બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ભક્ષણનીતિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બારડોલી બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
ભક્ષણનીતિ
મહાદેવભાઈ દેસાઈ
બારડોલીમાં શું બન્યું ?—સરકારપક્ષ →


ભક્ષણનીતિ

“૮૦ ટકા ખેડૂતવસ્તીવાળા આ દેશમાં ખેડૂત માટે જેવા રાક્ષસી કાયદા છે તેવા ધરતીના પડ ઉપર ક્યાંયે નહિ મળે.”

બારડોલી સત્યાગ્રહની ઉત્પત્તિના વર્ણન ઉપર આવીએ તે પહેલાં આ દેશમાં, અથવા આ પ્રાંતમાં, ચાલતી જમીનમહેસૂલનીતિ વિષે થોડી હકીકત આપવી જરૂરની છે. ‘સર્વે’ ક્યારથી અને કેમ શરૂ થઈ, મહેસૂલઆકારણી કેવી રીતે થવા માંડી એ બધી વસ્તુના ઇતિહાસમાં અહીં નહિ ઊતરી શકાય. આ ઇતિહાસ વાંચનારે જાણવાજોગી કેટલીક હકીકત આ પ્રકરણમાં રજૂ કરીશ.

જમીનમહેસૂલ એ ‘કર’ છે કે ‘ભાડું અથવા ગણોત’ છે એ સવાલ એકવાર બહુ ચર્ચાતો અને સરકારી અમલદારો પણ નિષ્પક્ષ રીતે તેને ચર્ચતા. લેફ્ટેનન્ટ કર્નલ બ્રિગ્ઝ નામના એક લેખકે જમીન મહેસૂલ ઉપર પ્રકાશ પાડનાર એક મહત્ત્વનો ગ્રંથ લખ્યો હતો તેમાં બતાવ્યું હતું કે સેંકડો વર્ષો થયાં જમીનનો માલિક એ જમીનનો ભોગવટો કરનાર ખેડૂત મનાતો આવ્યો છે, સરકાર માલિક નથી, પણ અંગ્રેજ સરકાર તો જમીનની માલિક થઈ બેઠી છે અને વધારેમાં વધારે મહેસૂલ ઉત્પન્ન કરવાનું સાધન એને માને માને છે. આ ગ્રંથ ૧૮૩૦ માં લખાયો હતો. ૧૮૫૩માં આમની સભાની એક કમિટી આગળ પુરાવો આપનાર એક અંગ્રેજ અમલદારે કબૂલ કર્યું હતું કે જમીનમહેસૂલ ઠરાવવામાં ખેડૂતનો અભિપ્રાય લેવામાં નથી આવતો, એને કહેવામાં આવે છે કે આટલું તારે આપવું પડશે, તને પરવડે તો ભર નહિ તો જમીન છોડ. પણ સને ૧૮પ૬ માં કોર્ટ ઓફ ડિરેક્ટર્સે એક ખરીતો બહાર પાડ્યો હતો તેમાં જાહેર કર્યું હતું કે જમીનમહેસૂલ એ ભાડુ નથી પણ ‘કર’ છે. સર ચાર્લ્સ વૂડ અને લૉર્ડ લિટને પણ એ વસ્તુ સ્વીકારી હતી. બેડન પૉવેલ નામનો લેખક, જેણે ગયા સૈકાની આખરમાં પોતાનું જમીનની આકારબંધી સંબંધી પુસ્તક લખ્યું હતું તેણે પણ કહ્યું છે કે જમીનમહેસૂલ એ જમીનની આવક ઉપર એક પ્રકારનો કર છે, પણ હવે એ ‘કર’ છે કે ‘ભાડુ’ એ ચર્ચા કરવી નિરર્થક છે. નિરર્થક છેસ્તો ! કારણ સરકાર એ મહત્ત્વના ભેદની અવગણના કરી, જમીનની માલિક થઈ પડી છે, અને એ ચર્ચાને નિરર્થક કરી મૂકી છે. નહિ તો એ ચર્ચા અતિશય મહત્ત્વની છે, કારણ જમીનમહેસૂલના કાયદાની આકરામાં આકરી કલમો, ખેડૂતથી જમીનમહેસૂલ ન ભરી શકાય તો ખેડૂતની હજારગણી કિંમતની જમીન ખાલસા કરવાનો સરકારને અધિકાર આપનારી રાક્ષસી કલમો, સરકારે માની લીધેલા માલિકીહકમાંથી ઉત્પન્ન થયેલી છે. આજે તો એટલે ૧૯૨૪ ના માર્ચમાં, સરકારના જમીનમહેસૂલખાતાનો પ્રધાન (રેવન્યુ મેંબર) બેધડક રીતે કહે છે કે જમીન સરકારની જ છે, એમાંથી પુષ્કળ આવક થાય છે અને એ આવકથી જ વહીવટ ચાલે છે. એટલે ગમે તેમ થાય તોપણ એ આવક છોડાય નહિ. આ ઉચાપતનીતિમાંથી જમીનમહેસૂલના પ્રશ્નની અટપટી ગૂંચો ઊભી થઈ છે, એનો જ આશરો લઈને સરકારે વર્ષોનાં વર્ષો થયાં ખેડૂતોને રંજાડ્યા છે, તેમની દાદ ફરિયાદ સાંભળવાને દીવાની કોર્ટને હક રહ્યો નથી, અને ધારાસભાને પણ સરકારના ઠરાવમાં હાથ ઘાલવાનો હક નથી.

