બુદ્ધ અને મહાવીર
બુદ્ધ અને મહાવીર કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા |
હૃદત → |
બુદ્ધ અને મહાવીર
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
હૃદ્ગત
આ લેખોને હું નિસ્સંકોચપણે છાપવાની પરવાનગી નથી આપી શકતો. છાપવાની કળાથી પાંડિત્ય અને ભૌતિક વિજ્ઞાન વધ્યાં છે. એ હું ના પાડી શકું નહિ, પણા સદ્વિદ્યા વધી જ છે એમ મારી ખાત્રી નથી થઇ; નથી જ વધી, એમ પણ મારો અનુભવ હોત, તો પુસ્તક ન જ છાપવું એ નિર્ણય ઉપર હું આવત.
પુસ્તક લખવા અને છપાવવાની પ્રવૃત્તિ કરનારમાં કાંઇક જ્ઞાનની કચાશ અથવા તેનો મદ કે અહંકાર હોય જ. અને મદ કે અહંકારમાં લખાયલાંમાં પૂર્ણપણે સત્ય ન હોવાનો, અથવા સત્યની એક જ બાજુને અતિભાર આપવાપણાનો
દોષ રહ્યો જ છે. પૂર્ણ સત્ય લખી શકાતું જ નથી. એટલે તેટલા દોષમાંથી ટળી શકાય એમ નથી. પણ સત્યની એક જ બાજુને અતિભાર આપવાથી કોઈકની હિંસા થવાની પણ ભીતિ રહે છે. અને એ ભીતિ પણ પુસ્તકને છપાવવમાં સંકોચ આણે છે.
તેથી આ પુસ્તકમાં જે જે કાંઈ નવા વિચારો છે તેને માંડવામાં મેં મારી શક્તિ અને દૃષ્ટિ પ્રમાણે અત્યંત કાળજી તો લીધી જ છે, છતાં આ લેખોથી કોઈની શુભ શ્રદ્ધાઓનું એવી રીતે ખંડન ન થાઓ, કે જેથી એક નજીવી શુભ વસ્તુમાં પણ એને નાસ્તિક ભાવ ઉત્પન્ન થાય. કોઇનો અધોગતિ કરનારો બુદ્ધિભેદ ન થાઓ. જે માર્ગે પોતાનું અત્યંત કલ્યાણ મનાયું હોય તે માર્ગને બુદ્ધિ પૂર્વક વિશેષ સારો માર્ગ દેખાયા વિના છોડવાની પ્રવૃત્તિ ન થાઓ. એવું એક પણ વાક્ય આ દોષો ઉત્પન્ન કરે એવું છે એમ જેને લાગે તે જો કૃપા કરી મને જણાવશે, તો હું એનો વિચાર કર્યા વિના નહિ રહું.
આટલો દોષ થયા વિના કોઇની અંધશ્રદ્ધાને ધક્કો પહોંચે, અને એના દૃષ્ટિબિંદુને નવું વળણ મળે એ ઇષ્ટાપત્તિ જ છે. આપત્તિ એટલા માટે
કહું છું કે એક ભાવનામાંથી બીજી ઉચ્ચત્તર ભાવનામાં પહોંચવાનો માર્ગ અત્યંત કષ્ટ ભોગવાવનારો છે. બુદ્ધિને એક નવી વસ્તુ સત્ય તરીકે સમજાય, અને તેમાં મન, વાણી અને શરીરથી નિષ્ઠા થાય એ બેની વચ્ચે લાંબો કાળ જાય છે. અને એ કાળ પૂર્વ માનસિક સંસ્કારો અને નવીન સંસ્કારો વચ્ચેના ઝઘડા લડવામાં વીતે છે. એ લડાઇનું દુઃખ રણસંગ્રામનાં દુઃખ કરતાં યે વિશેષ તીવ્ર હોય છે. પણ એ દુઃખ ભોગવ્યા વિના છુટકો જ થતો નથી. પ્રસૂતિની પીડા જાણ્યા વિના બાળકનું મુખ માતા જોઈ શકતી નથી; જેટલું પૂર્વારોગ્ય સારૂ એટલી પીડા ઓછી એટલું જ. તેમ કોઇનો ઝઘડો દીર્ઘ કાળ ચાલે, કોઇને ટુંકો સમય પણ ઝઘડો લીધે જ છૂટકો ઉન્નતિની તીવ્ર ઈચ્છા રાખનારા પુરુષને એ યુદ્ધ માટે આવશ્યક ધૈર્ય મળી રહે છે, એ જ મનુષ્યને મળેલી શુભ સામગ્રી છે. એ વેદના કરાવવામાં હું નિમિત્તભૂત થાઉં, તેનું યે મને દુઃખ લાગે છે; પણ એ વિષે નિરુપાય છું.એ દુઃખને તીવ્રપણે અનુભવી ગયેલાનો એની સાથે સમભાવ રહેલો છે એટલું જ એને હું આશ્વાસન આપી શકું.
