ભદ્રંભદ્ર/૧૮. શોધ કરવામાં બનેલું સાહસ

વિકિસ્રોતમાંથી
← ૧૭. વિશ્રાન્તિ–વકીલ ભદ્રંભદ્ર
૧૮. શોધ કરવામાં બનેલું સાહસ
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૧૯. વલ્લભરામના દાવા →


૧૮ : શોધ કરવામાં બનેલું સાહસ

મુખ પછાડી રાખી કોશ સાથે બળદ કૂવા ભણી જાય તેમ ઘેર જવા તરફ ચિત્ત છતાં હું ભદ્રંભદ્ર સાથે સંયોગીરાજના ઘર ભણી ચાલ્યો. ભદ્રંભદ્ર કહે, 'મોડું થઈ ગયું છે તે માટે દોડતા જઈએ તો વહેલા જવાય; પણ અમથા દોડીઓ તો મૂર્ખ લોકો હસે માટે તું અગાડી દોડ અને હું "ચોર" "ચોર" કરતો પછાડી દોડું."

મેં કહ્યું, 'બીજી હરકત તો કંઈ નથી પણ ચોર જાણી મને કોઈ પકડે અને ચોરને મારવાના ચાલતા સંપ્રદાય પ્રમાણે મને પણ મારે તો તો આપને કંઈ વાંધા જેવું નથી લાગતું? પછી હું આપની આજ્ઞાને અનુસરવા તો તત્પર જ છું.'

ભદ્રંભદ્ર કહે, ' બીજો તો કોઈ વાંધો જણાતો નથી પણ તને પકડે તો ઊલટો વધારે વિલંબ થાય ખરો, પણ ચાલ, આપણે સાથે જ દોડવા માંડીએ. કોઈ પૂછશે તો કહીશું કે અમારો ઘોડો નાઠો છે. તું "પેલો જાય " "પેલો જાય" એમ બોલજે.'

અમે બજારમાં આવી પહોંચ્યા છીએ એ ધ્યાનમાં રહ્યું નહિ અને ભદ્રંભદ્રે પાઘડીએ હાથ મૂકીને ગબરડી મૂકી; મેં પણ પણ અનુયાયીના ધર્મ પ્રમાણે તેમનું અનુસરણ કર્યું, પણ ઘોડા વિષે બૂમ પાડવાની મારી હિંમત ચાલી નહિ. કેટલાક દુકાનદારો જોવા ઊભા થયા, કેટલાક બૂમ પાડી બોલવા લાગ્યા, કેટલાક "રંગ છે" "શાબાશ" "ઠીક શરત લાગી છે" "જાડીઆએ ખૂબ કરી" એમ પુકારવા લાગ્યા, તેથી તેમની દ્રષ્ટિમાંથી ઝટ નીકળી જવા ભદ્રંભદ્રે ગતિ વધારે ત્વરિત કરી. કેટલાક છોકરા પછાડી પડ્યા અને તાળીઓ પાડવા તથા કાંકરા ફેકવા લાગ્યા, તેથી ભદ્રંભદ્રને ખીજવાઈને ઘડી ઘડી પાછું જોવું પડતું. આમ પાછું જોતાં એક કાદવવાળી અને લપસણી જગા લક્ષમાં ન આવવાથી ભદ્રંભદ્રના પગ દ્રષ્ટિને એ પૂછ્યા વિના અગાડી ધસી ગયા અને માથું એ લપસણી જગા બારીકીથી તપાસવા સારુ નીચે આવ્યું. લૂગડાં બગડ્યાં અને વાગ્યું તેની ઝાઝી ફિકર નહોતી, પણ લોકો આસપાસ હો હો કરતા એકઠા થઈ ગયા અને અસંખ્ય પ્રશ્નો પૂછવા લાગ્યા અને પોતાની મેળે તેના ખુલાસા આપવા લાગ્યા તે ઠીક ન પડ્યું. ભદ્રંભદ્રને મેં ઊભા કર્યા એટલે તેમણે પ્રશ્ન કર્યો કે 'ઘોડો કેણી ગમ ગયો?'

ટોળામાંથી એક આદમીએ કહ્યું, ઘોડાની શરત ક્યાં હતી? એક પાડો અને એક બેલ દોડતા હતા તેમાં પાડો ગુલાંટ ખાઈ ગયો.'

