બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/બારડોલીમાં શું બન્યું ?—લોકપક્ષ

વિકિસ્રોતમાંથી
← બારડોલીમાં શું બન્યું ?—સરકારપક્ષ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
બારડોલીમાં શું બન્યું ?—લોકપક્ષ
મહાદેવભાઈ દેસાઈ
બારમી ફેબ્રુઆરી →




બારડોલીમાં શું બન્યું ?
લોકપક્ષ

“બાદશાહે પૂછ્યું, 'દિલ્હીમાં કાગડા કેટલા ?' એકે તડાકો માર્યો, ‘આઠ લાખ એંશી હજાર ત્રણસો બત્રીસ !’ કેવો ઉસ્તાદ ગણતરીબાજ ! સરકારનો એ ધંધો છે કે જૂઠાને સાચું મનાવવું હોચ તો ખૂબ જોરથી કહેવું, અને આંકડાઓનો મારો કરવો.”

રકારપક્ષ ગયા પ્રકરણમાં આપી ગયા. આમાં બે રિપોર્ટના પરસ્પર વિરેાધીપણાની વાત ઘડીકવાર બાજુએ રાખીને બંને રિપોર્ટની દલીલોની સામે લોકોનો શો જવાબ હતો, સરકારી અમલદારોએ વારંવાર કરેલાં કથનનો લોક શો જવાબ આપતા હતા એ આપણે સંક્ષેપમાં જોઈ લઈએ.

લોકોનો સૌથી મોટો જવાબ એ હતો કે શ્રી. જયકરે આખા તાલુકામાં લોકોને મળ્યા વિના, લોકની પાસેથી કશી હકીકત જાણ્યા વિના, લોકોને પોતાની વાતો સંભળાવવાની તક આપ્યા વિના, તાલુકાનાં ગામોમાં ઘોડા દોડાવીને ઉપલકિયા નજરે જે દેખાયું તે ઉપર પોતાના ‘રિવિઝન’ના દરો નક્કી કર્યા; કેટલીક વસ્તુ વિષે તો તેમણે કાળજીથી તપાસ કરી હોત તોયે તેમને ખબર પડત, પણ તેમણે ન કરી. શ્રી. જયકરે ૩૦ ટકા દર વધારવાના જે કારણો બતાવેલાં તેના જવાબ તો લોકો પાસે જોઈએ તેટલા હતા. તાલુકા સમિતિએ નિમેલી કમિટીના પ્રમુખ તરીકે ભાઈ નરહરિએ એના જવાબ લેખમાળામાં આપ્યા, રા. બ. ભીમભાઈ એ પોતાના કાગળો અને અરજમાં આપ્યા. શ્રી. જયકરનાં કારણો એક પછી એક લઈ લોકોએ તેના આપેલા જવાબનો સાર આપી જઈએ :

૧. ટાપ્ટી વેલી રેલ્વે ખોલવામાં આવી તેથી અમુક ગામડાંને ફાયદો થયો, અને તે કારણે શ્રી. જયકરે કેટલાંક ગામડાંના વર્ગો ચડાવ્યા. મિ. ઍંડર્સને પણ એ દલીલને ટેકો આપ્યો. પણ બંને ભૂલી ગયા કે મિ. ફરનાન્ડીઝે ૧૮૯૬ ની જમાબંધી કરતી વેળા આ રેલ્વે ધ્યાનમાં લીધી હતી. તેમણે એ રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું : ‘બી. બી. સી. આઈ. રેલ્વેના એજંટની પાસેથી મને ખબર મળી છે કે ટાપ્ટી લાઈન આવતે વર્ષે આ જ સમયે શરૂ થશે. ગમે તેમ હો, પાંચ વરસ પછી બારડોલી સૂરતની સાથે રેલ્વેથી સંકળાશે એમ માનવામાં કશી અડચણ નથી. અને રિવિઝન દાખલ થયા પછી ૩૦ વરસ સુધી ચાલશે, એટલે જમીનના આકારના દર નક્કી કરતી વખતે ભવિષ્યમાં થનારી રેલ્વેથી થનારા ફાયદા ધ્યાનમાં લેવામાં વાંધો નથી.’

