ભદ્રંભદ્ર/૨૮. 'કેસ' ચૂક્યો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૭. નાતનો જમણવાર ભદ્રંભદ્ર
'કેસ' ચૂક્યો
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૨૯. ભદ્રંભદ્ર જેલમાં  →


૨૮. “કેસ” ચૂક્યો

માજિસ્ટ્રેટ કોર્ટમાં અમારા કામનો ફેંસલો આપવાનો દિવસ આવ્યો. શુભ અને જયદાયી મુહૂર્તમાં અમે ઘેરથી કોર્ટ જવા નીકળ્યા. માર્ગમાં શુકનની વાટ જોતા અમે ઊભા રહ્યા. ભદ્રંભદ્રની સૂચનાને અનુસરી મિત્રો કોઈ ઓળખીતાના મરણની ખબર કાઢવા રાતના શહેરમાં નીકળી પડ્યા હતા. તેઓ ભલામણ વડે ગોઠવણ કરી એક મડદું સામું લેવડાવી આવ્યા એટલે એ ઇષ્ટ શુકન જોઈ અમે અગાડી ચાલ્યા. કપાળ ઉપર કુમકુમથી ઓંકાર લખી માંગલ્યની સિદ્ધિ અમે કરી લીધી હતી, અને સર્વવિઘ્નવિનાશન ગજાનનની આકૃતિ અમારા પેટ ઉપર ચીતરી હતી. આ પ્રમાણે સર્વ રીતે અમે ભયમુક્ત હતા. તે છતાં માર્ગમાં ભદ્રંભદ્ર ચિંતાતુર જણાતા હતા. તેમના બોલવાની કેટલીક વાર રાહ જોઈ મેં પૂછ્યું,

"મહારાજ, આપની શ્રદ્ધા વિશે શંકા અસ્થાને છે, પરંતુ, સર્વ આર્ય રીતિઓએ વિજય નિ:સંશય હોવા છતાં ચિંતાનું કાંઈ કારણ આપની અગાધ બુદ્ધિને જણાય છે?"

ભદ્રંભદ્ર નીચું જોઈ રહી બોલ્યા, 'એકલી "અગાધ" નહિ, "અપૂર્વ અને અગાધ." '

મહાપુરુષોની આજ્ઞા તત્કાળ સ્વીકારવી જોઈએ અને તે સ્વીકારી છે એમ દર્શાવવું જોઈએ, તેથી છેલ્લું વાક્ય હું સુધારીને ફરી બોલ્યો,

'ચિંતાનું કોઈ કારણ આપની અપૂર્વ અને અગાધ બુદ્ધિને જણાય છે?'

ભદ્રંભદ્રે હવે ઊંચું જોયું. મારા સામું ક્ષણવાર જોઈ રહી તે બોલ્યા,

'અમ્બારામ, ચિંતા માત્ર તારા વિશે છે. તારા કપાળ ઉપરના ઓંકારમાંના અનુસ્વારની આકૃતિ ખંડિત થયા પછી ફરીથી કરેલી છે. તે ઉપરથી તથા મેં જ્યોતિષની ગણતરી મનમાં કરી જોઈ તે ઉપરથી પરિણામ એવું જણાય છે કે જો કેદની શિક્ષા થશે તો આજ પાછા ઘેર નહિ જવાય. હું તો બ્રહ્મતેજ વડે સર્વત્ર ગમન કરી શકું છું, પણ તારે માટે ચિંતા થાય છે.'

'કેદની શિક્ષા થવાની જ નથી એમ જોષી કહે છે અને આપ કહો છો, પછી આપ સરખા મહાપુરુષના ભક્તે શા માટે ઉદ્વેગ કરવો?'

'યથાર્થ છે, પરંતુ સંકેતાર્થ ભવિષ્ય સત્ય નીવડે તો પરિણામ શું થાય તે વિમર્શન કરી જોવું તે ત્રિકાલજ્ઞાનીનું લક્ષણ છે. આપણે કંઈ સુધારાવાળા નથી કે ત્રિકાલજ્ઞાનિત્વનો દાવો મૂકી દઈએ. તેટલા માટે હું આ ચિંતા કરું છું.'


કોર્ટમાં જઈ અમે અને શત્રુઓનું ભૂંડું થાય તે માટે ભદ્રંભદ્ર અડધી ગાયત્રી સીધી અને બાકીની અડધી ઊંધી દર પગલે અને દર ક્ષણે ભણ્યા જતા હતા. ચિંતાનો ફેલાવ થતો અટકાવવા હું પણ તેમની પેઠે 'तत्सवितुवरिन्यम भर्गो देवस्य तयादचोप्र न: यो योधि हिमधि 'નો પાઠ કરતો હતો. પરંતુ બંને પક્ષવાળા ચિંતાગ્રસ્ત જણાતા હતા અને માજિસ્ટ્રેટ સાહેબની મુખાકૃતિ ઉગ્ર જણાતી હતી તેથી એમને સ્વસ્થતા રહેતી નહોતી. આવા સંશયમાં કેટલોક વખત વીત્યા પછી કોર્ટે હુકમ ફરમાવ્યો. ભદ્રંભદ્ર અને સોમેશ્વર પંડ્યાને દરેકને બે માસ કેદની શિક્ષા કરી, મને અને વિરુદ્ધ પક્ષના એક માણસને દોઢ માસ કેદની શિક્ષા કરી, કેટલાકને એથી ઓછી કેદની તથા દંડની શિક્ષા કરી તથા બાકીનાને છોડી મૂક્યા.

