બુદ્ધ અને મહાવીર/મહાવીર/નોંધ

વિકિસ્રોતમાંથી
← ઉત્તરકાળ બુદ્ધ અને મહાવીર
નોંધ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા





નોંધ

પા૦ ૭૬ : માતૃભક્તિ - જગતનાઅ સર્વે જ્ઞાન અથવા સંતતામાં શ્રેષ્ઠ પુરુષોનાં જીવનચરિત્ર જોતાં, તેમનો માતાપિતા અને ગુરુ પ્રત્યેનો અપાર પ્રેમ ધ્યાન ખેંચે છે. જેણે બાળપણમાં માતાપિતાની તથા ગુરુની અત્યન્ત પ્રેમથી સેવા કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત નથી કર્યો. એ મહાપુરુષ થઇ શકે એવું જોવામાં નહિ આવે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, જ્ઞાનેશ્વર, તુકારામ, એકનાથ, સહજાનંદ સ્વામી, સ્વામી નિષ્કુળાનંદ વગેરે સર્વે માતૃદેવ પિતૃદેવ કે ગુરુદેવ હતા. આ સર્વે સત્પુરુષો અત્યન્ત વૈરાગ્યનિષ્ઠ પણ હતા.

ઘણાકનું એવું માનવું છે કે પ્રેમ અને વૈરાગ્ય એ બે વિરોધી વૃત્તિઓ છે. એવી માન્યતામાંથી લખાયેલાં ઘણાં એક ભજનો હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાઓમાં છે; એ માન્યતાના જોરમાં સંપ્રદાયપ્રવર્તકોએ ઘણીવાર પ્રેમવૃત્તિનો નાશ થઇ જાય એવા ઉપદેશો પણ કરેલા છે. 'માતાપિતા ખોટાં છે', 'કુટુંબીઓ સર્વે સ્વાર્થાનાં જ સગાં છે', 'કોની મા અને કોના બાપ?' વગેરે પ્રેમવૃત્તિનો નાશ કરનારી ઉપદેશશ્રેણીનો આપણા ધાર્મિકગ્રન્થોમાં તોટો નથી. એ ઉપદેશશ્રેણીની અસર તળે આવી કેટલાક પુરુષો પ્રત્યક્ષની ભક્તિને ગૌણ કરી પરોક્ષ અવતારો અથવા કાલ્પનિક દેવોની જડ ભક્તિનું માહાત્મ્ય સમજી અથવા ભૂલ ભરેલા વૈરાગ્યની ભાવનાથી પ્રેરાઇ કુટુંબીઓ પ્રત્યે નિષ્ઠુર થઇ જાય છે. યાવજ્જીવન સેવા કરતાં પ્રાણ ખપી જાય તોયે જે માતાપિતા અને ગુરુના ઋણમાંથી છૂટી શકાતું નથી, એવા અત્યન્ત પૂજનીય અને પવિત્ર સંબંધને પાપરૂપ, બંધનકારક કે સ્વાર્થયુક્ત લેખવો એ એક ભારેમાં ભારે ભૂલ છે. હિન્દુસ્તાનના આધ્યાત્મિક માર્ગને પણ ચેતનથી ભરી દેવાને બદલે ઉલટો જડ બનાવ્યો છે. જે સંતો મહત્તાને પામ્યા છે તેમણે કદાપિ એક કાળે એ ભૂલો કરી હોય તોપણ એમાંથી એમને છૂટવું જ પડ્યું છે. નૈસર્ગિક રહેલ પૂજ્યભાવના, વાત્સલ્યભાવના, મિત્રભાવના વગેરેને સ્વાભાવિક સંબંધોમાં બતાવવાનું પોતાની ભૂલને લીધે અશક્ય થઇ પડવાને લીધે, એમને એ ભાવનાઓ કૃત્રિમ રીતે પણ વિકસાવવી પડી છે એટલે કોઇ દેવીમાં, પાંડુરંગમાં, બાળકૃષ્ણમાં, કનૈયામાં, દ્વારકાધીશમાં કે દત્તાત્રેયમાં માતૃભાવ, પિતૃભાવ, પુત્રભાવ, પતિભાવ, મિત્રભાવ કે ગુરુભાવ આરોપવો પડ્યો છે, અથવા કોઇ બીજાને માતાપિતા માનવાં પડ્યાં છે કે શિષ્ય પર પુત્રભાવ કેળવવો પડ્યો છે. પણ એ ભાવનાઓના વિકાસ વિના તો કોઇની ઉન્નતિ થ ઇ જ નથી.

