લખાણ પર જાઓ

સિદ્ધરાજ જયસિંહ /રાજા કે યોગી

વિકિસ્રોતમાંથી
← અદલ ઈન્સાફ સિદ્ધરાજ જયસિંહ
રાજા કે યોગી
જયભિખ્ખુ
૧૯૬૦


રાજા કે યોગી ?
 

સરસ્વતીનો કાંઠો છે.

સિદ્ધપુર ગામ છે.

ગગનચુંબતો રુદ્રમહાલય સામે ખડો છે. એની છાયામાં મહારાજ સિદ્ધરાજ, મંત્રીઓ અને સામંતો બેઠા છે.

મહારાજને રાજ ચલાવતાં ને પ્રજાનું પાલન કરતાં વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. આંખોનાં તેજ ઘટ્યાં છે. ધરતી ધમધમાવતા પગોમાં ઝીણી કંપારી છે. અને એવી કંપારી હૈયામાં છે. પોતાને કોઈ વારસ નથી. ઉઘાડા પગે અને ખભે કાવડ લઈને સોમનાથ દેવની યાત્રા કરી તોય સવાશેર માટીની ખોટ દૂર ન થઈ ! મહારાજને ચિંતા સતાવે છે. આ મહારાજ્ય કોણ સંભાળશે ? જનેતાની જેમ જનતાની ભાળ કોણ લેશે ?

છતાં એ સૂરજ છે - સવારનો નહિ, તો સંધ્યાનો !

તેજ એ છે. રુઆબ એ છે. પ્રજ્ઞા એ છે !

મહરાજ સિદ્ધરાજ રુદ્રમહાલય પર ફરક્તી ભગવી ધજાને જોઈ રહ્યા છે. ઉનાળાનો દિવસ છે. હવા પડી ગઈ છે, ધજા પણ નમી ગઈ છે ! મહારાજ વિચારમાં પડી ગયા છે. બીજી તરફ સાહિત્યનો વિનોદ ચાલુ છે :

ચતુર પુરુષ ને આરસ, ભાર પ્રમાણે ન તોળી વેચાયે;
અધિક અધિક મૂલ પામે, દૂર પરગામે જ્યમ જયમ જાએ.

આરસનો પથ્થર અને ચતુર નર તોળીને મૂલવાતા નથી. એ તો જેમ દૂર જાય, એમ અધિક કિંમત પામે.

સંપત્તિ તણી પ્રાપ્તિ, જો ના કીધી પ્રવાસથી ભાવે;
ધિક્ યુવાઋતુ મૂર્ખની, અફળ ગઈ ફરી નહિ આવે.

યુવાનીમાં માણસે પ્રવાસ ખેડીને ધન પ્રાપ્ત ન કર્યું, તો એની જુવાની નિરર્થક ગઈ સમજવી.

ત્રણ અલાભ જ જામે, જો નર ઉંબર ગ્રહી રહે ગ્રામે
ફાટે વસ્ત્ર, વધે ઋણ, ને નહિ કીર્તિ કદા પામે.

માણસ ઘરમાં જ રહે તો ત્રણ ગેરલાભ થાય : કપડાં ફાટે, દેવું વધે અને અપકીર્તિ થાય.

મહારાજા એકાએક ધજા સામે જોતાં-જોતાં બોલ્યા :

'જોયું ને, ભગવાન રુદ્રની ધજા પણ કેવી નીચી નમી ગઈ !'

મંત્રીશ્વરે કહ્યું : 'મહારાજ ! હવા નથી એટલે.'

'માણસ પણ એક હવા જ છે ને – પ્રેમહવા ! એ હવા રહે ત્યાં સુધી ધજા ફરહરે. હવા ચાલી જાય એટલે ધજા નીચી નમે.'

'આપનું કથન સમજાતું નથી.'

'માણસ મોટો નથી, દૈવ મોટું છે. મારા ગુજરાતના ધ્વજને આજે તો કોઈ નમાવી શકે તેમ નથી, પણ શું સદાકાળ એવું ને એવું પરાક્રમ રહેશે ? દિવસ પછી રાત નહિ આવે ? મને આજે પરાક્રમમાં જે બળ લાગે છે, એનાથી પ્રાર્થનામાં વધુ લાગે છે. આજે હું પ્રાર્થના કરવા માગું છું.' ને મહારાજ સિદ્ધરાજ ઊભા થઈ, હાથ જોડીને બોલવા લાગ્યા :


કવિસાક્ષર શ્રી નવલરામ લક્ષ્મીરામ પંડ્યાના 'વીરમતી' નાટકના એક પ્રકરણની આ પ્રકરણ પર છાયા લીધી છે. તે માટે આભાર. 'હે રુદ્રાવતાર ! તારું છે અને તને સોંપું છું. મારી આ પ્રિયભૂમિ ગુજરાત હું તને ભળાવું છું. મારી આ પ્રેમ-રંગભરી પ્રજા તને સોંપું છું. રક્ષક તું છે. જગતે મને સિંહનું ઉપનામ આપ્યું છે, પણ હું તો માત્ર સાગરનો એક બુદબુદ છું, રંક તરણા સરખો છું. મનુષ્ય તે કોણ માત્ર ?

'મહારાજ ! આવી દીન વાણી આપને શોભતી નથી. આપનાં પરાક્રમથી તો દિશાઓ ગુંજી રહી છે, દિગ્ગજો ધ્રુજી રહ્યા છે.' મંત્રીશ્વરે કહ્યું.

