લખાણ પર જાઓ

સિદ્ધરાજ જયસિંહ/બાબરો ભૂત

વિકિસ્રોતમાંથી
સિદ્ધરાજ જયસિંહ
જયભિખ્ખુ
૧૯૬૦


બાબરો ભૂત
 

સરસ્વતીનો કાંઠો હતો.

સાંજનો સમય હતો.

ઢોર ચરીને પાછાં વળતાં હતાં.

પંખીઓ માળામાં બેસવા આવી રહ્યાં હતાં.

આ વખતે ગામના ગોંદરે ધૂળના ગોટેગોટા ઊડતા દેખાયા.

સીમાડા પર ભારે કોલાહલ થતો લાગ્યો.

જોયું તો પાતાળ ફોડીને આવતો હોય એવો કોઈ માણસ આવતો દેખાયો : પૂરેપૂરો અસુરનો અવતાર !

અસાડનાં વાદળાં જેવો કાળો રંગ. તાડના ત્રીજા ભાગ જેટલો ઊંચો. કોડા જેવી મોટી અને લાલઘૂમ આંખો.

આખા શરીર પર કાળી રુંવાટી. હાથીની સૂંઢ જવા હાથ. થાંભલા જેવા પગ.

માથે સાપના જેવા ગૂંચળાવાળા વાળ. મોટી મોટી દાઢી. લાંબી લાંબી મૂછો .

ખભે ગેંડાની ઢાલ. કમરે બેધારી તલવાર. હાથમાં ભાલો. કેડે ચારપાંચ છરા.

અવાજ ખોખરો. ચીસ પાડે તો ઝાડ પરથી બીને પંખી નીચે પડે. કાચાપોચાની તો છાતી ફાટી જાય.

દોડવામાં ભલભલા અરબી ઘોડાને આંટે ! એની પાછળ પચીસ-ત્રીસ માણસો. કોઈના હાથમાં ભાલો. કોઈના હાથમાં ડાંગ. કોઈના હાથમાં તલવાર. કોઈના હાથમાં લાકડાની વાંકી કાતી. તાકીને કાતીનો ઘા કરે તો માણસ, ઘોડો કે ઊંટના પગનો નળો તોડી નાખે. ન હલાય કે ન ચલાય.

જે લોકોએ એને જોયો, એ ડરથી ચીસ પાડીને ઊભી પૂંછડીએ ભાગ્યા. ખેડૂતોએ ખેતર મૂક્યાં. ગોવાળોએ ઢોર મૂક્યાં. ચોકીદારોએ ચોકી મૂકી.

બધા બૂમો પાડતા ગામ તરફ ભાગ્યા,

'એ બાબરો ભૂત આવ્યો ! ભાગજો રે !'

ગામના ચોરામાં મદારસંગ બાપુ બેઠા હતા. સામે ડાયરો બેઠો હતો. સામસામો અમલ લેવાતો હતો. રંગછાંટણાં થતાં હતાં. એકબીજાની મરદાઈ ગવાતી હતી.

અદકપાંસળો ભગલો હોકો ભરતો હતો; ચલમમાં દેવતા મૂક્તો હતો.

બાપુનો હોકો આજ બરાબર જામતો નહોતો. એ વારંવાર ભગલાને કહેતા હતા : 'ગોલકીના ! દેવતા બરાબર નથી. લાકડાં ખરાબ છે. ભારાવાળાને બોલાવજે. ડચ્ચ લઈને ડોકું ઉડાડી દઉં ! મદારસંગ બાપુને એ ઓળખતો લાગતો નથી.'

ભગલો કહે : 'બાપુ ! અંગારા તો બરાબર છે, પણ તમાકુ બરાબર નથી.'

બાપુ કહે : 'ઈ વાણિયા તલકચંદને પકડી લાવજે. આવી તમાકુ આપનારને ગરદન મારવો પડે.'

