બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/બારડોલીની વીરાંગનાઓ

વિકિસ્રોતમાંથી
← ન્યાયના ભવાડા બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
બારડોલીની વીરાંગનાઓ
મહાદેવભાઈ દેસાઈ
વિષ્ટિકારો →





૨૫
બારડોલીની વીરાંગનાઓ

“ગમે તે થઈ જાય, પૃથ્વી રસાતળ જાય, સરકાર જુલમની અવધિ કરે તોપણ તમે બહેનો પ્રતિજ્ઞાથી ચળવાની નથી એ વસ્તુના પુરાવારૂપે હું આ તમારા પ્રેમને ગણું છું.”

ઠાણો અને પોલીસના જંગલી ઘેરા સામે રામનામ લઈને ઝૂઝતી ડોશીમાનાં દર્શન આપણે કર્યાં, મહાલકરીને ધમકાવનારી બહેન પ્રેમીનાં પણ કર્યાં, સેંકડોનું નુકસાન પોતાની આંખ આગળ થવા દેનારી નવાજબાઈનું પણ દર્શન કર્યું. સત્યાગ્રહી ગીતો ગાઈને સભાઓનું અનુરંજન કરતી, લોકોને શૂર ચડાવતી બહેનો — રાનીપરજ અને કણબી — ના તો અવારનવાર દરેક પ્રકરણમાં દર્શન થયાં છે એમ વાચકે માની લેવું. આટલું કહ્યું એટલે સરદારની સફળતાની બે ચાવી બતાવી છે તે ઉપરાંત ત્રીજી કઈ હતી તે કહેવાઈ ગઈ. સ્ત્રીઓને સરદારે પ્રથમથી જ હાથમાં ન લીધી હોત તો આ લડતમાં આવો રંગ આવત એમ કહેવું મુશ્કેલ છે.

બારડોલીનો ખેડૂત ગમે તેવો સાદો ભોળો હશે, પણ પવિત્રતામાં, સચ્ચાઈમાં તે બારડોલીની બહેનની સાથે સરખામણીમાં ન ઊતરી શકે. બ્રૂમફીલ્ડ કમિટીની સાથે અમે ફરતા હતા ત્યારે, એક ગામે સહેજે બહેનોની સચ્ચાઈ જોવાનો પ્રસંગ મળ્યો હતો. અમે પૂછતા હતા : “તમે દુબળાને બરોબર માપસર બશેર જુવાર આપો કે ઓછી ?’ મરદોએ કહ્યું: ‘માપસર.’ બહેનો ઘરમાં બેઠી બેઠી અમારી વાત સાંભળતી હતી. એક બહેન પોકાર કરી ઊઠી : ‘એમની સામે તો સાચું બોલો ! ભાઈ, અમારું માપ ઓછું હોય છે. દૂબળા અમને છેતરે છે, અમે તેમને છેતરીએ છીએ. આવાં પાપ કરીએ એટલે અમારી દશા આવી થઈ ગઈ છે.’ આ પછી કરજની વાત આવી. કરજ કબૂલ કરતાં લોકોને શરમ થતી હતી. એટલે એક બહેને એક ભાઈને ખખડાવીને કહ્યું: ‘સાચી વાત કહેતાં શરમ શેની ? શરમમાં ને શરમમાં તો પાયમાલ થઈ ગયા.’

આવી બહેનોને પ્રથમથી જ તૈયાર કરવા માંડીને સરદારે પોતાની લડતનો પાયો પાકો કર્યો હતો. જેમજેમ લડત વધારે આકરી થતી જતી હતી તેમતેમ બહેનો વધારે બળવાન થતી જતી હતી. જપ્તીની સામે તો તેઓ થઈ, પણ જેલ વખતે કેમ થશે એની કોઈને કલ્પના નહોતી. ભાઈ સન્મુખલાલનાં માતાને પોતાના પુત્રને જેલમાં પ્રસન્નતાથી વળાવતાં જોઈને સૈાને આનંદ થતો હતો. પણ જ્યારે વાંકાનેરના ૧૧ વીરોને જેલમાં જવાનું આવ્યું તે દિવસે તેમાંના કેટલાકની પત્નીઓ તેમને અદાલતમાં અને સ્ટેશન સુધી વળાવવાને માટે આવી હતી. તેમના કોઈનાં મોં ઉપર શોક કે દુ:ખની છાયા નહોતી. આવી સ્ત્રીઓના આશીર્વાદ લઈને જે જેલ સિધાવે તે કદી માફી માગીને પાછો આવે ? બારડોલીમાં જેલ જનારાઓમાં એક પણ માણસ આવા બોદો નીકળ્યો નહોતો.

