લખાણ પર જાઓ

ભદ્રંભદ્ર

વિકિસ્રોતમાંથી
ભદ્રંભદ્ર
રમણભાઈ મહિપતરામ નીલકંઠ


ભદ્રંભદ્ર




રમણભાઈ મ. નીલકંઠ


પ્રસિદ્ધ કરનારની પ્રસ્તાવના


પહેલી આવૃત્તિ

રા. રા. અમ્બારામ કેવળરામ મોદકીઆ વિશે મુખપૃષ્ઠમાં જે હકીકત લખી છે તે કરતાં વધારે જાણવાની વાંચનારને જિજ્ઞાસા રહેશે અને તેમની ઉંમર તથા ઉંચાઇ જાણવા કરતાં તેમનું રહેઠાણ તથા ધંધો જાણવાથી વધારે ઉપયોગી માહિતી મળે એમ વાંચનારને લાગશે. પરંતુ, તેમની ખાયેશથી આટલી જ હકીકત લખી બાકીની મૂકી દેવામાં આવી છે.

આ ઇતિહાસનો લેખ પ્રસિદ્ધ કરવા સારુ રા. અમ્બારામે આપ્યાથી પ્રથમ કકડે કકડે માસિક પત્ર 'જ્ઞાનસુધા'માં તે છાપવામાં આવેલો. હાલ આખું પુસ્તક કરતાં તેમણે કૃપા કરી પ્રકરણો પાડી આપ્યાં છે તથા રચનામાં કેટલોક સુધારોવધારો કરી આપ્યો છે.

આ લેખ પુસ્તકના આકારમાં 'દેશભક્ત' પત્ર માટે બહાર પાડવાની યોજના રા. રા. દોલતરામ મગનલાલ શાહે સૂચવી અને પૂર્ણ કરી તે માટે તેમનો તથા 'દેશભક્ત' પત્રમાં તેમના સહભાગીદાર રા. રા. વસંતલાલ સુંદરલાલ દેસાઈનો આ સ્થળે આભાર માનવો ઘટે છે.

પુસ્તકમાં કેટલાંક ચિત્ર મૂકવાનો વિચાર હતો. પરંતુ ગ્રંથમાંની કલ્પના પ્રમાણે છબી ચીતરાવવાની મુશ્કેલી બહુ નડી. ફોટોગ્રાફ પડાવી એ ઉપરથી બીબાં કરાવી ચિત્ર છપાવવાની ધારણા કરી, એકબે ફોટોગ્રાફ લેવડાવ્યા, પણ તેમાંએ અડચણો આવી પડી અને બહુ વિલંબ થવાથી આખરે આ પ્રથમ આવૃત્તિ વગર ચિત્રે બહાર પાડવી પડી છે.


અમદાવાદ,
સપ્ટેમ્બર, ૧૯૦૦

ર. મ. ની.
 

બીજી આવૃત્તિ

પહેલી આવૃત્તિ ખપી જવાથી આ બીજી આવૃત્તિ રા. રા. દોલતરામ મગનલાલ શાહના સંબંધમાં રા. રા. મોહનલાલ મનસુખરામે પબ્લિશર તરીકે પ્રસિદ્ધ કરી છે.

આ પુસ્તકમાં ચિત્ર મૂકવાની યોજના આ બીજી આવૃત્તિ માટે થઈ શકી નથી.

અમદાવાદ,
એપ્રિલ, ૧૯૧૦

ર. મ. ની.
 


ત્રીજી આવૃત્તિ

આ ત્રીજી આવૃત્તિ છાપતાં દરમ્યાન રા. રા. મોહનલાલ મનસુખરામ મરકીથી અવસાન પામ્યા છે એ નોંધ કરતાં ખેદ થાય છે.

પુસ્તકમાં ચિત્ર મૂકવાની યોજના આખરે સફળ થઈ શકી છે. રા. રવિશંકર મ. રાવળની કુશળ ચિત્રકલાથી એ સિદ્ધિ થઈ છે.

અમદાવાદ,
જુલાઈ, ૧૯૧૮

ર. મ. ની.
 

ચોથી આવૃત્તિ

ત્રીજી આવૃત્તિ ખપી જવાથી આ ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

અમદાવાદ,
જૂન, ૧૯૧૮

ર. મ. ની.
 

પાંચમી આવૃત્તિ

ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં આ પુસ્તકે તેના લેખકને અમર કીર્તિ પ્રાપ્ત કરાવી છે. એક જમાનાથી વધારે સમય તેની પ્રથમ પ્રસિદ્ધિને થઈ ગયો છે. છતાં તેનું સ્થાન અજોડ રહ્યું છે, એ નિર્વિવાદ છે. એમાં રહેલા નર્મહાસ્યને સમજનાર વર્ગ ધીમેધીમે વધતો જાય છે અને બહુ લાંબે અંતરે પણ એની આવૃત્તિઓ કાઢવાનો પ્રસંગ આવે છે એ હકીકતના આનંદ અને સંતોષનો અનુભવ કરવા આજે તે લેખકની હયાતી નથી, એ બાબત તેમનાં કુટુંબીઓને સ્વાભાવિક શોક થાય જ. એ પુસ્તકમાં કરેલા કટાક્ષો એક જમાના પૂર્વે કેટલાકને ખેંચતા, પરંતુ હવે એ જમાનો આવ્યો છે કે આક્ષેપોનું વાસ્તવિકપણું મોટે ભાગે સ્વીકારાઈ ગયું છે અને દેશહિતની શુદ્ધ બુદ્ધિ તેમાં રહેલી છે એ વાત માન્ય થાય છે. ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ એ

શબ્દ અમુક સંજ્ઞા પ્રાપ્ત કરી છે. અને જૂની રૂઢિઓને વળગી રહેવામાં, શુદ્ધિનો અનાદર કરનાર જડ માનસવાળા તે ભદ્રંભદ્રો એ અર્થ રૂઢ થયો છે. ગુજરાતી ભાઈબહેનોની સામાજિક ઉન્નતિનો શુભ ઉદ્દેશ જે આ પુરતકમાં અંતર્ભૂત રહેલો છે તે સફળ થાઓ અને તેના લેખકની સાક્ષરી કીર્તિ કાયમ માટે એ દ્વારા સચવાઓ એવી શુભેચ્છા સહિત એ સદ્‌ગત મહાનુભાવને નિવાપાંજલિ અપ કૃતાર્થ થાઉં છું.

