બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/નાદીરશાહી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← લૂલા બચાવ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
નાદીરશાહી
મહાદેવભાઈ દેસાઈ
૧૯૨૧ની યાદ →૧૧
‘નાદીરશાહી’

“સરકારે ધાર્યું છે કે અહીંના સુંવાળા અને પોચા વાણિયાઓને જ સૌથી પહેલા જ ચાંપી જોવા. ગાબડું એકવાર પડ્યું તો ધીરેધીરે આખી ઈમારત ગબડી પડશે.”

પ્તીનાં કાગળિયાં તો જાણે જીનતાનની જાહેરખબરના જેવાં નકામાં હોય એમ લોકો ગણવા લાગ્યા. શ્રી. વલ્લભભાઈ કહે : ‘પેલાં પીળાં કાગળિયાં આવે એને તમારી લડતનાં સંભારણાં તરીકે આયનામાં મઢાવીને ઘરમાં લટકાવી રાખો. તમારી ભવિષ્યની પ્રજા પણ એને જોઈ ને અભિમાન લેશે કે અમારા બહાદુર બાપદાદાએ સરકાર સાથે લડત માંડી હતી.’

બસ થયું. આમ સરકારના દરેક પગલાને હસી કાઢવામાં આવતું જાય, અને લોકોની ભડક ભાંગતી જાય. પત્રિકાઓમાં અમુક ઠેકાણે પીળાં પતાકડાં ચોડાયાં છે એમ ટોળથી રોજ ઉલ્લેખ થાય અને લોકો ચોરા ઉપર બેસીને તલાટીના ઉત્સાહ ઉપર હસે. તલાટી જપ્તી કરવા નીકળતા નહિ એમ નહિ. નીકળતા તો ખરા, પણ જપ્તીની રીતોથી અજાણ તલાટીઓ હજી જપ્તી કરતાં બરોબર શીખ્યા નહોતા. અને ભલભલા જપ્તીવાળાઓને પાણી પાવાની કળામાં પ્રવીણ શ્રી. મોહનલાલ પંડ્યા અને દરબારસાહેબની પાસે લોકો તે કળા શીખવા લાગ્યા હતા. બાળકો પણ જાણતાં હતાં કે તલાટી વેઠિયો લઈને ઘર તરફ આવે ત્યારે શું કરવું. સ્વયંસેવકો તો તલાટીની પાસે જઈને શ્રી. વલ્લભભાઈના ભાષણમાંથી તેમને તેમના કર્તવ્ય વિષેના ફકરા વાંચી સંભળાવે. રવિશંકરભાઈ લોકોને કહે : ‘બાબર દેવાના જેવું એક કોળું સરકારને ડરાવતું હતું, લોકો પણ તેનાથી ત્રાહિ ત્રાહિ પોકારતા હતા. પણ વલ્લભભાઈસાહેબે બોરસદમાં લડત ઉપાડી તેને પ્રતાપે લોકોમાં એવું બળ આવ્યું કે બાબર દેવો ભાગતો ફરવા લાગ્યો.’ આ બળ ગરીબડી રાનીપરજ કોમમાં આવવા લાગ્યું. એક રાનીપરજ પટેલે મહાલકરીને જપ્તીમાં મદદ કરવાની ઘસીને ના પાડીને કહ્યું, ‘મારી પાસે પટાવાળા કે વેઠિયા નથી, હું શું કરું ?’

છાવણીઓમાં રોજરોજ સ્વયંસેવક વધતા જતા હતા. બામણીની દરબારસાહેબની છાવણી દરબારને શોભે એવી હતી. એક સજ્જને પોતાનું રાચરચીલાવાળું ઘર તેમને સોંપ્યું હતું, સાયંકાળે ત્યાં ‘નવજીવન,’ ‘આત્મકથા,’ ‘પત્રિકાઓ,’ વલ્લભભાઈસાહેબનાં ભાષણો વંચાય, પ્રાર્થના થાય, અને મોડા મોડા રાત્રે લોકો છૂટા પડે. ફૂલચંદભાઈનાં ભજનથી રસ જામે તે જુદો. આ ‘દરબારી’ છાવણીની વાત થઈ. ગરીબની છાવણીમાં ગરીબને છાજે એવો ઠાઠ રહેતો. જુવારની કડબ અને પરાળનાં છાયેલાં છાપરાંમાં બાલદાની છાવણી હતી. પણ ત્યાં પણ રંગ તો બીજી છાવણી જેટલો જ જામતો.

