સિદ્ધરાજ જયસિંહ/અવન્તીનાથની ઉદારતા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← યાહોમ કરીને પડો સિદ્ધરાજ જયસિંહ
અવન્તીનાથની ઉદારતા
જયભિખ્ખુ
૧૯૬૦
ગુજરાતી ભાષાના ઘડવૈયા  →


Sidhraj Jaysinh Novel - Pic 40.png
અવંતીનાથ સિદ્ધરાજની ઉદારતા
 

પાટણનો પતિ આજ પાટણમાં આવે છે.

સાથે માળવાનો વિજય વરીને આવે છે.

સાથે માલવપતિ યશોવર્માને કેદ કરીને લઈ આવે છે. સાથે માળવાના રત્નભંડારો છે, જ્ઞાનભંડારો પણ છે.

માળવાનું યુદ્ધ અવશ્ય ભયંકર હતું. સિદ્ધરાજે પોતાના સર્વ સામંતોને સાથે લીધા હતા; સર્વ મિત્રરાજાઓને પણ સાથે લીધા હતા; પોતાની સર્વ તાકતથી માલવસેનાનો સામનો કર્યો હતો. ટૂંકમાં, અઠંગ જુગારીની જેમ એણે એક ઘવ પર બધું મૂકી દીધું હતું : યાહોમ કરીને પડો, ફતેહ છે આગે !

નાડોલના ચૌહાણરાજ આશરાજ સાથે મદદમાં હતા.

કિરાડુના પરમાર રાજા ઉદયરાજ પણ સાથે હતા.

આવા તો અનેક હતા. અને અનેકનાં પાણી માળવાના યુદ્ધે માપી લીધાં હતાં. આ યુદ્ધે ગુજરાતની કીર્તિધજા દશે દિશામાં ફરકાવી હતી.

માળવાના વિજ્યની સાથે માળવાએ જીતેલા મેવાડ, ડુંગરપુર ને વાંસવાડા પણ ગુજરાતના તાબામાં આવ્યાં હતાં. દૂર-દૂર સુધી ગુજરાતનો કીર્તિધ્વજ લહેરિયા લેતો હતો. ગુજરાતની સીમા આજ વિશાળ થઈ હતી, ને મહારાજ સિદ્ધરાજ ચક્રવર્તી થયા હતા.

નાગર મહાઅમાત્ય દાદાકના મહાન પુત્ર મહાદેવને માળવા ભળાવી, રાજા સિદ્ધરાજ દડમજલ કૂચ કરતા પાટણ આવતા હતા.

એ ક્યાંય રોકાતા નહોતા.

માતા મીનલદેવીની યાદ એ ભૂલી શક્યા નહોતા. યુદ્ધ માટે વજ્ર જેવું બનાવેલું હૈયું હવે પાણી-પોચું બન્યું હતું. લાગણીનાં વાદળો અવારનવાર ઊભાં થતાં ને વરસી જતાં. પોતાનો શોક યુદ્ધે, કવિએ ને વિદ્વાનોએ ઓછો કર્યો હતો, પણ અંતરમાં હજી શોક અને કોપ બંને ભર્યા હતા.

એ કોપ બધો માળવાના બંદીવાન રાજા યશોવર્મા પર તોળાઈ રહ્યો હતો : એણે જો કાર્યમાં વિલંબ ન કર્યો હોત, તો મરતી માતાનું મોં ભાળી શક્યો હોત; બે વચન શ્રવણ કરી શક્યો હોત. માતાના સુકાતા હોઠ પર ગંગાજળ રેડી શક્યો હોત !

પાટણ પહોંચતાં જ દરબાર ભરવાનો હતો; વેરની વસૂલાત કરવાની હતી.

પાટણ વિજયોત્સવમાં ઘેલું બન્યું હતું. આજે જે ગૌરવ ગુજરાતને મળ્યું હતું, એ પહેલાં કદી મળ્યું નહોતું.

આખું નગર શણગારવામાં આવ્યું હતું. ઇંદ્રની અમરાપુરીની યાદ આપે એવું પાટણ થઈ ગયું હતું.

પટ્ટણી વીરોનો જુસ્સો આજે જુદો હતો. આજે એમની તાકાતને જાણે દુનિયા નાની પડતી હતી. પાટણની સુંદરીઓનો ઠસ્સો પણ ઓર હતો. ઘરઘરમાં આનંદ છવાયો હતો. વર્ષોના વિયોગ પછી આજે બાપ બેટાને, ભાઈ બહેનને અને પતિ પત્નીને મળતાં હતાં.

