બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/બારમી ફેબ્રુઆરી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બારડોલીમાં શું બન્યું ?—લોકપક્ષ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
બારમી ફેબ્રુઆરી
મહાદેવભાઈ દેસાઈ
તંત્રરચના →


બારમી ફેબ્રુઆરી

“સાબરમતીના સંતે મોટી શક્તિ પેદા કરી છે. તેની પાછળ તમે અમને ગાંડા કહો કે દીવાના કહો, પણ જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી આ ગાંડા ખેડૂતો માટે મરવા તૈયાર છે.”

ત્યારે આ સંજોગોમાં લોકોએ શું કરવું ? શ્રી. જયકરના રિપોર્ટ સામે તો તેમણે સને ૧૯ર૬ થી હિલચાલ ઉઠાવી હતી. તેમની તાલુકા સમિતિએ નિમેલી તપાસસમિતિએ એ રિપોર્ટની એકેએક દલીલના રદિયા આપ્યા હતા, અને વધારો વાજબી ઠરે કે ચાલુ દર પણ વાજબી ગણાય એવા નફા ખેડૂતને થતા નથી એમ બતાવ્યું હતું. આ પછી સને ૧૯ર૭ માં તેઓ તેમના ધારાસભાના પ્રતિનિધિઓને આગળ કરીને સરકારના મહેસૂલમંત્રી — રેવન્યુ મેમ્બર — ની પાસે ડેપ્યુટેશન લઈ ગયા. આ પછી આ સભ્યોએ સરકારને મોટી અરજીઓ કરી, જેમાં રિપોર્ટની દલીલોના જવાબ અને ખેડૂતોની ખરી સ્થિતિ આપવામાં આવી હતી. આ બધું છતાં ૧૯ર૭ ના જુલાઈની ૧૯ મી તારીખે સરકારે ૨૨ ટકા વધારો મંજૂર કર્યો, એટલે સપ્ટેમ્બર ૧૯ર૭ માં તેમણે પરિષદ ભરી, જેમાં હજારો ખેડૂતોએ હાજરી આપી. આના પ્રમુખ રાવ સાહેબ દાદુભાઈ દેસાઈ એમ. એલ. સી. હતા. ખૂબ વિચાર અને ચર્ચા પછી તેમણે વધારાની રકમ ન ભરવાનો ઠરાવ કર્યો. આ ઠરાવની પણ કશી અસર ન થઈ, તલાટીઓને કીસના હપ્તા નવા દર પ્રમાણે વસૂલ કરવાના હુકમ થયા.

હવે ખેડૂતોને નવી દિશામાં વિચાર કરવાનું સૂઝ્યું. અત્યારસૂધી સૂઝેલું નહોતું એમ નહિ, પણ ૧૯૨૧ પછીની દેશની પરિસ્થિતિએ કષ્ટસહનના કાર્યક્રમ વિષે તેમની શ્રદ્ધા મોળી પાડી નાંખી હતી અને સત્યાગ્રહના નામથી તેઓ ભડકતા. પણ ધારાસભાના સભ્યોએ તેમને સાફ કહી દીધું કે અમારાથી હવે કશું થાય એમ નથી અને હવે તો તમારે બીજું જે કઈ કરવું હોય તે કરો. ભાઈ કલ્યાણજી અને કુંવરજી — જે બે ભાઈઓનો ગાંધીજીની પાસે ૧૯ર૧ માં સત્યાગ્રહના સ્થાન તરીકે બારડોલીને પસંદ કરાવવામાં મોટો હિસ્સો હતો તેઓ — તાલુકા સમિતિના મંત્રી ભાઈ ખુશાલભાઈ સાથે શ્રી. વલભભાઈ પટેલ પાસે ગયા, અને તેમને બારડોલી આવી ખેડૂતો પાસે સત્યાગ્રહની લડત લડાવવાની વિનંતિ કરી. શ્રી. વલ્લભભાઈએ સાફ ના પાડી, એમ કહીને કે રાવ બહાદુર ભીમભાઈ અને રાવ સાહેબ દાદુભાઈ જેવા નેતા તેમને દોરી રહ્યા છે ત્યાં તેમના કામમાં વચ્ચે પડવું એ પોતાને શોભે નહિ. આ પછી તેઓ પાછા ગયા, પણ આ વેળા તો ધારાસભાના એ સભ્યોની સલાહ અને સંમતિ મેળવીને ગયા. શ્રી. વલ્લભભાઈએ તેમને શાંતિથી સાંભળ્યા, કંઈક આશા આપી અને કહ્યું, ‘તમે પાછા બારડોલી જાઓ, એકલો વધારો નહિ પણ આખું મહેસૂલ ન ભરવાને માટે ખેડૂતો તૈયાર હોય અને તેમ કરીને છેક ફના થવા તૈયાર હોય તો હું આવવા ખુશી છું. પણ તમે આખા તાલુકામાં ફરી વળો અને લોકો શું ધારે છે તે મને તમે ફરી પાછા આવીને જણાવો.”

આ વસ્તુ ૨૦ મી જાન્યુઆરીના અરસામાં બની. કાર્યકર્તાઓ પાસે માત્ર આઠદશ દિવસ બાકી હતા. એટલામાં શું થાય ? પણ તેમણે ન જાણ્યા દિવસ, ન જાણી રાત; તાલુકાના ઘણાખરા કાર્યકર્તાઓને ભેગા કર્યા, અને આખો તાલુકો ફરી વળવાનો કાર્યક્રમ ઘડી, ગાડાંમાં, મોટરબસમાં અને પગે ચાલી અનેક ગામો પોંદી નાંખ્યાં. આઠ દિવસમાં ઘણાંખરાં ગામોના લોકોના અભિપ્રાય જાણી તેમણે પાછી અમદાવાદ કૂચ કરી. આ વખતની ટોળીમાં કલ્યાણજી, કુંવરજી, ખુશાલભાઈ, કેશવભાઈ તો હતા જ; પણ ખેડા, નાગપુર અને બોરસદમાં ખ્યાતિ પામેલા વીર યોદ્ધાઓ દરબારસાહેબ; મોહનલાલ પંડ્યા અને રવિશંકરને પણ તેઓ પોતાની મદદમાં લાવ્યા હતા. શ્રી. વલ્લભભાઈ સાથે વાતો થઈ, તેમની રીત મુજબ તેમણે પોતાની મેડી ઉપર આંટા મારતાં મારતાં કહ્યું, ‘ઠીક તમે જાઓ બાપુ પાસે. હું તમારી પાછળ આવ્યો.’ ‘બાપુ’ની સંમતિ વિના તો આવી લડત કેમ જ ઉપાડાય ? ગાંધીજીને કાને તે બધી વાતના ભણકારા આવી ચૂકેલા હતા. તેમણે અત્યારસુધી ઉત્તેજન નહોતું આપ્યું, ‘વલ્લભભાઈ કહે તે કરો,’ એવી જ વાત જે મળ્યા તેને કરી હતી. આ વેળા તેમની સાથે ઠીકઠીક વાતો થઈ. વિદ્યાપીઠમાં ગાંધીજીને ત્રણ વાગે જવાનું હતું. આ આગેવાનોને ગાંધીજીએ વિદ્યાપીઠ જતાં રસ્તામાં વાત કરવાનો સમય આપ્યો હતો. કલ્યાણજીભાઈ એ વાત માંડી, લોકો નરમગરમ છે એમ જણાવ્યું. વધારો ન ભરવાને તો સૌ કોઈ રાજી છે એમ પણ ઉમેર્યું.

ગાંધીજી : એટલે ?

કલ્યાણજી : મહેસૂલમાં ૨૨ ટકા વધ્યા છે તે ૨૨ ટકા ભરવાના રાખી મૂળ મહેસૂલ ભરી દેવું એટલી વાત ઉપર લોકો તૈયાર છે.

ગાંધીજી : એ તો ભયાનક છે. તમારે જ પૈસે સરકાર તમારી સાથે લડી લેશે અને પૈસા વસૂલ લેશે. જો લડત માંડવી હોય તો તે એવી જ શરત કરીને મંડાય કે મૂળ મહેસૂલ ભરવાને તૈયાર છીએ પણ તમે વધારો રદ ન કરો ત્યાં સુધી એક પાઈ ન આપીએ. આ રીતે કરવાને લોકો તૈયાર છે ?

કલ્યાણજી : કસબાનાં ગામોમાં કસ નથી, વાણિયા ભાઈઓને વસવસો છે, એવો ડર પણ રહે જ કે બધી જમીન ખાલસા કરી મૂળ માલિક રાનીપરજ લોકોને તે પાછી સોંપી દેવામાં આવે. બીજા લોકોમાંથી ઘણા પૂરું મહેસૂલ ન ભરવાને તૈયાર છે એમ અમને અમે જેટલાં ગામ ફર્યા તે ઉપરથી લાગ્યું.

ગાંધીજી : વારું, લડવાને તૈયાર છે એમ કબૂલ કરીએ. પણ મહેસૂલનો પ્રશ્ન એમનો સાચો છે કે ? સરકાર ન કબૂલ કરે પણ દેશને સરકારનો અન્યાય ગળે ઊતરશે કે ?

કલ્યાણજી : હા; નરહરિભાઈએ પોતાના લેખમાં એ અન્યાયની વાત તો જાહેર આગળ મૂકેલી જ છે.

ગાંધીજી : નરહરિના લેખો વાંચેલા યાદ છે, પણ આ વધારાની સામેની દલીલો તેમાં વાંચેલી યાદ નથી. ગમે તેમ હોય, એટલું યાદ રાખવાનું છે કે લોકલાગણી આપણી સાથે હોવી જ જોઈએ, અને તે માટે અન્યાય ચોખ્ખો દેખાઈ આવવો જોઈએ. વળી એક બીજી વાત, લડવાને તૈયાર તો થયા છે, પણ સત્યાગ્રહના મુદ્દા સમજીને તૈયાર થયા છે ? જો એ ન સમજ્યા હોય, અને વલ્લભભાઈના જોર ઉપર જ ઊભા થયા હશે તો વલ્લભભાઈને અને તમને બધાને સરકાર ઉપાડી લે પછી તેઓ ટકી રહેશે ખરા ?

કલ્યાણજી : એટલા ઊંડા ઊતરીને અમે તપાસ નથી કરી.

ગાંધીજી : એ જાણવું રહ્યું; પણ વલ્લભભાઈ શું કહે છે ?

આ ચર્ચા ચાલતી હતી ત્યાં વલ્લભભાઈ રસ્તા ઉપર ભેળા થયા. વલ્લભભાઈએ જણાવ્યું કે પોતે કેસ તપાસી ગયા છે અને લડત વાજબી લાગે છે. વલ્લભભાઈએ નિશ્ચય કરી લીધો છે. એમ લાગતાંની સાથે જ ગાંધીજી બોલ્યા : ‘ ત્યારે તો મારે એટલું જ ઇચ્છવું રહ્યું કે વિજયી ગુજરાતનો જય હો.’

પણ શ્રી. વલ્લભભાઈએ નિશ્ચય કરી લીધો હતો શું ? અને કર્યો હતો તો તેમ કરતાં તેમને કેટલી ગૂંચવણ પડી હશે ? નાગપુરબોરસદના વિજયી સેનાપતિને સત્યાગ્રહની વાત સાંભળી કે લડવાનું મન થઈ જાય એવું નહોતું. નાગપુર અગાઉ થોડા જ દિવસ પહેલાં જ્યારે તેઓ રંગૂન ગયા હતા તે દરમ્યાન તેમના કેટલાક સાથીઓએ સવિનય ભંગની વાત ઉપાડી હતી. તેમને ઠંડા પાડતાં તેઓ ચૂક્યા નહોતા. ૧૯ર૭ માં નાગપુરમાં સવિનય ભંગ શરૂ થયો હતો અને તેની આગેવાની લેવાનો ઘણા મિત્રોએ આગ્રહ કર્યો હતો, એ બાબત મહાસભાના કાર્યવાહક મંડળે પણ કંઈક ઠરાવ કર્યો હતો, પણ તેમણે એ વાત ઉપાડવાની સાફ ના પાડેલી, કારણ તેમને એ લડત ઉપાડવાને કારણો પૂરતાં નહોતાં લાગેલાં. પ્રસ્તુત સમયે તો તેઓ છેક છૂટા હતા એમ પણ ન કહેવાય. ચારપાંચ વર્ષ થયાં તેઓ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. સરકારી અમલદારોએ તેમના કાર્યનાં મુક્તકંઠે વખાણ કર્યાં હતાં. આમાંના કેટલાકની સાથે તો તેમને મીઠી મૈત્રીનો સંબંધ થયો હતો. એ મૈત્રી પ્રલયસંકટનિવારણના કાર્ય દરમ્યાન ઓછી નહોતી થઈ પણ વધી હતી. સરકારી અમલદારોની સાથે તેમણે આ કાર્યમાં સહકાર કર્યો હતો, પોતાની અજબ વ્યવસ્થાશક્તિની તેમણે અમલદારો ઉપર ખૂબ છાપ પાડી હતી, અને જિલ્લાના કલેક્ટરે તો એકવાર તેમને પૂછેલું પણ ખરું કે આટલા સારા કામ માટે તેમને અને તેમના સાથીઓને સરકાર કાંઈ માન એનાયત કરે એવી ભલામણ પોતે કરે તો તેમાં શ્રી. વલ્લભભાઈને કશો વાંધો છે ?

આવી આવી મૂંઝવણો છતાં બારડોલીના ખેડૂતોનું દુઃખ તેમને વસી ગયું હતું એટલે તેમણે બારડોલી જવાનો નિશ્ચય કર્યો. હજી ખેડૂતોની નાડ તપાસવાનો કંઈક અવકાશ તો હતો જ. ૫ મી ફેબ્રુઆરીએ સરકારનો પહેલો હપ્તો લહેણો થાય, ૪ થી પહેલાં તો બારડોલી પહોંચવું તેમને અશક્ય હતું. ૪ થીએ તમામ ખેડૂતોની એક પરિષદ તેમના પ્રમુખપણા નીચે બારડોલીમાં બોલાવવી એવો નિશ્ચય થયો. એ પ્રમાણે બારડોલીમાં પરિષદ મળી. આ પરિષદમાં ધારાસભાના ત્રણ સભ્યો — રાવ બહાદુર ભીમભાઈ નાયક, રા. સા. દાદુભાઈ દેસાઈ અને શ્રી દીક્ષિત — પણ પધાર્યા હતા. તેઓ તો પોતાની રીતે જેટલું થાય તેટલું કરી ચૂક્યા હતા. ‘હવે બાજી અમારા હાથમાં નથી,’ એમ કહીને તેમણે હાથ ધોઈ નાંખ્યા હતા, અને વલ્લભભાઈ જેવા સત્યાગ્રહી લડતો લડનારા સરદાર પાસે જવાની તેમણે લોકોને ભલામણ કરી હતી. શ્રી વલ્લભભાઈએ પ્રથમ તો કામ કરનારાઓને તપાસ્યા, જોયું કે તેમને સત્યાગ્રહ કરવાની ચળ નહોતી, તેઓ તો હજાર વાતનો વિચાર કરીને પગલું ભરવા માગતા હતા. કેટલાકને લડત ચલાવવાની લોકોની શક્તિ વિષે સ્પષ્ટ અશ્રદ્ધા હતી. આ પછી શ્રી. વલ્લભભાઈએ ગામોના પ્રતિનિધિઓને બોલાવ્યા. ૭૯ ગામોના માણસો આવ્યા હતા, અને તાલુકાની ખેતી કરનારી બધી કોમો એમાં આવી જતી હતી. બધા કાંઈક  જવાબદારીવાળા માણસો હતા, સારા સારા ખાતેદારો હતા, ત્રણસેંથી પાંચસેં રૂપિયા સુધી ધારો ભરનાર ખાતેદારો હતા. એક પારસી સજ્જન તો ૭૦૦ રૂપિયા ભરનારા હતા. આ લોકોના મોટાભાગે આગ્રહપૂર્વક જાહેર કર્યું કે વધારેલું મહેસૂલ અન્યાય છે અને ન જ ભરવું જોઈએ. શ્રી. વલ્લભભાઈએ એક પછી એક માણસ લઈને સવાલ કર્યા. પાંચ ગામોના માણસો એવા હતા કે જેમણે જાહેર કર્યુ : ‘અમે જૂનું મહેસૂલ ભરી દઈએ, અને બાકીનું ચાહે તે રીતે વસૂલ કરવાની સરકારને હાકલ કરીએ.’ બીજા બધા સરકાર નમતું મૂકે નહિ, અથવા જૂનું લેવાને તૈયાર ન થાય ત્યાં સુધી કશું જ ન ભરવાની તરફેણમાં હતા. લોકો નિખાલસતાથી વાત કરતા. એક રાનીપરજ ખેડૂત કહે : ‘ટકી તો રે’હું, પણ છરકારનો તાપ ન્હીઓ જીરવી હકાય.’ બીજો એક જણ બોલ્યો : ‘સરકાર થાય તે કરે, બીજાનું સૂઝે તે થાય, હું તો નહિ ભરું.’ એક ગામવાળા કહે : ‘અમારે ત્યાં અર્ધું ગામ અસહકારી છે, અર્ધું સહકારી છે. પેલા અમે કરીએ તેથી અવળું જ કરનારા રહ્યા.’ એક જણ કહે : ‘અમારા ગામમાં હિંદુમુસલમાનો બધા એક છે, માત્ર ૨૫ ટકા મુસલમાન નથી ભળ્યા.’ બીજો એક જણ કહે : ‘ચાર જણ પણ સાચા હશે તો આખો તાલુકો ટકશે.’ ‘ચાર જણ કોણ ?’ ‘ચાર આગેવાન,’ ‘એમાં તમે ખરા કે નહિ ?’ ‘ના, સાહેબ, હું તો ચાર પછી ચાલનારો.’ એટલે શ્રી વલ્લભભાઈ કહે : ‘તો ચાર આગેવાન ઊભા થાઓ જેઓ મહેસૂલવધારા સામે થતાં ખુવાર થવાને તૈયાર હોય.’ એટલે ટપાટપ ચાર જણ ઊભા થયા !

દરમ્યાન જૂનું મહેસુલ ભરવાના પક્ષવાળા પેલાં પાંચ ગામના પ્રતિનિધિઓ બીજાની સાથે બેસીને ચર્ચા ચલાવી રહ્યા હતા, તેઓ આખરે નિર્ણય ઉપર આવ્યા કે આખું મહેસૂલ ભરવામાં આખા તાલુકાની સાથે રહેવું.

આમ બધાની ખૂબ તપાસ કર્યા પછી પણ શ્રી. વલ્લભભાઈ પટેલે જાહેર ભાષણમાં લોકોને ખૂબ ચેતવણી આપી : ‘મારી સાથે ખેલ ન થાય. બિનજોખમી કામમાં હું હાથ ઘાલનારો નથી.  જેને જોખમ ખેડવાં હોય તેની પડખે હું ઉભો રહીશ. ૧૯૨૧ માં આપણી કસોટી થવાની હતી, પણ ન થઈ. હવે સમય આવ્યો છે. પણ તમે તૈયાર છો ? આ એક તાલુકાનો પ્રશ્ન નથી, અનેક તાલુકાઓ અને અનેક જિલ્લાઓનો છે. તમે હારશો તો બધાનું ભાવી બગડશે.’ એવી એવી ખૂબ વાતો સંભળાવી, અને આખરે સાત દિવસ વધારે વિચાર કરવા, શાંતિથી બધાં જોખમોનો વિચાર કરી નિશ્ચય કરવા લોકોને સલાહ આપી.

દરમ્યાન તેમણે સરકારની સાથે મસલત કરવાનું પણ જણાવ્યું, અને નિષ્પક્ષ પંચ નીમવાની સૂચના સરકાર સ્વીકારે તો સત્યાગ્રહ કરવાનું પગલું લેવાની જરૂર ન પડે એમ જણાવ્યું. સભામાં હાજર રહેલા ધારાસભાના ત્રણ સભ્યોએ પરિષદમાં કેવળ હાજરી જ નહોતી આપી. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે તેમનાથી લઈ શકાય તેટલાં પગલાં તેઓ લઈ ચૂક્યા, અને તેમાં ન ફાવ્યા એટલે હવે સત્યાગ્રહને પંથે તેમને દોરી શકે એવા નેતાને ખેડૂતોને સોંપતાં તેમને આનંદ થાય છે.

આ પછી શ્રી. વલ્લભભાઈ અમદાવાદ ગયા, અને તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ ગવર્નરસાહેબને કાગળ લખી આખી વસ્તુસ્થિતિ વર્ણવી, સરકારની જમીન મહેસૂલની નીતિને લીધે કમનસીબ ગુજરાતને કેટલું વેઠવું પડ્યું છે તે જણાવ્યું, અને લખ્યું : ‘મારી વિનંતિ એટલી જ છે કે લોકોને ન્યાય આપવા ખાતર સરકાર ઓછામાં ઓછું એટલું કરે કે નવી આકારણી પ્રમાણે મહેસૂલ વસૂલ કરવાનું હમણાં મુલતવી રાખે અને આ કેસ નવેસરથી તપાસી જાય. એ તપાસમાં લોકોને પોતાની હકીકત રજૂ કરવાની તક મળે, અને તેમની રજૂઆતને પૂરતું વજન આપવાની ખાતરી આપવામાં આવે.’ સાથે સાથે એમ પણ જણાવ્યું : ‘આ લડત જે તીવ્ર સ્વરૂપ પકડે એવો સંભવ છે તે અટકાવવી આપના હાથમાં છે, અને તેથી આપને માન સાથે આગ્રહ કરું છું કે લોકોને પોતાનો કેસ નિષ્પક્ષ પંચ સમક્ષ રજૂ કરવાની તક આપો. આપ નામદારને એમ લાગે કે આ બાબતમાં રૂબરૂ મળવા જેવું છે તો બોલાવો ત્યારે આપને મળવા આવવા હું તૈયાર છું.’

 આ જ કાગળમાં શ્રી. વલ્લભભાઈએ એક કુશળ ધારાશાસ્ત્રીની રીતે સરકારે કેટલીક કાયદાની ભૂલો કરેલી તે તરફ પણ તેમનું ધ્યાન ખેંચ્યું હતું. સેટલમેંટ કમિશનર મિ. ઍંડર્સને નવા જ ધોરણે અનેક ગામોના ગ્રુપ (વર્ગ) બદલ્યા હતા તેનો ઉલ્લેખ કરીને શ્રી. વલ્લભભાઈએ જણાવ્યું, “નવા વર્ગીકરણમાં કેટલાંક ગામો ઉપરના વર્ગમાં ચડાવવામાં આવ્યાં છે, એટલે એ ગામોને માથે તો ઉપરના વર્ગના ઊંચા દર અને વધારેલું મહેસૂલ મળીને ૫૦ થી ૬૦ ટકાનો વધારો પડ્યો છે. છેવટના હુકમો કાઢતાં પહેલાં આ બાબતની લોકોને ખબર આપવામાં આવેલી નથી. સરકારે તો સેટલમેંટ કમિશનરનું નવું વર્ગીકરણ સ્વીકાર્યું, અને ૧૯ર૭ ની ૧૯ મી જુલાઈએ છેવટના હુકમ કાઢ્યા. ચાલુ વર્ષમાં નવી આકારણીનો અમલ કરવો હોય તો તે પહેલી ઑગસ્ટ પહેલાં જાહેર થઈ જવી જોઈએ. આથીયે વિશેષ નિયમ બહાર એ બન્યું છે કે ૩૧ ગામોએ જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં નોટિસો ચોડવામાં આવી કે જેમને વાંધા રજૂ કરવા હોય તો તે બે મહિનાની અંદર પોતાના વાંધા રજૂ કરે. એક રીતે તો ૧૯૨૭ ની ૧૯ મી જુલાઈના સરકારી ઠરાવ નં. ૭૨૫૯/ર૪, જેની રૂએ જમીનમહેસૂલમાં વધારો થયો તે સરકારનો છેલ્લો હુકમ હતો. પરંતુ પેલી નોટિસ ચોડાઈ એટલે એ હુકમ છેવટનો રહી શકતો નથી. અને છેવટનો હુકમ કાઢતાં પહેલાં વાંધાઓનો વિચાર કરી લેવાને સરકાર બંધાય છે. વળી છ મહિનાની અગાઉથી નોટિસ આપ્યા સિવાય ચાલુ વરસમાં નવો વધારો અમલમાં મૂકી શકાય નહિ.”

