બુદ્ધ અને મહાવીર/બુદ્ધ/ઉપદેશ

વિકિસ્રોતમાંથી
← સંપ્રદાય બુદ્ધ અને મહાવીર
ઉપદેશ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
કેટલાક પ્રસાંગો અને અન્ત →







ઉપદેશ

આત્મપ્રતીતિ
એ જ પ્રમાણ
૧. ચારિત્ર, ચિત્તશુદ્ધિ અને દૈવી સંપત્તિનો વિકાસ એ બુદ્ધના ઉપદેશોમાં સૂત્ર રૂપે પરોવાઈ ગયાં છે. પણ એના યે સમર્થનમાં એ સ્વર્ગનો લોભ, નરકની ભીતિ, બ્રહ્મનો આનંદ, જન્મમરણનો ત્રાસ, ભવસાગરનો ઉતાર કે કોઇ પણ બીજી આશા કે ભીતિ આપવા ઇચ્છતા નથી. એ કોઇ શાસ્ત્રના આધારો આપવા ઇચ્છતા નથી. શાસ્ત્ર, સ્વર્ગ-નરક, આત્મા, જન્મ-મરણ વગેરે એમને માન્ય નથી એમ નહિ, પણ એ જે વાતો કહેવા ઇચ્છે છે તેની કિંમત સ્વયંસિદ્ધ છે અને પોતાને વિચારે જ સમજી શકાય એવી છે. એ કહે છે :

"હે લોકો, હું જે કાંઇ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરૂં માનશો નહિ. તમારી પૂર્વપરંપરાને અનુસરીને છે એમ પણ જાણીને પણ ખરૂં માનશો નહિ. તર્કસિદ્ધ છે એમ જાણી ખરૂં માનશો નહિ, લૌકિક ન્યાય છે એમ જાણી ખરૂં માનશો નહિ. સુંદર લાગે છે એમ જાણી ખરૂં માનશો નહિ. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરૂં માનશો નહિ. પણ તમારી પોતાની વિવેક્બુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે, તો જ તમે તેનો સ્વીકાર કરજો."


દિશાવંદન
૨. સવારમાં સ્નાન કરી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉર્ધ્વ અને અધ: એ, છ દિશાઓનું વંદન કરવાનો ઘણાકનો નિયમ હોય છે. બુદ્ધે એ છ દિશાઓનું વંદન નીચે પ્રમાણે બતાવ્યું છે :

સ્નાન કરી પવિત્ર થવું એ બસ નથી, છ દિશાને નમસ્કાર કરવાવાળાએ નીચેની ચૌદ બાબતોનો ત્યાગ કરવો જોઈયે : (૧) પ્રાણઘાત, ચોરી, વ્યભિચાર અને અસત્ય ભાષણ એ ચાર દુ:ખરૂપ કર્મો; (૨) સ્વચ્છંદ, દ્વેષ, ભય અન્નેએમોહ એ ચાર પાપનાં કારણો અને (૩) મદ્યપાન, રાત્રિભ્રમણ, નાટક-તમાશા, વ્યસન, જુગાર, કુસંગતિ અને આળસ એ છ સંપત્તિનાશનાં દ્વારો.

આ રીતે પવિત્ર થઇને એણે માતાપિતાને પૂર્વ દિશા સમજી તેમની પૂજા કરવી. એમની પૂજા એટલે એમનું કામ અને પોષણ કરવું, કુળમાં ચાલી આવેલાં સત્કર્મો ચાલુ રાખવાં, એમની સંપત્તિનો યોગ્ય વિભાગ કરવો અને મરી ગયેલાં ભાંડુઓના ભાગનાં દાનધર્મ કરવાં.

ગુરુને દક્ષિણ દિશા સમજી એ આવે ત્યારે ઉભા થઇ, બીમાર હોય ત્યારે શુશ્રુષા કરી, શીખવે ત્યારે શ્રદ્ધાપૂર્વક સમજી લઇ, પ્રસંગે તેમનું કામ કરી અને એમણે આપેલી વિદ્યાને સંભારી રાખી એ દિશાની પૂજા કરવી.

પશ્ચિમ દિશા એ સ્ત્રીની જાણવી, એનું માન રાખવાથી, અપમાન ન થવા દેવાથી, એકપત્નીવ્રતથી, ઘરનો કારભાર એને સોંપવાથી અને જોઇતાં વસ્ત્રાદિક પૂરાં પાડવાથી એની પૂજા થાય છે.

ઉત્તર દિશા એટલે મિત્રવર્ગ અને સગાંસંબંધી. એમને આપવા જેવી ચીજો એમને ભેટ કરવાથી, એમની સાથે મીઠાશ રાખવાથી, એમને ઉપયોગી થઇ પડવાથી, એમની જોડે સમાનભાવે વર્તવાથી અને નિષ્કપટ વ્યવહારથી એ દિશા બરાબર પૂજાય છે.

