લખાણ પર જાઓ

બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/લૂલા બચાવ

વિકિસ્રોતમાંથી
← ખુમારીના પાઠ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
લૂલા બચાવ
મહાદેવભાઈ દેસાઈ
નાદીરશાહી →



૧૦
લૂલા બચાવ


“ઍંડર્સન એ જ અમલદાર કે જેણે સરકારને ગધેડે બેસાડી હતી. ધારાસભામાં એને પાણીપતની વાત કરવાનું સૂઝ્યું. મેં કહ્યું, ‘કોઈનું રાજ રહ્યું નથી, તમારુંયે જશે તેમાં મારે શું ?’ ”

વાચકને યાદ હશે કે શ્રી. વલ્લભભાઈ પટેલે ગવર્નરને લખેલા પોતાના પહેલા જ પત્રમાં એકત્રીશ ગામોને વિષે થયેલા વિશેષ અન્યાયનો ઉલ્લેખ કર્યો હતો. આમાંનાં રર ગામના વર્ગો (ગ્રૂપો) ઉતારવાનું ધારાસભાની માર્ચ મહિનાની બેઠકમાં સરકારે જાહેર કર્યું. લોકોનું બળ જોઈને આ પગલું લેવામાં આવ્યું એમ કહેવામાં કંઈ હરકત નથી. આ જાહેરનામાને લીધે ત્રણ ગામો જેમનો વર્ગ ચઢ્યો હતો અને ૨૦ ટકા વધારો થયો હતો તેમનો વર્ગ ઊતરવાને લીધે એ વધારો રદ થયો, ત્રણ ગામો જ્યાં મહેસૂલનો વધારો ૪૫ થી ૫૦ ટકા કરવામાં આવ્યો હતો તે ઓછો થઈ ૧૮ / ટકા અને ૨૦ ટકા થયો, બે ગામનો વધારો ૫૮ ટકાને બદલે ૨૦ ટકા થયો, અને ૧૪ ગામ ૫૦ ટકાના વધારામાંથી ૨૫ ટકાના વધારામાં આવ્યાં. આમ એક ભૂલ સહેજ સુધારવામાં આવી, પણ તેથી કંઈ સરકારમાં ડહાપણનો ઉદય થયો હતો એમ નહિ કહી શકાય. સરકારે તો આ જાહેરનામું કાઢીને સાથે સાથે એમ પણ જાહેર કર્યું કે વર્ગ ઉતારવાની સાથે આકારનો વધારો થયો છે તેને કશો સંબંધ નથી, તે વધારાનું પ્રમાણ તો તેટલું જ રહેશે. બારડોલીના ખેડૂતોની લડત તો કશી તપાસ વિના કરવામાં આવેલા મહેસૂલવધારાની સામે હતી. આ જાહેરનામાંથી તો માત્ર ૨૨ ગામ જ્યાં વિશેષ અન્યાય થયો હતો તે બીજાં ગામોની સમાન કક્ષામાં મૂકવામાં આવ્યાં.