વૈરાગ્ય એટલે પ્રેમનો અભાવ નહિ, પણ પ્રેમપાત્ર જનમાંથી સુખની ઇચ્છાનો નાશ. એમને સ્વાર્થી ગણી એમનો ત્યાગ કરવાનો ભાવ નહિ, પણ એમને વિષેના પોતાના સ્વાર્થોનો ત્યાગ અને એમને ખરૂં સુખ આપવા માટે પોતાની સર્વ શક્તિનો વ્યય. પ્રાણીઓ સંબંધે વૈરાગ્યની ભાવનાનું આ લક્ષણ.

પણ જડ સૃષ્ટિ પ્રત્યેનો વૈરાગ્ય એટલે ઇન્દ્રિયોના સુખ વિષે અનાસક્તિ. પંચવિષય પોતાના સુખદુઃખનું કારણ નથી, એમ સમજી એ વિષે અસ્પૃહા થયા વિના પ્રેમવૃત્તિનો વિકાસ થવો કે આત્મોન્નતિ થવી અશક્ય છે.

પ્રેમ હોય પણ તેમાં વિવેક ન હોય, તો એ કષ્ટદાયક થાય છે. જેની ઉપર પ્રેમ છે તેને સાચું સુખ આપવાની ઇચ્છા, એનો પણ કદી વિયોગ થશે જ એ સત્યને જાણી એને સ્વીકારી લેવાની તૈયારી, એ બે વિવેકની નિશાની છે. એ વિવેક ન હોય તો પ્રેમ મોહરૂપ કહેવાય.

પા૦ ૯૪: વાદ- જે પરિણામો આપણને પ્રત્યક્ષપણે માલૂમ પડે છે, પણ તેનાં કારણો અત્યંત સૂક્ષ્મતાને લીધે અથવા બીજાં કોઇ કારણને લીધે પ્રત્યક્ષ પ્રમાણથી ઠરાવી શકાતાં નથી, તે પરિણામો સમજાવવા તેનાં કારણો વિષે જે કલ્પના કરવામાં આવે છે તે વાદ (hypothesis theory) કહેવાય. ઉદાહરણાર્થ, સૂર્યનાં કિરણો આપણી પૃથ્વી સુધી આવે છે એ આપણે રોજ જોઇએ છીએ. એ પરિણામ આપણને પ્રત્યક્ષ છે. પણ એ કિરણો કરોડો માઈલનું અંતર કાપી આપણી આંખ સામે કેમ અથડાય છે, એટલે તેજનાં કિરણો પ્રકાશમાન વસ્તુમાં જ ન રહેતાં આગળ કેમ વધે છે, એ કારણ આપણે પ્રત્યક્ષ રીતે જાણી શકતા નથી. પણ કારણ વિના કાર્ય હોઈ શકે નહિ એમ આપણી ખાત્રી હોવાથી, આપણે કાંઇ પણ કારણની કલ્પના કરવા પ્રયત્ન કરીયે છીયે; દાખલા તરીકે કિરણની બાબતમાં 'ઈથર' તત્ત્વનાં આંદોલન એ પ્રકાશનો અનુભવ અને વિસ્તારનું કારણ કલ્પાય છે. આંદોલનની આવી કલ્પના એ વાદ ગણાય.* એવાં આંદોલનો છે જ એ કદી પુરાવાથી સાબીત નહિ થાય. આવી કલ્પના જેટલી સરળ, સર્વે સ્થૂળ પરિણામો સમજાવવા માટે બંધબેસતી તેટલો એ વાદ વિશેષ ગ્રાહ્ય થાય છે. પણ જુદા જુદા વિચારકો જુદી જુદી કલ્પનાઓ અથવા વાદો રચી એક જ પરિણામને સમજાવે, ત્યારે એ વાદો વિષે મતભેદ થાય છે. માયાવાદ, પુનર્જન્મવાદ વગેરે આ પ્રકારના વાદો છે. એ જીવન તથા જગતને સમજાવવા માટેની કલ્પનાઓ જ છે એ ભૂલવું ન જોઇયે. જેની બુદ્ધિમાં જે વાદ રુચે તે ગ્રહણ કરી એ બન્નેને સમજી લેવા એમાં દોષ નથી; પણ એ વાદને એક સિદ્ધાંત એટલે સાબીત કરેલી વસ્તુ તરીકે સ્વીકારીયે ત્યારે વાદભેદને માટે ઝગડાઓ જ કરવા તરફ પ્રવૃત્તિ થાય છે. ધર્મના વિષયમાં અનેક મતપંથો પોતાનો વાદ વિશેષ સયુક્તિક છે એ ઠરાવવા માટે જ માથાકુટ કરે છે. એટલેથી જ અટકે તો ઓપણ એક વાત છે. પણ એ વાદને સિદ્ધાંત તરીકે માની લઇ, એનાં પાછાં પ્રત્યક્ષ રીતે અનુભવાય એથી જુદાં પરિણામોનાં તર્કશાસ્ત્રના નિયમોથી અનુમાનો કાઢી, તે ઉપરથી જીવનનનું ધ્યેય, ધર્માચારની વ્યવસ્થા, નીતિના નિયમો, ભોગ અને સંયમની મર્યાદાઓ વગેરે રચવામાં આવે છે, ત્યારે મુશ્કેલીઓનો છેડો જ નથી આવતો.