અમદાવાદ,
તા. ૯-૪-'૩૨

વિદ્યાબહેન ર. નીલકંઠ
 


છઠ્ઠી આવૃત્તિ

ગુજરાતી ભાષામાં છેલ્લાં કેટલાંક વર્ષથી પુસ્તકપ્રકાશનનો ઠીક ઠીક વધારો છે. નવાં પુસ્તકોના પ્રચાર સાથે કેટલાંક જૂનાં પુસ્તકો અદૃશ્ય થતાં જણાય છે. વાંચનારની રુચિ બદલાય, પુસ્તકોની સામયિક ઉપયોગિતા પૂરી થાય વગેરે અનેક કારણો આ વસ્તુસ્થિતિ માટે હોય છે. જગતનાં તમામ સાહિત્યમાં આવું જોવામાં આવે છે. છતાં કેટલુંક સાહિત્ય બીજા કરતાં ચિરસ્થાયી બને છે અને કેટલુંક તો એવું છે કે જે સદાકાળ જીવંત રહેવાનું. ભદ્રંભદ્રની નવી આવૃત્તિ પ્રકટ કરવાનો પ્રસંગ ફરી પ્રાપ્ત થયો છે તે જ તેમાં રહેલા ચિરસ્થાયિતાના અંશોની સાબિતીરૂપ છે. એ પુસ્તકના ‘નર્મહાસ્ય’ની કદર કરનાર વર્ગ ચાલુ છે એ આનંદની વાત છે. ગુજરાતી સાહિત્યમાં તેના લેખકનું જે અજોડ સ્થાન છે તે આ પુસ્તક દ્વારા તથા લેખકની બીજી કૃતિઓ મારફત ભવિષ્યની ગુજરાતી સાહિત્યની દુનિયા સમક્ષ કાયમ રહેશે એ આશા અસ્થાને નથી.

અમદાવાદ,
તા. ૧૪-૧૦-'૩૯

વિદ્યાબહેન ર. નીલકંઠ
 


સાતમી આવૃત્તિ

ભદ્રંભદ્રની નવી આવૃત્તિ વાચકવર્ગ સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. લંબાણ ખચકાને અંતરે પણ આ પુસ્તકની છ આવૃત્તિઓ પચાસ વર્ષના ગાળામાં નીકળી ગઈ એ પુસ્તકની ગુણવત્તાનું પ્રમાણ છે.

ગુજરાતી સાહિત્યના વર્તમાન સમયના હાસ્યરસના અગ્રગણ્ય પ્રણેતા શ્રી જ્યોતીન્દ્ર દવેએ શ્રમ લઈ તુલનાત્મક સમાલોચનાવાળો ઉપોદ્‌ઘાત લખી આપ્યો છે તે માટે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. હાસ્યરસની ગંગા વહેતી રાખવાનું માન જો કોઈને ઘટતું હોય તો ભાઈ જ્યોતીન્દ્રને છે. આ રસગંગા એવી છે કે એને નીચાણમાં અનિષ્ટ માર્ગે ઢળી જવાનો ભય છે. તેવાં ભયસ્થાનોથી દૂર રહી જે વિરલ વ્યક્તિઓ હાસ્યનીરને નિર્મળ, નિર્દોષ રાખી જનતાનાં મન બહલાવી શકે છે તે

કોટીના શ્રી દવે છે એ નિર્વિવાદ છે. તેમનો સહકાર એ આ આવૃત્તિનું સુભાગ્ય છે.

સને ૧૯૫૧માં આ પુસ્તકની નકલો ખલાસ થઈ ગયેલી અને તેના. પ્રકાશકશ્રી અંબાલાલ મોહનલાલ શાહે ફરી તે છપાવવા પ્રબંધ કરેલો. દરમિયાન તેમનું એકાએક અવસાન થયું અને એ ખેદકારક બનાવથી આ કામ અટકી પડ્યું.

તેમના ઉત્સાહી ભાઈઓએ પોતાના ભાઈના કામને ઉપાડી લઈ તેમની ઇચ્છા પરિપૂર્ણ કરવા બનતો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિના પ્રકાશકમાંના એક, અંબાલાલના પિતા હતા અને પુસ્તકપ્રકાશન એ ભાઈઓનું કાર્ય ન હોવા છતાં આ પુસ્તક પ્રત્યેની તેમની મમતાને કારણે વર્ષોથી તે કર્યો ગયા છે.

આ આવૃત્તિમાં સ્વ. સર રમણભાઈની છબી તેમ જ સ્વ. શ્રી અંબાલાલની છબી, તેમના ભાઈ કાન્તિલાલની ખાસ ઈચ્છાથી મૂકવામાં આવી છે.

ગુજરાતી વાચકવર્ગ આ પુસ્તકને હંમેશ મુજબ આવકાર આપશે એવી આશા છે.*[]


અમદાવાદ,
તા. ૨૬-૬-'૫૩

વિદ્યાબહેન ૨. નીલકંઠ
 

અર્પણોદ્‌ગાર

પગા અમથા કાળા !

આપ સકલગુણસંપન્ન છો,
આપ સર્વ ઉપમા યોગ્ય છો,
આપ રાજમાન રાજશ્રી છો
શ્રૂયતામ્ શ્રૂયતામ્.
આપની દૃઢતા અનુપમ છે !

દસમી વાર કેદમાં જતાં પણ આપનું ધૈય ડગ્યું નહિ,

એક અશ્રુબિંદુ નયનમાંથી પડ્યું નહિ,
એક નિઃશ્વાસ ઓષ્ઠમાંથી નીકળ્યો નહિ,
એક રેખા મુખ ઉપર બદલાઈ નહિ,
આપનો નિશ્ચય ફર્યો નહિ.
દૃશ્યતામ્ દૃશ્યતામ્

આપની અચળ આર્યતામાં સુધારાનો કદી ઉદ્ભવ નથી. પાંચ હજાર વર્ષ
ઉપર આપના પૂર્વજ હતા તેવા આપ આજ છો.