માળવા ખંડિયું રાજ બન્યું હતું. એનો તમામ ખજાનો હાથ કરવામાં આવ્યો હતો, ને તે હાથી, ઘોડા, ઊંટ ને ગધેડાં પર લાદીને અહીં લાવવામાં આવતો હતો. હીરા-માણેક, રત્ન-મોતી ને સોના-રૂપાંનો તો સુમાર નહોતો. પણ સિદ્ધરાજ માત્ર વીર જ નહોતા, વિદ્યાશોખીન પણ હતા. નાનપણથી જવાબદારી માથે આવી હતી, એટલે વિદ્યાગુરુનાં ઝાઝાં પડખાં એ સેવી શક્યા નહેતા, છતાં વિદ્યાના સંસ્કરો એમણે ઝીલ્યા હતા.

એટલે માળવાના રાજભંડારો સાથે જ્ઞાનભંડારો પણ પાટણમાં લાવવામાં આવ્યા હતા.

પાટણનો આજનો શણગાર કંઈ અપૂર્વ હતો.

'ઊંચાં શિખરવાળાં મંદિરોમાં સુવર્ણઘંટ ગાજતા હતા, જેના અવાજ બાર-બાર ગાઉ સુધી સંભળાતા હતા.

ઇષ્ટદેવોની આરતીઓ ઊતરતી હતી, ને પ્રાર્થના મંદિરોના વિશાળ ગુંબજોને ભેદતી હતી. ક્યાંક, દાન, ક્યાંક ગાન ને ક્યાંક નાચરંગ ચાલતાં હતાં. એકબીજા-એકબીજાનાં મોંમાં પરાણે મીઠાઈઓ મૂકીને ગળ્યાં મોં કરતા હતા ને ઉપર પાટણની નગરસુંદરીઓ પાનનાં બીડાં આપતી હતી.

વાહ ! આ એક દહાડાનો આનંદ જેણે માણ્યો, એનું જીવ્યું પ્રમાણ !

પ્રાસાદો, રાજભવનો અને હવેલીઓ દીપમાળાઓથી ઝાકમઝોળ બની હતી. રાતે જાણે દિવસનો વેશ લીધો હતો. પાટણનો અકેક મહોલ્લો એક-એક ગામ જેવો હતો. અને એની શોભા અપૂર્વ બની હતી.

મહારાજ સિદ્ધરાજે જ્યારે નગરપ્રવેશ કર્યો, ત્યારે તેમનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું.

પુરસુંદરીઓએ લળી-લળીને રાજાને મોતીડે વધાવ્યા.

રસ્તા, ચોક ને ઘરોએ તો અપૂર્વ શોભા ધારણ કરી હતી. છતાંય માતાનો શોક હોવાથી મહારાજાએ સ્વાગતમાં સંયમ રાખવાનો આદેશ આપ્યો હતો.

પટ્ટણીઓની પ્રેમ-વર્ષામાં નાહતા મહારાજા રાજમંદિરે આવ્યા. આ એક દહાડાના આનંદે લડાઈનો તમામ થાક ઓગાળી નાખ્યો.

એ રાતે સર્વપ્રથમ શોકસભા ભરવામાં આવી. બાહ્મણ પંડિતો, પુરોહિતો અને જૈન વિદ્વાનોએ શોક ઓછો થાય એવાં વચનો કહ્યાં. સંસાર તો અસાર ને સારમાં માત્ર કિર્તિ-એમ કહ્યું. બર્બરકજિષ્ણુ, અવંતીનાથ સિદ્ધરાજ, આ બધું છતાં, એક વાર ખુલ્લા મોંએ રડ્યા. સ્વજન મળતાં હૈયાસાગરની પાળ તૂટી ગઈ.

મહારાજાએ માતાને અંજલિ આપતાં કહ્યું :

'મારા તમામ વિજયો મારી મહાન માતાને આભારી છે. મારી તમામ કીર્તિ એને ચરણે છે. હું એવી સદ્ગુણી ને સતી માનો લાયક પુત્ર થાઉં, એટલું ભગવાન સોમનાથ પાસે યાચું છું !'

