લખાણ પર જાઓ

બુદ્ધ અને મહાવીર/બુદ્ધ/નોંધ

વિકિસ્રોતમાંથી
← કેટલાક પ્રસાંગો અને અન્ત બુદ્ધ અને મહાવીર
નોંધ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
ગૃહસ્થાશ્રમ →




નોંધ

પા૦ ૫ : સિદ્ધાર્થનો વિવેક - જે મનુષ્ય હમેશાં આગળ ધસવાની વૃત્તિવાળો છે તે એક જ સ્થિતિમાં કદી પડી રહેતો નથી. એ પ્રત્યેક વસ્તુમાંથી સાર અસાર શોધી લઇ, સાર જાણવા જેટલી એને માટે પ્રવૃત્તિ કરી એનો ત્યાગ કરે છે. આવી સારાસરની ચાળણી તેનું જ નામ વિવેક. વિવેક અને વિચાર એ ઉન્નતિના દ્વારની કુંચીઓ છે.

કેટલાક મનુષ્યો અત્યન્ત પુરુષાર્થી હોય છે. ભિખારી જેવી સ્થિતિમાંથી શ્રીમન્ત બને છે. સમાજના છેક નીચલા થરમાંથી પોતાનાં પરાક્રમ અને બુદ્ધિ વડે છેક ઉપલા થરમાં પહોંચી જાય છે અને અપાર લોકપ્રસિદ્ધિને મેળવે છે. જડ ગણાતા વિદ્યાર્થીઓ કેવળ ખંત અને ઉદ્યોગ વડે સમર્થ પંડિતો થઇ જાય છે. આ સર્વ પુરુષાર્થનો મહિમા છે. પુરુષાર્થ વિના કોઇ પણ સ્થિતિ કે યશ પ્રાપ્ત થતાં નથી.

પણ પુરુષાર્થની સાથે જો વિવેક ન હોય તો એનો વિકાસ થતો નથી. વિકાસની ઇચ્છાવાળો મનુષ્ય જે વસ્તુને માટે પુરુષાર્થ કરી રહ્યો છે તે વસ્તુને કદી પોતાનું અંતિમ ધ્યેય લેખતો નથી, પણ એને પ્રાપ્ત કરવા પૂરતું જ એને ધ્યેય કરે છે. ધનને કે પ્રસિદ્ધિને એ જીવનનું સર્વસ્વ માનતો નથી, પણ ધન અને પ્રસિદ્ધિ મેળવતાં આવડે, એ આ પ્રમાણે મેળવી શકાય, આપણે એને મેળવી શકીયે છીયે, એમાં જ મંડી રહીયે તો આટલો ધનનો ઢગલો અને આટલી લોકપ્રસિદ્ધિ આવે- એટલું જોઈ અને અનુભવી લઇ એનો મોહ છોડે છે અને એથી આગળ શું, એ શોધવા પોતાની શક્તિ દોરે છે.

એથી ઉલટું, બીજા માણસો એક જ સ્થિતિમાં જીવન પર્યંત પડ્યા રહે છે. ધનને કે લોકપ્રસિદ્ધિને કે એથી મળતાં સુખોને જ સર્વસ્વ માની, એ બન્ને ભાર રૂપ થઇ પડે, એને સાચવવામાં જ આયુષ્યનો નાશ થઇ જાય, એટલા ઢગલા ભેગા કર્યા છતાં એમાંથી નીકળતા જ નથી. ધન વડે, મોટાઇ વડે હું છું, સુખી છું, એમ માનવાની એ ભૂલ કરે છે; પણ એમ નથી વિચારી શક્તા કે મારા વડે, મારી શક્તિઓ વડે ધન અને મોટાઇ આવ્યાં છે. હું મુખ્ય છું અને એ ગૌણ છે.

પોતાની શક્તિનો કોઇ પણ કાર્યક્ષેત્રમાં રહી અત્યંત, નિસ્સીમ વિકાસ કરવો ઇષ્ટ છે. અલ્પસંતોષ, અલ્પયશથી તૃપ્તિ એ યોગ્ય નથી, પણ કાર્યક્ષેત્ર એ પ્રધાન વસ્તુ નથી, શક્તિનો વિકાસ એ પ્રધાન છે, એ ભૂલવું ન જોઇયે.

જે એ ભૂલતા નથી તેને જીવનની કોઇ પણ સ્થિતિમાં ગયેલા ભાગ માટે શોક કરવાની જરૂર ભાસતી નથી. એનું આખું જીવન એને ઉંચે લઇ જનારા રસ્તા જેવું ભાસે છે.

