લખાણ પર જાઓ

બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/બારડોલીમાં શું બન્યું ?—સરકારપક્ષ

વિકિસ્રોતમાંથી
← ભક્ષણનીતિ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
બારડોલી
મહાદેવભાઈ દેસાઈ
બારડોલીમાં શું બન્યું ?—લોકપક્ષ →




બારડોલીમાં શું બન્યું ?

સરકારપક્ષ

“તમે ઊંઘ આરામમાં પડી ગયા હતા અને આંખો મીંચીને માથે પડે તે ભર્યે જતા હતા. ઍંડર્સન સાહેબે તમારી આંખ ઉઘાડી તે બહુ સારું કર્યું.”

યા પ્રકરણમાં જણાવેલી અંધાધૂંધીનો ભોગ અનેક તાલુકાઓ થઈ પડ્યા તેમાંનો એક બારડોલી પણ હતો. બારડોલીની છેલ્લી જમાબંધી સને ૧૮૯૬ માં થઈ હતી, અને મુંબઈ ઇલાકામાં ચાલતી પ્રથા પ્રમાણે ત્રીસ વરસ પછી એટલે સને ૧૯૨૬ માં એમાં સુધારા (‘રિવિઝન’) કરવાનો સમય આવી પહોંચ્યો હતો. આ સુધારાનું કામ પ્રોવિન્શ્યલ સિવિલ સર્વિસના શ્રી. જયકરને સોંપવામાં આવ્યું, જે એ વેળા સૂરતના એક ડેપ્યુટી કલેક્ટર હતા. એમને આવાં કામનો કશો જ પૂર્વ અનુભવ નહોતો. એમણે ૧૯૨૫ ની શરૂઆતમાં પોતાનું કામ શરૂ કર્યું, અને પાંચ મહિનામાં બારડોલી અને ચોર્યાસી બે તાલુકાનાં ‘રિવિઝન’ તૈયાર કરીને સરકારને મોકલ્યાં. બારડોલીના રિપોર્ટ ઉપર તા. ૩૦ મી જૂન, ૧૯૨૫ ની તારીખ છે, પણ તે રિપોર્ટ તા. ૧૧ મી નવેમ્બર, ૧૯૨૫ સુધી સરકારને મોકલી શકાયો નહિ. કારણ શ્રી. જયકરે રિપોર્ટની સાથે મોકલેલા કાગળમાં જણાવ્યું છે તે પ્રમાણે “રિપોર્ટનો ખરડો સેટલમેન્ટ કમિશનર સાહેબને મોકલવામાં આવ્યો હતો, અને ગણોત, વેચાણ વગેરે વિષેના કેટલાક ફકરાઓમાં તેમણે સૂચવેલા સુધારા કરીને તે પાછો તેમના ઉપર પાસ થવા માટે મોકલવામાં આવ્યો હતો. હવે એ પાસ થઈને આવ્યો છે અને તે શિરસ્તા મુજબ સરકારને મોકલવામાં આવે છે.” આ તેમણે સુરતના કલેક્ટર તરીકે લખેલું. સેટલમેન્ટ ઑફિસરનો રિપોર્ટ સામાન્ય રીતે કલેક્ટર મારફતે સરકારને મોકલવામાં આવે છે. કલેક્ટર તેના ઉપર શેરો કરે છે, અને સેટલમેન્ટ કમિશનરને રવાના કરે છે. શ્રી. જ્યકરનો રિપોર્ટ કલેક્ટરનો શેરો મેળવવા ભાગ્યશાળી નહિ થયો, કારણ તે વેળા શ્રી. જયકર પોતે જ કામચલાઉ કલેક્ટર થયા હતા. પણ સરકારી ઠરાવની ભાષામાં, “અગાઉ સૂરતના કલેક્ટર તરીકે કામ કરેલું એવા સેટલમેન્ટ કમિશનરે એને ઝીણવટથી તપાસ્યો અને લગભગ આખો રિપોર્ટ ફરી લખી કાઢ્યો છે.” એટલે આપણે જે રિપોર્ટ શ્રી. જયકરના રિપોર્ટ તરીકે જોઈએ છીએ તે તેમનો મૂળ રિપોર્ટ નથી પણ સેટલમેન્ટ કમિશનર મિ. ઍંડર્સને ‘લગભગ આખો ફરી લખી કાઢેલો’ રિપોર્ટ છે. મૂળ નમૂનો કેવો હશે એ ભગવાન જાણે. પણ, સંભવ છે કે ગણોત વેચાણવાળા ફકરાઓ શ્રી. જયકરના હોવાને બદલે આખા મિ. ઍંડર્સનના લખેલા હોય.

