લખાણ પર જાઓ

બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/લોઢું અને હથોડો

વિકિસ્રોતમાંથી
← ખામોશીના પાઠ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
લોઢું અને હથોડો
મહાદેવભાઈ દેસાઈ
પ્રચંડ ભઠ્ઠી →





૧૫
લોઢું અને હથોડો


“લોઢું ગરમ થાય છે ત્યારે લાલચેળ થાય છે, અને તણખા ઊડે છે. સરકારમાંથી આજે તણખા ઊડી રહ્યા છે, પણ લોઢું ગમે તેટલું લાલ થાય તોયે હથોડો ગરમ નથી થતો. આપણે લોઢાનો ઈચ્છાપૂર્વક ઘાટ ઘડવો હોય તો હથોડાને ગરમ થવું ન પાલવે. ગમે તેવી આપત્તિમાં ગરમ ન જ થઈએ.”


બારડોલીમાં હવે લોઢું ને હથોડાની હરીફાઈ ચાલી રહી છે. સરકારી આડતિયાઓની બેદરકારી, અને બેકાયદાપણાનો દોર ચાલી રહ્યો છે. ‘લડતમાં થોડી જ નીતિ હોય ?’ એ સરકારનો ન્યાય છે, જ્યારે શ્રી. વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહીઓને કહી રહ્યા છે : ‘લડતમાં વધારેમાં વધારે નીતિ પ્રગટ કરો.’

એ જુહાકી દોર એટલો ઝપાટાબંધ ચાલી રહ્યો છે કે ઘડી ઉપર આવેલી ખબર બીજી ઘડીએ વાસી થાય છે. વાલોડના પીઠાવાળા એક બહાદુર પારસી સજ્જનને આ પ્રકરણમાં સરકારે યોગ્ય ખ્યાતિ આપી દીધી છે, સરકારી અમલદારોએ સરકારને ભૂંડી ખ્યાતિ આપી છે. આ દુકાનદારને ત્યાં ડેપ્યુટી કલેક્ટરના હોદ્દાનો અમલદાર આબકારી અમલદારને લઈ ગયો, તેમનાં દારૂનાં પીપો જપ્ત કર્યાં, પણ તે ઉઠાવવાં અઘરાં લાગ્યાં એટલે તેમની દુકાને તાળું મારીને, સિપાઈ બેસાડીને, કૂચ કરી ગયો. દોરાબજી શેઠે પેલાને સખત કાગળ લખી જણાવ્યું કે દુકાન બંધ થવાથી તેમને જે ખોટ જશે તે માટે ડેપ્યુટી કલેક્ટર જવાબદાર ગણાશે, અને પોતાની દુકાનમાં જપ્ત કરેલાં પીપો માટે તે રોજનું પાંચ રૂપિયા ભાડું માગી શકશે તે જુદું. વળી તેમણે એ પણ જણાવ્યું કે કલેક્ટર કહે છે કે લોકોની ભરવાની મરજી છે, છતાં બહારના ચળવળિયાઓના દબાણથી તેઓ ભરી નથી શકતા, એ વાત તદ્દન જૂઠી છે. દબાણ તો સરકારનું થઈ રહ્યું છે, અને તેના પારસી દુકાનદારો જ ભોગો થઈ પડેલા છે. પેલા અમલદારને ઉપરથી કાંઈ સપાટો આવ્યો કે શું થયું, તેના માણસો પાછા દોડ્યા, વાલોડ રાત્રે પહોંચ્યા, દુકાન ખોલી અને દોરાબજી શેઠને દબડાવવા લાગ્યા : ‘દુકાન કેમ નથી ચલાવતા ?’ તે કાંઈ ગાંજ્યા જાય એમ નહોતા જ, તેમણે પણ સીધા જવાબો આપ્યા, એટલે પેલો કાગળ લખવા માટે તથા કલેક્ટર સાહેબ જેવા મોટા સાહેબને જૂઠા પાડવા માટે ‘કાળા કિતાબ’માં તમારું નામ નોંધવામાં આવશે એવી તેમને ધમકી મળી. પણ દોરાબજી શેઠે તો પીઠું ન જ ખોલ્યું, અને જ્યાં સુધી જપ્ત કરેલાં પીપો ન ખસેડવામાં આવે ત્યાં સુધી હું દુકાન ચલાવવા નથી માગતો એમ જણાવ્યું. આ દુકાન ઉપર પાછો હુમલો થયો ! દોરાબજી શેઠની પાસે સરકારમાગણું ૩૦૦ રૂપિયા જેટલું હશે તે માટે રૂા. ૨,૦૦૦નો — રોકડ રૂપિયાની બરાબરનો — દારૂ જપ્ત કર્યો, તેમની દુકાનના બાંકડા વગેરે જપ્ત કર્યા. દુકાન ન ચલાવવાથી તેમને નુકસાન વેઠવું પડ્યું તે ઉપરાંત પાછી ચડાઈ ? પાછી ચડાઈમાં દુકાનની બહાર પડેલાં ખાલી પીપો જપ્ત કર્યા, અને તેમાં પહેલાં જપ્ત કરેલાં પીપોનો દારૂ ભરવા માંડ્યો. એક પીપ કાણું, બીજું કાણું, ત્રીજું કાણું. કેટલોય દારૂ જમીન પર ઢળ્યો ! એની પેલાઓને શી પરવા ? બીજે ક્યાંકથી પીપો લાવ્યા અને તે ભરીને તે દારૂને હરાજ કર્યો. સ્વાભાવિક રીતે આ ઘટનાઓથી ચીડ ચડે. એ ચીડ ન ચડે એટલા ખાતર બીજે દિવસે પત્રિકામાં ઘટના વર્ણન કરનારી નોંધ આવી તેનું મથાળું આ હતું : ‘સાલાં પીપો પણ સ્વરાજમાં ભળ્યાં’ ! ગમે તેવી ઘટનામાંથી વિનોદ કાઢી શકે એવી આ મનોદશાને કઈ સરકાર જીતી શકે ? આ મનોદશા લોકો રોજરોજ વધારે વધારે કેળવતા જતા હતા.

