બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ખામોશીના પાઠ
← ખેડૂતોના સરદાર | બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ખામોશીના પાઠ મહાદેવભાઈ દેસાઈ |
લોઢું અને હથોડો → |
“જ્યારે પ્રજામાં નવું જોશ ને નવી તાકાત આવી છે ત્યારે તેનો ભૂલેચૂકે પણ આપણે હાથે દુરુપયોગ ન થવા પામે એ વિશે આપણે રાતદિવસ જાગૃત રહેવાનું છે.”
ભાઈ રવિશંકરે બારડોલીની પાઠશાળાની સૂરતમાં વાત કરી હતી. એ પાઠશાળામાં અભયપાઠ ખેડૂતો શીખી રહ્યા હતા, તેની સરકારને રોજરોજ અધિક જાણ થતી જતી હતી. ખાલસાની નોટિસની તારીખો ગઈ, જમીન તો હજી ખાલસા ન થઈ, અને ઊલટા અભિનંદનના ઠરાવો અને ઉત્સવની વિરાટ સભાઓ થવા લાગી છે. બારડોલીના લોકો પ્રસિદ્ધ થવા લાગ્યા છે એટલું જ નહિ, બારડોલીનાં દર્શને લોકો આવવા લાગ્યા છે. ધારાસભાના ચાર સભ્ય શ્રી. શિવદાસાની, રા. સા. દાદુભાઈ દેસાઈ, રા. બ. ભીમભાઈ નાયક અને શ્રી. દીક્ષિત આ અરસામાં બારડોલી જોવા આવ્યા; અને ખેડૂતોનું સંગઠન, ખેડૂતોની નીડરતા અને મક્કમતા જોઈને ચકિત થયા. શ્રી. શિવદાસાની તો આ તાલુકાના અનુભવી. ૧૯૨૧માં ગાંધીજીને જેલ જતા ન જોઈ શક્યા એટલે સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપીને બેઠેલા. તાલુકાની એક સભા જોઈને તેમણે કાઢેલા ઉદ્ગાર બહુ નોંધવા જેવા હતા :
“આજે ખેડૂત પોતાના પર શું દુઃખ છે તે સમજે છે અને આટલો ઉત્સાહ ધરાવે છે તે જ બતાવે છે કે સત્ય તેના જ પક્ષમાં છે. બે મહિના પહેલાં મને શંકા હતી, કારણ વાલોડમાં એક સભામાં હું ગયેલો ત્યાં લોકોએ તૈયાર હોવાની ખાત્રી આપ્યા પછી આ તાલુકાના જ એક માણસે મને કાગળ લખેલો કે એ કશી ખાત્રી માનવી નહિ, ને બારડોલીના પોચા ખેડૂતો ટકી શકશે નહિ. પણ બે માસ પહેલાં તો શ્રી. વલ્લભભાઈ પોતે પણ આજની તમારી તૈયારી માની શકત નહિ. બારડોલી તાલુકાના ખેડૂતો જો આ લડત માટે તૈયાર થઈ શકે છે તો તેઓ સ્વરાજ્ય પણ લઈ શકે. હું માનું છું કે અંગ્રેજી રાજ્યના કફનમાં આ લડતથી પહેલો ખીલો ઠોકાશે. આ દેશની પ્રજા સ્વરાજ્ય માટે લાચક છે એ આ લડતથી દુનિયાની સામે સિદ્ધ થઈ જશે. કોઈ પણ સ્વતંત્ર દેશની પ્રજા પણ પોતાના હક માટે આથી વધારે ન કરી શકે. સરભોણમાં મને એકવાર એક વૃદ્ધ અનાવિલ ભાઈએ કહેલું કે અમે તો ગાય જેવા છીએ, અમને વાઘથી બચાવો. મેં કહ્યું : જ્યાં સુધી ખેડૂત ગાય રહેશે ત્યાં સુધી તેને વાઘનો ભય રહેવાનો જ. તેણે પોતે ગાય ટળી વાઘ થવું જોઈએ. હવે હું તમારામાં એવું સ્વસંરક્ષણનું બળ આવેલું જોઈ રાજી થાઉં છું. તમે જે વચન શ્રી. વલ્લભભાઈને આપ્યું છે તે તેમને એકલાને જ આપ્યું છે એમ ન સમજજો, એ વચન તો તમે આપણી માતૃભૂમિને આપ્યું છે, પરમેશ્વરને આપ્યું છે. જો બધા એકસંપથી રહેશે તો ખાત્રીથી માનજો કે સરકાર કંઈ કરી શકનાર નથી.”
