લખાણ પર જાઓ

ભદ્રંભદ્ર/૧૭. વિશ્રાન્તિ–વકીલ

વિકિસ્રોતમાંથી
← ૧૬. રસોઈ, રસોડું અને ભદ્રંભદ્ર ભદ્રંભદ્ર
૧૭. વિશ્રાન્તિ–વકીલ
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૧૮. શોધ કરવામાં બનેલું સાહસ →


૧૭ : વિશ્રાન્તિ-વકીલ

ઘેર જઇને મિત્રોને મળ્યા, શત્રુઓને ઘુરકાવ્યા, કારાગૃહમાં કેવું સુખ છે તે સગાંઓને સમજાવ્યું. પોલીસવાળા હવે પસ્તાય છે એમ પાડોશીઓને ખાતરી કરી આપી. ઘેર જઇ હાલ તરત ભદ્રંભદ્ર સાથે ફરવા જવા પાછા આવવાનો મારો વિચાર નહોતો, પણ ભદ્રંભદ્રના આગ્રહ આગળ મારૂં ચાલ્યું નહિ.

બીજે દિવસે સંધ્યાકાળે હું ભદ્રંભદ્રને ઘેર ગયો ત્યારે તે સવારના ભોજન કરીને નિદ્રાવશ થયેલા હતા તે ઊઠ્યા નહોતા. તેમની ભવ્ય મૂર્તિનું નિરીક્ષણ કરતો હું તેમના શયન પાસે બેઠો.

ગરદન લંબાઇ કરતાં ઘેરાવામાં વધારે હોવાથી તેમનું ગોળ માથું બાકીના શરીરથી બહુ આઘું જણાતું નહોતું. તાળવા પાછળની નાની ચોટલી, જાડી અને પહોળી હજામતવાળી ચામડી ઝૂલવાથી બેવડી થયેલી હડપચીને કાળી બિલાડી ધારી સંતાઇ રહેલી ઉંદરડી જેવી દેખાતી હતી. તેઓ ચત્તા સૂતેલા હોવાથી બંને કાનમાંથી લાંબા બહાર નીકળી આવેલા વાળ હિમાલયમાંથી નીકળતી જ્ઞાનગંગા જેવા દીસતા હતા. ઊંચી આવેલી દૂંદના અવરોધને લીધે પદ્મસમ પાદનું દર્શન કરવાના પ્રયત્નમાં નિષ્ફળ થયેલી આંખો વાંસા તરફથી પગ જોવા સારુ ઊંડી ઊતરી ગયેલી લાગતી હતી અને અડધાં ઉઘાડાં રહેલાં પોપચામાંથી જણાતી પણ નહોતી; ઘસીને ચળકતું કરતાં બૂઠું થઇ ગયા જેવું લાગતું નાકનું ચપટું ટેરવું ઊંચું થઇ, જાડાં નસકોરાંને પહોળાં કરી હાથપગને સ્થિર રહેવાને જાણે હુકમ કરી રહેલું હતું, વયના વધારા સાથે ફેલાવાનું કામ લંબાઇને બદલે પહોળાઇમાં પરિપૂર્ણ કરી રહેલા અને ભારવટીઆ પરની ઢીંગલીઓ જેવા દીસતા હાથ પગ દૂંદ આગળ પોતાની સ્થૂલતાનું અભિમાન વ્યર્થ જોઇ ચકિત બની પહોળા થઇને પડ્યા હતા.

આ સુંદર ટૂંકી આકૃતિને હું નીરખી રહ્યો હતો, તેવામાં મૅજિસ્ટ્રેટને ત્યાં કામ સારુ રોકેલો અમારો વકીલ ત્યાં આવ્યો. મને જોઇને એકદમ બોલી ઊઠ્યો કે 'મુદત પડી.'

ભદ્રંભદ્ર ચમકીને જાગી ઊઠ્યા અને પૂછ્યું, 'ક્યાં પડી?'

વકીલે કહ્યું 'એમાં વળી "ક્યાં" કેમ?'

