સિદ્ધરાજ જયસિંહ/ગુજરાતી ભાષાના ઘડવૈયા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← અવન્તીનાથની ઉદારતા સિદ્ધરાજ જયસિંહ
ગુજરાતી ભાષાના ઘડવૈયા
જયભિખ્ખુ
૧૯૬૦
સર્વધર્મ સમાન  →


[ ૧૦૩ ]

Sidhraj Jaysinh Novel - Pic 39.png
ગુજરાતી ભાષાના ઘડવૈયા
 

માળવા જીત્યું. અવંતિનાથ બિરુદ લીધું : પણ એક વાત મહારાજ સિદ્ધરાજના દિલમાં ખટક્યા કરે છે. શૂળની જેમ એ વાત દિલને વીંધે છે ! માલવાના રાજા વિદ્વાન ! પંડિત ! સંસ્કારી ! અને હું શું ? મારું ગુજરાત શું?

માલવામાંથી લાવેલો પુસ્તકોનો ભંડાર ફેંદતાં એક પુસ્તક નીકળી આવ્યું. ગ્રંથપાલે એનું નામ વાંચ્યું.

એનું નામ ભોજ વ્યાકરણ !

મહારાજા કહે : 'એમ આગળ નામ મૂકી દીધે શું વળે ? હું ય કહું કે સિદ્ધ વ્યાકરણ.'

ગ્રંથભંડારના પાલકે કહ્યું : 'મહારાજ ! લખે કોઈ ને નામ આપે કોઈનું એવું આ નથી. આ વ્યાકરણ રાજા ભોજે રચેલું છે. રાજા ભોજ વિદ્વાન હતો. કવિ હતો. નાટકકાર હતો. એની સભામાં પણ વિદ્વાનોની સંખ્યા મોટી હતી. ભોજનું રચેલું આ વ્યાકરણ દેશભરની પાઠશાળાઓમાં ચાલે છે.'

'આપણા દેશની પાઠશાળાઓમાં પણ ?' મહારાજે પ્રશ્ન કર્યો. [ ૧૦૪ ] 'હાજી. વરસોથી પાટણની પાઠશાળાઓમાં ભોજ વ્યાકરણ ચાલે છે. એ વ્યાકરણ ભણીને પંડિત થયેલા આપણે ત્યાં અનેક જણા છે.'

'ખરેખર ! માણસ માટે અમર થવાનો આ સાચો માર્ગ છે. રાજા ગમે તેવો હોય, પણ પોતાના રાજમાં પૂજાય છે, જ્યારે વિદ્વાન તો જગતમાં પૂજાય છે.'

'મહારાજ ! એ ભોજરાજાના બનાવેલા અનેક ગ્રંથો છે એમાં 'સરસ્વતી કંઠાભરણ' નામનો એક ગ્રંથ છે. આ ગ્રંથ પણ પાટણની પાઠશાળામાં વિદ્યાર્થીઓ ભણે છે. આપ પાઠશાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને જે સુવર્ણકંકણની બક્ષિસ આપો છો, એ વિદ્યાર્થીઓ આ ગ્રંથો ભણેલા હોય છે.' ગ્રંથપાલે વધુ વિગત આપતાં કહ્યું.

'ઓહ ! માત્ર સમશેર કંઈ નથી. સરસ્વતી જોઈએ. માણસ તો જ અમર થાય. તલવારના વિજયો આજ થાય, કાલ ભૂંસાઈ જાય. એમાં તો બળિયાના બે ભાગ. પણ વિદ્વત્તા તો એવી છે કે લૂંટાવાથી વધે છે. ચોરાવાથી ચાર ગણી થાય છે. વારુ, ગ્રંથપાલ ! બીજા ક્યા કયા ગ્રંથો છે ?'

'મહારાજ ! લગભગ તમામ વિદ્યાઓના ગ્રંથો છે. માલવાના વિદ્યાર્થીઓને એ માટે બીજાનું મોં ન જોવું પડે એ માટે-અનેક પ્રકારના ગ્રંથો રચાયેલા છે. આ ચિકિત્સાશાસ્ત્ર છે. એમાં વૈદવિદ્યા છે. આ વાસ્તુશાસ્ત્ર છે. મકાનની બાંધણી વિષે એમાં છે. આ ઉદયસિદ્ધિ નામનો ગ્રંથ છે. એમાં જ્યોતિષ વિષે છે. આ સ્વપ્નશાસ્ત્ર છે. આ સામુદ્રિકશાસ્ત્ર છે. આ નિમિત્તશાસ્ત્ર છે. આ અધ્યાત્મશાસ્ત્ર છે. લગભગ વિદ્યાની બધી શાખાઓનાં પુસ્તકો છે.' ગ્રંથપાલે કહ્યું.

