ભદ્રંભદ્ર/૨૧. રાત્રિમાં થયેલા અનુભવ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૦. ભદ્રંભદ્રે દીઠેલું અદ્ભુત દર્શન ભદ્રંભદ્ર
૨૧. રાત્રિમાં થયેલા અનુભવ
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૨૨. સંયોગીરાજ અને તંદ્રાચંદ્ર →


૨૧ : રાત્રિમાં થયેલા અનુભવ

હું પણ તરત ઊંઘી ગયો અને વિચિત્ર રીતે સંધાઈ ગયેલા સ્વપ્નોના દર્શનમાં પડ્યો: કોઈ પ્રચંડ પુરુષે ભદ્રંભદ્રને ભેંસો સાથે બાંધીને કૂવામાં ઉતાર્યા અને કૂવામાંથી જે કોસમાં પાણીને બદલે દીવા નીકળતા હતાં તે કોસમાં ભદ્રંભદ્ર પાછા નીકળી આવ્યા...પછી ઉકરડા પર ઊભા રહી એક કોઠીમાં તેમણે મદિરા રેડ્યો અને તે પછી કોઠી પરથી એક છાપરા પર કૂદતા કોઠીમાં પાછા પડ્યા, તેમાંથી સર્પથી બાંધી મેં તેમને બહાર કાઢ્યા અને એક તળાવ પર મહોટી જાળી નાંખેલી હતી તે પર સુવાડ્યા તે જાળીના કાણામાંથી ભદ્રંભદ્ર એક કૂતરા સાથે નીકળી પડયા ત્યાં નીચે પડતાં હેઠળ ગયા...અને એ પાતાળમાં બે તાડ પર પગ મૂકી દેવી ઊભેલી હતી ત્યાં કૂતરાને માથે મૂકીને હું નાચ્યો અને તે સંયોગીરાજનો કાણો રસોઈયો ખૂબ હસ્યો અને કાગડાઓએ ચાંચમાં ભરીને ગુલાબ ઉડાડ્યું, તે મારી આંખમાં પડવાથી હું નાસવા ગયો પણ નસાયું નહિ અને પગથિયાં પરથી સરી પડ્યો...આવી સ્વપ્નની ઘટમાળ ચાલતાં મેં એક મૅજિસ્ટ્રેટની આસપાસ નાત મળેલી દીઠી અને ત્યાં વંદા સામાં બારણાઓ પર ઇન્સાફ જોવા બેઠેલા હતા. તેમની મૂછો પર આગીઆ કીડા આવીને બેઠા. ભદ્રંભદ્રે ઊઠીને વંદાઓને પૂછ્યું કે તમને સુધારાવાળા મારી નાંખે છે તેનું શું કારણ છે અને વાંક કોનો છે? વંદાઓ કહે કે અમે ગયે જન્મે સુધારાવાળાના ગોર હતા પણ અમને ચોપડીઓનો શોખ થયાથી અમને જમાડ્યા નહિ તેથી તેમની ચોપડીઓ ખાઇ જવા અમે વંદા થયા છીએ...મૅજીસ્ટ્રેટ પોતાની ખુરશી નીચે શેતરંજી ખેંચીને ઓઢી અગાડી આવી બોલ્યા કે, 'મને વંદા અડકી શકે એમ નથી પણ બ્રાહ્મણો મહાદેવના મંદિરમાંના પોઠિયા ઉખાડી તેને પૈડાં કરાવી તે પર બેસી વંદાનો વેપાર કરવા જાય તો તેમને રોજી મળે ને ચોરીલૂંટ ન કરવી પડે અને કાયદાની ચોપડીઓ પોલીસચોકીમાં ભરી મૂકી હોય તોપણ વંદા તે ખાય જાય નહિ.'...આ પ્રમાણે સ્વપ્ન જોતાં હું થોડા કલાક ઊંઘ્યો....આખરે સ્વપ્નમાં મેં ભદ્રંભદ્રને ઊંચા કોટ પર બેઠેલા જોયા. ત્યાંથી ત્રવાડી અને વલ્લભરામે તેમને ધક્કો મારી નીચે નાખ્યા તે જોઈ પછાડીથી કોઈ સ્ત્રીએ ચીસ પાડી....તે સાંભળીને હું જાગી ઊઠ્યો.