આથી કરીને મારી ઇચ્છા પણ જણાવી દઉં. આ પુસ્તકની હજારો નકલ ખપી જાય, અને એની આવૃત્તિઓ કાઢતાં છાપખાનાવાળાઓ થાકે જ નહિ, એ ઉપરથી હું એ પુસ્તકની પ્રજાએ કરેલી કિમ્મતનો આંક નથી બાંધતો. હું કેટલાં પુસ્તકો કબાટમાં ભરૂં છું, કેટલાંક ઉપર આંખો દોડાવી જાઉં છું, કેટલાંને સ્મૃતિપટમાં કેટલોક સમય સુધી ઉતરી નાંખુ છું અને કેટલાને જીવન સાથે વણી આંખું છું, તે જાણું છું. જેટલાં હૃદયમાં કોઈ પુસ્તકના ભાવો કોતરાઇ જાય છે એટલી જ એની નકલો ખપી જાય છે. એમ હું માનું છું. બીજી નકલોનો ઉઠાવ લોકોનાં કબાટોને કાગળોથી ભરવાવાળો અને છાપખાનાંવાળાની તિજોરીને નોટોથી ભરવાવાળો હોઇ, અને કદાપિ આંખો અને સ્મૃતિને પણ ભાર રૂપ હોઇ, તેની મને કિમ્મત નથી લાગતી.
જે ભાવનાઓથી પ્રેરાઇને આ લખ્યું છે તથા જે ભાવનાઓથી પ્રેરાઇને આ ચરિત્ર-નાયકોની જીવના-લીલા રમાઇ ગઇ તે ભાવનાઓનો ઉત્કર્ષ થાઓ (ૐ शांति) :
સા બ ર મ તી |
} |
આ નાનકડી પુસ્તકમાળામાં કેટલાક અવતારી પુરુષોનો ટુંકો જીવનપરિચય કરાવવા ધાર્યું છે. આ પરિચય કરાવવામાં જે દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખ્યું છે એ વિષે બે શબ્દ લખવા આવશ્યક છે.
અવતારી પુરુષ એટલે શું? હિન્દુઓ માને છે કે, જ્યારે પૃથ્વી પરથી ધર્મનો લોપ થાય છે, અધર્મ વધી પડે છે, અસુરોના ઉપદ્રવથી સમાજ પીડાય છે, સંતતાનો તિરસ્કાર થાય છે, નિર્બળનું રક્ષણ થતું નથી, ત્યારે પરમાત્માના અવતારો પ્રકટ થાય છે. પણ અવતારો કેવી રીતે પ્રકટ થાય છે, એ પ્રકટ થાય ત્યારે એમને કેવે લક્ષણે ઓળખવા, અને એમને ઓળખીને અથવા
એમની ભક્તિ કરીને આપણા જીવનમાં કેવા ફેરફાર કરવા, એ જાણવું જરૂરનું છે.