'આ બધું ભોજ રાજાએ બનાવેલું ?'

'ના, કેટલુંક પોતે અને બીજાં બીજા પંડિતો પાસે તૈયાર કરાવેલું. રાજ્યે એમાં મદદ કરેલી. રાજ્યની મદદ વગર આવાં કામ ન થાય.' ગ્રંથપાળે કહ્યું.

મહારાજા સિદ્ધરાજ આ સાંભળી થોડીવાર વિચારમાં પડ્યા, પછી ધીરેથી બહાર નીકળ્યા. એમના ચિત્તમાં ચેન નહોતું.

અરે ! મારો વિજય હાર જેવો છે. કલે મારો વિજય ભુલાઈ જશે. ને આ વિદ્યાગ્રંથો ભોજનું નામ અમર રાખશે. શું કરું હું ? [ ૧૦૫ ] આ વખતે એક વ્યકિત યાદ આવી. એનું નામ આચાર્ય હેમચંદ્ર! એક વાર માર્ગમા, જ મિલાપ થયેલો, પહેલી જ મુલાકતે એ તેજસ્વી સાધુમૂર્તિએ એમનું મન ખેંચેલું.

પગ ઉઘાડા, માથું ઉઘાડું, શરીર ફક્ત બે ચીવરથી ઢાંકેલું.

હાથમાં દંડ ને ચાલમાં ગૌરવ !

બીજની ચંદ્રરેખા જેવી લલાટ પર કાંતિ !

એણે મને જોતાં જ કેવા આશીર્વાદ આપેલા ?—

'હે કામધેનુ ! તું તારા ગોમય રસથી આ ભૂમિને તૃપ્ત કર !

'હે સાગરદેવ ! તું તારા મોતીગણોથી અહીં સ્વસ્તિક રચ !

'હે દિગ્ધાળો ! તમે તમારી લાંબી સૂંઢથી કલ્પવૃક્ષનાં પાંદડાં તોડી તોરણ રચો,

'કારણ કે સંસારવિજયી સિદ્ધરાજ આવે છે !'

ઓહ ! મારા વિદ્યા-વિજ્યમાં કોઈ મદદ કરી શકે તો એ કરે ! મારા વફાદાર મંત્રીઓ, વીર સુભટો અને કુશળ સેનાપતિની આમાં ગતિ નથી.

અને મહારાજ સિદ્ધરાજના કાને સહસ્ત્રલિંગ સરોવરની પાળે કોઈ ગાતું સંભળાયું. એ દુહા હતા. અપભ્રંશ ગુજરાતીના દુહા હતા.

પુત્તે જાયેં કવણું ગુણુ, અવગુણુ કવણુ મૂએણ ?
જા બપ્પીકી ભૂંહડી, ચંપીજઈ અવરેણ ?

એ પુત્રના જન્મથી શો સાર ? અને મૃત્યુથી શો શોક ? જેના જીવતાં પિતૃભૂમિ પારકાના હાથે ચંપાય ?

જો ગુણ ગોવઈ અપ્પણા, પયડા કરઈ પરસ્સુ,
તસુ હઉં કલિ-જુગી દુલ્લહો, બલિ કિજ્જઉં સુઅણસ્સુ !

જે પોતાના ગુણ ઢાંકે, અને પારકા ગુણ પ્રગટ કરે, તેવા કલિયુગમાં કવચિત મળતા પુરુષને મારાં વંદન !

પાઈ વિલગ્ગી અંત્રડી, સિરુ લ્હસિઉં ખંધસુ
તો વિ કટારઈ હથ્થડુ, બલિ કિજ્જઉં કંતસુ.

