લખાણ પર જાઓ

બુદ્ધ અને મહાવીર/બુદ્ધ/કેટલાક પ્રસાંગો અને અન્ત

વિકિસ્રોતમાંથી
← ઉપદેશ બુદ્ધ અને મહાવીર
કેટલાક પ્રસાંગો અને અન્ત
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
નોંધ →




કેટલાક પ્રસંગો અને અન્ત

જ્ઞાનની કસોટી
૧. મહાપુરુષોના ઉપદેશો એમણે શું વિચાર્યું છે, એ દર્શાવે છે; એમના ઉપદેશથી સમાજ ઉપર થયેલી અસર એમની વાણીનો પ્રભાવ જણાવે છે; પણ એ વિચાર અને વાણીની પાછળ રહેલી નિષ્ઠા એમના જીવનના પ્રસંગો પરથી જ જણાય છે. માણસ વિચારે છે તેટલું બોલી શક્તો નથી, અને બોલે છે તેટલું કરી શકતો નથી. માટે એ જે કરે છે તે ઉપરથી જ એનું તત્ત્વજ્ઞાન એના હૃદયમાં કેટલું ઉતર્યું હતું તે પારખી શકાય છે.
મિત્રભાવના
જો જગત પ્રત્યેની મિત્રતાની ભાવનાની આપણે મૂર્તિ બનાવી શકીયે તો તે બુદ્ધના જેવી હોય એમ કહેવાને હરકત નથી. પ્રાણીમાત્ર વિષે મૈત્રી સિવાય બીજી કોઈ એમને દ્રષ્ટિ જ ન હતી. એના ઉપર વૈરભાવ રાખનારા કેટલાયે જન નીકળ્યા, હલકામાં હલકાં આળ ચડાવવાથી લઇને એમને મારી નાંખવા સુધીના પ્રયત્નો કરવામાં આવ્યા. પણ એમના હૃદયમાં એ વિરોધીઓ વિષે પણ મિત્રતાથી હલકો ભાવ નીકળી શક્યો જ નહિ, એ નીચેના પ્રસંગો પરથી સમજાશે; અને તે ઉપરથી અવતાર એટલે કેવા પુરુષ હોય તેનો ખ્યાલ આવશે.
કૌશામ્બીની
રાણી
૩.કૌશામ્બીના ઉદયન રાજાની રાણી જ્યારે કુમારી હતી, ત્યારે એના પિતાએ બુદ્ધને એનું પાણી ગ્રહણ કરવા વિનંતિ કરેલી. પણ બુદ્ધે તે વખતે જવાબ વાળ્યો હતો કે "મનુષ્યના નાશવંત શરીર ઉપરથી મોહ છુટી જવાથી મેં ઘર છોડ્યું. પરણવામાં મને કશો આનંદ જણાતો નથી. હું એ કન્યાનો સ્વીકાર કેવી રીતે કરૂં?"

પોતાના જેવી સુંદર કન્યાનો અસ્વીકાર કરવાથી એ કુમારીને અપમાન લાગ્યું. વખત આવ્યે બુદ્ધ પર વેર વાળવા એણે મનમાં નિશ્ચય કર્યો. જતે દહાડે એ ઉદયન રાજાની પટ્ટરાણી થઇ.

એક વાર બુદ્ધ કૌશામ્બીમાં આવ્યા. શહેરના લફંગાઓને પૈસા આપી આ રાણીએ એમને શીખવ્યું કે જ્યારે બુદ્ધ અને એના શિષ્યો શહેરમાં ભિક્ષા માટે ફરે, ત્યારે એમને ખૂબ ગાળો દેવી. તે ઉપરથી જ્યારે બુદ્ધનો સંઘ ગલીઓમાં પેસે કે ચારે તરફથી એમના ઉપર બીભત્સ ગાળોનો વરસાદ વરસવા લાગ્યો. કેટલાક શિષ્યો અપશબ્દોથી મુંઝાયા. આનંદ નામના એક શિષ્યે શહેર છોડી જવા બુદ્ધને વિનંતિ કરી.