ઈજાથી પિડાતા છતાં ભદ્રંભદ્ર ક્રોધના આવિષ્કારને શમાવી શક્યા નહિ. બીજા વચમાં ન પડ્યા હોત તો ભદ્રંભદ્રના ગાગર જેવા ગોળ શરીર પર ગોબા પાડવાનો નિષ્ફળ પ્રયત્ન થાત. હવાડામાં લૂગડાં ધોવાના અને હોરાને ત્યાંથી ચોપડવાનું ઓસડ લેવાની સૂચના કરનારા માણસો બીજા જોવા આવનારા વધારે અરુચિકર થઈ પડ્યા. તેમનાથી ભદ્રંભદ્ર અકળાયા હતા અને પોલીસના સિપાઈએ આવી ટોળાને વિખેરવા માંડ્યું તેથી ભાષણ કરવાનો પ્રસંગ જવા દઈ ત્યાંથી ચાલ્યા જવું જ યોગ્ય ધાર્યું.

ભદ્રંભદ્ર કહે, 'લોકોની ઈચ્છા આપણું દર્શન કરવાની છે; પણ હોલવાઈ જતી આગ પેઠે આપણી ઈચ્છા તેમનું કૌતુક ભંગ કરવાની છે. તેથી કૃષ્ણના કેટલાક ભક્તો જેમ સંસારબંધનમાંથી અનીતિમાર્ગે મુક્ત થઈ જાય છે. તેમ આપણે સીધો માર્ગ મૂકી બજારમાંથી આડે માર્ગે અદૃશ્ય થઈ જવું જોઈએ. આડે માર્ગે જતાં ચકરાવો ખાવો પડશે તેથી અંધારું થશે તેની ચિંતા નથી. સૂર્યને પણ પૂર્વથી પશ્ચિમ ભણી જતાં પૃથ્વી પર થઈને જવાને બદલે ઊંચે ચકરાવો ખાવો પડે છે તેથી વાર લાગવાથી અંધારું થઈ જાય છે.

સંયોગીરાજનું ઘર અમે એક જ વાર જોયું હતું તેથી અંધારે શોધવું પડ્યું. ભદ્રંભદ્ર કહે, 'ઘર જડતું નથી માટે મારી સ્મરણશક્તિ ઓછી ગણી શકાતી નથી. બ્રહ્મ માયામાં ગોથાં ખાય છે માટે કંઈ અજ્ઞાનથી દૂર રહેવાની શક્તિ ઓછી ગણી શકાતી નથી. તેમ તે હાથે કરીને અજ્ઞાનમાં જાય છે એમ કહી શકાતું નથી, કેમકે અજ્ઞાન તેને પ્રિય નથી. મારું અલિપ્ત સ્વરૂપ અખંડિત રહે માટે તું આ ગૃહમાં પ્રથમ પ્રવેશ કર. એ સંયોગીરાજનું ઘર છે એમાં સંશય નથી પણ કદાપિ તે ન હોય તો અજ્ઞાનનો આરોપ અને હસ્તલગુડાદિના સ્પર્શથી હું લિપ્ત થાઉં એ યોગ્ય ન કહેવાય. તારે એવો વાંધો નથી. સ્મરણ કર કે પરમાર્થમાં લિપ્ત-અલિપ્તમાં ભેદ નથી.'

ઘરની બહારની આકૃતિ અમે પ્રથમ જોયું હતું તે ઘર જેવી જ હતી. દાદર પણ ઓટલા ઉપર હતો. બારીઓની સંખ્યા અને છજાની સ્થિતિમાં ફેર દેખાતો હતો. પણ બહુ ધ્યાનથી જોયું નહિ હોય તેથી ભ્રાંતિ થતી હશે એમ લાગ્યું. લિપ્ત-અલિપ્તનો ભેદ ભદ્રંભદ્રે બતાવ્યા છતાં પ્રવેશ કરતાં મને સંકોચ થતો હતો. પણ ભદ્રંભદ્રે મને ધક્કો મારી અગાડી કર્યો. તેથી હું દાદર પર ચડ્યો. હું ઉપર ગયો તે પછી ભદ્રંભદ્ર સંશય દૂર કરવા આવ્યા. આગલા ઓરડામાં કોઈ હતું નહિ. પણ 'આ સંયોગીરાજનું જ ઘર છે' એમ પોતે ન માનતા છતાં અમે એકબીજાને કહેવા લાગ્યા.