આ નીતિને પરિણામે, ખેડૂતને જમીનમહેસૂલમાં દખલ કરવાનો કશો અધિકાર નથી એ સિદ્ધાન્તને પરિણામે, જ્યાંજ્યાં જમીનમહેસૂલની કાયમની જમાબંધી થઈ નથી ત્યાંત્યાં જમીનમહેસૂલ ઉત્તરોત્તર વધતું જ ગયું છે. ૧૮૬૨ માં લૉર્ડ કૅનિંગે આખા દેશને માટે કાયમની જમાબંધી કરવાની ભલામણ કરી હતી, પણ એ ભલામણ કાગળ ઉપર જ રહેલી અને પાછળથી તે કાગળ ઉપરથી પણ રદ કરવામાં આવી. ભાગ્યે જ બીજો એવો ઇલાકો હશે કે જ્યાં જમીનમહેસૂલના દર મુંબઈ ઇલાકા જેટલા આકરા હોય, અને મુંબઈ ઇલાકામાં પણ એવા ભાગ બીજા નથી કે જ્યાં સરકારધારો ગુજરાત જેટલો વધારે હોય. રાવ બહાદુર જોષીએ જમીનમહેસૂલના પ્રશ્ન ઉપર પચીશેક વર્ષ ઉપર એક લેખમાળા બહાર પાડી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ ઇલાકામાં બીજા કોઈ પણ ઇલાકાના કરતાં માથાદીઠ જમીનમહેસૂલનો દર વધારે છે (એટલે કે માથાદીઠ બે રૂપિયા), એકરદીઠ દર ગુજરાતના જિલ્લાઓમાં વધારેમાં વધારે છે (એટલે કે એકરે રૂપિયા ચાર), અને ગુજરાતમાં પણ સુરત જિલ્લામાં વધારેમાં વધારે છે (એટલે કે એકરે પાંચ રૂપિયા નવ આના). બારડોલીનો જ દાખલો લઈએ તો જમીનમહેસૂલ ૧૮૬૪ થી વધતું જ ગયું છે : ૧૮૬૬-૬૭ પહેલાં રૂ. ૩,૧૮,૧૬૨ હતું તે ૧૮૬૬-૬૭ માં રૂ. ૪,૦૦,૯૦૯ થયું, ૧૮૯૭-૯૮માં રૂ. ૪,૫૮,૩૧૭ અને ૧૯૨૩-૨૪ માં રૂ. ૫,૧૪,૭૬ર થયું. તેમાં શ્રી. જયકરે ૩૦ ટકા વધારો સુચવ્યો, મિ. ઍંડર્સને ર૯ ટકા સુચવ્યો, સરકારે ૨૨ ટકા સૂચવ્યો, અને પછી ર૨ ના ૨૦ ટકા કીધા.

