બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/તંત્રરચના

વિકિસ્રોતમાંથી
← બારમી ફેબ્રુઆરી બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
તંત્રરચના
મહાદેવભાઈ દેસાઈ
સ્પષ્ટીકરણ →


તંત્રરચના
“પાણીમાં પેઠા પછી હવે તરવા શીખ્યે જ છૂટકો છે, નહિ તો તળિયે જઈશું.”

સંગ્રામ તો મંડાયા, પણ પછી ? સ્થિતિ તો સામાન્ય માણસને મૂંઝવે એવી હતી. લોકોની મનોદશામાં તત્કાળ પલટો કરવાની જરૂર હતી. આજ સુધી લોકોને એવું વિચારવાની તાલીમ મળી હતી કે વધારા જેટલી રકમ ન ભરવી; જે જે ભાષણો થયાં હતાં તેમાં, ધારાસભાના સભ્યો તરફથી જે સલાહ મળી હતી તેમાં, એ જ વાત કરવામાં આવી હતી, અને એ વાત મોટા ખાતેદારો ફરી ફરીને સંભળાવતા હતા. બારમી પહેલાં જ નબળાપાતળા જે આવતાં તોફાન સામે ટક્કર ઝીલી શકે એવા નહોતા તે મહેસૂલ ભરી ચૂક્યા હતા, અને બારમીના ઠરાવ છતાં પણ કેટલાક તો બારી શોધતા હતા. કેટલાક રાહ જોઈને બેઠા હતા : ‘જોઈએ છીએ, એકાદ મહિનામાં તો ખબર પડી જશે કે લડત કેવી ચાલે છે, પછી આપણે પણ ઠરાવ કરશું.’ આ બધાની પાસે પ્રતિજ્ઞા કરાવવાની હતી.

આખા તાલુકાની અનેક કોમો વચ્ચે પણ મેળ સાધવાનો હતો. પાટીદારોમાં તો નાતનાં બંધારણ હતાં, પણ તે બંધારણને લડતને માટે ઉપયોગમાં લેવાનાં હતાં. નાતના ઘરડાઓ લડતથી જ ડરતા હોય તો તેઓ બંધારણનો લડતને માટે ઉપયોગ કરવા દે ખરા ? રાનીપરજ બિચારા ગરીબ ગાય જેવા — તેમના ઉપર જો સરકાર પહેલો જ હુમલો કરે તો તો તેઓ જ ચુરાઈ જાય. વાણિયાઓ પાસે તો સેંકડો એકર જમીન પડેલી — એ જમીન ખાલસા થાય ત્યાં સુધી તેઓ ટકી રહે ખરા ? ઘણા તો સરકારદરબારે જનારા, સરકારી અમલદારોથી શરમાઈને કામ કરનારા રહ્યા. આ લોકોની પાસે રાનીપરજ લોકોની ઘણી જમીન રહેલી; રાનીપરજના તરફથી જ એ લોકો મહેસૂલ ભરી દે તો પેલા બિચારા શું કરે ? અનાવલા બ્રાહ્મણોનાં થોડાં ગામો તે બધાં લડતમાં જોડાયાં નહોતાં. એ નાતને બંધારણ જેવી તો વસ્તુ જ ન મળે ! મોટા પ્રતિષ્ઠિત ગણાતા લોકો તો પોતાની પ્રતિષ્ઠાના તોરમાં અને મુત્સદ્દીપણાના મદમાં હજી રાહ જોઈને બેઠા હતા. મુસલમાનોમાંથી આગેવાનો બારમીએ હાજર હતા, પણ સૂરતનું ઝેરી વાતાવરણ અહીં પણ ફેલાય તો ? અને પારસીઓ વિષે તો શું કહેવાય ? તેમને પણ લડતમાં મોટાં જોખમ હતાં. તેમનો દારૂ વેચવાનો ધંધો રહ્યો. અગાઉની દારૂનિષેધપ્રવૃત્તિને લીધે પણ કેટલાકનાં મન મોળાં હતાં.

શ્રી. મોહનલાલ પંડ્યા તાલુકાનાં ગામોમાં રખડવા મંડ્યા હતા. તેમણે એક ગામથી શ્રી. વલ્લભભાઈ ઉપર કાગળ લખ્યો હતો, તેનો ભાવાર્થ આ હતો: ‘અહીંનાં ગામોમાં હું ભટકી રહ્યો છું, અને મારી આસપાસની સ્થિતિ જોઈને સમસમી રહ્યો છું. થોડા જ દિવસમાં સરકારની સાથે શૂરા સંગ્રામ માંડનારા આ લોકો હશે ? આ લોકોને તો લડતની કશી ખબર હોય એમ લાગતું નથી. ગામમાં સભા શી રીતે થાય ? અર્ધું ગામ જાનમાં ગયું હોય, અથવા નાત જમવા બેસવાની હોય ! લગનગાળામાં એમને લડવાની ફુરસદ ક્યાં છે ? અને કેટલાક તો એવા પડ્યા છે છે કે જેમના મનમાં હજી રહ્યું છે કે સત્યાગ્રહ હોય કે ન હોય અમારે ઘેર લગન હોય અને મામલતદાર ન આવે એ બને ? આ લોકોની મારફતે આપણે લડવાનું ! મને નિરાશા નથી થતી, પણ આપણે કેટલાં પાણીમાં છીએ તે જાણી રાખવું ઠીક છે. ભગવાન તમારી લાજ રાખે !’

પણ લાખ વિચાર કરીને લડતનો નિશ્ચય કરનાર નાયક આ પરિસ્થિતિથી ડગે એવા નહોતા. તેમણે તો લોકોને કહ્યું હતું : ‘તમારામાંથી ૧૦૦ મરણિયા મળે તો આપણે જીતશું.’ પણ એ ૧૦૦ મરણિયાને બળે ૧૭,૦૦૦ ખાતેદારો જીતે એમ તે ઇચ્છતા નહોતા. તેમને તો કાયરને શૂરા બનાવવા હતા, મૂડદામાં પ્રાણ પૂરવા હતા. એટલે એમણે તો લડતની તૈયારી કરવા માંડી, આખું તંત્ર તૈયાર કરવા માંડ્યું. તાલુકામાં ચાર છાવણીઓ તો હતી જ — બારડોલીમાં શ્રી. કલ્યાણજી, જુગતરામ, કેશવભાઈ અને ખુશાલભાઈ હતા; સરભોણમાં ડા. ત્રિભુવનદાસ હતા; મઢીમાં  મકનજી દેશાઈ હતા, અને વેડછીમાં શ્રી. ચુનીલાલ મહેતા અને તેમનાં પત્ની હતાં. શ્રી. વલ્લભભાઈએ બધા કાર્યકર્તાઓને બોલાવ્યા અને નવી છાવણીઓ ખોલવાની સૂચના કરી. આ સૂચનાને પરિણામે વાણિયાઓના મોટા મથક વાલોડમાં, વાણિયાઓના બીજા મથક બુહારીમાં, તાલુકાના મધ્યમાં આવેલા પાટીદારોના મોટા મથક વાંકાનેરમાં, ઉત્તરમાં એવા જ મોટા મથક વરાડમાં અને બામણીમાં, અને રાનીપરજ વિભાગના બાલદા ગામમાં, અને એક બાજીપુરામાં એટલી નવી છાવણીઓ બનાવવામાં આવી.

હજી સુધી કાર્યકર્તાઓને માટે જાહેર માગણી કરવામાં આવી નહોતી, અને શ્રી. વલ્લભભાઈને એવી માગણી કરવી પણ નહોતી. સેવા કરવાને જે તત્પર હતા તે તો આવી ચૂકેલા હતા જ. ડા. ચંદુલાલ તો પોતાને સિપાઈ કહેવડાવવામાં ગૌરવ માનનારા, અને કહ્યું કામ ઉપાડી લેનારા. તેમણે વાલોડ અને બુહારીની છાવણી સંભાળી લીધી. શ્રી. મોહનલાલ પંડ્યા વરાડ અને એની આસપાસનાં ગામડાં સંભાળીને બેઠા. શ્રી. રવિશંકરભાઈ વિના ગુજરાતમાં ચાલતી સત્યાગ્રહની લડત શ્રી. વલ્લભભાઈ ચલાવે જ શાના ? તેમણે સરભણમાં પડાવ નાંખ્યો. દરબારસાહેબ ગોપાળદાસ પણ શ્રી. વલ્લભભાઈને અમદાવાદથી બારડોલી બોલાવી લાવવામાં સામેલ હતા. બલ્કે દરબારસાહેબ, મોહનલાલ પંડ્યા અને રવિશંકર જેવા ભડ યોદ્ધા આવવાને તૈયાર છે એ તો ભાઈ કલ્યાણજી, ખુશાલભાઈ અને કેશવભાઈ પાસે શ્રી. વલ્લભભાઈને બારડોલી લઈ જવાને એક મજબૂત દલીલ હતી. દરબાર સાહેબે બામણીનો કિલ્લો સંભાળ્યો. ભાઈ ગોરધનદાસ ચોખાવાળા તેમને કુશળ મદદનીશ તરીકે મળી ગયા. ભાઈ ચિનાઈ જેઓ સાબરમતી જેલમાં બે વર્ષ સરકારના મહેમાન થઈ આવેલા હતા, અને જેમણે સૂરતના રમખાણમાં બહાદુરીથી અને શાંતિથી ઘા ઝીલ્યા હતા તેમને બારડોલી તળ સોંપવામાં આવ્યું. ભાઈ કેશવભાઈ તો ખાદીના કામને વરેલા હતા, પણ તેમણે શ્રી. લક્ષ્મીદાસભાઈ પાસે લડતમાં જોડાવાની રજા માગી લીધી. તે ડા. ચંદુલાલ સાથે જોડાયા, અને વાલોડની આસપાસના રાનીપરજ ગામોને માટે તેમણે જવાબદારી લીધી. નડિયાદવાળા ભાઈ ફૂલચંદ શાહ પણ પંડ્યાજી જેવા જૂના જોગી, ખેડા, નાગપુર અને બોરસદના અનુભવી, મઢી થાણા ઉપર ગયા. બોરસદવાળા અંબાલાલ પટેલ બાલદા, અને નારણભાઈ બુહારી છાવણી સંભાળીને બેઠા.

આખા તાલુકાના મુસલમાન ભાઈઓની ખાસ સેવામાં ૭૫ વર્ષના યુવાન અબ્બાસસાહેબ તૈયબજી અને દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો અનુભવ મેળવી આવેલા અનુભવી ઈમામસાહેબ રોકાઈ ગયા.

આવી લડત પ્રકાશનખાતા વિના શી રીતે ચાલે ? બધા ખેડૂતોની પાસે દૈનિક છાપાં લેવાની અથવા ‘નવજીવન’ના પણ ગ્રાહક થવાની આશા ન રાખી શકાય, અને બહારનાં છાપાં તો લડતનો બાહ્ય ચિતાર આપે. એટલે ભાઈ જુગતરામ દવેના હાથ નીચે પ્રકાશનખાતું ખોલવામાં આવ્યું. શ્રી. કલ્યાણજીને પણ પ્રકાશનવિભાગમાં ગણીએ તો ખોટું નથી. કારણ ભાઈ જુગતરામની કલામય અને કસાયેલી કલમ અને ભાઈ કલ્યાણજીનો ચિત્રો ખેંચવામાં સિદ્ધ થયેલો હાથ એ બે પ્રકાશનખાતાના પ્રાણરૂપ હતાં. આ પ્રકાશનખાતામાંથી રોજ યુદ્ધની ખબર આપનારી એક પત્રિકા કાઢવાનું, શ્રી. વલ્લભભાઈનાં ભાષણો છૂટાં છાપવાનું, મુંબઈનાં દૈનિકોને ગુજરાતી અને અંગ્રેજીમાં ખબરો મોકલવાનું, ફોટોગ્રાફ મોકલવાનું યોજવામાં આવ્યું. લડત પૂરજોસમાં ચાલવા માંડી ત્યારે આ ખાતામાં ‘યંગ ઇડિયા’ના પાકા અનુભવી ભાઈ પ્યારેલાલે જોડાઈ ને અંગ્રેજી વિભાગ કુશળતાથી સંભાળી લીધો. ખબરની પત્રિકાઓ પહેલી સાઇક્લોસ્ટાઈલથી કાઢવામાં આવતી હતી, થોડા જ દિવસમાં સૂરતમાં તે છપાવવાની વ્યવસ્થા થઈ અને આરંભથી જ ૫,૦૦૦ નકલો ઊડી જવા લાગી. આ પત્રિકાઓ લોકોનો રોજનો ખોરાક થઈ પડી, તેમને રોજરોજ લડતનો રસ લગાડી શૂર ચડાવનાર રણશિંગુ થઈ પડી. મુંબઈનાં દૈનિકો રોજરોજ એ પત્રિકાઓ સળંગ ઉતારવા લાગ્યાં, ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને ગામમાં એની નકલો જવા લાગી, અને લડતના બેત્રણ મહિનામાં તો એની ચૌદ હજાર નકલો ઊડી જવા લાગી.