ભદ્રંભદ્ર પણ તે જ વખતે જાગી ઊઠી પથારીમાં બેઠા થયા હતા. સ્વપ્ન ખસી ગયા પણ ચીસ સંભળાઈ એ વોશે મને ખાતરી રહી.

અમારા ઓરડા સિવાય બીજે બધે અંધારું હતું અને કઈ દિશામાંથી ચીસ આવી તે સમજાતું નહોતું. ઘર અજાણ્યું હતું અને ભદ્રંભદ્ર કહે, "પહેલી રાતે આપણને થયેલો અનુભવ આવે સ્થળે શોધ કરવામાં લાભ હોય એમ દર્શાવતો નથી. અનુભવને અનુસરવું એ નિયમ સપ્રમાણ છે."

તોપણ ચીસ સાંભળી હતી એ એવી કારમી હતી કે પાછા એમ ને એમ સૂઈ જવાનો મારાથી નિશ્ચય થઈ શક્યો નહિ. વળી એકંદરે અમારી સલામતીનો વિચાર કરતાં ભદ્રંભદ્રને પણ સ્થિર રહેવું આખરે દુરસ્ત જણાયું નહિ. તેથી દીવો લઈ અમે તપાસ કરવા નીકળ્યા. 'સૂર્યચંદ્ર અંધકારની શોધમાં આખી પૃથ્વી આસપાસ ફરી વળે છે,' તે સુધારાવાળાની શોધમાં ભમતા આપણા આર્યપક્ષના સમર્થકોએ ઉપમા પામવા સારુ જ. એવું ભદ્રંભદ્રે પૂર્વે એક પ્રસંગે કહેલું એક વાક્ય યાદ આવ્યું. પણ સૂર્યચંદ્રને એવા ઉપમાન ઘડી ઘડી મળે તે માટે જ આવી શોધમાં નીકળવાની જરૂર છે કે કેમ તે આ વખતે મેં પૂછ્યું નહિ. કેમ કે ભદ્રંભદ્રની મુખરેખામાં આલંકારિક આવેશ જણાતો નહોતો અને ઉમેય-ઉપમાનને બદલે નાસનાર, પાછળ દોડનાર, માર ખાનાર - માર મારનારા એવા સંબંધ તેમના ચિત્ત સમક્ષ હોય એમ જણાતું હતું.

ચીસ સંભળાયા પછી બીજો કંઈ પણ અવાજ સંભળાયો નહોતો. પરંતુ શોધ કરવી વધારે મુશ્કેલ થઈ હતી અને અમારી બીકમાં કંઈ પણ ઘટાડો થયો નહોતો આગળ ધરેલા મારા હાથમાં દીવો હતો અને ભદ્રંભદ્ર દીવા પાછળનું અંધારું નહિ, પણ હાલની પાશ્ચાત પદ્ધતિના રીફ્લેક્ટર થઈ પાછળ આવતા હતા. અમારા સૂવાના ઓરડામાંથી નીકળી ઘરના પાછલા ભાગમાં જઈ એક ઓરડાનું બારણું જેવું મેં ઉઘાડ્યું તેવી એક સ્ત્રીને લોહીલુહાણ થઈ ભોંય પર પડેલી દીઠી. હું ચમક્યો અને ભયથી સ્તબ્ધ થઈ ઊભો. પણ ભદ્રંભદ્રે અગાડી ન આવતા પાછળ રહીને કરેલા આગ્રહથી હું આગળ ગયો. દીવો લઈ નીચા વળી જોતાં તે સ્ત્રીના ગળામાં ઊંડો ઘા થયેલો જણાયો, અરે તેનામાં પ્રાણ રહ્યા હોય એમ લાગ્યું નહિ.

આ દારુણ દેખાવથી અમે જડ થઈ ગયા અને થોડી વાર મૂંગા થઈ ઊભા રહ્યા. તે સ્ત્રીમાં વખતે કંઈ પ્રાણ હોય તો તેને મદદ કરવા સારુ હું તેને સ્પર્શ કરવા જતો હતો. પણ ભદ્રંભદ્ર કાનમાં કહેતા હોય તેવે ઘાંટે બોલ્યા: 'શબ હશે અને નાતજાત જાણ્યા વિના અડક્યા અને વળી નહાવું પડે, માટે દૂર જ રહેજે, હું તો નજીક આવતો જ નથી. અહીં ઊભા રહેવામાં શો લાભ છે ? સવારે ઘણુંયે થઈ પડશે. માત્ર મોં જોઈ લે કે કઈ સ્ત્રી છે.'