અધોદિશાનું વંદન સેવકને ગજા પ્રમાણે કામ સોંપવાથી, પૂરતો અને વખતસર પગાર ચુકવવાથી, બીમારીમાં એમની માવજત કરવાથી તથા સારૂં ભોજન અને સંગપ્રસંગે ઇનામ આપવાથી થાય છે.

ઉર્ધ્વ દિશાનું પૂજન સાધુસંતોના કાયા, વાચા અને મનથી આદર કરવાથી અને યોગ્ય વસ્તુનાં દાનથી થાય છે.

આ રીતનું દિશાનું પૂજન પોતાનું અને જગતનું કલ્યાણ કરવાવાળું નથી એમ કોણ કહેશે ?


શારીરિક
દશ પાપ
૩. પ્રાણઘાત, ચોરી અને વ્યભિચાર એ ત્રણ શારીરિક પાપ છે; અસત્ય, ચાડી, ગાળ અને બકવાદ એ ચાર વાચિક પાપ છે; અને પરધનની ઇચ્છા, બીજાના નાશની ઇચ્છા તથા સત્ય, અહિંસા, દયા, દાન વગેરેમાં અશ્રદ્ધા એ ત્રણ માનસિક પાપ છે.
ઉપોસથવ્રત
૪. મહિનામાં ચાર દિવસ ઉપોસથવ્રત કરવાવાળાએ તે દિવસે આ પ્રમાણે વિચાર કરવો જોઇયે : આજ હું પ્રાણઘાતથી દૂર રહ્યો છું;*[૧] પ્રાણીમાત્ર વિષે મારા મનમાં દયા ઉત્પન્ન થઇ છે, પ્રેમ ઉપજ્યો છે. હું આજ ચોરીથી દૂર છું, -જેના ઉપર મારો અધિકાર નથી, એવું હું કશું લેવાનો નથી; અને એ રીતે મેં મારા મનને પવિત્ર બનાવ્યું છે. આજે હું બ્રહ્મચર્ય પાળવાનો છું. આજે એમેં અસત્ય ભાષણનો ત્યાગ કર્યો છે; આજથી મેં સત્ય બોલવાનો નિશ્ચય કર્યો છે; આથી કરીને લોકોને મારા શબ્દો પર વિશ્વાસ બેસશે. મેં સર્વ પ્રકારનાં માદક પદાર્થોનો ત્યાગ કર્યો છે; અકાળભોજનનો ત્યાગ કર્યો છે; મધ્યાહન પહેલાં હું એક જ વાર જમવાનો છું. આજે નૃત્ય, ગીત, વાદ્ય, માળા, ગંધ, આભૂષણ વગેરેનો ત્યાગ રાખીશ. આજે હું તદ્દન સાદી શય્યા પર સુઈશ. આ આઠ
  1. * બુદ્ધના કાળમાં માંસાહારનો રિવાજ સાધારણ હતો. આજે પણ બિહાર તરફ વૈષ્ણવો સિવાય બીજા સર્વે માંસાહારી કે મસ્ત્યાહારી છે.
નિયમ પાળીને હું મહાત્મા બુદ્ધપુરુષનું અનુકરણ કરવાવાળો થાઉં છું.
સાત પ્રકારની
પત્નીઓ
૫.વધક, ચોર, ધણી, માતા, બહેન, મિત્ર અને દાસી એવી સાત પ્રકારની પત્નીઓ થાય છે. જેને પતિ વિષે અંતઃકરણમાં પ્રેમ જ ન હોય, જેને પૈસો જ વહાલો હોય તે સ્ત્રી વધક (મારા)ના જેવી છે. જે ધણીના પૈસામાંથી ચોરી ખાનગી ધન કરે છે તે ચોરના જેવી છે. જે કામ કરતી નથી પણ અત્યંત ખાવાવાળી છે, પતિને ગાળો દેવામાં કસર નથી રાખતી તે ધણી (માલેક)ના જેવી છે. જે પત્ની એકના એક પુત્ર પ્રમાણે પતિની સંભાળ લઇ એની સંપત્તિ જાળવે છે તે માતાના જેવી છે. નાની બહેનની માફક જે ધણીને માન આપે છે અને તેના કહ્યા પ્રમાણે કરે છે તે બહેનના જેવી છે. જાણે કોઈ મિત્ર લાંબે વખતે મળતો હોય તેમ જે પતિને જોતાં જ હર્ષિત થઇ જાય છે, એવી કુલીન અને શીલવતી પત્ની મિત્રના જેવી છે. ધણી ચીડાય તો પણ જે ચીડાતી નથી, ધણી વિષે જે ખરાબ વિચાર પણ મનમાં લાવતી નથી તે દાસી સમાન પત્ની છે.
સર્વ વર્ણની
સમાનતા
૬. બુદ્ધ વર્ણના અભિમાનને માનતા નહિ. સર્વ વર્ણને મોક્ષનો અધિકાર છે. વર્ણનું શ્રેષ્ઠત્વ ઠરાવવાનું સ્વતઃસિદ્ધ પ્રમાણ કયું એમ એ પૂછતા. જો ક્ષત્રિયાદિક વર્ણો પાપ કરે તો તે નરકમાં જાય, અને બ્રાહ્મણાદિક પાપ કરે તો ન જાય? જો બ્રાહ્મણ પુણ્ય કર્મ કરે તો તે સ્વર્ગમાં જાય અને ક્ષત્રિયાદિક કરે તો તે ન જાય ? બ્રાહ્મણ રાગદ્વેષાદિકથી રહિત થઇ જગત પ્રત્યે મિત્રભાવના કરી શકે, અને ક્ષત્રિયાદિક ન કરી શકે ? એ સર્વે વિષયમાં ચારે વર્ણનો સરખો અધિકાર છે એ સ્પષ્ટ છે.

વળી એક બ્રાહ્મણ નિરક્ષર હોય અને બીજો વિદ્વાન હોય તો યજ્ઞાદિકમાં કોને પ્રથમ આમંત્રણ કરવામાં આવશે ? તમે કહેશો જે વિદ્વાનને : ત્યારે વિદ્વત્તા એ પૂજનીય થઇ અને જાતિ તે નહિ.

પણ જો વિદ્વાન બ્રાહ્મણ શીલરહિત, દુરાચારી હોય અને નિરક્ષર બ્રાહ્મણ અત્યંત શીલવાન હોય તો કોને પૂજ્ય ગણશો ? ઉત્તર સ્પષ્ટ છે કે શીલવાનને. પણ આ રીતે જાતિ કરતાં વિદ્વત્તા શ્રેષ્ઠ ઠરી અને વિદ્વત્તા કરતાં શીલ શ્રેષ્ઠ ઠર્યું. અને ઉત્તમ શીલ તો સર્વે વર્ણોના મનુષ્ય પ્રાપ્ત કરી શકે. માટે જેનું શીલ ઉત્તમ તે જ સર્વે વર્ણોમાં શ્રેષ્ઠ એમ સિદ્ધ થાય છે.

બુદ્ધ ભગવાન બ્રાહ્મણની વ્યાખ્યા કરે છે કે : "સર્વ સંસારનાં બંધનોને છેદીને, સંસારનાં દુઃખોથી જે ડરતો નથી, જેને કોઈ પણ ઠેકાણે આસક્તિ નથી, બીજાં મારે, ગાળો દે, બંધનમાં નાંખે તેને સહન કરે છે, ક્ષમા એ જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ કહું છું; કમળના પાંદડા પર પડેલા પાણીના ટીપા પ્રમાણે જે જગતના વિષયસુખથી અલિપ્ત રહે છે તેને જ હું બ્રાહ્મણ કહું છું."*[૧]

શ્રેષ્ઠ યજ્ઞ
મનોરંજક અને બંધબેસતાં, બુદ્ધિમાં ઉતરે એવાં દૃષ્ટાન્તો અને કારાણો આપી ઉપદેશ દેવાની બુદ્ધની પદ્ધતિ અનુપમ હતી. એનું એક જ દૃષ્ટાન્ત અમે આપીશું. બુદ્ધના કાળમાં યજ્ઞમાં પ્રાણીઓનો વધ કરવાનો રિવાજ અતિ પ્રચલિત હતો. યજ્ઞમાં થતી હિંસા બંધ કરાવવાની લડત હિન્દુસ્તાનમાં બુદ્ધના કાળથી ચાલી
  1. *પાછળ 'વર્ણની સમાનતા' ઉપર નોંધ જુઓ.
આવી છે. એક વાર કૂટદંત નામે એક બ્રાહ્મણ એ વિષે બુદ્ધની સાથે ચર્ચા કરવા આવ્યો. એણે બુદ્ધને પૂછ્યું, "શ્રેષ્ઠ યજ્ઞ કયો, અને તેનો વિધિ શો ?"

"બુદ્ધ બોલ્યા :

પ્રાચીન કાળમાં મહાવિજિત નામે એક મોટો રાજા થઇ ગયો. એણે એક દિવસ વિચાર્યું, 'મારી પાસે પુષ્કળ સંપત્તિ છે. એકાદ મહાયજ્ઞ કરવામાં તેનો હું વ્યય કરૂં તો મને ઘણું પુણ્ય લાગશે.' એણે એ વિચાર પોતાના પુરોહિતને જણાવ્યો.