વાલોડના બીજા જે વણિક સજ્જન આજ સુધી પશ્ચાત્તાપ કર્યા વિના બેઠા હતા તેમને હવે પશ્ચાત્તાપ થયો અને તેમણે રૂ. ૬૫૧નું દાન પ્રાયશ્ચિત્તરૂપે કર્યું. આ અને એવા દાખલાઓથી લોકો કંઈક હદ ઓળંગવા લાગ્યા. બહિષ્કારનું શસ્ત્ર જ એવું છે કે જેમાં હદ ચાતરવાનો ભય હમેશાં રહે છે. તેમાં બારડોલીના લોકો જેમણે પોતામાં રહેલા બળનો આ પહેલી જ વાર અનુભવ કર્યો હતો તેનું શું પૂછવું ? અત્યાર સુધી ‘કડોદનો કાળો ડાઘ’ તાલુકાને નામોશીરૂપ હતો. કડોદ લડતમાં નહોતું જોડાયું એટલું જ નહિ પણ ત્યાંના પૈસા ભરી દેનારા શ્રીમંતો બીજાને સતાવતા પણ ખરા. તેઓ પોતાના ગામની પોતાની જમીનનું જ નહિ પણ બહારગામની જમીનનું મહેસૂલ પણ કટકે કટકે, લોકોને સતાવવાની ખાતર જ જાણે, ભર્યે જતા હતા. આવા માણસોની જમીન ગણોતે કદી ન ખેડવાનો ઠરાવ કરવાને માટે આસપાસના ગામના ખેડૂતોની સભા ભળી. તેને ત્યાં મજૂરોને કામ કરવા ન જવા દેવાનો પણ ઠરાવ વિચારમાં આવ્યો, અને કડોદ ઠેકાણે ન આવે ત્યાં સુધી આખા કડોદની સાથે અસહકાર કરવાનો ઠરાવ પણ વિચારમાં આવ્યો. છેલ્લા બે ઠરાવો છોડી દેવાનું સમજાવતાં શ્રી. મોહનલાલ પંડ્યાને મહામુસીબત પડી. પાટીદાર કોમનાં જુદાં જુદાં મંડળોનાં પંચ મળતાં હતાં અને બહિષ્કારના આકરા ઠરાવો થતા હતા. ચાલી રહેલા આ નવા પવનને મર્યાદામાં રાખવાને માટે ગાંધીજીને બહિષ્કારના શસ્ત્ર વિષે નીચે પ્રમાણે સાવચેતીની નોંધ લખવાની ફરજ પડી. આમ વારંવાર ગાંધીજીની સલાહસૂચના તો બારડોલીના સત્યાગ્રહીઓને મળ્યા જ કરતી હતી :

“જેઓ સરકારીવેરો ભરવા તૈયાર થાય છે તેમની સામે બારડોલીના સત્યાગ્રહીઓ બહિષ્કારનું શસ્ત્ર વાપરવા તૈયાર થઈ જતા સાંભળ્યા છે. બહિષ્કારનું શસ્ત્ર જલદ છે, ને મર્યાદામાં રહીને સત્યાગ્રહી વાપરી શકે છે. બહિષ્કાર હિંસક અને અહિંસક હોઈ શકે છે. સત્યાગ્રહીથી અહિંસક બહિષ્કાર જ વપરાય. અત્યારે તો હું બન્ને બહિષ્કારનાં થોડાં દૃષ્ટાંતો જ આપવા ઇચ્છું છું :

સેવા ન લેવી તે અહિંસક બહિષ્કાર. સેવા ન દેવી એ હિંસક હોઈ શકે.

બહિષ્કૃતને ત્યાં જમવા ન જવું, તેને ત્યાં વિવાહાદિના પ્રસંગેામાં ન જવું, તેની સાથે સોદો ન કરવો, તેની મદદ ન લેવી એ અહિંસક ત્યાગ છે.

બહિષ્કૃત માંદો હોય તો તેની સારવાર ન કરવી, તેને ત્યાં દાક્તર ન જવા દેવો, તેનું મરણ થાય તો મરણક્રિયામાં મદદ ન કરવી, તેને કૂવા, મંદિર, વગેરેના ઉપયોગથી દૂર કરવો એ હિંસક બહિષ્કાર છે. ઊંડો વિચાર કરતાં માલૂમ પડશે કે અહિંસક બહિષ્કાર લાંબો સમય નભી શકે છે, ને તે તોડાવવામાં બહારની શક્તિ કામ નથી કરી શકતી. હિંસક બહિષ્કાર લાંબો વખત ન ચાલે, ને તેને તેવામાં બહારની શક્તિનો પુષ્કળ ઉપયોગ થઈ શકે. હિંસક બહિષ્કાર લડતને છેવટે નુકસાન જ કરે છે. આવા નુકસાનના દાખલા અસહકારના યુગમાંથી ઘણા આપી શકાય છે. પણ આ પ્રસંગે મેં ભેદ પાડી બતાવ્યો છે, તે જ બારડોલીના સત્યાગ્રહીઓ અને સેવકોને સારુ બસ હોવું જોઈએ.”