પણ આપણે શ્રી. જયકરના રિપોર્ટમાં બારડોલી વિષે શી ભલામણ કરવામાં આવી તે ઉપર આવીએ. શ્રી. જયકરે આખા તાલુકામાં ચાલતા મહેસૂલના દરમાં પચીસ ટકા વધારો સૂચવ્યો, પણ ૨૩ ગામોને નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગમાં ચડાવવામાં આવ્યાં એટલે પરિણામે એ ગામોના ઉપર ઉપલા વર્ગના વધારે મહેસૂલનો અને મહેસૂલના વધારેલા દરનો એમ બેવડો માર પડ્યો, અને આખા તાલુકાનું મહેસૂલ ૩૦ ટકા વધી ગયું. મૂળ મહેસૂલ રૂા. ૫,૧૪,૭૬૨ હતું તેને બદલે તે રૂા. ૬,૭૨,૨૭૩ કરવાની ભલામણ થઈ. આ ભલામણનાં કારણો તેમણે નીચે પ્રમાણે જણાવ્યાં હતાં :

૧. ગયા રિવિઝન પછી ટાપ્ટી વેલી રેલ્વે નવી ખોલવામાં આવી અને તાલુકામાં અનેક પાકા નવા રસ્તાઓ થયા છે.

 ૨. વસ્તીમાં ૩,૮૦૦ નો વધારો થયો છે.

૩. ખેતીવાડીનાં સાધનો, ગાડાં અને દૂઝણાં ઢોરોમાં વધારો થયો છે.

૪. પહેલા ‘રિવિઝન’ પછી અનેક પાકાં મકાનો વધ્યાં છે, જે ઉપરથી લોકોની સમૃદ્ધિનું માપ મળે છે.

પ. કાળીપરજ લોકોમાં કેળવણી અને દારૂનિષેધથી તેમની સ્થિતિમાં સુધારો થયો છે.

૬ . અનાજ અને કપાસના ભાવમાં અસાધારણ ઉછાળો થયો છે.

૭. ખેતીની મજૂરી બમણી વધી ગઈ છે.

૮. જમીનની કિંમતમાં વધારો જ થતો જાય છે, અને ગણોતના પ્રમાણમાં જમીનના આકારમાં ઘટાડો થતો જાય છે.

પણ ૩૦ ટકાનો વધારો સૂચવવામાં જે કારણ શ્રી. જયકરને વધારે માં વધારે મહત્ત્વનું લાગ્યું તે તો એ હતું કે ૩૦ વરસ ઉપર જમીનમાંથી ઉત્પન્ન થતા પાકની કિંમતમાં ઊંંચા ભાવને લીધે સને ૧૯૨૪ માં રૂ. ૧૫,૦૮,૦૭૭ નો વધારો થયો છે.

આ રિપોર્ટ ૧૯ર૬ ની શરૂઆતમાં પ્રસિદ્ધ થયો. ‘પ્રસિદ્ધ થયો’ કહેવામાં મારી ભૂલ થાય છે. આ રિપોર્ટો પ્રસિદ્ધ થતા જ નથી. એક અગાઉના ઍસિસ્ટન્ટ કલેક્ટર શ્રી. શિવદાસાનીએ ૧૯૨૮ ના માર્ચ મહિનામાં ધારાસભામાં કરેલા પોતાના ભાષણમાં જણાવ્યું હતું તેમ : “સેટલમેન્ટ ઑફિસિરના રિપોર્ટની નકલો લોકોમાં જોઈએ એટલી પ્રસિદ્ધ જ થતી નથી. તાલુકા કચેરીમાં એક નકલ રાખવામાં આવે છે, અને ખેડૂતો તે વાંચી લેશે અને તેના ઉપર પોતાના વાંધાઓ મોકલી આપશે એમ માની લેવામાં આવે છે. . . . આ રિપોર્ટ ઘણીવાર તો અંગ્રેજીમાં જ હોય છે. . . . અરે, એકવાર તો મને એવી ખબર મળી હતી કે કેટલાક તાલુકાઓમાં મામલતદારે લોકોને નકલ પણ લેવા દીધી નહોતી.” બારડોલી રિપોર્ટ પણ આ જ અર્થમાં પ્રસિદ્ધ થયો હતો, એટલે કે તાલુકા કચેરીમાં જઈને જેને એ જોવો હોય તે જોઈ આવે. બારડોલી તાલુકાની સમિતિએ આ રિપોર્ટની તપાસ કરી તેના રદિયા તૈયાર કરવાને માટે એક કમિટી નીમી. તેના પ્રમુખ ભાઈ નરહરિ પરીખ હતા. કમિટીએ રિપોર્ટની નકલની ગમે એટલી કિંમત આપવાનું કહ્યું, પણ ભાઈ નરહરિને તાલુકા કચેરીમાં જઈને રિપોર્ટ વાંચવો હોય તો વાંચી જાય અને તેમાંથી ઉતારા કરવા હોય તો કરવા એમ કહેવામાં આવ્યું. આ પ્રમાણે ઉતારા લઈ રિપોર્ટનો અભ્યાસ કરી, કમિટી તાલુકામાં ફરી વળી અને સેટલમેન્ટ ઑફિસરે જણાવેલી હકીકતોને ખોટી પાડનારો પુરાવો ભેગો કર્યો, અને ભાઈ નરહરિ પરીખે ‘નવજીવન’માં એક લેખમાળા લખીને રિપોર્ટની વિસ્તીર્ણ સમાલોચના કરી. ગુજરાત મહાવિદ્યાલયના અધ્યાપક શ્રી. મલકાનીએ ‘યંગ ઇડિયા’માં એવા જ કેટલાક લેખો લખ્યા.