રાવ બહાદુર ભીમભાઈની વાણીમાં પણ જાણે જોશીલા ખેડૂતોને જોઈ ને નવું જોમ આવ્યું હોય તેમ તેઓ બોલેલા :
“વલ્લભભાઈની કાર્યપદ્ધતિમાં અને અમારીમાં ફેર છે, પણ આ લડતમાં અમે એક છીએ. કારણ આ લડતના પક્ષમાં સત્ય છે. ગમે તેટલી હોવિટ્ઝરો કે વિમાનો લાવીને ગોઠવે તોપણ ખેડૂતને અસંતુષ્ટ રાખીને કોઈ રાજ્ય નભી શકતું નથી. મેં અગાઉ કહેલું ને ફરીવાર કહું છું કે અંગ્રેજ રાજ્યનો પાયો પણ ખેડૂતના અસંતોષથી જર્જરિત થશે; તેથી હું અહીંથી ફરી એકવાર સરકારને વિનંતિ કરું છું કે હજી પણ ખેડૂતને સંતોષ આપો, નહિ તો જે કાંઈ પરિણામ આવશે તેનો દોષ સરકારને શિર રહેશે.”
આ અનુભવો પછી બધા સભ્યો સત્યાગ્રહી ખેડૂતોની સાથે સક્રિય સહાનુભૂતિ શી રીતે બતાવવી તેનો વિચાર કરતા બારડોલીથી વિદાય થયા.
સરદાર વલ્લભભાઈ હવે પોતાની શક્તિ અને પોતાના બળની ગણત્રી કરી રહ્યા હતા, હવે પછીથી આવનારા હુમલાની પેરવી શી રીતે કરવી તે વિચારી રહ્યા હતા. જેટલી ઘડી તેઓ ઘેર આવીને છૂટા હોય તેટલી ઘડી આંટા મારતા હોય, અને એ દરેક આંટાની સાથે તેમના મગજમાં લડતના ભાવી સ્વરૂપની રૂપરેખા ચીતરાતી હોય. હવે તેમણે એક અટપટા સવાલનો સીધો ફડચો કરી નાંખવાનું મહત્ત્વનું પગલું લીધું.
ઇનામી જમીન, લાંબા પટાની અને બિનખેતીની તથા કિરાયાની જે જમીનનું મહેસૂલ વધ્યું નથી તે જમીનનો સવાલ જરા અટપટો હતો. એ મહેસૂલ ન ભરવાનું કશું કારણ નહોતું, છતાં શ્રી. વલ્લભભાઈ ને એ વિષે સ્પષ્ટ સલાહ આપવી મુશ્કેલ લાગ્યા કરતી હતી; કારણ લડતના આરંભમાં કદાચ એ સલાહનો અનર્થ થાય, દુરુપયોગ પણ કદાચ કરવામાં આવે, અને તેમ થતાં લડત નબળી પડે એવો ભય રહેતો. હવે એ ભય રહ્યો નહોતો, હવે તો ઊલટો ભય એ રહ્યો હતો ખરો કે આ જમીનનું મહેસૂલ ભરી દેવાની સલાહ છતાં લોકો હઠ પકડી કશું ન ભરવાની વાત કરે. પણ સરદારે એક પત્રિકા કાઢીને આવી જમીનનું મહેસૂલ એ જ જમીનને ખાતે જમા લેવામાં આવે અને એની રસીદ મળે એવી શરતે ભરી દેવાના હુકમ કાઢ્યા. તાલુકાના ૬ લાખના મહેસૂલમાંથી માત્ર રૂા. ૮,૭૫૬–૧૨–૦ નું મહેસૂલ આ ઇનામી વગેરે જમીનને અંગેનું હતું.