ભદ્રંભદ્ર પ્રથમ સ્તબ્ધ થયા, પછી ખિન્ન થયા, પછી વિહ્વલ થયા, પછી વ્યગ્ર થયા, પછી ક્રુદ્ધ થયા, પછી કૂદ્યા, પછી પાછા હઠ્યા અને પછી ઉદ્ગાર કર્યો,

'અબ્રહ્મણ્યં, અબ્રહ્મણ્યં, છલં, સુધારકાણાં છલં, આર્ય જ્યોતિષને, આર્ય શુકનને, આર્ય દેવોને, આર્ય સાધનાને ખોટાં પાડવા સુધારાવાળાએ કરેલી આ કપટમાયા યુક્તિ, જેવી ધ્વસ્તા થઈ છે મુક્ત, જેથી લુપ્તા થઈ છે ભુક્તિ-'

'લે જાઓ!' એવા મહોટે નાદે કોર્ટનો હુકમ થયાથી સિપાઈએ ભદ્રંભદ્રને હાથ ઝાલી ખેંચ્યા તેથી વાક્ય પૂરું કરવું તેમને યોગ્ય લાગ્યું નહિ.

અમે બહાર નીકળ્યા એટલે લોકોએ 'હે' અને 'હુરીઓ'ના હર્ષનાદે અમને વધાવી લેવા માંડયા. પણ સિપાઈઓએ કેટલાકને ધક્કા મારી આ પ્રશંસામોહમાંથી જાગ્રત કર્યા અને શાંત કર્યા. ભદ્રંભદ્ર લોકો તરફ ફરીને બોલ્યા,

'અજ્ઞાન મનુષ્યો! હર્ષના ઉચ્ચાર કરવાનો આ સમય નથી. પૂજય મહાન આર્યવીરના સંકટની વેળા છે, તેથી ઉદગાર કરો કે શિવ! શિવ! શિવ! હર! હર!'

ટોળામાંથી કોઈ બોલ્યું, 'રામ બોલો!'

ભદ્રંભદ્ર કહે, 'તે પણ ઠીક છે. પણ હું હજી જીવવાની આશા રાખું છું. પરંતુ આ વિપત્તિને સમયે કોઈ બાધા રાખો, કોઈ વ્રત લ્યો, કોઈ તપ આચરો, કોઈ કષ્ટ સહો, કોઈ અપવાસ કરો, કોઈ સુખ વર્જો, કોઈ સંસાર તજો, કોઈ જપ કરો, કોઈ યજ્ઞ કરો.'

વળી કોઈ બોલ્યું, 'કોઈ કૂવામાં પડો.'

'તે પણ ઠીક છે.'

અમે કાચી જેલના બારણા આગળ જઈ પહોંચ્યા હતા તેથી, ભદ્રંભદ્રનું ભાષણ આગળ ચાલી શક્યું નહિ. કંઈ પણ ક્રિયા કે વિધિ વિના અમને કોટડીમાં હડસેલી દીધા. સંભાષણથી અમારા પહેરેગીરો અપ્રસન્ન થતા હતા તેથી અમે મૂંગા બેસી રહ્યા.

જેલના બીજા યાત્રાળુઓ આવી એકઠા થયા. બે ત્રણ કલાક પછી અમારું સરઘસ મહોટી જેલ તરફ જવાને તૈયાર થયું. કેટલાક જાત્રાળુઓ અનુભવી હતા. તેમણે ભથ્થાની માગણી કરી. પણ, સિપાઈઓએ ખબર આપી કે આજનું ભથ્થું કાચી જેલમાંથી નહિ મળે.

કાચી જેલમાંથી બહાર આવી મિત્રોને મળી લઈ અમે મહોટી જેલ તરફ રવાના થયા. દરેકને હાથે બેડી પહેરાવી હતી. તથા લોખંડના એક લાંબા સળિયામાં દરેકની બેડી ભરાયેલી હતી. હું અને ભદ્રંભદ્ર સળિયાની સામસામી બાજુએ જોડાજોડ હતા તેથી ધીમે વાત કરવાની અનુકૂળતા હતી, શહેરના વસ્તીવાળા ભાગથી દૂર ગયા એટલે મેં સિપાઈને પૂછ્યું,

'મજલ કેટલી લાંબી હશે?'

'હેંડ્યો જા ને મારા ભાઈ, કેદમાં જવું તે કંઈ સુખ હશે? અમે વગર સજાએ પગ ઘસીએ છીએ ને!'