પુરોહિતે કહ્યું, 'મહારાજ, હાલ આપણા રાજ્યમાં શાન્તિ નથી. ગામો અને શહેરોમાં ધાડો પડે છે; લોકોને ચોરોનો બહુ ત્રાસ છે. આવી સ્થિતિમાં લોકો ઉપર (યજ્ઞ માટે) કર બેસાડવાથી આપ કર્તવ્ય વિમુખ થશો. કદાચ આપને એમ લાગશે કે ધાડપાડુ અને ચોરોને ફાંસીએ ચડાવવાથી, કેદ કરવાથી કે દેશપાર કરવાથી શાન્તિ સ્થાપી શકાશે; પણ તે ભૂલ છે. એ રીતે રાજ્યની અંધાધુંધીનો નાશ નહિ થાય; કેમકે એ ઉપાયથી જે તાબામાં નહિ આવે તે ફરીથી બંડો કરશે.

હવે એ તોફાન શમાવવાનો ખરો ઉપાય કહું. આપણા રાજ્યમાં જે લોકો ખેતી કરવા ઇચ્છે છે તેને આપે બી વગેરે પૂરાં પાડવાં; જે વ્યાપાર કરવા ઇચ્છે છે તેને મુડી પૂરી પાડવી; જે સરકારી નોકરી કરવા ઇચ્છે છે તેને યોગ્ય વેતન આપી યોગ્ય કામ પર તેની નીમણુક કરવી. આવી રીતે સર્વ લોકોને તેમને યોગ્ય કામ મળવાથી એ લોકો તોફાન નહિ કરે. વખતસર કર મળવાથી આપની તીજોરી તર થશે. લૂંટફાટનો ભય ન રહેવાથી લોક બાળબચ્ચાંના કોડ પૂરા પાડી ઉઘાડા દરવાજા રાખી આનંદથી સુઇ શકશે.'

રાજાને પુરોહિતનો વિચાર બહુજ ગમ્યો. એણે તુર્ત જ એ પ્રમાણે વ્યવસ્થા કરી. આને લીધે થોડા કાળમાં રાજ્યમાં સમૃદ્ધિ વધી ગઈ. લોકો અતિ આનંદથી રહેવા લાગ્યા.

એટલે વળી રાજાએ પુરોહિતને બોલાવી કહ્યું, 'હે પુરોહિત, હવે મને મહાયજ્ઞ કરવાની ઇચ્છા છે, માટે મને યોગ્ય સલાહ આપો.'

પુરોહિત બોલ્યો, 'મહાયજ્ઞ કરવાનો નિશ્ચય કર્યા પહેલાં આપણે પ્રજાની અનુમતિ લેવી યોગ્ય છે. માટે જાહેરનામાં ચોંટાડી આપણે પ્રજાની સંમતિ મેળવીયે એ ઠીક છે.' પુરોહિતના કહેવા પ્રમાણે રાજાએ જાહેરનામાં ચોંટાડી પ્રજાને પોતાનો અભિપ્રાય નિર્ભયતાથી અને સ્પષ્ટપણે જણવવા કહ્યું. સર્વેએ અનુકૂળ મત આપ્યો.

ત્યારે પુરોહિતે યજ્ઞની બધી તૈયારી કરી રાજાને કહ્યું, 'મહારાજ યજ્ઞ કરતાં મારૂં કેટલું ધન ખર્ચાઈ જશે એવો વિચાર પણ આપે મનમાં ન લાવવો જોઇયે; યજ્ઞ ચાલતાં બહુ ખર્ચ થાય છે એવો વિચાર ન લાવવો જોઇયે. યજ્ઞ પૂરો થયા પછી બહુ ખર્ચ થઈ ગયું એવો વિચાર ન લાવવો જોઇયે.

આપના યજ્ઞમાં સારા-નરસા સર્વે પ્રકારના માણસો આવશે, પણ કેવળ સત્પુરુષોના ઉપર જ દૃષ્ટિ રાખી આપે યજ્ઞ કરવો જોઇયે, અને ચિત્તને પ્રસન્ન રાખવું જોઇયે.'

આ રાજાના યજ્ઞમાં ગાય, બકરાં, મેંઢાં ઈત્યાદિ પ્રાણી મારવામાં આવ્યાં નહિ. ઝાડો ઉખેડીને તેના સ્થંભ બાંધવામાં આવ્યા નહિ. નોકરોને અને એમજુરોને જબરદસ્તીથી કામે લગાડવામાં આવ્યા નહિ. જેમની ઈચ્છામાં આવ્યું તેમણે કામ કર્યું; જેમને ન પાલવ્યું તેમણે ન કર્યું. ઘી, તેલ, માખણ, દહીં, મધ અને ગોળ એટલાજ પદાર્થોથી યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો.