બુદ્ધે કહ્યું, "આનંદ, જો ત્યાં પણ આપણને લોકો ગાળો દેશે તો શું કરીશું?"

આનંદ બોલ્યો, "બીજે ક્યાંય જશું."
બુદ્ધ - અને ત્યાં પણ એમ થાય તો?
આનંદ - વળી કોઇ ત્રીજે ઠેકાણે.
બુદ્ધ - આનંદ જો આપણે આ પ્રમાણે નાસભાગ કર્યા કરીશું, તો નિષ્કારણ ક્લેશભાગી જ થઈશું. એથી ઉલટું જો આપણે આમના અપશબ્દો સહન કરી લઈશું, તો એમની બીકથી બીજે જવાનું પ્રયોજન નહિ રહે, અને આમની ચાર આઠ દિવસ ઉપેક્ષા કરતાં એ પોતાની મેળે મૂંગા થઈ જશે.

૭. બુદ્ધના કહેવા પ્રમાણે જ સાત આઠ દિવસમાં શિષ્યોને અનુભવ થયો.


ખૂનનઓ આરોપ
૮. વળી એકવાર બુદ્ધ શ્રાવસ્તીમાં રહેતા હતા. એમની લોકપ્રિયતાને લીધે એમના ભિક્ષુઓનો શહેરમાં સારો આદરસત્કાર થતો. આથી અન્ય સંપ્રદાયના વેરાગીઓને ઇર્ષ્યા થવા લાગી. એમણે બુદ્ધ વિષે એવી વાત ફેલાવી કે એમની ચાલચલગત સારી નથી. થોડા દહાડા પછી વેરાગીઓએ એક વેરાગી સ્ત્રીનું ખૂન કરાવી, તેનું શબ બુદ્ધના વિહાર પાસે એક ખાડામાં ફેંકાવ્યું, અને પછી રાજાની આગળ પોતાના સંઘની એક સ્ત્રી ખોવાય છે એમ ફરીયાદ કરી અને બુદ્ધ અને એના શિષ્યો પર વહેમ ખાધો. રાજાના માણસોએ શબ માટે તપાસ કરી અને બુદ્ધના વિહાર પાસેથી એને શોધી કાઢ્યું. થોડા વખતમાં આખા શહેરમાં આ વાત ફેલાઇ ગઇ અને બુદ્ધના તથા એના ભિક્ષુઓ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો. જે તે એમના ઉપર થૂ-થૂ કરવા મંડ્યા.

બુદ્ધ આથી જરાયે બીધા નહિ. "ખોટા બોલાને પાપ સિવાય બીજી ગતિ નથી." એમ જાણી એ શાન્ત રહ્યા.

૧૦. કેટલાક દિવસ પછી જે મારાઓએ વેરાગણનું ખૂન કર્યું હતું તેઓ એક દારૂના પીઠામાં ભેગા થઇ ખૂન કરવા માટે મળેલા પૈસાની વહેંચણી કરતા હતા. એક બોલ્યો, "મેં સુંદરીને મારી માટે હું મોટો ભાગ લઈશ."

બીજાએ કહ્યું, "મેં ગળું દાબ્યું ન હોત તો સુંદરીએ બૂમ પાડીને આપણને ઉઘાડા પાડી દીધા હોત."

૧૧. આ વાત રાજા ગુપ્ત માણસોએ સાંભળી. એમને પકડી એ રાજા પાસે લઇ ગયા. મારાઓએ પોતાનો ગુન્હો કબુલ કરીને જે હકીકત હતી તે કહી દીધી. બુદ્ધ પરનું આળ ખોટું ઠરવાથી એમને વિષેનો પૂજ્યભાવ ઉલટો બમણો વધ્યો, અને પેલા વેરાગીઓનો સર્વને તિરસ્કાર આવ્યો.