લોકોના બળની અને એ બળ વિષે સરદારની શ્રદ્ધાની બીજી વધારે ખાતરી કઈ હોઈ શકે ? સરદારે લોકોને પોતાની યુદ્ધનીતિનાં રહસ્ય સમજાવવા માંડ્યાં. ધારાસભાના સભ્યો આવે, તેમની વાતોથી કાંઈ ભળતી જ અસર થાય, લોકોમાં બુદ્ધિભેદ ઊપજે, એ વિચારથી જ સરદારે અકોટીની એક પ્રસિદ્ધ સભામાં પોતાની યુદ્ધનીતિ વિષે લંબાણથી વિવેચન કર્યું — પ્રજાને માટે અને સરકારને માટે. સરકાર પહેલાં તો આ લડતને ભારે મહત્ત્વ આપતી નહોતી એટલે તલાટીઓ જ સરકારના રિપોર્ટર હતા, મહિના સુધીમાં ધારેલું ફળ ન આવ્યું ત્યારે સરકારને થયું કે હવે તે લઘુઅક્ષરી રિપોર્ટરો મોકલવા જોઈએ. આ રિપોર્ટરના અક્ષરેઅક્ષર રિપોર્ટો સરકાર પાસે જવા લાગ્યા તેથી તો કદાચ સરકાર ચેતવાને બદલે વધારે ચીડાઈ હશે — જોકે સરદારનું દરેક ભાષણ ચેતવવાના ઉદ્દેશથી જ અપાતું હતું. અકોટીના ભાષણના મહત્ત્વના ફકરા આ રહ્યા :
“આપણી આ લડતમાં આ ધારાસભાના સભ્યોની સ્થિતિ કંઈક પરોણા જેવી છે ખરી, કારણ કે તેઓ જેને બંધારણપૂર્વકની લડત કહે છે તેના ક્ષેત્રમાં બુદ્ધિવાન ખેલ ખેલે છે. તેવી લડાઈમાં મને રસ નથી. મને તેમાં સમજ પડતી નથી. મને તો કોઠાવિદ્યામાં ગમ પડે છે. પારકી શેતરંજ, જેમાં પેદાંઓ તેના માલિકની મરજી પ્રમાણે ચલાવવાનાં હોય છે, એવા માયાવી દાવમાં પાસા નાંખવા એ મને અગમ્ય લાગે છે. જે લડત આપણે લડી રહ્યા છીએ તે બીજાને આકરી વસમી વસ્તુ લાગતી હશે, પણ મને તેવી નથી લાગતી, મને તો એમની બંધારણપૂર્વકની લડત જોઈને ભારે વિસ્મય થાય છે. કારણ કે તેમાં સરવાળે મીડું આવે છે. આમ તેમનો ને મારો કાર્યપદ્ધતિની બાબતમાં એટલો મતભેદ છે. પણ આ કામમાં અમે પાંચે એકમતના છીએ, કારણ કે આમાં પ્રજાની વાત સત્ય છે. ખરું કહીએ તો તેમણે જ મને આ કામ સોંપ્યું છે, તેમણે જ મને કહ્યું કે અમે તો અમારા બધા જ દાવ ફેંકી જોયા, પણ એકે ચાલ્યો નહિ. માટે હવે તમારું કોઠાયુદ્ધ અજમાવો. મેં એ સ્વીકારી લીધું છે. આપણને એમાં કોઈ નહિ હરાવી જાય. કારણ કે આપણા ગુરુએ જે વિદ્યા શીખવી છે તેમાં હારને સ્થાન નથી. …
આ શું એક લાખ રૂપિયા બચાવવા માટેની લડાઈ છે ? જો વ્યાજબી હોય તો એકના બે લાખ આપીએ. પણ આ તો તમારી અરજી ન સાંભળી, તમારા પ્રતિનિધિઓએ ધારાસભામાં જે જે સંભળાવ્યું તે ન સાંભળ્યું, અને મારા જેવા જે સરકારને કોઈ દિવસ લખે જ નહિ તેનું પણ ન સાંભળ્યું ! જો આજે ૨૨ ટકાનો વધારો સાચો છે એમ મને લાગત તો બીજા બધા ના કહેત તોપણ હું કહેત કે ભરી દો. ખેડા જિલ્લામાં રેલ આવી ને લોકોને માથે મહા દુઃખ આવી પડ્યું ત્યારે