ભદ્રંભદ્ર કહે, 'મારાં સ્વપ્ન પૂરાં થયા પછી નિત્ય હું તેનો સાક્ષાત્કાર જોઉં છું. તમે બોલ્યા તેથી હું જાગ્યો તે પહેલાં મને સ્વપ્ન પણ એવું જ આવ્યું હતું કે હારોહાર ગોઠવેલા મોદકથી પાથરેલી ભૂમિ ઊંધી થઇને ઊંચી ચઢી ગઇ, ભૂમિ આકાશ બની ગઇ અને મોદક વાદળાં બની ગયા, વાદળાં ધીમે ધીમે ઘણાં કાળાં થયાં અને તેમાંથી વીજળીના ચમકારા જણાવા લાગ્યા. વીજળી પડી એમ હું જોઉં છું એટલામાં હું જાગ્યો તો તમને પણ એમ જ બોલતાં સાંભળ્યા.'

વકીલ કંઇક ચકિત થઇ જોઇ રહ્યો અને હસવું કે નહિ અથવા તો બોલવું કે નહિ તેનો વિચાર કરતો હોય એમ લાગ્યો. આખરે તે બોલ્યો, 'વીજળી પડી' તે વિશે હું કંઇ જાણતો નથી, મેં તો કહ્યું કે 'મુદત પડી.'

ભદ્રંભદ્ર કહે,'તમે પણ શું સુધારાવાળાની પેઠે હાથે કરીને ચમત્કારો ખોટા ઠેરવવા ઇચ્છો છો? ખરેખરું બને તેનું એક ક્ષણ પહેલાં સ્વપ્ન આવે એ શું ચમત્કાર નથી? અને તે વાત શું મારું મહાજ્ઞાનીપણું સિદ્ધ કરતી નથી? મને નિશ્ચિત પ્રતીતિ છે કે મેં તમને 'વીજળી પડી' એમ કહેતાં સાંભળ્યા. “મુદત” યાવની શબ્દ છે માટે તેના ઉચ્ચાર માટે મારે પ્રાયશ્ચિત કરવું પડશે : પણ તે પડે શી રીતે ? તે તો અમુક કાલનું માપ છે; કાલ કોઇ દિવસે પડે એમ સાંભળ્યું છે ? કાલની ગતિ તો નિરંતર ચાલી જ જાય છે. તે કદી સ્ખલિત નથી થતી કે કાલનું પડી જવું સંભવે.'

વકીલ કહે, 'મેં "મુદત પડી" એમ કહ્યું એમ હું ખાતરીથી કહું છું, છતાં તમે તે માનતા નથી. હું બહુ દિલગીર થાઉં છું. પણ મારી પાસે જોઇએ તેવો પુરાવો છે અને પુરાવાના કાયદા પ્રમાણે તે દાખલ થઇ શકે તેમ છે.'

ભદ્રંભદ્રે ઉત્તર દીધો, 'ધર્મશીલ આર્યને તો શાસ્ત્ર એ જ પ્રમાણ છે અને શાસ્ત્ર એ જ પુરાવો છે. શાસ્ત્રમાં લખ્યું છે કે ચમત્કારો થાય છે અને શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્વપ્ન ખરાં પડે છે. હું શાસ્ત્રોનું અનુકરણ કરનારો છું અને તર્કનો તિરસ્કાર કરનારો છું તેથી મારાં મનમાં શંકા રહી જ નથી કે પુરાવાની અગત્ય રહે.'

વકીલ કંઇક રોષિત થઇને બોલ્યો, 'તમે કાયદાથી તદ્દન અજ્ઞાન જણાઓ છો. ધર્મશાસ્ત્રથી ફક્ત ધારો નક્કી થાય છે. પણ તેને લાગુ પાડવાને પુરાવાની જરૂર છે. જે લોકોએ કાયદાનો અભ્યાસ કરેલો નથી તેમણે આ બાબતમાં અભિમાન કરવું એ મૂર્ખાઇ છે.'