નગરના અનેક આગેવાનો આવ્યા હતા. તેઓએ મહારાજાને શોક કરતા વાર્યા, ને કહ્યું :

'જે જાયું તે જાય, પણ સંસારમાં જશ લઈને જે જાય, એનું ગયું પ્રમાણ. રાજમાતાનું જીવન અને મૃત્યુ બંને ઉજ્જવળ છે ! તેઓએ સિદ્ધસરોવર કરાવતાં જળરૂપી જગજીવનપ્રભુની સેવામાં દેહ તજી દીધો છે : ને આજે સરોવર તો જુઓ : સાગરની શોભા થઈ છે. અહીં હવે સ્ત્રી-પુરુષો બબે વાર સ્નાન કરે છે !'

મહારાજા મોડે સુધી બેઠા. ધીરે-ધીરે શોક ઓછો થતો ગયો.

બીજે દિવસે મધ્યાહ્ને રાજદરબાર ભરવાનો હતો. એમાં માળવાના રાજાને સજા, અને માળવાના યુદ્ધમાં મદદ કરનારને ખિતાબ, ઇનામ અને હોદ્દા આપવાના હતા !

એ દરબાર અલૌકિક હતો. ગુજરાત આજે બેનમૂન રાજ હતું.

દેશ-દેશના એલચીઓ દરબારમાં હાજર હતા.

સૌપ્રથમ માળવાના યુદ્ધમાં વિજયના નિમિત્ત થનાર મહામંત્રી મુંજાલનું બહુમાન કરવામાં આવ્યું. પછી બીજા જે જે સરદારો, સામંતો ને સૈનિકોએ બહાદુરી બતાવી હતી, એમને નવાજવામાં આવ્યા !

આ પછી મહારાજાએ માલવપતિ યશોવર્માને હાજર કરવાનો હુકમ કર્યો.

આ વખતે મહારાજના શાંત મોં પર કોપની રેખાઓ તણાઈ આવી. પોતાની પ્રતિજ્ઞાનું વાક્ય યાદ કરતાં એમણે કહ્યું :

'માલવપતિને ભયંકરમાં ભયંકર સજા થવી ઘટે. મારાં પૂજનીય માતા મેં એને કારણે ખોયાં છે ! મરતી વખતે એમના ચરણનો સ્પર્શ પણ ન કરી શક્યો. એટલે મારો કોપ બમણો છે !' થોડી વારમાં જંજીરોથી બાંધેલા માલવપતિને હાજર કરવામાં આવ્યો. માળવાના રાજાઓ શ્રી, સરસ્વતી અને શૂરવીરતા માટે પંકાયેલા હતા. એમની સંસ્કારિતા જગજાણીતી હતી.

'મહામંત્રી ! મારી પ્રતિજ્ઞા છે કે માલવપતિની ચામડીનું મ્યાન કરીને મારી તલવારને ચઢાવીશ'

મહામંત્રીએ કહ્યું : 'આપે પ્રતિજ્ઞા લીધી એ વખતે માલવપતિ નરવર્મા હતા. એમણે આપની પ્રતિજ્ઞાથી બચવા યમનું શરણ લીધું. યમ તો દેવના દેવ છે !'

મહારાજાએ કહ્યું : 'પણ મંત્રીરાજ ! મારી પ્રતિજ્ઞા ?'

મહામંત્રીએ કહ્યું : 'પૂરી થઈ ગઈ. ચામડી શું. આપે તો આખો દેહ લઈ લીધો. અને વળી રાજામાત્ર દેવનો અંશ છે. આપણે ત્યાં કેદ થયેલા રાજાને મારવાની મનાઈ છે !'

મહારાજ સિદ્ધરાજ વિચારમાં પડી ગયા.

માલવપતિએ કહ્યું : 'રાજા ! લડાઈમાં જીત અને હાર, એ તો નસીબની વાત છે. પણ શૂરા પુરુષોને હાર એ મોત બરાબર છે. હું મરી ચૂકેલો છું. આ દેહને જેમ કરવું હોય તેમ કરી શકો છો.'

'મારી પ્રતિજ્ઞા ન તૂટે !' મહારાજ સિદ્ધરાજે ફરી કહ્યું.

'હું રાજાના પગની થોડી ચામડી લઈને મ્યાનમાં મઢાઈ લઉં છું : ગુજરાતના રાજાઓ ત્યાગ, આત્મભોગ અને ઉદારતાથી વસુધાને જીતે છે ! પિતાના અપરાધે પુત્રને દંડ ન હોય. દાનો દુશ્મન શત્રુના પુત્રને પોતાના પુત્ર સમ લેખે. ગુજરાતની મન-મૃદુતા એ કહે છે.' મહામંત્રીએ કહ્યું.