મુખ બારીકાઇથી જોઈ હું વધારે ચમક્યો. વલ્લભરામની સ્ત્રીનું આ રીતે વલ્લભરામના ઘરમાં જ ખૂન થાય અને બે પારકા માણસો સિવાય તેના શબ પર કોઇ દૃષ્ટિ કરનારું પણ ન હોય એ વિચિત્રતાથી મારો ગભરાટ ઊલટો વધ્યો. ભદ્રંભદ્રનો ગભરાટ પણ મારા જેટલો જ હતો, પણ આ સ્થળેથી જતા રહેવાની તેમની ઉતાવળમાં તે બેદરકારી રૂપે દેખાતો હતો. વલ્લભરામ ક્યાં સૂતા છે એ ખબર નથી તો આવી અનિષ્ટ ખબર આપવા સારુ પ્રયાસ લઇ તેમને જગાડવા અને આ બનાવનો ખુલાસો સહુથી પહેલો આપવાની જવાબદારી માથે લેવી તેના કરતાં પાછા જઈ ઊંઘી જવું અથવા ઊંઘી ગયેલા પેઠે પડી રહેવું એ બહેતર છે, એમ તેમનાં છૂટાંછવાયાં અધૂરાં વાક્યોનો ભાવાર્થ જણાતો હતો. મને આમ કરવામાં કઠોરતા જણાતી હતી. પરંતુ જેમ ગણિતમાં પાછળ જવાબ આપ્યા વગર દાખલો ખરોખોટો ઠરી શકતો નથી, તેમ ભદ્રંભદ્રણી સંમતિ વિના કોમલતા - કઠોરતાનો અથવા યોગ્યતા - અયોગ્યતાનો નિર્ણય થઇ શકતો નથી એમ મને પ્રત્યય હતો. તેથી તેમના મતને અનુકૂળ થઇ હું તે સ્ત્રી પાસેથી ખસી જવાની તૈયારીમાં હતો, તેવામાં ઓરડાનું એક બાજુનું બારણું ઊઘડ્યું અને તેમાંથી 'ગઈ ક્યાં?' એ શબ્દ પહેલાં નીકળ્યા અને તેની પાછળ વલ્લભરામ નીકળ્યા. તરત જ તે એવી એકાએક 'હાય હાય' કહીને પછી મૂર્છા ખાઈને પડ્યા કે મને તો લાગ્યું કે સ્ત્રીનું શબ પૂરેપૂરું તેમણે જોયું પણ નહિ હોય અને તે પહેલાં જ તે શોકાભિભૂત થઇ ગયા. અમે દયાર્દ્ર થઇ આશ્વાસન કર્યું અને તેમને બેઠા કર્યા.

ભાનમાં આવી તેમણે તરત બોલવા માંડ્યું કે 'તમને આ શું સૂઝ્યું? તમે મારા ઘરમાં પરોણા રહ્યા અને તેનો મને આ જ બદલો આપ્યો? એ બાપડીએ તમારું શું બગાડ્યું હતું? થોડાં ઘરેણાં માટે તમારી દાનત ફરી? એટલા માટે તમે છેક જીવ પર આવી ગયા? મને દુઃખી કરી તમને શું સુખ મળશે?'

આ વાક્યો ઉપરાછાપરી બોલ્યા જતા વલ્લ્ભરામ શબ પર નજર પણ નહોતા કરતા અને જાણે પાઠ બોલી જતા હોય તેમ અર્થની દરકાર વિના શબ્દના ઉચ્ચાર કર્યા જતા હતા. તેમનું ભાષણ લાંબું ચાલત પણ ભદ્રંભદ્ર અધીરા થઈ બોલી ઊઠ્યા, 'અમારા પર આવો આરોપ મૂકતાં પહેલાં વિચાર તો કરો, પ્રશ્ન તો કરો, શોધ તો કરો. શું અમને એવા નીચ લોભી ધારો છો, એવા ઘાતકી ધારો છો કે ઘરેણાં માટે આ સ્ત્રીનો પ્રાણ લઈએ? અમે સ્વપ્નમાં પણ એવું ધારીએ એમ તમે સ્વપ્નમાં પણ ધારો એ તમારા આર્યપક્ષત્વને છાજતું હોય તેમ સ્વપ્નમાં પણ ધારી શકાતું નથી.'