રસ્તાઓના સુધારા વિષે તો કશું ન કહીએ તો સારું. બારડોલી તાલુકાનાં ગામડાંમાં ભટકનાર તાલુકાના પાકા રસ્તાઓની તારીફ કરે તો તે રસ્તા ઉપરથી તે ભટક્યો હોવા વિષે શંકા થાય. કર્નલ પ્રેસકોટના સમયમાં એ રસ્તા ‘માણસ અને પશુનાં કાળજાં તોડે એવા’ હતા, તો તે આજે કાંઈ બહુ સુધર્યા નથી, અને આજે જે ‘સેકંડ ક્લાસ રસ્તા’ કહેવાય છે તેમના કરતાં તો ચોમાસાના ચાર માસ સિવાયના આઠ માસમાં ગામઠી ગરઢ વધારે સારી. કર્નલ પ્રેસકોટે કેટલાંય વર્ષ ઉપર લખ્યું હતું : ‘બારડોલી તાલુકો જ્યારથી આપણા હાથમાં આવ્યો છે ત્યારથી એ બહુ ભારે મહેસૂલ ભરતો આવ્યો છે, અને તેનો વિચાર કરીને પણ આપણે ત્યાં સારા રસ્તા કરવા જોઈએ.’ આજે કહેવાતા સારા રસ્તા ઉપર મહેસૂલવધારો સૂચવાય છે.

૨. વસ્તીમાં ૩૦ વર્ષમાં ૩,૮૬૦ નો વધારો એ વધારો કહેવાતો હશે ? ગામડાંની વસ્તી તો તૂટી છે, કસબાની વસ્તી વધી છે.

૩. ભેંસો સિવાય બીજા કશાં સાધનોમાં વધારો થયો નથી. બળદોની સંખ્યામાં તો ઊલટો ઘટાડો થયો છે એમ શ્રી. જયકર પોતે કબૂલ કરે છે. વળી લોકો બીજે કમાઈ કરી લાવીને પણ બળદ, હળ, વગેરે ખરીદ કરે અને નવાં મકાન પણ બાંધે. વળી કુટુંબો વિભક્ત થાય એટલે પણ નવા હળની, નવી ગાલ્લીની અને નવી બળદજોડની જરૂર પડે. આ વાતનો સ્વીકાર સૂરતના કલેક્ટર મિ. લેલીએ પણ કર્યો હતો.

૪. લોકો સમૃદ્ધ ન હોય તો પાકાં મકાનો શી રીતે બાંધે છે એ સવાલ થાય છે. “આફ્રિકાથી ધન કમાઈ લાવે એટલે દેશમાં આવીને ઘર બાંધે. તેનું જોઈ બીજા પાસે નાણાં ન હોય છતાં પેલાના જેવો મોટો કહેવડાવવા તે પણ ઘર બાંધે. અને હવે તો એટલે સુધી સ્થિતિ આવી ગઈ છે કે મોટું ઘર હોય તો જ છોકરાને કન્યા મળે. અમારી તપાસ દરમ્યાન એક દાખલો એવો મળ્યો કે છોકરો મોટી ઉંમરનો થયો. તે કુંવારો રહી ગયેલો એટલે કન્યા મળે તેની ખાતર જમીન ગીરો મૂકીને ઘર બાંધ્યું. પણ ઉપાડેલાં નાણાંથી ઘર પૂરું ન થયું એટલે છેવટે દેવું ભરવા અને ઘર પૂરું કરવા માટે કમાવા સારુ એ છોકરો પરદેશ ગયો ! તાલુકામાં પાકાં મોટાં મકાન છે તેમાંના અર્ધા ઉપર તો આફ્રિકા જવાવાળાનાં છે, અને બીજા પાકા મકાનોવાળા મોટેભાગે દેવાદાર હોય છે” (ભાઈ નરહરિકૃત ‘બારડોલીના ખેડૂતો’).

૫. કાળીપરજ લોકોમાં મદ્યપાનનિષેધની ચળવળ ચાલી છે અને કેળવણીનો પ્રચાર થઈ રહ્યો છે એ એમની પ્રગતિ સૂચવે છે એવું કારણ આપીને એ લોકોને પણ ૨૫ ટકા વધારે લાગુ પાડવામાં હરકત નથી એમ શ્રી. જયકરે કહ્યું છે. આ મદ્યપાનનિષેધની ચળવળ જ્યારે પૂરી સફળ થઈ ત્યારે ખરી. કેળવણી તો હજી દૂર છે, અને કરજનો બોજો એ લોકો ઉપર રોજ વધતો જાય છે અને તેઓ પોતાની જમીન ખોતા જાય છે.