[ ૧૦૬ ] આંતરડાં નીકળીને પગે વીંટાયાં છે, માથું ખભા પર ઢળી પડ્યું છે; છતાં પણ હાથમાં ખડગ છે : એવા મારા કંથ પર વારી જાઉં છું.[૧]

મહારાજને આ દુહા સાંભળી સાક્ષાત્ સરસ્વતીના અવતાર જેવા મહાન આચાર્યને મળવાની તાલાવેલી લાગી. થોડી વાતચીતમાં પણ ગુજરાત માટે કંઈક કરી છૂટવાની એમની ભાવનાનાં દર્શન થયાં.

મહારાજ તરત સર્વાવસરમાં ગયા. મંત્રીઓને તેડ્યા, મહામુનિને તેડ્યા. સહુએ આવી જતાં મહારાજાએ પોતાના દિલની વેદના ઠાલવતાં કહ્યું :

'હું ગુજરાતને વિદ્યાભૂમિ બનાવવા ચાહું છું. મારા દેશની પાઠશાળાનાં બાળકો માલવાના રાજાનાં વ્યાકરણો ને ગ્રંથો ભણે, એ મારી જીતને હું હાર બરાબર ગણું છું. આચાર્યવર્ય શ્રી.હેમચંદ્ર આ બાબતમાં ઘણું કરી શકે. હું તેઓને ગુજરાતના વિદ્યાગુરુ બનવા પ્રાર્થના કરું છું. હું પણ તેઓને ચરણે બેસી વિદ્યાભ્યાસ કરીશ. વિદ્યામાં વય કે લિંગ જોવાતાં નથી.'

'રાજન્ ! તમે ભોજ વ્યાકરણ જોયું લાગે છે !' મહાન ગુરુહેમચંદ્રાચાર્યે કહ્યું, 'રાજા ભોજનું એ અક્ષર જીવન અપૂર્વ છે. એની એ જીતને કોઈ પણ મહારથી હારમાં પલટી નહિ શકે. માળવાના અજેય કોટકાંગરા મહારાજ સિદ્ધરાજ તોડી શક્યા, પણ આ કિલ્લો ભેદવો દુર્લભ છે.'

'એવી અપૂર્વતા અહીં સરજી ન શકાય ?' સિદ્ધરાજે વિનંતીના સૂરે કહ્યું.

'શા માટે નહિ ? પણ એમાં એક્લદોક્લનું કામ નથી. રાજની મદદ જોઈએ. રાજે પણ એક યુદ્ધ જેટલું ખર્ચ કરવું પડે. મારા ઉપાશ્રયમાં એ કામ મારી રીતે ચાલુ જ છે. હું લખાવું છું, ને લહિયાઓ લખે છે. પઠન-પાઠન ને લેખન સાધુઓનો નિજ ધર્મ છે.' આચાર્યે કહ્યું.

'આપ કહો તે મદદ કરવા રાજ્ય તૈયાર છે. આજ્ઞા આપો તો હું લહિયો થઈને લખવા બેસવા તૈયાર છું. સિદ્ધરાજ હવે યુદ્ધમાં ખર્ચ નહિ કરે, વિદ્યામાં ધન વાપરશે.'

ગુર્જરેશ્વરની આ ભાવનાનો પડઘો આચાર્યશ્રીના દિલમાં પડ્યો. રણશૂરા ને દાનશૂરા ઘણા રાજવીઓ હતા; પણ તેઓ જેવો વિદ્યાશૂર રાજા શોધી રહ્યા હતા, તેવો રાજા સાંપડી ગયો હતો.


  1. સોરઠી, દુહા, જેને દશમો વેદ કહેવામાં આવે છે, એનું મૂળ આ અપભ્રંશ દુહાઓમાં છે.
[ ૧૦૭ ] આચાર્યશ્રીએ કહ્યું :

'એક સુંદર વ્યાકરણ તૈયાર કરવું, એને યોગ્ય અનુપમ સાહિત્ય સરજવું અને આ દેશને સંસ્કાર અને સાહિત્યથી ઘડવો, એ મારું સ્વપ્ન હતું. આજ તમારી મદદથી સ્વપ્ન સાકાર થાય છે !'

આચાર્યશ્રી ભાવમાં હતા. થોડીવારે આગળ બોલ્યા :

'હું મારી તમામ શક્તિઓ એમાં અર્પી દેવા તૈયાર છું. ગુજરાતને ગામે-ગામે ને શહેરે-શહેરે સરસ્વતી વહેતી જોવાની મારી ઝંખના છે. સંસારમાં પહેલું અમૃત વિદ્યા છે.