ધન્ય !
એ રીત્યા
ધર્મની સનાતનતા આપે સિદ્ધ કરી છે,
ફેરફાર અને ઇતિહાસક્રમ આપે ખોટા પાડ્યા છે,
એવી નિશ્ચલતા બીજી પ્રજામાં નથી.
નિશ્ચલતા એ અમારું સર્વસ્વ છે.
નિશ્ચલતા એ આર્યત્વનું રહસ્ય છે.
ગૃહ્યતામ્ ગૃહ્યતામ્
આ પુસ્તક હું આપને અર્પણ કરું છું
આ પુસ્તક હું આપના કરમાં મૂકું છું,
આ પુસ્તક હું આપના નામ સાથે જોડું છું.
ગ્રન્થકર્તા

ગ્રન્થકર્તાની પ્રસ્તાવના

શું છે અને શું નથી એ એવો ગહન વિષય છે કે કંઈ છે અને કંઈ નથી એમ કહેવાની મહાપંડિતો સિવાય બીજાની હિમ્મત ચાલતી નથી. હતું, નહોતું. હશે, ન હશે, હોત, ન હોત; હોય, ન હોય; – એમ કહેવું એ સહેલું નથી, કાલનું એ. અંગ !

અમેરિકામાં ઘોડા દોડે છે. પણ તેથી શું? જંગલમાંથી ઘોડા દોડે છે. પણ તેથી શું ? ત્યાં પહેલાં ઘોડા હતા જ નહિ, પણ તેથી શું ? સ્પેનથી આણીને ઘોડા ત્યાં છોડી મૂક્યા, પણ તેથી શું ? સમય-સમય-પ્રસંગ !

એક વાર દૃષ્ટિ કરો, એક વાર લક્ષ ધરો, એક વાર સ્થિર ઠરો, એક વાર અજ્ઞાન હરો, એક વાર સિદ્ધિ વરો, એક વાર અગાધ તરો, એક વાર સત્વર સરો. એક વાર લીલા કરો, એક વાર પ્રકાશ ઝરો, એક વાર તર્ક ભરો. અદ્ભુત ! અદ્ભુત ! હે યમુને ! હે ગંગે !

યુગે યુગે વાણીઓ બોલાઈ છે. યુગે યુગે વક્તાઓ ગાજ્યા છે; યુગે યુગે સંગ્રામ જામ્યા છે, યુગે યુગે યોદ્ધાઓ ઘૂમ્યા છે, યુગે યુગે શાસ્ત્રાર્થ થયા છે. યુગે યુગે વાદીઓ જીત્યા છે. એ સર્વ મહાવૈભવમાં વિશેષ વૈભવ આર્ય ભાષાનો છે, તેમાં વિશેષ વૈભવ આર્ય ભાષાના શાસ્ત્રનો સ્થળે સ્થળે ઉદ્ધાર તથા પુનઃ સ્થાપન કરનાર એક વિરલ પ્રતાપી મહાપુરુષનો છે. ધન્ય છે તેને !

એ પરાક્રમી નર વિદ્યમાન છે. વર્તમાન સમયમાં તેમનું કીર્તિમંત નામ કોઈને અજાણ્યું નથી. ખૂણે ખૂણે અને ક્ષણે ક્ષણે જેમણે ખંડનમંડનના વ્યાપાર ચલાવી સનાતન આર્ય ધર્મ સિદ્ધ કર્યો છે અને સુધારાનો નાશ કર્યો છે, અરણ્યોમાં, ઉપવનોમાં, નગરીઓમાં, પર્વતોમાં અને સમુદ્ર પર જેમના અલૌકિક ભાષણના પડઘા હજી વાગી રહ્યા છે, શાસ્ત્રજ્ઞાન, રૂઢિરહસ્ય અને વિદ્વત્તાના વિષયમાં જેમની પ્રવીણતાનું કીર્તન કરવાને ભાષા અસમર્થ છે, તે ભારતભાનું ધર્મવીર પૂજ્યપાદ શ્રી ભદ્રંભદ્રના મહાનુભાવ જીવનનાં કેટલાંક વર્ષનું વૃત્તાન્ત તેમના અનુયાયીએ ગુરુભક્તિ સફળ કરવા લખ્યું છે, અને તેના પાઠ તથા અભ્યાસથી જગતનું નિઃસંશય કલ્યાણ થશે એવા દૃઢ વિશ્વાસથી તે પ્રસિદ્ધ કર્યું છે.

મહાત્માઓનાં જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી, કેમકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે, અને તે ગુણસંપત્તિ લખનારને પણ પ્રાપ્ત થાય છે. પરંતુ, વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતાં ક્ષમા માગવી એ કર્તવ્ય છે. તથાપિ એક વિષયમાં આ લખનાર ક્ષમાની પ્રાર્થના કરે છે. શ્રી ભદ્રંભદ્રના વચનમાં કોઈ કોઈ ઠેકાણે યવનભાષાના શબ્દો મુકાઈ ગયા છે. એ શબ્દ તે પોતે બોલ્યા હશે એમ તો વાંચનાર નહિ જ ધારે. શુદ્ધ સંસ્કૃત વિના બીજા

શબ્દનો ઉચ્ચાર કે ઉચ્છવાસ તેમનાથી જન્માનારે પણ થયો નથી, બનેલા વૃત્તાન્ત કેટલાક વખત પછી સ્મરણ કરી તે લખતાં અજાણ્યે એ યવનશબ્દ, શ્રી ભદ્રંભદ્રની ઉક્તિમાં મુકાઈ ગયા છે. અથવા તો તેમણે વાપરેલા સંસ્કૃત શબ્દ, નહિ સાંભર્યાથી એવા શબ્દ મૂકવા પડ્યા છે.

શ્રી ભદ્રંભદ્રની વાણીમાં સમાયેલા શબ્દ અને અર્થના અલંકાર જેમ બને તેમ જાળવી રાખ્યા છે. આ લખનારની પોતાની વાણીમાં વાંચનારને કદી કદી અલંકાર જણાય તો તેમાં આચાર્યશ્રીના ઉદાહરણ તથા અનુસારણ વિના બીજું કંઈ નથી.