દેવદત્ત
૧૨. એમનો ત્રીજો વિરોધી દેવદત્ત નામે તેમનો એક શિષ્ય જ હતો. દેવદત્ત શાક્ય વંશનો જ હતો. એ ઐશ્વર્યનો અત્યંત લોભી હતો. એને માન અને મોટપ જોઇતાં હતાં. કોઇ રાજકુમારને પ્રસન્ન કરી એણે આ કાર્ય સાધવા વિચાર કર્યો.

૧૩. બિમ્બિસાર રાજાને એક અજાતશત્રુ નામે પુત્ર હતો. દેવદત્તે એને ફોસલાવી પોતાને વશ કરી લીધો.

૧૪. પછી એ બુદ્ધ પાસે આવી કહેવા લાગ્યો, "તમે હવે ઘરડા થયા છો માટે સર્વ ભિક્ષુઓનો મને નાયક બનાવો, અને તમે હવે શાન્ત પણે બાકીનું આયુષ્ય ગાળો."

૧૫. બુદ્ધે એ માગણી સ્વીકારી નહિ. એમણે કહ્યું, "તું હજુ એ અધિકારને લાયક નથી."

૧૬. દેવદત્તને આથી અપમાન લાગ્યું. એણે બુદ્ધ ઉપર વેર વાળવા મનમાં ગાંઠ બાંધી.

૧૭. એ અજાતશત્રુ પાસે ગયો. એને કહ્યું, "કુમાર, મનુષ્યદેહનો ભરોંસો નથી. ક્યારે મરી જવાશે તે કહેવાય નહિ. માટે જે પ્રાપ્ત કરવાનું છે તે તુર્ત જ મેળવી લેવું જોઈયે. તું પહેલો મરીશ કે તારો બાપ પહેલો મરશે એ નક્કી નથી. તને રાજ્ય મળે તે પહેલાં જ તારો કાળ આવવાનો સંભવ છે. માટે રાજાના મરવાની રાહ ન જોતાં એને મારીને તું રાજા થા, અને બુદ્ધને મારીને હું બુદ્ધ થાઉં."

૧૮. અજાતશત્રુને ગુરુની યુક્તિ પસંદ પડી. એણે ઘરડા બાપને કેદખાનામાં નાંખી ભૂખ્યો માર્યો અને પોતે સિંહાસન પર ચઢી બેઠો. હવે દેવદત્તનો રાજ્યમાં વગ વધી જાય એમાં શી નવાઇ?

લોકો જેટલો રાજાનો ભય રાખતા તેથી પણ વધારે દેવદત્તથી ડરતા. બુદ્ધનું ખૂન કરવા એણે રાજાને પ્રેર્યો. પણ જે જે મારાઓ ગયા તે બુદ્ધને મારી જ શક્યા નહિ. બુદ્ધની નિરતિશય અહિંસા અને પ્રેમવૃત્તિ, એમના વૈરાગ્યપૂર્ણ અન્તઃકરણમાંથી નીકળતો સચોટ ઉપદેશ એમના શત્રુઓનાં ચિત્તને પણ શુદ્ધ કરી દેતાં. જે જે મારાઓ ગયા તે બુદ્ધના શિષ્ય થઇ ગયા.

શિલાપ્રહાર
૧૯. દેવદત્તને આથી બહુ ચીડ ચડી. એકવાર ગુરુ પર્વતની છાયામાં ફરતા હત ત્યારે પર્વતની ધાર પરથી દેવદત્તે એક મોટી શિલા એમના ઉપર ધકેલી દીધી. દેવયોગે શિલા તો એમના ઉપર ન પડી, પણ એમાંથી એક ચીપ ઉડીને બુદ્ધદેવના પગમાં વાગી. બુદ્ધે દેવદત્તને જોયો. એમને એના ઉપર દયા આવી. એ બોલ્યા, "અરે મૂર્ખ, ખૂન કરવાના ઇરાદાથી તેં આ જે દુષ્ટ કૃત્ય કર્યું તેથી તું કેટલા પાપનો ભાગીદાર થયો તેનું તને ભાન નથી."

