લખાણ પર જાઓ

બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/વિષ્ટિકારો

વિકિસ્રોતમાંથી
← બારડોલીની વીરાંગનાઓ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
વિષ્ટિકારો
મહાદેવભાઈ દેસાઈ
નિષ્પક્ષ સાથીઓ →





૨૬
વિષ્ટિકારો
“સરકાર જોડે બેસનારાઊઠનારા સરકારને શું સંભળાવવાના છે ? બહેરા આગળ શંખ ફૂંકવાનો શું અર્થ ? તે તો જાણશે કે હાડકું વાગે છે ! એ સાંભળે તો ક્યારે ? જ્યારે બારડોલી ઉપર બધાં જ હથિયાર વાપરીને ધરાશે, જ્યારે તેની જુલમ કરવાની શક્તિ ખૂટશે ત્યારે.”

ડત જેમ આકરી થતી જતી હતી તેમતેમ બારડોલી બહારના લોકો વધારે વધારે આકુળવ્યાકુળ થતા જતા હતા. જેમનું સરકાર આગળ કાંઈ પણ ચાલે એવું લાગતું હતું તેમણે તો સરકારની સાથે વાત કરવા માંડી હતી. તેઓ લોકોના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરતા હતા, પણ આ પ્રતિનિધિઓને તેમની વાતમાં ઘણીવાર જોર નહોતું લાગતું, તેમની વાતમાં દયા ઊભરાતી હતી, પણ જેમને માટે તેઓ આટલા દયાર્દ્ર થતા હતા તેમની ભૂખનું માપ તેમને ઓછું હોય એવું લાગતું હતું. આ ડર ગાંધીજીને લાગવાથી જ તેમણે ‘નવજીવન’ માં આ વચનો એ વિષ્ટિકારાને ઉદ્દેશીને લખ્યાં હતાં :

“કેટલાક શુભેચ્છક મિત્રો આ બાબતમાં વચ્ચે પડી રહ્યા છે એવા ગપગોળા સાંભળવામાં આવે છે. આમ વચ્ચે પડવાનો તેમને હક છે, કદાચ ફરજ પણ હોય. પણ એ મિત્રોએ લડતનું મહત્ત્વ સમજીને બધું કરવું જોઈએ. લડત નજીવી છે અથવા લોકો નબળા પડ્યા છે એમ માની તેમની દયાની ખાતર તેમણે વચ્ચે નથી પડવાનું. બારડોલીના લોકોની લડત શુદ્ધ ન્યાયની છે. તેમને મહેરબાની નથી જોઈતી, શુદ્ધ ન્યાય જ જોઈએ છે. તેઓ પોતે કહે છે તે સાચું જ માની લેવાનું કોઈને કહેતા નથી. તેઓ તો એક સ્વતંત્ર, ખુલ્લી, અદાલતની તપાસની માગણી કરે છે.

એક વિષ્ટિકારની એાળખ તો આપણે એક પ્રકરણમાં કરી ગયા. તેમણે ‘વધારા સાથેનું મહેસૂલ પૂરું ભરી દેવાનો’ મુદ્દો ઊભો કરીને લડતને લાભને બદલે નુકસાન પહોંચાડ્યું એ પણ જોઈ ગયા. તેમનો હેતુ શુભ હતો એ વિષે શંકા નથી જ, પણ ખેડૂતો શી વસ્તુ માટે આટલું કષ્ટ સહી રહ્યા છે તેનું મૂલ્ય તેઓ આંકી શક્યા નહિ, અને લડતનો કોઈ પણ રીતે અંત લાવવાનો તેમણે લોભ રાખ્યો.