૬. “માલના ભાવ ૧૯૧૪ થી ૧૯૨૫ના ગાળામાં વધેલા તે લડાઈના કારણથી વધ્યા હતા એ સર્વવિદિત છે. આંકણી-અમલદારના રિપોર્ટની શાહી સુકાયા પહેલાં તો એ ભાવ ઘટી ગયા છે. એટલે આવા અપવાદરૂપ વર્ષોમાં વધેલા ભાવ ઉપરથી ત્રીસ વરસ સુધી મહેસૂલના દર વધારી મૂકવા એ ઉઘાડો અન્યાય છે. બીજું, માલના ભાવ તો ઊતરી પણ ગયા, પણ મજૂરીના ભાવ વધ્યા અને રહેણીકરણીનું ધોરણ ખરચાળ થયું. તેને ઊતરતાં વાર લાગવાની. માલના ભાવ વધ્યા તેની સાથે ખેતીનાં ખર્ચ વધી ગયાં છે એ ધ્યાનમાં નથી લેવાયું. જે બળદની જોડ પચીસ કે ત્રીસ વરસ ઉપર સો રૂપિયે મળતી તેના હાલ ચારસોથી પાંચસો રૂપિયા પડે છે, જે ગાડાં પચાસ કે પોણોસો રૂપિયે થતાં તેના આજે દોઢસો પડે છે. જે દૂબળો પચીસ કે ત્રીસ રૂપિયે રહેતો તે આજે બસો કે ત્રણસો રૂપિયે પણ નથી મળતો. આ બધું ઝટ ઘટવાનું નહિ, અને માલના ભાવ તો ઘટતા ચાલ્યા જ છે ” ( ભાઈ નરહરિકૃત ‘બારડોલીના ખેડૂતો’ ).

૭. ખેતીની મજૂરી બમણી નહિ પણ ચારગણી વધી છે. પણ એ તો મહેસૂલ ઓછું કરવાના પક્ષમાં દલીલ છે, એ કોઈ પણ સામાન્ય અક્કલનો માણસ સમજી શકે.

૮. “જમીનની કિંમતમાં વધારે થયો તે લડાઈ પછીનાં વરસોમાં થયો છે. તે વખતે કપાસના ભાવ એટલા વધી ગયા કે લોકોને કપાસની ખેતીમાં મોટો નફો દેખાવા માંડ્યો. તેમાં વળી પરદેશથી ધન કમાઈ લાવ્યા હોય તે લોકો જમીન સંપાડવા ઉત્સુક હોય. જેની પાસે કાંઈ જમીન હોય તેની કોમમાં આબરૂ ગણાય. એટલે આવા લોકો મોંમાગ્યાં દામ આપીને જમીન ખરીદવા પાછળ પડ્યા. તેમાં ભારે ભાવની અંજામણ તો હતી જ. એટલે જમીનના ભાવ કૃત્રિમ રીતે વધેલા છે એમ કહી શકાય. ભાવ ઊતરતાંની સાથે આજે જમીનની કિમ્મતમાં ૨૫ ટકા ઘટાડો થઈ ગયો છે; પણ ખેતીમાંથી નફો ન હોય તો જમીનની કિંમત વધારે કેમ રહી શકે એ કોયડો સરકારી અમલદારને ઝટઝટ ન ઊકલી શકે. માનવલાગણીનો જેમાં વિચાર નથી કરવામાં આવતો એવા પશ્ચિમના અર્થશાસ્ત્રથી રંગાયેલા સરકારી અમલદાર તો જરૂર એવી દલીલ કરે કે જે જમીનમાંથી સારી પેદાશ ન થતી હોય તો લોકો શું કામ જમીનમાં પૈસા નાંખે ? પોતાનાં નાણાં વ્યાજે કેમ ન ફેરવે ? હકીકત એવી છે કે જે ખેડૂતના શહેરની બૅંકમાં પચાસ હજાર રૂપિયા પડ્યા હોય તેના કરતાં જે ખેડૂત પાસે પચાસ વીઘાં જમીન હોય તેની આબરૂ કોમમાં વધારે ગણાય છે. એટલે શહેરમાં ગમે તેટલું વ્યાજ મળતું હોય તોપણ ખેડૂત પોતાનાં નાણાં જમીનમાં જ રોકવાનું પસંદ કરે છે. ‘વતન’ શબ્દની પાછળ એક એવી ભાવના રહેલી છે. જે ભાવના ખેડૂતને પોતાના વતનમાં જમીન સંપાડવા વાજબી કરતાં વધારે દામ આપવા પ્રેરે છે. પરંતુ આ વસ્તુ સરકારી અમલદારના સમજવામાં શી રીતે આવે ? ગામેગામના વેચાણની તપાસ કરતાં મોટા ભાગનાં વેચાણ પરદેશ જઈ આવેલાઓએ કરેલાં જોવામાં આવે છે. આંકણીઅમલદાર લોકોની સ્થિતિ તપાસીને નિવેદન કર્યાનો દાવો કરે છે, પરંતુ આ તાલુકામાંથી પરદેશ જઈ ધન રળી આવનારની સંખ્યા મોટી છે તેનો પોતાના નિવેદનમાં ઉલ્લેખ સરખો નથી !” (ભાઈ નરહરિકૃત ‘બારડોલીના ખેડૂતો.’)

