બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ગાંધીજીના આશીર્વાદ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સ્પષ્ટીકરણ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
ગાંધીજીના આશીર્વાદ
મહાદેવભાઈ દેસાઈ
ખુમારીના પાઠ →

ગાંધીજીના આશીર્વાદ

“આપણે સરકાર જોડે કજિયો બાંધવાની ખાતર આ લડત નથી માંડી. તેનું વાજબી લહેણું આપણે દુધે ધોઈને ચૂકવી આપવું છે.”


શ્રી.વલ્લભભાઈએ સત્યાગ્રહનો ઉદ્દેશ આવી રીતે સ્પષ્ટ કર્યો એ જરૂરનું હતું, કારણ લડત શરૂ થઈ કે તરત વર્તમાનપત્રો પોતાની ઇચ્છા મુજબ એનું વર્ણન આપવા લાગ્યાં. આ વર્ણનમાં પ્રામાણિક અને અપ્રામાણિક અતિશયતા રહેલી હતી. લડતના પક્ષનાં કોઈ વર્તમાનપત્રો લડતને ‘જૂના બારડોલી કાર્યક્રમના પુનરુદ્ધાર ’ તરીકે અને ‘સવિનય ભંગ’ની અને કર ન ભરવાની લડત તરીકે વર્ણવતાં, તો ‘ટાઇમ્સ’ જેવાં વિરોધી વર્તમાનપત્રો, ગુજરાત પ્રલયસંકટનિવારણ જેવાં ઉત્તમ કાર્યમાં શ્રી. વલ્લભભાઈએ કરેલી ઉત્તમ સેવા કબૂલ કરતા છતાં, “સરકારને મદદ કરવાને બદલે સરકારને ગૂંચવનારી અથવા સરકારના તંત્રને અટકાવનારી હિલચાલના નેતા” તરીકે, અને “ગેરકાયદેસર હિલચાલમાં ગુજરાતના ખેડૂતોને ઉત્તેજન આપીને તેમની ભયંકર અસેવા કરનાર” તરીકે શ્રી. વલ્લભભાઈને વર્ણવવા લાગ્યાં. આની સાથેસાથે આ જ વર્તમાનપત્રે અનેક જૂઠાણાંમાં એક બીજું પણ જૂઠાણું ચલાવ્યું હતું કે ગાંધીજીએ આ લડતમાં ભાગ લીધો નહોતો કારણ તેમને એ લડત પસંદ નહોતી. હિલચાલને હલકી પડવાને માટે અનેક સાધનોમાં જૂઠાણું તો એક સાધન હોય જ. ગાંધીજી હિલચાલને આશીર્વાદ તો આપી ચુકેલા હતા એ સૌ જાણે છે, પણ હવે ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ દ્વારા પ્રસંગેપ્રસંગે તેઓ માર્ગદર્શન કરવા લાગ્યા, અને ઉત્તેજન આપવા લાગ્યા. આ લડતમાં ગાંધીજીએ આપેલો હિસ્સો દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા શ્રી. શ્રીનિવાસ શાસ્ત્રી સમજી શક્યા હતા, અને તેનું વર્ણન સત્યાગ્રહના વિજય પછી તેમણે જેવું આપ્યું છે તેવું કોઈએ નથી આપ્યું : ‘ભગવાન સંસારચક્ર ચલાવી અળગો રહે છે, કોઈ જાણતું નથી કે એ ચક્ર ભગવાન વડે ચાલે છે. પણ તે ન હોય તો ચક્ર બંધ થાય. તેમ જ તમે અદૃશ્ય રહીને, અલિપ્ત રહીને, આ લડતને દોરી છે.’ શ્રી. વલ્લભભાઈ અને સરકારની વચ્ચે ચાલેલો પત્રવ્યવહાર જે ‘નવજીવન’ના અંકમાં આખો પ્રગટ થયો તે જ ‘નવજીવન’ના અંકમાં ગાંધીજીએ સત્યાગ્રહની લડતને જાહેર આશીર્વાદ આપ્યા અને સરકારની પણ આંખો ઉઘાડી એ લેખ અક્ષરશઃ અહીં ઉતારું છું :

“આ અંકમાં વાચક સરકાર અને શ્રી. વલ્લભભાઈની વચ્ચેનો પત્રવ્યવહાર જોશે. આ પત્રવ્યવહાર એક દૃષ્ટિએ દુઃખદ પ્રકરણ છે. હું જ્યાં સુધી જોઈ શકું છું ત્યાં સુધી તો શ્રી. વલ્લભભાઈએ રજૂ કરેલી હકીકતો કે તેની ઉપર રચેલી દલીલોમાં ક્યાંયે ઉણપ નથી. સરકારના ઉત્તરમાં ચાલાકી, ઉડાઉજવાબી અને તોછડાઈ છે. આમ અમલ માણસને આંધળો બનાવે છે, ને તેના અભિમાનમાં તે મનુષ્યત્વ ખોઈ ભાન ભૂલી જાય છે, એ દુઃખદ પ્રકરણ છે. માણસની આવી ભૂલોનાં હજારો પ્રકરણો અનુભવવામાં આવે, તો પણ દરેક નવા પ્રકરણ વેળા તેનું દુઃખ તો લાગશે જ. કેમકે પોતે દોષ કરતો છતો મનુષ્ય ઊંડે ઊંડે સારું જ ચાહનારો છે તેથી બીજાનાં ઉદ્ધતાઈ, અવિવેક, ઇત્યાદિથી દુઃખ જ પામશે.

હું હકીકત અને દલીલોના ગુણોમાં નહિ ઊતરું. વાંચનારની આગળ ગુણદોષો તપાસવા વિચારવા પૂરતું સાહિત્ય ન હોય; હોય તો તે વાંચવા વિચારવા પૂરતી તેને ધીરજ ન હોય, પણ કેવળ ન્યાયને માર્ગે જ જનાર તટસ્થ વાંચનારને પણ વલ્લભભાઈની માગણી વાજબી જણાયા વિના નહિ રહે. વલ્લભભાઈ નથી કહેતા : ‘મારી દલીલ સરકારે કબૂલ રાખવી જ જોઈએ.’ તે તો કહે છે : ‘સરકારનો એક પક્ષ, લોકોનો બીજો પક્ષ છે. બન્નેની વચ્ચે હકીકત વિષે જ મતભેદ છે. આ મતભેદનો નિવેડો કરનાર એક તટસ્થ પંચ હોવું જોઈએ. તે જે ચુકાદો આપે તે લોકો વતી વલ્લભભાઈ કબૂલ રાખશે.’


‘અળગા રહી દોરનાર’

વલ્લભભાઈના પત્રનું મધ્યબિંદુ, તેઓ નિચોડ આ છે. સરકાર અને લોકોની વચ્ચે આમ પંચ હોય ? સરકાર સર્વોપરી નથી ? આ પ્રશ્ન ઊભો થાય છે. કાયદાના પ્રશ્નમાં તો આ સરકાર પણ કહેવાતી રીતે અદાલતના પિંજરામાં ઊભવા તૈયાર ગણાય છે. મહેસૂલને સરકાર અદાલતની બહાર રાખે છે. આનું કારણ સમજવું સામાન્ય મનુષ્યની અક્કલ બહાર છે. આપણે અત્યારે એ કારણની પંચાતમાં ન ઊતરીએ.

પણ જ્યારે મહેસૂલના પ્રશ્નો સામાન્ય રીતે કાયદા બહાર છે, ત્યારે લોકો વતી વલ્લભભાઈ પંચ ન માગે તો શું કરે ? સરકારને અરજી કરીને બેસી રહેવાની સલાહ આપે ? એવી સલાહ આપવી હોય તોયે લોકોએ જ તેવી બારી વલ્લભભાઈ સારુ ઉઘાડી નહોતી રાખી. તેઓ અરજીઓ કરી ચૂક્યા. અરજી કરી આપવાનું કામ વલ્લભભાઈનું ન મળે, તેથી તેઓ અરજી કરી આપનાર પાસે ગયા. ત્યાં ન ફાવ્યા એટલે વલ્લભભાઈ પાસે સત્યાગ્રહના યુદ્ધમાં સરદારી કબૂલ કરાવવા ગયા.