સર્વત્ર એક પરમાત્માની શક્તિ - સત્તા - જ કાર્ય કરી રહી છે. મારામાં - તમારામાં - સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યો છે. એની જ શક્તિથી સર્વેનું હલન-ચલન-વલણ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ વગેરેમાં પણ એ જ પરમાત્માની શક્તિ હતી. ત્યારે આપણામાં અને રામ-કૃષ્ણાદિકમાં શો ફેર? એ પણ મારા તમારા જેવા મનુષ્ય દેખાતા હતા; એમને પણ મારી-તમારી માફક દુઃખો વેઠવાં પડ્યાં હતાં અને પુરુષાર્થ કરવો પડ્યો હતો; છતાં આપણે એમને અવતાર શા માટે કહીએ છીયે? હજારો વર્ષ વીતી ગયાં છતાં શું કામ આપણે એમને પૂજીયે છીએ?
'આત્મા સત્યકામ - સત્યસંકલ્પ છે,' એવું વેદવચન છે. જે આપણે ધારીયે, ઇચ્છીએ તે પ્રાપ્ત કરી શકીએ એવો એનો અર્થ થાય છે. જે શક્તિને લીધે આપણી કામનાઓ સિદ્ધ થાય છે એને જ આપણે પરમેશ્વર - પરમાત્મા - બ્રહ્મ કહીયે છીયે. જાણેઅજાણે પણ એ જ પરમાત્માની શક્તિનું આલમ્બન - શરણ - લઈ આપણે જે સ્થિતિમાં આજે
છીયે તે સ્થિતિ પ્રાપ્ત કરી છે; અને ભવિષ્યમાં જે સ્થિતિ પ્રાપ્ત કરીશું તે પણ એ જ શક્તિનું આલમ્બન લઇને કરીશું. રામ-કૃષ્ણે પણ એ જ શક્તિનું આલમ્બન લઈ સર્વેશ્વરપદ - અવતારપદ - પ્રાપ્ત કર્યું હતું. હવે પછી જે અવતારો થશે તે પણ એજ શક્તિનું આલમ્બન લઇને. આપણામાં અને એમનામાં ફરક એટલો કે આપણે મૂઢપણે - અજાણપણે એ શક્તિનો ઉપયોગ કરીએ છીયે; એમણે બુદ્ધિપૂર્વક - શક્તિને પૂર્ણપણે ઓળખીને - એનું અવલમ્બન લીધેલું.
બીજો ફરક એ કે, આપણે આપણી ક્ષુદ્ર વાસનાઓને તૃપ્ત કરવા પ્રભુનો ઉપયોગ કરીએ છીયે. અવતારી પુરુષની આકાંક્ષાઓ, એમના આશયો મહાન અને ઉદાર હોય છે; એને જ માટે એ આત્મબળનો આશ્રય લે છે.
ત્રીજો ફરક એ છે કે, સામાન્ય જનસમાજ મહાપુરુષોનાં વચનોને અનુસરનારો અને એમના આશ્રયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પોતાનો ઉદ્ધાર માનનારો હોય છે. જૂનાં શાસ્ત્રો એ જ એમનો આધાર હોય છે. અવતારી પુરુષો કેવળ શાસ્ત્રોને અનુસરનારા નથી હોતા; એ શાસ્ત્રોના રચનારા
અને ફેરવનારા પણ થયા છે. એમનાં વચનો એ જ શાસ્ત્રો થાય છે અને એમનાં આચરણો એ જ અન્યને દીવાદાંડીરૂપ થાય છે. એમણે પરમતત્ત્વ જાણી લીધું છે. એમણે પોતાનું અન્તઃકરણ શુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, સવિવેક અને શુદ્ધ ચિત્તને જે વિચાર સૂઝે, જે આચરણ યોગ્ય લાગે તે જે સચ્છાસ્ત્ર, તે જ સદ્ધર્મ. કોઈ પણ, બીજાં શાસ્ત્રો એમને બાંધી શકતાં નથી કે એમના નિર્ણયમાં ફરક પાડી શકતાં નથી.
આપણે આપણા આશયોને ઉદાર બનાવીએ, આપણે આકાંક્ષાઓને ઉચ્ચ બાંધીયે અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક અવલંબન લઇયે તો પ્રભુ આપણામાંયે અવતાર રૂપે પ્રકટ થવા મહેર કરે. વીજળીની શક્તિ ઘરમાં ગોઠવાયેલી છે; એનો ઉપયોગ આપણે એક ક્ષુદ્ર ઘંટડી વગાડવામાં કરી શકીએ, તેમજ તે વડે દીવાની પંક્તિથી આખા ઘરને શણગારી શકીએ. તે જ પ્રમાણે પ્રભુ આપણા પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યો છે; એની સત્તા વડે આપણે એક ક્ષુદ્ર વાસનાની તૃપ્તિ કરી શકીએ, અથવા મહાન અને ચારિત્રવાન થઈ સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈયે.