ત્યાર પછી રાજ્યના શ્રીમંત લોકો મોટમોટાં નજરાણાં લાવ્યા. પણ રાજાએ તેમને કહ્યું, 'ગૃહસ્થો, મને તમારૂં નજરાણું નહિ જોઇયે, ધાર્મિક કરથી ભેગું થયેલું મારી પાસે પુષ્કળ ધન છે. એમાંથી તમને જો કાંઈ જોઈતું હોય તો ખુશીથી લઈ જાઓ.'આ પ્રમાણે રાજાએ નજરાણું ન સ્વીકારવાથી એ લોકોએ આંધળા, લૂલા વગેરે અનાથ લોકો માટે મહાવિજિતની યજ્ઞશાળાની આસપાસ ચારે દિશામાં ધર્મશાળાઓ બાંધવામાં અને ગરીબોને દાન આપવામાં એ દ્રવ્ય ખર્ચ્યું.

આ વાત સાંભળી કૂટદન્ત અને બીજા બ્રાહ્મણો બોલ્યા, "બહુ જ સુંદર યજ્ઞ ! બહુ જ સુંદર યજ્ઞ !"

પછી બુદ્ધે કૂટદન્તને પોતાના ધર્મનો ઉપદેશ કર્યો. ઉપદેશ સાંભળીને એ બુદ્ધનો ઉપાસક થયો અને બોલ્યો, "આજે હું સાતસેં બળદ, સાતસેં વાછડાં, સાતસેં વાછડી, સાત્સેં બકરાં અને સાતસેં મેઢાંને યજ્ઞસ્તંભથી છોડી મૂકું છું.હું એમને જીવિતદાન આપું છું. તાજું ઘાસ ખાઇ અને થંડું પાણી પી શીતળ હવામાં એ આનંદથી ફરો."

રાજસમૃદ્ધિના
નિયમો
એક વાર અજાતશત્રુ રાજાએ બુદ્ધની પાસે પોતાના અમાત્યને મોકલીને કહેવડાવ્યું કે "હું વૈશાલીના વજ્જી લોકો ઉપર આક્રમણ કરવા ધારૂં છું, માટે તે વિષે આપનો અભિપ્રાય આપશો."

આ સાંભળી બુદ્ધે પોતાના આનંદ નામના શિષ્ય તરફ વળીને પૂછ્યું, "આનંદ, વજ્જી લોકો વારંવાર ભેગા થઇને રાજકારણનો વિચાર કરે છે કે ?

આનંદ - હા, ભગવન્.

બુદ્ધ - એ લોકો ભેગા થઇને ઘેર પાછા ફરે ત્યાં સુધી એમનામાં એકસરખું ઐક્ય હોય છે કે ?

આનંદ - મેં એવું સાંભળ્યું છે ખરૂં

બુદ્ધ - એ લોકો પોતાના કાયદાઓનો ભંગ તો કરતા નથી ને ? અથવા એનો ગમે તેવો અર્થ તો કરતા નથી ને ?

આનંદ - જી,ના; એ લોકો અત્યંત નિયમપૂર્વક ચાલવાવાળા છે એમ મેં સાંભળ્યું છે.

બુદ્ધ- વૃદ્ધ રાજકારણી પુરુષોને વજજી લોકો માન આપી એમની સલાહ પૂછે છે ? આનંદ - જી, હા; ત્યાં એમનું ઘણું માન જળવાય છે.

બુદ્ધ - એ લોકો પોતાની વિવાહિત કે અવિવાહિત સ્ત્રીઓ પર જુલમ તો નથી કરતા ને ?

આનંદ - જી, ના; ત્યાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા ઉચ્ચ છે.

બુદ્ધ - વજ્જી લોકો શહેરનાં અથવા શહેર બહારનાં દેવસ્થળોની કાળજી લે છે ?

આનંદ - હા, ભગવન્ .

બુદ્ધ - આ લોકો સંતપુરુષોનો આદરસત્કાર કરે છે ?

આનંદ - જી, હા.

આ સાંભળી બુદ્ધ અમાત્યને ઉદ્દેશીને બોલ્યા, "મેં વૈશાલીના લોકોને આ સાત નિયમો આપ્યા હતા. જ્યાં સુધી એ નિયમોનું પાલન થાય છે ત્યાં સુધી તેમની સમૃદ્ધિ જ થશે, અવનતિ થઈ શકવાની નથી." અમાત્યે અજાતશત્રુને જજ્જી લોકોને ન કનડવાની જ સલાહ આપી.

