બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ખેડૂતોના સરદાર

વિકિસ્રોતમાંથી
← ૧૯૨૧ની યાદ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
ખેડૂતોના સરદાર
મહાદેવભાઈ દેસાઈ
ખામોશીના પાઠ →





૧૩
ખેડૂતોના સરદાર

“મારું પેટ ખેડૂતોનાં દરદથી ભરેલું છે. હું પ્રભુ પાસે રાતદિવસ એટલું જ માગ્યા કરૂં છું કે ખેડૂતોની સેવા કરતાં મારાં હાડ પડે.”

અરસામાં વલ્લભભાઈનું નામ ‘ખેડૂતોના સરદાર‘ પડ્યું. એ ક્યાં અપાયું, કોણે આપ્યું એ હું શેાધી શક્યો નથી, પણ જેણે એ સાંભળ્યું તેણે એ ઉપાડી લીધું. અને કેમ ઉપાડી ન લે ? જેણે જેણે એમનાં ભાષણો વાંચ્યાં અને સાંભળ્યાં તેણે તેણે ખેડૂતને માટે લીધેલો એમનો ભેખ જોયો, ખેડૂતને માટે ઊકળતું એમનું હૈયું જાણ્યું, ખેડૂતનાં દુઃખોનું એમનું જ્ઞાન જાણ્યું. ખેડૂત કેવાં કષ્ટ ખમી ખેતી કરે છે, ખેડૂતની ઉપર ક્યાં ક્યાંથી કઈ કઈ જાતના માર પડે છે એ વિષેનું તેમનું જ્ઞાન જાણ્યું. એક સ્થાને શ્રી. વલ્લભભાઈને માનપત્ર આપવામાં આવ્યું હતું તે માનપત્ર વાંચતાં એક ભાઈ એ કહેલું : ‘આપની આગળ ખેડૂતનાં દુઃખ રડી સંભળાવવાં એ માતાની આગળ મોસાળની વાત કરવા બરોબર છે.’ એ યથોચિત હતું. માતાને જેવું મોસાળનું જ્ઞાન છે તેવું વલ્લભભાઈને ખેડૂતનું જ્ઞાન છે. પોતે ખેડૂતના દીકરા હોઈ નાનપણમાં આંક, પલાખાં, પાડા, લેખાં પિતાની સાથે ખેતરે જતાં જ શીખેલા, તેમને ખેડૂતના જીવનની જાણ કેમ ન હોય ? તેમનાં અનેક ભાષણોમાં તેઓ ખેડૂતની સેવા કરવાની પોતાની લાયકાતની ખેડૂતોને અને સરકારને જાણે ખાતરી આપતા હોય એમ લાગે છે : ‘તમે જાણતા ન હો તો હું તમને કહું છું કે હું ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનું લોહી મારા હાડમાં વહે છે. મને ખેડૂતનું કંગાળપણું સાલે છે, ખેડૂતના દર્દથી મારું દિલ દુઃખી રહે છે.’

ગાંધીજીએ સાચું હિદુસ્તાન ક્યાં છે એ વાત જે દિવસથી તેઓ દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન પાછા ફર્યા તે દિવસથી દેશના કેળવાયેલા વર્ગના મન ઉપર ઠસાવવામાં કચાશ નથી રાખી, અને




ખેડૂતોના સરદાર



એ સાચા હિંદુસ્તાનના ઉદ્ધારના એકબે મંત્ર પણ તેમણે સાથે સાથે રાખી દીધા. એ મંત્રોને અમલમાં મૂકવાનું કામ ગુજરાતમાં, અને એક રીતે આખા દેશમાં, સ્વ. મગનલાલ ગાંધી અને શ્રી. વલ્લભભાઈએ જેવું કર્યું છે તેવું કોઈએ કર્યું નથી. દેશનું કેન્દ્ર ખેડૂત છે એ મહા સત્ય શ્રી. વલ્લભભાઈમાં ૧૯૧૭–૧૮ માં ગાંધીજીએ જાગૃત કર્યું, પ્રગટ કર્યું એમ કહું; કારણ ઊંડે ઊંડે એ છુપાયેલું તો હતું જ. પણ એ પ્રગટ થતાંની સાથે જ શ્રી. વલ્લભભાઈમાં જેવું એ ભભૂકી ઊઠ્યું તેવું ભાગ્યે જ કોઈનામાં ભભૂકી ઊઠ્યું હશે. ખેડૂત નહિ એવા તત્ત્વદર્શીએ ખેડૂતનું સ્થાન ક્યાં છે, ખેડૂતની સ્થિતિ કેવી છે, તેને ઊભા કરવાનું સાધન કયું છે એ કહી દીધું. જેનું હાડેહાડ ખેડૂતનું છે એવા તેના શિષ્ય સાનમાં એ ત્રણે વાત સમજી ગયા, અને દૃષ્ટાના કરતાં પણ વિશેષરૂપે એનું રહસ્ય લોકો આગળ ખોલી બતાવ્યું. બસ તે દિવસથી ખેડૂતના કરતાં બીજા કોઈ વર્ગનાં હિતે એમના હૃદયમાં વધારે વાસ કર્યો જાણ્યો નથી. ખેડૂતની પહેલી સેવા કરવાની તક એમણે ખેડાની મહેસૂલી લડતમાં સાધી, પછી બોરસદમાં સાધી, પણ બારડોલીમાં જે અવસર આવ્યો એ અપૂર્વ હતો.

ખેડૂત વિષેના ઉદ્‌ગારો તેમનાં બારડોલીનાં ભાષણોમાં જેટલા જોવાના મળે છે તેટલા અગાઉના કોઈ ભાષણમાં જોવાના નથી મળતા. ખેડામાં તો તેઓ ગાંધીજીની સરદારી નીચે સિપાઈ હતા એટલે ઝાઝું બોલતા જ નહોતા; બોરસદની લડત હતી તો ખેડૂતની જ લડત, પણ તે ખેડૂતમાત્રના સામાન્ય દુઃખમાંથી ઉઠેલી લડત નહોતી. બોરસદનો પ્રશ્ન વિશિષ્ટ હતો, અને એ વિશિષ્ટ પ્રશ્નને અંગેનાં જ ભાષણો ત્યાં થતાં. પણ જમીનમહેસૂલનો પ્રશ્ન એ જ ખેડૂતનો મુખ્ય પ્રશ્ન એટલે ગુજરાતના ખેડૂતોની સેવા કરવી હોય તો તે જમીનમહેસૂલના કૂટ પ્રશ્નનો નિકાલ કરેલે જ થઈ શકે એવો એમનો જૂનો નિશ્ચય હતો. એ સેવાની તક એમને બારડોલીએ આપી. બારડોલીવાળા જ્યારે એમને બોલાવવા આવ્યા ત્યારે ભાઈ નરહરિના લેખો એમણે વાંચેલા હતા. ગાંધીજીએ જ્યારે એમને પૂછ્યું કે બારડોલીના ખેડૂતોની ફરિયાદ સાચી છે એની તમને ખાતરી છે, ત્યારે એમણે કહેલું કે એ લેખો ન વાંચ્યા હોત તોચે મને તો ખાતરી જ હતી. કારણ હિંદુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાતમાં જમીનમહેસૂલની વિટંબણા વિષેની ખેડૂતની ફરિયાદ સાચી જ હોવી જોઈએ એવી મારી ગળા સુધી ખાતરી છે. ખેડાના ખેડૂતની પાયમાલી પોતાની આંખે જોઈ હતી, અને એ પાયમાલીના ઉપાય કરવાને બદલે રેવન્યુખાતાના અમલદારો એને વધારે ને વધારે પાયમાલીને પંથે ચડાવી રહ્યા હતા એ વિષે પણ એમને શંકા નહોતી, એટલે બારડોલીના લોકો જરા પણ તૈયાર હોય તો બારડોલીની લડત ઉપાડવી અને બારડોલી દ્વારા આખા ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન આખરે પતાવવો એ એમનો મનોરથ.