કાર્યક્ષેત્ર પ્રધાન નથી, એનો અર્થ એમ ન કરવો કે પ્રવૃત્તિઓ વારંવાર બદલવી જોઇયે. પરંતુ પ્રવૃત્તિમાંથી પોતાની પ્રત્યેક શક્તિ અને ભાવનાના વિકાસ પર દૃષ્ટિ રાખવી એ જરૂરનું છે. ધન મેળવતાં આવડ્યું, તો દાન કરતાં યે આવડવું જોઇયે; દાન માટે પ્રસિદ્ધિ મળી હોય તેણે ગુપ્તદાનમાં પારંગતતા મેળવવી જોઇયે. ધન ઉપર પ્રેમ કરતાં આવડ્યો તો મનુષ્ય ઉપર પણ પ્રેમ કરતાં આવડવો જોઇયે. એમ ઉત્તરોત્તર આગળ જ ધસવું ઘટે છે.

પા૦ ૧૨ : સિદ્ધાર્થની ભિક્ષાવૃત્તિ- સ્નાનાદિક શૌચ, પવિત્રપણે કરેલું સાત્વિક અન્ન-જળ, વ્યાયામ, એ સર્વેનું ફળ ચિત્તની પ્રસન્નતા, જાગૃતિ અને શુદ્ધિ એ છે. ન્હાવાથી પ્રસન્નતા લાગે છે, ઉંઘ ઉડી જાય છે, સ્થિરતા આવે છે અને કેટલોક સમય જાણે તહેવારનો દિવસ હોય એવી પતિત્રતા ભાસે છે એવો સર્વેને અનુભવ હશે જ. આવું જ પરિણામ શુદ્ધ અન્ન, વ્યાયામ વગેરેનું થાય છે. આ માટે જ સ્નાનાદિક શૌચના અને ભોજન, વ્યાયામ વગેરેના નિયમોનું મહત્ત્વ છે. આજુબાજુનું વાતાવરણ પોતાના શરીર અને અમ્ન ઉપર ખરાબ અસર ન કરી શકે એટલા માટે આ સર્વ નિયમોનું પાલન. પણ એ વસ્તુ જ્યારે ભૂલાઇ જાય ત્યારે એ નિયમોનું પાલન જ જીવનનું સર્વસ્વ થઇ બેસે છે; સાધન એ જ સાધ્ય થઇ જાય છે. અને એમ થાય ત્યારે ઉન્નતિ તરફ લઇ જનાર જીવનનૌકા પર એ નિયમો જમીન સુધી પોહોંચેલા લંગર જેવી થઇ પડે છે. પછી એમાંથી છુટવા ઇચ્છનાર માણસ એને સાવ તોડી નાખે એમ પણ બને.

વળી આ નિયમો એ કુસંસ્કાર, અપ્રસન્નતા, અજાગૃતિ વગેરે સામે કિલ્લા રૂપ છે. જે વખતે કિલ્લામાંથી બહાર પડી લડવાની લાયકાત આવી હોય, ત્યારે એમાં પડી રહેવું ભાર રૂપ જ લાગે. તેમ જ્યારે મૈત્રી, કરુણા, સમતા વગેરે ઉદાત્ત ભાવનાઓથી ચિત્ત ભરાઇ જાય, ત્યારે એ નિયમોનું પાલન પ્રસન્નતા વગેરે ન લાવતાં ઉદ્વેગ જ કરાવે. એ મનુષ્ય એ કિલ્લામાં કેમ ભરાઇ રહી શકે?

ચિત્તની પ્રસન્નતા એટલે વિષયોનો આનંદ નહિ. ભોગવિલાસથી કેટલાકનું ચિત્ત પ્રસન્ન રહે છે; ચાહ, બીડી, દારૂ વગેરેથી કેટલાકનું ચિત્ત પ્રસન્ન થાય છે અને બુદ્ધિ જાગૃત થાય છે; કેટલાક મિષ્ટાન્નોથી પ્રસન્ન થઇ જાય છે. પણ આવી પ્રસન્નતા એ ખરી નથી. એ વિકારોનો ક્ષણિક આનંદ છે. મન ઉપર કશો બોજો ન હોય, કામમાંથી પરવારી ઘડીક આરામ લેતા હોઇયે, તે વખતે જેવો અકૃત્રિમ સ્વાભાવિક આનંદ હોય છે તે પ્રસન્નતા સહજ છે. પા૦ ૧૩: સમાધિ- આ શબ્દથી સામાન્ય રીતે લોકો એમ સમજે છે કે પ્રાણને રોકી દઇને લાંબોવખત સુધી શબવત્ રહેવું તે. અમુક એક વસ્તુ અથવા વિચારની ભાવના કરતાં કરતાં એવી સ્થિતિ થઇ જાય કે જેમાં દેહનું ભાન ન રહે, શ્વાચ્છોશ્વાસ ધીમો અથવા બંધ પડી જાય અને કેવળ એ વસ્તુ અથવા વિચારનું જ દર્શન થાય. એને સમાધિ શબ્દથી ઓળખવામાં આવે છે.