અવતારોએ પોતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુઃખ ભંજન થવા ચાહ્યું. એમણે એ બળ વડે સુખદુઃખથી પર, કરુણહૃદયી, વૈરાગ્યવાન, જ્ઞાનવાન અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઇચ્છ્યું. સ્વાર્થના ત્યાગથી, ઇંદ્રિયોના જયથી, મનના સંયમથી, ચિત્તની પવિત્રતાથી, કરુણાની અતિશયતાથી, પ્રાણીમાત્ર તરફના અત્યંત પ્રેમથી, બીજાનાં દુઃખનો નાશ કરવા પોતાની સર્વ શક્તિ અર્પણ કરવા માટેની નિરન્તર તત્પરતાથી, પોતાની અત્યંત કર્તવ્યપરાયણતાથી, નિષ્કામતાથી, અનાસક્તિથી અને નિરહંકારીપણાથી, ગુરુજનોને સેવી તેમના કૃપાપાત્ર થવાથી એ અવતારો ગણાયા, મનુષ્યમાત્રને પૂજનીય થયા.
આપણે ધારીએ તો આપણે પણ એવા પવિત્ર થઇ શકીયે, એવા કર્તવ્યપરાયણ થઇ શકીયે, એટલી કરુણાવૃત્તિ કેળવી શકીયે, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહંકારી થઈ શકીયે. એવા થવાનો આપણો નિરન્તર પ્રયત્ન રહે એ જ અવતારોની ભક્તિ કરવાનો હેતુ. જેટલે અંશે આપણે એમના જેવા થઇયે તેટલે અંશે જ આપણે
એમનું અક્ષરધામ મેળવ્યું કહેવાય, જો આપણો એમના જેવા થવા પ્રયત્ન ન હોય તો આપણે કરેલું એમનું નામસ્મરણ પણ વૃથા છે, અને એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણવૃથા છે.
ત્યારે આપણે પરમેશ્વરની ઉપાસના કેવી રીતે કરવી? આપણા જન્મથી આપણે પહેલો સંબંધ માતા જોડે થાય છે, બીજો પિતા સાથે છે, ત્રીજો બંધુઓ જોડે છે, ચોથો ગુરુ સાથે થાય છે અને પાંચમો મિત્રનો છે. આપણે વિવાહિત હોઇયે તો આપણો સંબંધ પત્ની જોડે થાય અને કુટુંબી હોઇયે તો બાળકો સાથે પણ બંધાય.
તે માટે આપણે પ્રથમ પ્રભુનું માતાપિતા તરીકે ધ્યાન ધરીયે અને સાથે સાથે આપણાં પ્રત્યક્ષ માતાપિતાને પ્રભુ ગણી તેમની એક ચિત્તે સેવા કરીએ તો આપણામાં આદર્શ પુત્રના ગુણો ઊતરે અને સાથે સાથે આદર્શ માતાપિતાના ગુણોનું ધ્યાન થઈ જાય. જે ગુણોનું ધ્યાન થાય તે ગુણો પણ આપણામાં ઉતરે જ, એટલે માતાપિતાનો વાત્સલ્યગુણ આપણામાં આવતો જ રહે.
આપણે પ્રભુનું બંધુ તરીકે ધ્યાન ધરીયે અને બંધુની પ્રભુ પ્રમાણે સેવા કરીએ, તો આપણે લક્ષ્મણ અને ભરતની બંધુભક્તિ પ્રાપ્ત કરીયે અને રામનો બંધુપ્રેમ સહજ આવી જાય.
એ જ પ્રમાણે પ્રભુની મિત્ર તરીકે, ગુરુ તરીકે વગેરે ઉપાસના કરવી ઘટે, અને એ ઉપાસના પ્રત્યક્ષ મિત્ર, ગુરુ ઈત્યાદિકમાં ઉતારવી ઘટે.
