બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/નિષ્પક્ષ સાથીઓ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વિષ્ટિકારો બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
નિષ્પક્ષ સાથીઓ
મહાદેવભાઈ દેસાઈ
ઊંઘમાંથી જાગ્યા →૨૭
નિષ્પક્ષ સાક્ષીઓ
“બારડોલીની લડતના પક્ષમાં આખી પ્રજાનો મત એકધારો જેવો વહ્યો છે તે પહેલાં કોઈ લડતમાં વહ્યો નહોતો.”

પોતપોતાના ધંધામાં મશગૂલ એવા મુંબઈના આગેવાનોએ બારડોલીની લડતમાં સક્રિય રસ લીધા એ એક નોંધવાલાયક વસ્તુ હતી જ, પણ તેના કરતાં પણ કદાચ વિશેષ નોંધવાલાયક વિનીત દલના ઉત્તમમાં ઉત્તમ પુરુષો આ લડતને ટેકો આપવામાં આગળ પડ્યા એ ગણાય. બેની પ્રવૃત્તિઓ વચ્ચે ભેદ દર્શાવવો હોય તો એમ કહી શકાય કે વિષ્ટિકારોએ જે રસ લીધો તે વિશેષ કરીને માનવદયાબુદ્ધિથી લીધો હતો, જ્યારે વિનીત વર્ગે જે રસ લીધો તે વિશેષે કરીને ન્યાયની દૃષ્ટિએ લીધો હતો. વિષ્ટિકારોનો હેતુ લડતને ટેકો આપવા કરતાં, સત્યાગ્રહીઓને તેમના ઉપર પડતાં કષ્ટોમાંથી અને પરિણામે વિનાશમાંથી ઉગારી લેવાનો વિશેષ કરીને હતો, જ્યારે વિનીતોએ તો લડતનો અભ્યાસ કરી લડતના ન્યાયીપણા વિષે પોતાની સાખ પૂરી, તેટલે અંશે સત્યાગ્રહીઓને ટેકો આપ્યો, અને પછી અળગા રહ્યા. આજકાલની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં બારડોલીની લડત જ એક એવી થઈ ગઈ કે જેમાં વિવિધ પક્ષના તથા ભિન્ન ભિન્ન વિચારો અને અભિપ્રાયો ધરાવતા સહુની સહાનુભૂતિ મળી હોય.

જૂનના ત્રીજા અઠવાડિયામાં પંડિત હૃદયનાથ કુંઝરુ, ‘સર્વન્ટ ઑફ ઇંડિયા’ના તંત્રી શ્રી. વઝે તથા શ્રી. અમૃતલાલ ઠક્કર, ત્રણે ભારતસેવાસંધના સભ્યો, લડતનો પ્રત્યક્ષ અભ્યાસ કરવા બારડોલી આવ્યા. તેમની પાસે સેટલમેંટ અમલદારોના રિપોર્ટો હતા જ અને તેમનો તો તેમણે અભ્યાસ કર્યો હતો. પણ સત્યાગ્રહીઓના આક્ષેપો તથા તપાસ માટેની તેમની માગણી વાજબી છે કે કેમ તે તપાસવા તેઓ ગામડાંમાં ફર્યા. શ્રી. મુનશી કરતાં પણ તેમનું દૃષ્ટિબિન્દુ વિશેષ તટસ્થ હતું. લોકોએ વેઠેલાં કષ્ટો તથા તેમની વીરત્વભરેલી લડતનો અભ્યાસ કરીને તેનું પરિણામ તો શ્રી. મુનશીએ બહાર પાડ્યું હતું અને તેમાં તેમના કરતાં બીજા કોઈ વધુ કરી શકે તેમ નહોતું. આ વિનીત નેતાઓએ તાલુકાની સ્થિતિનું વર્ણન કરવાનું માથે નહોતું લીધું. તેમને તો નવી આકારણી પૂરતી જ તપાસ કરવી હતી. તેમના પર્યટન દરમ્યાન તેમની સાથે ગામડાંમાં ફરનારા સ્વયંસેવકે ખાદીથી લોકોને કેવો લાભ થયો છે એ બતાવવા ખાદીનું કામ જ્યાં થતું હતું તે વિભાગની મુલાકાત લેવાનું તેમને સૂચવેલું, પરંતુ તે માગણીનો તેમણે આભાર સાથે ઇનકાર કર્યો. આ તટસ્થતામાં તેમની તપાસનું તથા તેઓ જે નિર્ણય ઉપર આવ્યા તેનું મૂલ્ય રહેલું છે.