જિજ્ઞાસુને કોઈપણ વાદને શરૂઆતમાં સ્વીકારવો તો પડે. પણએણે એને સિદ્ધાંત માની એ વિષે અત્યાગ્રહ રાખવો ઉચિત નથી. જેવી કલ્પના પર સ્થિર થઇયે તેવી જાતનો અનુભવ લઇ શકાય, એવું ચિત્તમાં આશ્ચર્ય રહ્યું છે. કોઇ માણસ પોતાને રાજા કલ્પ્યા કરે તો તેની કલ્પના એવી દૃઢ થાય કે કેટલેક દિવસે એ પોતાનામાં રાજાપણું જ અનુભવે. પણ એ પ્રકારે કરેલો કલ્પનાનો કે વાદનો સાક્ષાત્કાર એ કાંઇ સત્ય સાક્ષાત્કાર નથી. જે અનુભવ કોઇ પણ વાદ કે કલ્પનાથી પર હોય તે જ સત્ય.

એ રીતે વિચારતાં માલુમ પડી આવશે કે મૈત્રીનું સુખ પ્રત્યક્ષ છે, વૈરાગ્યની શાન્તિ પ્રત્યક્ષ છે, માતાપિતા અને ગુરુની સેવાનું શુભ પરિણામ પત્યક્ષ છે, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ રાખવાનું ફળ પ્રત્યક્ષ છે, શમ દમના પરિણામો પ્રત્યક્ષ છે; બીજી બાજુએ ભોગ-વિલાસનાં માઠાં ફળો પ્રત્યક્ષ છે, વૈરભાવથી થતી માનસિક વેદના પ્રત્યક્ષ છે, માતાપિતા, ગુરુ વગેરેને કનડવાથી થતી તિરસ્કારપાત્રતા પ્રત્યક્ષ છે. ભગવાન મહાવીર કહે છે તેમ સ્વર્ગનું સુખ પરોક્ષ છે; મોક્ષ (મુઆ પછી જન્મ-મરણ વિનાની દશા)નું સુખ અત્યંત પરોક્ષ છે, પણ પ્રથમ (નિર્વાસનુકતા, નિઃસ્પૃહતા)નું સુખ પ્રત્યક્ષ છે.