પત્ની પરની આપણી પવિત્ર દૃષ્ટિ તો મિત્ર તરીકે જ હોય, એટલે મિત્રભાવનાને વધારવી એ જ પત્નીવ્રત ગણાય. પુત્રભાવનાનો વિસ્તાર શિષ્યમાં થાય, બંધુભાવનાનો મનુષ્યમાત્રમાં, માતાપિતાનો વડીલો પ્રત્યે. આપણી પરમેશ્વર પ્રત્યેની ભાવના પ્રત્યક્ષ મનુષ્યમાં ન ઉતરે તો એ ભક્તિ જડ જ છે.
એક જ ચેતવણી આ ઉપાસનાવિધિમાં આપવી ઘટે છે. રામકૃષ્ણ જેવા થવું એટલે રામ-કૃષ્ણની કીર્તિના ઈર્ષ્યાળુ થવું એમ નહિ. આપણા ઉપર કોઈ વાલ્મીકિ કે વ્યાસ કાવ્ય કરે, આપણી મૂર્તિઓ ઘેર ઘેર પૂજાય, આપણા નામના સંપ્રદાયો ચાલે, આપણી જય બોલાતી રહે, એવી જો આપણે આકાંક્ષા ધરી તો રામ-કૃષ્ણ જેવા કદી થવાશે નહિ.
આ જીવન પરિચય વાંચી, વાંચનાર અવતારોને પૂજતો થાય એટલું બસ નથી. એ અવતરોને પારખવા શક્તિમાન થાય અને અવતારો જેવા થવા પ્રયત્નશીલ થાય તો જ આ પુસ્તક વાંચવાનો શ્રમ સફળ થયો ગણાશે.
છેવટમાં એક વાક્ય લખવું ઘટે છે. આમાં જે કાંઇ નવું છે તે વિચારો મને પ્રથમ સૂઝ્યા છે એમ નથી કહી શકતો. મારા જીવનના ધ્યેયમાં ઉપાસનાના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન કરી નાખનાર, મને અંધારામાંથી અજવાળામાં લઈ જનારા મારા પૂજ્યપાદ ગુરુદેવ જ મારે નામે બોલે છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. છતાં એમાં જે ખામી હોય તે મારા જ વિચાર અને ગ્રહણશક્તિની સમજવી.
રામ અને કૃષ્ણના લેખો માટે હું રા. બા. ચિન્તામણ વિનાયક વૈદ્યનાં અવતારોનાં ચરિત્રોના ગુજરાતી અનુવાદકોનો અને બુદ્ધદેવના ચરિત્ર માટે શ્રી ધર્માનંદ કોસામ્બીના 'બુદ્ધ-લીલા-સારસંગ્રહ' અને 'બુદ્ધ, ધર્મ અને સંઘ'નો ઋણી છું. મહાવીરની વસ્તુ બહુધા હેમાચાર્ય કૃત 'ત્રિષષ્ઠિ શલાકા પુરુષ' ને આધારે છે અને ઈશુ માટે 'બાઈબલ'નો ઉપયોગ કર્યો છે.