મેં કહ્યું કે, 'સંશય હોય તો ઊતરી જઈએ.'

ભદ્રંભદ્ર કહે કે, 'મને સંશય લેશમાત્ર નથી અને હવે કોઈ ઊતરતા જુએ તો ઊલટો તેમને સંશય થાય કે આ કોણ હશે, કદાચ ભૂલ હશે અને ઘરવાળો મળશે તો સમજાવી શકાશે. પણ પરભાર્યા ઊતરી જઈએ તે ઠીક નહિ.'

મેં બારીએ જઈ કહ્યું કે, ' આ સામે ઘર છે. પણ સંયોગીરાજના ઘરની સામે તો છૂટી જમીન હતી એવી મારી ખાતરી છે. ઓટલા પર કોઈ ઊભું છે. તેથી હવે જતા કેમ રહીશું?'

ભદ્રંભદ્ર કહે,' તું ધીમે બોલ. કોઈ સાંભળે એમાં હાનિ છે. આપણા પવિત્ર શબ્દ અપવિત્ર કર્ણે જવા ન જોઈએ. આ કોઈ સુધારાવાળાનું કપટ છે. નહિ તો આર્યો આમ ફસાય કેમ? પણ બીશ નહિ.'

એટલામાં એક સ્ત્રીને કહેતી સાંભળી કે, 'કોઈ જુઓને, ઉપર કોણ ફરે છે.'

બહારના દાદર પર કોઈને ચઢતું સાંભળી અમે પગના આંગળાને ટેરવે ચાલતા પાસેના ઓરડામાં પેસી ગયા. અંદરની રચના જોઈ ખાતરી થઈ કે સંયોગીરાજનું ઘર નથી. પણ હવે ઉપાય નહોતો.

અનુચિત નયનોથી અદૃશ્ય થવા અમે બે કોઠીઓને ઓથે જઈને બેસી ગયા. ગુનો કરવાનો ઈરાદો કર્યા વગર કોઈ ગુનેગાર બનતું નથી એ વકીલોની તકરાર મને જૂઠી જણાવા લાગી, કેમ કે ચોરી કરવાનો ઇરાદો કર્યા વિના અમે અહીં ચોર થઈને બેઠા હતા એ અમારા જાતના આ અનુભવની વાત મનમાંથી ખસે તેમ નહોતી. ઉપર જોવા આવેલો આદમી આગલા ઓરડામાં ફરીને 'અહીં તો કોઈ નથી.' એમ કહી ઊતરી ગયો. અથી અમે નિશ્ચિંત થતા હતા તેટલામાં બીજા ઓરડામાંથી કોઈ દીવો લઈને આવતું જણાયું અને અંધકારનો સહચારી કહેવાતો ભય અમને તો દીવા સાથે આવતો જણાયો. ભદ્રંભદ્રે મને ચૂંટી ખણી મારી દૃષ્ટિ પોતા તરફ ખેંચી મને સંકોચાવાનો પ્રયત્ન કર્યો. દીવો લઈ આવનાર કોઠી પાછળ ભરાયેલા સૂર્ય-ચંદ્ર જોયા વિના એકદમ આગલા ઓરડામાં ચાલ્યો ગયો. ત્યાં જતાં તેનો દીવો હવાથી હોલવાઈ ગયો અને તેથી તે નીચે ઊતરી ગયો. ભદ્રંભદ્રે મારા કાનમાં કહ્યું, 'વાયવે નમઃ વાયુદેવ આપણને સહાય થવા આવ્યો છે માટે હવે ચિંતા ન કર. વાયુદેવે દીવો હોલવ્યો છે અને મને એક ઉપાય સુઝાડ્યો છે. દીવો હતો ત્યારે મેં જોઈ લીધું છે કે આપણા માથા પર કાતરીઆમાં જવાનું બાકું છે. એ વૈકુંઠનું દ્વાર છે એમ સમજજે. તેમાં થઈ આપણે ઉપર ચાલ્યા જઈએ. ત્યાંથી વાયુદેવ આપણને અદ્ધર ઉપાડી જશે. તું આ કોઠી પર ચઢી પહેલો ઉપર જા અને પછી હું આવું છું. રાજસભામાં રાજાની પહેલાં પ્રવેશ કરવાનો પ્રતિહારીનો અધિકાર લઈ લઉં તો અન્યાય થાય.'