ભદ્રંભદ્રે મારા કાન આગળ ધીમેથી કહ્યું, 'જોયો સુધારાવાળાનો અન્યાય! શિક્ષા આપણને થઈ તોપણ પગાર ખાઈ આપણી ચોકી કરનારા સિપાઈ પોતાને દુ:ખ પડેલું કહે છે!'

મેં કહ્યું, 'સિપાઈ સુધારાવાળા છે એમ માનવાનું કારણ નથી.'

'જે જે નિંદાપાત્ર તે સર્વ સુધારાવાળા જ સમજી લેવા. આપણી સરખી આર્યધર્મ મૂર્તિઓને તુરંગમાં લઈ જાય તે શું નિંદાપાત્ર નથી? સુધારાવાળાઓએ બ્રાહ્મણોને હલકા પાડ્યા ન હોત તો કદી બ્રાહ્મણોને કેદની શિક્ષા થાત?'

થોડી વાર મૂંગા મૂંગા ચાલ્યા પછી ભદ્રંભદ્રે મને કહ્યું, 'સોમેશ્વરને બદલે તને બે માસની શિક્ષા થઈ હોત તો સારું થાત.'

હું એ વિચારથી પ્રસન્ન થઈ શક્યો નહિ તેથી કંઈ બોલ્યો નહિ તેથી મને સમજણ પાડવા ભદ્રંભદ્રે કહ્યું,

'તું કેદમાંથી છૂટીને ગયા પછી અડધો માસ મારી ચાકરી કરનાર કોઈ નહિ રહે અને તુંયે બહાર એકલો મૂંઝાઈશ. એ પંદર દિવસ આપણી નાતનો એકલો સોમેશ્વર જ મારી દ્રષ્ટિએ પડશે તો હું દુ:ખી થઈશ. એ વૈકુંઠમાં એકઠો થવાનો હોય તો હું નરકમાં જવાનું પસંદ કરું, માટે મારી ચાકરી કરવા સારુ તું પંદર દિવસની વધારે શિક્ષા માગી લેજે.'

'મહારાજ, કેદમાં તો આપણે ચાકરી કરવી પડશે. આપણી ચાકરી કોઈથી નહિ થાય.'

'હું એ માની શકતો નથી. ગુરુશિષ્યનો આર્યશાસ્ત્રોક્ત સંબંધ કારાગૃહમાં પાળવા દેવો નહિ એટલે સુધી શું સુધારાવાળાની અરજીઓ સરકારમાં જય પામી છે?'

કેટલીક વાર પછી એક વિશાળ મકાન દેખાવા લાગ્યું. ચારે તરફ ઊંચો કોટ હતો. કોટ બહાર બે-ત્રણ નાના નાના છૂટક બંગલા હતા. તથા એક બાજુએ મોટો બાગ હતો. વધારે પાસે જતાં કોટના મહોટા દરવાજા પાસે સિપાઈઓ બંદૂક લઈ પહેરો ફરતા જણાયા. ભદ્રંભદ્ર ચકિત થઈ બોલ્યા,

'ઉજ્જડ ભૂમિમાં આ શો ચમત્કાર! કેવું ભવ્ય, કેવું વિશાળ, કેવું મહાન આ ભવન છે! શો એમાં પવન છે! નિ:સંશય અહીં કોઈ રાજાનો નિવાસ હશે!'

અમારા મંડળમાંનો એક બેડી-બંધુ બોલ્યો,

આપણા જેવા ઘણા રાજારજવાડાની છાવણી અંદર પડેલી છે. આપણને તો પરથમની આથમણા ખૂણાની કોટડી મળી જાય તો ઠીક, ત્યાં ચાર-પાંચ વખતથી ગોથી ગયેલું છે.'

ભદ્રંભદ્રે કુતૂહલથી પૂછ્યું, 'શું આપ રાજમંદિરમાં પ્રથમ કોઈની સેવામાં રહેલા છો?'

'આપણે આપણી સેવામાં. અંદર હેંડોને એટલે ભોમિયા થશો.'

પહેરેગીરે અરુચિ દર્શાવ્યાથી આ વાતચીત બંધ પડી. દરવાજા તરફ અમને લઈ ગયા તેથી મારી ખાતરી થઈ કે આ જેલ છે અને તે હકીકત મેં ભદ્રંભદ્રને કહી જણાવી. ઘણી આનાકાની પછી એ વાતની સત્યતા તેમણે કબૂલ રાખી.

અમારા આગમનની અંદર ખબર મોકલાવી. 'જેલર સાહેબ' આવતા સુધી અમને બહાર ઊભા રાખ્યા. તેમણે આવી પ્રથમ અમારાં 'વારંટ' તપાસ્યાં. અમે જેલમાં રહેવાને પૂરેપૂરા હકદાર છીએ એવી ખાતરી કરી અમને અંદર દાખલ કર્યા.