વેચાણ અને ગણોતના આંકડા કેવી રીતે તૈયાર થયા છે તે જાણવાને માટે એકબે વાત નોંધવી જરૂરની છે. સેટલમેંટ ઑફિસરે ગામેગામ ફરીને આ વેચાણ અને ગણોતના આંકડા તપાસવા જોઈએ, એમાં સાચાં ગણોત અને વેચાણ કયાં છે તે તપાસવાં જોઈએ, વ્યાજના દસ્તાવેજો, ગીરોના અને વેચાણગીરોના દસ્તાવેજો કાઢી નાંખવા જોઈએ. પણ બારડોલીમાં આવું કશું બન્યું નહોતું. સેટલમેંટ રિપોર્ટની ઉપર ૩૦ મી જૂન ૧૯૨૫ ની તારીખ છે. રિપોર્ટ લખતાં પંદરેક દિવસ થયા હશે એમ માની લઈ એ તો ૧૩૭ ગામના આંકડા તેમણે ૧૦ દિવસમાં તપાસી લીધા હશે એમ મામલતદારે પટેલ તલાટીઓ ઉપર મોકલેલા એક સર્ક્યુલર ઉપરથી જણાય છે. ૧ લી જૂનને દિવસે કાઢેલા આ સર્ક્યુલરમાં તેમને એવું લખવામાં આવ્યું હતું : “આ દેખત તમારે બધાં પત્રકો લઈને તાલુકે આવવું. પ્રાંત સાહેબ (જયકર સાહેબ)નો મુકામ ૪ થી જૂનથી તાલુકે થવાનો છે, અને તેઓ તમે કરેલાં પત્રકો તપાસશે. તે પહેલાં મારે પણ એ તપાસી જવાં જોઈએ. એટલે તમારે તમામ ચાલુ પત્રકો લઈને તાલુકે આવી રહેવું અને કામ પૂરું થાય ત્યાં સુધી અહીં રહેવું.”

પ્રાંત અમલદાર તા. ૪ થી ૧૫ મી સુધીમાં ૧૩૭ ગામોનાં પત્રકો શી રીતે તપાસી શક્યા હશે તે સમજી શકાતું નથી. રવિવાર વગેરે ન ભોગવ્યા હોય તોયે એ કામ ૧૧ દિવસમાં પતાવવું એ મોટા અષ્ટાવધાનીને માટે પણ અશક્ય થઈ પડે. અને વળી એ બધી તપાસ કચેરીમાં બેસીને થાય શી રીતે એ પણ કલ્પનામાં નથી આવતું.

વળી મામલતદારનો એક હુકમ આ વસ્તુ ઉપર વધારે અજવાળું પાડે છે. આ હુકમની ઉપર ૨૩ મી ઑક્ટોબરની તારીખ છે. એમાં ૨૭ મી ઑક્ટોબરે બધાં પત્રકો લઈને પટેલતલાટીને તાલુકે હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. કારણ, ‘તમે તૈયાર કરેલાં વેચાણનાં પત્રકોની મારે મેળવણી કરવાની છે.’ વાંચનારે જો આ ચર્ચાનો બરાબર અભ્યાસ કર્યો હશે તો તેને યાદ હશે કે શ્રી. જયકરે પોતાનો રિપોર્ટ પહેલો મિ. ઍંડર્સનને જોવા મોકલ્યો હતો, પછી તે જોઈને તેને સુધારવાની તેમણે કેટલીક સૂચના કરી, તે પ્રમાણે સુધારીને તેમણે તે પાછો જોવા મોકલ્યો, અને આખરે નવેંબરમાં તે સરકારી રીતે રજૂ કરવામાં આવ્યો. પેલો સુધારીને મોકલવાનો હુકમ શ્રી. જયકરને આવ્યો ત્યારે તેઓ કલેક્ટરપદું કરતા હતા એટલે તેમનાથી કેમ તપાસણી થઈ શકે ? એટલે તેમણે કર્યો મામલતદારને હુકમ, અને મામલતદારે પટેલતલાટીને તાલુકે બોલાવેલા. પણ એ તપાસણીને વિષે મિ. ઍંડર્સન કહે છે : “આ આંકડા મામલતદારે મેળવ્યા છે અને તપાસ્યા છે એમ તુમારમાંથી દેખાય છે. હવે મામલતદારની એ મેળવણીનો અર્થ તેમના એકાદ કારકુને અથવા સર્કલ ઇન્સ્પેક્ટરે કરેલી મેળવણી હોય છે. સેટલમેંટ અમલદાર તે પોતે વેચાણ અને ગણોતના આંકડા તપાસે એવી આશા રખાય છે તેને બદલે પેલા સર્કલ ઇન્સ્પેક્ટર કે કારકુનની તપાસણી કેમ ચાલે ?”