૨૦. પગના જખમથી બુદ્ધને ઘણો વખત હરવા ફરવાનું અશક્ય થયું. ભિક્ષુઓને બીક લાગી કે દેવદત્ત વળી પાછો બુદ્ધને મારવાનો લાગ શોધશે. તેથી તેઓ રાતદિવસ એની આસપાસ ચોકીપહેરો રાખતા. બુદ્ધને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું, " ભિક્ષુઓ, મારા દેહ માટે આટલી કાળજી લેવાની જરૂર નથી. મારા શિષ્યથી બ્હીને મારા શરીરને હું સાચવવા ઇચ્છતો નથી. માટે કોઇએ ચોકી ન કરતાં પોતપોતાના કામે લાગી જવું."

હાથી પર
વિજય
૪.૨૧. કેટલેક દિવસે બુદ્ધ સાજા થયા. પણ દેવદત્તે વળી તેમને એક હાથી તળે ચગદાવી નાંખવાનો વિચાર કર્યો. બુદ્ધ એક ગલીમાં ભિક્ષા લેવા નીકળ્યા કે સામી બાજુથી

દેવદત્તે રાજાના એક મત્ત હાથીને છોડાવી મૂક્યો. લોકો આમ તેમ નાસવા લાવ્યા. જેને જ્યાં જગ્યા દેખાઇ ત્યાં ચઢી ગયા. બુદ્ધને પણ કેટલાક ભિક્ષુઓએ એક માળ પર ચડી જવા બૂમ મારી. પણ બુદ્ધ તો દૃઢપણે જમીન પર જેમ ચાલતા હતા તેમ જ ચાલતા રહ્યા. પોતાની સર્વ પ્રેમવૃત્તિનું એકીકરણ કરી, એ સર્વ કરુણા પોતાનાં નેત્રોમાંથી એમણે હાથીના ઉપર વરસાવી. હાથી સૂંઢ નીચે નાખી એક પાળેલા કૂતરાની પેઠે બુદ્ધ આગળ ઉભો થઇ ગયો. બુદ્ધે એના ઉપર હાથ ફેરવી પોતાનો લાડ દર્શાવ્યો. હાથી ગરીબ બની પાછો ગજશાળામાં પોતાને સ્થાનકે જઇ ઉભો રહ્યો. "કોઇ લાકડીથી, કોઇ અંકુશથી અને કોઇ ચાબુકથી (જાનવરનું) દમન કરે છે, પણ મહર્ષિ બુદ્ધે લાકડી કે કાંઈ પણ હથીયાર વિના હાથીનું દમન કર્યું."

દેવદત્તની
વિમુખતા
૨૨. પછી દેવદત્તે કેટલાક શિષ્યોને ભોળવી જુદો પંથ કાઢ્યો. પણ એમને એ રાખી ન શક્યો અને સર્વે શિષ્યો પાછા બુદ્ધને શરાણે આવ્યા. કેટલેક કાળે દેવદત્ત માંદો પડ્યો. એને એનાં કર્મો માટે પશ્ચાતાપ થવા લાગ્યો. પણ તે બુદ્ધ આગળ પ્રકટ કરતાં પહેલાં જ તેનું મરણ થયું.

૨૩. અજતશત્રુએ પણ એનાં કર્મો માટે પાશ્ચાત્તાપ કર્યો. એણે પાછું બુદ્ધનું શરણું લીધું અને સન્માર્ગે વળગ્યો.

પરિનિર્વાણ
૨૪. એંશી વર્ષની વય થતાં સુધી બુદ્ધે ધર્મોપદેશ કર્યો. આખા મગધમાં એમના વિહારો ફેલાઈ ગયા અને મગધનું નામ બિહાર પડી ગયું. હજારો માણસો બુદ્ધના ઉપદેશથી પોતાનું જીવન સુધારી સન્માર્ગે વળગ્યા. એકવાર ભિક્ષામાં કાંઇ અયોગ્ય અન્ન મળવાથી બુદ્ધને અતિસારનો રોગ લાગુ થયો. તે મંદવાડમાંથી બુદ્ધ ઉઠ્યા જ નહિ. ગોરખપુર જીલ્લામાં કસાયા નામે એક ગામ છે, ત્યાંથી એક માઈલને અંતરે 'માથાકુંવરકા કોટ' નામે સ્થાન છે, ત્યાં આગળ તે કાળે કુસિનારા નામે ગામ હતું. ત્યાં બુદ્ધનું પરિનિર્વાણ થયું.