એ અધિકાર ઇષ્ટ છે ખરો કે નહિ તેનો વિચાર કરતો અને ઉપર કેવું અંધારું હશે તે વિષે તર્ક બાંધતો હું કોઠી પર ચડીને કાતરીઆમાં કૂદી ગયો, પછી ભદ્રંભદ્ર કોઠી ઉપર ચઢ્યા. ઊભા થઈને મને કહ્યું, 'મહાપુરુષો કૂદી શકતા નથી, તું મને ખેંચી લે.'

આજ્ઞા ઉલ્લંઘાય તેમ નહોતું. મેં વાંકા વળી, ભદ્રંભદ્રને બે હાથે ખેંચ્યા. પોતાના શરીરને ઊંચી ગતિ આપવાને ભદ્રંભદ્રે પ્રયત્ન કર્યો તેથી જાણે હસવું આવ્યું હોય તેમ કોઠી વાંકી વળી અને ભદ્રંભદ્રના પગ ફરીથી તે પર પડ્યા એટલે જાણૅ હસવું ન માતું હોય તેમ કોઠી આળોટી પડી. પૂર્વકર્મ મુનિને સ્વર્ગમાંથી નીચે પાડે છે તેમ ભદ્રંભદ્ર મને કાતરીઅમાંથી નીચે ઉતારી કોઠી પર પડ્યા. કોઠી પર પહેલું કોણ પડ્યું તે મને યાદ રહ્યું નથી. પણ કોઠી ભાંગી ગયા છતાં તેના ઠીકરાં મારા કરતાં વધારે ભદ્રંભદ્રને વાગ્યાં. તેથી કોઠી પર તે પ્રથમ પડ્યા હશે એમ અનુમાન કરું છું. અવાજ ઘણો થયો અને હેઠળ 'કોણ છે' ની બૂમો સંભળાઈ તેથી ભાંગેલી કોઠીની સંભાલ લેવાનું મૂકી દઈ હું બીહી કોઠી ખેસવી લાવી તે પર ચઢી ફરી કાતરીઆમાં કૂદી ગયો. ભદ્રંભદ્ર પણ મહાપુરુષત્વ મૂકી દઈ મારી પછાડી કૂદી આવ્યા અને અમે બંને બાકાથી આઘે જઈને એક ખૂણામાં ભરાયા. કેટલાક માણસો આગલા દાદર પર આવ્યા એમ પગના અવાજ પરથી જણાયું. પાસે દીવો છતાં કોઠીવાળા ઓરડામાં આવવાની કોઈને હિંમત ચાલતી નથી એ જાણી અમે ધીરજ ધરી. વિપત્તિ છતાં તેમની વાતોથી રમૂજ પડતી હતી. એક જણ કહે, 'અલ્યા જાને અંદર જોઈ આવને, બીએ છે કેમ?' તેણે ઉત્તર દીધો, 'શેઠ, બીવાનું ન હોય તો તમે જ જુઓ ને.'

'તારું ચાકરનું કામ છે. તું જા.'

'ચાકરે કંઈ ગુનેગારી કરી? કોણ જાણે શું યે હશે.'

'હું બીતો નથી ને તું કેમ બીએ છે. ચોર હોય તો પકડો ! નીકળો! કોણ છે?'

એક છોકરો રડી રડીને બોલ્યો, 'બાપા તમે અંદર ના જશો. કોઈને મોકલો.'