સરકારનો કાયદો જમીનમહેસૂલ ખેતીના નફા પ્રમાણે આકારવાનું કહે છે. પણ ખેતીનો નફો નક્કી કરવાનું કોઈને સૂઝ્યું નથી, અથવા તો ખેતીમાંથી નફો થાય છે કે કેમ એ તપાસવાની કોઈને જરૂર જ જણાઈ નથી. જમીનમાંથી ઉત્પન્ન દહાડેદિવસે વધતું જાય છે એમ તો કોઈ અમલદાર કહેતો નથી જ, પણ કોઈ માલની કિંમત વધી છે એ કારણ આપે છે, તો કોઈ તાલુકાની આબાદી લોકોનાં ઘરબાર અને બીજી બાહ્ય સ્થિતિમાં મહેસૂલ વધારવાનું કારણ જુએ છે, કોઈ ગણોત અને વેચાણના આંકડા ઉપર પોતાનું મંડાણ માંડે છે તો કોઈ સુધરેલા રસ્તા અને વધેલી બજારની સગવડ ઉપર પોતાનો આધાર રાખે છે, કોઈ લોકોએ દારૂ પીવાનો છોડ્યો એ હકીકતને સબળ કારણ માને છે તો કોઈ લોકો દારૂ પીવાનો શોખ વધારતા જાય છે એ વાતને સબળ કારણ માને છે ! જમીનમહેસૂલ વધારવું જ છે તેને બહાનાંની શી ખોટ ? તેં નથી બગાડ્યું તો તારા બાપે, નહિ તો તારા બાપના બાપે !

ઉપર જોઈ ગયા કે આ ઉચાપતનીતિની સામે દાદફરિયાદ શી રીતે હોય ? ૧૮૭૩ માં સરકારી અમલદારે કરેલી મહેસૂલઆકારણીની સામે હાઈકોર્ટમાં એક દાવો મંડાયો હતો, અને હાઈકોર્ટે ફરિયાદીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આથી સરકારી અમલદારોમાં ખળભળાટ પેદા થયેલો, અને પરિણામે ‘રેવન્યુ જ્યુરિસડિક્શન ઍક્ટ’ પસાર કરવામાં આવ્યો જેથી દીવાની અદાલતોનો જમીનમહેસૂલની બાબતમાં વચ્ચે પડવાનો અધિકાર લઈ લેવામાં આવ્યો, અને સેટલમેંટ અમલદારને ગમે તે મહેસૂલ ઠરાવવાનો પટ્ટો મળ્યો. હિંદુસ્તાન સરકાર કે મુંબઈ સરકાર પણ કશી દાદ દે એવું રહ્યું નથી. શ્રી. ચિંકોડી પોતાના એક અભ્યાસપૂર્ણ લેખમાં કહે છે તેમ, “આ સુધારા તો શાપરૂપ નીવડ્યા છે. દીવાની અદાલતનું કશું ચાલે નહિ; હિંદુસ્તાન સરકારના હક એાછા કરવામાં આવ્યા છે, પોતાનો અંકુશ તે આજના સંજોગોમાં વાપરવા ઇચ્છતી નથી. જમીનમહેસૂલનો પ્રશ્ન પ્રાંતીય છે અને સરકારે ‘રિઝર્વ્ડ’ (અનામત) રાખેલો છે. એટલે એ પ્રશ્નમાં સ્થાનિક સરકાર જ કુલ મુખત્યાર છે.”

સને ૧૯૧૯ ના હિંદુસ્તાનના રાજ્યતંત્રના કાયદા ઉપર વિચાર કરવાને માટે પાર્લામેન્ટે એક જોઈંટ કમિટી નીમી હતી. તેની આગળ જમીનમહેસૂલઆકારણી ઉપર ધારાસભાનો અંકુશ રાખવા માટેનો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો, અને તે કમિટીએ જમીનમહેસૂલ વધારવાના સંબંધમાં સરકારે કેવું ધોરણ સ્વીકારવું જોઈએ તે વિષે નીચેનાં વચનો પ્રગટ કર્યાં હતાં :

“જ્યારે કંઈ નવો કર નાંખવામાં આવે, ત્યારે તે ધારાસભાની આગળ લાવવાનો શિરસ્તો થવો જોઈએ. ખાસ કરીને જમીનમહેસૂલ એ કેવળ ગણોત છે, કે માત્ર કર છે, એ વિશે કંઈ પણ અભિપ્રાય આપ્યા વિના અમારી સલાહ છે કે જમીનમહેસૂલના આકાર વધારવાની રીત જેમ બને તેમ જલદી ધારાસભાઓની હકુમતમાં આવવી જોઈએ. … આ કમિટીને લાગે છે કે જમીનમહેસૂલ નક્કી કરવાનાં મુખ્ય ધોરણો, જમીનની કિંમત કાઢવાની રીત, સરકારધારો અને ગણોતનું પ્રમાણ, જમાબંધીની મુદ્દત અને વધારવાનું ધોરણ — એવી એવી ખેડૂતોના કલ્યાણની સાથે સંબંધ ધરાવનારી બાબતો વિશે કાયદો કરવાનો સમય આવી પહોંચ્યો છે.”