અભ્યુન્નતિના
નિયમો
અમાત્યના ગયા પછી બુદ્ધે પોતાના ભિક્ષુઓને એકત્ર કરી નીચે પ્રમાણે શીખામણ આપી :

"ભિક્ષુઓ, હું તમને અભ્યુન્નતિના સાત નિયમો સમજાવું છું તે સાવધાનપણે સાંભળો: (૧) જ્યાં સુધી તમે એકત્ર થઇને સંઘનાં કર્મો કરશો, (૨) જ્યાં સુધી તમારામાં ઐક્ય રહેશે, (૩) જ્યાં સુધી તમે સંઘના નિયમોનો ભંગ કરશો નહિ, (૪) જ્યાં સુધી તમે વૃદ્ધ અને વિદ્વાન ભિક્ષુઓને માન આપશો, (૫) જ્યાં સુધી તમે તૃષ્ણાઓને વશ થશો નહિ, (૬) જ્યાં સુધી તમે એકાંતપ્રિય રહેશો અને (૭) જ્યાં સુધી પોતાના સાથીદારોને સુખ થાય એવી કાળજી લેવાની ટેવ રાખશો ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થવાની છે, અવનતિ થશે નહિ.

"ભિક્ષુઓ, વળી હું અભ્યુન્નતિના બીજા સાત નિયમો કહું છું તે સાવધાનપણે સાંભળો: (૧) ઘરગતુ કામોમાં આનંદ માનશો નહિ; (૨) બોલવામાં સર્વકાળ વીતાડવામાં આનંદ માનશો નહિ; (૩) ઉંઘવામાં વખત ગાળવામાં આનંદ માનશો નહિ; (૪) સાથીદારોમાં જ સર્વ વખત ગાળી નાંખવામાં આનંદ માનશો નહિ; (૫) દુર્વાસનાને વશ થશો નહિ; અને (૬) અલ્પ સમાધિલાભથી કૃતકૃત્ય થશો નહિ. જ્યાં સુધી આ સાત નિયમોને તમે પાળશો ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થવાની છે, અવનતિ થશે નહિ.

" ભિક્ષુઓ, વળી અભ્યુન્નતિના બીજા સાત નિયમો કહું છું તે સાવધાનપણે સાંભળો: (૧) શ્રદ્ધાળુ થાઓ, (૨) પાપ કર્મથી લાજો, (૩) લોકાપવાદથી ડરો, (૪) વિદ્વાન થાઓ, (૫) સત્કર્મો કરવામાં ઉત્સાહી રહો, (૬) સ્મૃતિ જાગ્રત રાખો અને (૭) પ્રજ્ઞાવાન થાઓ. જ્યાં સુધી આ સાત નિયમોનું તમે પાલન કરશો ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થશે, અવનતિ થશે નહિ.

" ભિક્ષુઓ, વળી અભ્યુન્નતિના સાત નિયમો કહું છું તે ઉપર ધ્યાન આપો: જ્ઞાનનાં સાત અંગોની હંમેશાં ભાવના કરો. એ સાત અંગો[૧] (૧) સ્મૃતિ, (૨) પ્રજ્ઞા, (૩) વીર્ય, (૪) પ્રીતિ, (૫) પ્રશ્નબ્ધિ, (૬) સમાધિ અને (૭) ઉપેક્ષા."


  1. (૧) સ્મૃતિ એટલે સતત જાગૃતિ, સાવધાનતા: શું કરૂં છું, શું વિચારૂં છું, શી લાગણીઓ, ઇચ્છાઓ વગેરે મનમાં ઉદ્‌ભવે છે, આજુબાજુ શું થ‌ઇ રહ્યું છે, એ સર્વે વિષે ચકોરતા. (૨) પ્રજ્ઞા એટલે મનોવૃત્તિઓનું પૃથ્થકરણ કરવાનું સામર્થ્ય: આનંદ, શોક, સુખ, દુઃખ, જડતા, ઉત્સાહ,
ઉપદેશની અસર
૧૦ બુદ્ધનો ઉપદેશ સાંભળનાર ઉપર તત્કાળ અસર કરતો. જેમ ઢાંકેલી વસ્તુને કોઇ ઉઘાડીને બતાવે, અથવા અંધારામાં જેમ દીવો વસ્તુઓને પ્રકાશિત કરે, તેમ બુદ્ધના ઉપદેશથી શ્રોતાઓને સત્યનો પ્રકાશ થતો. લૂંટારા જેવા પણ એમના ઉપદેશથી સુધરી જતા. અનેક જનોને એમનાં વચનોથી વૈરાગ્યનાં બાણ વાગતાં, અને તેઓ સુખસંપત્તિ છોડી એમના ભિક્ષુસંઘમાં દાખલ થ‌ઇ જતા.
ધૈર્ય, બીક, ક્રોધ વગેરે લાગણીઓને ઉદ્‌ભવતાં કે ઉદ્‌ભવ્યા પછી ઓળખી એની ઉત્પત્તિ કેમ થાય છે, એ કેમ શમે છે, એની પાછળ ક‌ઇ વાસનાઓ વગેરે રહ્યાં છે તેનું પૃથક્કરણ. આને ધર્મપ્રવિચય પણ કહે છે.(૩) વીર્ય એટલે સત્કર્મો કરવાનો ઉત્સાહ.(૪) પ્રીતિ એટલે સત્કર્મો કરવાથી થતો આનંદ.(૫) પ્રશ્નબ્ધિ એટલે ચિત્તની શાંતતા, પ્રસન્નતા.(૬) સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા. (૭) ઉપેક્ષા એટલે ચિત્તની મધ્યમાવસ્થા, વિકારો ઉપર કાબુ, વેગના ઝપાટામાં ન આવવું તે. હર્ષ પણ રોકી શકાય નહિ અને શોક, ક્રોધ, ભય પણ રોકી શકાય નહિ એ મધ્યમાવસ્થા નથી.
કેટલાક શિષ્યો
૧૧. એ ઉપદેશથી પુરુષો અને સ્ત્રીઓનાં ચારિત્ર ઘડાતાં. તે એક બે વાતો પરથી ઠીક સમજાશે.