શેઠ કહે, 'હું જાઉં એવો કાચો નથી તો. બોલાવો પોલીસને.' કોઈ ઉપર આવી અમને શોધી કહાડશે તો અમને કેવો આવકાર દેશે, ખુલાસો પૂછ્યા અને સાંભળ્યા વિના અમને અનેક રીતે સ્પર્શ કરવાને કેવા આતુર થઈ જશે, એ વિચાર પોલીસનું નામ સાંભળતાં મારા મનમાં પ્રબળ થવા લાગ્યો અને તેથી હું ધ્રૂજવા લાગ્યો. ભદ્રંભદ્ર ધ્રૂજતા હતા કે નહિ એ અંધારામાં જણાતું નહોતું અને એવા મહોટા પુરુષને સ્પર્શ કરીને ખાતરી કરવી કે તે ધ્રૂજે છે કે નહિ તે પણ યોગ્ય નહોતું. તેથી તેમની વૃત્તિ જાણવા મેં હળવે સાદે પૂછ્યું, 'અહીંથી છાપરા પર જવાય એવું નથી?'

મહોટેથી ઉચ્ચાર કર્યા વિના બોલતાં પણ અવયવો વશ ન હોય તેમ ભદ્રંભદ્રના દાંત કકડ્યા અને ઓઠ ફફડ્યા તે સાંભળી મને સંતોષ થયો કે હું એકલો જ બીતો નહોતો. ભદ્રંભદ્ર કહે, 'નાસી જવાની આશા તો હવે મિથ્યા છે.' થોડી વાર પછી તે ફરી બોલ્યા, 'વાયુની કૃપાથી આ છાપરું તૂટી પડે તો તો ગરબડાટમાં અદૃશ્ય થઈ જઈએ.' એટલું કહી અટકી થોડી વાર પછી તે બોલ્યા, 'અથવા અત્યારે કોઈને આ તરફ આવવાનું ન સૂઝે તો સવારે નીચે ઊતરીને ક્ષમા માગી ચાલ્યા જવાય.' ભદ્રંભદ્ર વાગોળવાને અટકતા હશે કે વિચાર કરવાને એ વિશે હું મનમાં નિશ્ચય કરી કહું તે પહેલાં તો તેમણે કહ્યું, 'પણ સાંભળ તો ખરો, હેઠળ શું થાય છે.'

નીચે લોકોને અમારા જેટલો જ ભય લાગેલો હતો કે અમને ભયના કારણ વિષે ખાતરી હતી અને તેમને ખાતરી નહોતી. એક જણ કહે, 'પણ ચોર છે એમ શા પરથી ધારો છો? ખડખડાટ થયો તે તો બિલાડીએ કંઈ પાડ્યું હોય.'

શેઠ બોલ્યા, 'હું પણ એમ જ ધારું છું. પણ આ બધાને બીવાનું મન થાય છે માટે 'ચોર' 'ચોર' કરે છે.'

ચાકર કહે, 'ખરું છે. ચોર તો મધરાત પહેલાં નીકળે નહિ. એ તો બિલાડી જ હશે.'

એક સ્ત્રી બોલી, ' તેં ઘણી ચોરીઓ કરી છે તેથી તું ચોરીનો વખત જાણતો હોઈશ. બિલાડી હોય તો જા ને હાંકી આવ ને. ચોર હશે તોયે તારા ભાઈબંધ હશે તે તને નહિ મારે.'

ચાકરે ઉત્તર દીધો, 'ભાઈબંધ હશે તેના. અમને કોઈએ જુગારી ભેગા ફરતા દીઠા નથી. પણ શેઠાણી, બધાના દેખતાં અમને ચોર ઠેરવો છો તે શેઠને જ પૂછો કોને વસમું પડશે.'

શેઠ બોલ્યા, 'બઈરાંને આવી તકરાર શી કરવી? ભગા, તારુંયે હરામખોર પેટ ફાટ્યું જણાય છે તો - અરે! કેમ પોલીસ આવે છે કે?'

એક આદમી બોલ્યો, 'પોલીસવાળા તો કહે છે કે ચોર હોય તો તમે શોધી કહાડીને પકડો એટલે અમે આવીને કબજે કરીશું.'

મને જરા હસવું આવ્યું, પણ ભદ્રંભદ્રે મને રોક્યો અને કહ્યું, 'તારું હસવું સંભળાશે તો માર્યા જઈશું અને બિલાડીના પાછા માણસ બનીશું. સુધરાવાળા કહે છે કે બિલાડીઓ હસતી નથી, તે ભ્રાંતિ મનુષ્ય અને પશુનો વેદાંતવિચારથી અભેદ દર્શાવી હું દૂર કરી શકું. તે પહેલાં તો હાસ્ય પરથી મનુષ્ય હોવાનું ખોટું અનુમાન એ લોકો કરી બેસશે.'