પેલાં પીળાં પતાકડાંની સંખ્યા હવે સેંકડાઓથી ગણાય એટલી થઈ હતી. ભયનું નામ નિશાન ન રહ્યું હોય એમ સૌ કોઈ વર્તતા હતા. રાનીપરજનો માણસ ડેપ્યુટી કલેક્ટર જોવાની સાથે પેલાની આંખ અને કાન ચોળાવે, અરે બુદ્ધિને ચોળાવે, એવા સવાલજવાબ કરી શકે એવી કલ્પના મહિના ઉપર કોઈએ કરી નહોતી.

સ૦ કેમ ભરતા નથી ?
જ૦ વધારો રદ કરો એટલે ભરીએ.
સ૦ તમારા ગામો ઉપર તો જૂજજાજ વધારો જ આવે છે.
જ૦ જૂજજાજ પણ ક્યાંથી લાવીએ ? પોણો મણ પાણીમાં ત્રણ શેર લોટ નાંખી રાબડો બનાવીએ તેમાંથી તમે અચ્છેર લોટ લઈ લેવા માગો છો.
સ૦ વધારો તો સાચો જ છે. ધારાસભામાંયે કાયમ રહ્યો છે. માટે નહિ ભરો તો જમીન ખાલસા થશે.
જ૦ અરે સાહેબ, ધારાસભાની વાત અમે નહિ સમજીએ.

ફૂલમાં ફૂલ કપાસકા, ઓર ફૂલ કાયકા ?
રાજામાં રાજા મેઘરાજા, ઓર રાજા કાયકા ?

સ૦ એટલે શું ?
જ૦ ખાલસા તો મેધરાજા કરવા માગે તો થાય. બીજા કોઈ રાજાથી ન થાય.

આ વધતા જતા બળને કેમ સાંખી રહેવાય ? ડેપ્યુટી કલેક્ટરે તો ઉત્સાહમાં માનેલું હશે કે આ ‘વાણગાં’ઓ અને ‘ઢોડિયાં ચોંધરાં' જપ્તીની નોટિસથી જ ડરીને પૈસા ભરી દેશે. મિ. ઍંડર્સને પણ ધારાસભામાંથી સંભળાવ્યું હતું કે ‘સરકાર આ બાબતમાં જરાય પાછું ફરીને જોવાની નથી.’ પણ પહેલા બહાર ખાલી ગયા, અને હવે તો વધારે જલદ ઉપાય લીધે જ છૂટકો છે એમ સરકારી અમલદારોને લાગવા માંડ્યું. એટલે વળી પાછા જલદ ઉપાયને માટે પણ વણિકો જ શોધવામાં આવ્યા. તા. ૨૬ મી માર્ચે બાજીપરાના શેઠ વીરચંદ ચેનાજીને બારણે મહાલકારીની સહીની એક નોટિસ ચોડવામાં આવી, જેમાં જણાવ્યું હતું કે જો તે વાલોડ ખાતાની પોતાની જમીનનું રૂ. ૧૬૦–૫–૪ મહેસૂલ તા ૧૨–૪–૨૮ સુધીમાં ન ભરે તો જમીન ખાલસા કરવામાં આવશે. એ જ દિવસે વાલોડના સાત ગૃહસ્થો શેઠ ઘેલાભાઈ, શેઠ ગુલાબદાસ, શેઠ ભૂખણદાસ, ડાહ્યાભાઈ, દામોદરદાસ, ચુનીલાલ અને સોની ચુનીલાલ અને ગં. સ્વ. ઇચ્છાબહેન ઉપર એવી જ ખાલસા નોટિસો કાઢવામાં આવી. આથી જરાય ડગ્યા વિના શેઠ વીરચંદે મહાલકરીને એક વીર કાગળ લખ્યો જેમાં તેણે જણાવ્યું :

“આવી નોટિસ આપવાને આપ સાહેબે આખા મહાલમાં મને પ્રથમ પસંદ કર્યો તે ઉપરથી એમ માનવાને કારણ રહે છે કે આખા મહાલની અંદર મને આપ છેક જ નબળામાં નબળો સમજો છો. આવું માનવાને મેં આપને શું કારણ આપ્યું હશે એ મારા ખ્યાલમાં આવતું નથી. પરંતુ મારે આપને જણાવવું જોઈએ કે આખો તાલુકો ખાલસા થાય તોપણ જે અન્યાયી વધારો કરવામાં આવ્યો છે તે રદ ન થાય અથવા તો તેની યોગ્ય તપાસ ફરીથી ન થાય ત્યાં સુધી તાલુકામાં હવે કોઈ પૈસા ભરનાર નથી અને હું પણ ભરવાનો નથી.