વલ્લ્ભરામ સ્વસ્થ રહીને જ બોલ્યા, 'એ બધું કહેવું તો સહેલું છે. ફક્ત જીવ ગયો તે પાછો આવવો જ અઘરો છે. વેદાન્તજ્ઞાનના પ્રસંગ વિના કોઇ એમ કદી કહેતું જ નથી કે નઠારું કામ સારું છે, તેમાં વળી શિક્ષાનો ભય હોય ત્યારે તો અભેદવાદી "પણ મારાથી પાપ કેમ થાય અને મારાથી તો પુણ્ય જ થાય" એવા એવા ભેદ સમજાવવામાં પડે છે, પણ એમ તો મારાં વર્ષ પાણીમાં નથી ગયાં. હું કંઈ સુધારાવાળો નથી કે મારો મત વ્યવહારમાં કબૂલ રાખવાનો મને કોઈ આગ્રહ કરી શકે. તમને હમણાં પોલીસને સ્વાધીન કરી દઉં છું. મેં તમને ખૂન કર્યા પછી તરત જ શબ પાસે ઊભેલા-ખૂન કરતાં જ પકડ્યા છે. તમને સજા કરાવ્યાથી મારું દુઃખ ઓછું થવાનું નથી, પણ કંઇ શાંતિ તો વળશે.'

ભદ્રંભદ્ર આશ્ચર્યથી અને ભયથી સ્તબ્ધ થઈ ગયા હતા તે હવે ક્રોધથી ઊછળીને બોલ્યા, 'તમને દુઃખ થયેલું હોય તેમ તો જણાતું જ નથી. સ્ત્રીના શબ સમીપ જવાની તો તમને ઇચ્છા જ નથી. કોણ જાણે કેવા કપટથી આ સ્ત્રીની હત્યા થઈ હશે? તેના શરીરે ઘરેણાં છે નહિ; અમારી પાસે ઘરેણાં છે નહિ, અમે તેને નહિ સરખી ઓળખીએ છીએ અને અમે તેનો વધ કર્યો હોય એમ કદી કોઈ પણ માની શકશે નહિ. તમે સત્યશોધકત્વના મહોટા આડંબર કરો છો અને આવા જીવસાટાના વિષયમાં સત્ય શોધવાની ઇચ્છા પણ તમે ધારણ કરતા નથી? અસત્ય ઠોકી બેસાડવાની આવી તત્પરતા બહુ અઘટિત છે.'

વલ્લભરામ ગરમ થયેલા જ નહિ અને વધારે નરમ થઈ તે બોલ્યા, 'પરમાર્થનું સત્યશોધકત્વ જુદી વસ્તુ છે અને આવી વ્યવહારની બીના જુદી વસ્તુ છે. આપણે સુધારાવાળા નથી આપણે વ્યવહારને જૂઠો જ માનીએ છીએ. તો પછી તેમાં સત્ય શોધવું એ તો કાદવમાંથી ડહોળાણ કહાડવા બરાબર છે. અને પરમાર્થમાં પણ મેં આપને કહ્યું હતું તેમ માત્ર સત્યશોધનના આડંબરની જ જરૂર છે, સત્યશોધનની જરૂર નથી. સત્ય તો અનાદિકાળથી આપણા પૂર્વજોને જડી ચૂકેલું છે અને તે દ્વારા આપણને મળી ચૂકેલું છે. માત્ર આધુનિક પદ્ધતિનો વેષ ભજવવો પડે છે. તે વિના ગુરુપદ મળતું નથી પણ અત્યારે આ પદ કાંઈ કામનું નથી. આપનો શિષ્ય થવાને હું તૈયાર છું. આ લોહી વહેવાનું તે તો વહી ચૂક્યું છે. હવે આપણાં વસ્ત્રોને તેના છાંટા ઊડવા દેવા કે નહિ એ આપણી મુખત્યારી પર છે. આપ તો આ વિષે કંઈ જાણતા નથી. તો આપ બતાવો તે રીતે નિવેડો આણીએ. આપ તો અનુભવી છો. આ શબને બહાર કાઢવાથી શું શું પરિણામ થશે એનો આપ ખ્યાલ કરી શકો છો. જે પ્રકારનું જીવરક્ષણ આર્યોને ઇષ્ટ નથી તેની યોજના સારુ કાયદો કરી યવનો ગમે તેના શબને સ્પર્શ કરી અને કાપી આપણો ધર્મ ભ્રષ્ટ કરાવે છે અને મૃતજનોની સુગતિ થતી અટકાવે છે. જીવતાં માણસોને ઘા ન થાય તે માટે રક્ષણના અને સજાના કાયદાઓમાં યવનોએ આટલી બધી સખ્તાઇ કરી છે તથા વ્યાખ્યાઓની બારીકી રચી છે, પણ મડદાં ચૂંથવામાં તેમને લેશમાત્ર સંકોચ નથી. આર્યધર્મની વ્યવસ્થા એથી ઊલટી જ છે. જીવતા જનોને જખમ થવા ન થવા એ તો નસીબને આધારે છે. પણ મડદાંઓને નસીબ નથી હોતું માટે તેમના રક્ષણ માટે ખાસ વિધિ પાળવો પડે છે. વળી, આત્માની ગતિ થવાનો સમય મૃત્યુ થયા પછી આવે છે, માટે સુગતિ દુર્ગતિનો આધાર જીવતાં કરેલાં કર્મ કરતાં મડદાંની જાળવેલ પવિત્રતા પર વધારે છે. આર્યવ્યવસ્થાની આ બધી ખૂબી શબને માન આપવાનું ન શીખેલા યવનો અને શાસ્ત્રરહસ્યમાં રહેલી આ દેશની મહોટાઇ ન સમજનારા સુધારાવાળા ગ્રહણ કરી શકતા નથી, પણ આપ તો સુજ્ઞ છો, સનાતન ધર્મના સ્તંભ છો આ શબની પ્રતિષ્ઠાની હાનિ થાય તેવા માર્ગનો આપ આગ્રહ કરો એમ તો બને જ નહિ.'