પણ એમના ઉપરાંત બીજા ઘણા વિષ્ટિકારાએ પાછળથી આ બાબતમાં રસ લીધો, અને તે સૌને વિષે એટલું કહેવું ઘટે છે કે તેમણે જે પગલાં લીધાં તે પહેલાં લોકોના પ્રતિનિધિઓને તેઓ પૂછતા રહ્યા. તેઓ લોકોના વકીલ બન્યા એમ તો ન કહી શકાય, પણ લોકોનો કેસ વિવિધ દૃષ્ટિએ સરકાર આગળ રજૂ કરવા પેાતાથી બનતું બધું કર્યું. એ બધા જ જો એકવાર બારડોલીની મુલાકાત લઈ ગયા હોત અને પેાતાની આંખના, કાનના તથા બીજા સ્વાનુભવના પુરાવાના જોર ઉપર તેમણે પોતાની કાર્યરેખા આંકી હોત તો બહુ રૂડું થાત.

પણ તેમનામાં એક સજ્જને તેમ કરીને કાયમની કીર્તિ મેળવી. તેમણે પોતાની તપાસનાં પરિણામ દેશ આગળ એવી સચોટ અને સુંદર રીતે રજૂ કર્યા કે તેથી સહુ વિચાર કરતા થઈ ગયા, અને આખા દેશની આંખો બારડોલી તરફ અગાઉ કદી વળી હોય તે કરતાં વિશેષ પ્રમાણમાં વળી. આ પુરુષ બીજા કોઈ નહિ, પણ શ્રી કનૈયાલાલ મુનશી. તેઓ મુંબઈ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ધારાસભાના સભ્ય અને મુંબઈની હાઈકોર્ટના ઍડવોકેટ છે. તેમણે નામદાર ગવર્નર સાથે ચલાવેલા પત્રવ્યવહારનો નિર્દેશ અગાઉના પ્રકરણમાં હું કરી ગયો. આપણે જોઈ ગયા છીએ કે નામદાર ગવર્નર તરફથી તેમના કાગળોના જે જવાબ મળ્યા તે તેમના જેવા ચુસ્ત બંધારણવાદીને પણ સંતોષ આપી શકે એવા નહોતા. તેમણે નામદાર ગવર્નરની મુલાકાત લીધી, અને તે મુલાકાતથી પણ જ્યારે તેમને સંતોષ ન થયો ત્યારે તેમણે બારડોલી જઈ આવવાનો નિશ્ચય કર્યો. જેથી વસ્તુસ્થિતિ તેઓ નજરે નિહાળે અને પોતાની કાર્યદિશા વધારે સારી રીતે નક્કી કરી શકે. તેમણે બારડોલીમાં આવીને ઘાણાં ગામની મુલાકાત લીધી, ઘણી સભામાં હાજરી આપી, ઘાણા લોકો — પુરુષો તેમજ સ્ત્રીઓ — સાથે વાતચીત કરી અને તેમની તપાસને પરિણામે, પોતે ચુસ્ત બંધારણવાદી હોઈ, “પોતાનો વિરોધ દર્શાવવાનો અતિશય ગંભીર પ્રકાર અખત્યાર કરવાની દુ:ખદાયક આવશ્યકતા ઊભી થયેલી” તેમને લાગી. ૧૭ મી જૂને ના. ગવર્નરને એક વીરતાભર્યો કાગળ તેમણે લખ્યો. તેમાં બારડોલીના લોકોની સ્થિતિનો તથા જે શાન્તિ અને ધીરજથી તેઓ દુઃખ સહન કરી રહ્યા હતા અને જેને લીધે તાલુકાના મહેસૂલી અમલદારો અપંગ થઈ પડ્યા હતા, તેનો તાદૃશ ચિતાર તેમણે આપ્યો. અહીં એટલું ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે શ્રી. મુનશીએ સરકારને અનેક કાગળો લખ્યા પછી જ, તથા તેમની ઓછામાં ઓછી અમુક ફરજ તો છે જ તેનું ભાન જાગૃત કરવા માટે પોતાથી બનતું કરી છૂટ્યા પછી જ બારડોલી આવવાનો નિશ્ચય કર્યો હતો; તેઓ સરદારના કે બારડોલીના લોકોની પ્રેરણાથી બારડોલી ગયા નહોતા; સાધારણ જનતામાં તો લડત માટેની તેમની સહાનુભૂતિ ઉપરઉપરની ગણાતી હતી; તેઓ રાજીનામું આપશે એવી કેટલાક તો આશા પણ રાખતા નહોતા; એટલે તેઓ સંપૂર્ણ તટસ્થતાથી બારડોલી આવ્યા હતા. પણ બારડોલી તાલુકાની મુલાકાતમાં તેમણે નહિ ધારેલી એવી વસ્તુઓ તેમને જોવાની મળી. પછી સરકારને તેમણે કાગળ લખ્યો તેનો મુખ્ય ઉદ્દેશ સરકારની આંખ ઉઘાડવાનો જ હતો. આ કાગળે સ્વાભાવિક રીતે જ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું. આખા હિંદુસ્તાનનાં પત્રોમાં એ કાગળ છપાયો. લડતના ઇતિહાસમાં એક મહત્ત્વના પત્ર તરીકે એ પત્ર રહી જશે. એ કાગળમાં તેમણે જણાવ્યું :