નીચે પોલીસને મદદ ન આવી પહોંચવાથી શેઠને અનેક સૂચનાઓ લોકો કરવા લાગ્યા. એક જણ કહે, 'ચોર તો ક્યારનાયે નાસી ગયા હશે. છાનામાના ઘરમાં જઈને બેસો ને.'

બીજો કહે. ' ચારે તરાફ્ લોકો ભરાય છે તે ચોર નાસે ક્યાંથી? અત્યારે બધાં બારણાં બહારથી બંધ કરો અને જાપતો મૂકીને સૂઈ રહો. સવારે વગર બીકે ફડચો થઈ જશે.'

આ સૂચના અમને પણ ગમી; પરંતુ સુખ પછી દુઃખ લખ્યું જ હોય છે. વળી એક બીજો સલાહકર બોલ્યો, 'આટલા બધા છો તે ડંડા લઈને ઘરમાં પેસોને અને મારફાડ કરતા ખૂણેખાંચરે ફરી વળો ને! હાડકાં ઢીલાં થશે એટલે ચોર નાસવાનુંયે નહિ કરે.'

જાણે માર ખાવાની તૈયારી કરતાં હોય તેમ મારાં ગાત્ર ટાઢાં થઈને સંકોચાઈ ગયાં. ભદ્રંભદ્રથી મહોટેથી બોલાઈ ગયું કે, 'શંકર ત્રાહિ ત્રાહિ.'

દાદરને મથાળે ઊભેલો એક આદમી બોલી ઊઠ્યો, 'કાતરીયામાં કોઈ બોલ્યું. બધા ઉપર આવો, ઘેરી લઈશું પછી ક્યાં જશે?'

અમારે કમનસીબે આ આદમીમાં હિંમત આવી અને તે કાતરીઆના મ્હોં પાસે આવ્યો. મૃત્યુ પછાડી સંવત્સરી શ્રદ્ધાદિ ક્રિયાઓ આવે તેમ તેની પછાડી બીજા લોકો ધસી આવ્યા. કાતરીઆના મ્હોં આગળ જમાવ થયો. મંદિરના દ્વાર અગાડી પ્રવેશ ન કરવાની સ્પર્ધા ચાલે તેમ આ અમારી પૂજા થવાના મંદિરમાં પ્રવેશ ન કરવાની સ્પર્ધા ચાલી. કાતરીઆમાં કોઈને મોકલવાની સર્વની ઈચ્છા હતી. પણ જાતે જવાનું કોઈથી બને તેમ નહોતું. ઉપર ચઢી આવવામાં એટલી બધી બીક, સાહસ અને હરકત જણાઈ કે કોઈએ કાતરીઆમાં છૂટા પથ્થર ફેંકવાની સૂચના કરી. કોઈએ દાતરડાવાળી લાંબી વાંસી કાતરીઆમાં ફેરવવાની સૂચના કરી. કોઈએ છાણાનો જબરો ધુમાડો કાતરીઆમાં દાખલ કરવાની સૂચના કરી. એ સર્વ યુક્તિઓના ફલાફલની શેઠ તુલના કરવા લાગ્યા; તે સાંભલી મેં ભદ્રંભદ્રના કાનમાં કહ્યું, 'શેઠનો ઘાંટો પરિચિત લાગે છે, પણ કોણ છે યાદ આવતું નથી.'

ભદ્રંભદ્ર કહે, 'જેમ ગંગાસ્નાનમાં પોતાની શુદ્ધતા કામ લાગતી નથી તેમ અંધારામાં પોતાના ઓળખીતા કામ લાગતા નથી. સહુથી સારી યુક્તિ તો એ છે કે નીચે ખાટલો મૂકે તો આપણે કૂદી પડીએ.'

એક જણે સૂચના કરી કે, આગ હોલવવાનો બંબો લાવીને સૂંઢથી કાતરીઆમાં બધે પાણીનો મારો ચલાવોને કે જે હશે તે તરત બહાર આવશે.'