કાગળમાંથી આટલો લાંબો ઉતારો હું એટલા ખાતર લઉં છે કે સરકાર પોતાની ભૂલ સમજી પણ તે કબૂલ કરવાને તૈયાર નહોતી. પણ એક મહિના પછી માર્ચમાં ધારાસભા મળી તેની બેઠકમાં જાહેર કર્યું કે ૨૨ ગામોના વર્ગ ઉતારવામાં આવ્યા છે. ઉપરના કાગળનો એક ટૂંકો અને ટચ જવાબ ગવર્નરના પ્રાઈવેટ સેક્રેટરીએ લખ્યો, અને તેમાં જણાવ્યું કે તમારો કાગળ નિકાલ માટે મહેસૂલખાતા તરફ રવાના કરવામાં આવ્યો છે. પેલી  કાયદાની ભૂલનો સ્વીકાર તો સરકાર જરૂર કરી શકતી હતી, તે પણ ન કર્યો. શ્રી. વલ્લભભાઈ એ તો મળવાની પણ માગણી કરી હતી. ગવર્નરસાહેબને શ્રી. વલ્લભભાઈ અજાણ્યા નહોતા. પ્રલયસંકટનિવારણના કામને અંગે બેવાર તેમને તેઓ મળ્યા હતા, ખૂબ વાતચીત પણ થઈ હતી, અને પ્રલયસંકટનિવારણના તેમના કામની પણ તે સાહેબને ખબર હતી. પણ તેઓ આ ટાંકણે એવી રીતે વર્ત્યા કે જાણે શ્રી. વલ્લભભાઈ સાથે સીધી મસલત કરવાને પ્રથમથી જ સરકારને અણગમો હોય ના !

દરમ્યાન શ્રી. વલ્લભભાઈ તા. ૧૧ મી માર્ચ સુધી મહેસૂલખાતાના જવાબની રાહ જોઈ બેઠા હતા. જવાબ ન આવ્યો એટલે અગાઉ ઠરાવ્યા પ્રમાણે તેઓ બારડોલી જઈ ૧૨ મી તારીખે પાછા ખેડૂતોને મળ્યા, અને સૌની સાથે પાછી ગોષ્ટી કરી. ખેડૂતોના સેવકો પણ આ વખત દરમ્યાન બેસી નહોતા રહ્યા. તેઓ ગામેગામ ફરી વળ્યા હતા, તેમણે એક પ્રતિજ્ઞા ઉપર ખેડૂતોની સહીઓ લીધી હતી, અને સહી કરનારા આગેવાનોને ભેગા કર્યા હતા. આ વેળા મસલતસભાનો રંગ જુદો જ હતો. પહેલી વેળા આવેલા તે ઉપરાંત પણ કેટલાંક ગામોના લોકો આમાં હાજર હતા.

શ્રી. વલ્લભભાઈએ એકેએક ગામના માણસોને ફેરવી ફેરવીને સવાલ પૂછ્યા. સૌના જવાબમાં સાચનો રણકાર હતો, શેખી નહોતી, પણ સાચી દૃઢતા અને મક્કમતા હતી, અને પરિસ્થિતિનું ભાન હતું. એક પછી એક પોતાના ગામની સ્થિતિ વર્ણવવા લાગ્યા. ‘અમારા ગામના પટેલે કીસ ભરી દીધી છે; અમારી પડોસના વાણિયાએ ભરી દીધી છે. પણ તેને ખબર નહોતી. તે બાકીના ન ભરે.’ ‘અમારા ગામમાં ૫૮ જણે સહી કરી છે. ૧૨ બાકી છે. પણ ૫૮ મક્કમ માણસો છે.’ ‘અમારે ત્યાં બધાએ સહી કરી છે, માત્ર પટેલ બાકી છે, પણ તેનો વિરેાધ નથી.’ ‘અમારે ત્યાં થોડા મુસલમાન જોખમ ખેડવા તૈયાર નથી.’ ‘અમારું અર્ધું ગામ તો ગમે તે થાય તોપણ ઉભું રહેશે. બાકીના અર્ધા ખોટા છે. પણ એ અર્ધું ગામ જાણે આપણું છે જ નહિ એમ આપણે વર્તવાનું.’ ઘણાએ જણાવ્યું : ‘અમારું ગામ મક્કમ છે. કાંઈ ડરવાનું કારણ નથી.’ ત્રણચાર ગામના લોકોએ કહ્યું : ‘આખા ગામને માટે અમને જવાબદાર ગણજો.’

શ્રી. વલ્લભભાઈએ આ પછી સૌને ખૂબ ચેતવ્યા : ‘જોખમભરેલું કામ ન કરવું એ સારું, પણ કરવું તો પછી પાર ઉતારવું. હારશો તો દેશની લાજ જશે, મજબૂત રહેશો તો આખા દેશને ફાયદો છે. વલ્લભભાઈ જેવો લડનારો મળ્યો છે તેના જોરે લડશું એવી વાત હોય તો લડશો મા. કારણ કે તમે જો તૂટી પડ્યા તો સો વર્ષ સુધી નથી ઊઠવાના એ ખચીત માનજો. હવે આપણે જે ઠરાવ કરવો છે તે ઠરાવ તમારે જ કરવાનો છે. અમે એ ઠરાવ ન કરીએ, એ ઉપર ભાષણ પણ ન આપીએ, તમે લોકો જ સમજીને એ કરવા ધારો તો કરજો.’

એક વાત અહીં નોંધવા જેવી છે. તા. ૪ થીએ તેમજ તા. ૧૨ મી એ ચોર્યાસી તાલુકામાંથી પણ ઘણા ખેડૂતો આવ્યા હતા. કફલેટા નામના એક ગામના મુસલમાનોને પોતાના ગામને અને તાલુકાને થયેલો અન્યાય બહુ જ ખૂંચતો હતો, અને ચોર્યાસી તાલુકાને લડતમાં જોડવામાં આવે એવી તેમની માગણી હતી. શ્રી. વલ્લભભાઈએ તેમની સાથે ખૂબ વાતો કરી, અને સમજાવ્યા : ‘બારડોલી સત્યાગ્રહ કેવળ બારડોલીને જ મદદ નહિ કરે, ચોર્યાસીનું કામ અનાયાસે થશે, અમારાથી આજે બે તાલુકાને પહોંચાય એવી અમારી શક્તિ નથી. તમારે ત્યાંનો અન્યાય અને અમારે ત્યાંનો સરખા જ છે, અને છેવટે બારડોલીનું થશે તે જ ચોર્યાસીનું થશે. પણ આજે તો પિછોડી જોઈને જ સોડ તાણવી જોઈએ. તમારે ત્યાં ૪૦-૫૦ ટકા જેટલા ખાતેદારો તો સૂરત રાંદેરના ધનાઢ્ય માણસો. એ લોકો પૈસા પહેલાં ભરી આવે, એના ઉપર કમિશનરનું દબાણ પણ ચાલી શકે અને પછી તમે લોકો ગભરાઈ જાઓ. હું તમને કેમ આમ ખાડામાં ઉતારું ? બાકી તમે ચોક્કસ સમજો કે જે અમારું થશે તે તમારું થવાનું છે.’ પેલા સમજ્યા અને શાંત થઈને ઘેર ગયા.

આ પછી વલ્લ્ભભાઈ ભરી સભામાં ગયા. ઉપરની જ વસ્તુ જરા વધારે વિસ્તારથી સભાને સમજાવી :

“મેં સરકારને કાગળ લખ્યો હતો, અને તેમાં નિષ્પક્ષ પંચ નીમવાની તેમને ભલામણ કરી હતી. તેનો જવાબ મને એવો મળ્યો છે કે તમારો કાગળ રેવન્યુ ખાતામાં વિચાર અને નિકાલ માટે મોકલ્યો છે. એ જવાબ જ ન કહેવાય. સરકારનો જમીનમહેસૂલનો કાયદો ભારે અટપટો અને ગૂંચવણભરેલો છે. એ એવી રીતે ઘડેલો છે કે સરકાર તેનો જ્યારે જેવો ધારે તેવો અર્થ કરી શકે. જુલમીમાં જુલમી રાજ્યમાં થઈ શકે એવો આ કાયદો છે, એટલે કે તેમાંથી જેવો અર્થ જોઈતો હોય તેવો અમલદારો ઉપજાવી શકે.