ભય કરનારું કારણ દૂર થવાથી વધારે ક્ષમાશીલ થઈ ભદ્રંભદ્રે પૂછ્યું, 'આપ કેવી વ્યવસ્થા કરવા ધારો છો તે સમજાતું નથી. આપને હાનિ થાય એમ હું ઉચ્છતો જ નથી. કાયદાવાળા કે સુધારાવાળા જે ઉભય પર્યાયરૂપ છે તે ફાવે અને આર્યવ્યવસ્થાનો અપકર્ષ થાય એવું વચમાં મારાથી બોલાવાનું નથી, પછી હું જીવતો હોઉં કે મૃત્યુ પામ્યો હોઉ. પરંતુ, હમણાં નહિ તો પ્રાતઃકાળે અગ્નિસંસ્કાર માટે શબને લઈ જશો ત્યારે તે બહાર તો નીકળશે જ. આપ કહો છો એવી ધર્મહાનિ ન થાય તે માટે મૃત્યુકારણનું આ વૃત્તાંત બહાર ન પડે તેમાં વાંધો નથી.'

વલ્લભરામ વધારે સ્નિગ્ધ દૃષ્ટિ કરી બોલ્યા, 'આપની વિચક્ષણતાને ધન્ય છે. આપ મુદ્દાની વાત સમજી ગયા છો. શબને બહાર કાઢીએ તો તો આ વૃતાન્ત ગુપ્ત રાખી શકાય નહિ. શબનું વહન કરી સ્મશાનમાં આવનારાની પ્રથમથી આંખો ફોડી નાખવાનું કે પછીથી જીભ કાપી નાખવાનું આ સુધરેલા રાજ્યમાં બની શકે તેમ નથી. આપ અગ્નિસંસ્કાર વિશે કહો છો અને તે શાસ્ત્રવિહિત છે. શાસ્ત્ર સર્વશઃ માનનીય છે. પ્રાણાન્તે પણ શાસ્ત્રોક્ત ધર્મનું ઉલ્લંઘન થવું ન જોઇએ. પણ આ છેલ્લું સૂત્ર ધ્યાનમાં લેતાં વળી વિચાર આવે છે કે પ્રાણાન્ત થાય તો શું શબની પવિત્રતા સાચવવાના શાસ્ત્રોક્ત ધર્મનું ઉલ્લંઘન થવા દેવું જોઇએ ? નહિ જ. ધર્મ ખાતર પ્રાણાન્તની દરકાર ન રાખવી તો અગ્નિસંસ્કારની શા માટે રાખવી ?'