ભદ્રંભદ્ર ક્રોધાવેશને ગતિ આપતા બોલ્યા, 'અરે મૂર્ખતા અને અજ્ઞાનથી ભરેલા વકીલ ! શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને તું મૂર્ખ, અજ્ઞાન, અભિમાની કહેવાની ધૃષ્ટતા કરી પૃથ્વી પર ટકી રહ્યો છે એ કલિયુગનું ચિહ્ન જાણ અસત્યતા વ્યાપારી,દુષ્ટ,દુરાચારી -'

વધારે વિશેષણો સાંભળવાની વાટ ન જોતાં વકીલે ભદ્રંભદ્રની ગળચી પકડી બીજે હાથે વાંસા પર પ્રહાર કર્યો. ભદ્રંભદ્ર ગભરાઇને નીચે પડી ગયા અને તેમના પગની આંટીથી વકીલ પણ વગર પ્રયત્ને ભૂમિ સમીપ પહોંચ્યા.ભદ્રંભદ્રે હાંફતાં હાંફતાં વકીલનો કાન ઝાલ્યો અને લાત મારવા માટે પગ પછાડવા માંડ્યા, બીજા લોકો આવી પહોંચ્યા એટલે હું હિંમત ધરીને બંનેને છૂટા પાડવા ગયો. ભદ્રંભદ્રની કેટલીક લાતો તથા વકીલના કેટલાક મુક્કા મેં ખાધા અને બીજાઓએ તે બંનેને છૂટા પાડ્યા. લોકો ઠપકો આપવા લાગ્યા કે આવી નજીવી બાબતમાં શું કામ લડી પડ્યા.

ભદ્રંભદ્ર કહે, 'હું આ વાતને નજીવી નથી ગણતો. તે બહુ અગત્યની છે. વળી વાદવિવાદમાં હું કોઇથી હઠું એ ભ્રાંતિ પણ દૂર કરવી જોઇએ. કેમ કે તે પર આર્યદેશની શ્રેષ્ઠતાનો આધાર રહેલો છે.'

કેટલાક લોકો ભદ્રંભદ્રને ખૂણે લઇ જઇ સમજાવવા લાગ્યા કે, 'એ તમારો વકીલ છે અને એની તમારે બહુ જ ગરજ પડશે. એ તમારું કામ બગાડશે. એની સાથે ગમે તેમ કરીને સમજૂત કરો.' બીજાઓ વકીલને સમજાવવા લાગ્યા કે, 'એ બહુ મોટા માણસ છે. એના વકીલ થવાની તમને આબરૂ છે. કામ પણ લાંબુ ચાલે તેમ છે.' એવામાં વકીલનો ગુમાસ્તો ભાડાની ગાડી દોડાવતો આવ્યો. એક્દમ ઊતરી તેણે વકીલના કાનમાં ચાર-પાંચ વાક્ય કહ્યાં. વકીલ સાહેબ એકદમ પ્રસન્ન થઇ કૂદ્યા. ભદ્રંભદ્ર સાથે હસીને હાથ હલાવ્યો અને 'પછી મળીશ'એવું કહીને ગુમાસ્તા સાથે ગાડીમાં બેસી ગાડી દોડાવીને ચાલ્યા ગયા.

વકીલે ભદ્રંભદ્ર સાથે હાથ હલાવ્યો એ વાત ઉતાવળમાં અને ભદ્રંભદ્રના આશ્ચર્ય તથા અજાણપણામાં થઇ ગઇ. વકીલની ગાડી અદ્રશ્ય થયા પછી પોતાનું પરાક્રમ જોવા એકઠા થયેલા મનુષ્યોને ભદ્રંભદ્રે કહ્યું, 'હાથ હલાવવાની અભિનંદનરીતિ આર્યોને કેવલ અયોગ્ય છે, વેદધર્મથી વિરુદ્ધ છે, સનાતન ધર્મના રહસ્યના અજ્ઞાનમાં તેનો સ્વીકાર થયો છે, આર્યરીતિએ નમસ્કાર કરતાં હસ્તપુટ આપણી નાસિકા અને સામા માણસની નાસિકા વચ્ચે ઘડી ઘડી ફેરવ્યાથી બંનેનું અદ્વિતીયત્વ પ્રસિધ્ધ થાય છે, તેમ જ બ્રહ્મમાંથી નીકળેલું જગત પોતે જ બ્રહ્મ છે એ સિદ્ધાંત પણ પ્રગટ થાય છે; કેમકે નમસ્કાર કરતી વેળા સર્વનો આશય એ જ હોય છે કે "જેમ મારી નાસિકામાંથી પશ્વાસાદિ નીકળે છે તે કાર્યકારણના અનાદિસિધ્ધ ઐક્યને લીધે જ નાસિકા જ છે, તેમ હુંરૂપી બ્રહ્મમાંથી નીકળેલો તું તે પણ બ્રહ્મ જ છે અને વળી તારી નાસિકામાંથી નીકળેલો પશ્વાસાદિ જેમ તારી નાસિક જ છે તેમ તુંરૂપી બ્રહ્મમાંથી નીકળેલો હું પણ બ્રહ્મ જ છું." આ રીતે નાસિકા, પશ્વાસાદિ, હું અને તું - ચારેનું બ્રહ્મત્વ પ્રગટ થાય છે. તેમ જ નમસ્કાર પણ બ્રહ્મ છે એ સિધ્ધ થાય છે, વળી નમસ્કાર થવા સારુ નમસ્કાર કરનારને પોતાને નમવું પડે છે; એ રીતે 'નમસ્કાર' શબ્દ જ વેદાંતજ્ઞાન દર્શાવવા સારુ ઉત્પન્ન થયો છે; તે શબ્દ જાતે બ્રહ્મ હોવાથી તેને ઉત્પન્ન કરનાર કોઇ હતું નહિ. પાશ્ચાત્ય હસ્તધૂનનરીતિમાં આ રહસ્ય સમાયેલું નથી. માટે આર્યોએ કદી તે અનુસરવી ન જોઇએ.'