ઉત્તરક્રિયા
૨૫. એમના મરણથી એમના શિષ્યોમાં અત્યંત શોક છવાઈ ગયો. જ્ઞાની શિષ્યોએ સર્વ સંસ્કાર અનિત્ય છે, કોઇની સાથે કાયમનો સમાગમ રહી શકતો નથી, એવા

વિવેકથી ગુરુનો વિયોગ સહન કરી લીધો.


સ્તૂપો
બુદ્ધના ફુલો પર ક્યાં સમાધિ બાંધવી એ વિષે એમના શિષ્યોમાં બહુ પ્રેમકલહ થયો. છેવટે એ ફુલોના આઠ વિભાગ કરવામાં આવ્યા. એને જુદે જુદે ઠેકાણે દાટી એ ઉપર સ્તૂપો બાંધવામાં આવ્યા. એ ફુલ જે ઘડામાં રાખ્યા હતાં તે ઘડા ઉપર અને એમની ચિત્તાના કોલસા ઉપર બે સ્તૂપો બંધાયા.


બૌદ્ધતીર્થો
૨૪. ફુલ પરના આઠ સ્તૂપો નીચેની જગ્યાઓમાં છે: રાજગૃહ (પટના પાસે), વૈશાલી, કપિલવસ્તુ, અલ્લકપ્પ, રામગ્રામ, વેઠ્ઠદ્વીપ, પાવા અને કુસિનારા. બુદ્ધનું જન્મસ્થાન લુમ્બિની વન (નેપાળની તરાઇમાં), જ્ઞાન પ્રાપ્તિનું સ્થાન બુદ્ધ-ગયા, પ્રથમોપદેશનું સ્થાન સારનાથ(કાશી પાસે) અને પરિનિર્વાણનું સ્થાન કુસિનરા એ બૌદ્ધ ધર્મના મુખ્ય તીર્થો તરીકે લાંબા કાળ સુધી પૂજાયાં.


ઉપસાંહાર
૨૭. એવી પૂજાવિધિથી બુદ્ધના અનુયાયીઓએ પોતાના ગુરુદેવ પ્રતિનો આદર બતાવ્યો. પણા એમણે પોતે તો છેવટના ઉપદેશમાં આ મુજબ કહેલું: "મારા પરિનિર્વાણ પછી માસ દેહની પૂજા કરવાની ભાંગજડમાં પડતા નહિ. મેં જે સન્માર્ગ શીખવ્યો છે તે પ્રમાણે ચાલવા પ્રયત્ન કરજો. સાવધાન, ઉદ્યોગી અને શાન્ત રહેજો. મારા અભાવે મારો ધર્મ અને વિનય એને જ તમારો ગુરુ માનજો. જેની ઉત્પત્તિ થઇ છે તેનો નાશ છે એમ વિચારી સાવધાનપણે વર્તજો."


ખરી અને
ખોટી પૂજા
૨૮. બુદ્ધદેવની પ્રસાદિના સ્થળોમાં ફરી આપણે એમની પૂજા કરી નથી શકવાનાં. સત્યન શોધન અને આચરણ માટે એમનો આગ્રહ તેને માટે ભારેમાં ભારે પુરુષાર્થ, એમની અહિંસાવૃત્તિ, મૈત્રી, કરુણા વગેરે સદ્ભાવનાઓને આપણા હૃદયમાં આપણે વિકસાવીયે એ જ એમના પ્રતિનો આપણો ખરો આદર હોઇ શકે; અને એમનાં બોધવચનોનું મનન એ જ એમની અવતાર તરીકેની આપણી પૂજા ગણાય.