દારૂવાળાઓની સ્થિતિ જરા કઢંગી હતી. તેમને રોજરોજ સરકારી તિજોરીમાં પૈસા મોકલવા પડે. સરકાર એ પૈસા દારૂને માટે જમા કરવાને બદલે મહેસૂલમાં જમા કરી દે. પૂણીના એક દુકાનદારે તાડીને માટે ૧૭૫ રૂપિયા ભરવાને આપ્યા તેમાંથી ૪૨ રૂપિયા મહેસૂલ માટે કાપી લેવામાં આવ્યા. એમ જ એક અફીણવાળાનું બન્યું ! આ રૂપિયા લઈ લેવા એ ઉચાપત કરવાનો ગુનો ન કહેવાય તો બીજું શું ?

બીજા ગુનાઓમાં ગમે ત્યાંથી, ગમે ત્યારે, કશી ચોકસી વિના, માલિક કોણ છે તેની તપાસ વિના, પોલીસ અને પઠાણની મદદથી પેલા જપ્તીઅમલદારો ઢોરો ઉપાડવા લાગ્યા. શિકેર ગામમાં ૫૮ ઢોરો પકડવામાં આવ્યાં, અને થાણા ઉપર જાહેરનામું લગાડવામાં આવ્યું : ‘શિકેરના રામા ગોવિંદ અને બીજાઓનાં પ૮ ઢોરો મહેસૂલ ન ભરવા માટે જપ્ત કરવામાં આવ્યાં છે.’ આમાં એક બિનખાતેદારની વિયાવાની ભેંસ હતી. તેણે તે ભેંસની માગણી કરી. મહાલકરીએ તેને દમ ભરાવ્યો, ભેંસને ખવડાવવાના ખર્ચની માગણી કરી, પણ પેલાએ ‘ધેાળી ટોપીવાળા’ની ધમકી બતાવી એટલે કહ્યું, ‘વારુ, વારુ, લઈ જાઓ તમારી ભેંસ !’

આમ ઢગલો ઢોર પકડાવા લાગ્યાં છે, પણ તેની માવજત કોણ કરે ? તેને વેળેવેળે પાણી કોણ પાય ? પઠાણોને એ કામ માટે ભાડે રાખવામાં આવ્યા હતા. બારડોલીમાં પકડાયેલી એક ભેંસ બિચારી બરાડા પાડતી થાણામાં મરી ગઈ. આમ ઉચાપત અને ઢોરચોરીની સાથે એક ભેંસને સ્વધામ પહોંચાડવાનું પાપ પણ અમલદારોએ સરકારને કપાળે ચોંટાડ્યું.