સત્યાગ્રહના કાનૂન પ્રમાણે વલ્લભભાઈએ સરકારની પાસે વિનયવિષ્ટિ કરી : ‘તમે ખોટા ન હો એમ સંભવે, લોકોએ મને ભોળવ્યો હોય એમ બને. પણ તમે પંચ નીમો ને તેની પાસે ઈન્સાફ કરાવો. તમારી ભૂલ થઈ ન જ હોય એવો દાવો તમે નહિ કરો.’ આ વિષ્ટિનો સરકારે અનાદર કરવાની ગંભીર ભૂલ કરી લોકોને સત્યાગ્રહ કરવાનો માર્ગ સાફ કરી આપ્યો છે.

પણ સરકાર તો કહે છે કે વલ્લભભાઈ તો પરાયા છે, બહારના છે, પરદેશી છે. તે અને તેમના પરદેશી સાથીઓ જો બારડોલી ન ગયા હોત તો લોકો મહેસૂલ ભરી જ દેત, એવો તેના કાગળનો ધ્વનિ છે. ઊલટા ચોર કોટવાળને દંડે છે. બારડોલી જ્યાં લગી હિંદુસ્તાનમાં છે, ત્યાં લગી વલ્લભભાઈ ને કે કાશ્મીરથી માંડી કુમારિકા લગીમાં અથવા કરાંચીથી માંડી દિબ્રુગઢ લગીમાં રહેનાર હિંદીને બહારના કેમ કહેવાય, તે નથી વલ્લભભાઈ સમજતા કે નથી બીજા કોઈ આપણામાંના સમજી શકવાના. પરદેશી, પરાયા, બહારના તો સરકારના અંગ્રેજી અમલદારો છે; અને વધારે સ્પષ્ટ રીતે કહીએ તો આ પરાયા, બહારની સરકારના બધા અમલદારો, પછી તે કાળા હો કે ધોળા, સરકારનું ‘લુણ’ ખાનારા સરકારનો જ પક્ષ લે. દ્રોણ ભીષ્માદિ જેવાને પણ યુધિષ્ઠિરને જવાબ આપવો પડ્યો : ‘જેનું લૂણ અમે ખાઈ એ છીએ તેના અમે તો કહેવાઈએ.’ આ પરાઈ સરકાર વલ્લભભાઈ જેવાને બારડોલી પરત્વે ‘પરદેશી’ કહે એ કેવી વક્રતા ? ધોળે દીએ અંધારું થયું ગણાય. આવાં જ કારણે મારા જેવાએ સરકારને વફાદાર રહેવામાં પાપ સમજી અસહકાર સાધ્યો. જ્યાં અવિનય આટલી હદ સુધી પહોંચે ત્યાં ન્યાયની આશા શી રાખવી ?

આ સરકારને ન્યાય કોણ શીખવે ? કેવળ સત્યાગ્રહી. બુદ્ધિવાદથી સરકાર અપરાજિત છે. બળિયાનું બળ જ તેની બુદ્ધિ હોય છે. તે તલવારની અણીએ ન્યાય જોખે છે. આ તલવાર સત્યાગ્રહની બેધારી તલવાર આગળ બુઠ્ઠી છે. જો બારડોલીના સત્યાગ્રહીઓમાં સત્યનો આગ્રહ હશે, તો કાં તો પંચ નિમાશે, અથવા વલ્લભભાઈની દલીલનો સ્વીકાર થશે, અને વલ્લભભાઈ પરદેશી મટી સ્વદેશી ગણાશે.

બીજો પ્રશ્નો આ પત્રવ્યવહારમાંથી નીકળે છે તેનો વિચાર હવે પછી. બાજી બારડોલીના લોકોના હાથમાં છે એટલું તેઓ યાદ રાખશે તો બસ છે.”