ધારાસભાની આ બેઠકમાં ભાઈ નરીમાને બારડોલી તાલુકાના મહેસૂલવધારા સંબંધી સરકારના ઉપર તિરસ્કારનો ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવ ઉપર બોલતાં સરકારે અખત્યાર કરેલી નીતિના બચાવમાં આ આખી લડતમાં સરકારને ભમાવનાર સેટલમેન્ટ કમિશનર મિ. ઍંડર્સને એક ભૂડું ભાષણ કર્યું. તેનો એક બચાવ એ હતો કે સરકારની ‘રેશનિંગ’ નીતિને પરિણામે દારૂની ખપત ઓછી થવાથી લોકોને બચત થઈ છે, તેટલા પૂરતું વધારે મહેસૂલ તેઓ સુખે આપી શકે. બીજી દલીલ ટાપટી વેલી રેલ્વેથી થયેલા મોટા લાભની કરવામાં આવી. “આ રેલ્વે પાછળ સરકારના આશરા તળે લાખો રૂપિયા રેડાયા છે, જેનું વળતર બારડોલીની જમીનના કેટલાંયે વર્ષના મહેસૂલ બરાબર થવા જાય.” રેલ્વે બાંધવામાં આવી તે કેવળ પારમાર્થિક હેતુથી જ એમ કહેવું એ કેટલું બેહૂદું છે ? રેલ્વેઓએ ભારતનો કસ કેટલો ચૂસી લીધો છે તે બાબતની ચર્ચા કરવાનું આ સ્થળ નથી. પણ એ વાત કોરે મૂકીએ તોપણ અજબ વાત તો એ છે કે આ રેલ્વેની દલીલ કરવામાં મિ. ઍંડર્સન તાલુકાનો આખો ઇતિહાસ જ ભૂલી ગયા. ૧૮૯૬ ની જમાબંધી વેળા તે વખતના અમલદાર મિ. ફરનાન્ડીઝે મહેસૂલના દરની ભલામણ કરતાં રેલ્વેથી થનારા લાભને ધ્યાનમાં લીધા હતા. એ અમલદારના શબ્દ તો ચોથા પ્રકરણમાં ટાંકી ચૂક્યો છું. પણ ખૂબી તો એ છે કે એ રેલ્વે થવાથી જે લાભની આશા રખાતી હશે તે લાભ પણ થયો છે કે નહિ એની શંકા છે. બારડોલી અને મઢી સિવાયનાં બીજાં કોઈ પણ સ્ટેશને માલ ચડાવવાનું તો કશું સાધન નથી, અને બારડોલીના સ્ટેશન છતાં લોકો નવસારીના બજારનો ઘણો મોટો ઉપયોગ કરે છે.

એક બીજી દલીલ મિ. ઍંડર્સનના પેલા ૪૨,૯૨૩ એકરના ગણોતે આપેલી જમીનના આંકડા જેવી જ પોકળ હતી. પણ આંકડાનો દુરૂપયોગ કેવી રીતે થાય છે, આંકડાને કેમ ઉલટાવવામાં આવે છે તે જણાવવા ખાતર તે અહીં આપવાની જરૂર લાગે છે. એ દલીલ આ હતી : “આ વર્ષે જે નવો આકાર ઠરાવવામાં આવ્યો છે તેની સાથે સને ૧૮૩૩ માં લેવામાં આવતા આકારનું પ્રમાણ ૧૧૭ અને ૧૦૦ નું છે. એટલે સો વર્ષમાં માત્ર ૧૭ ટકાનો વધારો થયો છે.’ હવે આમાં કેટલું ખોટાણું રહેલું છે તે જોઈએ. ૧૮૩૩ માં મિ. ઍંડર્સનના કહેવા પ્રમાણે ખેડાણને લાયક જમીન ૩૦,૦૦૦ એકર હતી, આજે તે ૧,૩૦,૦૦૦ જેટલી છે. આ ખેડાણની જમીન શી રીતે વધી ? નવી જમીન જે ખેડાણને લાયક જમીનમાં ગણાઈ તેમાં કેટલીક ખરાબાની હતી અને કેટલીક ચરણ અને ‘વાડા’ની હતી. ૧૮૩૩ પહેલાં એવો રિવાજ હતો કે ખેડૂત જેટલી જમીન ખેડે તેના પ્રમાણમાં તેને અમુક જમીન ચરણને માટે મફત મળે. ૧૮૩૩ પછી ૧૮૬૬ સુધી આ ચરણની જમીન ઉપર વીઘે ૧ રૂપિયો લેવાનો શરૂ થયો, અને ૧૮૬૬ થી આ બધી જમીન જરાયત ગણાવા લાગી અને તેની ઉપર મહેસૂલ પણ બીજી જરાયત જમીનના દરે જ લેવાવા લાગ્યું. હવે આપણે જોઈએ કે જે વધારાને મિ.ઍંડર્સન સેંકડે ૧૭ ટકા તરીકે વર્ણવે છે તે વધારો ખરી રીતે કેટલો છે. બારડોલી તાલુકાના સરભોણ પરગણામાં ખેડૂતને ૨૦ વીઘાં ખેડાણની જમીન સાથે ૬ વીઘાં ચરણની અથવા વાડાની જમીન મળતી. એટલે કે વીઘાનો આકાર રૂ. ૫ ગણીએ તો એ ખેડૂતને ૨૬ વીઘા જમીનને માટે ૧૮૩૩ સુધી

