લખાણ પર જાઓ

બુદ્ધ અને મહાવીર/મહાવીર/ગૃહસ્થાશ્રમ

વિકિસ્રોતમાંથી
← નોંધ બુદ્ધ અને મહાવીર
ગૃહસ્થાશ્રમ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
સાધના →


ગૃહસ્થાશ્રમ

જન્મ
૧. બુદ્ધદેવના જન્મની સોળ વર્ષ પહેલાં એ જ મગધ દેશમાં અને એ જ ઇક્ષ્વાકુ કુળની એક શાખામાં જૈનોના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીરનો જન્મ થયો હતો. એમના પિતા સિદ્ધાર્થ ક્ષત્રિયકુંડ નામે એક ગામના રાજા હતા. એમની માતાનું નામ ત્રિશલા હતું. એમનો જન્મ ચૈત્ર શુદ તેરશને દહાડે થયો હતો. એમના નિર્વાણ કાળથી જૈન લોકોનો વીર સંવત ગણવામાં આવે છે અને તે વિક્રમ સંવત્ કરતાં ૪૭૦ વર્ષ જૂનો છે. નિર્વાણ સમયે મહાવીરનું વય ૭૨ વર્ષનું હતું એમ મનાય છે. એટલે એમનો જન્મ વિક્રમ સંવત્ ની ૫૪૨ વર્ષ પૂર્વે થયેલો કહી શકાય.


બાલસ્વભાવ
માતૃભક્તિ
૨. મહાવીરનું જન્મનામ વર્ધમાન હતું. એ નાનપણથી જ અત્યંત માતૃભક્ત હતા. એમની દયાવૃત્તિ એટલી સૂક્ષ્મ હતી કે પોતાને લીધે માતાને ગર્ભવાસમાં અત્યંત વેદના થઇ હશે એ વિચારથી એમને બહુ દુઃખ થતું, અને ફરીથી એવું દુઃખ કોઇ માતાને ન થાઓ એવા ઉદ્દેશથી આ જન્મને છેવટનો કરવો એવો વિચાર જાણે એમણે કર્યો હોય એમ લાગતું હતું.


પરાક્રમપ્રિયતા
૩. વર્ધમાન બાલ્યાવસ્થામાં ક્ષત્રિયને છાજે એવી રમતોના બહુ શોખીન હતા. એમનું શરીર ઉંચું અને બળવાન હતું. અને એમનો સ્વભાવ પરાક્રમપ્રિય હતો. નાનપણથી જ બીકને તો એમણે કદી પોતાના હૃદયમાં સંઘરી જ ન હતી. એક વાર આઠ વર્ષની ઉમરે એ કેટલાક છોકરાઓ સાથે રમતાં રમતાં જંગલમાં જઇ ચડ્યા. ત્યાં એક ઝાડ નીચે એક ભયંકર સર્પ પડેલો હતો. બીજા છોકરાઓ એને જોઇને નાસભાગ કરવા લાગ્યા, પણ આઠ વર્ષના વર્ધમાને એક માળાની માફક એને ઉંચો કરી દૂર ફેંકી દીધો.

પાછળ "માતૃભક્તિ" વિષે નોંધ જુઓ.

બુદ્ધિમત્તા
૪. જેમ પરાક્રમમાં તેમ ભણવામાં પણ એ અગ્રેસર હતા. કહે છે કે નવ વર્ષની ઉમરે તો એમણે વ્યાકરણ શીખી લીધું હતું



વિવાહ
૫. સાત હાથ ઉંચી કાયાવાળા વર્ધમાન યથાકાળે જુવાન થયા. નાનપણથી જ એમની વૃત્તિ વૈરાગ્યપ્રિય હતી. સંન્યાસ એ એમના જીવનનું લક્ષ્ય હતું. એમના માતાપિતા એમનાં લગ્નને માટે બહુ આગ્રહ કરતાં હતાં, પણ એ પરણવાને માનતા ન હતા. પણ છેવટે એમની માતા અત્યંત આગ્રહ કરવા લાગ્યાં, અને એમના સંતોષાર્થે પરણવા વિનવવા લાગ્યાં. એમના અવિવાહિત રહેવાના આગ્રહથી માતા બહુ દુઃખ કરતાં હતાં, અને વર્ધમાનનો કોમળ સ્વભાવ એ દુઃખ પણ જોઈ શકતો ન અહતો. તેથી અનાસક્ત છતાં કેવળ માતાના સંતોષાર્થે એમણે યશોદા નામે એક રાજપુત્રી સાથે લગ્ન કર્યું. યશોદાને પ્રિયદર્શના નામે એક પુત્રી થઇ. તે આગળ જતાં જમાલિ નામે એક રાજપુત્રની સાથે પરણી.


માતાપિતાનું
અવસાન
૬. વર્ધમાન અઠ્ઠાવિશ વર્ષના થયા ત્યારે એમનાં માતાપિતા તે કાળની જૈન ભાવના પ્રમાણે અનશન વ્રત કરી

દેહત્યાગ કરી ગયાં. વર્ધમાન જ્યેષ્ઠ પુત્ર હોવાથી રાજ્યના અધિકારી હતા, પણ એમણે રાજ્ય ન સ્વીકારતાં પોતાના ભાઇ નંદિવર્ધનનો અભિષેક કર્યો.


ગૃહત્યાગ
૭. બે એક વર્ષ વીત્યા બાદ સંસારમાં હવે રહેવાનું પ્રયોજન નથી એમ વિચારી જે સંન્યાસજીવન માટે એમનું ચિત્ત તલપાપડ થઇ રહ્યું હતું, તે સ્વીકારી લેવાનો એમણે નિશ્ચય કર્યો. એમણે પોતાની સર્વ સંપત્તિનું દાન કરી દીધું. કેશલોચન કરી, માત્ર એક વસ્ત્ર રાખી, રાજ્ય છોડી તપ કરવા માટે ચાલતા થયા.


વસ્ત્રાર્ધદાન
૮. દીક્ષા લીધા પછી એ ચાલ્યા જતા હતા, એટલામાં એક વૃદ્ધ બ્રાહ્મણ એમની પાસે આવી ભિક્ષા માગવા લાગ્યો. વર્ધમાન પાસે પહેરેલા વસ્ત્ર સિવાય કશું રહ્યું ન હતું, એટલે એનો જ અરધો ભાગ કરી એણે એ બ્રાહ્મણને આપી દીધો. બ્રાહ્મણે પોતાને ગામ જઇ એના છેડા બાંધવા માટે એ વસ્ત્ર એક તુણનારને આપ્યું. તુણનારે વસ્ત્ર મૂલ્યવાન છે એમ જોઈ બ્રાહ્મણને કહ્યું કે "આનો જો બાકીનો અરધો ભાગ પણ મળે તો એ વર્તી ન શકાય એવી રીતે જોડી દઉં.

એ વસ્ત્રને પછી વેચવાથી ભારે કિમ્મત ઉપજશે, અને તે આપણે સરખે ભાગે વહેંચી લેશું." બ્રાહ્મણ આથી લોભાઇ પાછો વર્ધમાનને શોધવા નીકળી પડ્યો.