વાતવાતમાં બાપુ ભગલાને ગાળ કાઢે. ગાળ કંઈ કોઈને ગમે ? ભગલાનેય ગમે નહિ. પણ ભગલો ડરે. ગરબડ કરે તો બાપુ તલવાર તાણે અને દૂધી પરનું ડીંટું કાપે, એમ એનું માથું કાપી લે !

કહેવાતું કે બાપુના પૂર્વજોએ તેર તવા વીંધેલા *[]

એવામાં બૂમ આવી : 'બાબરો આવ્યો !'

ડાયરો તો હરરર કરતો વીખરાઈ ગયો. બાપુ ભેટ છોડી ઊભા થયા. હોકો પડતો મૂક્યો. ભગલાને પાસે બોલાવી કહ્યું :

'અલ્યા, તારી પાઘડી લાવ. મારી પાઘડી તું લે. બાબરો તો રજપૂતોનો કાળ છે. એમને દીઠા મૂક્તો નથી.'

ને બાપુ તો ભગલાની પાઘડી પહેરીને જાય ભાગ્યા.

ગોર મહારાજ રેવાદાસ ઘરના આંગણામાં બેઠા-બેઠા ગીતા વાંચતા હતા; ભગવાન કૃષ્ણનો ઉપદેશ સંભળાવતા હતા :

'પછી શ્રી ભગવાન બોલ્યા, હે અરજનિયા ! તું મરીશ તોયે સ્વરગે જઈશ. મારીશ તોય સ્વરગે જઈશ. માટે દીધે રાખ. તારે તો બંને હાથમાં લાડવો છે !'

લાડવો ! ને રેવાદાસનું મોં પહોળું થઈ રહ્યું; બોલ્યા : 'અરે ભટાણી ! આજ કોને ત્યાં જમવાનું નોતરું છે ?'

ત્યાં તો બૂમ પડી : 'બાબરો આવ્યો !'

ગોર મહારાજની ડાક્લી ફાટી રહી. અને સભા તો, બિલાડીને જોઈ જાર ખાતાં કબૂતરાં વેરાઈ જાય એમ, વેરાઈ ગઈ.

ગોરે ચાંદીની આચમની, ચાંદીનું તરભાણું ને સોનાની ભગવાનની મૂર્તિ પાણીના ગોળામાં પધરાવી દીધાં.

ગોરાણીને કહ્યું : 'કીમતી ચીજો સંતાડી દો. ભલે બાબરો આવે. માયા દેખી મુનિ ચળે તો બાબરો કોણ ? બાકી એક વાર ચાર આંખ થવા દો. આશીર્વાદમાં અડધું ન પડાવી લઉં, તો મારું નામ રેવાદાસ નહિ ! ઠેઠ કાશી જઈને ભણ્યો છું, હો !'

ગોબર શેઠ ગામના મહાજન. ગણેશ જેવી મોટી દુંદ. બેઠા-બેઠા હિસાબ-કિતાબ સરખા કરતા હતા.


  1. * તેર તવા : તવો એટલે લોઢાની તાવડી. એવી તેર તાવડી એક પછી એક લટકાવી, એક તીરથી વીંધી નાખવી તે તેર તવા વીંધવા.
બાબરો ભૂત આવ્યો.
શેઠાણી હરકુંવર કીકાને રમાડતાં પાસે બેઠાં હતાં; ગીરો મૂકેલાં ઘરેણાંના દાબડા ઉઘાડીને જોતાં હતાં; પૂછતાં હતાં :

'આ હાર કોનો છે ?'

'અરે ! શેઠાણી, ગમતો હોય તો તમારો. આવ્યો એ આવ્યો. જમના ઘેરથી કોઈ જીવ પાછો ગયો છે ? સરકારની જનમટીપમાંથી કોઈ ભાગે, પણ મારા ચોપડામાં જે કેદ થયો એ મરે તોય ન છૂટે.’

ત્યાં બૂમ પડી : 'બાબરો ભૂત આવ્યો !'