આ શૂરતાનો ચેપ નાનાં મોટાં સૌને લાગ્યો હતો. મલેકપોર ગામમાં શ્રી. વલ્લભભાઈને બહેનો તરફથી માનપત્ર આપનારી એક ચૌદ વર્ષની બાળાએ પોતાની સ્વાભાવિક વાણીમાં પામરને પુરુષ બનાવે એવું ભાષણ કર્યું હતું : ‘અમારા વિભાગપતિ જેલજાત્રાએ ગયા તે માટે અમે જોકે દિલગીર છીએ તોપણ અમારું ગામ મક્કમ છે. અમારી બહેનોની આ નાની ભેટ સ્વીકારશો. અમારા ગામમાં સરકારી અમલદારો આવીને ખાલસા નોટિસ કાઢી ગયા છે, એથી અમે ખુશી છીએ. મેં મારા પિતાજીને કહ્યું છે કે તમે ખુશીથી જેલ જજો. અમે બંને બહેનો ખેતી કરશું.’

લડતના છેક આખરના દિવસોમાં એક બહેનની બહાદુરી આફરીન પોકરાવે એવી જોવામાં આવી હતી. ભાઈ ભવાન હીરા નામનો નાની ફરોદનો ગરીબ ગાવડી જેવો ખેડૂત. તેના ઉપર જપ્તીદારને અટકાવવા બારણા બંધ કરવાનો અને તેને ઈજા પહોંચાડવાનો આરોપ હતો. એની સ્ત્રી જાણતી હતી કે પોતાનો પતિ ભલો માણસ છે અને જેલમાં જતાં ડરી જાય એવો છે એમ માનીને તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો, કારણ જો ગુનો કોઈએ કર્યો હોય તો તેણે પોતે ગુનો કર્યો હતો. બારણાં પોતે ઢાંક્યાં હતાં એમ તેણે પોકારી પોકારીને પોલીસને કહ્યું, અને જ્યારે તેને ન પકડવામાં આવી ત્યારે તે ધણીને લઈને તેની સાથે અદાલતમાં ગઈ. ભાઈ ભવાન હીરાને છ માસની સખત કેદની સજા સંભળાવવામાં આવી. ભાઈ ભવાનને સેંકડો માણસોએ વિદાય દીધી, પણ તેની વીરાંગનાની વિદાય તો લોકોની સ્મૃતિમાં ઘણા કાળને માટે કાયમ રહેશે:

“જોજો હો; ઢીલો બોલ ન નીકળે. મૅજિસ્ટ્રેટને કહેજો કે તારાથી દેવાય તેટલું દુ:ખ દેજે. મારી સામું કે છોકરાં સામે જોવાનું ન હોય. હિંમત રાખજો, ને ખખડાવીને જવાબ દેજો. હું કરું ? મારા ઉપર કેસ નહિ માંડ્યો, નહિ તો બતાવી દેતે. મણ દળવા આપે તો દોઢ મણ દળીને ફેંકી દેતે. મારા ધણી જેલમાં જવા તો તિયાર જ છે. પણ જરા ઠંડા: સભાવના એટલે બોલતાં ની આવડે. આવે વખતે તો એવા જવાબ દેવા જોયે કે હરકારમાં હોય તેટલા બધાને યાદ રહી જય.”

ભાઈ ભવાનને વળાવવા આવી તે દિવસે એ બહેનના શ્રી. વલ્લભભાઈ આગળ ઉચ્ચારેલા ઉદ્‌ગાર મેં અક્ષરેઅક્ષર આપ્યા છે. હું તે વેળા હાજર હતો. ભવાન જેલમાં ગયા પછી આનંદથી ઊભરાતી આ બાઈ સરદાર પાસે આવી, પોતાનાં સગાંવહાલાં તરફથી ભવાનને ૯ રૂપિયા ભેટના મળ્યા હતા તે તેણે સરદારને ચરણે ધર્યા અને પોતાને ધનભાગ્ય માનવા લાગી. આવી સ્ત્રીનો પતિ ગમે તેટલો મોળો હોય તોયે આટલા  આશીર્વાદ લીધા પછી ડગે ? જેલમાંથી ભવાન નવું જ તેજ લઈને નીકળ્યો હતો એમ સૌ કોઈ કહેતું હતું.