ત્રીજી બાજુએથી ખાલસાની નોટિસોના ઢગલા. વાલોડના જે વીરોને નોટિસ મળી હતી તેમની જમીન સરકાર દફ્તરે ચડી ગયાના હુકમ નીકળ્યા. આથી દુઃખી થવાને બદલે એક સજ્જને ખાલસાનો ઉત્સવ ઊજવ્યો. વાણિયા ન દબાયા એટલે મુસલમાનોને દાબી જોવા માંડ્યા. બારડોલીના ઈબ્રાહીમ પટેલને ખાલસા નોટિસનું પહેલું માન મળ્યું. હજારો રૂપિયાની જમીન હરાજ થઈ જશે એમ એ જાણતા હતા છતાં એમના પેટનું પાણી હાલ્યું નહિ.

ચોથી બાજુએથી ગાડાંવાળાઓ ઉપર ત્રાસ શરૂ થયો. ૧૯ ગાડાંવાળાઓને સરકારી અમલદારને ગાડાં ન આપવા બદલ સમન મળ્યા અને ગાડાંને નિમિત્તે, શ્રી. રવિશંકર ઉપર પહેલો હાથ નાંખવામાં આવ્યો. વાલોડના વાણિયા સત્યાગ્રહીઓએ ખાલસાનું મંગલમુહૂર્ત કર્યું, શ્રી. રવિશંકરના બલિદાનથી જેલ જવાનું મંગલમુહૂર્ત થયું. શ્રી. રવિશંકરભાઈને કેમ પકડ્યા તેની વીગત તેમણે કોર્ટમાં રજૂ કરેલા બ્યાનમાં સ્પષ્ટ થાય છે :

“આ કામમાં મારી લેખી હકીકત નીચે મુજબ રજૂ કરું છું :

એક ગરીબ ગાડાવાળાને તેની ઈચ્છા વિરુદ્ધ સરકારી કામે વેઠે લઈ જવામાં આવતો હતો. તેને છોડાવવા ગઈ તા. ૧૯ મીએ બપોર પછી ચાર વાગતાંના અરસામાં હું બારડોલીની કચેરીના કંપાઉન્ડમાં ગયો હતો. અને તેને મેં કહ્યું હતું કે તારે જવાની ઈચ્છા ન હોય અને તને મરજી વિરુદ્ધ ડરાવીને લઈ જવામાં આવતો હોય તો તું ડરીશ નહિ અને જઈશ નહિ. આ હકીકત મામલતદારસાહેબે તે જ વખતે મને બોલાવ્યો ત્યારે મેં તેમને કહી હતી. અને તે પછી ગાડાવાળાને પોતાનું ગાડું ખાલી કરી છૂટો થવા જતાં પોલીસે તેના ઉપર જબરદસ્તી કરી છૂટો ન થવા દીધો, એટલે મેં તેને ન જવું હોય તો ગાડું પડતું મૂકી મારી પાછળ ચાલી આવવા કહેલું અને તે પ્રમાણે તે મારી સાથે ચાલી આવ્યો, અને બીજા બે ગાડાંવાળા તેનું જોઈને હિમ્મત કરી ચાલ્યા ગયા.

પ્રાન્ત અમલદાર જેવા મોટા અમલદારના ઉપયોગ માટે મેળવેલાં અને ભરેલાં ગાડાં ધોળે દિવસે કચેરીની અંદર પડ્યાં રહે અને ગરીબડા ગાડાંવાળાએ પોતાનાં ગાડાં ત્યાં પડ્યાં રહેવા દઈ ભાગી જવાની હિમ્મત કરે એ સરકારને વસમું લાગે, અને આજ સુધીથી ચાલતા આવેલા વહીવટ પ્રમાણે સરકારી કામમાં દખલરૂપ ગણાય એ હું સમજી શકું છું; અને સરકારની દૃષ્ટિએ મને દોષિત ગણવામાં આવે તેમાં મને જરાય નવાઈ લાગતી નથી. હું કાયદાની દૃષ્ટિએ દોષિત નથી એવો બચાવ કરવા માગતો નથી. નીતિની દૃષ્ટિએ મેં એ ગરીબ માણસનું રક્ષણ કરી મારો ધર્મ બજાવ્યો છે. પરંતુ ત્યાં નીતિને સ્થાન નથી એવા કાયદાના અમલમાં હું ગુનેગાર છું. એમ માની આપ વિનાસંકોચે મને કાયદામાં મારા ઉપર મૂકવામાં આવેલા આરોપ બદલ વધારેમાં વધારે સજા કરશો એવી મારી વિનંતિ છે.