તેમનું નિવેદન તેમની શાંત નિષ્પક્ષ વિચારસરણીને છાજે એવું હતું. તેમાં નિરર્થક એક પણ વીગત નહોતી કે એક પણ વિશેષણ નહોતું. અને બની શકે તેટલું તે સંક્ષિપ્ત હતું. તેઓએ ચાર પ્રશ્નોનો વિચાર કર્યો : એક, જમીનના માલિકો પોતાના ખેડૂતો પાસેથી જે ગણોત લે છે તેનો આધાર લઈને વધારો સૂચવાયેલો હોવાથી ખેડૂતોએ ભરેલાં ગણોતનાં જે પત્રકો તૈયાર થયાં છે તે આર્થિક દૃષ્ટિએ વાજબી દર ઠરાવવામાં મદદરૂપ થઈ પડે તેટલી કાળજીથી તૈયાર થયાં છે કે કેમ તે નક્કી કરવું અતિશય મહત્ત્વનું છે, અને જો એ પત્રકો ગંભીર ખામીવાળાં જણાય તો તે ઉપરથી દોરેલા બધા નિર્ણયો બિલકુલ નકામા ગણાવા જોઈએ; બીજો, ખુલ્લી હરીફાઈથી નક્કી થતાં ગણોતોને મહેસૂલના આધાર તરીકે ગણવાની નીતિ અખત્યાર કરતાં પહેલાં એટલું નકકી કરવું આવશ્યક છે કે કુલ ખેડાણ જમીનનો કેટલામો ભાગ રોકડ ગણોત આપતા ખેડૂતોના હાથમાં છે; ત્રીજો પ્રશ્ન એ છે કે આકારણીની જૂની મુદત દરમ્યાન ગણોતના દરમાં જે વધધટ થઈ હોય તે તપાસવામાં અપવાદરૂપ વર્ષોનાં ગણોતો બાદ કર્યાં છે કે નહિ; ચોથો, મહેસૂલના નવા દર નક્કી કરવા માટે માત્ર ગણોત ઉપર જ આધાર રાખવાનું લૅંડ રેવન્યુ કોડ તથા સેટલમેંટ મૅન્યુઅલની રૂએ કેટલે દરજજે વાજબી ગણાઈ શકે એમ છે.” કોડનો તથા મૅન્યુઅલનો અભ્યાસ કરીને તથા ઘણાં ગામમાં પોતે પ્રત્યક્ષ તપાસ અને પૂછપરછ કરીને તેઓ નીચેના નિર્ણયો ઉપર આવ્યા :

૧. ગણોતનાં પત્રકમાંથી વ્યાજુ ગણોતના દાખલા, શરતી વેચાણના દાખલા તથા પૂરાં વસૂલ નહિ થયેલાં ગણોતના દાખલા બાદ નહિ કરેલા હોવાથી, તેમજ ખાતેદારે જાતે જમીનમાં જે સુધારા કર્યા તેને લીધે જે વધુ ગણોત ઊપજે તેમાંથી સુધારાને કારણે ઊપજનો વધારો લૅંડ રેવન્યુ કોડની ૧૦૭ મી કલમ પ્રમાણે બાદ કરવો જોઈએ તે પણ બાદ નહિ કરેલો હોવાથી ગણોતનાં પત્રકો ગંભીર ખામીવાળાં ગણાય.

૨. રોકડ ગણોતે અપાયેલી જમીન ૨૦ ટકાની આસપાસ ગણાય, અને સને ૧૮૯૫ માં ‘૯૪ ટકા જમીન ખાતેદારો જાતે જ ખેડતા હતા,’ તે હકીકત ધ્યાનમાં લઈએ તો ગણોતે ખેડાતી જમીનનું આજનું પ્રમાણ ૩૦ ટકા ગણવું એ બહુ ગેરવાજબી રીતે મોટું પ્રમાણ છે.

૩. રેવન્યુ મેમ્બરે પોતે જ બહાર પાડેલી યાદી મુજબ ૧૯૧૮−૧૯થી ૧૯૨૪−૨૫ ની ભાવના ઉછાળાનો સમય કોઈ પણ જાતની ગણત્રીમાં નહિ લેવાવો જોઈએ.

૪. સેટલમેંટ કમિશનરે પેાતાના ‘એકમાત્ર સાચા એંધાણ’ તરીકે અપૂરતા અને ચાળ્યા વિનાના ગણોતના આંકડા ઉપર, પરોક્ષ તપાસનાં પરિણામો ઉપર અંકુશ તરીકે વાપરવા માટે નહિ પણ ખેતીના ખર્ચમાં જે વધારો થયા છે તે વિચારવું જ ન પડે અને તે માટે કાંઈ બાદ ન કરવું પડે તે માટે આધાર રાખ્યો છે. વળી ( સેટલમેંટ મૅન્યુઅલના શબ્દોમાં કહીએ તો ) ‘વધારો બહુ ભારે થઈ જતો અટકાવવા ખાતર નહિ, પણ વધારો કરવા માટે જ તેણે આ આંકડાનો ઉપયેાગ કર્યો છે.