આ વચનો તે ૧૯ર૪ સુધી વચનો રહ્યાં. મુંબઈ ધારાસભાના એક સભ્યને થયું કે આ વચનોનો અમલ કરાવી શકાય તો કરાવવો, તેટલા માટે એમણે એવો ઠરાવ રજૂ કર્યો, કે ‘એ વચનોનો અમલ થાય એટલા માટે અને એ વચનો મુજબ કાયદો ઘડવાનું સૂચવવાને માટે ધારાસભાએ પોતાના સરકારી અને લોકનિયુક્ત સભ્યોની કમિટી નીમવી, જેમાં લોકનિયુક્ત સભ્યોની બહુમતી હોય, અને એ કમિટીએ ભલામણ કરેલો કાયદો પસાર થાય નહિ ત્યાં સુધી કોઈ પણ રિવિઝનનું કામ શરૂ ન કરવામાં આવે, અને નવી આકારણી દાખલ ન કરવામાં આવે.’ સરકારને આ ઠરાવ શેનો ગળે ઊતરે ? સરકારી સભ્યોએ એનો વિરોધ કર્યો, પણ બહુમતીથી એ પસાર થયો. કાયદો કરવાને માટે કમિટી નીમવાની વાત તો પાર્લામેંટની હતી એટલે ઠરાવના તેટલા ભાગનો અમલ કરી એક કમિટી નીમી, પણ ઠરાવનો કાળા અક્ષરે છાપેલો ભાગ જે ઘણા મહત્ત્વનો હતો તે વિષે અખાડા કર્યા. આ વાતનેયે બીજાં ત્રણ વર્ષ થયાં, જોઇંટ કમિટીની ભલામણનો મૂળ અર્થ કોરે રહ્યો, કમિટી નિમાઈ, પણ એક પછી એક તાલુકાની આકારણી તો ચાલુ જ રહી, અને ધારાસભાનો ઠરાવ ન જ થયો હોય એવી રીતે સરકાર વર્તી. ત્યારપછી ૧૯ર૭ માં સરકારને જાગૃત કરવાનો બીજો એક ઠરાવ ધારાસભા આગળ આવ્યો. એ ઠરાવમાં ધારાસભાએ ગવર્નર અને તેની કાઉંસિલને ભલામણ કરી, કે ‘મહેસૂલકમિટી નિમાઈ છે તેની ભલામણ ધ્યાનમાં લઈને કાયદો ઘડવામાં આવે, અને ૧૯૨૪ માં થયેલાં ઠરાવ છતાં અનેક રિવિઝન સેટલમેંટ થયાં છે માટે એ કાયદાનો અમલ ૧૯૨૪ ના માર્ચ મહિના પછી થયેલા સેટલમેંટને વિષે પણ થાય, અને એ કાયદો થાય ત્યાં સુધી એવાં રિવિઝન સેટલમેંટ મુજબ વધારેલો ધારો ન લેવાની સરકારી અમલદારોને સરકાર ભલામણ કરે. ’