ભદ્રંભદ્રે આંખો અને મહોં પહોળાં કર્યાં પણ પછી ફક્ત મોંમાંથી જ શબ્દ કાઢીને પૂછ્યું, 'ત્યારે શું અગ્નિસંસ્કાર નહિ કરો?'

વલ્લભરામે કહ્યું, 'નહિ જ. પણ આપની સલાહ, શિખામણ, આજ્ઞા હોય તો જ. આપ મારા ગુરુ છો. શું શબને બહાર કહાડવાની આપ શિખામણ આપો છો ?'

ભદ્રંભદ્રે આંચકો ખાઈ કહ્યું, 'ના, ના, એમ તો નહિ જ. પણ ત્યારે શું શબને ઘરમાં રાખશો? જીવતા માણસને ઘરમાં રખાય છે, પણ મરણ પામેલાને ઘરમાં રાખવા માટે કંઇ પ્રમાણ છે ?'

વલ્લ્ભરામથી 'પ્રમાણ' પ્રતિ ગાલિપ્રદાન થઈ ગયું, પણ તરત જીભ કચરી પોતાને હલકેથી તમાચા મારી બોલ્યા, 'એમ તો બીજા કોઇ કહે. મેં દર્શાવ્યું તેમ ધર્મરક્ષણનો હેતુ સિદ્ધ કરવો એ જ પ્રમાણ. વળી ગીતાજીમાં કહ્યું છે કે नात्मानमवसादयॆत "આત્માનો નાશ કરવો નહિ." આપણા હાથમાં હોય ત્યાં સુધી કોઇ કાળે પોતાને નાશ થવા દેવો નહિ. આપ જાણો તો છો જ કે અગ્નિસંસ્કારનું ડહાપણ કરવા જઈએ તો આપણા ત્રણેનો જરૂર નાશ થાય. વખતે હું એકલો બચું તો બચું. લ્યો એ એક બીજું પ્રમાણ.'

ભદ્રંભદ્ર ભયથી પાછા નરમ થયા અને બોલ્યા, 'ત્યારે આપ શું કરવાનું સૂચવો છો? આપનો મર્મ હું સમજ્યો નથી માટે આમ પ્રશ્ન કરું છું.'

વલ્લભરામે અમને બેને વધારે પાસે બોલાવી આસપાસ જોઇ કોઇ નથી એવી ખાતરી કરી કહ્યું, 'પેલી દાદરબારી ઉઘાડી શબને બાંધી ભોંયતળિયે પરસાળમાં ઉતારીએ. અને ત્યાં એક ઊંડો ખાડો કરી તેમાં પુષ્કળ મીઠા સાથે શબને દાટી દઈએ. ખાડો પૂરી દઈ તે ઉપર પટારા વગેરે સામાન મૂકીશું. એટલે કોઈના તર્ક પણ પેસી શકશે નહિ. એક-બે વર્ષ પછી એ ઠેકાણે પાણીઆરું કરાવવા ધારું છું કે યાદગીરી રહે.'

અમે બંને આભા બની ગયા. શબની વ્યવસ્થા વિશે આટલી બધી વાત થયાં છતાં આ સૂચનાથી કંઇ વિશેષ ગભરાટ ઉત્પન્ન થયો. વલ્લભરામની સ્થિર દૃષ્ટિ ફેરવી નાખવાના મિથ્યા પ્રયત્ન કરી ભદ્રંભદ્ર બોલ્યા,

'પણ ઘરમાંથી કોઈ જાગી ઊઠશે અને આવી પહોંચશે તો?'

એ શંકા કંઇ નવી છે જ નહિ. એવા ભાવાર્થવાળી સ્વસ્થ આકૃતિ કરી વલ્લભરામે કહ્યું,'

'ચાકરોને રાત્રે ઘેર જવાની રજા આપેલી છે. ઘરનાં બીજાં મહોટી ઉંમરનાં માણસોને કામસર ગામ મોકલેલાં છે. બાળકો ઊંઘે છે અને ત્રવાડી કોણ જાણે શાથી હમણાં જ પાછા આવ્યા છે. આ વિપત્તિમાં તેમને આગમનકારણ પૂછવાનું બની શક્યું નથી પણ આ તરફ ઊઘડતાં બધાં બારણાં વાસવાને તાળાં તેમને આપતો આવ્યો છું. તેથી તે નીચે ગોઠવણમાં છે. ચીસ સંભળાઇ ત્યારથી જ અનિષ્ટની આશંકા થઈ એટલે લોકો ભરાઇ ન જાય એ સાવચેતી સૌથી પહેલી લેવી પડી. જુવો ને, આપ કાતરીઆમાં હતા તે વખતે આપની મદદે આવ્યા તે પહેલાં લોકોને અટકાવવાનો પ્રયત્ન કર્યો હોત તો કેટલી બધી સુગમતા થાત?'