'માલવપતિને મુક્ત કરો ! હું એમની સાથે મિત્રતા બાંધું છું. સાંજે અમે અમારા મહેમાન માલવપતિ સાથે પાટણ જોવા નીકળશું.'

'ધન્ય ! ગુર્જરેશ્વર, ધન્ય ! ચારે તરફથી પડઘા પડ્યા.

એ પડઘા શાંત થતાં મહામંત્રીએ કહ્યું : 'મહારાજ ! સિદ્ધસરોવર સંપૂર્ણ થયું છે. પાણીનું દુ:ખ ટળ્યું છે; પણ કામ કરનારાઓને મહેનતાણું આપવાનું બાકી છે. એમનું ઇનામ પણ બાકી છે.' મહારાજે કહ્યું : 'હાજર કરો !'

મહામંત્રીએ શિલ્પી માયા હરિજનને રજૂ કરતાં કહ્યું :

'માયાએ અને એના સાથીદારોએ માત્ર પેટ પૂરતું લઈને કામ કર્યું છે !'

'માયા ! માગ, માગ. માગે તે આપું !'

'સ્વામી ! તમારું આપેલું એટલું છે કે નવું શું માગું? પણ માગવાનું કહો છો, તો માગું છું. મારા હરિજનોને હક આપો રસ્તે ચાલવાના.'

મહારાજાએ કહ્યું : 'માયા ! આપ્યા હક ! જેઓ આટલું મહાન કાર્ય કરી શકે, નિ:સ્વાર્થ ભાવે કરી શકે, એને હલકા કેમ કહેવાય ? વારુ, બીજું કંઈ માગ, માયા ! તેં તો જાદુ કર્યું છે જાણે પાટણને આખું ને આખું ઉપાડીને સાગરકંઠે મૂકી દીધું !'

'મહારાજ ! અમારી નાતે ઠરાવ કર્યો છે કે મહેનતાણામાં કંઈ ન લેવું. મહારાજ ખુશ હોય તો અમારે માથે જે લાલ લીરો ફરજિયાત વીંટવો પડે છે, તે માફ કરે. થૂંકવા માટે ગળામાં કુલડી બાંધી રાખવી પડે છે, તે રદ કરે. પીઠે સાવરણી બાંધવાની પ્રથા છે, તે દૂર કરે. અમને ગામની ભાગોળે વસવાની મંજૂરી આપે.'

'મંજૂર ! માયા, મંજૂર ! જે એમાં અડચણ કરશે, એને સિદ્ધરાજ નહિ સાંખે ! અને મંત્રીરાજ ! ઇનામમાં દરેક કુટુંબને પાટણના પાદરે એક- એક ઘર બાંધી આપો ! અને રાજ તરફથી બધાને એક-એક પાઘડી બંધાવો !

મહારાજે ઉદારતાપૂર્વક કદરદાની જાહેર કરી.

આખી સભાએ આ વધાવી લીધી. અવસર એવો હતો કે કોઈ હા-ના કરી શકે તેમ નહોતું.

'મંત્રીરાજ ! હવે આ સરોવરમાં બીજા કોઈની મદદ ? બીજાને કંઈ ઇનામ ? મારાજ સિદ્ધરાજે પૂછ્યું.

'મહારાજ ! એક નગરકન્યાએ પોતાનું ઝૂમણું આપીને મદદ કરી હતી.' અને મંત્રીરાજે સગાળશા શેઠની, તેમના દીકરાની અને કર્ણફૂલની માંડીને વાત કરી.

મહારાજ આ બાબતમાં કડક હતા. તેઓ બોલ્યા : 'ઓહ ! ધન્ય છે એ કન્યાને ! અને ધિક્કાર છે એ શ્રેષ્ઠીપુત્રને ! પરધનની બાબતમાં, પરસ્ત્રીની બાબતમાં મારા પટ્ટણીઓ અવિવેક કરે, તે કદી સાંખી ન લેવાય. જાઓ, બધાંને અહીં હાજર કરો. યોગ્યને ઇનામ અને અયોગ્યને સજા થશે.'