આ પ્રપંચમાં બીજા લેખકનું અનુકરણ કે અપહરણ કણમાત્ર નથી. માનસરોવરના તટને મૂકી હંસ વર્ષાકાલે અન્યત્ર જતા નથી. અરે ! શ્રી ભદ્રંભદ્ર દેવની છાયામાં વિચરતા ઉપાસકને અન્યત્ર શક્તિઓનો આશ્રય લેવો પડતો નથી. કવિ નર્મદાશંકરના ‘રાજ્યરંગ’ની પ્રસ્તાવના પ્રમાણે આ પ્રસ્તાવનાનો આરંભ કર્યો છે તેમાં ઉદ્દેશ માત્ર સહજ સંમતિનો છે.

અંતે એટલું કહેવું આવશ્યક છે કે જેને આ પુસ્તક સમજાય નહિ અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી. એ વર્ગને માટે બીજાં પુસ્તકો ઘણાં છે. જય ! જય?? જય ! ?

દિક્કાલને સીમા નથી ત્યાં
સ્થળ કે સમય શો લખવો ?


વિ. અ. વિ. કે. અ. મો.
 

ઉપોદ્‌ઘાત

આપણા હાસ્યરસના સાહિત્યના ઇતિહાસમાં રમણભાઈનું સ્થાન બહુ ઊંચું છે. એમણે હાસ્યરસનું સર્જન કર્યું છે, એની તલસ્પર્શી મીમાંસા કરી છે. એટલું જ નહિ પણ એને પૂર્વના દીન અને ગૌણ સ્થાનેથી ઊંચે આણી એના ગૌરવની પણ સ્થાપના કરી છે.

એમની પૂર્વેના લેખકોએ હાસ્યને બહુ ગૌણ સ્થાન આપ્યું હતું. આપણા પ્રાચીન કાળના સાહિત્યમાં પ્રેમાનંદ અને અખાને બાદ કરતાં બીજા કવિઓનું એના તરફ ધ્યાન ગયું નથી. અંગ્રેજી સાહિત્યનો સંપર્ક થયા પછીના અર્વાચીન યુગના આરંભકાળમાં પણ નવલરામ ને દલપતરામનાં નામ અપવાદ તરીકે જણાય છે તેમાંયે નવલરામે એક નાટક, એકાદ કાવ્ય ને એકબે નિબંધો હાસ્યના લખી ઇતિકર્તવ્યતા માની છે.

પ્રાચીન કાળના ભક્તિયુગમાં મંજીરા ને કરતાલના ઘોષમાં હાસ્યનો રણકો ઊઠી શક્યો નહિ. અર્વાચીન કાળના પ્રારંભના સમયમાં સંસારસુધારાના પ્રચંડ ઝંડા નીચે હાસ્યની દુર્બલ મૂર્તિ દબાઈ ગઈ, તે જ પ્રમાણે તે પછીના પંડિતોના યુગમાં પાંડિત્યના પ્રખર તાપમાં હાસ્યની વેલ વિકસી શકી નહિ. એ યુગમાં હાસ્યરસની શોધ કરનારને अत्र लुप्ता सरस्वती અહીં હાસ્યની સરસ્વતી સુકાઈ ગઈ એમ કહેવા વારો આવે એવી સ્થિતિ ઊભી થઈ. પરંતુ ભગીરથે જેમ તપશ્ચર્યા કરી ભગવાન શંકરની સહાય વડે જગજ્જનનાં પાપ ધોવા માટે ગંગાને અવનીમાં ઉતારી, તેમ રમણભાઈએ શંકરના પરમભક્ત મહાનુભાવ ભદ્રંભદ્રનું અવલંબન લઈને સમાજનાં દુરિતોનું પ્રક્ષાલન કરવાને અર્થે વિલુપ્તપ્રાય થઈ ગયેલી આપણી હાસ્યગંગાને ફરી ગુજરાતીમાં વહેતી કરી.

શૃંગાર, વીર, કરુણ આદિનાં સ્વતંત્ર મંદિરો રમણભાઈની પૂર્વેના લેખકો રચતા ને તેમાં કોઈક વાર એકાદ ખૂણામાં હાસ્યને પણ સ્થાન આપવાની કૃપા કરતા. હાસ્યને અન્ય મુખ્ય ભાવના સહચારી ભાવ તરીકે આવીને તેનું હાસ્ય કરવાની પરવાનગી હતી, પણ મુખ્ય ભાવ તરીકે એને સ્થાન ભાગ્યે જ મળતું. રમણભાઈએ ઉપેક્ષા પામેલા એ હાસ્યનું સ્વતંત્ર મંદિર રચ્યું અને એ મંદિરના પ્રવેશદ્વાર પર આલેખ્યું, ‘હાસ્યનું પણ મંદિર હોય છે, બીજાં મંદિર પેઠે એ મંદિરમાં પણ ભક્તિના, આનંદના, ઉત્સાહના, અભ્યાસના પ્રસંગ હોય છે. એ મંદિરમાં પણ એકાન્ત મનન કરવાના, આત્મપરીક્ષા કરવાના, તેમ જ બીજા ભક્તોના સંગમાં તેમના સરખી લાગણી અનુભવવાના અવસર મળે છે. વિશુદ્ધિના ને ઉત્કર્ષના પ્રયાસ પણ એ મંદિરમાં થઈ શકે છે.’