છેવટે ખેતીના ઉત્પન્નના ભાવમાં વધારો થવાને લીધે ૧૫ લાખ રૂપિયાનો લાભ ખેડૂતોને થયો એ દલીલનું બેહૂદાપણું તો આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા તેમ મિ. ઍંડર્સને પોતાના રિપોર્ટમાં એવી સરસ રીતે બતાવ્યું છે કે તેને વિષે વધારે લખવાની જરૂર જણાતી નથી.

આ તો શ્રી. જયકરે આધાર રાખેલી હકીકતનું પૃથક્કરણ થયું. મિ. ઍંડર્સને તો ગણોતના આંકડા ઉપર જ આધાર રાખ્યો હતો. આજે જમાબંધીની જે કલમો છે તે મુજબ પણ એ આંકડાનો ઉપયોગ કરતાં પહેલાં એ આંકડા પુષ્કળ પ્રમાણમાં છે કે નહિ તે જોવું જોઈએ, અને આંકડા બરાબર તપાસેલા છે કે નહિ  તે જોવું જોઈએ. આંકડાની તપાસ કશી જ થઈ નહોતી એ આપણે જોઈ ગયા, અને આંકડા પુષ્કળ પ્રમાણમાં છે એમ પુરવાર કરવાને માટે મિ. ઍંડર્સન કેવી રીતે ભીંત ભૂલ્યા એ તો આપણે ગયા પ્રકરણમાં જ જોયું. મિ. ઍંડર્સને ૪૨,૯૨૩ એકર જમીન આખા તાલુકામાં ગણોતે અપાય છે એમ શ્રી. જયકરે આપેલા ૧૯૧૮ થી ૧૯૨૫ ના આંકડા ઉપરથી કહ્યું. એ તો સાત વરસના આંકડા હતા. જો એ સાત વરસના આંકડા લીધા તો કુલ જમીનને સાતે ગુણીને ગણોતે આપેલી જમીનનું પ્રમાણ કાઢવું જોઈતું હતું, પણ તેમણે તો સાત વર્ષમાં ગણોતે આપેલી જમીનનું પ્રમાણ એક વર્ષની કુલ જમીન પર કાઢ્યું, અને પછી દલીલ કરી કે લગભગ ૫૦ ટકા જમીન ગણોતે અપાય છે. જો ઍંડર્સનના આંકડા માનીએ તો કેવું વિચિત્ર પરિણામ આવે છે એ જોવા જેવું છે. નીચેનાં ગામોમાં કુલ જેટલી જમીન છે તેના કરતાં ત્યાં ગણોતે આપવામાં આવેલી જમીન વધી જાય છે :

ગામ કુલ જમીન સાત વર્ષમાં ગણોતે
આપેલી જરાયત જમીન
સાત વર્ષમાં ગણોતે
આપેલી ક્યારી જમીન
એકર એકર ગુંઠા એકર ગુંઠા
ઉતારા ૧,૩૧૭ ૨,૮૬૨
વધાવા ૭૯૪ ૧,૧૮૬ ૨૧ ૩૬ ૧૧
મિયાવાડી ૧,૦૫૭ ૧,૧૮૫ ૧૮
ભૈસુદલા ૭૫૧ ૯૨૫ ૩૭ ૩૩

દીવા જેવું છે કે ગણોતે આપેલી જમીનનું પ્રમાણ કુલ જમીનના સાતગણા કરીને કાઢવું જોઈએ.

પછી શું થયું તે તો ગયા પ્રકરણમાં વર્ણવ્યું છે. સરકારનો પક્ષ એટલો બધો ખોટો હતો, આંકડા અને હકીકતની પણ એટલી બધી દેખીતી ભૂલો હતી કે આખું નવું રિવિઝન રદ કરાવાની જ લોકો માગણી કરી શકતા હતા. પણ લોકોએ એવડી મોટી માગણી ન કરી. તેમણે તો તેમના નાયક તરીકે વીર છતાં ધીર નાયક વલ્લભભાઈને પસંદ કર્યા હતા. તેમણે ફરી તપાસ કરાવવાની માગણી ઉપર જ આગ્રહ રાખવાની સલાહ આપી.

પણ એ વાત તો આવતા પ્રકરણમાં કરશું.