“ત્યાં ૮૦,૦૦૦ મરદો, બૈરાં અને બાળકો સુસંગઠિત વિરોધ દાખવવાની ભીષ્મ ભાવનાથી કૃતનિશ્ચય થઈ ઊભેલાં છે. આપના જપ્તીઅમલદારને હજામ મળતો નથી ને તે સારુ તેને માઇલો સુધી રવડવું પડે છે ! આપના અમલદારની મોટર, જે કાદવમાં ખૂંચી ગઈ હતી તે શ્રી. વલ્લભભાઈ — આપના કહેવા પ્રમાણે બારડોલીના લોકો પર જીવનાર ચળવળિયો — ન હોત તો ત્યાંની ત્યાં જ રહી હોત. ગાર્ડા, જેને હજારોની કિંમતની જમીન માત્ર નામના મૂલ્યે વેચી દેવામાં આવી છે તેને એના ઘર માટે ઝાડુ કાઢનારો ભંગી પણ મળતો નથી. કલેક્ટરને રેલ્વે સ્ટેશન પર એક વાહન મળતું નથી, સિવાય કે શ્રી. વલ્લભભાઈ તેની પરવાનગી આપે. મેં જે થોડાં ગામડાંની મુલાકાત લીધી તેમાં એક પુરુષ કે એક સ્ત્રી મને એવી ન મળી કે જે પોતે પસંદ કરેલા વલણ માટે દિલગીર હોય, યા તો પોતે સ્વીકારેલા ધર્મમાર્ગમાં ડગુમગુ હોય. શ્રી. વલ્લભભાઈ એક ગામથી બીજે ગામ પસાર થતા ગયા તેમતેમ મેં જોયું કે ગામેગામ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સ્વયંસ્ફુરણાથી તેમને વધાવવા દોડી આવતાં હતાં. અભણ સ્ત્રીઓ, વૃદ્ધ અને જુવાન, પેાતાનાં ફાટ્યાંતૂટ્યાં કપડાં પહેરી તેમને કપાળે અક્ષતકુંકુમ લગાડતી હતી, અને મહામહેનતે મેળવેલા પોતાના એકાદ બે રૂપિયા પોતાના તાલુકાના ધર્મયુદ્ધને ખાતર એમના ચરણે ભેટ ધરતી હતી; અને એમના ગામડિયા ઢાળ અને ઉચ્ચારમાં ‘ડગલે ડગલે તારા અન્યાય છે’ એવાં પરદેશી સરકારનાં ગીતો ગાતી હતી. આ બધું જોઈને મારે મારા મનમાં કબૂલ કરવું પડ્યું કે સરકારી રિપોર્ટોમાં જે એમ જણાવવામાં આવ્યું છે કે આ ચળવળ તે ઊભી કરેલી બનાવટી ચળવળ છે અને લોકો પર એમની મરજી વિરુદ્ધ ઠસાવવામાં આવી છે એ નરમમાં નરમ શબ્દોમાં કહું તો સાવ ખોટું છે. લોકોને થથરાવી નાંખવાના આપની સરકારના પ્રયત્નની લોકો ઠેકડી કરે છે. એમણે હિમ્મતપૂર્વક સહન કર્યું છે અને હજી સહન કરવા તૈયાર છે. વધારેમાં વધારે સભ્ય રીતે બોલાવવો હોય ત્યારે મિ. સ્માર્ટને લોકો ‘ભેંસડિયો વાઘ’ કહે છે અને જપ્તીઅમલદારને ‘છોટા કમિશનર’ કહે છે. આપના સાહસિક અને મહત્ત્વાકાંક્ષી ડેપ્યુટી કલેક્ટરનું એમણે જે નરમમાં નરમ નામ પાડ્યું છે તે પત્રમાં લખવાની હું હિંમત કરતો