આપ મારા પોતાના દેશબંધુ છો અને આપને હાથે જ મને સજા થાય એના જેવી આ સત્યાગ્રહની લડતમાં બીજી શુભ શરૂઆત શી હોઈ શકે ?

 આપ જ્યાં સુધી આ હોદ્દા ઉપર છો, અને કાયદા પ્રમાણે ન્યાય આપવાને બંધાયેલા છો ત્યાં સુધી આ કામમાં મને સજા કરવી એ આપનો ધર્મ છે.

આપ જે કંઈ સજા ફરમાવશો તેને હું અત્યંત હર્ષથી અને પણ દુઃખ માન્યા સિવાય બરદાસ્ત કરીશ.”

ઉપર પ્રમાણે વર્તવામાં રવિશંકરભાઈએ ગેરકાયદે પ્રવેશ કરવાનો ગુનો શી રીતે કર્યો હશે તે સરકાર જાણે. સરકારી અમલદારને કામ કરતા રોકવાનો ગુનો સરકારની દૃષ્ટિએ જરૂર થતો હતો. પણ એ ગુનો તો રવિશંકરભાઈ જ નહિ, પણ બારડોલીમાં કામ કરનાર દરેક સ્વયંસેવક અને તેના સરદાર વલ્લભભાઈ રાતદિવસ કરી રહ્યા હતા. પણ શ્રી. રવિશંકરે પોતાનો પ્રતાપ સરકારની આંખ અંજાય એવી રીતે બતાવ્યાને લીધે કદાચ તેમને જેલ જવાનું પહેલું માન મળ્યું હશે. રવિશંકરભાઈને અમુક સજા અને દંડ, અને દંડ ન ભરે તો બીજી વધારે સજા એમ કરીને પ મહિના ૧૦ દિવસની સખત કેદની સજા થઈ. રવિશંકર જેવાને દંડ કરવો એ વધારે સજા કરવાનું બહાનું નહિ તો બીજું શું ?

લોકોએ તો આ સજાને રવિશંકરભાઈ જેટલી જ વધાવી લીધી. પણ અહિંસા જાળવવાની કાળજી રાખવાનો ડોળ કરનાર સરકારને ખબર નહોતી કે તેણે અહિંસા જાળવનાર એક સુંદર રખાને કેદ પૂર્યો. ગાંધીજીએ રવિશંકરને જે વધામણી મોકલી હતી તે આખા બારડોલી તાલુકાને માટે જ હતી :

તા. ૩૦-૪-૨૮
મૌનવાર
 

ભાઈશ્રી રવિશંકર,

તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેથી સંતુષ્ટ, ટાઢતડકો સરખાં, ચીથરાં મળે તો ઢંકાઓ, ને હવે જેલમાં જવાનું સદ્‌ભાગ્ય તમને પહેલું. જો ઈશ્વર અદલાબદલી કરવા દે ને તમે ઉદાર થઈ જાઓ તો તમારી સાથે જરૂર અદલાબદલી કરું. તમારો ને દેશનો જય હો.

બાપુના આશીર્વાદ
 

 લોકોની સખતમાં સખત કસોટી થવાને ટાણે તેમની હિંમત સોળે કળાએ પ્રગટી. શ્રી. વલ્લભભાઈની હૂંફ તો જરૂર આનું કારણ હતું, પણ સ્વતંત્ર રીતે પણ હવે તેમનામાં લડવાની અને ભોગો ખમવાની હિંમત આવી ગઈ. બેત્રણ લાખની જમીન તો આજ સુધીમાં ખાલસા નોટિસ તળે આવી ગઈ હતી, અને આટલી જુહાકી ચાલી રહી હતી છતાં શાંતિનો પાર નહોતો. બારડોલીએ પોતાની શાંત પ્રકૃતિની ખ્યાતિ સાચી પાડી. શ્રી. વલ્લભભાઈ આજે મહેસૂલ ન ભરવાની કે ભય ટાળવાની કે સરકારને ભૂલી જવાની વાતો પોતાના ભાષણમાં નહોતા કરતા, શાંતિના જ પાઠ ભણાવતા હતા અને હિંમત આપતા હતા :