ઉપર કહેલી સ્થિતિ પ્રાપ્ત કરવાના માર્ગને હઠયોગ કહે છે. સિદ્ધાર્થે કાલામ અને ઉદ્રક દ્વારા આ હઠયોગની સમાધિ પ્રાપ્ત કરી હોય એમ માલુમ પડે છે. આવા પ્રકારની સમાધિથી સમાધિકાળમાં સુખ અને શાન્તિ હોય છે. એ ઉતરી જાય એટલે જેવા બીજા માણસ તેવો જ એ.

પણ સમાધિ શબ્દ આ એક જ અર્થમાં વપરાતો નથી. અને સિદ્ધાર્થે પોતે જે સમાધિયોગની પોતાના શિષ્યને ભલામણ કરી છે, એ આ હઠયોગની સમાધિ નહિ. જે વસ્તુ અથવા ભાવનાની સાથે ચિત્ત એવું તદ્રૂપ થઇ ગયું હોય કે એના સિવાય એ બીજું કશું દેખ્યા છતાં લેખી જ શકે નહિ અથવા સર્વત્ર એને જ જુએ; તે વિષયમાં ચિત્તની સમાધિદશા કહેવાય. મનુષ્યની જે સ્થિર ભાવના કરતાં એ કદી નીચે ઉતરતો ન હોય, તે ભાવનામાં એની સમાધિ છે એમ સમજવું. સમાધિ શબ્દનો ધાત્વર્થ પણ આ જ છે. ઉદાહરણથી આ વિશેષ સમજાશે. લોભી મનુષ્ય જે જે વસ્તુને જુએ તેમાં ધનને જ ખોળે છે. ઉકરડો હોય કે રસાળ જમીન હોય, નાનકડું ફુલ હોય કે સોનામહોર હોય, એ એમાંથી કેટલું ધન પ્રાપ્ત થાય એ જ તાકે છે. જે દિશાએ એ નજર નાંખે તે દિશામાંથી એ ધનપ્રાપ્તિનો સંભવ શોધે છે. એને આખું જગત ધનરૂપે જ ભાસે છે. ઉડતાં પક્ષીનાં પીંછાઓ, જાતજાતનાં પતંગીયાંઓ, હવાવાળી ટેકરીઓ, નહેર ખણી શકાય એવી નદીઓ, તેલ કાઢી શકાય એવા કુવાઓ, પુષ્કળ લોકો જ્યઆં આવતા હોય એવાં તીર્થસ્થાનો - સર્વેને એ ધન પ્રાપ્તિના સાધન રૂપે ઉત્પન્ન થયેલાં હોય એમ માને છે. આવી ચિત્તની દશાને લોભ સમાધિ કહી શકાય.

કોઇ રસાયનશાસ્ત્રી જગતમાં જ્યાં જ્યાં રાસાયનિક ક્રિયાઓના જ પરિણામ રૂપે બધું થયેલું જુએ છે. એ શરીરમાં, ઝાડોમાં, પથ્થરમાં, આકાશમાં સર્વત્ર રસાયનનો જ ચમત્કાર જુએ છે. એમ કહી શકાય કે એની રસાયનમાં સમાધિ થઈ છે.

કોઇ મનુષ્ય જ્યાં ત્યાં હિંસાથી જ જગત ચાલતું જુએ છે. મોટો જીવ નાનાને મારીને જ જીવે છે એમ એ સર્વત્ર નિહાળે છે. 'બળીયાને જ જીવવાનો અધિકાર છે, એવો નિયમ એ દુનીયામાં દેખે છે. એને હિંસાભાવનામાં સમાધિ થયેલી ગણાય.