નથી. સરકારના સ્વાર્થની દૃષ્ટિએ પણ એ ડેપ્યુટી કલેક્ટર જેટલા ઉત્સાહી છે એટલા શાણા થાય તો સારું એમ હું ઇચ્છું છું. આ બધું હું એવી આશાથી લખું છું કે મારા જેવાના અંગત અનુભવો જાણીને આપ નામદારની અને આપની સરકારના હૃદયમાં કંઈ નહિ તો વસ્તુસ્થિતિની જાતતપાસ કરવાની ઇચ્છા જાગે. આવા જુસ્સાની અવગણના કરવાનો કે એને કચરી નાંખવાનો પ્રયત્ન કરવો એ બ્રિટિશ સરકાર માટે પણ ડહાપણભર્યું નથી. આવા મક્કમ નિશ્ચયવાળાં ૮૦,૦૦૦ સ્ત્રી, પુરુષો અને બાળકોને આપ ટુકડા રોટલા માટે રડવડતાં કરી શકો; આપને પસંદ હોય તો આપ એમને તોપે ચડાવી શકો; પરંતુ આ ભાગમાં સરકારની આબરૂ, જેને માટે આટલું બધું કહેવાય છે અને કરાય છે તેવી કોઈ વસ્તુ જ રહી નથી. આબરૂ એ એવી વસ્તુ નથી, જે હુકમ કરવાથી મેળવી શકાય; એ તો પેદા કરવી પડે છે અને એને માટે હમેશાં લાયક બનવું પડે છે. પોતાનાં વહાલાં ઢોર લૂંટાઈ જતાં બચાવવા માટે ૪૦,૦૦૦ સ્ત્રી, પુરુષો અને બાળકો આ ઢોરો સાથે ત્રણત્રણ મહિના થયાં પેાતાનાં નાનાં અને અનારોગ્ય ઘરોમાં પુરાઈ રહ્યાં છે. ખાલી અને નિર્જન થઈ ગયેલાં ગામમાં થઈ ને હું પસાર થયો ત્યારે ત્યાં એક ચકલું પણ ફરકતું નહોતું, માત્ર રસ્તાના અમુક અમુક નાકે લોકોએ પહેરેગીર ગોઠવેલ હતા. રખે જપ્તીઅમલદાર આવતો હોય એવા ભયથી સ્ત્રીઓ બારીઓના સળિયામાંથી કોઈ કોઈ ઠેકાણે નજર કરતી જોવામાં આવતી હતી. જ્યારે તેમની ખાત્રી થઈ કે હું જપ્તીઅમલદાર નહોતો ત્યારે તેમણે પોતાના મકાનનાં બારણાં ઉઘાડ્યાં અને મને અંદર લીધો. જ્યારે મેં એ ઘરમાંનું અંધારું, છાણ, વાશીદું અને દુર્ગંધ જોઈ, જપ્તીઅમલદારાની નિષ્ઠુરતાનો ભોગ થવા દેવા કરતાં રોગથી પીળાં પડી ગયેલાં, ચાંદાંવાળાં દુ:ખી એવાં પોતાનાં પ્રિય ઢોરો સાથે એક જ ઓરડામાં ગોંધાઈ રહેવું બહેતર સમજતાં સ્ત્રી, પુરુષો અને બાળકોની પોતાનાં વહાલાં ઢોર ખાતર હજી પણ લાંબા સમય આ કારાગૃહવાસ સ્વીકારી લેવાની દૃઢ પ્રતિજ્ઞા સાંભળી, ત્યારે મારે વિચારવું જ પડ્યું કે જપ્તીની આ નિષ્ઠુર નીતિની કલ્પના કરનારને, એનો અમલ કરનારની કડકનોને, અને એની મંજૂરી આપનાર રાજનીતિનો જોટો મધ્યકાલીન યુગના ઇતિહાસનાં પૃષ્ઠો સિવાય બીજે ક્યાંય જડવો મુશ્કેલ છે.”