ગોબર શેઠ તો સડાક કરતા બેઠા થઈ ગયા. પાસે હતાં એ ઘરેણાં ગંદા પાણીની મોરીમાં નાખી દીધાં. શેઠાણીનો સાડલો ખેંચતાં કહ્યું :

'બાબરો વાણિયાને દીઠો મેલતો નથી. કહે છે કે વાણિયો ઢોરના આંચળમાં વળગેલી બગાઈ જેવો છે. બગાઈ તો મસળી નાખવાની. અરે, મણીઆની મા ! લાવ તારાં કપડાં. અત્યારે બચવાનો આ એક જ આરો છે '

ગોબર શેઠે ચણિયો પહેર્યો, સાડી પહેરી; લાંબો ઘૂમટો કાઢી આઘા જઈને બેઠા.

હરકુંવર કહે : 'મારાથી તમારી જેમ ખૂણામાં જઈને નહિ બેસાય. હું તો વનરાજના દીવાન ચાંપાના વંશની છું. દરવાજે સાંબેલું લઈને ઊભી છું. લો આ કીકાને. બાબરો આવશે તો કહીશ કે આ તો મારી દેરાણી છે !'

શેઠ કહે : 'શેઠાણી ! એમ તો દશ પેઢી પર અમેય ગરાસિયા હતા. પણ વખતને માન છે. નહિ તો આ બાબરું શું !'

વસવાયાના વાસમાં બૂમ પડી : 'બાબરો આવ્યો !'

બધા બહાર દોડી આવ્યા. ઘરમાંથી પાણી ખેંચવાનાં દોરડાં લાવ્યા. દોરડાંથી એકબીજાના હાથ બાંધીને હારમાં ઊભા રહી ગયા.

વંટોળિયો આવે એમ બાબરો આવ્યો. વસવાયાં બધાં કહે : 'મેં ગુલામ ! મેં ગુલામ ! મેં ગુલામ તેરા !'  બાબરો કહે : 'તમને અભેવચન. તમે લેવા જોગ છો, હું આપવા જોગ છું. ચાલો આગળ થાઓ, ને માલમિલક્તવાળાનાં ઘર બતાવો !'

ગામ માથે જાણે જમની સેના ઊતરી !

એક ક્લાકમાં તો ગામને સાવ સાફ કરી નાખ્યું. પૈસાવાળાઓનો મારી મારીને સોથ બોલાવી દીધો. જેમણે આપવાની આનાકાની કરી, એમની આંગળીએ ગાભા વીંટ્યા, તેલમાં બોળ્યા ને સળગાવ્યા ! જીવતી મશાલ જોઈ લો !

બધા પૈસાવાળાએ બે હાથ જોડ્યા. પગમાં પડ્યા. ઘરમાં હતું તે બધું કાઢીને આપી દીધું. જીવ બચ્યો એટલે બસ !

બાબરા ભૂતે ગામ લૂંટીને કોથળા ભર્યા. કુંભારનાં ગધેડાં લાવી તેના પર ચઢાવ્યા.

પછી ચોરે ડાયરો ભર્યો. કોળીની સ્ત્રીઓ પાસે ગવરાવ્યું.

બાબરો તો દેવ ગણાય. સોરઠના બાબરિયાવાડનો ધણી. હજાર-હજાર માણસ એની પાછળ નીકળે. સવારે સોરઠમાંથી નીકળે. બીજી સવારે આખી ગુજરાતને આંટો મારી, ધનદોલત લૂંટીને ઘર ભેગો. એને પૂછે, એને ભગવાન પૂછે.

એના ચમત્કરોની કંઈ કંઈ વાતો ચાલે. બાબરો સિદ્ધ ગણાતો. કોઈને મસાણમાં મડદા પર બેસી મંત્ર ભણતો દેખાય. કોઈને આકાશમાં ઊડતો દેખાય. આ બાબરાનાં માણસોએ મૂળરાજદેવે બંધાવેલો સુંદર રુદ્રમહાલય તોડેલો. સરસ્વતીના કંઠા પર એની હાક વાગે. ભલભલા એનાથી ડરે.