(૨૦ × ૫) + (૬ × ૦) = ૧૦૦ રૂપિયા

ભરવા પડતા. અને ૧૮૩૩ પછી એટલે ૧૮૬૬ સુધી

(૨૦ × ૫) + (૬ × ૧) = ૧૦૬ રૂપિયા

ભરવા પડતા. પણ ૧૮૬૬ થી પેલા ૬ વીઘાના પણ રૂ. ૫ લેખે ૩૦ રૂપિયા ચડવા લાગ્યા, અને જૂના દર ઉપર મિ. ઍંડર્સન ૧૭ ટકા ચડ્યા છે એમ કહે છે એટલે ૨૬ વીઘાનું મહેસૂલ આજે

(૨૦ × ૫.૮૫) + (૬ × ૫.૮૫) = રૂ. ૧પર.૧૦

થવા જાય છે. એટલે કે ૧૮૩૩ માં એ ખેડૂતને જેટલી જમીનના ૧૦૦ રૂપિયા પડતા હતા તેટલી જ જમીનના આજે ૧પર રૂપિયા પડે છે. એટલે મહેસૂલ ૧૭ ટકા નહિ પણ પર ટકા વધ્યું છે. પણ ખેડૂતની ખોટ તો એ ઉપરાંત ઘણી છે. અસલ વાડા મફત  અથવા જૂજ મહેસૂલે મળતા ત્યારે ખેડૂત ઘણાં ઢોર રાખી શકતો, અને ઢોરની સ્થિતિ પણ બહુ સારી હતી. આજે ચરણની સારી પેઠે કિંમત આપવી પડે છે અને પરિણામે ઢોરની સ્થિતિ ખેડૂત જેવી થવા બેઠી છે.

જો મહેસૂલ આકરું હોય તો ખેડૂત જમીન કેમ નથી છોડી દેતો એમ મિ. ઍંડર્સન પૂછે છે, પણ એણે પોતે જ શ્રી. જયકરના રિપોર્ટ ઉપર કરેલી પોતાની ટીકામાં લખ્યું હતું તે આ વેળા એ ભૂલી ગયા હતા : “બધા આંકડા ઉપરથી એ અનુમાન ઉપર આવી શકાય છે કે ૧૮૯૬માં તાલુકામાં વધારે પડતો મહેસૂલનો દર હતો અથવા તો નફાના છેક ૫૦ ટકા જેટલો દર હતો.” આ આકરા દર છતાં ખેડૂત જમીન કેમ નથી છોડી દેતો એનો જવાબ તો એ જ હોઈ શકે કે બ્રિટિશ રાજ ભૂંડું છે એમ જાણતા છતાં, અથવા મિ. ઍંડર્સન અને જયકર જેવા રેઢિયાળ અમલદારો હોવા ન જોઈએ એમ જાણતાં છતાં, ખેડૂત બ્રિટિશ રાજને અને પેલા રેઢિયાળ અમલદારોને નભાવી લે છે. ખેડૂત આકરા દર છતાં જમીનને વળગી રહે છે કારણ તેની પાસે બીજું સાધન નથી, અને જમીનમાંથી પૂરતું પેદા નથી થતું છતાં જમીન છોડતો નથી તેનું કારણ તો સત્યાગ્રહની લડત દરમ્યાન સરકાર તરફથી કાગળો લખનાર મિ. સ્માઈથે પોતે જ આપેલું છે. ૧૯૨૪માં ખેડાના કલેક્ટર તરીકે એણે જમીનમહેસૂલકમિટી આગળ જુબાની આપતાં જણાવ્યું હતું : ‘જો એમ પૂછતા હો કે લોકો ગુજારો કેમ કરતા હશે તો એનો જવાબ એ છે કે મોસમ વિત્યે નવરાશના દિવસોમાં એ લોકો દહાડીદપાટી કરે છે, બળદ અને ગાડાંની મદદથી ભાડાં કરે છે, ઢોર રાખી ઘીદૂધ વેચે છે.’