આપ જો સરકારના સાચા વફાદાર નોકર હો તો આપનો ધર્મ છે કે તાલુકાની ખરી સ્થિતિથી આપે સરકારને વાકેફ કરવી જોઈએ, અને પ્રજાને જે અન્યાય થયો છે તે દૂર કરાવી ન્યાય મેળવવામાં પ્રજાને મદદ કરવી જોઈએ. જે તાલુકાનું કેટલાંયે વરસ સુધી આપે લૂણ ખાધેલું છે તે તાલુકાની પ્રજા ઉપર નોકરીની આખર વેળાએ આપને પ્રજાને રંજાડવાનો પ્રસંગ આવી પડ્યો છે તેમાંથી આપે કોઈ પણ રીતે ઊગરી જવું જોઈએ એવી મારી આપને નમ્ર વિનંતિ છે.

ચાકરીની આખર વખતે ખાતેદારોની જમીન ખાલસા કરવાની આપને સત્તા આપવામાં આવી હોય અને તે પ્રમાણે જો આપે આ નોટિસમાં સહી કરી તે મારે બારણે ચોડાવી હોય અને હવે પછી ખેડૂતોની જમીન ખાલસા કરવાનું કામ આપને હાથે થવાનું હોય તો એવી નોકરીમાંથી છૂટા થઈ જવું એ શોભાભરેલું છે. આપની નોકરીના ટૂંકા દિવસ બાકી રહેલા છે. અને એટલી રજા આપની સરકારમાં ચડી હશે. આપના હિતેચ્છુ તરીકે હું આપને સલાહ આપું છું કે આપના હાથની નોટિસો આપના તાલુકાની રૈયતને મળે તે કરતાં આપ નોકરીમાંથી છૂટા થઈ જશો તો વળતી વેળાએ આબરૂ સચવાશે.”

વાલોડના પેલા સાત સજ્જનોએ શ્રી. વલ્લભભાઈને કાગળ લખીને ખાતરી આપી : “જે પ્રમાણે નોટિસ અને જપ્તીના મારાની પહેલી શરૂઆત અમારા ગામ ઉપર કરવામાં આવેલી હતી, પરંતુ તેમાં જેમ સરકારને નિષ્ફળતા મળી છે તેમ આ ખાલસાની નોટિસની બાબતમાં પણ સરકારને નિષ્ફળતા જ મળશે એ વિષે આપ નિશ્ચિત રહેશો.” સામાન્ય રીતે મહાલકરીની સાથે ઘણી બેઠક અને ઘરોબો રાખનારા શેઠ વીરચંદ ખાલસાની નોટિસથી ગભરાયા વિના કે મહાલકરીની સાથેની મહોબતથી અંજાયા વિના તેને સામી નોટિસ આપે એ વાત જ તાલુકાના લોકોને માટે અસાધારણ હતી. વાણિયાઓ પહેલાં ગગડી જશે એવો ડર સરકારને જ હતો એમ નહિ, પણ લોકોમાંના ઘણા જણને હતો. એ ડર ખોટો પડ્યો એટલું જ નહિ પણ કણબીઓ અને બીજાઓમાં એકબીજા વચ્ચે વાતચીત થવા લાગી કે હવે વાણિયા ખાલસાથી ન ડગ્યા એટલે આપણે ડગશું તો આપણે તો કાચલીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું જ થવાનું છે.

તાલુકામાં આ ખાલસા નોટિસોની ચમત્કારિક અસર થઈ. દેશમાં આ વસ્તુ ‘નાદીરશાહી’ તરીકે પ્રગટ થઈ ગાંધીજીએ દેશને આ ‘નાદીરશાહી’ વિષે જાગૃત કરનારા લેખો ‘યંગ ઇડિયા’ અને ‘નવજીવન’ માં લખ્યા, અને પરિણામે બારડોલી સત્યાગ્રહને વિષે હજી કોઈ ઉદાસીન રહ્યા હતા તેમણે તે ઉદાસીનતા છોડી. ગાંધીજીનો નીચેનો લેખ બારડોલીનાં ગામેગામમાં વધાવી લેવામાં આવ્યો. લોકોએ તે વારંવાર વાંચ્યો :