ભદ્રંભદ્રે મને કહ્યું, ' હવે સંતાઈ રહેવામાં આર્યત્વ નથી. ચાલ ચાલ મારી સાથે.' કાતરીઆના મ્હોં પાસે અમે આવ્યા એટલે ભદ્રંભદ્ર મોહોટેથી બોલ્યા, 'ગૃહસ્થો અમે ચોર નથી. અમે આર્ય છીએ. કેટલીક ભૂલ અને અકસ્માતને લીધે અમે આ દશામાં આવી પડ્યા છીએ તેનો વિસ્તાર પછીથી કરીશું. હાલ તો અમે ક્ષેમકુશળ આવીને તમને મળીએ એવી યોજના થવી જોઈએ. માટે તમને એટલું જ કહું છું કે અમારા જેવા મહાપુરુષોને આ પ્રમાણે ઘેરી લઈ અને ડરાવી તમે કેવા અપરાધી થાઓ છો એનું તમને ભાન પણ જણાતું નથી. જે અમારી વેદધર્મનિષ્ઠા ભૂકંપ સમયે પણ ચલિત થઈ નથી, જે અમારું જાત્યભિમાન બ્રાહ્મણોને ભીખ માગતા જોઈને પણ સ્ખલિત થયું નથી, જે અમારી શુદ્ધતા મલિન દુર્ગંધી સ્થાનોમાં ભોજન કરતાં પણ દુષિત થઈ નથી, તેને શું મ્લેચ્છોએ રચેલા બંબામાં ભરેલા પાણી વડે તમે ભ્રષ્ટ કરશો? તમારે શું સુધારાવાળાને ફાવવા દેવા છે અને વેદ ધર્મ સનાતન નથી એમ સિદ્ધ થવા દેવું છે કે પાશ્ચાત્ય બંબાનો ઉપયોગ કરવા ધારો છો? વેદમાં ક્યાં બંબા વિશે લખ્યું છે? બંબાની ઉપયોગિતાનો હવે સ્વીકાર કરીએ તો વેદમાં સર્વજ્ઞતા નથી એમ અંગીકાર કર્યું ન કહેવાય? આપણા ત્રિકાળજ્ઞાની ઋષિમુનિઓને બંબા વિષે જ્ઞાન નહોતું એમ કહેતાં કયા સ્વદેશાભિમાની આર્યને નીચું જોવું નહિ પડે? માટે બંબો પાશ્ચાત્ય મોહનું પરિણામ છે, નિરર્થક ભ્રાંતિ છે, એમ કહેવું એ જ આર્યને ઉચિત છે. ભલે ઘર બળી જાઓ કે નગર બળી જાઓ, બંબો તો વાપરવો જ ન જોઈએ. ધર્મનું આચરણનો પ્રાણનો અંત થતાં પણ કરવાનું છે. ત્યારે એવા ધર્મહિન વ્યાપાર કરાવનાર બંબાનો ઉપયોગ આર્ય પર કરવાનો સંકલ્પ જ શાપપાત્ર છે. એ જ રીતે બતાવે શકાય કે અમારા પર ડંડા, પથારા, વાંસી ઇત્યાદિનો વ્યવહાર કરવાનો વિચાર કરવો એ પણ અધાર્મિક વૃત્તિ છે.'

અમે અનુકૂળતાથી એકદમ પ્રકાશમાં આવ્યા. લાડુનો અને જીભનો સમાગમ થતાં જેમ જીભ લાડુને ઓળખે છે અને લાડુ જીભને ઓળખે છે તેમ ઘરધણીએ અમને ઓળખ્યા અને અમે ઘરધણીને ઓળખ્યા. જેનું હજી લગી અમે 'શેઠ'ના નામે સભય ધ્યાન કરતા હતા તે શંભુ પુરાણીના ભાણેજ વલ્લભરામ છે એ જાણતાં અમને જે હર્ષ થયો તેનું કારણ મિત્રનો સમાગમ હશે કે તાડના ભયનો નાશ હશે તે નિર્ણય કરવાનો સમય નહોતો, ભરાયેલા લોકો અમારું કમનસીબ, અમારી મૂર્ખાઈ, અમારા બીકણપણા વિશે એટલી બધી ટીકા કરતા હતા કે સર્વને વિસર્જન કરવા ભદ્રંભદ્રે ઊભા થઈ ભાષણ કર્યું અને અમારી કીર્તિને હાનિ ન પહોંચે તથા અમારી લઘુતા ન જણાય એવી રીતે બધી બીનાનો હેવાલ આપ્યો અને સર્વની જિજ્ઞાસા તૃપ્ત કરી. અમારી મુખાકૃતિનું ઘડી ઘડી નિરીક્ષણ કરતા અને આટલેથી રમખાણ પતી ગયું તે માટે નિરાશા દર્શાવતા સર્વ ચાલ્યા ગયા. પ્રથમ મારવા આવેલું અને પછી ચર્ચા તથા મશ્કરી કરવામાં ગૂંથાયેલું મંડળ વીખરાઈ ગયું ત્યારે જે સંતોષ થયો તેથી યોગીઓને અકંત કેમ પ્રિય લાગે છે તે સમજાયું.

