કરતાં વિશેષ નીકળ્યા. મૂંઝવણ, મૂંઝવણ ને પાર વગરની મૂંઝવણ ! એક દહાડો પાટણ અને એની આસપાસની અઢારે વર્ણ એકઠી થઈ ને સાંતૂ મહેતા પાસે આવી. તેઓએ કહ્યું :

'અમે રોજ એક પ્રહર મજૂરીએ આવીશું. રાજનું કામ એ પ્રજાનું કામ !'

સાંતૂ મહેતા લાચાર બની ગયા હતા. એમને માથે બેવડી ઉપાધિ હતી. માળવાનો ઘેરો લંબાયો હતો. લશ્કરનાં ખાતાં તો ભારે. એનું ગમે તેમ કરીને પણ પૂરું કરવું પડે. એમાં ન ચાલે. તેઓએ પ્રજાની સેવા સહર્ષ સ્વીકારી લીધી.

કામ ધમધોકાર ચાલવા લાગ્યું, પણ કામનો છેડો હજીયે ન દેખાયો તે ન જ દેખાયો. માર્ગમા, પાળા ને પુલે ખૂબ સમય લીધો. હવે તો જેઠ મહિનો બેઠો હતો, ને દિવસ ગરમાવા લાગ્યો હતો.

જ્યોતિષીઓએ વર્તારો કાઢ્યો કે 'આ વખતે વરસાદ શ્રીકાર છે. સરોવર તૈયાર હશે તો છલકાશે. પાણીનું દુ:ખ પાટણમાંથી સદાનું જશે!'

રાજમાતાને આ વર્તારાએ વધુ ચિંતાતુર બનાવ્યાં. એક તો પોતાની વૃદ્ધ ઉંમર, એમાં પુત્ર પરદેશ. ત્યાંના પણ સારા સમાચાર નહિ; અને આ તરફ સરોવરની આ હાલત !

ભલી રાજમાતાનું હૈયું ગાઢ નિરાશામાં પોચું પડી ગયું, ને એક દહાડો બેઠાં-બેઠાં, ભગવાન સોમનાથની માળા ફેરવતાં ફેરવતાં, એ પંચત્વ પામી ગયાં !

આવી રાજમાતા કોઈએ જોઈ નહોતી, અને હવે જોવાના નહોતા. મૂળે દક્ષિણનાં રાજકુંવરી, પણ મનમાં ગુજરાત વસી ગયેલું. દક્ષિણ-પશ્ચિમના ભેદ મનમાં કદી નહિ. સોમનાથ દેવનાં પરમ ઉપાસિકા !

એ દહાડે પાટણમાં એકે દીવો ન પ્રગટ્યો; એકે ચૂલો પણ ન સળગ્યો. આખું શહેર નાહવા ઊતર્યું ! સહુને પોતાના કુટુંબનું વડીલજન ગયા જેટલો શોક થયો.

સાંતૂ મંત્રીએ એક ઘોડેસવાર સાથે રાજમાતાના મૃત્યુનો સંદેશો માળવા તરફ મોકલ્યો.

ભલાં રાજમાતાના મૃત્યુનો ઘા આ વૃદ્ધ મંત્રીને હૈયે વધુ લાગ્યો. એ પણ પોતાનો રાજા પાછો આવે, એટલે આ રાજકાજની ધૂંસરી છોડી દેવાનો નિશ્ચય કરી બેઠા ! સિદ્ધરાજ મહાન માતૃભક્ત હતો. એને પોતાની માતામાં સોમનાથદેવ જેટલી શ્રદ્ધા હતી. એને માતાનો આઘાત વધુ ન લાગે, એ માટે સાંતૂ મહેતાએ મહાન ગુરુજ્ઞાનદેવ પાસે, કવિ પાશુપતાચાર્ય પાસે જાજાતના સંદેશા લખાવ્યા; પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાળને સ્વયં ત્યાં મોકલ્યા. એમણે સંસારની નશ્વરતાનું સુંદર ચિત્ર દોરીને તૈયાર રાખ્યું.

સાંતૂ મહેતા આ વ્યવસ્થામાં પડ્યા હતા, ત્યાં સિપાઈઓ એક માણસને પકડીને લાવ્યા. તેઓએ નિવેદન કર્યું કે,

'શ્રેષ્ઠી સગાળશાનો હસ્તમલ્લ નામનો આ પુત્ર છે. એણે અહીંની એક નગરકન્યાનું કર્ણફૂલ ચોર્યું છે !'

સાંતૂ મંત્રી એ જુવાન સામે જોતાં બોલ્યા :

'કેમ, તેં નગરકન્યાનું કર્ણફૂલ ચોર્યું છે ?'

'જી હા.' હસ્તમલ્લે કહ્યું.

'શા માટે?'

જવાબમાં હસ્તમલ્લ બેફિકરું હસ્યો.

ગુનો કરવો ને પાછી આવી બેફિકરાઈ બતાવવી ! સાંતૂ મહેતાને એ ન રુચ્યું. એમણે હુકમ કર્યો.

