ઉપદેશ
---
પહેલો
ઉપદેશ૧. જામ્ભક ગામથી જ મહાવીરે પોતાનો ઉપદેશ શરૂ કર્યો. કર્મથી જ બંધન અને મોક્ષ થાય છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ મોક્ષનાં સાધનો છે એવો એમનો પહેલા ઉપદેશનો સાર હતો.
દશ સદ્ધર્મો૨. સર્વ ધર્મનું મૂળ દયા છે. પણ દયાના પૂર્ણ ઉત્કર્ષ માટે ક્ષમા, નમ્રતા, સરલતા, પવિત્રતા, સમ્યમ, સંતોષ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ દશ ધર્મો સેવવા જોઇયે. (૧) ક્ષમા રહિત માણસ દયાનું સારી રીતે પાલન નથી કરી શકતો; તેથી જે
ક્ષમા કરવામાં તત્પર છે તે ધર્મને ઉત્તમ રીતે સાધી શકે છે. (૨) સર્વ સદ્ગુણો વિનયને આધીન છે; અને વિનય નમ્રતાથી આવે છે. જે પુરુષ નમ્ર છે તે સર્વગુણસંપન્ન થાય છે. (૩) સરલતા વિના કોઈ પુરુષ શુદ્ધ થઈ શકતો નથી. અશુદ્ધ જીવ ધર્મ પાળી શકતો નથી. ધર્મ વિના મોક્ષ નથી અને મોક્ષ વિના સુખ નથી. (૪) માટે સરલતા વિના પવિત્રતા નથી, અને પવિત્રતા વિના મોક્ષ નથી. (૫-૬) વિષયસુખના ત્યાગથી જેણે ભય તથા રાગ-દ્વેષને તજ્યા છે એવા ત્યાગી પુરુષ નિર્ગ્રંથ (સમ્યમી અને સંતોષી) કહેવાય છે. (૭) તન, મન અને વચનની એકતા રાખવી, અને પૂર્વાપર અવિરુદ્ધ વચનનો ઉચ્ચાર કરવો એ ચાર પ્રકારનું સત્ય છે. (૮) ઉપવાસ, આહારમાં બે ચાર કોળીયા ઉણા રહેવું, આજીવિકાનો નિયમ, રસત્યાગ, શીતોષ્ણાદિ સમવૃત્તિથી સહેવાં અને સ્થિરાસને રહેવું એ છ પ્રકરનું બાહ્ય તપ છે પ્રાયશ્ચિત, ધ્યાન, સેવા, વિનય, કાર્યોત્સર્ગ અને સ્વાધ્યાય એ છ પ્રકારનું આભ્યન્તર તપ છે. (૯) સંપૂર્ણ સંયમ પૂર્વક મન વચન અને કાયા વડે રહેવું એ બ્રહ્મચર્ય છે
(૧૦) નિઃસ્પૃહતા એ જ અપરિગ્રહ છે. આ દશ ધર્મોના સેવનથી આપોઆપ ભય, રાગ અને દ્વેષ નાશ પામે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
સ્વાભાવિક
ઉન્નતિપન્થ૩. શાન્ત, દાન્ત, વ્રત નિયમમાં સાવધાન અને વિશ્વવત્સલ મોક્ષાર્થી મનુષ્ય નિષ્કપટ પણે જે જે ક્રિયા કરે છે તેથી ગુણની વૃદ્ધિ થાય છે. જે પુરુષની શ્રદ્ધા પવિત્ર છે તેને શુભ અને અશુભ બન્ને વસ્તુઓ શુભ વિચારને લીધે શુભ રૂપે જ ફળ આપે છે.
अहिंसा
परमो धर्म૪. હે મુનિ,* જન્મનાં અને જરાનાં દુઃખ જો. તને જેમ સુખ પ્રિય છે તેમ સર્વે જીવોને સુખ પ્રિય છે એમ વિચારી, કોઈ પણ જીવને મારીશ નહિ અને બીજા પાસે મરાવીશ નહિ. લોકોનાં દુઃખોને જાણનાર સર્વે જ્ઞાની પુરુષોએ મુનિઓને, ગૃહસ્થોને, રાગીઓને, ત્યાગીઓને, ભોગીઓને અને યોગીઓને આવો પવિત્ર અને શાશ્વત ધર્મ કહ્યો છે કે 'કોઇ પણ જીવને હણવો નહિ, તેના પર હકુમત ચલાવવી નહિ, તેને કબજે કરવો નહિ
'*મુનિ એટલે વિચારશીલ પુરુષ
અને તેને હેરાન કરવો નહિ' પરાક્રમી પુરુષ સંકટો પડતાં પણ દયા છોડતો નથી.
દારુણત્તમ યુદ્ધ૫. હે મુનિ, અંદરજ યુદ્ધ કર, બીજાં બહારનાં યુદ્ધની શી જરૂર છે? યુદ્ધની આવી સામગ્રી મળવી ઘણી મુશ્કેલ છે.
વિવેક એ જ
ખરો સાથી૬. વિવેક હોય તો ગામમાં રહેતાં પણ ધર્મ છે અને જંગલમાં રહેતાં પણ ધર્મ છે; વિવેક ન હોય તો બન્ને નિવાસ અધર્મ રૂપ જ છે.
અગીયાર
ગૌતમો૭. મહાવીરના ઉપદેશોનો અત્યંત ફેલાવો કરનાર અને એમની અતિશય ભક્તિભાવથી સેવા કરનાર એમના પહેલા અગીયાર શિષ્યો હતા. એ સર્વે ગૌતમગોત્રના બ્રાહ્મણો હતા. અગીયારે ભાઇઓ વિદ્વાન અને મોટા મોટા કુલોના અધિપતિઓ હતા. સર્વે તપસ્વી, નિરહંકારી અને મુમુક્ષુ હતા. વેદવિહિત કર્મકાણ્ડમાં પ્રવીણ હતા, પણ યથાર્થ જ્ઞાનથી શાન્તિને પામ્યા ન હતા. મહાવીરે એમના સંશયો કાપી નાખી એમને સાધુની દીક્ષા આપી.