રમણભાઈએ હાસ્યના મંદિરની રચના કરી છે તેના પર કલશસ્થાને શોભે. છે, ‘ભદ્રંભદ્ર’, ‘હાસ્યમંદિર’ કરતાં પણ ‘ભદ્રંભદ્ર' પરથી રમણભાઈની હાસ્ય નિષ્પન્ન

કરવાની અપૂર્વ શક્તિનો ખરો ખ્યાલ આવે છે. 'ડોન ક્વિકઝોટ' કે 'પિક્વિક પેપર્સ' વાંચીને એમને 'ભદ્રંભદ્ર’ની કલ્પના કદાચ આવી હશે, પણ એ એને સ્વતંત્ર રચના. છે. આપણા સાહિત્યમાં એ પહેલી જ સળંગ હાસ્યકથા છે. એ પછી બીજી હાસ્યરસની લાંબી વાતો પ્રસિદ્ધ થઈ છે, પરંતુ ભદ્રંભદ્રને પદભ્રસ્ષ્ટ કરે એવો. મહાનુભાવ હાસ્યસૃષ્ટિમાં હજી જનમવાનો બાકી જ છે. 'ભદ્રંભદ્ર’નો રસ, એને લખાયાને અર્ધી સદી વીતી ગઈ છતાં હજી તાજો જ છે. શ્રી વિજયરાયે લખ્યું છે કે એ (સર્જક) પ્રતિભાનો સૌથી સ્ફુટ અને તેજસ્વી આવિભવ સ્વતંત્રપણે થયો હોય તો એ અવનવી ઉપહાસ કથામાં જ, એમાંના બે-ત્રણ દોષો છતાં પણ, એ એક વાર સ્વીકારીને બાજુએ મૂક્યા એટલે કહેવું જોઈએ કે યુવાન રમણભાઈની એ કૃતિનું યૌવન આ પાંચેક દસકામાં કરમાયું નથી અને સહેજે કરમાશે નહિ.’ આજે પચાસ વર્ષ પછી પણ એની નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો અવસર આવે છે તે એમના ઉપલા કથનનું સમર્થન કરે છે.

હાસ્ય નિર્માણ કરવાની બધી જ યુક્તિઓ આમાં રમણભાઈએ અજમાવી છે. કથાના નાયક જેવો આ કૃતિનો હાસ્યરસ ચૂળ છે, છતાં એમના તીવ્ર ને સચોટ કટાક્ષોમાં સૂક્ષ્મતા પણ જણાઈ આવે છે. ‘ભદ્રંભદ્ર'નો હાસ્યરસ જેટલો પ્રસંગનિષ્ઠ છે ને જેટલો વ્યક્તિનિષ્ઠ છે તેટલો જ શબ્દનિષ્ઠ પણ છે.

જુદી જુદી બોલીઓનાં અનુકરણ કરી ભુપહાસકો જેમ હાસ્યના પ્રયોગો કરે છે, તેમ રમણભાઈએ આમાં જાતજાતની બોલીઓના પ્રયોગો કરી હાસ્યનું નિર્માણ કર્યું છે. ભદ્રંભદ્ર 'શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા' માગે છે. ત્યારે પારસી ટિકિટ માસ્તર એ શું કહે છે તે ન સમજાયાથી જવાબ દે છે : ‘સુ બકેચ ? આય તો તિકિત ઑફિસ છે.’ ભદ્રંભદ્ર જણાવે છે, ‘યવન ! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’ ટિકિટ ઑફિસમાં એક હિંદુ હતો. તેણે કહ્યું : ‘સોરાબજી, એને ગ્રાંટ રોડની બે ટિકિટ આપો.’ ત્યારે સોરાબજી ટિકિટ આપતાં કહે છે, ‘સાલો કંઈ મેદ થયલોચ. હું તો સમજતો જ નથી કે એ શું બકેચ.’ આમ એક તરફથી સંસ્કૃતમય ગુજરાતી તો બીજી તરફ પારસી ગુજરાતી એમ બંનેને સામસામે મૂકીને ભાષાની વિસંગતિ દ્વારા રમણભાઈએ હાસ્ય ઉત્પન્ન કર્યું છે એટલું જ નહિ, પણ રૂઢ થઈ ગયેલા ફારસી, અંગ્રેજી તેમ જ તદ્ભાવ શબ્દોનો ત્યાગ કરી તત્સમ સંસ્કૃત શબ્દો જ વાપરવાનો આગ્રહ કરી ભાષાને ‘સુધારવા’ મથનારાઓને તેમ જ શુદ્ધ ગુજરાતીને સ્થાને બોલીનો આશ્રય લઈ ભાષાને બગાડનારાઓ એ બંને ઉપર કટાક્ષ પણ કર્યો છે. માત્ર સંસ્કૃત શબ્દનો જ નહિ પણ સંસ્કૃત વ્યાકરણરચનાનો પણ સ્વીકાર આપણી ભાષામાં થવો જોઈએ. તળપદા બની ગયેલા પરભાષાના શબ્દોને સ્થાને સંસ્કૃત પરથી નવા શબ્દો બનાવીને વાપરવા જોઈએ એવો આગ્રહ રાખનાર પણ એ કાળે કેટલાક હતા. એમના પ્રતિનિધિ તરીકે રમણભાઈએ પ્રસન્નમનશંકરને આમાં રજૂ કર્યા છે. ભદ્રંભદ્રનો પોતાને ત્યાં સત્કાર કરતાં એ કહે છે, ‘મેં આપના

આતિથ્યકારને ગૃહે શિવશંકર દ્વારા આપનું અન્વેષણ કરાવ્યું હતું, આપ સારું મેં અભયાકૃષ્ટચતુશ્ચક્ર ગવાક્ષસપાટાછાદનસમેત રથ પ્રેષિત કર્યો હતો, પણ આપ સંમિલિત થયા નહિ. આપનું ચરિત્ર શ્રવણ કરી હું આનન્દાશ્ચર્ય પ્રાપિત છું.”