'ઓહ ! દીવા નીચે કેવું અંધારું ! હસ્તમલ્લ ! તને કુદરતે હાથ આ માટે આપ્યા હશે, કાં ? અરે, એ પાપીના હાથ જ કાપી નાખો !'

આ વખતે સગાળશા શેઠ હાજર થયા. એમણે કહ્યું :

'છોરુંકછોરું થયું. એક વાર માફ કરો ! આપ ચાહો તેટલો દંડ કરો ! અબઘડી ભરી દઉં !'

સાંતૂ મહેતા વિચારમાં પડી ગયા. એમણે સલાહકારમંડળ નોતર્યું. બધાએ ખૂબ ચર્ચાઓ કરી. આખરે એવું ઠર્યું કે આવા ગુનાની સજા, અને એમાંય શક્તિસંપન્ન શ્રીમંતપુત્ર આવો ગુનો કરે ત્યારે એની સજા, તો કડક થવી જોઈએ : હાથ જ કાપી નાખવા જોઈએ, જેથી ફરી કોઈ આવું કામ કરવાની હિંમત ન કરે. પણ સમયને માન આપવામાં માનતી મંત્રીસભાએ રાજની ખાલી થયેલી તિજોરીનો વિચાર કર્યો; અને છેવટે હસ્તમલ્લની નાની ઉંમર જોઈને
Sidhraj Jaysinh Novel - Pic 43.png
એને અંગવિચ્છેદની કોઈ સજા કરવાને બદલે ત્રણ લાખ રૂપિયાનો દંડ કર્યો.

શ્રેષ્ઠી સગાળશાએ તરત દંડ લાવીને હાજર કર્યો.

ત્યાં તો નગરકન્યા તરફથી કહેણ આવ્યું :

'એ પાપના પડછાયાથી અપવિત્ર થયેલું કર્ણફૂલ મારે ન ખપે. રાજ એનું માલિક છે.'

સાંતૂ મહેતાએ આનાકાની કરવા માંડી; પણ કન્યાએ ના જ કહેવરાવી. સાથે કહ્યું.

'આ કર્ણફૂલ પહેરું, તો મારો ભાવી ભરથાર મને સ્વીકારવા તૈયાર નથી ! આ કર્ણફૂલ રાજ સ્વીકારે એમાં મારી સલામતી છે.'

સાંતૂ મહેતા અને બધા મંત્રીઓ મનમાં તો ધન ઇચ્છતા હતા, અને આ તો વગર માગ્યું મળતું હતું, એટલે વાત ત્યાં અટકી ગઈ. હવે પાટણના ખજાનામાં કંઈક જીવ આવ્યો. રાજભંડારી રૂપિયા લઈ મજૂરોને આપવા ગયો, ત્યારે માયા હરિજને કહ્યું :

'અમારા મજૂરો આમાંનું કંઈ નહિ સ્વીકારે. અત્યારે છાશ- રોટલાનું કરો છો, એ ઘણું છે. બને તો ગોળનો ગાંગડો સાથે આપો. કામ કરનારને ગોળ બળ આપે છે. બાકી બીજું મહારાજ સિદ્ધરાજ આવીને આપશે.'

બધાનાં મન ઉચ્ચ કર્તવ્યભાવના પર ઝૂલી રહ્યાં હતાં. સાંતૂ મહેતા આ મહાન પ્રજાને મનોમન વંદી રહ્યા, ને બોલ્યા :

'જનતાની જય !'

એ જયકારના પડઘા આકાશે જઈને ગાજ્યા.

શ્રાવણના આભમાં વાદળ ઘેરાણાં.

ગર્જનાના ઢોલ પિટાયા.

મુશળધારે મેઘ વરસ્યા.

સરસ્વતીમાં પાણી આવ્યાં. નહેરો વાટે જાણે પાટણને પાદર દરિયો આવ્યો. સરોવર ચારે કાંઠે છલકાઈ ગયું !

પાણી હિલોળા લેવા લાગ્યાં ! પાટણના દેદાર ફરી ગયા, હવા ફરી ગઈ, ભૂમિ ફરી ગઈ ! પાણી એ જ પરમેશ્વર ! જાણે સ્વયં ભગવાન એ ભૂમિ પર અવતર્યા. પછી હસી- ખુશીનો શો પાર રહે ! ફૂલવાડીઓ ફોરી. ખેતરોમાં મોલ ઝૂલવા લાગ્યા. લીલીછમ ધ્રો પર મોર રમવા આવ્યા. આંબાવાડિયે કોયલ ગાવા આવી. વનરાજિમાં હરણાં છલાંગો દેવા લાગ્યાં.*[૧]

- શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી
 
</ref>.
  1. *જસમા ઓડણ વિષે 'રાસમાળા' માં એક આધુનિક રાસડો છે. પણ કોઈ લેખી પુરાવાનો આ દંતકથાને ટેકો નથી. અને તેને વિશ્વસનીય ગણવાનું પણ કારણ નથી.