વળી, કોઈ બીજો માણસ આખું જગત પ્રેમના નિયમ ઉપર જ રચાયેલું જુએ છે. દ્વેષને એ અપવાદરૂપે અથવા વિકૃતિ રૂપે પેખે છે. જગતનો શાશ્વત નિયમ- જગતને ટકાવનારો નિયમ - પરસ્પર પ્રેમવૃત્તિ છે એમ જ એને દેખાય છે. એના ચિત્તની પ્રેમસમાધિ છે.

કોઇ ભક્ત પોતાના ઇષ્ટ દેવની મૂર્તિને જ અણુઅણુમાં પ્રત્યક્ષવત્ દેખે છે. એની મૂર્તિને વિષે સમાધિ ગણાય.

એ રીતે જે ભાવનામાં ચિત્તની સ્થિરતા થઇ હોય તે ભાવનાની એને સમાધિ છે એમ કહેવાય.

દરેક મનુષ્યને આ રીતે કોઇ ને કોઇ સમાધિ છે. પણ જે ભાવનાઓ મનુષ્યની ઉન્નતિ કરનારી છે, એનું ચિત્ત શુદ્ધ કરનારી છે, એને સુખદુઃખથી પર કરી શાન્ત કરી મુકનારી છે, એ ભાવનાઓની સમાધિ અભ્યાસ કરવા જેવી કહેવાય. એવી સાત્વિક સમાધિઓ જ્ઞાનશક્તિ, ઉત્સાહ, આરોગ્ય વગેરે સર્વેને વધારવાવાળી છે; એ બીજાને પણ આશીર્વાદ રૂપ થઇ પડે છે. એમાં સ્થિરતા થયા પછી એમાંથી વ્યુત્થાન થતું નથી, એટલે પાછી નીચલી હલકી ભાવનામાં પ્રવેશ થતો નથી. એવી ભાવનાઓ તો મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા વગેરે મિત્રભાવના બંધાય, પછી એમાંથી ઉતરીને હિંસા કે દ્વેષ થાય જ નહિ. આવી ભાવનાઓ અને શીલોના અભ્યાસથી મનુષ્ય શાન્તિ અને સત્યના દ્વાર સુધી પહોંચે છે. ભાવનાઓના આ પ્રમાણને ઉત્કર્ષ વિનાની હઠથયોગની સમાધિ વિશેષ ફળ આપનારી નથી. એવા પ્રકારના સમાધિલાભ માટે બૌદ્ધ ગ્રન્થોમાં ઘણી સુંદર સૂચનાઓ છે.

પા૦ ૨૦ : સમાજસ્થિતિ- ખરૂં જોતાં, પ્રત્યેક કાળમાં ત્રણ જાતના માણસો હોય છે. એક પ્રત્યક્ષ નાશવંત જગતને ભોગવવાની તૃષ્ણાવાળા; બીજા મરણ પછી એવા જ પણ કાલ્પનિક હોવાથી વિશેષ રમ્ય લાગતા જગતને ભોગવવાની તૃષ્ણાવાળા; (એ કાલ્પનિક ભોગો માટે કાલ્પનિક દેવોની અથવા ભૂતકાળમાં થઇ ગયેલા પુરુષોને કલ્પનાથી પોતા કરતાં વિજાતીય સ્વરૂપ આપીને તેની ઉપાસના કરે છે.) ત્રીજા મોક્ષની વાસનાવાળા - એટલે પ્રત્યક્ષ સુખદુઃખ, હર્ષશોકમાંથી મુક્તિ ઇચ્છવાવાળા નહિ, પણ જન્મમરણની ઘટમાળમાંથી નિવૃત્ત થવાની ઇચ્છાવાળા.

એથી ચોથા સંત પુરુષો પ્રત્યક્ષ જગતમાંથી ભોગ ભાવનાનો નાશ કરી, તેમજ મરણ પછી ભોગ ભોગવવાની ઇચ્છાનો પણ નાશ કરી, તથા જન્મમરણની પરંપરાના ભયથી ઉત્પન્ન થતી મોક્ષવાસનાને પણ છોડી, જે સ્થિતિમાં જે સમયે હોય તે સ્થિતિને શાન્તિ પૂર્વક ધારાણ કરવાવાળા હોય છે. એ પણ પ્રત્યક્ષને જ પૂજવાવાળા છે, પણ એમાં એમને ભોગવૃત્તિ નથી; કેવળ મૈત્રી, કરુણા કે મુદિતાની જ વૃત્તિથી એ પ્રત્યક્ષ ગુરુ અને ભૂત-પ્રાણીને પૂજે છે.