શબ્દની ઝડઝમક ને વણાંલંકારના મોહમાં કૃત્રિમ શબ્દરચનામાં રાચતા લેખકોની શૈલીની વિડંબના ચંપકલાલ ચટ્ટુનું પાત્ર સર્જાવીને એમણે કરી છે. ‘વિધવાઓના વાળના વધારાનો વધ’ એ નામના એમના પુસ્તકમાંથી ઉતારો આપ્યો છે તેમાંનાં એકાદબે વાક્યો જોઈએ, ‘પશુપક્ષીઓ અને જળચરો, વનચરો અને વનસ્પતિઓ ક્ષૌરકમ બિલકુલ કરાવતાં નથી. મેઘવાડિયા મહિનામાં એક વાર ક્ષૌરકર્મનો ક્રમ લે છે. કણબી, સુતાર પખવાડિયે એક વારની ધારાનો આધાર સારો ગણે છે, મધ્યમ વર્ગના જનો અઠવાડિયે એક વાર શિર ઉપર ચક્ષુના મશહૂર નૂરની ધુર પ્રગટાવવાની જરૂર જુએ છે, ઉત્તમ પંક્તિના મનુષ્યો અઠવાડિયામાં બેત્રણ વખત સખત શ્રમ લઈ તખતથી પણ ઊતરી એ અખતરો અનુભવે છે, એ ઉત્તરોત્તર ક્રમ શું દર્શાવે છે? એ જ કે જેમ મનુષ્ય ઉત્તમ તેમ તેમ કે વપન વિશેષ.’ આગળ એક સ્થળે શ્રી ચંપકલાલ વદે છે. ‘સ્ત્રીઓ પુરુષોની સમાન છે એ ગુમાનભર્યા પણ માનની કમાન વિનાના વિચારની તમા ન રાખવી ઘટે છે.’ આ લેખકે બીજાં પાંચ સાત ‘દળદાર’ પુસ્તકો પણ લખ્યાં છે. તેમનાં નામ પણ એવાં જ રાખ્યાં છે. ‘પૂજાતા પંડિતોના પવનનું પોલાણ’, ‘સુધારાના ધરામાં ધરાતી ધરપત’, ‘ચારુતાથી ચણેલી ચતુરાઈની ચર્ચા.’

આપણાં વર્તમાનપત્રોમાં કેટલાક અનધિકારી ને ભાષાજ્ઞાન વિનાના, પ્રેસના કામકાજના થોડાક અનુભવે તંત્રીપદે ચઢી બેસનારાઓ કેવી ભાષા વાપરે છે તેનું ચિત્ર એમણે માધવબાગની સભામાં ભાષણ કરવા ઊભા થયેલા એક વક્તા દ્વારા આલેખ્યું છે. એ મહાશય સભાને સંબોધતાં કહે છે : “ગૃહસ્થો ! આવા સારા ને વખાણવા લાયક કામને મદદનીશ થવા એકઠા થયેલા તમો સહુની સામે મને ઊભેલો જોઈ હું પોતાને નસીબવાન ગણી અભિનંદન આપ્યા વિના મદદ કરી શકતો નથી. હું ન્યૂસપેપરનો અધિપતિ છું. તે હોદ્દાના રાખનાર તરીકે મેં ઘણી વાર સુધારાની હિલચાલ પર ટીકા કરેલી છે. સુધારાની અગત્યતા સાબિત થયેલી બીના નથી. આપણામાં લડવાનું ઐક્યત્વતાપણું હોય... આપણામાં લોકપ્રિયતા એકઠી કરવાની ખપતી હિકમત હોય, તો પછી ગાંભીર્ય વિચારની શી ખોટ છે ? વિદ્વાનતાની શી જરૂર છે? સુધારાની શી માગવા લાયકતા છે? આપણો અનુકમ કઈ લીટીઓ પર કરવો, તે બાબતમાં પારસીઓને તથા અંગ્રેજોને શું કામ નાક મૂકવા દેવા ? સારું ખોટું જોવાની જરૂર નથી. પણ તે પર હુમલો કરવાની જરૂર છે. એડિટરના હુન્નરથી અજાણ્યા લોકો એને ઉદ્ધતાઈ કહે છે, હું એને હિંમત કહું છું. એવી જુસ્સાવાળી હિમ્મત હોય, તો પછી રાજકીય હક્કો મેળવવામાં વિચારની વૃદ્ધિ રમતમાં લાવવાની શી જરૂર છે ? તો પછી સુધારાના અમલને કામનું ખેતર જ નથી. તે લાવવો જોઈતો છે નહિ.’

ભાષા ને બોલીનાં વૈચિત્ર્ય દ્વારા રમણભાઇએ હાસ્ય નિષ્પન્ન કર્યું છે તે ઉપરાંત અભિનવ ઉપમા ઉપેક્ષાદિ અલંકારો વડ, ક્વચિત બાણની શૈલીનું સ્મરણ કરાવે એવાં અલંકારપ્રચુર વર્ણનો વડે તેમ જ મતિને મુંઝવી નાખે એવી અવળી દલીલબાજી ભરેલાં ભાષણો વડે એમણે વૈવિધ્ય સાધ્યું છે.

‘શાહુડી સિસોળિયાં ફુલાવી નીકળે તેમ તે શાસ્ત્રવચનોથી સંબદ્ધ થઈને નીકળ્યા.' 'અપોશન જેમ દેવોની આહારશક્તિના પ્રમાણમાં બહુ થોડું છતાં તેમના, ઉદરનું પૂરણ કરે છે તેમ ડુંડાદિને લીધે બ્રાહ્મણોના શરીરનો વિસ્તાર ઘણો. છતાં, તથા તે પર મેલ એકઠો થવાનાં કારણો છતાં ખોબાપૂર પાણીથી તેમની સ્નાનક્રિયા પૂરી થાય છે.’