ગઈ વખતે મહેસૂલવધારાનો અન્યાય મેં તમને સમજાવ્યો. પણ એ વધારો અન્યાય નહિ પણ ગેરકાયદેસર પણ છે. કલમ ૧૦૭ પ્રમાણે આજે મહેસૂલ આકારાય છે ને લેવાય છે. તે કલમની રૂએ ખેડૂતને નીપજ થાય તે ઉપર જે ફાયદો રહે તેના ઉપર મહેસૂલ આકારવાનું ધોરણ મૂકેલું છે. આ ધોરણની વિરુદ્ધ તે બધું કાયદાવિરુદ્ધ ગણાય. એટલે આ વર્ષે બારડોલી તાલુકા પર સરકારે જે નવી આકારણી કરેલી છે તે જમીનમહેસૂલના કાયદાની વિરુદ્ધ જઈને કરેલી છે. મુદ્દાની વાત એ છે કે સેટલમેન્ટ ઑફિસરે, જેમણે આ તાલુકાની સ્થિતિની મૂળ તપાસ કરીને સરકારમાં રિપોર્ટ રજૂ કર્યો તેમણે તો કાયદાને વળગીને જ કામ કરેલું. જોકે મને પોતાને તો એની વિરુદ્ધ પણ ખૂબ ફરિયાદ છે. સેટલમેન્ટ ઑફિસરે પોતાનો જે રિપોર્ટ કર્યો તે ૧૦૭ મી કલમને આધારે જ કરેલો, છતાં જ્યારે તે રિપોર્ટ સેટલમેન્ટ કમિશનર પાસે ગયો ત્યારે તેમણે તેને સાવ ફેરવી નાંખ્યો, ને કોડની કલમને ઊંચી મૂકી ભાડાની આંકણી અથવા ગણોતના દર વધ્યા છે એટલી જ બીના ઉપર આંકણીનું ધોરણ રચ્યું. સરકારે પણ આમ થઈ શકે કે નહિ તે કાયદાની દૃષ્ટિએ વિચારવાનું બાજુએ મેલી કમિશનરની ભલામણને ધોરણે જ ગામોનાં વર્ગીકરણની રચના ફેરવી નાંખી. તેમ થતાં જે ગામો નીચલા વર્ગમાં હતાં તે ઉપલા વર્ગોમાં મુકાયાં, અને પરિણામે મૂળ રિપોર્ટની આકારણીને ધોરણે જેમના ઉપર ર૦ ટકા વધારો આવતો હતો તેમના ઉપર ૬૦ ને ૬૬ ટકા સુધી વધારો ચોંટ્યો. જે ગામડાં ઉપર આવો અણધાર્યો બોજો નાંખવામાં આવ્યો તેમને તો ખબર પણ નથી અપાઈ કે તમારું આમ થયું, નથી તેમની પાસેથી આ સામેના વાંધા માંગવામાં આવ્યા. જે કંઈ કર્યું છે તેમાં માત્ર ઉતાવળ ને ભૂલો જ કરી છે. સરકારને ઓણસાલ જ નવી આકારણીનો અમલ કરવાની ઉતાવળ હતી. તેણે ધાર્યું કે જો જમીનમહેસૂલના કાયદાની ઝીણવટો ભાગ્યે જ કોઈ સમજતું હોય તેમાં જેમ કરીશું તેમ ચાલશે. જ્યારે આમ કર્યું ત્યારે તમારી જોડે વિચાર કરી લઈને મેં સરકારને કાગળ લખ્યો કે આ બાબતમાં સરકાર તરફની ઘણી ભૂલો થઈ છે. પણ મને જવાબ મળે છે કે તમારો કાગળ વિચાર થવા મોકલ્યો છે ! વિચારમાં ઢીલ થઈ શકે, પણ અહીં હપ્તો શરૂ થયો તેનો વિચાર કોણ કરે ? કાગળનો નિકાલ થતાં સુધી હપ્તો મુલતવી રાખવાનું કહીએ તો સરકાર થોડું જ મોકૂફ રાખે તેમ છે ? આ રાજ્યમાં પૈસો લેવાનો હોય તેમાં મીનમેખ ન થાય; તે તો વખતસર, નિયમસર અને વ્યાજસહિત જ લેવાય. આ સ્થિતિમાં મારે સરકારને વધુ શું કહેવાપણું હોય ? હું તો તમને જ સલાહ આપી શકું ને તે તમારા પોતાના જ જોર પર. આપણે બીજા બધા જ ઉપાયો અજમાવી ચૂક્યા, હવે કોઈ સાંભળે એ આશા ખોટી છે; તો છેવટનો એક જ ઉપાય હવે બાકી રહ્યો છે, અને કોઈ પણ પ્રજા માટે એ એક જ ઉપાય છેવટના તરીકે રહેલો છે. તે બળની સામે બળ. સરકાર પાસે તો હકુમત છે, તો૫બંદૂક છે, પશુબળ છે. તમારી પાસે સાચનું બળ છે, દુઃખ સહન કરવાની શક્તિ છે. આવો આ બે બળનો મુકાબલો છે. તમારી વાત સાચી છે એનું જો તમને બરાબર ભાન હોય, આ અન્યાય છે ને તેની સામા થવું એ ધર્મ છે એ વાત તમારા અંતરમાં ઊગી ગઈ હોય, તો તમારી સામે સરકારની બધી શક્તિ કશું કામ કરી શકવાની નથી. એમને લેવાનું છે ને તમારે દેવાનું છે. તમે સ્વેચ્છાએ હાથથી ઉપાડીને ન આપો ત્યાં સુધી એ કામ કોઈ કાળે બનવાનું નથી. ભરવું ન ભરવું એ તમારી ઇચ્છાની વાત છે. જ્યારે તમે એમ ઠરાવ કરો કે અમે રાતી પાઈ ભરનાર નથી, આ સરકાર મરજીમાં આવે તે કરો, જપ્તી કરો, જમીન ખાલસા કરો, અમે આ આકારણી સ્વીકારતા નથી, તો તે લેવાનું સરકારથી કદી બની શકવાનું નથી. એ કોઈ પણ રાજ્યથી બની શકે તેવું નથી. જુલમીમાં જુલમી રાજ્ય પણ પ્રજા એકત્ર થાય છે ત્યારે તે સામે ટકી શકતું નથી. જો તમે ખરેખર એકમત થઈને નિશ્ચય કરતા હો કે આ મહેસૂલ ખુશીથી કે સ્વેચ્છાએ નથી જ ભરવું તો હું ખાત્રી આપું છું કે આ રાજ્ય પાસે એવું કોઈ સાધન નથી કે જે તમારા નિશ્ચચ તોડાવી શકે ને તમને ભાંગી શકે. એ નિશ્ચય કરવાનું કામ રા. બ. ભીમભાઈ તેમના કાગળમાં કહે છે તેમ તમારું પોતાનું છે. કોઈના ચડાવવાથી, કોઈના કે મારા જેવા ઉપર આધાર રાખીને નિશ્ચય ન કરશો. તમારા જ બળ ઉપર ઝૂઝવું હોય, તમારી જ હિમ્મત હોય, તમારામાં આ લડત પાછળ ખુવાર થઈ જવાની શક્તિ હોય તો જ આ કામ કરજો.

આમ લડતનાં જોખમો પૂરાં વિચારજો. એમાં જેટલાં મોટાં જોખમો છે તેટલાં જ મોટાં પરિણામો સમાયેલાં છે એ યાદ રાખજો. કામ જેટલું મુશ્કેલ છે તેટલું જ મહત્ત્વનું છે. જરા સખ્તાઈ થતાં જ જો તમે આમાંથી ખડી જવાના હો તો તેમાં તમને એકલાને જ નહિ પણ ગુજરાતને ને આખા હિંદુસ્તાનને નુકસાન પહોંચવાનું છે. માટે જે નિશ્ચય કરો તે ઈશ્વરને હાજર સમજીને પાકે પાયે કરો કે પાછળથી કોઈ તમારા તરફ આગળી ન ચીંધે. જો તમારા મનમાં એમ હોય કે મીણનો હાકેમ પણ લોઢાના ચણા ચવડાવે ત્યાં એવડી મોટી સત્તા સામે તો આપણું શું ગજું, તો તમે આ વાત છોડી જ દેજો. પણ જો તમને લાગે કે આવા સવાલમાં તો લડવું જ ધર્મ છે, જો તેમને લાગે કે જે રાજ્ય કોઈ રીતે ઈન્સાફની વાત કરવા તૈયાર નથી તેની સામે ન લડવું ને પૈસા ભરી દેવા તેમાં આપણી ને આપણાં બાળબચ્ચાંની બરબાદી જ થાય છે, એટલું જ નહિ પણ આપણું સ્વમાન પણ જાય છે, તો તમે આ લડત માથે લેજો.

આ કંઈ લાખ સવાલાખના વધારાનો કે ૩૦ વરસના સાડતીસ લાખનો સવાલ નથી, પણ સાચજૂઠનો સવાલ છે, સ્વમાનનો સવાલ છે. આ સરકારમાં હમેશને માટે ખેડૂતનું કોઈ સાંભળનાર જ નહિ એ પ્રથાની સામે આમાં થવાનું છે. રાજ્ય આખાની મદાર ખેડૂત પર છે. રાજ્યતંત્ર બધું ખેડૂત પર ચાલે છે. છતાં તેનું કોઈ સાંભળતું જ નથી, તેને કોઈ દાદ દેતું નથી. તમે કહો તે બધું ખરું જ. આ સ્થિતિ સામે થવું એ તમારો ધર્મ છે, અને તે એવી રીતે સામા થવું કે જેથી ઈશ્વરને ત્યાં જવાબ દેવો પડે તે દિવસે તમને ભારે ન પડે. મિજાજ કાબુમાં રાખીને, સાચ ઉપર અડગ રહીને, સંયમ પાળીને, સરકાર સામા ઝૂઝવાનું છે. જપ્તી અમલદારો આવશે, તમને ખૂબ સતાવશે, ઉશ્કેરણીનાં કારણો આપશે, ગમે તેવી ભાષા વાપરશે, તમારી સતાવણી કરશે, અને જેટલી જેટલી તમારી નબળાઈઓ તેમના જોવામાં આવશે તેટલી મારફતે તમારા ઉપર હુમલા કરવા મથશે છતાં મુખ્ય વસ્તુ ઉપરથી તમે ન ડગશો, અહિંસાની પ્રતિજ્ઞા ઉપરથી ન ચળશો. શાંતિથી ને સંયમથી દૃઢ રહેજો કે અમારે હાથે કરીને સરકારને પાઈ પણ નથી આપવી, જોઈએ તો જપ્તીઓ કરો, ખાલસા કરો, ખેતર પર જાઓ, હરાજીઓ બોલાવો, જે કંઈ કરવું હોય તે જબરદસ્તીથી કરો, મરજિયાત કંઈ નહિ કરાવી શકો; અમારે હાથે તમને કશું નહિ મળે. એ જ આ લડતનો મૂળ પાયો છે. આટલું જો તમે કરી શકો તો ધાર્યું પરિણામ આવે જ એ વિષે મને કંઈ શંકા નથી. કારણ તમારી લડત સાચ ઉપર મંડાયેલી છે.”

આ ઉપરાંત બીજી સમજ પાડવામાં આવ્યા પછી નીચલો ઠરાવ પરિષદ આગળ રજૂ થયો :

સત્યાગ્રહનો ઠરાવ

બારડોલી તાલુકાના ખાતેદારોની આ પરિષદ ઠરાવ કરે છે કે અમારા તાલુકામાં લેવામાં આવતા મહેસૂલમાં સરકારે જે વધારો લેવાનો જાહેર કર્યો છે તે અયોગ્ય, અન્યાયી અને જુલમી છે એમ અમારું માનવું છે; એટલે જ્યાં સુધી સરકાર ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા, અગર તો નિષ્પક્ષ પંચ મારફતે આ આંકણી ફરી તપાસવા તૈયાર ન થાય ત્યાં સુધી સરકારને મહેસૂલ મુદ્દલ ન ભરવું; અને તેમ કરતાં સરકાર જપ્તી, ખાલસા વગેરે જે કંઈ ઉપાયો લે તેથી પડતાં સઘળાં કષ્ટો શાંતિથી સહન કરવાં.

જો વધારાવિનાના ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા સરકાર કબૂલ થાય તો તેટલું મહેસૂલ બિનતકરારે તુરત ભરી દેવું.

આ ઠરાવ રજૂ કરનારા અને તેને ટેકો આપનારા ૧૨ ગામોના સારા સારા પ્રતિષ્ઠિત ખેડૂતો હતા. એમાં અનાવલા, પાટીદાર, વાણિયા, પારસી, મુસલમાન, રાનીપરજ બધી કોમોના માણસો આવી જતા હતા. બેત્રણ જણાએ ટૂંકાંટચ ભાષણો કર્યાં અને બાકીનાએ ઉભા થઈને ટેકો જાહેર કર્યો.

આ ગંભીર ઠરાવ ખુદાના પાક નામ વિના અને રામધૂન વિના પસાર ન થાય. એટલે ઈમામસાહેબે કુરાનેશરીફમાંથી આયત સંભળાવી, અને નીચેનું કબીરનું સંગ્રામગીત આખી પરિષદ ઝીલે એવી રીતે સંભળાવવામાં આવ્યું અને રામધૂન ચાલી :

શૂર સંગ્રામ કો દેખ ભાગે નહિ,
દેખ ભાગે સોઉ શૂર નાહીંં — શૂર૦
કામ ઔર ક્રોધ મદ લોભસે ઝૂઝના,
મંડા ઘમસાણ તંહ ખેત માંહી — શૂર૦
શીલ ઔર શૌચ સંતોષ સાથી ભયે,
નામ શમરોર તંહ ખૂબ બાજે,
કહત કબીર કોઉ ઝુઝિ હૈ શૂરમા,
કાયરાં ભેઢ તંહ તુરત ભાજે — શૂર