બહારથી લોકોને ખૂબ મદદ આવી. સરકારે પણ બન્યું તેટલું કર્યું. એ બધાના પરિણામે ખેડૂતો પોતાનો પાક ઊભો કરી શક્ચા હતા. પછી જ્યારે હપ્તાનો વખત આવ્યો ત્યારે મને કેટલાક એવી સૂચના કરવા લાગ્યા કે આવી આફતને કારણે ઓણસાલ જમીનમહેસૂલ માફ થાય તો સારું. મેં કહ્યું કે ના. જ્યાં હું જોઉં છું કે સરકાર પોતાનું બનતું કરે છે, દોષ રહેતો હોય તો તે સરકારની ખોટી દાનતનો નથી, પણ સ્થાનિક અમલદારોનો જ છે, કે જેઓ ઉદારતાનાં કામ કરવાને ટેવાયેલા નથી ત્યાં એવી વાત થાય જ કેમ ? તેથી મેં તે વખતે તમામ ખેડૂતોને કહ્યું કે તમારા ખેતરમાં ઈશ્વરકૃપાથી પાક્યું છે તો મહેસૂલ ભરી દેવું એ તમારો ધર્મ છે. કરોડો રૂપિયાની લોન લઈ એ છીએ તે દેવું તમારે જ માથે છે. વળી સરકાર ૧૦ લાખ રુપિયા મફત પણ આપે છે. તે ઉપરાંત લોકોએ પંદરવીસ લાખ રૂપિયાની મદદ કરી છે. સરકારે પણ મને કમને પણ થઈ શકે તેટલી મદદ કરી છે, ત્યાં પછી એવા સંજોગોમાં તેની સાથે કજિયા કરવા એ આપણને શોભતું નથી. હું અભિમાન નથી કરતો, પણ જે સત્ય હકીકત છે તે કહું છું કે જો સમિતિનાં માણસોએ વખતસર મદદ ન કરી હોત અને તુરત બી પૂરું પાડ્યું ન હોત તો સરકારને આ વર્ષે ગુજરાતના જમીનમહેસૂલમાં પ૦ થી ૬૦ લાખનું નુકસાન થવાનું હતું. આમ છતાં જ્યારે મેં બારડોલી તાલુકાના ખેડૂતની વાત સરકારને લખી કે એમને અન્યાય થયો છે, ખેડા કેટલો પાયમાલ થઈ રહ્યો છે એ જણાવ્યું, અને ગુજરાતમાં એક બે ઊભા રહ્યા હશે તેમને તમારું સ્ટીમરોલર કચડી નાંખશે એમ કહ્યું ત્યારે મને જવાબ આપે છે કે ‘તું તો બહારનો છે’ !”
પણ હવે તો સરકારને કશું સંભળાવવાનું કે ખુલાસા કરવાનું રહ્યું નહોતું. સરકાર આગળ શાં પગલાં લેવાં તેની પેરવીમાં હતી, તેની ઊંઘ અને ઉદાસીનતામાં — અથવા તેના અભિમાનયુક્ત પ્રમાદમાં — હવે ભંગ પડ્યો, દરિયાની હવા ખાતા કમિશનર મિ. સ્માર્ટને સૂરત જવાના અને ત્યાં મુકામ કરવાના હુકમ મળ્યા, અને કલેક્ટર જે પાસેના રાજ્યમાં એક ટેકરી પર હવા ખાતા હતા તેમને પણ ટેકરી ઉપરથી ઉતરવાના હુકમ નીકળ્યા. ખૂબીની વાત એ છે કે આજ સુધી કલેક્ટરને બારડોલીમાં આવવાની ગરજ જણાઈ નહોતી. પોતાના એક મહત્વાકાંક્ષી ડેપ્યુટીને ચશ્મે જ તે આખી પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યા હતા. પણ હવે તેમને પરાણે બારડોલીની મુલાકાતે આવવું પડ્યુ. બારડોલીમાં તેમણે શું જોયું ? બધી દુકાનો બંધ, બધાં ઘરનાં બારણાં બંધ. જપ્તી કરવાવાળાઓ સામે લોકોનો બીજો શો ઉપાય હોય ? આપણે જોઈ ગયા છીએ કે આખા તાલુકામાં