સં ૧૯૭૯ |
} |
બુદ્ધ
મહાભિનિક્રમણ : (૧-૨) જન્મ, નામ; (૩) સુખોપભોગ; (૪-૭) વિવેક, વિચારો, મોક્ષની જિજ્ઞાસા, વૈરાગ્યની વૃત્તિ; (૮)મહાભિનિક્રમણ; (૯) સિદ્ધાર્થની કરુણા. ... ... ... ... ... ... ... ૩
તપશ્ચર્યા : (૧) ભિક્ષાવૃત્તિ; (૨-૩) ગુરુની શોધ - કાલામ મુનિને ત્યાં, અસંતોષ; (૪-૫) પાછી શોધ - ઉદ્રક મુનિને ત્યાં, પુન: અસંતોષ; (૬-૮) આત્મપ્રયત્ન, દેહદમન, અન્નગ્રહણ; (૯) બોધપ્રાપ્તિ. ... ... ... ... ... ... ... ૧૧
સંપ્રદાય : (૧) પ્રથમ શિષ્યો; (૨) સંપ્રદાયનો વિસ્તાર; (૩) સમાજસ્થિતિ; (૪) મધ્યમમાર્ગ; (૫) આર્યસત્યો; (૬) બૌદ્ધ શરણત્રય; (૯-૧૦) બુદ્ધ ધર્મ, ગૃહસ્થના ધર્મો, ઉપાસના ધર્મો; (૧૧) સંપ્રદાયની વિશેષતા. ... ... ... ... ... ... ... ૧૮
ઉપદેશ : (૧) આત્મપ્રતીતિ એ જ પ્રમાણ; (૨) દિશાવન્દન; (૩) દશ પાપ; (૪) ઉપોસથ વ્રત; (૫) સાત પ્રકારની પત્નીઓ; (૬) સર્વ વર્ણની સમાનતા; (૭) શ્રેષ્ઠ યજ્ઞ; (૮) રાજસમૃદ્ધિના નિયમો; (૯) અભ્યુન્નતિના નિયમો; (૧૦) ઉપદેશની અસર; (૧૧-૧૫) કેટલાંક શિષ્યો, પૂર્ણ, નકુલમતાની સમજણ; (૧૬) ખરો ચમત્કાર. ... ... ... ... ... ... ... ૨૭
કેટલાક પ્રસાંગો અને અન્ત : (૧) જ્ઞાનની કસોટી; (૨) મિત્રભાવના; (૩-૭) કૌશામ્બીની રાણી; (૮-૧૧) ખૂનનો આરોપ; (૧૨-૧૩) દેવદત્ત, શિલાપ્રહાર, હાથી પર વિજય, દેવદત્તની વિમુખતા; (૨૪) પરિનિર્વાણ; (૨૫) ઉત્તરક્રિયા-સ્તૂપો; (૨૬) બૌદ્ધ તીર્થો; (૨૭-૨૮) ઉપસંહાર, ખરી અને ખોટી પૂજા. ... ... ... ... ... ... ... ૪૯
નોંધ : સિદ્ધાર્થનો વિવેક; સિદ્ધાર્થની ભિક્ષાવૃત્તિ; સમાધિ; સમાજસ્થિતિ; શરણત્રય; વર્ણની સમાનતા. ૬૧
મહાવીર
ગૃહસ્થાશ્રમ : (૧) જન્મ; (૨-૪) બાલ સ્વભાવ, માતૃભક્તિ, પરાક્રમપ્રિયતા, બુદ્ધિમત્તા; (૫) વિવાહ; (૬) માતા પિતાનું અવસાન; (૭-૮) ગૃહત્યાગ; વસ્ત્રાર્ધદાન. ... ... ... ... ... ... ... ૭૫
સાધના : (૧)મહાવીર-પદ; (૨) સાધનાનો બોધ; (૩) નિશ્ચયો; (૪) વેઠેલા ઉપસર્ગો અને પરિષહો; (૫-૭)
કેટલાક પ્રંસગો-મોરાક ગામ, પંચવ્રતો, દિગંબર દશા, લાટમાં વિચરણ; (૮) તપનો પ્રભાવ; (૯) છેલ્લો ઉપસર્ગ; (૧૦) બોધપ્રાપ્તિ ... ... ... ... ... ... ... ૮૦
ઉપદેશ : (૧) પહેલો ઉપદેશ; (૨) દશ સદ્ધર્મો; (૩) સ્વાભાવિક ઉન્નતિ પંથ; (૪) अहिंसा परमो धर्म (૫) દારુણત્તમ યુદ્ધ; (૬) વિવેક એ જ ખરો સાથી; (૭) અગીયાર ગૌતમો. ... ... ... ... ... ... ... ૮૮
ઉત્તરકાળ : (૧) શિષ્ય-શાખા; (૨) જમાલિનો મતભેદ; (૩)નિર્વાણ; (૪) જૈન સંપ્રદાય. ... ... ... ... ... ... ... ૯૨
નોંધ : માતૃભક્તિ; વાદ ... ... ... ... ... ... ... ૯૭
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |