લખાણ પર જાઓ

બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/૧૯૨૧ની યાદ

વિકિસ્રોતમાંથી
← નાદીરશાહી બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
૧૯૨૧ની યાદ
મહાદેવભાઈ દેસાઈ
ખેડૂતોના સરદાર →


૧૨
૧૯ર૧ ની યાદ

“તમે જેમજેમ લડતા જશો તેમતેમ લડતની મીઠાશ સમજતા જશો. આ લડતમાં મીઠાશ છે તેટલી કોઈ ચીજમાં નથી. તમે ખેતર વાવો છો અને પછી પાક થાય છે ત્યારે લણવામાં તમને જે રસ આવે છે તેના કરતાં આ લડતમાં વધારે રસ છે.”

પ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે, અને ‘ટાઈમ્સ ઑફ ઇંડિયા’ જેમાંથી કોકકોકવાર સરકારની મનોદશાના ભણકારા મળી આવે છે તે કપાળ કૂટીને લખે છે : “સત્યાગ્રહની લડતનું જોર ઓછું થતું જણાતું નથી. ખાલસાની નોટિસો અપાઈ ગઈ છે, પણ જમીન મહેસૂલના કાયદા પ્રમાણે જમીન ખાલસા કરવાની રીત એટલી અટપટી છે કે સરકારનાં પગલાંનું પ્રત્યક્ષ પરિણામ દેખાતાં કદાચ થોડાં અઠવાડિયાં વીતે. થોડી જંગમ મિલકત જપ્ત કરવામાં આવી છે ખરી પણ તેની કશી અસર નથી. સરકારે જમીન ખાલસા કરવાની જે ધમકી આપી છે તેથી ખેડૂતો ડરશે ખરા, અને સત્યાગ્રહથી પોતે ધારેલાં ફળ આવતાં નથી એમ તે જોશે ત્યારે આખી લડત કડડડભૂસ કરતી તૂટી પડશે.”

પણ સરકારની એ આશા દહાડેદહાડે વ્યર્થ જતી હતી. એક મહિના પછી બારડોલી જનારને બારડોલીની નવી જ રોનક નજરે પડતી હતી.

બારડોલી તાલુકો હવે ચારે દિશાઓમાંથી સહાનુભૂતિ મેળવી રહ્યો છે. એ સહાનુભૂતિને માટે તેણે લાયકાત મેળવી છે, લડતના બે મહિનામાં તેણે પોતાનું બળ નિત્ય વધારે ને વધારે દાખવ્યું છે. એટલે સૌ એ લડત જોઈને હેરત પામે અને સહાનુભૂતિના ઠરાવ કરે તેમાં આશ્ચર્ય શું ? ડા. સુમંત મહેતાએ તો આખા ગુજરાતને હાકલ કરી હતી. શ્રી. વલ્લભભાઈ જ્યાં સુધી લડતનો રંગ જામે નહિ ત્યાં સુધી કશી હાકલ કરવાને તૈયાર નહોતા. ‘પહેલાં લડી બતાવો પછી સહાનુભૂતિની આશા રાખો’ એ જ સૂત્ર તેઓ જ્યાંત્યાં સંભળાવતા હતા. હવે સહાનુભૂતિને તેમનાથી પણ ઠેલી શકાય એમ નહોતું. તાલુકાની ત્રણ દિશામાં ગાયકવાડી સરહદ લાગી રહેલી છે, એ વસ્તુ યાદ રાખવાનું પ્રથમ પ્રકરણમાં જ મેં વાચકનું ધ્યાન ખેંચ્યું હતું. બારડોલી આસપાસના બધા ગાયકવાડી તાલુકાઓએ ઠરાવ કર્યો કે સરકાર બારડોલીમાં જપ્તી કરે તેમાં વેઠ કરી, ગાડાં ભાડે આપી, અથવા બીજી કોઈ પણ રીતે મદદ ન કરવી; તથા ખાતેદારોની જમીન ખાલસા કરી વેચે તો તો કોઈએ લેવી નહિ અથવા ખેડવી નહિ. આમ આપોઆપ ગુજરાતનું સંગઠન થતું જતું હતું. રેલ વખતે સંગઠન કંઈ નહતું ? એ જ સંગઠન ક્ષણવારમાં આ બીજી રેલ સામે ઊભું થયું. પણ ગુજરાતબહારથી પણ સહાનુભૂતિ આવવા લાગી. પૂનામાં બારડોલી માટે જ ખાસ સભા કરવામાં આવી હતી, અને સત્યાગ્રહીઓને સફળતા ઇચ્છવામાં આવી હતી. મુંબઈમાં હજી સભા થઈ નહોતી. પણ મુંબઈથી તો નાણાં આવવા લાગ્યાં. ભાઈ મણિલાલ કોઠારી મારફતે ૧,૦૦૦ રૂપિયા આવી ગયા હતા.

પણ આ ઉપરાંત અણધારી દિશામાંથી પણ સહાનુભૂતિ મળી રહી હતી. મુંબઈનું પ્રેસિડંસી ઍસોસિયેશન પણ બેસી નહોતું રહ્યું. એ તો વિનીત પક્ષનું મંડળ રહ્યું, એ સત્યાગ્રહીઓથી દોઢ ગાઉ દૂર ભાગનારા, એમનું પણ બારડોલીએ ધ્યાન ખેચ્યું. એ મંડળે ખાસ બેઠકમાં ઠરાવ કર્યો :

“મુંબઈ સરકાર બારડોલી, શાષ્ટી, અલીબાગ વગેરે તાલુકાઓમાં સરકારી હુકમો દ્વારા મહેસૂલ વધારવાની નીતિ આદરી રહી છે તેને માટે આ મંડળની કાર્યવાહક સમિતિ સખત નાપસંદગી બતાવે છે, અને જણાવે છે કે જમીનમહેસૂલકમિટીએ ભલામણ કર્યા મુજબ આ બાબતમાં આખરી અવાજ તો ધારાસભાનો હોવો જોઈએ; એટલે આ સભા આગ્રહ કરે છે કે મુંબઈ ઇલાકામાં લૅંડ રેવન્યુ કોડનો સુધારો કરી મહેસૂલનો આ પ્રશ્ન ધારાસભાની હકૂમતમાં ન મુકાય ત્યાં સુધી મહેસૂલ વધારવાનું બંધ કરવું.”

એ તો ‘રાજમાન્ય’ મંડળ રહ્યું એટલે એમાં બારડોલીના સત્યાગ્રહીઓનું નામ શી રીતે આવે ? પણ સત્યાગ્રહીઓને સત્યાગ્રહ ઉપર મુંબઈ પ્રેસિડંસી ઍસોસિયેશનની પસંદગીનો સિક્કો નહોતો જોઈતો, તેમને તો ન્યાય જોઈતો હતો. પ્રેસિડંસી ઍસોસિયેશને પોતાની રીતે બારડોલી માટે ન્યાય માગ્યો.

પણ સરકારે આથી ચેતવાની ના પાડી. સરકારે તો પોતાનો કક્કો ખરો છે એ જ મનાવવાના મિથ્યા પ્રયત્નો શરૂ કર્યા. ધારાસભામાં કોઈને આમ સમજાવ્યા, કોઈને તેમ સમજાવ્યા, અને મિ. નરીમાનના ઠરાવ વિરુદ્ધ ૪૪ મત મેળવ્યા તેની સરકારે ઠેરઠેર જાહેરખબર ચોડવા માંડી. ધારાસભાના ભારે બહુમતથી થયેલા ૧૯ર૪ અને ૧૯ર૭ ના ઠરાવોને ગળી જનારી સરકાર આજે ધારાસભાને અઠિંગીને પોતાનો કક્કો ખરો છે એમ સિદ્ધ કરવા મંડી. એ જાહેરખબર સમજાવવામાં જૂઠાણાંનો આશ્રય લેવામાં પણ નાના અમલદારો ચૂકતા નહોતા.

રાજા અને પ્રજાના લડતના રસ્તા ન્યારા રહ્યા. એક બાજુ લડતમાં બધું થઈ શકે એ ન્યાયથી સરકાર લડે છે, બીજી બાજુ ગમે તે સંજોગોમાં પણ ખોટું ન થાય એ ધ્રુવતારાને વળગી શૂરી પ્રજા લડે છે. સરકારના આડતિયાઓની જાહેરમાં કામ કરવાની હિંમત શેની ચાલે ? માત્ર કાયદા પ્રમાણે જપ્તી તો જાહેરમાં જ થઈ શકે, એટલે તેટલું જાહેર કરવામાં આવે. બાકી લોકોને ફોસલાવવા, ફોડવાના પ્રયત્ન કરવા, ધમકીઓ આપવી, ખોટી સમજ પાડવી એ જ તેમના માનીતાં સાધનો. ‘ફલાણા ભાઈએ પૈસા ભરી દીધા, તમે કેમ હજી બેઠા છો, હવે તો ભર્યે જ છૂટકો,’ કહીને તેઓ ભોળી રાનીપરજને ભોળવે. મહાલકરી પટેલને કહે, ‘વેઠિયાઓ ન લાવી આપે તો તારે વેઠ કરવી પડશે.’ કોઈ તલાટી બિચારા ધોબીના હપ્તાના થોડા આના પોતાના ખિસ્સામાંથી ભરી દે — એ આશાએ કે પેલાની પાસે કપડાં ધોવડાવીને તેટલું તો વસૂલ થશે.

આથી ઊલટું પ્રજાના રસ્તા ન્યારા હતા. પ્રજાની એકે પ્રવૃત્તિ ચોરીછૂપીથી થતી નહોતી — ભાષણો થાય તો સરકારને રિપોર્ટ મળે તે પહેલાં છપાય, લોકોને ધોળે દહાડે સમજાવવામાં આવે, સભામાં સરકારી લોકોને પણ આમંત્રણ આપવામાં આવે. ફૂલચંદભાઈનાં લોકપ્રિય ગીતો આબાલવૃદ્ધ સૌને મોઢે ચડી ગયાં હતાં, તે નીડર રીતે સૌ ગાતાં ફરે :

અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે
બારડોલીનું રાખશું નાક અમે ૦

અથવા

પરદેશી સૂબા કીસનો વધારો નહોતો રે નાંખવો—

અથવા

અમે ડરતા નથી સરકારથી રે અમે ૦
સરકાર જૂઠી, સરકાર દંભી
એ તો ડૂબશે એના પાપભારથી રે અમે ૦

આવાં સહેલાં, થોડા જ ફેરફારવાળા પલટા જેમાં એક પછી એક ચાલ્યા આવે એવાં, ગીતો સૌને સહેજે મોઢે થઈ જાય તેમાં નવાઈ શી ? દરેક ગામ પોતાની સ્વયંસેવક સેના ઊભી કરી પોતાનાં ઢોલ અથવા બ્યુગલ રાખવા લાગ્યું, અને જપ્તીનો હુમલો લઈ આવતા કોકને જોયા કે તરત ઢોલ વાગ્યું જ છે. આ ઢોલ વગાડનાર સ્વયંસેવકો બધા બાળકો. જપ્તીવાળા આવ્યા કે ટપોટપ તાળાં પડ્યાં જ છે, અને ખડખડાટ હસતી સ્ત્રીઓ બારણાં વાસી ઊભી જ છે !

અને એ સભાઓ ! કલેક્ટર કમિશનર શા સારુ આવી સભામાં ન જતા હોય ? લોકોનું જોમ જોવાનું તેમને ન ગમતું હોય ! સ્વતંત્ર હવાથી પ્રફુલ્લિત થઈ આનંદસાગરમાં મહાલતા ખેડૂતો તેમની આંખે દેખ્યા ન જતા હોય !

જ્યાં મહિના ઉપર એકે સ્ત્રી જોવામાં નહોતી આવતી ત્યાં હવે ઢગલેઢગલા સ્ત્રી દેખાતી હતી. ક્યાંક તો એમ થઈ જાય કે સ્ત્રીઓ વધારે હશે કે પુરુષ ! દૂરદૂરનાં ગામડાંમાંથી ચાલ્યાં ચાલ્યાં સભાને સ્થાને જાય. ન જુએ બળતા બપોર કે કાળી રાત — જોકે હું ગયો ત્યારે તો શીતળ ચંદ્રિકા આંખો ઠારતી હતી. અને સ્ત્રીઓ કાંઈ ઓટલા ભાંગવા, કે વાતોના ચાપડા મારવા, કે બચ્ચાંના કોલાહલથી સભાને અશાંત કરવા નહોતી જતી. તેઓ તો સંપૂર્ણ રસથી વલ્લભભાઈને સાંભળતી હતી, વાક્યેવાક્યે હોકારા પૂરતી હતી, અને કોકવાર વલ્લભભાઈના મોંમાંથી પૂરું વાક્ય નીકળે તે પહેલાં તે બહેનોનાં મુખમાંથી બાકીના શબ્દો નીકળતા મેં સાંભળ્યા છે. એક સુંદર દાખલો લઉં. જમીન ખાલસા થાય તો શું ? એક-બે વરસ પડતર મૂકશું, એ વાત વલ્લભભાઈ કરતા હતા. તેમાં પડતર મૂકવાની વાત તો આવી નહોતી. વલ્લભભાઈએ આરંભ કર્યો : ‘આપણે આપણી માતાનું દૂધ એક વર્ષ બહુબહુ તો બે વર્ષ ધાવીએ છીએ,’ એટલું બોલાયું ત્યાં તો પાછળ બેઠેલી બહેનો બોલી, ‘ને ધરતી માતાને તો એકે વર્ષ છોડતા નથી.’

નાની ફરોદ કરીને એક નાનકડું ગામડું છે. રાત્રે ૯ વાગે અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યાંનો ઉત્સાહ તો ૧૯૨૧ ની યાદ આપે એવો હતો — ઉત્સાહ જ નહિ, પણ ભક્તિ, શૂર બધુંયે ! પુરુષો ફૂલચંદભાઈનાં ગીતો ગાતા હતા, બહેનો ‘આજે ગુરુજી આવ્યા’, એ ધ્રુવભાવવાળા ગરબાનો આધ્યાત્મિક ભાવ ધર્મયુદ્ધની ઉપર આરોપતી હતી અને વલ્લભભાઈને ગુરુજી તરીકે વધાવતી હતી ! સભામાં જે શાંતિ, વ્યવસ્થા, ખાદી જોવામાં આવી તે જોઈને તો ગાંધીજીની પણ આંતરડી ઠરે. અને પછી સભાનું કામ શરૂ થાય તે પહેલાં તો નાની, મોટી, વૃદ્ધ બહેનોની હાર ચાલી. એક પછી એક વલ્લભભાઈની પાસે આવી, પગે પડી, રૂપિયો ધરી તેમને ચંદનપુષ્પ આપી જતી હતી, અને કપાળે અક્ષતકુંકુમ લગાડી પગ આગળ ભેટ ધરતી હતી. પાપીનાં પાપ ભગાડે એવું એ દૃશ્ય હતું. એ નિર્મળ પ્રેમના નીરમાં નાહ્યા જ કરીએ એમ જતું હતું — જોકે શ્રી. વલ્લભભાઈને તો પારાવાર મૂંઝવણ થઈ રહી હતી એમ તેમની ગંભીર મુખમુદ્રા કહેતી હતી. એક બહેને પોતાનો અર્ઘ્ય ધરી નાનકડી ચિઠ્ઠી પણ વલ્લભભાઈના પગ આગળ મૂકી, જેનો ભાવ એ હતો કે ‘મારા પતિને આ લડતનો રંગ લગાડ્યો તે માટે ધન્યવાદ. અમે ખુવાર થવા તૈયાર છીએ, પતિને જેલમાં જવું પડે તો સુખે મોકલશું. આમાં અમે શું ભારે કરીએ છીએ ? એ તો અમારા સ્વાર્થની લડત છે !’

અને વલ્લભભાઈની વાણી ! મેં તો ચાર વર્ષો ઉપર બોરસદમાં એ રણે ચડેલા સરદારની સાથે ચાલીસે કલાક ગાળ્યા હતા.  ત્યારપછી પણ ઘણીવાર તેમને બોલતા સાંભળ્યા હતા, પણ આ વેળા એમની વાણીમાં જે તેજ ભાળ્યું, આંખમાંથી કેટલીકવાર જે વહ્નિ વરસતો જોયો તેવો કદી નહોતો જોયો. લોકોની જમીન ખાલસા થાય તેમાં જાણે પોતાના શરીરના કટકે કટકા થતા હોય ને જે તીવ્ર વેદના થાય તેવી વેદનાથી ભરેલા તેમના ઉદ્‌ગારો નીકળતા હતા. એ ભાષણોની તળપદી ભાષા, એમાં ક્ષણેક્ષણે ઝબકી ઊઠતા, ભૂમિમાંથી પાકેલા, ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ગામડિયાઓને હલાવવા માંડ્યા. અંગ્રેજીના સ્પર્શ વિનાનું, સ્વતંત્ર જોમવાળું એમનું ભાષા ઉપરનું પ્રભુત્વ આ સભાઓમાં પ્રગટ થતું મેં પહેલું ભાળ્યું. ભાષાની મકદૂર અને લહેજત જોવી હોય તો દીવાનખાનામાં બેસીને ફરસબંધી કરનારા સાહિત્યના રસિયાઓ જાય બારડોલીમાં, એમ મેં એ દિવસોમાં ‘નવજીવન’ના અંકમાં લખ્યું હતું.

વાલોડના વણિકોને અભિનંદન આપવા માટે મળેલી ભારે સભામાં તેમણે લોકોને વધારે આકરી લડત માટે આ પ્રમાણે તૈયાર કર્યા :

“આ લડતમાં હું ફક્ત તમારા થોડા પૈસા બચાવવા ખાતર નથી ઊતર્યો. બારડોલીના ખેડૂતોની લડત મારફત હું તો ગુજરાતના તમામ ખેડૂતોને પાઠ આપવા માગું છું. હું એ શીખવવા માગું છું કે આ સરકારનું રાજ્ય કેવળ તમારી નબળાઈ ઉપર જ ચાલે છે. નહિ તો જુઓને, એક તરફથી તો વિલાયતથી મોટું કમિશન પ્રજાને શી રીતે જવાબદાર તંત્ર આપવું તેની તપાસ કરવા આવ્યું છે, બે વરસમાં મુલકી ખાતું લોકોને સોંપી દેવાની વાતો ચાલે છે અને બીજી તરફથી અહીં જમીનો ખાલસા કરવાની સરકા૨ બાજી ગોઠવે છે. એ બધા ખાલી તડાકા છે. જેને સરકારી નોકરી કરવી છે એને ભલે એમાં ડર લાગે. ખેડૂતના દીકરાને એમાં ડરવાનું કારણ નથી. તેને તો વિશ્વાસ હોવો જોઈએ કે આ જમીનો અમારા બાપદાદાની હતી અને અમારી જ રહેશે. ખેડૂતની જમીન એ તો કાચો પારો છે, જે તેને આવી સ્થિતિમાં લેશે તેને ફૂટી નીકળશે. દશ વરસ પર દેશમાં સુધારાનું તંત્ર નહોતું ત્યારે પણ ખેડા જિલ્લામાં એક વીઘું જમીન સરકારથી ખાલસા થઈ શકી નહોતી, તો હમણાં થઈ શકશે ? નાહકનાં દફ્તરો બગાડે છે. એમ જમીનો ખાલસા થશે ત્યારે તો આ કચેરીના મકાનમાં મહાલકરી નહિ રહેતો હોય, ને અહીં અંગ્રેજી  રાજ્ય નહિ હોય, પણ લૂંટારાનું રાજ્ય હશે. હું તો કહું છું કે લૂંટારાને આવવા દો. આવા વાણિયાના રાજ્યમાં રહેવા કરતાં તેના રાજ્યમાં રસ પડશે. તાલુકાના લોકોને હું કહું છું કે કોઈ ડરો નહિ. દોઢ મહિનામાં તમારામાં કેટલો ફેર પડી ગયો તે તપાસો. પહેલાં તમારા ચહેરા પર કેટલી ભડક ને ફફડાટ હતાં ? એકબીજા જોડે બેસતા પણ નહિ. અને આજે ? આજે મહાલકરી તો માત્ર આ ડેલાનો જ મહાલકરી છે; મકાનની બહાર તેનો અમલ રહ્યો નથી. હજી જુઓ તો ખરા, આમ ચાલ્યું તો વખત ગયે એને ચપરાસી પણ નહિ મળે.

તમારી જમીનો માટે બહારના ઘરાકો લાવવાની સરકાર વાતો કરે છે, પણ તાલુકાના લોકો બધી ગણત્રી ગણીને બેઠા છે. ૧૯૨૧ ની ગર્જના કરી હતી તે ડરનારી પ્રજાના જોર પર કરી હતી શું ? તે વખતે સંજોગ વીફર્યા ને કસોટી ન થઈ. આજે એ કસોટી ભલે થાય. અને એમાં કયું જોર જોઈએ છે ? પંદર રૂપિયાના ભાડૂતી માણસોને ભેગા કરીને જો સરકાર એનાં લશ્કરો ઊભાં કરે છે, અને એ જ લશ્કરો સમજણ વગ૨, સ્વાર્થ વગર લડાઈના મેદાનમાં જઈને ભડોભડ મરે છે, તો તમે તો હજારોના ખાતેદારો છો, ને તમારે તો તમારા વતનને ખાતર અને તમારાં છોકરાંના રોટલાને ખાતર લડવું છે. આવી લડત તો કોણ અભાગિયો હોય કે ન લડે ? હું તો કહું છું કે આ લડત ભલે લાંબી ચાલે. અહીં બેઠા આપણે આખા ગુજરાતના ખેડૂતોને પાઠ શીખવીશું.”

ઓરગામના ભાષણમાંની ગામઠી ઉપમાઓ કયો ખેડૂત ભૂલી શકે ?

“જે દિવસે સરકારી દફતરમાં ખેડૂત પોતાને માટે આબરૂદાર, ઇજ્જતદાર લેખાશે ત્યારે જ તેનો દહાડો વળશે. આજે તો સરકાર જંગલમાં કોઈ ગાંડો હાથી રૂમે અને તેની હડફેટમાં જે કોઈ આવે તેને રેંસી નાંખે તેવી મદમત્ત બની છે. ગાંડો હાથી મદમાં માને છે કે જેણે વાઘસિંહોને માર્યા તેવા મને મગતરાનો શો હિસાબ ? પણ હું મગતરાને સમજાવું છું કે એ હાથીને રૂમવું હોય એટલું રૂમી લેવા દો, અને પછી લાગ જોઈને કાનમાં પેસી જા ! કારણ કે એટલી શક્તિવાળો હાથી પણ જો મગતરું કાનમાં પેસી જાય તો તરફડિયાં મારી, સૂંઢ પછાડી જમીન પર આળોટે છે. મગતરું ક્ષુદ્ર છે તેથી તેણે હાથીથી બચવું જ જોઈએ એમ નથી. મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે, છતાં તેમાંની એક જ ઠીકરી આખા ઘડાને ફોડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી શા સારુ ડરે ? તે ઘડાની પેાતાના જેવી ઠીકરીઓ બનાવી શકે છે. ફૂટવાનો ભય કોઈએ રાખવો જોઈએ તો તે ઘડાએ રાખવાનો છે, ઠીકરીને શો ભય હોઈ શકે ?”

અથવા સરભોણમાં ખેડૂતોને કુદરતનો કાયદો શીખવનારું ભાષણ લો :

“હું તો તમને કુદરતને કાયદો શીખવવા માગું છું. તમે બધા ખેડૂતો હોવાથી જાણો છો કે જ્યારે થોડા કપાસિયા જમીનમાં દટાઈ, સડી નાશ પામે ત્યારે ખેતરમાં ઢગલાબંધ કપાસ પેદા થાય છે. આપ મૂઆ વિના સ્વર્ગે જઈ શકાય તો જ કેવળ ધારાસભામાં ઠરાવ પસાર કરે આપણને મુક્તિ મળી શકે.

કષ્ટ તો તમે ક્યાં નથી વેઠતા ? ખેડૂત જેટલાં ટાઢતડકો, વરસાદ, ચાંચડમચ્છર વગેરેના ઉપદ્રવ કોણ સહન કરે છે ? સરકાર એથી વધારે શું દુઃખ નાંખી શકે તેમ છે ? પણ દુઃખ સમજપૂર્વક ખમો એ હું માગું છું, એટલે જુલમની સામે થતાં શીખો. તેનો ભયથી સ્વીકાર ન કરો.

જો ઘેટામાંથી જ તેને સાચવનારો ઘેટો નહિ નીકળે તો શું એ વિલાયતથી સાચવનારા લાવી શકશે ? લાવી શકે તોયે તેને પોસાચ નહિ. એ કાંઈ અઢી આનામાં રહે નહિ, આવાં છાપરાંમાં રહે નહિ; તેને બંગલો જોઈએ, બાગબગીચા જોઈએ; તેનો ખોરાક જુદો, હાજતો જુદી; જુદો ધોબી, જુદો ભંગી વગેરે જોઈએ. એ રીતે તો સરકારને માથા કરતાં મુંડામણ મોંઘું પડી જાય. દર ગામે બબ્બે અંગ્રેજ રાખે તો આ તાલુકાના પાંચ લાખ વસૂલ કરતાં કેટલા ગોરાઓ રાખવા જોઈએ અને તેનું કેટલું ખર્ચ પડે એની ગણત્રી કરવી મુશ્કેલ નથી.

પટેલોને આટલું કહેતાં શું મને સારું લાગે છે ? મને તો ઊલટી શરમ લાગે છે. આપણા પટેલોનો મોભો વધે એ હું ઇચ્છું છું. પટેલો તો રૈયતના રક્ષકો હોય. તેવા પટેલોને તો હું મારા ભાઈઓ ગણું અને તેમની સાથે હાથ મિલાવતાં મને અભિમાન થાય.

મને શરૂઆતમાં કોઈ કોઈ કહેતા કે આવા ઝગડામાં ઊતરીને જોખમમાં પડવું તે કરતાં સવારમાં બે કલાક વહેલા ઊઠી વધારે મજૂરી કરીશું. આવા માણસોએ જગત ઉપર જીવવાનું શું કામ છે ? તેઓ માણસને રૂપે બળદનું જીવન ગુજારે એ કરતાં મરીને બળદનો જ જન્મ ધારણ કરે. ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું. કોઈ એમ ન કહે કે ‘ગાળ કે ખોટી વણિકવૃત્તિનો ગુજરાતી શું કરી શકે ? બીજા કોઈ પણ જેટલા બહાદુર થઈ શકે તેટલો ગુજરાતી પણ થઈ શકે. માત્ર તેણે પોતાના માન ખાતર મરતાં શીખવું જોઈએ. હું ગુજરાતીઓને કહું છું કે શરીરે તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘસિંહનું રાખો; સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો. કોઈ તમને અંદરઅંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો, એ બે વસ્તુઓ લાખો ખરચતાં તમે મેળવી ન શકો તે આ લડતમાં તમે સહેજે મેળવી રહ્યા છો. તમને સાક્ષાત લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે. તમારાં ધન્યભાગ્ય છે કે સરકારે તમારા ઉપર આ વધારો કર્યો.”

આ બધાં ‘ઉજળિયાત’ કહેવાતી કોમોવાળાં ગામોમાં કરેલાં ભાષણ લીધાં. રાનીપરજ લોકોની આગળનાં એમના ભાષણનો સૂર ઉપર ટાંકેલા ભાષણ કરતાં કંઈક હળવો રહેતો હતો. રાનીપરજ બહેનોની પિત્તળ અને કાંસાંની બંગડીઓ તરફ આંગળી ચીંધીને તેમણે કહ્યું :

“તમારી માલમિલકત જપ્ત કરવા આવે તો તેમને આવકાર આપજો અને તમારી બંગડી કાઢી આપજો અને કહેજો : લો, આ પહેરવી હોય તો ભલે પહેરો. (પુરુષો તરફ વળીને) તમને ભય લાગે છે કે તમને જપ્તી કરવા બોલાવે તો શું કરશો. એ ડર જ કાઢી નાંખો. તમે મરદો છો, દૂબળા નથી. દૂબળો એટલે નબળો અને કાયર અને બાયલો. કાયર અને બાયલા તો તે જ કે જેમનાં હાડકાં ભાંગેલાં છે, અને જેઓ તમારી મહેનતમજૂરી ઉપર આધાર રાખે છે. તમે ખેતરમાં મજૂરી કરો છો, તમે મોટી ગૂણો ઉપાડીને ચાર ગાઉ ચાલ્યા જાઓ છો, તમને કોણ દૂબળા કહે ? એક ગામના પટેલને મહાલકરીએ કહ્યું કે જપ્ત કરેલો માલ ઉઠાવવા વેઠિયા ન મળે તો પટેલને જ માલ ઉપાડવો પડશે. એ પટેલે તુરત એને કહેવું જોઈતું હતું કે ‘એ મારું કામ નથી. વેઠિયા એ કામ કરવા તૈયાર નથી, હુંયે નથી. તમને મોટો પગાર મળે છે સાહેબ, તમે જ એટલું કામ કરી લો તો ?’”

લડતને અંગે આડકતરાં પરિણામો તો એવાં આવી રહ્યાં હતાં કે જેથી લડતની જ્વાળાથી ડરીને લડતને વખોડનારાઓને પણ સંતોષ થાય. આ લડત વિના ‘વર્જિત’ અને ‘અવર્જિત’ (એટલે દારૂ પીનારા અને ન પીનારા) રાનીપરજ બિચારા શી રીતે ભેગા થાત ? હવે તો બંને એકબીજાને ભેટવા લાગ્યા હતા. સ્વચ્છ ખાદી પહેરેલી, રોજ સ્નાન કરતી, મુગ્ધ નિર્મળ બાળાઓ અવર્જિત વર્ગની મૂઢ જેવી મેલીઘેલી દેખાતી બહેનો ઉપર ખૂબ અસર પાડવા લાગી હતી. દારૂડિયાને સ્પષ્ટ પદાર્થપાઠ મળતો હતો કે દારૂ છોડવામાં કેવો ચમત્કાર છે અને દારૂ પીવામાં કેવી તેજોહીનતા અને નામર્દાઈ આવી જાય છે.

અને દૂબળા ને તેમના શેઠ ધણિયામાં પણ ભેળા થતા હતા, પ્રેમના પાશમાં બંધાતા જતા હતા. દૂબળો વેઠ કરવાની ના પાડે તો ધણિયામાના કરતાં એ લડતમાં તેનો હિસ્સો વધી ન જાય ?

બારાડોલીના સત્યાગ્રહને વિષે જરા પણ જે કોઈ જાણે છે તે જાણે છે કે શ્રી. વલ્લભભાઈએ બારડોલીમાં બીજાને બોલવાની બંધી કરી હતી. હજી આ બંધી અમલમાં આવી નહોતી. રવિશંકરભાઈ જેવા ક્યાંકક્યાંક બોલતા. વલ્લભભાઈનાં ભાષણો તો હું આપતો ગયો છું અને આપીશ. પણ રવિશંકરનાં ભાષણોમાંથી એક નમૂનો આપવાનું મન થાય છે. બારડોલી વિષે હવે બહાર ઠેરઠેર સભા થઈ રહી હતી. જલિયાંવાલા દિનને નિમિત્તે ૧૩ મી એપ્રિલે સૂરતમાં થયેલી સભામાં રવિશંકરભાઈએ બારડોલીની લડતનું રહસ્ય આમ સમજાવ્યું :

“કલ્યાણજીભાઈએ મને સરભોણથાણાના થાણદાર તરીકે વર્ણવ્યો તેથી હું શરમાઉં છું. હું થાણદાર નહિ, પણ એક તેડાગર છું.

આજે જલિયાંવાલા બાગનો દિવસ છે. એવા જબરા પહાડી પંજાબીઓએ એ બધાં અપમાનો કેમ સહન કર્યા હશે ? એનું કારણ એ હતું કે તેમને વર્ષો થયાં આ સરકારે મનુષ્યત્વ હરણ કરનારી શિક્ષા આપી હતી. એ ભણતરથી તેમનાં હૃદયો એટલાં ભીરુ થઈ ગયાં હતાં કે ગાંધીજી ત્યાં તપાસ કરવા ગયા ત્યારે કોઈ તેમને પોતાને બારણે ઊભા રહેવા દેવાની પણ હિંમત નહોતું કરી શક્યું. તેમને રાષ્ટ્રીચ કેળવણી નહોતી મળી.

ત્યારે રાષ્ટ્રીય કેળવણી કેવી હોય ? હું કોઈ પંડિત નથી, એટલે રાષ્ટ્રીય કેળવણી ઉપર મોટું ભાષણ આપીને આજે તમને હેરાન કરીશ એમ કોઈએ ડરવાનું કારણ નથી. એટલું તો ખરું જ કે રાષ્ટ્રીચ કેળવણી એ જે જાતનું આપણે આજ સુધી ભણીએ છીએ તેનાથી જુદી જ છે.

મને એક પ્રસંગ યાદ આવે છે. હું એકવાર કંઈક કામસર ગાંધીજીની પાસે ગયો હતો. તે વખતે વિદ્યાપીઠની સ્થાપના કરવાના વિચારો ચાલતા હતા, અને ગુજરાતનું વિદ્વાન મંડળ ગાંધીજી સાથે બેસીને મહાવિદ્યાલયના આચાર્ય પદ માટે કોને નિયુક્ત કરવા એની ચર્ચા ચલાવી રહ્યું હતું. મારા જેવાને તો એમાં શી સમજણ પડે ? પણ તે વખતે  સાંભળેલું તે મને યાદ રહી ગયું છે. શ્રી. વલ્લભભાઈ એ કહેલું કે ‘બીજો કોઈ ન મળે તો મને આચાર્ય બનાવજો; છોકરાઓને ભણેલું ભુલાવી દઈશ.’ એ સાંભળી ગાંધીજી અને આખું મંડળ હસી પડેલું. પણ મને ખબર પડી ગઈ કે બીજા હસ્યા અને ગાંધીજી હસ્યા એમાં તફાવત હતો. જ્યારે બીજાઓ મશ્કરી સમજીને હસ્યા, ત્યારે ગાંધીજી તો એમ સમજીને હસ્યા હતા કે વલ્લભભાઈ કહે છે તે જ તદ્દન ખરી વાત છે.

ત્યારપછી આપણે જોયું છે કે અનેક રાષ્ટ્રીય શાળાઓ દેશમાં નીકળી અને થોડોથોડો વખત રહીને ઊઠી ગઈ. એ ઊઠી ગઈ એમાં મને જરાયે નવાઈ લાગી નથી. કારણ કે એ શાળાઓ બધી સરકારી શાળાઓના જ બીબાં જેવી હતી, એના શિક્ષકો સરકારને ભણેલા હતા, રાષ્ટ્રીય કેળવણીને ભણેલા નહોતા; સરકાર પાસેથી જે ભણેલા તેને ભૂલીને આવેલા નહોતા.

એ વખતે જેના આચાર્ચ પદની લાયકાતને હસી કાઢવામાં આવી હતી તે જ આચાર્ય આજ બારડોલી તાલુકાની ૮૮ હજાર પ્રજાને ભણાવવાની શાળા કાઢી છે. તા. ૪ થીથી ૧૨ મી ફેબ્રુઆરી સુધી તેનો ઉપનયન સંસ્કાર થયો, વચ્ચે પ્રાયશ્ચિત્ત સંસ્કાર પણ થઈ ગયો, અને વેદારંભવિધિ તો હજી હવે શરૂ થઈ રહ્યો છે. સાચું જ્ઞાન આપવાનો આરંભ થઈ રહ્યો છે. સરકાર કે જેણે રાષ્ટ્રીયતાનું ભાન ભુલાવ્યું તેને ભૂલવાનો પાઠ અપાઈ રહ્યો છે. ખોટું ભણેલું ભુલેલા એક ગુરુ પાસે ભણીને જે આચાર્ય પદે આરૂઢ થયા છે એવા પુરુષ આ રાષ્ટ્રીય શાળાના આચાર્ય છે. અબ્બાસસાહેબ અને પંડ્યાજી જેવા તેના ઉપાધ્યાયો છે. હું તો તે શાળાનો ક્ષુદ્ર તેડાગર છું.

પહેલો પાઠ સરકારને ભૂલવાનો પૂરો થયો છે, હવે આ રાષ્ટ્રીય ભણતરમાં બીજો પાઠ આપભોગનો શરૂ થશે.

પાઠ્યપુસ્તક બારડોલી તાલુકાની ભૂમિ છે, રાત્રિ અને દિવસ તેનાં પૃષ્ઠો છે. એ પૃષ્ઠો ઉકેલી ઉકેલી નિત્ય નવા અનુભવના પાઠો બારડોલીના નિશાળિયાઓ ભણી રહ્યા છે.”