ઉપરના નિર્ણય ઉપર પોતે આવેલા હોવાથી શ્રી. કુંઝરુ, વઝે અને ઠક્કર એ અભિપ્રાય ઉપર આવ્યા : ‘ફરી તપાસની માગણી સંપૂર્ણ રીતે ન્યાયી છે,’ અને ‘વીરમગામ તાલુકાની થયેલી નવી આકારણીનો ફરી વિચાર કરવાનું સરકારે બહાર પાડ્યું છે એટલે બારડોલીની આકારણીનો પણ ફરી વિચાર કરવાનો કેસ જવાબ ન આપી શકાય એવો મજબૂત બને છે.’

શ્રી. વઝેએ એક વિશેષ નોંધ પણ બહાર પાડી હતી, જેમાં તેમણે ‘બારડોલીની વર્તમાન લડત શુદ્ધ આર્થિક લડત છે અને સામુદાયિક સવિનય ભંગના એક અંગરૂપ નથી’ એ વસ્તુ ઉપર ખાસ ભાર મૂક્યો. ‘મારી તપાસથી મને સંતોષ થયો છે કે આ પ્રવૃત્તિના સંચાલકો બારડોલીના ખેડૂતોને જે ક્રૂર અન્યાય થયેલો તેઓ સાચી રીતે માને છે તે દૂર કરવા માટે પેાતાથી બને તેટલો પ્રયત્ન કરવા ઉપરાંત બીજા કોઈ પણ હેતુથી આ લડત આગળ ચલાવવા પ્રેરાયેલી નથી. આ લડતમાં વ્યાપક રાજદ્વારી હેતુ બિલકુલ નથી, છતાં તેવા હેતુનું સરકાર આરોપણ કરે છે તે અતિશય અયુક્ત અને અન્યાયી છે.’