'વ્યાકરણ, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર, શબ્દકોશ અને ન્યાયશાસ્ત્ર વગેરે તૈયાર કરવા હું આજથી આસન જમાવીને બેસી જઈશ. કેટલીક સામગ્રી મારી પાસે છે. કેટલીક કાશ્મીર વગેરે દેશોમાંથી મંગાવવી પડશે.'

'આજ્ઞા આપો એટલી વાર છે. મારા એલચીઓ તૈયાર છે. આ પ્રશ્નને હું લડાઈ જેવો તાકિદનો પ્રશ્ન માનું છું.' મહારાજા સિદ્ધરાજે પોતાના સ્વભાવ મુજબ ક્હ્યું.

એ જ સાંજે એલચીઓને આજ્ઞા આપી દેવામાં આવી. હાથી, ઘોડા કે રથને તૈયાર કરવામાં આવ્યા. ગ્રંથો લાવતાં માર્ગમાં વિઘ્ન ન થાય તે માટે લશ્કરી ટુકડીઓ સાથે આપવામાં આવી. તે તે દેશો પર પત્રો લખી આપવામાં આવ્યા.

એલચીઓ તાબડતોબ કાશ્મીર તરફ રવાના થયા.

આ તરફ પાટણના ઉપાશ્રયમાં અનેક લહિયાઓ લખવા બેસી ગયા. એક તરફ પત્ર તૈયાર થવા લાગ્યાં. બીજી તરફ શાહીઓ ઘૂંટાવા લાગી.

આચાર્યશ્રીના મુખમાંથી સરસ્વતીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગ્યો. બોલનાર એક અને લખનાર દશ-વીસ જણા ! કામ છએક મહિના ચાલ્યું હશે, ત્યાં કાશ્મીર તથા અન્ય દેશોમાંથી ગ્રંથો આવી ગયા.

કામમાં વેગ આવ્યો. સમય મળતાં મહારાજ સિદ્ધરાજ આવીને એક ખૂણે શાંતિથી બેસતા અને બધી પ્રવૃત્તિ નિહાળતા. આથી કામ કરનારાઓનો ઉત્સાહ બમણો વધતો.

વ્યાકરણ લગભગ રચાઈ જવા આવ્યું. એનાં અનેક પ્રકરણો તૈયાર થઈ ગયાં. એની બીજી નકલો પણ તૈયાર થઈ ગઈ. [ ૧૦૮ ] સવા વર્ષમાં તો વ્યાકરણ સાવ તૈયાર !

મહારાજ સિદ્ધરાજે દેશવિજયની જેમ આ ગ્રંથનું સ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી.

દેશેદેશ કંકોતરીઓ મોક્લવામાં આવી. કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને તેડાવવામાં આવ્યા. આઠ દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો.

છેલ્લે દિવસે વરઘોડો કાઢવામાં આવ્યો. નગરસુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી-સોનાના થાળમાં પધરાવી, માથે મૂકી.

પાછળ સૂર્યમુખી ફૂલ ને કૂકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એ પાછળ ગામનું મહાજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ ચાલવા લાગ્યા. એ પછી ખુદ મહારાજ સિદ્ધરાજ અને મહાગુરુહેમચંદ્ર ચાલતા નજરે પડતા.

મહારાજના પટહસ્તીને શણગારીને લાવવામાં આવ્યો હતો, અને વ્યાકરણને એના પર મૂક્વામાં આવ્યું હતું. સૂરજ-ચાંદાના જેવી બે પટણી સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી.

જ્ઞાનપૂજાનો ઉત્સવ એ દિવસે અદભૂત રીતે ઊજવાયો.

વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિદ્ધરાજ અને રચનાર આચાર્ય હેમચંદ્રની સંયુક્ત યાદ જાળવવા 'સિદ્ધ-હેમ' રાખવામાં આવ્યું. મહારાજાએ પોતાના દરબારમાં ત્રણસો લહિયા રોકી વ્યાકરણની નકલો કરાવવા માંડી ને દેશોદેશ મોકલવા માંડી.

ઠેર-ઠેર આ વ્યાકરણ ચાલુ થઈ ગયું !