આ પ્રત્યેક ઉપાસનામાંથી મનુષ્યને પસાર થવું પડે છે. કેટલા વખત સુધી એ એક જ ભૂમિકામાં ટકે એ એની વિવેકદશા ઉપર અવલંબી રહે છે. પા૦ ૨૩: શરણત્રય - જુદે જુદે નામે આ 'શરણત્રય'નો પ્રત્યેક સંપ્રદાયમાં મહિમા સ્વીકાર્યો છે. એનું કારાણ એ કે એ શરણત્રય સ્વાભાવિક જ છે. ગુરુમાં નિષ્ઠા, સાધનામાં નિષ્ઠા અને ગુરુભાઇઓમાં પ્રીતિ અથવા સંતસમાગમ એ ત્રિપુટિ વિના કોઇ પુરુષની ઉન્નતિ થતી નથી. બૌદ્ધશરણત્રયની પાછળ આ જ ભાવના રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ જ ત્રણ ભાવનાને નિશ્ચય (સહજાનંદ સ્વામીમાં નિષ્ઠા), નિયમ (સંપ્રદાયના નિયમોનું પાલન) અને પક્ષ (સત્સંગીઓ માટે બંધુભાવ) એ નામોથી સંબોધી છે.

बुद्धं शरणं गच्छामि એ શરણની યથાર્થતા તો વાસ્ત્કવિક રીતે બુદ્ધ પ્રત્યક્ષ હતા ત્યારે જ હતી. પોતાના ગુરુની પૂર્ણતા વિષે દૃઢ શ્રદ્ધા ન હોય તો શિષ્ય ચડી શકે જ નહિ. જ્યાં સુધી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી જ મુમુક્ષુને કોઉ દેવાદિકને વિષે ભૂતકાળના અવતારોની ભક્તિમાં રસ લાગે છે. ગુરુપ્રાપ્તિ બાદ ગુરુ એ જ પરમ દૈવત - પરમેશ્વર બને છે. વેદ ધર્મોમાં અનુભવ અથવા જ્ઞાનના આધારે રચાયેલા સર્વે ધર્મોમાં ગુરુને જ શ્રેષ્ઠ દૈવત ગણેલું છે.

પણ જ્યારે જ્યારે કોઇ ગુરુ સંપ્રદાય સ્થાપી જાય છે, ત્યારે ગુરુની ઉપાસનામાંથી પરોક્ષ અવતાર કે દેવની ઉપાસનામાં એ સંપ્રદાય ઉતરી પડે છે. કાળે કરીને આદ્ય સ્થાપક પરમેશ્વરપણાનું સ્થાન પ્રાપ્ત કરે છે, અને એ આપણો તારક છે એવે શ્રદ્ધાના પાયા ઉપર સંપ્રદાયની રચના થાય છે. ત્યાર પછી આ પ્રથમ શરણની ભાવના જુદું જ સ્વરૂપ પકડે છે.

આ ત્રણ શરણ આધ્યાત્મિક માર્ગમાં જ ઉપકારી છે એમ માનવાનું નથી. કોઇ પણ સંસ્થા કે પ્રવૃત્તિ, નેતા કે આચાર્યને વિષે શ્રદ્ધા, એના નિયમોનું પાલન અને એમાં જોડાયેલા બીજા જનો પ્રત્યે બંધુભાવ વિના યશસ્વી થઇ શકતી નથી. 'પોતાની સંસ્થાનું અભિમાન' એ શબ્દોમાં આ ત્રણ ભાવનાઓ જ પરોવાયેલી છે; અને તેથી ઉપર કહ્યું છે કે આ શરણત્રય સ્વાભાવિક છે.

હાલના કાળમાં ગુરુભક્તિ વિષે ઉપેક્ષા કે અનાદરની વૃત્તિ કેટલેક ઠેકાણે જોવામાં આવે છે. ઉન્નતિની ઇચ્છા રાખનારે એ વૃત્તિને સ્વીકારી લેવાની લાલચમાં પડવું ન જોઇયે. આર્યાવ્રતના ધર્મો અનુભવના માર્ગો છે. અનુભવો કદી પણ વાણીથી બરાબર બતાવી શકાય નહિ. પુસ્તકો એથી પણ ઓછું બતાવે. પુસ્તકોથી જ સર્વ જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો વિદ્યાર્થીને મૂળાક્ષર, બારાખડી અને સો કે હજાર સુધી આંકડા શીખવી શાળાઓ બંધ કરી શકાય. પણ પુસ્તક કદી શિક્ષકની અવેજી લઇ શકે જ નહિ; તેમ શાસ્ત્રો અનુભવ લીધેલા સંતની તોલે આવી શકે જ નહિ.

