બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/સ્પષ્ટીકરણ

વિકિસ્રોતમાંથી
← તંત્રરચના બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
સ્પષ્ટીકરણ
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજીના આશીર્વાદ →






સ્પષ્ટીકરણ

“આ લડત અંગ્રેજનું રાજ્ય ઉથલાવવા માટે છે એવું કોઈ કહેતું હોય તો તેને અક્કલ જ નથી. જે વખતે અમે હિંદુસ્તાન દેશમાં લડી મરીએ છીએ તે વખતે અમે રાજ્ય લઈએ તોપણ ભાગોળે જઈને પાછું આપવું પડે.”

લડતની તૈયારી ચાલી રહી હતી ત્યારે સરકાર સાથે પત્રવ્યવહાર પણ ચાલી રહ્યો હતો. ગમે ત્યારે, ગમે તે દશાએ, સરકાર સુલેહ કરવાને તૈયાર હોય તો આપણે તૈયાર હોવું જોઈએ એ જ મનોદશા શ્રી. વલ્લભભાઈએ આખી લડત દરમ્યાન રાખી અને સરકારની કોઈ પણ રીતે ગેરસમજ ન થાય એ વખતોવખત સ્પષ્ટ કરવાની તેમણે તક લીધી.

તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ લખેલા કાગળનો જવાબ આખરે ૧૭ મી ફેબ્રુઆરીએ આવ્યો. આમાં ફરી જણાવવામાં આવ્યું : “નવી જમાબંધીને મંજૂરી આપતાં સરકારી ઠરાવમાં કહેલું છે કે બીજી જમાબંધી સુધીનાં વર્ષોમાં આ તાલુકાનો ઇતિહાસ સતત વધતી જતી આબાદીનો હશે એ કથનને નામદાર ગવર્નર તો ભારપૂર્વક વળગી રહે છે. છેલ્લાં ત્રીસ વર્ષનો બારડોલી અને ચોર્યાસી તાલુકાનો ઇતિહાસ આ આગાહીનું પૂરતું સમર્થન કરે છે.” આ આગાહી કરવી મહેસૂલ લેનારને માટે કેટલી સહેલી અને અનુકૂળ છે ! આ પછી બીજું એક વચન શ્રી. જયકરને પ્રમાણપત્ર આપનારું હતું : “રેવન્યુખાતાના અનુભવી અમલદાર શ્રી. એમ. એસ. જયકર દશ મહિના સુધી આ તાલુકામાં ફર્યા છે અને દરેક ગામની તેમણે બરાબર તપાસ કરી છે. તેમણે ગામેગામ ખેતરો ઉપર જઈ ખેડૂતો સાથે વાતચીત કરી છે તથા તેમની સાથે મસલત કરી છે.” આ ઉપરાંત જણાવ્યું કે ગણોતના આંકડા ઉપર આ ઇલાકાના જમીનમહેસૂલના ઇતિહાસમાં પહેલીવાર આધાર રાખવામાં આવ્યો છે એ કથન પાયાવિનાનું છે. સરકારે સેટલમેંટ ઑફિસર અને સેટલમેંટ કમિશનરે સૂચવેલા દરોમાં ખૂબ ઘટાડો કરી નાંખ્યો છે, અને “હવે નવી આકારણી પ્રમાણે વસૂલ લેવાનું મુલતવી રાખવા, અથવા આકારણીનો ફરી વિચાર કરવા, અથવા બીજી કોઈ પણ જાતની વિશેષ રાહત આપવા તૈયાર નથી. આ પ્રમાણે જાહેર કરવા છતાં બારડોલીના લોકો પોતાની જ બુદ્ધિએ ચાલીને અથવા બહારનાઓની શિખામણને વશ થઈને, મહેસૂલ ભરવામાં કસૂર કરશે તો લૅન્ડ રેવન્યુ કોડ અનુસાર જે પગલાં લેવાં જોઈશે તે લેતાં ગર્વનર અને તેની કાઉંસિલને જરા પણ સંકોચ નહિ થાય, અને તેને પરિણામે નહિ ભરનારાઓને જાણીબૂજીને જે નુકસાનમાં ઊતરવું પડશે તેને માટે સરકાર જવાબદાર નહિ રહે.” આ કાગળની કેટલીક વિચિત્ર વાતોનો જવાબ શ્રી. વલ્લભભાઈ આપ્યા વિના ન રહી શક્યા. તા. ૨૧ મીએ તેમણે ઉપરના પત્રનો જવાબ આપ્યો, તેમાં ગણોતના આંકડાનો આધાર પહેલીવાર રાખવામાં આવ્યો છે એ પોતાના કથનના આધારમાં અનેક અમલદારોનાં કથન ટાંક્યાં, ૨૨ ટકા વધારો કયા આધારે ઠરાવવામાં આવ્યો એ સરકાર પાસે જાણવા માગ્યું, અને સરકારે આપેલી ધમકી માટે આભાર માનીને તેમને જણાવ્યું : “તમે મને અને મારા સાથીઓને ‘બહારના’ ગણતા જણાઓ છો. હું મારા પોતીકા લોકોને મદદ કરી રહ્યો છું એના રોષમાં તમે એ વાત ભૂલી જાઓ છો કે જે સરકારની વતી તમે બોલો છે તેના તંત્રમાં મુખ્યપદે બહારના જ લોકો ભરેલા છે. હું તમને કહી જ દઉં કે જોકે હું મને પોતાને હિંદુસ્તાનના કોઈ પણ ભાગ જેટલો જ બારડોલીનો પણ રહીશ સમજું છું, છતાં ત્યાંના દુઃખી રહેવાશીઓના બોલાવ્યો જ હું ત્યાં ગયો છું અને કોઈ પણ ક્ષણે મને રજા આપવી એ એમના હાથમાં છે. એમના હીરને અહોરાત્ર ચૂસનાર અને બહારથી આવીને તોપબંદૂકના જોરે લદાયેલા આ રાજ્યતંત્રને પણ તેટલી જ સહેલાઈથી વિદાય દેવાનું એમના હાથમાં હોત તો કેવું સારું !” આટલાથી કોઈ શાણો માણસ ચેત્યો હોત. પણ સરકારના રેવન્યુખાતાના મંત્રી મિ. સ્માઇથ વધુ ઉશ્કેરાયા, આગલા પત્રને ટપી જાય એવો બીજો કાગળ લખ્યો, તેમાં જણાવ્યું, “બારડોલીની પ્રજાએ દેવાળું કાઢ્યું નથી, તેમજ તે દેવાળું કાઢવાની અણિ પર આવેલી નથી. તાલુકાની વસ્તી વધી છે અને હજુ પણ વધતી જાય છે અને દેવાળાનું એક પણ ચિહ્ન નજરે દેખાતું નથી; ” શ્રી. વલ્લભભાઈ એ ટાંકેલા સરકારી અમલદારોના અભિપ્રાયો “સરકારના સત્તાવાર ઉદ્‌ગારો ન ગણાય,” અને શ્રી. વલ્લભભાઈ અને તેમના સાથીઓને ‘બહારનાઓ,’ કહેવામાં તેમણે સરકારના રેવન્યુ મંત્રી તરીકે નહોતું લખ્યું પણ “આ કાગળથી હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક પેલા કાગળમાં પણ નામદાર ગવર્નર અને તેની કાઉન્સિલના જ પાકા વિચારો મૂકવામાં આવ્યા હતા અને છે એમ જ આપ સમજશો;” અને “હજુ આ સબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તો જિલ્લાના કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરશો.”