'મંત્રીશ્વર ! હું સાચું કહું છું. માણસની જિંદગી કેટલી? બહુ-બહુ હોય તો ચાલીસપચાસ વર્ષનું એનું પરાક્રમ. તેમાં તે એ શું કરે ? હે મહાદેવ ! કાળના વારાફેરા છે. સાગરની ભરતી-ઓટ જેવો સંસાર છે. એવો વખત પણ આવશે, જ્યારે શત્રુનાં વાજાં અહીં આવી ગગડશે, અને ત્યારે મારી ભસ્મ પણ દિગંતમાં ઊડતી હશે. એ વખતે આ રાજની રક્ષા તું કરજે ! થાય તો તારાથી થાય !'

'આપના પર તો દેવ સદા તુષ્ટમાન છે. વગર માગ્યું આપનારા છે.' મંત્રીરાજે કહ્યું.

'એ વાત સાચી. પણ આજ સુધી સિદ્ધરાજને વગર માગ્યું બધું મળ્યું. આજે એ બે હાથ પસારીને માગે છે. અત્યાર સુધી જેણે પોતાની પ્રજાની રક્ષા કોઈને-દેવને કે દૈત્યને-નહોતી સોંપી એ આજે સામે પગલે ભગવાન રુદ્રને સોંપે છે. સિદ્ધરાજે સિદ્ધ કરેલી એના નામની આટલી નામના રાખજે !'

'આપ નિરાશામાં છો.'

'નિરાશાની વાત નથી. જે સૂરજ ઊગે છે, તે આથમે છે. ગુજરાતની એ રાજધાનીઓ ક્યાં ગઈ ?' એ ગિરિનગર, એ વલભીપુર, એ ભિન્નમાલ-શ્રીમાલ ! એ શ્રીકૃષ્ણ અને એ શીલાદિત્ય ક્યાં ગયા ? ભૂતકાળનો ઉપયોગ જેટલો ગૌરવ માટે છે, એટલો જ બોધ માટે પણ છે. માણસ પામર છે. કાળ આગળ કોઈનું ચાલતું નથી !'

'આપે આજે જ્ઞાનવાર્તા માંડી લાગે છે. આપનું નામ તો યાવચ્ચંદ્રદિવાકરૌ રહેશે.'

'મંત્રીરાજ, એવી ગાંડી વાત ન કરો ! કેટલાંય નર અને નગર ઉદય પામી શુન્યમાં ભળી ગયાં છે. જેનાં નામ પર ફૂલ મુકાતાં એને આજે કોઈ યાદ પણ કરતું નથી. દૈવનું ચક્ર નિરંતર ફર્યા કરે છે. અરે મંત્રીશ્વર, એક દિવસ એવો પણ આવે કે શત્રુનાં લશ્કરો આ શહેરને પાયમાલ કરે, રાજવંશ નાશ પામે, રાજમહેલો છે ત્યાં હળ ફરે.'

'આપને કોઈ જ્યોતિષીએ ભરમાવ્યા લાગે છે ! રજૂપતોની તલવાર અને આપનું નામ હશે ત્યાં સુધી શત્રુના શા ભાર છે ?'

'રજૂપતોની વાત કરો છો ને ? એક વખત એવોય આવશે, જ્યારે સાચા રજપૂતો નહિ મળે. અને મળશે તો પેટ ખાતર હલકાં કામ કરતા. અને તમારા રાજાના નામની વાત કરો છો ને ? એને સ્વાર્થી ગીધડાં એવાં વળગશે અને પેટભરાઓ એના નામે એવા તુત હાંકશે કે જેથી એનું નામ બદનામ થશે. માત્ર એક ઈશ્વર સિવાય બીજા કોનાં નામ અને કીર્તિ સદાકાળ ટકી રહૃાાં છે ?'

'આ રુદ્રમહાલય અને પાટણ આપની કીર્તિને અજર-અમર રાખશે.' વૃદ્ધ સામંતે કહ્યું.

'અનુભવોમાંથી બોધ ન તારવે એને નીતિશાસ્ત્ર મૂર્ખ અને અંધ કહે છે. ગિરિનગર અને વલભીપુરની જેમ એનાંય ખંડેર થશે. ને એ દેવાલયના અને કોટ-કિલ્લાના પથરા લઈને એનાં પ્રજાજનો પેટ માટે વેચવા નીકળશે. પણ આ તો ભાવિની વાત છે.' મહારાજની આંખમાં આંસુ હતાં. એમણે પાસે ઊભેલા શિલ્પીને બોલાવ્યો ને કહ્યું :

'શિલ્પી ! એક લેખ લેતર, એમાં લખ કે ગુજરાતના ધણી સિદ્ધરાજ સોલંકીએ કદી શત્રુને પીઠ બતાવી નથી, ને પરસ્ત્રીને કદી હૃદય આપ્યું નથી. એણે કદી જાગતાં કે ઊંઘતાં અંગત સુખ માટે પ્રજાને દુ:ખ આપ્યું નથી. એણે ટેક લીધા પછી તોડી નથી; રણમાં કદી પાછી પાની કરી નથી. એ માગે છે આજે-

'મારું પ્રેમશૌર્ય ભર્યું ગુજરાત અખંડ તપો !

'મારો પ્રેમરંગનો ઝંડો અજર અમર રહો !'

મહારાજ આટલું લખાવી ચૂપ થઈ ગયા. એમણે ફરી સિદ્ધપુર, રુદ્રમહાલય ને સરસ્વતી પર એક ઊડતી નજર નાખી.

એ નજર ઘણું કહેતી હતી.

થોડી વારે બધા બોલી ઊઠ્યા : 'જય ગુર્જરેશ્વર !'

મહારાજાએ એ ઝંડાને ફરી વંદન કર્યું.

સરસ્વતી નદી ચૂપચાપ વહી રહી.