ગામડાં બધાં સ્મશાનવત્ લાગતાં, કારણ કોઈ અમલદારાને પંથે ચડતું નહોતું, અને કામ વગર બારણાં ઉઘાડતું નહોતું. પણ કલેક્ટરે જૂની આંખે નવા તમાશા જોયા. તેમણે બારડોલીથી બીજે ક્યાંક જવાનો વિચાર કર્યો. પોલીસના માણસો તેમને માટે મોટર ભાડે કરવા ઊપડ્યા. મોટરના ડ્રાઈવરે મોટર આપવાની ના પાડી, કારણ સત્યાગ્રહીઓએ તે મોટર રોકેલી હતી. એનું લાઈસન્સ માગવામાં આવ્યું તે નહોતું, પણ પિત્તળનો બિલ્લો તેની પાસે હતો તે લઈ લેવામાં આવ્યો. બીજા ટૅક્સીવાળાની ટૅક્સી શ્રી. વલ્લભભાઈને માટે રાખેલી હતી. તેની પાસેથી પણ તેનું લાઈસન્સ લઈ લેવામાં આવ્યું. કલેક્ટર સાંજે સરભોણ ઊપડ્યા. તેમનું આગમન જોઈને જુવાનિયાઓએ ધડાંગ ધડાંગ ઢોલ વગાડ્યા, એટલે લાગલાં જ બધાં બારણાં બંધ થયાં. પણ પટેલ બિચારા બચી શકે ? તેને બોલાવવામાં આવ્યા. તેને પૂછવામાં આવ્યું, ‘તમે મહેસૂલ ભર્યું છે ?’ તેણે જવાબ દીધો : ‘ઇનામી જમીનનું મહેસૂલ ભર્યું છે, કારણ બારડોલીથી સરદારના હુકમ નીકળ્યા છે કે એ મહેસૂલ ભરી દેવું.’ તેને કહેવામાં આવ્યું કે બીજી જમીનનું પણ ભરી દે અને બીજાઓને ભરવાનું કહો. ‘એ વાત નકામી છે,’ પટેલે કહ્યું, ‘એ કાંઈ મારાથી કે કોઈથી બને એમ નથી. લોકો મારું સાંભળે એમ નથી. લોકોને ખાલસાની કે બીજા કશાની પડી નથી.’ કલેક્ટરે તેને વધારે ન સતાવતાં બીજે ગામે કૂચ કરી. બીજે દિવસે તલાટીઓની એક સભા બોલાવી અને તેમને કહ્યું કે ગામના નક્શા ઉપર જમીનના એવા અનુકૂળ જથા પાડો કે જે ખરીદનારાઓને આખા જથામાં આપી શકાય. આટલી ફરજ બજાવીને ક્રોધાવિષ્ટ કલેક્ટર સૂરત રવાના થયા. બીજે દિવસે સરકારના માનીતા ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ પત્રમાં તેમણે ઈન્ટરવ્યુ આપી :
“ઘણા ખેડૂતો જમીનમહેસૂલ આપવાને તૈયાર છે, પણ એ લોકોને દુર્ભાગ્યે આગ, રંજાડ અને બહિષ્કારની ધમકી આપવામાં આવે છે. જો ખેડૂત બહારથી આવેલા અને જેમને ગામામાં ઘર નથી અને સીમમાં ખેતર નથી એવા અસહકારીઓએ આપેલી બેવકૂફ સલાહ માને તો આખરે જે નુકસાન વેઠવું પડશે તે આ કમનસીબ ખેડૂતોને જ વેઠવું પડશે. આ અસહકારી નેતાઓની લડતને પરિણામે તાલુકામાં રમખાણ થવાનો દરેક સંભવ રહે છે.”
આના જેવું હડહડતું જુઠાણું અને બદનક્ષી બીજી કઈ હોઈ શકે ? કલેક્ટરને લોકો તો કોઈ મળ્યા નહોતા. પટેલ-તલાટી કોઈ મળ્યા હોય તેમના કહેવા ઉપર આધાર રાખીને જ તેમણે આ વાત કરી હશે ના ? ગમે તેમ હો, તાલુકામાં શાંતિ જળવાઈ રહે તો તે તેમની અથવા સરકારની ગફલતને લીધે ન જળવાઈ રહે, એમ કરવાની તેમણે પેરવી કરી.