આટલું કરીને બેસી ન રહેતાં બારડોલીના ખેડૂતોએ ૧૯ર૭ ના જાન્યુઆરી મહિનામાં એક પરિષદ ભરી અને રા. બ. ભીમભાઈ નાયક અને શ્રી. શિવદાસાનીની આગેવાની નીચે સરકારને એક ડેપ્યુટેશન મોકલવાનો ઠરાવ કર્યો. ૧૯૨૭ ના માર્ચ મહિનામાં આ સભ્યો કેટલાક ખેડૂતોને લઈને રેવન્યુ મેમ્બર મિ. રૂને મળ્યા. મિ. રૂએ તેમને ગયા હતા તેવા જ વિદાય કર્યા. એ જ વરસના મે માસમાં રા. બ. ભીમભાઈ નાયકે સેટલમેન્ટ ઑફિસરના રિપોર્ટનો વીગતવાર જવાબ આપનારી એક લાંબી અરજ સરકારને મેકલી. તે પણ દફતરે નંખાઈ. ૧૯૨૭ ના જુલાઈ મહિનામાં સરકારે એક ઠરાવ બહાર પાડ્યો. તેમાં તેમણે સેટલમેન્ટ કમિશનરની સૂચના પ્રમાણે ગામડાંનું નવું વર્ગીકરણ બહાલ રાખ્યું અને સેટલમેન્ટ અમલદારની માલના વધેલા ભાવની દલીલ સ્વીકારી અને સેટલમેન્ટ કમિશનરના સૂચવેલા ૨૯ ટકાના વધારાને બદલે અને સેટલમેન્ટ ઑફિસરે સૂચવેલા ૩૦ ટકા વધારાને બદલે ૨૨ ટકા વધારો સૂચવ્યો. ૨૨ ટકા વધારો સૂચવવાનું કારણ સરકારે એ જણાવ્યું કે રૂના ભાવમાં ભવિષ્યમાં થનારો ઘટાડો ધ્યાનમાં લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી જેમણે જેમણે આ વધારા સામે વાંધા ઉઠાવ્યા હતા તેમની પાસે શ્રી. જયકરનો રિપોર્ટ જ હતો, મિ. એંડર્સનના  રિપોર્ટની નકલો તો છેક ૧૯૨૮ ના માર્ચ મહિના સુધી પ્રસિદ્ધ થઈ જ નહોતી. આ રિપોર્ટ જ્યારે સરકાર પાસે કઢાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે શા કારણે સરકારે એ જાણીબૂજીને દાબી રાખ્યો હશે. આપણે જોઈ ગયા છીએ કે શ્રી. જયકરે પોતાનો રિપોર્ટ મિ. ઍંડર્સનને જોવાને માટે મોકલ્યો હતો અને તેને તેમણે લગભગ આખો ફરી લખી કાઢ્યો હતો. છતાં પણ એ રિપોર્ટના ઉપર મિ. ઍંડર્સને ધરાઈને ટીકા કરી, અને તે રિપોર્ટના મુખ્ય ભાગના ટુકડેટુકડા કરી નાંખ્યા. આ રહ્યા મિ. ઍંડર્સનના સપાટા :