“હજારો ધારાળાનાં જીવન સુધારનાર, મારા કરતાં ઘણા વધારે પવિત્ર એ ઋષિને પકડીને સરકાર માનતી હશે કે મારી પાંખ કપાઈ જશે. સરકાર મારી પાંખો કાપવા માગે છે પણ મારે પાંખો ઘણી છે. સરકારને ન્યાય ન કરવો હોય તો મને પકડે જ છૂટકો છે. હું સરકારને ખાતરી આપું છું કે મારી પાંખો તો વરસાદમાં જેમ ઘાસ ફૂટી નીકળે છે તેમ નવી ને નવી ફૂટતી જવાની છે.”

આ લડતની ખૂબી તો એ હતી કે જ્યારે એક બાજુએ શ્રી. રવિશંકરની ઉપર આ કેસ ચાલતો હતો ત્યારે શ્રી. વલ્લભભાઈ રાનીપરજ લોકોની હજારો માણસની સુંદર પરિષદ એક નાનકડા ગામમાં ભરી રહ્યા હતા, અને એ રાનીપરજમાં કાર્ય કરનારાઓ એક આદર્શ ખાદીપ્રદર્શન ભરીને બેઠા હતા.

રવિશંકરભાઈના જેલ ગયાના ખબર ગુજરાતમાં વીજળીવેગે ફેલાઈ ગયા. ડા. સુમંત મહેતા આખી લડતનો રંગ શાંતિથી નિહાળ્યા કરતા હતા, કદી કદી વર્તમાનપત્રોમાં કાગળ લખીને ગુજરાતને ચેતવતા કે બારડોલીમાં શું ચાલી રહ્યું છે તે વિષે બેદરકાર ન રહો, ગાયકવાડી ગામડાંમાં ઠરાવ કરાવતા હતા કે બારડોલીમાં જપ્તીઓ થાય તેમાં સરકારને કોઈ પણ રીતે મદદ કરવા જશો નહિ, અને પાડોશી ધર્મમાંથી ચૂકશો નહિ. હવે ડા. સુમંતથી આટલાથી સંતોષ માનીને બેસી ન રહેવાયું, તેમણે પોતાની સેવાનો ઉપયોગ કરવાની સરદારને વિનંતિ કરી. સરદારે તેમને રવિશંકરભાઈની  જગ્યા લેવાનું કહ્યું. ડા. સુમંતે શ્રીમતી શારદાબહેન સાથે સરભોણનું થાણું સંભાળી લીધું.

ભાઈ રામદાસ ગાંધી, શ્રી. જેઠાલાલ રામજી, સરદારનાં પુત્રી કુમારી મણિબહેન અને બીજા ઘણા સ્વયંસેવકો આ અરસામાં આવી પહોંચ્યાં.