વળી ભક્તિ - પૂજ્ય ભાવ, આદર- એ મનુષ્યની એક સ્વાભાવિક વૃતિ છે. થોડે ઘણે અંશે સર્વેમાં એ રહેલી છે. જેમ જેમ એ પરોક્ષ અથવા કલ્પનાઓમાંથી નીકળી પ્રત્યક્ષમાં ઉતરે તેમ તેમ પૂર્ણતાની વધારે સમીપ. એવી પ્રત્યક્ષ ભક્તિની ભૂખ પૂરેપૂરી ઉઘડે અને તેની તૃપ્તિ થાય ત્યાર પછી જ નિરાલંબ શાન્તિની દશાએ પહોંચાય. ગુરુભક્તિ સિવાય એ ભૂખની પૂરેપૂરી તૃપ્તિ થઈ શક્તી નથી. માતા-પિતા પ્રત્યક્ષપણે પૂજ્ય છે, પણ તેમને વિષે અપૂર્ણતાનું ભાન હોવાથી એમની સારી પેઠે ભક્તિ કર્યા બાદ પણ ભક્તિની ભૂખ રહી જાય છે, અને તેને ભાંગવા જ્યાં સુધી સદ્ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મનુષ્યને પરોક્ષ દેવાદિકની સાધાનાનો આસરો લેવો પડે છે. એ રીતે ગુરુ જ્ઞાનપ્રાપતિ માટે આવશ્યક છે કે નહિ એ વિચારને બાજુએ રાખીયે તોપણ એમ કહી શકાય કે એના વિના મનુષ્યની ભક્તિની ભાવનાનો પૂર્ણ વિકાસ થઇ ત્યાર પછીની ભાવનામાં પ્રવેશ થઈ શકતો નથી.

પા૦ ૩૩: વર્ણની સમાનતા- સમાજમાં વર્ણવ્યવસ્થા હોવી એ એક વસ્તુ છે, અને વર્ણમાં ઉંચનીચપણાનું અભિમાન હોવું એ બીજી વસ્તુ છે. વર્ણ વ્યવસ્થા સામે કોઇ સંતોએ વાંધો લીધો નથી. વિદ્યાની, શાસ્ત્રની, અર્થની કે કળાની ઉપાસના કરવાવાળા પુરુષોના સમાજમાં જુદાં જુદાં કર્મો હોય એમાં કોઇને વાંધો લેવાપણું ન હોય; પણ એ કર્મને લીધી જ્યારે ઉંચનીચના ભેદો પાડી વર્ણનું અભિમાન ધારવામાં આવે, ત્યારે સંતો એની સામે કટાક્ષ કરે જ છે. એ અભિમાન સામે પોકાર ઉઠાવનાર માત્ર બુદ્ધ જ નથી. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ તુકારામ, વલ્લ્ભાચાર્ય, ચૈતન્યદેવ, નાનક, કબીર, નરસિંહ મહેતો, સહજાનંદ સ્વામી વગેરે કોઈ પણ સંતો વર્ણના અભિમાનને વખોડ્યા વિના રહ્યા નથી. એમાંના ઘણાખરાઓએ પોતાપૂરતં તો ચાલુ રૂઢિઓનાં બંધનો કાપી જ નાંખ્યા છે. સર્વેએ એ રૂઢિઓને તોડાવવાનો આગ્રહ કર્યો નથી, એનાં બે કારણો હોઇ શકે. જે પ્રમભાવનાના બળથી એમને પોતાને એ નિયમોમાં રહેવું અશક્ય લાગ્યું, તે ભાવનાના વિકાસ વિના એ રિવાજોનો ભંગ કશો ફાયદાકારક નથી તથા રૂઢિઓના સંસ્કારો એટલા બળવાન હોય છે કે એ સહેલાઇથી જીતી શકાતા નથી.

પા૦ ૪૧ : ફકરો બીજો - અભ્યુન્નતિના સાત નિયમો કહીને છ ગણાવ્યા છે. એક ભૂલથી રહી ગયો છે, તે નીચે પ્રમાણે : (૭) દુષ્ટની સંગતમાં પડશો નહિ.