પણ હવે આ બચાવના પોકળપણામાં બહુ ઊતરવાની જરૂર નથી. દલીલો તો ગમે તે કરવાનો મિ. ઍંડર્સનને હક હતો, પણ એક વસ્તુ એના ભાષણમાં એવી હતી કે જે એના જેવા અમલદારના મોંમાં પણ શોભતી નહોતી. પોતાના એ ઐતિહાસિક થઈ જનારા ભાષણનો ઉપસંહાર કરતાં મિ. ઍંડર્સન બોલેલા : “આપણને કહેવામાં આવે છે કે થોડાં વરસ ઉપર બારડોલી તાલુકો સવિનય ભંગની એની ભવ્ય તૈયારી માટે જગપ્રસિદ્ધ થયો હતો. મારે કબૂલ કરવું જોઈએ કે એ પ્રસિદ્ધ થયો હતો ખરો, પણ એ પ્રસિદ્ધિનો મારા તમારા જેવાને લાભ થાય એમ નથી — એ પ્રસિદ્ધિ નિષ્ફળતાની અને હાસ્યપાત્રતાની પ્રસિદ્ધિ હતી. આ વખતે લડત ચલાવી રહ્યા છે તેમને મારે જણાવવું જોઈએ કે એ જમીન ખાલસા થશે. તેને વેચવાનો વખત આવશે ત્યારે તેને લેનારા ઘણા લોકો મળી આવવાના છે. સત્યાગ્રહીઓની હિંસા કે અહિંસા આ લોકોને સોના જેવી જમીન ખરીદતાં અટકાવી શકવાની નથી. એટલે હું તેમને વીનવીને ચેતવું છું કે થર્મોપિલી તરફ કૂચ કરતાં જોજો તમે પાણીપત નહિ પહોંચી જાઓ.”

મિ. ઍંડર્સન ગમે તેટલા જમીન ખરીદનારા ઊભા કરે તેમાં તેમની સાથે કોને તકરાર હોય ? બડાશ જેને જેટલી મારવી હોય તેટલી મારવાના હક છે. પણ પાણીપતની બેવકૂફીભરેલી વાત કરવાની મિ. ઍંડર્સનની હિંમત ચાલી અને એ ભાષણ જેમનું તેમ સરકારી હેવાલોમાં છપાયું એ આ જમાનાની સરકારની બલિહારી છે. બારડોલીએ તો કદી પોતાની ‘પ્રસિદ્ધિ’નો ગર્વ કર્યો નહોતો, પ્રસિદ્ધ થવાનું તેના નસીબમાં તે વેળા નહોતું લખેલું એ વાતનો બારડોલીને ખેદ રહી ગયો હતો. પણ પાણીપતનો શાપ દેતી વેળા મિ. ઍંડર્સનની અક્કલ કેમ એટલી બધી બહેર મારી ગઈ હશે કે તે અજાણતાં હાલની સરકારને અહમદશાહ અબદલી દુરાની સાથે સરખાવી દેતા હતા એ ભૂલી ગયા ? અહમદશાહના દહાડા તો પાણીપત પછી હિંદુસ્તાનમાં ગણ્યાગાંઠયા જ હતા એ વાત ઍંડર્સન કેમ ભૂલી ગયા હશે ? બારડોલી તો પાણીપતના પાઠ ભૂલે એમ નહોતું જ, પણ તે ઉપરાંત બારડોલીની આગળ તેને ઉત્તેજન આપનારી ચંપારણ, ખેડા, નાગપુર અને બોરસદની તાજી યાદ પણ હતી.