સરદારની સાથે ચોવીસે કલાક રહી તેમને દરેક બાબતમાં મદદ આપનાર મંત્રીની ખાસ જરૂર હતી. એક પ્રકારનો ક્ષેત્રસંન્યાસ લઈ બેઠેલા છતાં સ્વામી આનંદે આ પદ આટોપી લીધું અને લડતના અંત સુધી એ પદને શોભાવ્યું.

મુખ્ય કાર્યકર્તાઓ ઉપરાંત, ખેડૂતોએ પોતામાંથી જે અનેક સ્વયંસેવકો ઉભા કર્યા. એ લોકોનું કામ પોતપોતાનાં ગામોમાં સેવા કરવાનું, ખબર લાવવાનું અને પહોંચાડવાનું, સંદેશા લાવવા લઈ જવાનું, અને બીજું જે નાનું મોટું કામ સોંપાય તે કરવાનું હતું. આમાંના કેટલાક સ્વયંસેવકો રાનીપરજ કોમમાંથી મળી રહ્યા હતા.

પત્રિકાઓમાં પહેલું ભાષણ તો શ્રી. વલ્લભભાઈનું ૧રમીનું હતું, પણ શ્રી. વલ્લભભાઈ સત્યાગ્રહનો ઠરાવ કરીને બારડોલીમાં એક ઘડી પણ બેસે એમ નહોતું. તે જ રાત્રે તેઓ વાંકાનેર ગયા. પંડ્યાજીના કાગળના ભણકારા તો તેમના કાનમાં વાગતા જ હતા. એ ભણકારા અને આસપાસની પરિસ્થિતિને લીધે વાંકાનેરમાં એ જ રાત્રે એમણે જે ભાષણ કર્યું તે બારડોલીના ભાષણને ભુલાવે એવું હતું. એ ભાષણ આખી લડતના પાયારૂપ થઈ પડ્યું એમ કહેવાય. અને આ ભાષણથી જ સરદારે આખા તાલુકામાં લોકશિક્ષણ શરૂ કર્યું કહેવાય. આ લોકશિક્ષણનાં બધાં મૂળતત્ત્વો આ ભાષણમાં આવી જાય છે. એ પત્રિકા નં. ૪ થી તરીકે છપાયું. એનો મહત્ત્વનો ભાગ અહીં આપી દઉં છું :

“બારડોલીમાં આજે હું એક નવી સ્થિતિ જોઉં છું. અગાઉના દિવસો મને યાદ છે. તે કાળે આવી સભાઓમાં પુરુષો જેટલી બહેનો પણ આવતી. હવે તમે પુરુષો એકલા જ સભામાં આવો છે. તમે કહેવાતા મોટાઓનું જોઈને મલાજો શીખતા જતા દેખાઓ છો, પણ હું કહું છું કે જો આપણી બહેનો, માતાઓ, સ્ત્રીઓ આપણી સાથે નહિ હોય તો આપણે આગળ ચાલી શકવાના નથી. કાલ સવારે જપ્તીઓ આવશે. આપણી ચીજો, વાસણો, ઢોરઢાંખર લઈ જવા જપ્તીદારો આવશે. જો આપણે બહેનોને આ લડતથી પૂરી વાકેફગાર નહિ રાખી હોય, તેમને આપણી જોડે જ તૈયાર કરી નહિ હોચ, આ લડતમાં પુરુષના જેટલો જ રસ લેતી નહિ કરી હોય, તો તે વખતે તેઓ શું કરશે ? ખેડા જિલ્લાના મારા આવા અનુભવોમાં મેં જોયું છે કે ઘરનું ઢોર છોડી જવામાં આવે ત્યારે સ્ત્રીઓને લડતમાં કેળવવામાં ન આવી હોય તો મોટો આઘાત પહોંચે છે. માટે તમે બહેનોને લડતમાં બરાબર કેળવો. ગમે તેટલી હાડમારી, ગમે તેટલાં દુઃખ પડે, બધું સહન કરીને પણ આવી લડતો લડવી રહી. ભલે સરકાર જમીન ખાલસા કરવાના હુકમો કાઢે, ચાહે તેમ થાય, પણ આપણા હાથે ઉપાડીને એક પૈસો પણ ન આપવાના નિશ્ચયમાંથી ન ડરવું જોઈએ.

તમે લગ્નો લઈ બેઠા છો તે બધાં ટૂંકમાં પતાવવાં પડશે. લડાઈ જગાવવી હોય ત્યાં બીજું શું થાચ ? કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી ખેતરમાં ફરતા રહેવું પડશે, છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. બાળક, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ સૌ આ સ્થિતિ સમજે, ગરીબતવંગર, બધી કોમ એકરાગ થઈ એકખોળિયે પ્રાણ હોય તેમ વર્તે, રાત પડ્યે જ સૌ ઘેર આવે. આવું થવું જોઈશે. જપ્તીઓ કરવા સરકારને ગામમાંથી જ અથવા તાલુકામાંથી જ માણસો લાવવા પડે છે ને ? તે કામ માટે એક માણસ પણ શોધ્યો ન જડે એવી આખા તાલુકાની હવા થઈ જવી જોઈએ. જપ્તીઅમલદાર કોઈ ખભે ઊંચકીને વાસણો લઈ જનારો મેં હજુ જોયો નથી. સરકારી અમલદારો તો અપંગ હોય છે. પટેલ, મુખી, વેઠિયો, તલાટી કોઈ સરકારને મદદ ન કરે ને ચોખ્ખું સંભળાવી દે કે મારા ગામની અને તાલુકાની લાજઆબરૂ જોડે મારી લાજઆબરૂ છે. તાલુકાની આબરૂ જાય તો મુખીપણું શા ખપનું ? તેના હિતમાં જ મારું હિત છે. તાલુકો ઘસાય, અપંગ થાય, એમાં પટેલનું હિત નથી. એટલે આપણે આખા તાલુકાની હવા એવી કરી મૂકીએ કે તેમાં સ્વરાજની ગંધ હોય, ગુલામીની નહિ; તેમાં સરકારની સામે ઝૂઝવાના ટેકાનું તેજ ચહેરા પર દેખાઈ આવતું હોય.

હું તમને આજે ચેતવણી આપવા આવ્યો છું કે હવે રમતના છંદમાં, મોજશોખમાં ઘડી પણ ન રહો. જાગૃત થાઓ. બારડોલીનું નામ ચારખંડ ધરતીમાં ગવાયું છે. આજે બપોરે જ પરિષદમાં એક મુસલમાન ભાઈએ આપણને સંભળાવ્યું કે બારડોલીના કોઈ પણ વતનીને જોતાં જ બંગાળામાં લોકો કેવા તેના પગની ધૂળ લેવા તૈયાર થતા. કાં તો આપણે, તાલુકાએ ખરાબ થવું છે ને મરી ફીટવું છે, ને કાં તો સુખી થવું છે. હવે રામબાણ છૂટી ગયું છે. આપણે ભાંગશું તો આખા હિંદુસ્તાનને ભાંગશું; અને ટકશું તો તરશું, ને હિંદુસ્તાનને પદાર્થપાઠ આપશું. તમારા જ તાલુકાએ ગાંધીજીને આખા દેશની લડતના પાયાની ઈસ થવાની આશા આપી હતી. તે પરીક્ષા તો તે વખતે ન થઈ, જોકે દેશપરદેશ બારડોલીનો ડંકો વાગી ગયો. હવે એ પરીક્ષા આજે આપવાનો પ્રસંગ આવ્યો છે. તમે હિંદુસ્તાનને સ્વરાજ અપાવવા નીકળ્યા હતા, તે હવે તમારા ઘરની લડત માટે શું કરો છે તેની પરીક્ષા થશે. આમાં પાછા પડીએ તો ઇજ્જતઆબરૂ જશે, ને હિંદુસ્તાન આખાને ભારે નુકસાન થશે.

આજે જ પરિષદ પૂરી કરીને તરત હું અહીં તમારી પાસે આવ્યો છું, કારણ હવે તાલુકાના જેટલાં ભાઈબહેનો મળે તેટલાંને મારો સંદેશો આપવા માગું છું કે હવે સૌ ચેતતાં રહેજો, હવે પૂરેપૂરાં જાગૃત રહેજો, ગાફેલ ન રહેશો. સરકાર એક ઉપાય બાકી નહિ રાખે, તમારામાં ફાટફૂટ પાડશે, કજિયા કરાવશે, કંઈ કંઈ ફેલ કરસે, પણ તમે તમારા બધા અંગત ને ગામના કજિયાને હમણાં લડત ચાલતાં સુધી કૂવામાં નાંખજો, લડત પૂરી થાય ત્યાં સુધી એવી એકેએક વાત ભૂલી જજો; પાછળથી બધું યાદ કરીને જોઈએ તો લડી લેજો. જોઈએ તો તેવી રીતે પાછળથી લડવાના તમારા નિશ્ચયના દસ્તાવેજો કરીને પેટીપટારામાં સાચવી મૂકજો ! પણ અત્યારે તો બાપદાદાનાં વેર પણ ભૂલી જજો. જિંદગી સુધી જેની સાથે ન બોલ્યા હો ને અબોલા પાળ્યા હોય, તેની સાથે પણ આજે બોલજો; આજે ગુજરાતની ઇજ્જત તમે તમારા હાથમાં લીધી છે તે સંભાળજો. અને આપણે હાથેથી એક દમડી સરકારને નથી આપવી એ નિશ્ચયમાં કાયમ રહેજો; નહિ તો જીવ્યું ન જીવ્યું થઈ જશે, અને તાલુકો કાયમના બોજામાં પડશે. કેટલાકને જમીન ખાલસા થવાનો બાઉ છે. ખાલસા એટલે શું ? શું તમારી જમીને ઉખાડીને સુરત કે વિલાયત લઈ જશે ? જમીન ખાલસા કરે કે ચાહે તે કરે, ફેરફાર થાય તે સરકારના દફ્તરનાં પાનાંમાં થાય, પણ તમારામાં સંપ હોય તો તમારી જમીનમાં બીજો કોઈ આવીને હળ ન નાંખે એમ કરવું એ તો તાલુકાનું કામ છે. પછી સરકારી દફ્તરે ભલે ખાલસા થાય. ખાલસાની બીક છોડી દો. જે દિવસે તમારી જમીનો ખાલસા કરાવવા તમે તૈયાર થશો તે દિવસે તો તમારી પાછળ આખું ગુજરાત ઊભું છે એમ ખચીત માનજો. ખાલસાની બીક હોય, એવી નામર્દાઈ હોય તો લડત લડાય જ નહિ. તમારા એક જ ગામમાં પાકો બંદોબસ્ત કરશો, તો પણ આખા તાલુકાને મક્કમ કરી શકશો, આખા પરગણાને જગૃત કરશો.

લડતનું મંડાણ મંડાઈ ચૂક્યું છે. હવે ગામેગામ મોટી લશ્કરી છાવણીઓ છે એમ માનો. ગામેગામની હકીકત રોજ તાલુકાના મથકે પહોંચવી જોઈએ, અને મથકના હુકમો ગામેગામ પહોંચવા અને અમલમાં મુકાવા જઈએ. આપણી તાલીમ એ જ આપણી જીતની કૂંચી છે. સરકારનો માણસ ગામેગામ એકાદ તલાટી કે મુખી હોય છે, આપણી પાસે તો આખું ગામ છે.”