આ પછી તેઓ ‘વધુમાં વધુ દુ:ખ ફેલાવવાના’ નિશ્ચયવાળા ‘વેરી વિજેતા’ઓની પદ્ધતિઓનું તેમજ ન્યાયની ઠેકડીના અનેક દાખલાઓનું વર્ણન કરે છે અને કહે છે :

.”“ઉચ્ચ હોદ્દાના અમલદારોની મજાક, કાયદાનો કેવળ અક્ષરાર્થ કરીને ગણવામાં આવતા ગુનાઓ માટે અસાધારણ સખ્ત સજાઓ, ગર્વિષ્ઠ જાહેરનામાંની ગર્જનાઓ તથા સરકારનાં ખાંડાના ખખડાટથી પ્રજામાં ઉપહાસ વિના બીજું કશું નીપજતું નથી.”

પોતાના પત્રના અંતભાગમાં બારડોલીના પ્રશ્ન ઉપર ધારાસભામાં સરકારને મળેલી બહુમતીનું પોકળપણું તેઓ દર્શાવે છે, અને કહે છે કે કોઈ પણ રીતે બહુમતી મેળવીને સરકારે હરકોઈ બંધારણવાદીને સરકાર પક્ષમાં ઊભા રહેવું મુશ્કેલ કરી. મૂક્યું છે, અને તેથી ‘ધારાસભામાંથી મારી જગ્યાનું રાજીનામું આપીને મારા આખા પ્રાંતવ્યાપી મતદારમંડળને અપીલ કરી આ મુદ્દા ઉપર પોતાનો નિર્ણય જાહેર કરવાનું સૂચવવું એ જ જવાબ મારે આપવાનો રહે છે.’

આ પત્રથી પોતાના દેશજનો પ્રત્યે જેમનામાં સમભાવ હોય તે બધાનાં હૃદય હલમલી ઊઠ્યાં અને દેશના જાહેર પ્રશ્નોમાં બારડોલીનો પ્રશ્ન મોખરે આવ્યો. વળી શ્રી. મુનશી પોતાની જગ્યાનું રાજીનામું આપીને સંતોષ માની બેસી ન રહ્યા. લોકોને દબાવવાના જે ઉપાયો યોજવામાં આવ્યા હતા તેની કાયદાની દૃષ્ટિએ તપાસ કરવા તેમણે એક સમિતિ નીમી. એ સમિતિમાં તેઓ પોતે, મિ. હુસેનભાઈ લાલજી, એમ. એલ. સી., ડો. ગિલ્ડર, એમ. ડી., એફ. આર. સી. એસ., એમ. એલ. સી., રાવ બહાદુર ભીમભાઈ નાયક, એમ. એલ. સી., શ્રી. શિવદાસાની, એમ. એલ. સી., શ્રી. ચંદ્રચૂડ, એમ. એલ. સી., તથા શ્રી. બી. જી. ખેર, સોલિસિટર (મંત્રી) એટલા હતા. તેમણે સૂરત તથા મુંબઈથી સ્વયંસેવક તરીકે આવેલા વકીલ મારફત ૧૨૬ સાક્ષીઓ બારડોલીમાં તપાસ્યા. આ તપાસમાં મદદ કરવા સરકારને પણ તેમણે નોતરી પણ સરકારે આમંત્રણ ન સ્વીકાર્યું. તેને પરિણામે ન્યાયની અદાલતમાં એકતરફી કેસમાં તપાસનું જે અધૂરાપણું સ્વાભાવિક રીતે રહી જાય છે તે તેમની તપાસમાં પણ રહ્યું. પરંતુ પુષ્કળ પ્રમાણમાં મળેલા અને જેની સામે વાંધો ન ઉઠાવી શકાય એવા જ પુરાવાના આધાર ઉપર પોતાના નિર્ણયો બાંધવાની તેમણે ખાસ કાળજી રાખી. આ પુસ્તકના એક પરિશિષ્ટમાં એ સમિતિએ કરેલી તપાસના નિર્ણયો આપ્યા છે.