“જનરલ ડાયરને જ્યારે માજી હંટર કમિટિના એક સભ્યે જલિયાંવાલાની કતલ બાબત સૂચક પ્રશ્ન પૃછ્યો, ‘તમારો વિચાર નાદીરશાહી ચલાવી લોકોના મનમાં સરકારનો રુઆબ પેદા કરવાનો હતો ?’ ત્યારે તેણે તે સૂચનાનો ઉત્સાહપૂર્વક સ્વીકાર કરી, ‘હા’ કહી હતી, પણ નાદીરશાહીનો આરંભ કંઈ જનરલ ડાયરથી નહોતો થયો. એ તો હિંદી નોકરશાહીના પરંપરાનો વારોસો ને ઈજારો છે. પણ આ નાદીરશાહીને જનરલ ડાયરે પ્રખ્યાતિ આપી એમ કહી શકાય. તેથી આપણે તેને ડાયરશાહીને નામે પણ ઓળખીએ છીએ. ડાયરશાહીની નીતિ ઉપર નોકરશાહીની હસ્તી નિર્ભર છે તેથી પ્રસંગ આવ્યે નોકરશાહી તેનો આશ્રય લેતાં ચૂકતી નથી. તેને મન બારડોલીમાં આ પ્રસંગ આવી પહોંચ્યો જણાય છે. તેથી બીકણ ને પોચા ગણાતા વાણિયા સત્યાગ્રહીઓની ઉપર નાદીરશાહીનો આરંભ થયો છે એમ કહેવાય. આઠ

વણિક સત્યાગ્રહીઓ ઉપર નોટિસ પહોંચી છે કે જો તેઓ ૧૨મી એપ્રિલ પહેલાં તેમની નોટિસોમાં જણાવેલી જમીનનું મહેસૂલ નહિ ભરી જાય તો તે બધી જમીન ખાલસા થશે. એક વણિક ગૃહસ્થની ઉપર નોટિસમાં ૧૬૦ રૂપિયાના આકારની જમીન બતાવી છે. સરકાર રૂ. ૧૬૦ની જપ્તી લાવત તો આપણને કદાચ બહુ દોષ કાઢવાપણું ન હોત. પણ રૂ. ૧૬૦ ને સારુ હજારો રૂપિયાની કિંમતની જમીન ખાલસા કરવી એટલે જ નાદીરશાહી. આ રાજનીતિમાં અમુક પ્રસંગોમાં તમાચાનો ઉત્તર તમાચો નહિ પણ ફાંસી હોય છે. એક રૂપિયાના લેણાને પેટે એક હજાર લેનારને આપણે જાલિમ કહીએ, તેને દશ માથાંવાળો રાવણ કહીએ.

આગળબુદ્ધિ ગણાતા વાણિયા આનો જવાબ છેવટે શો આપશે ? પોતાની ભીરુતા સિદ્ધ કરી બતાવશે કે સત્યાગ્રહી સેનામાં જોડાવાની યોગ્યતા સિદ્ધ કરી બતાવશે ?

વલ્લભભાઈએ એકવાર નહિ પણ અનેકવાર ચેતવણી આપી છે કે સરકારે જમીન ખાલસા કરવાના, જેલમાં મોકલવા વગેરે અધિકાર કાયદા વડે લઈ રાખ્યા છે, અને એ અધિકારનો અમલ કરતાં તે મુદ્દલ અચકાય એવી નથી એમ તેણે અનેકવેળા સિદ્ધ કરી આપ્યું છે. એટલે ખાલસાની નોટિસથી તેમણે કે બીજા કોઈએ હેબતાઈ જવાનું નથી. તેમણે વિશ્વાસ રાખવાનો છે કે ખાલસા થયેલી જમીન સરકારને નથી પચવાની કે નથી તે જમીન લિલામવેચાણમાં લેનાર કેાઈ દ્રોહી નીકળી પડે તો તેની થવાની. આમ લૂંટેલી જમીન કાચો પારો છે ને તે ફૂટી નીકળ્યા વિના ન જ રહે.

પોતાની ટેકના કરતાં કે આબરૂના કરતાં જમીન વધારે નથી. જમીન નથી તેવા અસંખ્ય મનુષ્યો આ દેશમાં પડ્યા છે. જમીનવાળાની જમીન ગઈ રેલમાં ઘસાઈ ગઈ ને તેની ઉપર રેતીનાં રણ જામ્યાં છે. ગુજરાતીઓ જેમ આસમાનીને ધીરજ ને વીરતાપૂર્વક વશ થયા, તેમ બારડોલીના સત્યાગ્રહીઓ આ સુલતાની રેલને વશ થાઓ ને પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરો.”