ભેંસો જપ્તીમાં લેવાની શરૂઆત થઈ ચૂકી હતી. હવે જપ્તીનું કામ વધારવાનું હોવાને લીધે ત્રણ જપ્તીઅમલદારોને ખાસ અધિકારો — લોકોનાં ઘર તોડવાના, વાડો કૂદવાના ઇત્યાદિ — સાથે નીમવામાં આવ્યા. પોલીસની સંખ્યા પણ વધારવામાં આવી, અને પેલા જપ્તીઅમલદારોની મદદમાં મુંબઈથી આણેલા થોડા લેભાગુ પઠાણો મૂકવામાં આવ્યા. આ પઠાણોનું કામ પકડેલી ભેંસોને લઈને થાણે જવાનું અને ભેંસોનું રક્ષણ કરવાનું હતું. સત્યાગ્રહને ચપટીમાં મસળી નાંખવાની વાત કરનારા અમલદારોને આટલા સહેલા કામ માટે સ્થાનિક હમાલો કે વેઠિયા ન મળી શક્યા અને ઠેઠ મુંબઈથી પઠાણ લાવવા પડ્યા એ કેવી વાત છે ? પઠાણોને લાવીને જો તાલુકાની શાંતિનો ભંગ થઈ શકતો હોય તો થવા દેવો એ વસ્તુ પણ સરકારના મનમાં હોય તો નવાઈ નથી. આજ સુધી એક હિંદુ મામલતદાર હતા, તેમને બારડોલીથી બદલી દૂર થાણા જિલ્લામાં કાઢ્યા. એમને બદલે એક મુસલમાન મામલતદારને લાવ્યા કે જેથી મુસલમાન સત્યાગ્રહીઓને તોડવામાં એની મદદ કદાચ વધારે મળી શકે, અને મુસલમાનોને તોડીને પણ હિંદુમુસલમાનનો સંપ પણ તોડી શકાય. તલાટીઓને બદલે સી. આઈ. ડી. રિપોર્ટરો હવે લાવવામાં આવ્યા એ તો હું અગાઉ લખી ચૂક્યો છું.
લોકો આ બધી તૈયારીઓથી ડરે એમ નહોતું. તેમણે પોતાનું સંગઠન વધુ મજબૂત કરવા માંડ્યુ. કડોદ હજી બહાર રહ્યું હતું, તેને પશ્ચાત્તાપ થતો હતો. ત્યાંના લોકોનું એક મંડળ સરદાર પાસે આવ્યું અને તેમને વિનંતિ કરી કે કડોદને હવે સંઘમાં શામેલ કરવામાં આવે. શ્રી. વલ્લભભાઈ તુરત તૈયાર થયા. પણ કડોદમાં જઈને તેઓ સભા આગળ બોલે તે પહેલાં તો કડોદની આસપાસનાં ગામના માણસોની એક અરજ સરદારની પાસે રજૂ કરવામાં આવી, જેમાં જણાવ્યું હતું કે પૂરતા પ્રાયશ્ચિત્ત અને ભાવી વર્તનની ખોળાધરી વિના કડોદને ન લેવામાં આવે. સરદારે તેમને શુદ્ધ પશ્ચાત્તાપ એ જ પ્રાયશ્ચિત્ત છે એમ કહીને કડોદને દરગુજર કરવાનું કહ્યું. નવું સત્યાગ્રહી બનેલું કડોદ બીજા સત્યાગ્રહીઓથી આગળ જઈ આકરા બહિષ્કારના ઠરાવો કરવા લાગ્યું હતું. ગામમાં નવા આવેલા ખ્રિસ્તી જપ્તીઅમલદારને ગામમાંથી સીધુંપાણી કશું ન આપવાના ઠરાવ કરવામાં આવ્યા. શ્રી. વલ્લભભાઈએ એક લાંબા ભાષણમાં શુદ્ધ સત્યાગ્રહનું રહસ્ય સમજાવી આ ઠરાવ રદ કરવાની તેમને ફરજ પાડી અને ભવિષ્યમાં આવનારાં તોફાનની સામે ગમે તેવા ઉશ્કેરનારા સંજોગોમાં પણ ન ઉશ્કેરાવાની સલાહ આપી. ખુમારી ચડાવવાની સલાહની હવે જરૂર નહોતી, હવે ખામોશીના પાઠ ભણાવવાનો સમય આવ્યો હતો :
