બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
મહાદેવભાઈ દેસાઈ
૧૯૨૯


બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસલેખકઃ
મહાદેવ હરિભાઈ દેશાઈ
“ચીડીઆં સે જબ બાજ ગિરાઉં,
બિલ્લી સે જબ શેર મરાઉં,
સવા લાખ સે એક લડાઉં. ”

— ગુરુ ગોવિંદ
ન વ જી વ ન પ્ર કા શ ન મં દિ ર
અ મ દા વા દપ્રથમ આવૃત્તિ ૩,૫૦૦
મુદ્રક અને પ્રકાશક : મોહનલાલ મગનલાલ ભટ્ટ, નવજીવન મુદ્રણાલય,
અમદાવાદ.

બાર આના
સંવત ૧૯૮૫
 

પ્રાસ્તાવિક

બારડોલી સત્યાગ્રહે સત્યાગ્રહ દરમ્યાન તો બારડેલીની સૂરત બદલી નાંખી હતી. એ સૂરત કેવી બદલાઈ હતી, આખા તાલુકાની પ્રજાએ એકત્ર થઈ આખા તાલુકાને કેવો અજેય ગઢ બનાવી દીધો હતો, અને થોડા સમયને માટે તો સરકારનું તંત્ર ચાલતું બંધ કર્યું હતું. એ વાત સૌ કોઈ જાણે છે. બારડોલીની ૧૯૨૮ માં જે સૂરત હતી તે આજે નથી, બારડોલીના લોકો પોતાનું તે વેળાનું તેજ ભૂલીને બેઠા હોય તો નવાઈ નથી, શ્રી. મુનશી જેવા તટસ્થ પ્રેક્ષકને બારડોલીમાં જે ‘મુલ્ય પરિવર્તન’ થયેલું જણાયેલું તે આજે કદાચ ન જણાય. ૧૯૨૮ માં સરકારી અમલદારથી ન અંજાતા, અને તેમાંના ઘણાને કોડીના ગણતા લોકો આજે તેમની ખુશામદ કરતા માલૂમ પડે છે, જે પટેલાઈને તુચ્છ ગણીને સત્યાગ્રહ દરમ્યાન લોકોએ ઠેલી દીધી હતી, તે પટેલાઈને માટે આજે પડાપડી થાય છે, અને જે સંગઠન તે વેળા હતું તે આજે નથી દેખાતું. શાંતિના સમયમાં યુદ્ધનું તેજ જાળવવું અને વિજયનું ફળ જીરવવું એ મહા કઠણ કામ છે. છતાં બારડોલી તાલુકો સત્યાગ્રહને ભૂલ્યો છે એમ તો કોઈ ન કહે, અને એ સત્યાગ્રહનો ઇતિહાસ બીજા તાલુકાઓને તો પ્રાણપ્રદ રહેશે, અને ભાવી પ્રજાને માટે એક સુસ્મરણ રહેશે. સાર્વજનિક વ્યવહારમાં અહિંસાને શસ્ત્ર તરીકે ઉપગમાં લાવવાનો પ્રયોગ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી કોઈપણ ‘સત્યાગ્રહ’ના ઇતિહાસનું મૂલ્ય રહેશે. બીજા કારણ માટે નહિ તો એટલા કારણે પણ એ સત્યાગ્રહનો ઇતિહાસ સંઘરવા જેવો છે.

બારડોલી સત્યાગ્રહમાં સૈનિક તરીકે ભાગ લેવાનું સદ્ભાગ્ય તો મને નહોતું મળ્યું, પણ અ–સૈનિક તરીકે મારે ઠીક ઠીક સેવા આપવાનો લાભ મળ્યો હતો. એ દરમ્યાન સરદારની સાથેના સહવાસનાં અને સત્યાગ્રહના દર્શનનાં કેટલાંક સ્મરણો મારે માટે પુણ્યસ્મરણો રહેશે. એ અને બીજાં સ્મરણોને ઇતિહાસ રૂપે ગૂંથીને ગુજરાત આગળ રજૂ કરતાં આનંદ થાય છે. આ ઇતિહાસ કોઈ સૈનિક રજૂ કરે તો જુદી જ રીતે કરે અને સરદાર પોતે લખે તો વળી તેથી જુદી રીતે લખે. પણ સરદાર અને તેના સૈનિકોને લડવાનો જેટલો શોખ છે તેટલો લખવાનો નથી, એટલે મારે આ કામ ઉપાડવું પડ્યું છે. પરિણામે ‘ગોળીબહારની લાઈન’માંથી લખાયેલાં વર્ણનોની લહેજત એમાં ન મળે, અને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ’માં મળતો સત્યાગ્રહના પ્રણેતાના સ્વાનુભવનો શાંત રસ ન મળે. પણ એ ન મળે તો બીજું કંઈક તો મળી રહેશે, જેથી વાચકને આ ઇતિહાસ ઉપર આપેલો સમય કેવળ કાળક્ષેપ ન લાગે એવી આશા છે.

સરકારી અમલદારોનાં નામ બનતા સુધી છોડી દેવામાં આવ્યાં છે. સત્યાગ્રહીને એનો હેતુ સમજાવવાની જરૂર નથી. પ્રકરણને આરંભે મૂકેલાં આદર્શ વાક્ય સરદારનાં ભાષણોમાંથી લીધેલાં છે.

મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ ઉક્તિનું સ્મરણ કરીને ઇતિહાસના પૂર્વાર્ધને ‘ક્લેશ’ તરીકે વર્ણવ્યો છે અને ઉત્તરાધને ‘ફળ’ તરીકે વર્ણવ્યો છે. કારણ क्लेशः फलेन हि पुनर्नवतां विधते એ વચન સત્યાગ્રહને વિષે તો સવિશેષે સાચું છે.Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૩ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1963 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.