પોતાના પ્રખ્યાત પત્રમાં શ્રી. મુનશીએ એવી આશા દર્શાવી હતી કે આ પત્રથી “આપ નામદારમાં તથા આપની સરકારના મેમ્બરોમાં જાતે જઈને તપાસ કરવાની ઇચ્છા જાગૃત થાઓ.” ગવર્નરસાહેબને અથવા રેવન્યુ મેમ્બરને બારડોલી લાવવામાં આ પત્ર જોકે નિષ્ફળ નીવડવ્યો, તોપણ આખી લડત દરમ્યાન પહેલી જ વાર તાલુકાની મુલાકાત લેવાની સરકારે કમિશનર મિ. સ્માર્ટને સૂચના કરી તે શ્રી. મુનશીના પત્રનું જ પરિણામ ગણાય. વળી બીજા અનેકની ઊંઘ આ પત્રથી જ ઊડી.

વિષ્ટિકારોમાં બીજો ઉલ્લેખ સર પુરુષોત્તમદાસ ઠાકોરદાસ અને હિંદી વેપારીઓની ચેમ્બર ઑફ કૉમર્સના બીજા સભ્યોનો કરવો જોઈએ. મારી જાણ પ્રમાણે કલેક્ટરના આમંત્રણથી જૂનની શરૂઆતમાં જ સર પુરુષોત્તમદાસ કમિશનરને સૂરત મુકામે મળ્યા હતા. તેમણે શ્રી વલ્લભભાઈને પોતાને મળવા સારુ સૂરત આવવા કહ્યું, કે જેથી કરીને કમિશનર અને સરદાર વચ્ચે તેઓ મિત્રભાવે મસલત કરાવી શકે. પણ સરદાર ખૂબ જ કામમાં રોકાયેલા હતા એટલે જઈ ન શક્યા, અને તેમણે આ લેખકને સૂરત જઈ સર પુરુષોત્તમદાસ સાથે વાતચીત કરવા મોકલ્યો. સર પુરુષોત્તમદાસને મિ. સ્માર્ટ સાથે બહુ લાંબી વાતચીત થઈ. મિ. સ્માર્ટ આ ચળવળને છૂંદી નાંખવા માટે જે પગલાં લેવાં પડે તે લેવા તૈયાર હતા, અને ચાલુ માસની આખર પહેલાં સત્યાગ્રહીઓનો મોટો ભાગ તૂટી જશે એવી સંગીન આશાવાળા જણાયા. સર પુરુષોત્તમદાસે તેમને બરાબર સમજાવ્યું કે સત્યાગ્રહીઓની સહનશક્તિનું સાચું માપ તમારી પાસે નથી, અને જપ્તીઅમલદારેાએ જે ઉપાયો અખત્યાર કર્યા હતા અને પઠાણોએ જે વર્તણૂક ચલાવી હતી તેથી સરકાર ઠીક બદનામ થઈ ચૂકી હતી. ત્યારબાદ પોતાની ચેમ્બરના પ્રતિનિધિ શ્રી. લાલજી નારણજીએ બારડોલીના મુદ્દા ઉપર ધારાસભામાંથી રાજીનામું આપવું કે કેમ એ પ્રશ્ન તેમણે ચેમ્બરમાં ઉપાડ્યો. આ ઉપરથી સરકારનું વલણ સમજવા માટે ચેમ્બરના પ્રમુખ શ્રી. મેાદીએ નામદાર ગવર્નરને કેટલાક પત્રો લખ્યા, પણ એ પત્રવ્યવહારથી કશું વળ્યું નહિ. શ્રી, મુનશીના પત્રોના જવાબમાં જે વલણ બતાવ્યું હતું તેના કરતાં પણ કડક વલણ નામદાર ગવર્નરસાહેબે ચેમ્બરના પત્રના જવાબમાં દર્શાવ્યું. પછી નામદાર ગવર્નરને આ લડતનું સમાધાન કરવાની વિનંતિ કરવી માટે ચેમ્બરનું એક ડેપ્યુટેશન તેમની પાસે લઈ જવાનો સર પુરુષોત્તમદાસે વિચાર કર્યો. પરંતુ તેમ કરતાં પહેલાં સત્યાગ્રહીઓની એાછામાં ઓછી માગણી શી છે તે નક્કી કરી લેવા તેઓ ગાંધીજીને સાબરમતી આશ્રમે મળવા ગયા, અને ત્યાં શ્રી. વલ્લભભાઈને પણ હાજર રહેવા વિનંતિ કરી. ગાંધીજીને મળ્યt પછી સર પુરુષેત્તમદાસ, શ્રી. મોદી તથા શ્રી લાલજી નારણજી સાથે ડેપ્યુટેશનના રૂપમાં નામદાર ગવર્નરને મળવા પૂના ગયા. નામદાર ગવર્નર સાથેની તથા સરકારી મેમ્બરો સાથેની વાતચીત કેવી નિરાશાજનક હતી તેની વાત સર પુરુષોત્તમદાસે આ લેખકને કરી છે. સર પુરષોત્તમદાસની અતિશય તીવ્ર ઈચ્છા હતી કે ગવર્નરસાહેબ શ્રી. વલ્લભભાઈને મસલત કરવા માટે નોતરે, જેથી ઘણી ગેરસમજની ચોખવટ થઈ જાય અને સમાધાન સત્ત્વર થઈ શકે. પણ શ્રી. વલભભાઈ જેવા ‘રેવોલ્યુશનરી’ (વિપ્લવવાદી)ને નામદાર ગવર્નર મસલત માટે નોતરે એ સૂચના જ ત્યાં હાજર રહેલા કેટલાક જબરદસ્તોને હળાહળ ઝેર સમી લાગતી હતી. ત્યાર પછી સર પુરુષોત્તમદાસની ના. ગવર્નર સાથે એક ખાનગી મુલાકાત થઈ. તેઓ સહાનુભૂતિવાળા જણાયા, પણ બધી જ વાતમાં સરકાર હાર ખાય એ વસ્તુ સ્વાભાવિક રીતે તેમને ગળે ઊતરે એમ નહોતું. ગવર્નરસાહેબનો ઓછામાં ઓછો એટલો આગ્રહ તો હતો જ કે ખેડૂતોએ વધારેલું મહેસૂલ પ્રથમ ભરી દેવું જોઈએ, અથવા છેવટે કોઈ ત્રાહિત વ્યક્તિને ત્યાં વધારો જેટલી રકમ અનામત મૂકવી જોઈએ, ત્યારપછી જ ફરી તપાસ આપવામાં આવે. મુંબઈ પાછા આવીને સર પુરુષોત્તમદાસ શ્રી. વલ્લભભાઈને મળ્યા અને મુલાકાતમાં બનેલી બધી હકીકત કહી સંભળાવી. બન્નેને લાગ્યું કે સરકાર અને સત્યાગ્રહીઓ વચ્ચે કાંઈ મેળ ખાય તેમ નથી.