“મારા સાંભળવામાં આવ્યું છે કે તમારા ગામમાં આજે એક ખ્રિસ્તી જપ્તીઅમલદાર નિમાયા છે તેને ગામમાંથી સીધુંસામાન મળતાં નથી. મારી સલાહ છે કે એમ ન કરશો. અમલદાર કંઈ આપણા દુશ્મન નથી. એ બિચારો હુકમનો તાબેદાર થઈ ને આવ્યો છે. હુકમનો અનાદર કરી નોકરી છોડવાની તેની હિંમત નથી. તેના ઉપર આપણને દ્વેષ ન હોય. કોઈની જિંદગીની જરૂરિયાતો અટકાવવી, દૂધ, શાક, ધોબી, હજામ ન મળે એમ કરવું એ સત્યાગ્રહ નથી. બજારમાંથી મળતી ચીજો પૂરા દામ આપતાં સૌની જેમ તેમને પણ મળવી જોઈએ. એક અજાણ્યો માણસ ગામમાં આવીને પડે ને તેનો આવો બહિષ્કાર કરે તો તેની કેવી સ્થિતિ થઈ પડે ? તેનાથી ન નોકરી છોડાય, તેમ ન લોકોનો ત્રાસ સહેવાય. આવી સ્થિતિમાં કોઈને મૂકવો એ સત્યાગ્રહ નહિ પણ ઘાતકીપણું કહેવાય, માટે ઘી, દૂધ, શાક તેમજ જો કોઈ માંદો પડે તો દવા વગેરે જિંદગીની જરૂરિયાતો કોઈ અટકાવે નહિ. જરૂર જપ્તીના કામમાં તેને કોઈ જાતની મદદ ન કરવી, ગાડી કે મજૂર કે પંચ એવું કશું આપવાની સાફ ના કહેવી. તેને કહી દેવું કે અમારે તમારી ઉપર રોષ નથી, તમે ખ્રિસ્તી હો કે હિંદુ હો કે મુસલમાન હો — અમારે તો બધા સરકારી નોકર સરખા છે, અમારે તમારી સાથે અંગત વિરોધ કંઈ જ નથી, પણ અમારી સામે તમે જપ્તીના દરોડા લાવો તેમાં અમે તમને મદદ ન જ આપી શકીએ. આપણો ઝગડો તો મોટાઓ સાથે છે, આવા ગરીબ નોકરો સાથે નથી. આપણું બળ તો સભ્યતાથી દુઃખ સહન કરવામાં રહેલું છે. સરકારમાં નબળાઈ છે તેથી તે પોલીસની મદદ લે છે અને તેથી આબકારી ખાતાની મદદ લઈને લોકને દબાવવાની કોશિશ કરે છે. એવી સ્થિતિમાં પોલીસને પણ ખાવાપીવાની ચીજોમાં અડચણ નાંખવી યોગ્ય નથી. ભૂખે મરતા લશ્કર સામે લડવું એ ધર્મયુદ્ધ નથી, તેથી મારી કડોદ ગામને સલાહ છે કે એવા કોઈ કાયદા ગામલોકે કર્યા હોય તો પણ હવે તે ફેરવી નાંખજો.
બીજી એક અગત્યની સલાહ આપું છું. જપ્તીનું કામ ચાલતું હોય ત્યારે લોકોનું ટોળું ત્યાં એકઠું ન થાય. સરકારનો ઈરાદો જો મારામારી કરવાનો હોય તો આવી રીતે લોકો ટોળે થવાથી જ તે તેવો ઈરાદો બર લાવી શકશે. તોફાનને ચાળે જો ચડશો તો આપણે પડ્યા સમજજો. આ સરકાર પાસે સૌથી વધારે આસુરી સામગ્રી છે. રાક્ષસી યુદ્ધમાં તો તે એક મિનિટમાં આખા બારડોલીના ભૂકેભૂકા કરી શકે તેમ છે. એ રસ્તે આપણને ચડાવવાનો તે પ્રયત્ન કરે, આપણને કોચવે, લોકો ગાંડાની માફક ટોળે વળે, તેમને ચીડવે અને તેમાંથી કોઈ જુવાનિયાનો મિજાજ જાય કે તરત તે આપણા પર ચડી બેસે. એમ ન થાય એની ખૂબ સાવચેતી રાખજો. તેને તાળાં તોડવા દો, કમાડ ચીરવા દો, સહેલાઈથી લઈ જાય એવી કીમતી ચીજો ઘરમાં ન રાખો, આ બધું કરે તે શાંતિથી કરવા દો અને પાસે કોઈ ઊભા ન રહો.”