એક શ્રોતાએ પૂછ્યું, 'મહારાજ, આપણા બાપદાદાઓએ 'નમસ્કાર' શબ્દ ઉત્પન્ન કર્યો હોત તો તેમને પૂછત કે એ શબ્દ ઉત્પન્ન કરવામાં તમારો આશય શો હતો; પણ તે શબ્દ જો જાતે ઉત્પન્ન થયો છે તો તેને પૂછવું જોઇએ કે તું શા માટે ઉત્પન્ન થયો છે, કે સંશય ન રહે.'

ભદ્રંભદ્રે ઉત્તર દીધો કે,'આર્યોએ સંશય કરવો ઉચિત નથી. સંશય તો માત્ર તર્કશાસ્ત્રનો વિષય છે અને ધર્મશાસ્ત્રમાં તેને અવકાશ નથી. વિરુદ્ધ પક્ષ પર તર્કવિરુધ્ધતાનો આક્ષેપ કરવો ત્યારે જ વાપરવા સારુ 'તર્ક' શબ્દ આપણે કામનો છે. આપણા મતની સિદ્ધિ કરતાં તો શાસ્ત્રાઘાર જ લેવો; અને શબ્દપ્રમાણમાં તર્કને પ્રવેશ કરવાનો અધિકાર નથી એમ કહેવું. "નમસ્કાર" શબ્દ પણ બ્રહ્મ છે અને આપણે પણ બ્રહ્મ છીએ, તેથી આપણો પોતાનો આશય તે જ તેનો આશય છે. ગમે તે આર્યસિધ્ધાંત પર સુધારાવાળા તર્કબલથી આક્ષેપ કરે તો એટલો જ ઉત્તર આપવો કે અમારો સિદ્ધાંત અને અમે પોતે બંને બ્રહ્મ છીએ તેથી સ્વાનુભૂતિથી અમને તેની પ્રતીતિ થઇ છે. જ્ઞાન અને જ્ઞાતા બંને એક છે અને ત્રીજું જ્ઞેય પણ બ્રહ્મ છે. અપવાદ માત્ર એટલો જ કે જ્યારે માયા વિષે વિચાર કરતા હોઇએ, જ્યારે માયા જ્ઞાનનો વિષય હોય ત્યારે જ્ઞાતા અને જ્ઞેયનું કે જ્ઞાનનું ઐક્ય નહિ, કેમકે માયા બ્રહ્મ નથી અને તેનું જ્ઞાન પણ બ્રહ્મ નથી. અંતે સાર એ જ છે કે એ વકીલ અજ્ઞાન છે, મારા પર પ્રહાર કરતાં બ્રહ્મ પર પ્રહાર થાય છે એટલું જ્ઞાન પણ તેને થયું નહિ.'

એ વકીલ અને એનો ગુમાસ્તો બ્રહ્મ ખરા કે નહિ એ પ્રશ્ન પૂછવાની મને ઇચ્છા થઇ પણ પ્રહારનું નામ દેતાં ભદ્રંભદ્રના મુખ પર કોણ જાણે શાથી પ્રસન્નતા જણાઇ તેથી એ વકીલની વાત પડતી મૂકી.