સરકારની સંમતિ લઈને શ્રી. વલ્લભભાઈએ આ આખો પત્ર-વ્યવહાર વર્તમાનપત્રોને પ્રસિદ્ધ કરવાને આપ્યો, અને એ આપતાં તેમને એક પત્ર લખ્યો તેમાં સરકારની અવળાઈને સારી રીતે ઉઘાડી પાડી, અને બારડોલી સત્યાગ્રહનો ઉદ્દેશ કેટલો પરિમિત હતો તે જાહેર કર્યું : “બારડોલી સત્યાગ્રહનો હેતુ પરિમિત છે. જે બાબત વિવાદાસ્પદ છે એમ આ પત્રવ્યવહારથી પ્રગટ થાય છે તે બાબતમાં નિષ્પક્ષ પંચ માગવાનો સત્યાગ્રહીઓનો હેતુ છે. લોકો તો કહે છે કે બારડોલી તાલુકામાં મહેસૂલ વધારવાને માટે કશું જ કારણ નથી. પણ એ આગ્રહ રાખવાને બદલે મેં તો નિષ્પક્ષ પંચની જ લોકોની અનિવાર્ય માગણી ઉપર આગ્રહ રાખ્યો છે. સેટલમેંટ ઑફિસરના રિપોર્ટના વાજબીપણાનો મેં ઈનકાર કર્યો છે, સેટલમેંટ કમિશનરે જે ધોરણે કામ લીધું છે તે ધોરણના વાજબીપણાનો મેં ઇનકાર કર્યો છે. સરકારની ઇચ્છા હોય તો એની તપાસ કરીને મને ખોટો ઠરાવે. સત્યાગ્રહપ્રતિજ્ઞાથી પણ ખેડૂતો બે શરતે બંધાયા છે — એક તો એ કે સરકાર જૂનું મહેસૂલ લઈને પૂરી પહોંચ આપે તો જૂનું મહેસૂલ ભરી દેવું, અથવા તો નિષ્પક્ષ પંચ નીમીને લોકોની પાસે જૂનું મહેસૂલ ભરાવી દે તો ભરી દેવું, અને પંચના નિર્ણયની રાહ જોવી. આ બેમાંથી એક રસ્તો કોઈ પણ આબરૂદાર સરકાર માટે કઠણ હોવો ન જોઈએ.” એ વસ્તુ જોવાજેવી છે કે સરકારના રેવન્યુખાતાના મંત્રી મિ. સ્માઇથ જ્યારે શ્રી. વલ્લભભાઈની સાથે પેલો અપમાનભર્યો પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા અને તેમને ‘બહારના’ કહીને પોતાનું પોત પ્રકાશી રહ્યા હતા તે જ વખતે સરકારના અર્થસચિવ (ફાઈનેન્સ મેમ્બર) સર ચુનીલાલ મહેતા એ ‘બહાર’નાની ગુજરાત પ્રલયસંકટનિવારણને અંગે કરેલી સેવાની ભારે તારીફ કરી રહ્યા હતા. આ રહ્યા તેમના શબ્દો :

“ધંધારોજગારમાં રચ્યોપચ્યો રહેલો ગુજરાત પ્રાંત થોડાં વર્ષ ઉપર તો આત્મત્યાગભર્યા લોકકાર્ય કરનારા સેવકો ધરાવવાની મગરૂરી લઈ શકતો નહોતો. પણ આજે મહાત્મા ગાંધીને અતિશય આનંદ થતો હશે કે ગ્રામ્ય પ્રદેશોમાં સમાજસુધારા અને લોકસેવાનાં કામ કરનારા સેવાવ્રતીઓનું મંડળ ઊભું કરવાના તેમના પ્રયાસને સારી સફળતા મળી છે, અને આવી અણધારી આફત વખતે પોતાના વહાલા નેતાની ગેરહાજરીમાં વિદ્યાપીઠના સ્વયંસેવકોએ આટલું સરસ કામ કરી બતાવ્યું. ગાંધીજીની ગાદી શ્રી. વલ્લભભાઈ પટેલે કેવી રીતે સાચવી અને પ્રલયસંકટનિવારણનું કામ એમણે કેટલા ઉત્સાહથી ઉપાડી લીધું અને પાર પાડ્યું એ તો હવે સૌ જાણે છે.”
(ફેબ્રુઆરી ૨૦, ૧૯૨૮ નું ભાષણ.)

પણ સરકારના કારભારી મંડળમાં મુખ્ય સચિવનું પદ ભોગવનારા, સમાજમાં મોટી પ્રતિષ્ઠા ધરાવનારા, અને શ્રી. વલ્લભભાઈ જેવાને માટે આટલું માન ધરાવનારા અને તેમની કાર્યપ્રણાલી સારી રીતે જાણનારા સર ચુનીલાલ મહેતા સરકારની પાસે તેની હઠ ન છોડાવી શક્યા.