કલેક્ટરે જે ‘ઈન્ટરવ્યુ’ આપ્યો હતો તેનો જવાબ આપતાં તેમણે જે ખામોશી પોતાની ભાષામાં વાપરી હતી તેનો ચેપ કોઈને લાગ્યા વિના ન રહે એવી હતી :
“કલેક્ટર સાહેબે જણાવ્યું છે કે બારડોલી તાલુકાના લોકોમાં ઘણા ખેડૂતો પૈસા ભરવા ખુશી છે, પણ એમને મારી નાંખવાનો અને દેવતા મૂકવાનો ડર છે તેથી ભરતા નથી. તેથી હવે હું ગામેગામ પૂછું છું કે કોઈ ને તેવો ભય હોય તો મને કહો. કોઈને રૂપિયા ભરવા હોય અને ડર લાગતો હોય તો તે મારી પાસે આવે, હું મામલતદારને ત્યાં તમારી સાથે આવીશ, અને કોઈ તમારા પર ઘા કરવા આવશે તો તેને પહેલો મારા માથા પર ઘા કરવા કહીશ. હું કાયરોને લઈને લડવા નીકળ્યો નથી. હું તો સરકારનો ડર છોડી બહાદુર બન્યા છે તેમની સાથે ઊભા રહીને લડવા માગું છું. હું તો ખેડૂતોને કહું છું કે જો જુલમ થયો છે એમ લાગે તો નીડર બનીને પૈસા ભરવાની ના કહો, પણ જો કોઈને એમ લાગતું હોય કે વધારો થયો છે તેમાં ન્યાય છે તો ખુશીથી ભરી દો. જેને ડર હશે તેનું હું રક્ષણ કરીશ, મને તેના ઉપર દયા તો છૂટશે કે આપનાર અને લેનાર તો ઈશ્વર છે, તેનો વિશ્વાસ છોડી તેણે સરકારનો વિશ્વાસ કર્યો.
બાકી નાતજાતના કે મહાજનના બંદોબસ્ત આપણે જરૂર કરીએ. આપણામાંના નબળાને ટેકો આપવો એ જરૂરનો છે. કલેક્ટર સાહેબ તેમની મુલાકાતમાં સામાજિક બંદોબસ્તની ફરિયાદ કરે છે. પણ હું તેમને પૂછું છું કે તમારું સિવિલ સર્વિસનું જૂથ બીજું શું છે ? એક સભ્યની ભૂલ થઈ હોય તોયે બધા સાથે મળી તેને છાવરે છે કે નહિ ? તો ખેડૂત પોતાની ન્યાયની લડત ખાતર પોતાના બંદોબસ્ત કેમ ન કરે ? હું ખેડૂતોને સલાહ આપું છું કે તમે નાતજાતનાં બંધારણ જરૂર કરો. પણ લોકોને મારી નાંખવાની ને આગ મૂકવાની ધમકી અપાય છે એવી વાતો ઉપજાવી કાઢવાનું પણ કોઈને કારણ ન આપો. (સભામાંથી અવાજો — બનાવટી વાત, બનાવટી વાત.) તદ્દન બનાવટી ન પણ હોય. કોઈએ તાલુકામાંથી એવી વાત ઉડાડી હોય, અમલદારોએ કહી હોય એ સંભવિત છે. અંગ્રેજો પોતે આવી વાતો જોડી કાઢે તેવા નથી હોતા. આપણા લોકો સાહેબ પાસે જાય છે ત્યારે દિલમાં ન હોય તેવુંયે બોલી આવે છે એ હું જાણું છું; સાહેબ કેવી રીતે રાજી થશે તે શોધે છે અને ખોટી વાતો કરે છે; તેથી તો હું સલાહ આપતો આવ્યો છું કે તેમની પાસે જવું અને તેમના તેજમાં અંજાવું તે કરતાં તેમની પાસે જાઓ જ નહિ. હું આ તાલુકાની રગ ઓળખી ગયો છું. અહીં બે ઘોડે ચડવાનો પ્રયત્ન કરનારા થોડા માણસો છે. સરકાર છેવટે માને તોયે સુરક્ષિત રહેવાય અને લોકોને કચડે તોપણ બચી જવાય એવી પેરવીમાં તેઓ રહે છે. તેઓ તો ત્યાં જશે ત્યારે તેનું બોલશે અને આપણી પાસે આપણું બોલશે. પણ આપણું તપ સાચું હશે અને આપણી ખુવાર થવાની તૈયારી વિશે તેમને ખાત્રી થશે એટલે તે આપણી સાથે થવાના જ છે.”
આમ હવે લડતનો બીજો ખંડ શરૂ થયો કહેવાય. આ ખામોશીની સલાહ સાથે સરદારે પોતાના સિવાય બીજા કોઈ પણ જણે ભાષણ ન કરવાના મનાઈહુકમ કાઢ્યા, લોકો ટોળે ન થવાના હુકમ કાઢ્યા, સત્યાગ્રહગીતો ન ગાવાના હુકમ કાઢ્યા. કહેવાની જરૂર નથી કે આ બધા હુકમો અક્ષરશઃ પાળવામાં આવ્યા.