સરકારે હવે શરમ છોડી. જપ્તીની અનેક રીતો અજમાવી. ખાલસાની સેંકડો નોટિસો કાઢી, નિશાચરોની જેમ રાત્રે જેની તેની ભેંસો ભગાડી, પંચનામાં કર્યા વિના જપ્તીઓ કરી, સાચાં લિલામ કર્યા વિના સેંકડોના માલ પાણીને મૂલે વેચ્યા, છતાં સરકારનો ડર ઓછો થતો નહોતો. આ બધું કર્યું છે તેની વ્યર્થતા તેમની હાંસી કરતી હતી. એટલે હવે સરકારે મનાઈહુકમો કાઢ્યા, એક કલેક્ટર મારફત અને એક ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ મારફત. બંને હુકમ ૬ મહિનાની મુદતના હતા. પહેલો હુકમ ‘ભાડૂતી વાહનો અને બળદગાડાં હાંકનારને’ સમજાવનારને, ‘સરકારી નોકરને અથવા બીજાને ત્રાસ કરનાર અથવા ત્રાસ આપવા ભેગા થનાર’ ને ગુનેગાર ઠરાવનારો, અને બીજો ‘જાહેર રસ્તા નજીક અથવા મોહોલ્લામાં અથવા જાહેર જગ્યામાં’ ઢોલ વગેરે વગાડવાનો ગુનો ઠરાવનારો. આ બંધીહુકમો સરકારનું બળ કે કુશળતા બતાવનારા નહિ, પણ સરકારે બંનેનું દેવાળું કાઢ્યું છે એમ બતાવનારા હતા. એ હુકમ કાઢવાનું બહાનું ‘જાહેર સલામતી અને સગવડ’ જણાવવામાં આવ્યું. પણ એનો ઉદ્દેશ ત્રાસ આપવા સિવાય બીજો જણાતો નહોતો. તેમને વેઠિયા મળતા નથી, ગાડાંવાળા મળતા નથી, તેમનો લૂંટેલો માલ ખરીદનારા મળતા નથી, અને જે તેમના હાથમાં આવી શકે એવા પણ હાથમાંથી જવાનો ભય લાગે છે, એટલે તેમણે પોતાની ચીડ મનાઈહુકમમાં ઠાલવી, નહિ તો જુવાનિયાઓ અને બાળકો ઢોલ વગાડે એ દુનિયામાં કોઈ ઠેકાણે ગુનો જાણ્યો છે ? તોપ, બંદૂક અને દારૂગોળાનો દમામ રાખનારી સરકાર ઢોલનગારાંથી ડરી ગઈ એમ કહીને સરકારને વગોવવાની સરદારને એક વધારે તક મળી. એવી વસ્તુને  સરકારને વગોવવાના સાધન સિવાય બીજી રીતે વાપરવાને સરદાર લલચાય એમ નહોતું. સરદારે લોકોને હુકમ કાઢ્યા :

“ઢોલ વગાડવાં, શંખ વગાડવા બંધ કરો, તોપબંદૂકવાળી સરકાર આપણાં ઢોલશંખથી ડરી ગઈ છે. ઢોલ અને શંખને સત્યાગ્રહની સાથે સંબંધ નથી. લોકોને મહેસૂલ ન આપવાનું સમજાવવાનો આપણો ધર્મ છે તે ધર્મ કદી ન છોડશો, પણ આવાં જાહેરનામાં કાઢી સરકાર આપણને ફસાવવા માગે તો આપણે નથી ફસાવું.”

સરદારને હવે અમદાવાદ જવા આવવાની પંચાત રહી નહોતી. ત્યાંના તેમના મિત્રોએ મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ તેમને છોડાવવાની પેરવી કરી રાખી હતી – અથવા ઈશ્વરે તેમને તેમ કરવાને માટે પ્રેર્યા હતા એમ કહીએ તો ચાલે. કારણ હવે સરદારની બારડોલી તાલુકામાં ૨૪ કલાકની હાજરીની જરૂર રહે એવો સમો આવ્યો હતો. પરિણામે તાલુકાના દરેક ગામમાં ફરી વળવાનું તેમનાથી બની શક્યું, એટલું જ નહિ પણ આસપાસનાં ગાયકવાડી ગામોમાં પણ અવારનવાર તેમનાથી જવાનું બની શક્યું. આ ગાયકવાડી ગામો અને નવસારી કસ્બો આ લડતમાં રક્ષણના ગઢો બની રહ્યા હતા. ગામડાંમાં લોકશિક્ષણના રોજરોજ નવા પાઠ અપાઈ રહ્યા હતા. દરેક નવી સ્થિતિને પહોંચી વળવાને માટે સરદારની પાસે નવા ઉપાયો હોય, તેને હસી કાઢવાને માટે નવી ભાષા હોય, અને એકે સ્થિતિ સરદારને માટે નવી હોય જ નહિ એ જોઈને લોકો આશ્ચર્યચકિત થતા હતા અને બહાદુર બનતા જતા હતા. આફવામાં ૧૩ ભેંસો પકડાઈ છે એમ સાંભળીને સરદાર આફવા ગયા. ત્યાં ભેંસોને ખોવાને માટે તૈયાર રહેવાનું લોકોને સમજાવવા સરદાર પાસે દલીલ તૈયાર જ હતી :