‘ગધેડાં સાથે મજૂરીમાં સામિલ થવાથી ઘોડાને પણ જેમ કુંભારે માન આપવું પડે છે, તેમ બીજા પાશ્વચરોની પેઠે ભદ્રંભદ્રને પણ સંયોગીરાજ પ્રતિ પૂજ્યભાવ દશવિવો પડતો હતો.’ ‘ભોજન સમયે આંધળાના હાથને જેમ નયનની સહાયતા વિના મુખ જડી આવે છે તેમ મને ભીંત પર ફંફોસતાં સૂર્યની સહાયતા વિના જોઈતો માર્ગ જડી આવ્યો.’ ‘અંધકારનો સહચારી કહેવાતો ભય અમને તો દીવા સાથે આવતો જણાયો.’ ‘મૃત્યુ પછાડી સંવત્સરી શ્રાદ્ધાદિ ક્રિયાઓ આવે તેમ તેની પછાડી બીજા લોકો ધસી આવ્યા.’ ભૂલથી પારકા ઘરમાં ઘૂસી જતાં ચોર ગણાવાનો સંભવ ઉપસ્થિત થતાં કોઠી પર ચડેલા ભદ્રંભદ્રને વાંકા વળીને બે હાથ વડે ખેંચી લેવા એ પ્રયત્ન કરે છે ત્યારે પોતાના શરીરને ઊંચી ગતિ આપવાને ભદ્રંભદ્રે પ્રયત્ન કર્યો તેથી જાણે હસવું આવ્યું હોય તેમ કોઠી વાંકી વળી, અને ભદ્રંભદ્રના પગ ફરીથી તે પર પડ્યા એટલે જાણે હસવું માતું ન હોય તેમ કોઠી આળોટી પડી, પૂર્વ કર્મ મુનિને સ્વર્ગમાંથી નીચો પાડે છે તેમ ભદ્રંભદ્ર મને કાતરિયામાંથી નીચે ઉતારી કોઠી પર પડ્યા.’ ‘તાળવા પાછળની નાની ચોટલી જાડી ને પહોળી હજામતવાળી ચામડી ઝૂલવાથી બેવડી થયેલી હડપચીને કાળી બિલાડી ધારી સંતાઈ રહેલી ઊંદરડી જેવી દેખાતી હતી.’ ... ‘વયના વધારા સાથે ફેલાવાનું કામ લંબાઈને બદલે પહોળાઈમાં પરિપૂર્ણ કરી રહેલા અને ભારવાટીઆ પરની ઢીંગલીઓ જેવા દીસતા હાથપગ, ડૂંડ આગળ પોતાની સ્થૂલતાનું અભિમાન વ્યર્થ જોઈ ચકિત બની પહોળા થઈને પડ્યા હતા.’ આવી પુસ્તકમાં સ્થળે સ્થળે આવતી અનેક ઉપમા ઉત્પ્રેક્ષાદિ અલંકારોની મૌલિકતા, અપૂર્વતા ને રસૌચિત્ય રમણભાઈના કલ્પનાવૈભવની પ્રતીતિ કરાવે છે.

રમણભાઈએ આ ગ્રંથની રચના કેવળ સાહિત્યસર્જન કરવાની ઇચ્છાથી નથી કરી. એ કાળે એક તરફ સુધારાવાળા ને બીજી બાજુએ પ્રાચીનતાના પક્ષપાતીઓ વચ્ચે ઉગ્ર વાગ્યુદ્ધ ચાલતું હતું. ‘સનાતન ધર્મના સદોદિત યશઃપૂર્ણ વિજય'ની પતાકા ફરકાવવાની ઇચ્છા રાખનારાઓને તર્ક ને દલીલથી જવાબો આપ્યા છતાં એટલેથી સંતોષ ન થતાં એ પ્રતિપક્ષીઓની દલીલમાં રહેલી હાસ્યજનકતા દર્શાવવા સારું એમણે આ પ્રયત્ન કર્યો છે. સમાજ ને જ્ઞાતિના વિચિત્ર તથા અર્થ વગરના

રીતરિવાજો, અને ગમે તે ભોગે પ્રાચીન ભાવના ને રૂઢિઓનું સંરક્ષણ કરવાની વૃત્તિવાળા કટ્ટર સનાતનીઓને પોતાના કટાક્ષ માટેના લક્ષ્ય બનાવી એમણે આ ગ્રંથની રચના કરી છે.

આને લીધે આ પુસ્તકમાં કેટલાક દોષો આવી ગયા છે. જડબુદ્ધિથી પ્રાચીન મંતવ્યોને વળગી રહેનારાઓની મશ્કરી કરવામાં મજાક-મશ્કરીમાં કેટલીક વાર બને છે તેમ, સૂકા ભેગું લીલું પણ આવી ગયું છે. આપણા પ્રાચીન ધર્મના ઉદાર ને ઉન્નત સિદ્ધાંતો પ્રત્યે રમણભાઈને આદરભાવ હતો, એમ છતાં આ પુસ્તકે કેટલાકના મનમાં એવો આભાસ પણ ઉપજાવ્યો છે કે એમણે હિંદુ ધર્મની નિંદા કરવા ખાતર આ ગ્રંથ લખ્યો છે અને આથી જ આનંદશંકર સમા સમભાવી ને તટસ્થ વિવેચક પણ આની ગુણસમૃદ્ધિ જોઈ શકતા નથી, અને એને છેક ઊતરતી પંક્તિનું એમણે ગણી કાઢ્યું છે.

રમણભાઈ ‘ભદ્રંભદ્ર’ લખી એક કાંકરે બે પક્ષી મારવા માગે છે. હાસ્યરસનું સર્જન કરવા ઉપરાંત સુધારાની પ્રવૃત્તિને વેગ આપવા પણ ઇચ્છે છે, પણ એમ કરવા જતાં કેટલીક વાર એ બેમાંનું એક પક્ષી ઊડી જાય છે ને ઘણી વાર એ ઊડી જનાર તે ચકોર વિનોદપંખી હોય છે, અને આમ સાહિત્યકાર રમણભાઈ પર, સુધારક રમણભાઈ વિજય મેળવે છે.

‘ભદ્રંભદ્ર’માં જ્યાં જ્યાં જનસ્વભાવનું ચિત્ર આવે છે – અને એવાં સુરમ્ય ચિત્રો પ્રારંભના ભાગમાં અનેક સ્થળે આવે છે, ત્યાં ત્યાં ઉચ્ચ કોટિનો વિનોદ નિષ્પન્ન થાય છે પરંતુ દુર્ભાગ્યે પુસ્તકના પાછલા ભાગમાં એવાં ચિત્રો વિરલ થઈ જાય છે. જનસ્વભાવને બદલે આપણા સમાજનો અમુક વર્ગ જ ધીરે ધીરે પ્રાધાન્ય મેળવે છે અને પછી તો વ્યક્તિવિશેષો દાખલ થાય છે. આમ ધીરે ધીરે રસનું ક્ષેત્ર સંકોચ પામતું જાય છે. વ્યક્તિઓનાં મન્તવ્યો નહિ પણ ખુદ એ વ્યક્તિવિશેષો જ એમના કટાક્ષનાં લક્ષ્યબિંદુ છે. પ્રસન્નમનશંકર, કુશલવપુશંકર, ઈત્યાદિ નામો પણ એ કયી વ્યક્તિ પર પ્રહાર કરવા માગે છે તેનાં સૂચક છે. ‘ભૂતલીલા’, ‘ભૂતમંડળમાં પ્રવેશ’, ‘સંયોગીરાજ અને તંદ્રાચંદ્ર’, ‘તંદ્રાચંદ્ર અને જોશીનો મેળાપ’, ‘તંદ્રાચંદ્રનો વરઘોડો’ ‘જેલમાંથી નીકળ્યા ને ખેલમાં ગયા’ ઇત્યાદિ પ્રકરણોમાં આવતી બાળસુલભ ઠઠ્ઠામશ્કરીઓના પ્રસંગ આમાં ન આણ્યા હોત તો ખાસ હાનિ ન થાત એમ લાગે છે.