૧૨. પૂર્ણ નામે એક શિષ્યને પોતાનો ધર્મોપદેશ સંક્ષિપ્તમાં આપી બુદ્ધે એને પુછ્યું, "પૂર્ણ, હવે તું કયા પ્રદેશમાં જ‌ઇશ ?"

પૂર્ણ-ભગવન્‌, આપના ઉપદેશને ગ્રહણ કરીને હું હવે સુનાપરન્ત ( નામના ) પ્રદેશમાં જનાર છું.

બુદ્ધ-પૂર્ણ, સુનાપરન્ત પ્રાન્તના લોકો અતિ કઠોર છે, બહુ ક્રૂર છે; તે જ્યારે તને ગાળો દેશે, તારી નિંદા કરશે, ત્યારે તને કેવું લાગશે ?

પૂર્ણ-તે વખતે હે ભગવન્‌, હું માનીશ કે આ લોકો બહુ સારા છે, કારણકે તેઓએ મારા ઉપર હાથથી પ્રહાર કર્યો નથી.

બુદ્ધ-અને જો તેઓએ તારા ઉપર હાથથી પ્રહાર કર્યો તો ?

પૂર્ણ-મને તેઓએ પથ્થરથી માર્યો નહિ, તેથી તે લોકો સારા જ છે એમ હું સમજીશ.

બુદ્ધ-અને પથરાઓથી માર્યો તો ? પૂર્ણ-મારી ઉપર તેઓએ દંડપ્રહાર કર્યો નહિ, તેથી તે બહુ સારા લોક છે એમ હું સમજીશ.

બુદ્ધ-અને દંડપ્રહાર કર્યો તો ?

પૂર્ણ-શસ્ત્રપ્રહાર કર્યો નહિ એ તેમનું ભલપણ છે એમ સમજીશ.

બુદ્ધ-અને શસ્ત્રપ્રહાર કર્યો તો ?

પૂર્ણ-મને ઠાર માર્યો નહિ એ તેમની ભલાઇ છે એમ સમજીશ.

બુદ્ધ-અને ઠાર માર્યો તો ?

પૂર્ણ-ભગવન્‌, કેટલાએક ભિક્ષુ આ શરીરથી કંટાળીને આત્મઘાત કરે છે. એવા શરીરનો જો આ સુનાપરન્ત રહેવાસીઓએ નાશ કર્યો, તો તેણે મારા ઉપર ઉપકાર કર્યો છે એમ હું માનીશ. અને તેથી તે લોકો બહુ જ સારા છે એમ હું સમજીશ.

બુદ્ધ-સાધુ ! પૂર્ણ, સાધુ ! આવા પ્રકારના શમદમથી યુક્ત હોવાથી, તું સુનાપરન્ત પ્રદેશમાં ધર્મોપદેશ કરવાને સમર્થ થ‌ઇશ.

૧૩ દુષ્ટને દંડ દેવો એ એની દુષ્ટતાનો એક પ્રકારનો પ્રતિકાર છે. દુષ્ટતાને ધૈર્ય અને શૌર્યથી સહન કરવી, અને સહન કરતાં કરતાં પણ એની દુષ્ટતાનો વિરોધ કર્યા વિના રહેવું નહિ એ બીજા પ્રકારનો પ્રતિકાર છે. પણ દુષ્ટની દુષ્ટતા વપરવામાં જેટલી ઉણપ તેટલું શુભ ચિહ્‌ન લેખી, એની મૈત્રી જ કરવી અને મિત્રભાવના વડે જ એને સુધારવા મથવું એ દુષ્ટતાની જડ ઉખેડનારો ત્રીજો પ્રકાર છે. મિત્રભાવના અને અહિંસાની કેટલી ઉંચી સીમાએ પૂર્ણ પહોંચ્યો હશે તેની કલ્પના કરવા જેવી છે.