આ નિવેદને જુદાજુદા રાજદ્વારી પક્ષના નેતાઓ ઉપર બહુ અસર કરી. હિંદી વર્તમાનપત્રોમાંથી થોડાંક ઢચુપચુ હતાં તેમની પણ સહાનુભૂતિ સત્યાગ્રહીઓ પ્રત્યે તથા લોકોની માગણીના વાજબીપણા વિષે તેમજ એાછામાં ઓછું અમુક તો તેમને મળવું જ જોઈએ એ વિષે વિનિત પક્ષ સુદ્ધાં બીજા મંડળોનો મત સંગઠિત કરવામાં બીજી કોઈ પણ વસ્તુ કરતાં વિશેષ ફાળો આ નિવેદને આપ્યો. આ સંબંધમાં શ્રી. મણિલાલ કોઠારીએ કીધેલો તનતોડ પ્રયત્ન અહીં નોંધવા જેવા છે. તેઓ અનેક પક્ષના નેતાઓને મળ્યા. તેમને બારડોલીના કેસથી અને બારડોલીની પરિસ્થિતિથી વાકેફ કર્યા. આનું સુંદર પરિણામ આવ્યું. એક પછી એક આ દરેક નેતાએ પોતાના વિચાર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યા, અને પ્રજાને એ જ સંબંધમાં વિચારતા કરી મૂકી. પંડિત મોતીલાલ નેહરુએ છાપાં જોગી એક લાંબી યાદી બહાર પાડી તેમાં કહ્યું: “હું એમ સમજ્યો છું કે મુંબઈ સરકાર ફરી તપાસ આપવા તો તૈયાર છે, પણ તપાસ આપતાં પહેલાં વધારેલું તમામ મહેસૂલ ભરાઈ જવું જોઈએ એ આગ્રહ રાખે છે. સરકારનું આ વલણ બહુ વિચિત્ર લાગે છે. જો વધારો પ્રથમ દર્શને જ ખોટો અને અન્યાયી હોય અને તેનો ફરી વિચાર થવાની જરૂર હોય તો એ વધારો વસુલ કરવાની માગણી કરવી એ તદ્દન અજુગતું અને ન્યાયવિરુદ્ધ છે.” સર અલી ઈમામે પોતાનો મત જાહેર કર્યો કે બારડોલીમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિનું નિરાકરણ “બન્ને પક્ષના પ્રતિનિધિઓવાળી સમિતિ નિમાય તો જ આવી શકે.” એટલો જ અસંદિગ્ધ અને તેની સંક્ષિપ્તતાને લીધે કદાચ વધારે અસરકારક અભિપ્રાય શ્રી. ચિંતામણિનો હતો. તેમણે આખા પ્રશ્નનો વિચાર શુદ્ધ વ્યવહારદૃષ્ટિથી કર્યો, તેમણે કહ્યું : “જનસ્વભાવ એટલો આડો અથવા ઊંઘબુધિયો ન જ હોય કે આટલા બધા ગરીબ માણસો આવી જબરદસ્ત સરકાર જેની મરજી એ જ કાયદો છે અને જેનો કાયદો ઘણીવાર તેના અવિવેકનો સભ્ય પર્યાય છે, તેની સાથે વિનાકારણ લડત ઉપાડે, જે લડતમાં તેમને લાભ કશો નથી પણ ગુમાવવાનું સર્વસ્વ છે,” તેમણે તો કહ્યું : “જેઓ પોતાની ફરિયાદના ન્યાયીપણા ખાતર આટલું ભયંકર દુઃખ વેઠવા તૈયાર થયા છે તેઓ વાજબી રીતે વધારો રદ્દ કરવાની જ માગણી કરી શકે, પરંતુ બારડોલીના ખેડૂતોના કેસના સબળપણાનો તથા મધ્યમસરતાનો એ તો પુરાવો છે કે તેઓ મહેસૂલમાં સીધો ઘટાડો કરવાની જ માગણી કરવાને બદલે સ્વતંત્ર અને કેવળ સરકારી અમલદારોની સમિતિથી ભિન્ન એવી તટસ્થ તપાસસમિતિની જ માગણીથી સંતોષ માને છે. સરકાર આવી તપાસ આપવાની આનાકાની કરે છે તેમાં તેના પોતાના કેસનું પોકળપણું અને નબળાપણું ઉઘાડું પડે છે. તપાસ આપવામાં આવે તો પહેલાં સરકાર વધારેલું મહેસૂલ ભરી દેવાની માગણી કરે છે તે તો એક ફારસ જ છે.” પણ આથી એક ડગલું આગળ વધીને તેમણે જાહેર કર્યું કે બારડોલીના સત્યાગ્રહ ‘કાયદેસર ચળવળ’ના અર્થની અંદર આવી શકે છે અને વિનીત પક્ષના સિદ્ધાંતોથી એ જરાયે અસંગત નથી. સર તેજબહાદુર સપ્રુએ કહ્યું : “સરકારની પ્રતિષ્ઠા - ખાતર મને તો આવશ્યક જણાય છે કે મહેસૂલના વધારાના સંબંધમાં બારડોલીના લોકોની જે ફરિયાદ છે તેને વિષે જ નહિ પણ મહેસૂલ વસૂલ કરવા માટે તથા પરિસ્થિતિને પહોંચી વળવા માટે લેવામાં આવેલાં પગલાંના સંબંધમાં જે આક્ષેપ થાય છે તે વિષે પણ તપાસ કરવા એક સ્વતંત્ર સમિતિ નિમાવી જોઈએ.”

વિદુષી બેસંટને પણ બારડોલી સત્યાગ્રહની ન્યાય્યતા વિષે કશી શંકા જણાઈ નહિ, અને અનેકવાર તેમણે લડતને ટેકો આપ્યો હતો.

આખા દેશમાં હિંદી વર્તમાનપત્રો તો સત્યાગ્રહીઓની તરફેણમાં જ હતાં. ઍંગ્લો-ઇંડિયન પત્રોમાં મુંબઈના અર્ધસરકારી પત્રના અપવાદ સિવાય બહારનાં ઘણાંખરાં વર્તમાનપત્રો તટસ્થ અથવા મૌન હતાં. પરંતુ નોકરશાહીનો હમેશાં પક્ષ કરવાની ઍંગ્લો-ઇંડિયન પત્રોની બેહૂદી પ્રથા આ વખતે અલ્લાહાબાદના ‘પાયેનિયરે’ અને કલકત્તાના ‘સ્ટૅટ્સમૅન’ પત્રે તોડી અને બારડોલી સત્યાગ્રહને બંનેએ ટેકો આપ્યો. ‘પાયોનિયરે’ લખ્યું : “મુખ્ય મુદ્દો કબૂલ કરવો જ જોઈએ અને તે વિનાવિલંબે કબૂલ કરવો જોઈએ કે બારડોલીની લડતનો કોઈ પણ નિષ્પક્ષ અને જેની પાસે સ્પષ્ટ હકીકતો આવી ગઈ હોય તેવો નિરીક્ષક એ નિર્ણય ઉપર આવ્યા વિના રહી શકે એમ છે જ નહિ કે ન્યાય ખેડૂતોના પક્ષમાં છે, અને નિષ્પક્ષ ન્યાયસમિતિ આગળ વધારેલા મહેસૂલની તપાસ કરાવવાની તેમની માગણી ન્યાયી અને વાજબી છે.”