આ ઠરાવ પણ ધારાસભામાં ૫૨ વિરુદ્ધ ૨૯ મતે પસાર થયો. એ વાતને એક વર્ષ થયું. પેલો કાયદો તો થાય ત્યારે ખરો, પણ ધારાસભાના ઉપર કહેલા બબે ઠરાવો છતાં સરકાર ઠંડે પેટે અનેક તાલુકાઓનું મહેસૂલ વધાર્યે ગઈ. પેલી મહેસૂલઆકારણીના નિયમો સૂચવનારી કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો, એ રિપોર્ટની જે ગતિ થઈ તેનો ઇતિહાસ હિંદુસ્તાનના જમીનમહેસૂલના કાળા ઇતિહાસમાં એક વધુ પ્રકરણ ઉમેરે છે. એ કમિટીમાં ૨૨ સભ્યો હતા. તેમાં ત્રણ વિભાગના કમિશનરો અને બીજા મહેસૂલખાતાના કેટલાક અમલદારોનું એક સપ્તક હતું. એ સપ્તકે કમિટીના બીજા સભ્યોથી જુદા પડી પોતાનો ભિન્નમત રજૂ કર્યો. સરકારે પોતાના ઠરાવમાં આ સપ્તકનો ભિન્નમત સ્વીકારીને જણાવ્યું કે મહેસૂલ ગણોતનો જ આધાર રાખીને ઠરાવવું જોઈએ ! કમિટીએ વધુમતે ઠરાવ્યું હતું કે ખેડૂતને જે ચોખ્ખો નફો થાય તેના ૨૫ ટકા જેટલો સરકારધારો હોવો જોઈએ, પણ સરકારે પેલા સપ્તકના મત સ્વીકારીને ઠરાવ્યું કે પ૦ ટકા જેટલો સરકારધારો લેવાની ‘ચાલુ’ પદ્ધતિને વળગી રહેવું જોઈએ ! કમિટીએ ભલામણ કરી હતી કે કોઈ પણ રિવિઝન કરવામાં આવે એટલે તેની તપાસ કરવાને માટે એક કાયમની ‘એડવાઈઝરી કમિટી’ (સલાહકાર સમિતિ) નિમાવી જોઈએ, તે ભલામણ પણ સરકાર ઘોળીને પી ગઈ ! કમિટીએ એક વ્યવહારુ અને નિર્દોષ રચના કરી હતી કે સેટલમેંટ અમલદારે તાલુકા લોકલ બોર્ડે નિમેલા ખેડૂતોના બે સભ્યોને પોતાની તપાસ દરમ્યાન મદદ માટે સાથે રાખવા. એ સૂચના પણ પેલા સપ્તકના અભિપ્રાય સાથે સંમત થઈને સરકારે ઉડાવી દીધી !

આમ જોઇંટ પાર્લામેંટરી કમિટીની ભલામણનો અમલ કરવાને માટે નિમાયેલી કમિટીની ભલામણો સરકાર ગળી ગઈ અને ચાલુ અનિષ્ટ પ્રથાને કાયમ રાખવાને માટે જ પેરવી કરી. આ કમિટીની ભલામણ પ્રમાણે કાયદો થાય ત્યાં સુધી તો ધીરજ રાખો, ત્યાં સુધી રિવિઝન કરવાં માકૂફ રાખો, સરકાર કાયદો કરતાં ઢીલ કરે તેથી ગરીબ ખેડૂતોને નાહકનો માર ન મારો એમ સૂચવવામાં આવ્યું, ત્યારે સરકારના મહેસૂલમંત્રીએ કહ્યું : ‘શું કરીએ ? અમારી તિજોરી ખૂટી ગઈ છે. ૨૫ તાલુકામાં ૧૦ાા લાખનો વધારો થયા છે તે મૂકી દેવામાં આવે તો સરકારની શી દશા થાય ?’ આમ એક તરફથી નવા થનારા કાયદાને નકામો કરવાની પેરવી થઈ રહી, બીજી તરફથી એક પછી એક તમામ તાલુકાઓનું કાટલું કઢાતું ગયું !

આજના જમાનાના મહેસૂલમંત્રીના આ ઉદ્‌ગારો સાથે અગાઉના સરકારી અમલદારોના ઉદ્‌ગારો સરખાવીએ. ફ્રેઝર ટાઇલરે ૧૮૪૧માં કહ્યું હતું : ‘મહેસૂલઆકરણી એ ખેડૂતના કલ્યાણનો વિષય હોવાથી એ આકારણી કરતાં આપણે એ વિચારવું જોઈએ કે સરકારે ખેડૂતની પાસે કેટલું રહેવા દેવું જોઈએ, નહિ કે ખેડૂત સરકારને કેટલું આપી શકે છે.’ ૧૮૬૪ માં મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રીઅરે કહ્યું હતું : ‘સરકારે સાફ ઠરાવ્યું છે કે સરકારની તિજોરીની શી સ્થિતિ છે. તેનો વિચાર તો ગૌણ છે, ખરો વિચાર તો લોકોના કલ્યાણનો છે, મહેસૂલ વધાર્યા ઘટાડ્યાથી ખેડૂતની શી સ્થિતિ થશે તેનો છે.’

ખેડૂતના લોહીનું છેલ્લું ટીપું ચૂસવાની આ નીતિ જ એવી છે કે જેની સામે કર ન ભરવાના સત્યાગ્રહની એક મોટી લડત લડાવી જોઈએ. પણ શ્રી. વલ્લભભાઈ પટેલ પાસે સને ૧૯૨૮ માં એ મોટી લડતનો વિચાર નહોતો, એમને તો એક નાનકડા પ્રશ્ન ઉપર લડત લડી લેવી હતી. પણ એનો વિચાર આવતા પ્રકરણમાં કરશું.