આ ઉપરાંત ભદ્રંભદ્રની તથા ખાસ કરીને પ્રસન્નમનશંકરની અતીવ સંસ્કૃતમય ભાષા શરૂઆતમાં હાસ્ય પ્રેરવા સમર્થ થાય છે, પરંતુ પાછળથી એ બુદ્ધિને કસરત કરાવી કંટાળો ઉત્પન્ન કરે છે. આ સિવાય તે વિષયના જાણકાર જ સમજી શકે, ને તે પણ ઘણા થોડા, એવી ખંડનમંડનાત્મક ચર્ચાઓ ને ભદ્રંભદ્રનાં લાંબાં ભાષણો પણ કેટલીક વાર રસમાં બાધક નીવડે છે.

આવા દોષો છતાં ‘ભદ્રંભદ્રે’ આપણા હાસ્યસાહિત્યમાં બહુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ હાસ્યરસ નિર્માણ કરવાની ઇચ્છાવાળા અનેક લેખકોનું પ્રેરણાસ્થાન બન્યું

છે. એ પ્રસિદ્ધ થયું ત્યારે એણે આપણા સુશિક્ષિત ને સાહિત્યકિ તરુણો પર એટલો બધો પ્રભાવ પાડ્યો હતો કે સામાન્ય વાતચીતમાં પણ એમાંનાં વાક્યોનો એઓ પ્રયોગ કરતા. ‘ક્યાં માધવબાગની સભામાં ચાલ્યા ?’ એવો પ્રયોગ ઘણા માણસો એક સ્થળે જતા હોય ત્યારે સામાન્ય રીતે કરવામાં આવતો. ‘પણ લોકો. અઘરણીની નાતો નથી કરતા તેનું કેમ ?’ કોઈક અપ્રસ્તુત વાત કરે ત્યારે આ વાક્યનો પ્રયોગ કરવામાં આવતો.

આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને ‘ભદ્રંભદ્ર’નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છે. હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે એવા છે. તે વખતે ઉગ્ર રીતે ‘સળગતા’ એ પ્રશ્નો આજે લગભગ હોલવાઈ ગયા છે. આમ છતાં, એમાં માનવસ્વભાવની વિચિત્રતાઓ, એની નિર્બલતા, સમાજની હાસ્યજનક રૂઢિઓ, દંભો ઈત્યાદિનું સૂક્ષ્મ અવલોકન કરી રમણભાઈએ સર્વનું જે રસિક, સચોટ ને તાદૃશ આલેખન કર્યું છે, તે તેમ જ સભાઓ ને ન્યાતના કોલાહલ ને અવ્યવસ્થા, રેલવેની મુસાફરી દરમ્યાન પ્રશ્નો પર પ્રશ્નો પૂછી કંટાળો આપતા સહપ્રવાસીઓ; કોર્ટમાં અર્થ વગરની ને બિનજરૂરી તકરાર કર્યા કરતા વકીલો; ‘કહ્યું કશું, ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું’, એ ઉક્તિના નમૂનારૂપ, ઢંગધડા વિનાના પ્રશ્નો પૂછતા ન્યાયાધીશ ઇત્યાદિના અસામાન્ય, કંઈક અતિશયોક્તિથી રંગાયેલાં છતાં આકર્ષક વર્ણનો અને અવનવી કલ્પના, અભિનવ અલંકારો અને મર્મ ને નર્મથી ઓપતો, કોઈ પણ જાતના અંતરાય વિના સડસડાટ વહી જતો શૈલીનો પ્રવાહ ઇત્યાદિ એ પુસ્તકની ગુણસમૃદ્ધિથી કોઈ પણ વાચક આકર્ષાયા વગર રહી શકે એમ નથી. આજે આ પુસ્તકમાં અનેક સ્થળે દેખાતાં વર્ણન છટા, અલંકારસમૃદ્ધિ ને કલ્પનાવૈભવ, ટોળટીખળ ને ઠઠ્ઠામજાક આપણા સાહિત્યમાં અન્યત્ર મળવાં દુર્લભ છે.

ભદ્રંભદ્ર એ વિશેષમાંથી સામાન્ય નામ બની ગયું છે. જમાના સાથે પરિવર્તન કરવાની આનાકાની કરનાર જડબુદ્ધિ મનુષ્ય માટે એ પર્યાયરૂપ બન્યું છે. સંસ્કૃતમય ભાષા માટે ‘ભદ્રંભદ્રીય’ એવા વિશેષણનો પ્રયોગ પણ આપણી ભાષામાં દાખલ થયો છે. કોઈ પણ કથાનાયકનું સંજ્ઞાવાચક નામ સામાન્ય ભાવ પામી કોઈક ગુણ વિશેષનું વાચક બને ત્યારે એ કથાનો નાયક કથાની દુનિયા કરતાં બહુ મોટી દુનિયાનો નિવાસી બને છે ને અમરપદ પ્રાપ્ત કરે છે. મહાનુભાવ ભદ્રંભદ્રે આવી અમરતા સિદ્ધ કરી લીધી છે અને અત્યારે એ ડોન ક્વિકઝોટ, પિક્વિક, ફોલસ્ટાફ આદિ અમરજનોની સાથે જ વિરાજે છે. જો કે આ યવનોની સંગતિમાં રહેવું એમને કદાચ ફાવતું નહિ હોય.


જ્યોતીન્દ્ર હ. દવે
 

અનુક્રમ


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.


રૂપક કૃતિ
  1. આ પુનર્મુદ્રણમાં તસવીરો તેમ જ ૨. મ. રા.નાં ચિત્રો ઉપલબ્ધ ન હોવાથી આપવામાં આવ્યાંનથી.