“આ તો તદ્દન નજીવી વસ્તુ છે. ગુજરાતમાં જળપ્રલય થયો હતો ત્યારે સેંકડો ઢોર તણાઈ ગયાં હતાં. પોતાનાં જીવ જેવાં વહાલાં ઢોર નજર આગળ તણાઈ જતાં લોકોને જોઈ રહેવું પડેલું. માણસો પણ બાળબચ્ચાં સહિત ચારચાર ને પાંચપાંચ દિવસ ઝાડ ઉપર રહ્યાં હતાં. આની આગળ આપણો ભોગ તો કાંઈ જ નથી. જેમનાં ઢોર ગયાં હોય તે આજે હસતે ચહેરે બલિદાન આપો, સાકર વહેંચો. તેમણે કશું ખોયું નથી, મહા ધર્મલાભ કર્યો છે. ”

 વૈશાખજેઠના ધોમ ધખતા હતા, એ ધોમમાંથી સરદારને દલીલ મળી રહી. આવતાં વાવાઝોડાં અને વીજળીના કટાકાની સામે તૈયાર રહેવાનું અને ગમે તે કારણે મિજાજ ન ખોવાની શક્તિ કેળવવાનું તો દરેક ભાષણમાં કહેવાનું હોય જ :

“હવે હું આવું કે ન આવું, આપણા ઉપર બિલકુલ આળ ન આવે એટલું સંભાળજો. કોઈ મર્યાદા છોડશો નહિ. ગુસ્સાનું કારણ મળે, તોપણ અત્યારે ખામોશ પકડી જજો. મને કોઈ કહેતું હતું કે ફોજદારસાહેબે કોઈને ગાળ દીધી. હું કહું છું તેમાં તેમનું મોઢું ગંદુ થયું. આપણે શાંતિ પકડી જવી. અત્યારે તો મને ગાળ દે તોપણ હું સાંભળી રહું. આ લડતને અંગે તમે ગાળો પણ ખાઈ લેજો. પરિણામે એ પોતે પોતાની ભૂલ સમજી જશે. પોલીસનો કે બીજો કોઈ અમલદાર તેની મર્યાદા છોડે છતાં તમે તમારી મર્યાદા ન છોડશો. તમારી વહાલામાં વહાલી વસ્તુ લૂંટી જાય તોપણ કશું જ ન બોલશો. કોઈ હતાશ ન થશો, પણ સામા હસજો. એ જો તમે શીખશો તો જેમ વરસાદ આવતા પહેલાં વૈશાખજેઠની અકળામણ આવે છે તેવી જ આજની આ અકળામણ બની જશે. તે આવ્યા વિના વૃષ્ટિ સંભવે નહિ. પ્રથમ અંધારું થાય, વાવાઝોડું થાય, કાટકા થાય ત્યારે છેવટે વૃષ્ટિ આવે. દુઃખ સહન કર્યા વિના નિકાલ આવે જ નહિ. અને આ દુઃખ તો આપણે પોતે માગી લીધેલું જ છે. એમાં આપણું શું જવાનું છે ? ક્ષણિક સુખ જતું કરીને આપણે એવી અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત કરવાના છીએ કે જે લાખો ખરચતાં મળવી દુર્લભ છે. તેજ, બહાદુરી અને તેની સાથે હું માગું છું તેવો વિનય — ખાનદાની — આ કમાણી આપણને અમથી કોઈ દિવસ મળવાની નહોતી, તે આ લડતમાંથી આ તાલુકાના ખેડૂતો મેળવે એ જ ઈશ્વર પાસે માગું છું.”

અને છેવટે લોઢું અને હથોડાની ઉપમાને બારડોલીમાં જ્યાંત્યાં પરિચિત કરી મૂકી :

“આ વખતે સરકારનો પિત્તો ઊછળ્યો છે. છોને લોઢું ગરમ થાય, પણ હથોડાને તો ઠંડું જ રહેવું ઘટે. હથોડો ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે. તમે ઠંડા જ પડી રહો. કયું લોખંડ ગરમ થયા પછી ઠંડું નથી થતું ? કોઈ પણ રાજ્ય પ્રજા ઉપર ગમે તેટલું ગરમ થાય તો તેને છેવટે ઠંડું પડ્યા વિના છૂટકો જ નથી. પ્રજાની પૂરતી તૈયારી હોવી જોઈએ.”