વલ્લભરામ કહે, 'સંકટમાં રહ્યા રહ્યા પણ આપે જે આર્ય ભાવનાઓ, સુધારાનો તિરસ્કાર અને સિદ્ધાંત સ્થાપિત કરવાની યુક્તિ દર્શાવી તેથી હું આનંદ પામ્યો. મારે પણ એક વખત એક સુધારાવાળા જોડે પાણીના બંબા વિષે તકરાર થઈ હતી. રસ્તામાં પીવાના પાણીનો બંબો હતો તે જોઈ તે કહે, " જુઓ તમારા બ્રાહ્મણોએ વેદના મંત્રો ગોખાવ્યા પણ લોકોને મનમાન્યું પાની આપવા બંબા ન કર્યા." મેં કહ્યું, " વેદ અનાદિ છે અને બંબો સાદિ છે." એટલે તે માત ખાઈ ગયો. "સાદિ અનાદિનો ફેર સિદ્ધ કરો; વેદ અનાદિ હોય તોપણ તેના મંત્રના ઉચ્ચારથી શો લાભ છે?" એવા એવા અપ્રસ્તુત પ્રશ્ન હાર્યાં છતાં તે પૂછવા લાગ્યો. મેં ઉત્તરમાં એ જ સિદ્ધાંત કહ્યાં કે, "વેદની પહેલાંનાં પુસ્તકો કે વૃતાંત જડતાં નથી માટે વેદ અનાદિ છે એ સ્વતઃસિદ્ધ છે; તથા શબ્દ નિત્ય છે તેથી તેનું ફળ પણ નિત્ય છે. તેથી વેદરૂપ બ્રહ્મનો ઉચ્ચાર બ્રહ્મત્વની નિત્ય પ્રાપ્તિ કરાવે છે. એ તો બે ને બે ચાર એના જેવું સમજાય એવું છે. આર્ય શબ્દો કંઈ પાશ્ચાત્ય શબ્દોના જેવા નથી કે અર્થ સમજ્યા પછી અને ચિત્તથી ભાવગ્રહણ થયા પછી તેમની અસર થાય. પાશ્ચાત્યોને તો 'સત્ય' શબ્દનો ઉચ્ચાર કર્યા પછી તેનો અર્થ જાણવો પડે છે. તેનું મહત્ત્વ ચિત્તમાં દૃઢતાથી ગ્રહણ કરવું પડે છે અને તે પ્રમાણે આચાર-વિચાર કરવા પડે છે ત્યારે ફળ મળે છે. 'ક્વિનિન' શબ્દનો ઉચ્ચાર કર્યા પછી તે શરીરમાં દાખલ કરવું પડે છે, ત્યારે તેની અસર થાય છે, પણ આર્યોને તો 'ઓમ્' ઉચ્ચાર કરતાં જ મોક્ષ મળી જાય છે. અર્થ પણ જાણવો પડતો નથી અને પ્રયત્ન પણ કરવો પડતો નથી." મારા આ અને આવા સર્વ નિશ્ચલ સિદ્ધાંતો સૂત્રોના આકારમાં એકઠા કરી તેનું પુસ્તક મેં પૃથ્વીના એકેએક દેશમાં દિગ્વિજય માટે મોકલ્યું છે. સુધારાવાળા તો ભયથી ચકિત થઈ ગયા છે.'