ચેમ્બરમાં જે વધુ ચર્ચા થઈ તેને પરિણામે શ્રી. લાલજી નારણજીએ ધારાસભામાંથી પોતાની જગ્યાનું રાજીનામું આપ્યું, અને રાજીનામાના પોતાના કાગળમાં સ્પષ્ટ જણાવ્યું કે નિષ્પક્ષ તપાસની માગણી સ્વીકારાય નહિ ત્યાં સુધી વધારેલા દર પ્રમાણે મહેસૂલ ભરી દેવાની માગણી કરવી એ તદ્દન ખોટું છે.

 છે. આ સ્થળે મરહૂમ મિ. બી. એફ. માદનનું નામ આપવું યોગ્ય ધારું છું. એમણે આ લડતને અંગે કરેલું કામ ભાગ્યે જ કોઈ જાણતું હશે, પણ આ લેખક જાણે છે. એમણે એક વિચક્ષણ આંકડાશાસ્ત્રી તરીકે શ્રી. જયકરના આંકડાની વ્યર્થતા એક સમર્થ નોંધમાં સિદ્ધ કરી આપી. જ્યારે બ્રૂમફીલ્ડ કમિટી આગળ અમે પુરાવા રજૂ કરતા હતા ત્યારે પેલા આંકડાની વ્યર્થતા સિદ્ધ કરવાને માટે અને ભાવોને વિષે જુબાની આપવાને માટે કમિટી આગળ રજૂ થવાની તેમણે તૈયારી બતાવી હતી.

આ બધાની વિષ્ટિથી સરકાર સમાધાન માટે કેટલી તૈયાર થઈ હશે એ કહેવું બહુ મુશ્કેલ છે. લોકો તો વિષ્ટિની વાતોથી મલકાતા નહોતા કે ગભરાતા પણ નહોતા. સરદારે તેમને અનેકવાર સંભળાવ્યું હતું :

“કેરીનું ફળ કવખતે તોડશો તો તે ખાટું લાગશે, દાંત અંબાઈ જશે, પણ તેને પાકવા દઈશું તો તે આપોઆપ તૂટી પડશે અને અમૃત સમું લાગશે. હજી સમાધાનીનો વખત આવ્યો નથી. સમાધાની ક્યારે થાય ? જ્યારે સરકારની મનોદશા બદલાય, જ્યારે તેનો હૃદયપલટો થાય, ત્યારે સમાધાની થાય, ત્યારે આપણને લાગે કે તેમાં કંઈ મીઠાશ હશે. હજી તો સરકાર ઝેરવેરથી તળેઉપર થઈ રહી છે.”

સ્નેહીઓને પણ તેમણે વારંવાર સંભળાયું હતું કે ઉતાવળ ન કરો, પ્રજામાં આટલું ચેતન આવ્યું છે તેના ઉપર પાણી ન રેડો.

પણ આ વિષ્ટિઓનું પ્રત્યક્ષ પરિણામ કંઈ આવ્યું હોય કે ન આવ્યું હોય એટલું તો ચોકસ છે કે સરકાર જે ચળવળને રાજદ્વારી ગણતી હતી, અને જેના નેતાને નોકરશાહીના કેટલાક સ્તંભો ‘વિપ્લવવાદી’ તરીકે નીંદતા હતા, તેવી ચળવળમાં પોતપોતાના ધીકતા ધંધામાં મશગૂલ એવા પ્રસિદ્ધ પુરુષોએ આટલો રસ લીધો એ દેશના રાજકીય જીવનમાં થયેલી અદ્દભુત પ્રગતિનું અચૂક ચિહ્ન હતું.