અને અહીં જ બીજી બહેનોનું સ્મરણ કરી લઉં ? એ બહેનોની લડતને અંગે નોંધ લેવાની કદાચ ન હોય, પણ બારડોલીની બહેનોની કેવી ભક્તિભાવના હતી અને એ ભક્તિભાવના વલ્લભભાઈને કેટલી કામ આવી તે બતાવવા પૂરતી એ નોંધ લેવાની જરૂર છે. લડતના આખરના દિવસમાં એક મરણને કાંઠે બેઠેલી યુવાન સ્ત્રી ગાંધીજીના દર્શનને માટે ઝંખતી હતી. તેના ગામમાં ગાંધીજી ગયા, અનાયાસે તેની પાસના ઘરમાં રેંટિયાનું પ્રદર્શન હતું એટલે ગાંધીજી તેની પાસે ગયા. ગાંધીજીને ઊઠીને હાર પહેરાવવા જેટલી તેનામાં શક્તિ નહોતી, ગાંધીજી વાંકા વળ્યા. તેણે હાર પહેરાવ્યો, ગજવામાંથી પાંચ રૂપિયાની નોટ કાઢી ભેટ ધરી, ગાંધીજીને કુંકુમનો ચાંલ્લો કર્યો અને આશીર્વાદ માગ્યા. ગાંધીજીએ કહ્યું, ‘શાંતિ રાખજે.’ બીજે જ દિવસે, ‘મને ખાદીનાં કપડાં પહેરાવીને વળાવજો’ કહીને બિચારીએ કાયમની વદાય લીધી. કોને ખબર હતી કે એ ગાંધીજીનાં દર્શનની વાટ જોઈ ને જ બેસી રહી હતી !

બીજી બહેન પેલા અગિયાર વીરોમાંના ભાઈ રામભાઈની પુત્રી. રામભાઈ છૂટીને બારડોલી આવવાના તેને આવકાર આપવા પુત્રી ન જાય તો કોણ જાય ? હરખમાં ને હરખમાં તે આવી, તરત જ માંદી પડી, આંતરડાંની તીવ્ર વેદના શરૂ થઈ અને મધરાતે તો તેની આશા છોડાઈ. રાત્રે ત્રણેક વાગે મરણની સમીપ પહોંચેલી એ બહેને માગણી કરી: ‘ગાંધીજીને બોલાવોની, મારે એમનાં દર્શન કરી લેવાં છે.’ આટઆટલાં દુ:ખમાં એ પિતાને મળી ન શકવાની, માતા પોતાની પાસે નથી, એ વસ્તુઓનું એને સ્મરણ નહોતું, એણે તો ગાંધીજીનું સ્મરણ કર્યું. સુભાગ્યે ગાંધીજી બારડોલીમાં જ હતા. ગાંધીજી ત્યાં પહોંચ્યા. બહેન મોતીના પગમાં કે હાથમાં તાકાત નહોતી, આંખે પણ અંધારાં આવતાં હતાં, એટલે બોલી, ‘મારી આંખે નથી દેખાતું, પણ ગાંધીજીના અવાજથી ગાંધીજીને ઓળખું છું. મારા બંને હાથ કોઈ જોડી  આપો એટલે ગાંધીજીને પગે લાગું.’ આ પછી વલ્લભભાઈનાં દર્શનની માગણી કરી. બેએક કલાકમાં તો બિચારીની ઐહિક લીલા સમાપ્ત થઈ. સાયંકાળે મોતીના મૃત્યુની વાત કરતાં ગાંધીજીએ કહ્યું : ‘મોતીને મેં કાલે પહેલી જ વાર જોઈ. હું એને એાળખતો નહોતો, પણ એ વીરાંગના હતી.’

બારડોલીની બહેનોને જીવતાં આવડે છે એમ તેમણે લડીને બતાવ્યું, મરતાં પણ આવડે છે એમ આ બહેનોએ મરીને બતાવ્યું.

પણ આ તો લડત પૂરી થયા પછીની વાત થઈ ગઈ. લડત તો હજી પૂર જોશમાં ચાલી રહી હતી.