ખેડૂતના એમના નિરવધિ પ્રેમની અંદર એ ભાવના રહેલી છે. એઓ વારંવાર કહી સંભળાવે છે : ‘કણબી કેડે ક્રોડ કણબી કોઈ કેડે નહિ !’ ‘ઓ ખેડૂત તું ખરે જગતનો તાત ગણાયો.’ એ વચનને એઓ અક્ષરશઃ સત્ય માને છે, અને વારંવાર સંભળાવે છે કે દુનિયામાં ખરા પેદા કરનાર વર્ગ ખેડૂત અને મજૂર છે, બાકીના બધા ખેડૂત અને મજૂર ઉપર જીવનાર છે. એ પેદા કરનારાઓની સ્થિતિ પૈસાથી ઉત્તમ હોવી જોઈએ, તેને બદલે આપણે સૌથી અધમ કરી મૂકી છે. એટલે બીજી ભાવના એ રહેલી છે કે ખેડૂતે સર્વોપરી સ્થિતિ ભોગવવી જોઈએ તેને બદલે તે અધમ સ્થિતિ ભોગવે છે તેનાં કારણો ખેડૂત ડરપોક બની ગયો છે, ખેડૂત અજ્ઞાન છે, એ છે. એટલે ખેડૂતમાંથી ડરનો નાશ કરી, તેને મરદ બનાવવો, ખેડૂતને પોતાની પ્રતિષ્ઠાનું સંપૂર્ણ ભાન કરાવવું એ જ એમણે પોતાનું પરમ કર્તવ્ય માન્યું. “આ ધરતી ઉપર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો તે ધરતીમાંથી ધનધાન્ય પેદા કરનાર ખેડૂતને જ છે,” એ તેમના વચનમાં ખેડૂતને વિષેની તેમની ઊંચી ભાવના અને ખેડૂત વિષેનું તેમનું અભિમાન સૌ કોઈ વાંચી શકશે. પણ એથી જ એ ખેડૂતની જે કરુણ દશા થઈ પડી હતી તે એમને જેટલી ખટકતી હતી તેટલી ભાગ્યે જ કોઈને ખટકતી હોય.

એક ભાષણ ખેડૂત વિષેની પોતાની અંતર્વેદનાથી શરૂ કરેલું :

“આખું જગત ખેડૂત ઉપર નભે છે. દુનિયાનો નિર્વાહ એક ખેડૂત અને બીજો મજૂર એ બે ઉપર છે. છતાં સૌથી વધારે જુલમ કોઈ સહન કરતા હોય તો આ બે છે. કારણ તેઓ બંને મૂંગે મોઢે જુલમ સહન કરે છે. હું ખેડૂત છું, ખેડૂતના દિલમાં પેસી શકું છું, અને તેથી તેને સમજાવું છું કે તેના દુઃખનું કારણ તે પોતે હતાશ થઈ ગયો છે, આવડી મોટી સત્તા સામે શું થાય એમ માનતો થઈ ગયો છે, એ જ છે. સરકારને નામે એક ધગડું આવીને પણ તેને ધમકાવી જાય, ગાળ ભાંડી જાય, વેઠ કરાવી જાય. સરકાર ઈચ્છા આવે તેટલો કરનો બોજો તેના ઉપર નાંખે છે. વર્ષોની મહેનત કરી ઝાડ ઉછેરે તો તેના પર વેરો, ખેતર ખોદી પાળ બાંધી ક્યારી કરે તેના ઉપર વેરો, ઉપરથી વરસાદનું પાણી ક્યારીમાં પડે તેના ઉપર જુદો વેરો, કૂવો ખોદી ખેડૂત પાણી કાઢે તો તેના પણ સરકાર પૈસા લે. વેપારી ટાઢે છાંયે દુકાન માંડી બેસે તેને બે હજાર વાર્ષિક આવક સુધી કશો કર નહિ, પણ ખેડૂતને વીઘું જમીન જ હોય, તેની પાછળ બળદ રાખતો હોય, ભેંસ રાખતો હોય, ઢોર સાથે ઢોર થતો હોય, ખાતરપૂંજો કરતો હોય, વરસાદમાં ઘૂંટણસમા પાણીમાં વીંછીઓ વચ્ચે હાથ ઘાલીને તે ભાતની રોપણી કરે. તેમાંથી ખાવાનું ધાન પકવે, અને દેવું કરીને બી લાવે, તેમાંથી થોડો કપાસ થાય તે પોતે બૈરીછોકરાં સાથે જઈ ને વીણે, ગાલ્લીમાં ઘાલીને તે વેચી આવે, આટલું કરીને પાંચપચીસ તેને મળે તો તેટલા ઉપર પણ સરકારનો લાગો !”