આ ગામની ડોશીઓ બાબરાની પાસે બાધા છોડવા આવી; સુખડીના થાળ લાવી, શ્રીફળના હારડા લાવી ને ઘીની છલકતી કટોરીઓ લાવી.

'ખમ્મા કરજો, બાબરાદેવ ! તમારું રાખ્યાં રહીશું. મારો દીકરો સાજો થશે, સવામણની સુખડી ચઢાવીશ.'

વળી કોઈ કંઈ તો કોઈ કંઈ : એમ જાતજાતની માનતા લઈને આવ્યાં !

કંઈ કેટલી સુખડી !  કંઈ કેટલાં શ્રીફળ ! કંઈ કેટલું ઘી !

બાબરાએ અને એના સાથીદારોએ ઘી પીવા માંડ્યાં, સુખડી ખાવા માંડી, શ્રીફળ ફોડી ફોડી પાણી પીધાં ને ટોપરાં ખાધાં !

બાબરાએ તો ખાસી અડધોએક મણ સુખડી ખાધી, દશ શેર જેટલું ઘી પીધું, પાંચ-પંદર ટોપરાંનો મુખવાસ કર્યો.

અને પછી એકએક બૂમ પાડી. બૂમ તે ક્વી ? જાણે સિંહની ત્રાડ !

આખા ગામમાં એ બૂમ સંભળાણી. જ્યાં જ્યાં એનાં માણસો હતાં, એ બધાં આવી પહોંચ્યાં. એકઠાં થવાનું એ એલાન હતું.

ગામના ગોંદરે મહાબલીનું મંદિર. સાવ જૂનું. પહેલાં દર દશેરાએ બકરો ચઢતો. હમણાં મહાજનનું જોર વધ્યું હતું. બકરાને ઠેકાણે સાકરકોળાનો ભોગ દેવાતો.

મહાકાલીના મંદિર પાસે જઈને બાબરો ઊભો રહ્યો. એની પાસે મોટું અણીઘર ત્રિશૂળ હતું.

ત્રિશૂળ લઈને બાબરાએ આંગળી પર માર્યું. આંગળીમાંથી લોહી વછૂટ્યું !

એ લોહી લઈને માના ચરણમાં છાંટણાં કર્યો. પોતે કપાળમાં એનું તિલક કર્યું. નાળિયેરની કાછલીમાં ઝીલી લઈને સાથીદારને આપ્યું. સહુ સાથીદારોએ પણ એનું તિલક કર્યું.

જય મા કાલી ! ફરી બાબરાએ બૂમ દીધી.

એ અવાજ કૂચ કરવાનો હતો. સંચાની પૂતળીની જેમ બધાં કામ કરવા લાગ્યાં. હુકમ થતાં ટપોટપ ઘોડા, ગધેડાં, ઊંટ દોરીને બાબરાનાં માણસો તૈયાર થઈ ગયાં.

બાબરાએ આગળ ડગ દીધો;

પછી છલાંગ દીધી !  પાછળ બધા ચાલ્યા .

કહે છે કે બાબરો કદી ઘોડા પર ન બેસતો. એને પગે ચાલવું ફાવતું. ઘોડું એના ભારથી ચાલી જ ન શકતું !

સૂરજ આથમી ગયો.

દૂર દૂર બાબરો છલાંગો ભરતો જતો હતો. લૂંટનો માલ લઈને ઘોડાં, ગધેડાં ને ઊંટ એની પાછળ દોડતાં હતાં. તોય બાબરાને પહોંચી ન શક્તાં !

બાબરો જાણે બજરંગબલિનો અવતાર હતો. બાબરો જમનો જાણે નવો જજમાન હતો.