થોડીવારમાં સગાળશા શેઠ, હસ્તમલ્લ ને કન્યા હાજર થયાં. મહારાજ સિદ્ધરાજે કન્યાને કહ્યું :

'બહેન ! પાટણમાં કોઈ સ્ત્રીને સતાવે એ તો મારો ગુનો; હું તારી માફી માગું છું !'

'મહારાજ !' કન્યાએ નીચું મોં રાખતાં કહ્યું : 'મને કોઈએ સતાવી નથી. પાટણની સ્ત્રીઓ પોતાની રક્ષા કરવાનું પોતે જાણે છે. મહારાજ ! સગાળશા શેઠ મારા સસરા છે !'

'તો હસ્તમલ્લની તું પત્ની છે ?' મહામંત્રીને આશ્ચર્ય થયું. 'તારા તરફથી ખોટી ફરિયાદ આવી હતી ?'

'જી હા. વધારે વાત મારા સસરા કેહશે.'

સગાળશા શેઠે આગળ આવીને હાથ જોડતાં કહ્યું :

'મહારાજ ! આપ યુદ્ધમાં હતા. રાજનો ખજાનો ખાલી થઈ ગયો હતો અને મંત્રીઓ અમારું દ્રવ્ય લેવા તૈયાર નહોતા. કામ ખોરંભે પડે તેમ હતું. અમે જાણતા હતા કે આ સરોવરનું કામ આપને મન રણસંગામ જેટલું મહત્ત્વનું હતું. આ માટે મેં યુક્તિ કરી. આ કન્યા મારી પુત્રવધૂ છે. હસ્તમલ્લ મારો પુત્ર છે. બંનેને વ્રત છે કે સિદ્ધ-સરોવરના આરે આપના પગ પખાળીને પછી સંસારમાં પ્રવેશ કરવો.'

'ઓહ, મંત્રીરાજ ! કેવી મહાન મારી પ્રજા ? સગાળશા શેઠ ! તમારી ભાવનાને વંદન છે, અને શરમ છે મારી ભાવનાને ! મારું નામ આપવા માટે મેં કેવી હેરાનગતિ ઊભી કરી ! આ સરોવરનું નામ સિદ્ધસરોવર નહિ પણ મીનલસર !'

'મહારાજ ! મરતાં માતા મીનલદેવીએ સરોવરના આરે સોમનાથનાં મંદિર બનાવવાનું કહ્યું છે. એક હજાર અને આઠ મંદિર નોંધાઈ ગયાં છે. એમણે કહ્યું છે કે માણસનું નામ ખોટું છે; સાચું નામ શિવનું છે.' મંત્રીરાજે કહ્યું. 'સાચી વાત છે, મંત્રીરાજ ! એક વાતનો અમલ કરો : જેમ સરોવરનો વિચાર મેં કર્યો અને કર્યું પ્રજાએ, એમ દેરીઓનો વિચાર ભલે પ્રજાનો રહ્યો. પણ દેરીઓ કરે રાજ ! માલવાના ધનને એ રીતે સફળ કરો ! અને સરોવરનું નામ ?..... '

મહારાજ થોડી વાર વિચારમાં પડ્યા.

અને પછી કંઈક પ્રેરણા થતી હોય તેમ બોલ્યા : 'આ સરોવરનું નામ સહસ્ત્રલિંગ સરોવર.'

આખા દરબારમાં જયજયકાર થઈ રહ્યો. સગાળશા શેઠે એ વખતે કહ્યું : 'મહારાજ ! હવે આપ રોવરની પાળે પધારો !'

'શાબાશ, સગાળશા શેઠ ! જનતાનાં કામ તો શિવનિર્માલ્ય કહેવાય. ચાલો, હું તમારાં પુત્ર ને પુત્રવધૂના પગ પખાળું ! જેની પ્રજા આટલી મહાન હોય, એનો રાજા કેવો જોઈએ !'

'મહારાજ ! નેવનાં પાણી મોભે ન ચડે ! જય અવંતીનાથ !'

મહારાજા સિદ્ધરાજ સિંહાસનેથી નીચે ઊતર્યા.

પગપાળા પાટણની શેરીઓ વીંધીને મહારાજ સરોવરે ગયા. આખો દરબાર પાછળ-પાછળ ચાલ્યો.

એ દિવસે સરોવરનાં પાણી સિદ્ધરાજના ચરણસ્પર્શથી પુલકિત બન્યાં. સહસ્ત્રલિંગનું નામ પામી સરોવર અમર થઈ ગયું.