આના કરતાં વધારે તાદૃશ ચિતાર બીજો કયો હોઈ શકે ? બીજે એક ઠેકાણે કહેલું :

“ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાતો ખાય એની મને શરમ આવે છે, ને મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરું ને ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું.”

બીજે એક ઠેકાણે કહેલું :

“જે ખેડૂત મુસળધાર વરસાદમાં કામ કરે, કાદવકીચડમાં ખેતી કરે, મારકણા બળદ સાથે કામ લે, ટાઢતડકો વેઠે એને ડર કોનો ?”

જેટલે અંશે ખેડૂત પોતાની દશાને માટે જવાબદાર છે તેથી ઘણે મોટે અંશે સરકાર જવાબદાર છે. એટલે ખેડૂતની અસહાય દશાનો લાભ લેનારી સરકાર વિષે જયારે વલ્લભભાઈ બોલે છે ત્યારે તેમના દુઃખ અને રોષની સીમા નથી રહેતી :

“સરકાર મોટી શાહુકાર અને ખેડૂત ભાડૂત એ ક્યારથી થયું ? મનસ્વી રીતે મરજીમાં આવે તેવું તેની પાસે લેવામાં આવે છે. ખેડૂતને સરકાર મારે છે, અને આપણા ભણેલાઓ જે તેના હાથારૂપ બને છે તેઓ મારે છે.’

વૉલ્ટેરનું એક તીખું વચન છે કે ‘રાજદ્વારી પુરુષોએ પોતાના રાજકાજમાંથી એક કળા કેળવી છે, જેથી જમીન ખેડીને લોકોને અન્ન ખવડાવનાર વર્ગને ભૂખે મારવાનું સહેજે બની શકે.’ પ્રજાના ઉપર થતા અન્યાય અને અત્યાચાર સામે લડવાની શ્રી. વલ્લભભાઈની ઝનૂનને કોઈની ઝનૂનની સાથે સરખાવી શકાય તો તે વૉલ્ટેરની ઝનૂનની સાથે જરૂર સરખાવી શકાય. શ્રી. વલ્લભભાઈ એ વૉલ્ટેરનું નામ પણ કદાચ ન સાંભળ્યું હોય, પણ વૉલ્ટેરનું ઉપર ટાંકેલું વચન જાણે તેમની રગેરગમાં ઊતરી ગયું હોય એમ લાગે છે. અને ગરીબ ખેડૂતને રેંસનારા વિષે, ભોળા ખેડૂતના અજ્ઞાનનો લાભ લેનારા વિષે, જ્યારે જ્યારે તેઓ બોલે છે ત્યારે ત્યારે વૈરની કલમની માફક વલ્લભભાઈની જીભમાંથી વહ્નિ વર્ષે છે.