આ બધી તૈયારી એકદમ થઈ શકી તે આટલા ખુલાસાથી પૂરેપૂરું સમજાતું નહોતું. પણ વલ્લભરામે દર્શાવેલ ભયપ્રસંગ એટલી બધી અસર કરી હતી કે પડપૂછ કરવાની અમારી વૃત્તિ નહોતી. ભદ્રંભદ્રે સંભાષણ કરવું બંધ રાખ્યું અને વલ્લભરામને સહાય થવાની અનુકૂળતા દેખાડી.

થોડી વારમાં બધી ગોઠવણ થઈ ગઈ. ત્રવાડીએ દાદરબારી નીચે જ ખાડો ખોદી રાખેલો હતો તેમાં શબને ઉતાર્યું. વલ્લભરામ હેઠળ જઈ, વ્યવસ્થા કરી, ત્રવાડીને લઈ ઉપર આવ્યા. શબના પડખામાંથી એક લોહીવાળી છરી જડી હતી. તે ત્રવાડીએ તેમના ઘર પાસેથી લુહારની ભઠ્ઠીમાં નાખી દેવા આપી અને લોહીવાળો કપડાં પર માટી ચોપડી ગામ બહાર એક કૂવામાં નાખી દેવા આપ્યાં. શબના ઓરડામાં લોહીવાળી ભોંય પર લીંપી લેવામાં આવ્યું.

આ સર્વ મલિન કામ પૂરું કરી અમારા સૂવાના ઓરડામાં અમે સર્વ ગયા. ત્યાં વલ્લભરામની સૂચનાથી ઠર્યું કે તેમની સ્ત્રીના મૃત્યુનું વૃત્તાંત જ નહિ પણ આ સકળ વૃત્તાંત ગુપ્ત રાખવું, વલ્લભરામે પ્રસિદ્ધ કહેલું કે સહેજ કલહ થવાથી તેમની સ્ત્રી રાતોરાત બાપને ગામ જવા સારુ ઘરેણાં લઈ રેલવે સ્ટેશન પર ચાલી ગઈ અને આગ્રહ કર્યા છતાં ટેવ મુજબ કોઇને સાથે આવવા દીધું નહિ. અમે રાત્રે ઘરમાં હતા, મોડે સુધી વાતો કરતા હતા અને પછી આખી રાતમાં કાંઈ ગરબડ કે અવાજ સાંભળ્યો નથી, એમ અમારે કહેવાનું ઠર્યું, ત્રવાડી હજી સુધી અમારી સાથે બોલ્યા નહોતા, તે ઊઠતાં ઊઠતાં નસકોરાં ફુલાવી બોલ્યા કે 'ચીસ પાડી ન હોત તો આપને આટલી પણ તસ્દી આપવી ન પડત અને વાતો કર્યાનું અને સૂઈ રહ્યાનું તો શીખવ્યા વિના પણ આપ કહી શકત.'

વલ્લભરામ અને ત્રવાડી ચાલ્યા ગયા અને જે થોડીઘણી રાત રહી હતી તેમાં બને તો આરામ લેવા, નહિ તો ભયભીત થઈ પડી રહેવા અમે પાછા સૂતા. સવારે કંઈક મોડા ઊઠીને આર્યાવર્તની 'અનાદિસિદ્ધ વ્યવસ્થા'ના કર્તાના નિવાસસ્થાનમાંથી નીકળી અમે ઘેર ગયા. પાછળથી ખબર પડી કે શબ માત્ર મીણનું હતું અને તે પર ગુલાલ નાંખી લોહીનો દેખાવ કર્યો હતો તથા અમારા સન્માનાર્થે આ વિનોદની રચના થઈ હતી. તે જાણી ભદ્રંભદ્રે કહ્યું, 'માયાને માટીરૂપ પ્રકટ કરવામાં કુશળતા રહેલી છે ખરી, પણ મારો આત્મા માયાની પણ પેલે પાર જોઈ શકે છે તે એ લોકોને વિદિત ક્યાંથી હોય?'