“શ્રી. જયકરે મહેસૂલવધારાને માટે જે સૂચના કરી છે તે ઉપર આવીએ. હું દિલગીર છું કે એમણે જમીનના પાકની કિંમત કેટલી વધતી જાય છે એના ઉપર જ બધો આધાર રાખ્યો છે. તાલુકાની સામાન્ય સ્થિતિનો સાર આપતાં પ૭મા ફકરામાં પણ જમીનની કિંમત અને ગણેાતમાં થયેલા વધારાનો માત્ર એક જ દાખલો આપે છે, અને કહે છે કે ભાવો એટલા બધા વધી ગયા છે કે ગણોતના પ્રમાણમાં આકારણી બહુ ઓછી થઈ છે. આને માટે કશો પાયો નથી, અને પાયા વિના ઈમારત શી રીતે ચણાય ? આવા સેટલમેંટ રિપોર્ટ ઘડાતા હશે ? આ પછી બે ફકરા ખાસા એ સિદ્ધ કરવાને માટે એમણે ભર્યા છે કે સરકાર જો પૈસાને બદલે પાક લઈને જ મહેસૂલ ઉઘરાવતી હોત તો મહેસૂલની રકમ કેટલી બધી વધી જાત ― જાણે આમાં કાંઈ નવું કહેવાનું હોય ના ! તે જણાવે છે કે તાલુકાની કુલ ઉત્પન્નમાં લગભગ ૧૫ લાખ જેટલો વધારો થયો છે, અને એ જણાવ્યા પછી તેમની બુદ્ધિમાં ઉદય થતો જણાય છે કે એમ કહેવાનો કશો અર્થ નથી, કારણ એવી રીતે ખેતીનું ખર્ચ પણ ૧૫ લાખ વધ્યું હોય તો વધારે મહેસૂલ લેવાનો કોઈ આધાર રહેતો નથી, વારુ, પણ ખેતીનું ખર્ચ ૧૫ નહિ પણ ૧૭ લાખ વધ્યું હોત તો તો મહેસૂલ ઓછું કરવું જોઈએ, વધારવાની તો વાત જ બાજુએ રહી ! હવે શ્રી. જયકર કેવી રીતે બતાવી શકશે કે ખેતીના ઉત્પન્નમાં જે વધારો થયો છે તેના કરતાં ખેતીના ખર્ચમાં ઘટાડો થયો છે કે વધારો થયો છે. આને વિષે તો માત્ર તેઓ એક લીટી લખે છે : ‘આ વાત પણ ધ્યાનમાં લેવી જોઇએ ખરી.’ આમ તેઓ કિલ્લાનો મુખ્ય દરવાજો જ ખુલ્લો રાખે છે. એટલે કોઈને હુમલો કરવો હોય તો ઘડીકમાં તેના કાચા કિલ્લા ઉપર તૂટી પડી તેને તોડી પાડી શકે એમ છે, કારણ ખેતીખર્ચ ખેતીના ઉત્પન્ન કરતાં વધ્યું છે એમ કોઈ બતાવી દે એટલે શ્રી. જયકર પાસે કશો

જવાબ જ રહેતો નથી. આ સમજાયા પછી જ કદાચ સમજાશે કે મહેસૂલઆકારણી ખેતીના કુલ ઉત્પન્ન અને ભાવ ઉપર ન બાંધી શકાય પણ ગણોત ઉપર જ બાંધી શકાય… શ્રી. જયકરના રિપોર્ટના ૫૭ થી ૬૫ મા ફકરા તો તદ્દન નકામા છે એમ કહીએ તો ચાલે; અરે, એટલું જ નહિ એમણે જે વધારો સૂચવ્યો છે તેના બચાવ માટે નહિ પણ તેની વિરુદ્ધ દલીલ એમાંથી મળે છે, એટલે એ ફકરા તો ખરેખરા જોખમકારક છે. … આમ ખેતીનું ખર્ચ બાદ કર્યા વિના ખેતીનું ઉત્પન્ન ગણીને તેની ઉપર આકારણી બાંધીએ તો માર્યા જ પડીએ. એમ કરવામાં કેવી સ્થિતિ થાય છે તે ૬૫મા ફકરામાં જોવાનું મળે છે. ૬૬ મા ફકરામાં શ્રી. જયકરે વધારાની પેાતાની જે સૂચના કરી છે તે કરતાં તેમની એ જ દશા થઈ છે. તેમણે બતાવ્યું છે કે ખર્ચ બાદ કર્યા વિનાનું ઉત્પન્ન એટલું બધું વધ્યું છે કે ૩૩ ટકા તો જરૂર વધારી શકાય. સાથે સાથે તેમને એમ પણ ખબર છે કે એના એ જ ભાવો કદાચ કાયમ ન રહે, અને તેમ થાય તો વધારેપડતો વધારો સૂચવ્યો એવો આરોપ આવે. એટલે તેમણે ડરતાં ડરતાં અને કશું કારણ બતાવ્યા વિના ૨૫ ટકા વધારો ‘યોગ્ય અને ન્યાયયુક્ત’ છે એમ જણાવ્યું છે. જો સરકારની વધારાની હદ ૭૫ ટકા હોત તો તેમણે કદાચ કહ્યું હોત કે ૬૫ ટકા વધારો ‘યોગ્ય અને ન્યાયયુક્ત’ છે. ”

આમ શ્રી. જયકરનો રિપોર્ટને આખો પાયો જ નાબૂદ કરનારો રિપોર્ટ સરકાર શી રીતે પ્રસિદ્ધ કરવાની હિંમત કરી શકે ?