ખેડૂતને માટેનો તેમનો ઊભરાઈ જતો પ્રેમ બારડોલીમાં જેવો જોવાનો મળ્યો તે ભાગ્યે જ ક્યાંય જોવાને મળ્યો. બારડોલીથી ગામડે જવા નીકળવું, ગામડે મધરાત સુધી સભા ચાલે, રસ્તે આવતાં મોટરમાંથી ઊતરી પડી ચારપાંચ માઈલ ચાલી નાંખવું, એ એમની બારડોલીની રોજની દિનચર્યા થઈ પડી હતી. ચારચાર પાંચ પાંચ સભાઓમાં ભાષણ કર્યા છતાં તેમને મધરાતે કહેવામાં આવે કે હજુ એક ગામ રહ્યું છે, તો ત્યાં જવાને પણ તેઓ તૈયાર થવાના જ. આનું કારણ એક એ પણ હતું કે ખેડૂતોને માટેનો તેમનો સ્વાભાવિક અનુરાગ બારડોલીમાં વૃદ્ધિ પામ્યો. ‘ખેડૂત જેવો પ્રામાણિક માણસ, જેને કોઈ બૂરું વ્યસન નથી, જે કશો ગુનો કરતો નથી, જે જાતમહેનતથી પરસેવો પાડીને રોટલો ખાનાર છે, જે ઈશ્વરથી ડરનારો છે તેને ઈશ્વર સિવાય બીજા કોનો ડર હોય ?” આમાં વિરોધાભાસ છે. આટલો સ્વચ્છ અને પવિત્ર જે હોય તે નીડર હોવો જોઈએ. એ વિરાધાભાસ શ્રી. વલ્લભભાઈ નથી જાણતા એમ નથી, પણ પોતાના આદર્શ ખેડૂતનો ચિતાર એમણે એ શબ્દોમાં આપી દીધો છે, અને પોતાના એ વર્ણનને વધારેમાં વધારે મળતા આવે એવા ખેડૂત અને ખેડૂતાણીઓ અથવા કણબી અને કણબણો એમને બારડોલીમાં જોવાનાં મળ્યાં, એટલે એમનું હૃદય બારડોલીમાં વિશેષ દ્રવવા માંડ્યું. એ લોકોની ધર્મશ્રદ્ધા, એ લોકોની પ્રતિજ્ઞાપાલનને માટેની તીવ્ર લાગણી જોઈને શ્રી. વલ્લભભાઈમાં પણ એકવારની ઊંડી ઈશ્વરશ્રદ્ધા જે અમુક કાળ સુધી લુપ્ત થઈ હતી તે પાછી જાગૃત થઈ. ગાંધીજીએ એકવાર કહ્યું હતું તેમ વલ્લભભાઈ ને બારડોલીમાં વલ્લભ મળ્યા. આ વસ્તુમાં વલ્લભભાઈની ખેડૂતની સરદારીનું રહસ્ય રહેલું છે. બારડોલીનાં કણબીઓ અને કણબણો વલ્લભભાઈ ઘેલાં થયાં હતાં, એ વાત સાચી; પણ વલ્લભભાઈ પણ બારડોલીમાં આવીને ખેડૂઘેલા થયા.

‘જયાં જઈશું ત્યાં જમીન મળશે, પણ ખેડૂતની પ્રતિજ્ઞા તૂટશે તો ધરતી પર વરસાદ આવવાનો છે શું ? ખેડૂત પ્રતિજ્ઞા ન પાળે તો પૃથ્વી રસાતળ થઈ જાય.’ આ વસ્તુનું દર્શન જેવું સરદારને થયું હતું તેવું જ દર્શન સરદારઘેલા ખેડૂતોને તેમણે કરાવ્યું. જ્યારે જ્યારે ખેડૂતને તેની દશાનું ભાન કરાવતા, તેને મીઠા ઠપકા દેતા અને તેના ઊંચા સ્થાનનું સ્મરણ કરાવતા સરદારનો વિચાર કરું છું, ત્યારે ત્યારે જેમ ખેતરને સાફ કરી સુંદર ચાસ પાડી તેમાં ઊભેલો ખેડૂત પેલા ખેતર વડે શોભે છે, અને ખેતર તે મહેનતુ ખેડૂત વડે શોભતું લાગે છે, તેમ બારડોલીના ભોળા ખેડૂતોને તેમના સરદારથી શોભતા, અને ‘આબરૂની ખેતી કરાવનાર’ એ સરદારને પેલા ખેડૂતોથી શોભતા જોઉં છું.

‘ખેડૂતોના સરદાર’ શબ્દ વપરાયો ત્યારે વલ્લભભાઈને કદાચ ન ગમ્યું હોય — દેશસેવકોને આવાં વિશષણો આપવામાં આવે છે એની એમને ચીડ છે — પણ આજે જો કોઈના સરદાર થવાનું શ્રી. વલ્લભભાઈ પસંદ કરતા હોય તો તે ખેડૂતના જ સરદાર થવાનું પસંદ કરે છે એ વિષે કશી શકી નથી.

પણ હવે સરદારનાં અને સરદારના સૈનિકોનાં પરાક્રમો તરફ પાછી વળીએ.