કાકલ કાયસ્થ નામના મહાન વૈયાકરણીને આના ઉપરી તરીકે નીમવામાં આવ્યો. ગામેગામ જ્યાં વિદ્યાલય ન હોય ત્યાં વિદ્યાલય સ્થાપવાનો હુકમ છૂટ્યો.

બંગાળ, મહારાષ્ટ્ર અને માળવા સુધી આ વ્યાકરણની નકલો ગઈ. વિદ્યાલયોમાં પરીક્ષા વખતે ખુદ મહારાજ હાજરી આપવા લાગ્યા. શિષ્યવૃત્તિઓ અને ઇનામોમાં તો કદી પાછી પાની ન કરતા. [ ૧૦૯ ]
Sidhraj Jaysinh Novel - Pic 38.png
[ ૧૧૦ ] આજ સુધી ભારતભરમાં ઘણાં મોટાં-મોટાં વ્યાકરણો હતાં, પણ એ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ મુશ્કેલ પડતાં.

સિદ્ધહેમ સુબોધ વ્યાકરણ તરીકે ખ્યાતિ પામ્યું.

સિદ્ધહેમ વ્યાકરણે આજ સુધી કોઈ ગ્રંથે ન કર્યું હોય તેવું કામ કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, માગધી વગેરે ભાષાઓનું વ્યાકરણ આપ્યું. પણ સાથે-સાથે અપભ્રંશ પ્રાચીન ગુજરાતી ભાષાનું પણ વ્યાકરણ આપ્યું.

આજની ગુજરાતી *[૧] ભાષાના વ્યાકરણના આ બે આદિ જનકો !'

આ પછી તો ગુજરાતની સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી. રાજાએ જ્ઞાનભંડારો કરી એ સરસ્વતીને લોકકાજે સંઘરવા માંડી.

પ્રજાએ પણ નિજભંડારો રચી જ્ઞાનપૂજાને નામે એ કૃતિઓને સાચવવા માંડી.

આચાર્યશ્રી આ પછી નવી રચનાઓમાં મગ્ન થઈ ગયા. એમણે 'અભિધાનચિંતામણિ' નામનો એક શબ્દોષ રચ્યો

કાવ્યશાસ્ત્રના અભ્યાસ માટે 'કાવ્યાનુશાસન' રચ્યું.

છંદોના અભ્યાસ માટે 'છંદોનુશાસન' રચ્યું.

એકલું વ્યાકરણ ભણવું રસિક ગુજરાતીઓને આકરું લાગતું. આચાર્યશ્રીએ ‘દ્વયાશ્રય મહાકાવ્ય' રચ્યું. વ્યાકરણનાં ઉઘહરણો સાથે ચાવડા અને સોલંકી વંશનો કાવ્યમય ઇતિહાસ એમાં વણી લીધો ! ભણનારને જ્ઞાન સાથે ગમ્મત મળે !

જ્ઞાનની ગંગા ગુજરાતમાં આ રીતે વહી.

રાજા અને આચાર્ય વચ્ચે પ્રતિદિન ધર્મગોષ્ઠિ અને જ્ઞાનગોષ્ઠિ થવા લાગી. પછી પ્રજા પણ કેમ બાકી રહે ? સમસ્યા, હેલિકા, પ્રહેલિકા, અંતકડી,


  1. *ગુજરાતી ભાષાના ત્રણ અવતારો થયા છે. ઈસ્વીસનના ૧૦ મા ૧૧ મા શતકથી ચૌદમા શતક સુધી અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી.
    ૧૫ મા શતકથી ૧૭મા શતક સુધી બીજો યુગ-જૂની ગુજરાતી અથવા મધ્યકાલીન ગુજરાતી.
    ૧૭મા પછીથી આજ સુધી ત્રીજો યુગ અર્વાચીન ગુજરાતી.
[ ૧૧૧ ]
Sidhraj Jaysinh Novel - Pic 37.png


શ્લોક વગેરે પ્રજાનાં નિવૃત્તિ વખતનાં મનોરંજન બન્યાં.

વિદ્યાસંસ્કારનું એક મોજું બધું ફરી વળ્યું.

વાણિજ્યે શૂરા અને વીરતામાં પૂરા ગુજરાતી પ્રજાજનો વિદ્યાક્ષેત્રે પણ ઊણા-અધૂરા ન રહ્યા.