શ્રી. જયકરના રિપોર્ટને ઉડાડી દઈને ઍંડર્સને નવો જ પાયો શોધ્યો, એ પાયો તે ‘આપણું એક જ સાચું એંધાણ — ગણોત.’ આ પાયો શ્રી. જયકરના કરતાં કંઈ વધારે મજબૂત નહોતો, એટલો જ તે કાચો હતો. મિ. ઍંડર્સન કહે છે કે શ્રી. જયકરના રિપોર્ટની ખરી કિંમત એની પુરવણીમાં રહેલી છે. છતાં એ જ પુરવણીમાંની એક અગત્યની પુરવણી જી વિષે તેમની ટીકા જુઓ :

“પુરવણી જી (વેચાણના આંકડાવાળી ) જેટલી કાળજીથી તૈયાર થવી જોઈએ તેટલી કાળજીથી તૈયાર નથી થઈ એથી મને ખેદ થાય છે. એમાં એટલા બધા વેચાણદસ્તાવેજો લીધા છે કે ઘડીભર વિચાર કરનારને જણાશે કે ૧૯૦૧ની અને ૧૯૧૦ વચ્ચે જે વેચાણો થયાં તેની ૧૯૨૫ માં સેટલમેંટ અમલદાર સાચી તપાસણી ભાગ્યે જ કરી શક્યા હશે.” અને છતાં એ જ અમલદારે તૈયાર કરેલી (ગણોતના આંકડાવાળી) પુરવણી એચને આંખ મીચીને કમિશનરે સ્વીકારી, — કારણ પોતે વધારો શી રીતે સૂચવે ? પોતાને પણ કાંઈ પાયો મળવો જોઈએ ના !

આમ ખોટા આંકડાનો આશ્રય લેવા ઉપરાંત મિ. ઍંડર્સન એક બાબતમાં તો ભીંત જ ભૂલ્યા. પોતાની ૨૯ ટકા વધારાની ભલામણનું મંડાણ માંડતાં તેમણે પોતાના જેવા જવાબદાર અમલદારને ન છાજે એવી ગણતરીની ભૂલ કરી :

“શ્રી. જયકરે ૪૨,૯૨૩ એકરનાં ગણોતો લીધાં છે. કુલ જમીન ૧,૨૬,૯૮૨ એકર છે, એટલે આખા તાલુકા અને મહાલની ત્રીજા ભાગ જેટલી જમીન ગણોતે અપાય છે : એમાં વળી આધભાગે અને બીજી રીતે અપાતી જમીન ગણીએ તો આ ગણોતે અપાયેલી જમીન અર્ધા ભાગની થઈ ને ઊભી રહે.”

મિ. ઍંડર્સન ભૂલી ગયા કે શ્રી. જયકરે સાત વર્ષોનાં ગણોતો લીધાં હતાં, અને આ ગણોતો જેટલાં વર્ષોનાં હોય તેટલાં વર્ષોએ ગુણીને પત્રક કર્યાં છે. એટલે ૪૨,૯૨૩ એકર જમીનનાં ગણોતો તે તો ૬,૦૦૦ થી વધારે એકર જમીનનાં ગણોતો નથી. આમ પાંચદશ ટકા ગણોતની જમીનને બદલે મિ. ઍંડર્સને માની લીધું કે અર્ધોઅર્ધ જમીન ગણોતે અપાય છે !

આમ સરકારની આગળ બે ઢંગધડા વિનાના રિપોર્ટો જઈને પડ્યા. બેમાંથી કયો પસંદ કરે ? એક તરફ વાવ, બીજી તરફ કૂવો ! સરકારે કૂવો અને વાવ બંને પસંદ કર્યા; બંનેમાંથી કંઈક લીધું, ગણોતનું ધોરણ પણ સ્વીકાર્યું, ચડેલા ભાવનું ધોરણ પણ સ્વીકાર્યું. અને ૨૨ ટકાની ભલામણ કરી.