નકુલમાતાની સમજણ
૧૪. નકુલમાતા નામે ઓળખાવવામાં આવેલી બુદ્ધની એક શિષ્યાનું વિવેકજ્ઞાન, એણે પોતાના પતિને એના ભારે મંદવાડ વખતે કહેલાં વચનો પરથી ઓળખાય છે. એણે કહ્યું, "હે ગૃહપતિ, સંસારમાં આસક્ત રહીને તમે મરણ પામો એ બરાબર નથી. આવા પ્રકારનું પ્રપંચાસક્તિયુક્ત મરણ દુઃખકારક છે એવું ભગવંતે કહ્યું છે. હે ગૃહપતિ, કદાચિત તમારા મનમાં એવી શંકા આવશે કે ' હું મુઆ પછી નકુલમાતા છોકરાંઓનું પાલન કરી શકશે નહિ.' પરંતુ એવી શંકા તમે મનમાં લાવશો નહિ. કારણ મને સુતર કાંતવાની કળા આવડે છે, અને ઊન તૈયાર કરતાં આવડે છે. એના વડે હું તમારા મરણ પછી છોકરાંઓનું પોષણ કરી શકીશ. માટે હે ગૃહપતિ, આસક્તિયુક્ત અંતઃકરણથી તમારૂં મરણ ન થાઓ એમ હું ઇચ્છું છું. હે ગૃહપતિ, તમને બીજી એવી શંકા આવવાનો સંભવ છે કે 'નકુલમાતા મારા મરણ પછી પુનર્વિવાહ કરશે.' પરંતુ આ શંકા તમે છોડી દો. હું આજ સોળ વર્ષથી ઉપોસથવ્રત પાળું છું, તે તમને ખબર છે જ. તો પછી હું તમારા મૃત્યુ પછી પુનર્વિવાહ કેમ કરીશ ? હે ગૃહપતિ, તમારા મરણ પછી હું બુદ્ધ ભગવાનનો અને ભિક્ષુસંઘનો ધર્મોપદેશ શ્રવણ કરવા નહિ જાઉં એવી તમને શંકા આવવાનો સંભવ છે. પણ તમારી પાછળ, પહેલાં પ્રમાણે જ બુદ્ધોપદેશ સાંભળવામાં મારો ભાવ રહેશે એવી તમારે પક્કી ખાત્રી રાખવી. માટે કોઈ પણ પ્રકારની ઉપાધિ સિવાય મરણને શરણ થાઓ. હે ગૃહપતિ, તમારી પાછળ હું બુદ્ધ 'ભગવાને ઉપદેશેલું શીલ યથાર્થ રીતે નહિ પાળું એવી તમને શંકા આવવાનો સંભવ છે. પણ જે ઉત્તમ શીલવતી બુદ્ધોપાસિકાઓ છે તેમાંની જ હું એક છું એમ તમે ખાત્રીથી સમજજો. માટે કોઈ પણ પ્રકારની કાળજી વગર મરણ આવવા દ્યો. હે ગૃહપતિ, મને સમાધિલાભ થયો નહિ, તેથી તમારા મરણથી હું બહુ દુઃખી થ‌ઇશ એમ તમે સમજશો નહિ. જે કોઇ બુદ્ધાપાસિકા સમાધિલાભ વાળી હશે તેમાંની હું એક છું એમ સમજો અને માનસિક ઉપાધિ છોડી દ્યો. હે ગૃહપતિ, બૌદ્ધ ધર્મનું તત્ત્વ મને હજી સમજાયું નથી એવી પણ તમને કદાપિ શંકા આવશે. પરંતુ જે તત્ત્વજ્ઞ ઉપાસિકાઓ તેમાંની જ હું એક છું એમ ચોક્કસ ધ્યાનમાં રાખો અને મનમાંની કાળજી કાઢી નાંખો."

૧૫ પરંતુ આ જ્ઞાની સ્ત્રીના સૌભાગ્યબળે એનો પતિ સાજો થ‌ઇ ગયો. બુદ્ધે આ વાત સાંભળીને એના પતિને કહ્યું, " હે ગૃહપતિ, તું મોટો પુણ્યશાળી છે કે નકુલમાતા જેવી ઉપદેશ કરનારી અને તારા ઉપર પ્રેમ રાખનારી સ્ત્રી તને મળી છે. હે ગૃહપતિ, ઉત્તમ શીલવતી જે ઉપાસિકાઓ છે, તેમાંની એ એક છે. આવી પત્ની તને મળી એ તારૂં મહાભાગ્ય."

ખરો ચમત્કાર
૧૬. હૃદયને આવી રીતે પલટાવી નાંખવાં એ જ અવતારી પુરુષોનો મહા ચમત્કાર છે. બીજા ચમત્કારો બાળકોને સમજાવવાનો ખેલ છે.